સર્વોચ્ચ અદાલતની સાત જજોની બેન્ચે અનામત વિષે જે બહુમતી ચુકાદો આપ્યો છે એ ઐતિહાસિક અવશ્ય છે, પણ અંતિમ છે એ કહેવું મુશ્કેલ છે.
સર્વોચ્ચ અદાલત સમક્ષ સવાલ એ હતો કે દલિતો અને આદિવાસીઓ માટે જે અનામતની જોગવાઈ છે એમાં તેની અંતર્ગત વિભાજન કરવું જોઈએ કે નહીં? શું દેશમાં અલગ અલગ પ્રદેશમાં રહેતા તમામ આદિવાસીઓ અને તમામ દલિતો એક જ જાતિના છે? એક સરખું સામાજિક સ્તર ધરાવે છે? કે પછી તેમની અંતર્ગત સામાજિક સ્તરમાં અંતર છે અને માત્ર અંતર જ નહીં ભેદભાવ પણ છે? જો તેમની અંદર પણ સામાજિક સ્તરે અંતર હોય અને ભેદભાવ પણ હોય તો અનામતના લાભની પ્રમાણસર વહેંચણી થવી જોઈએ કે નહીં? જો એમ કરવામાં ન આવે તો દલિતો અને આદિવાસીની સબળ જાતિઓ અનામતનો લાભ લેતી રહે અને જે પાછળ છે એ પાછળ જ રહે. આ અનામત પાછળના મૂળ ઉદ્દેશને હાનિ નથી પહોંચાડતી?
આ પ્રશ્નોનો ઉત્તર આપવો અઘરો નથી. ભારતના દરેક પ્રદેશમાં રહેતા લોકોને જાણ છે કે તેમને ત્યાંના દલિતો અને આદિવાસીઓ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે એક સરખી સ્થિતિમાં નથી. તેમની અંદર વિવિધ જાતિઓ છે અને જાતિએ જાતિએ તેમનું સ્તર અલગ અલગ છે. એક જ જાતિની અંદર પણ સ્તરમાં અંતર છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દલિત તરીકે ઓળખાતી ૩૫ જાતિઓ છે. હકીકતમાં એ અનુસૂચિત કરવામાં આવેલી જાતિઓ છે જેને “દલિત” તરીકે ઓળખાવવામાં આવે છે. ટૂંકમાં દલિત જેવી કોઈ એક જાતિ નથી. એવું જ આદિવાસીઓનું. માટે ઉક્ત પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને સર્વોચ્ચ અદાલતે ઠરાવવાનું હતું કે જો તેમની અંદર પણ સામાજિક સ્તરે અંતર હોય અને ભેદભાવ પણ હોય તો અનામતના લાભની પ્રમાણસર વહેંચણી થવી જોઈએ કે નહીં?
સર્વોચ્ચ અદાલતે આ બાબતે પહેલો ચુકાદો ૨૦૦૫ની સાલમાં ઈ.વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ત્યારે કહ્યું હતું કે બંધારણનાં આર્ટીકલ ૩૪૧(૧) મુજબ જે યાદીના આધારે અનામતની જોગવાઈ આપવામાં આવે છે એ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ ધરાવે છે. એમાં જો ફેરફાર કરવો હોય તો સંસદ કરી શકે, રાજ્ય સરકારો આ ન કરી શકે. પણ પંજાબની સરકારે કાયદો ઘડીને આવો એક પ્રયાસ કર્યો હતો અને તેને પણ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. આની સામે રિવ્યુ પિટીશન કરવામાં આવી હતી અને રિવ્યુ પિટીશન સાંભળનાર જજોએ છેવટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સલાહ આપી હતી કે એક વિશાળ બેંચ રચવામાં આવે અને આ વિષે નિર્ણય લેવામાં આવે.
એ સલાહને અનુસરીને સાત જજોની ખંડ પીઠ રચવામાં આવી. સર્વોચ્ચ અદાલતનો ગુરુવારનો ચુકાદો સાત ન્યાયમૂર્તિઓની ખંડપીઠનો ચુકાદો છે. સાત જજોમાંથી છ જજોએ ચુકાદો આપ્યો હતો કે પરંપરાગત રીતે જે કેટલીક પ્રજાને અન્યાય કરવામાં આવતો રહ્યો છે એ પ્રજાને ન્યાય મળે અને એ બીજાની બરાબર કરી શકે એવા સમાનતા આધારિત સમાજની રચના કરવામાં આવે એ આખરી ઉદ્દેશ છે. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની જે સૂચી બનાવવામાં આવી છે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે એ જાતિઓ અને જનજાતિઓની સ્થિતિ એક સમાન નથી. એ કોઈ એક જ્ઞાતિ નથી, પણ અલગ અલગ જ્ઞાતિઓનો સમૂહ છે એ હકીકત છે. માટે દલિતો અને આદિવાસીઓમાં જે જાતિઓ કે જનજાતિઓ વધારે પછાત છે અને જે જાતિઓ અને જનજાતિઓ પ્રમાણમાં સામજિક સ્તરે આગળ છે એની વચ્ચે ભેદ પાડવો જોઈએ અને એ મુજબ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલ અનામતમાં પેટા વિભાજન થવું જોઈએ. ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીએ આનાથી અલગ ચુકાદો આપ્યો છે અને ઈ.વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો છે અને કહ્યું છે કે આવો અધિકાર રાજ્યોને ન આપી શકાય.
આ સિવાય સાતમાંથી ચાર ન્યાયમૂર્તિઓએ હજુ અગલ પડીને ક્રિમી લેયર હટાવવાનો પણ ચુકાદો આપ્યો છે. જેમ ઉકળતા દૂધ પરથી મલાઈ હટાવીને દૂધથી અલગ કરવામાં આવે છે એમ અનામતની જોગવાઈનો લાભ લઈને પ્રમાણમાં ઉચ્ચ સ્તરે ગોઠવાયેલા લોકોનાં પરિવારોને અનામતની જોગવાઈનો લાભ લેનારાઓમાંથી અલગ તારવતા જવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો અનામતની જોગવાઈનો લાભ એવા લોકોને મળશે જેને ખરેખર તેની જરૂર છે. કોઈ દલિત કે આદિવાસી લોકપ્રતિનિધિ હોય, સનદી અધિકારી હોય, કોઈ મોટો પદાધિકારી હોય કે સફળ વિજ્ઞાની હોય તો એ જેનો હાથ પકડવો પડે એવો દુર્બળ દલિત કે આદિવાસી રહેતો નથી. તેને બહાર કાઢવામાં આવે. ચાર જજો વતીનો આ ચુકાદો ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ લખ્યો હતો જે સ્વયં દલિત છે. વાચકોને યાદ હશે કે ક્રિમી લેયર દૂર કરવાની જોગવાઈ અન્ય પછાત કોમો માટે આ પહેલાથી જ છે.
આગળ કહ્યું એમ ચુકાદો ઐતિહાસિક અવશ્ય છે, પણ અંતિમ હશે એમ કહેવું મુશ્કેલ છે. જો કે ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું જ છે કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું તેની અંતર્ગત સામાજિક સ્તર ઠરાવવું એ ઊંડા અભ્યાસનો વિષય છે. આ કામ કાળજીપૂર્વક કરવું પડે એમ છે. આમાં રાજકારણ વચ્ચે ન આવવું જોઈએ. અહીં ઈલાજ બનીને આવે છે જાતિજનગણના. બિહાર સરકારે જાતિ જનગણના કરાવી તો ધ્યાનમાં આવ્યું કે મુસહર જેવા દલિતો અન્ય દલિતો કરતાં ક્યાં ય પાછળ છે. સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ દેશે જાતિ જનગણના કરાવવી જ જોઈએ કે જેથી ખબર પડે કે હવે કોનો હાથ છોડવાની જરૂર છે અને કોનો પકડવાની જરૂર છે. એમાં ગરીબ સવર્ણોનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ લોકસભામાં આની માંગ કરી તો શાસક પક્ષના સભ્ય અનુરાગ ઠાકુરે તેમની હંમેશની અસંસ્કારી ભાષામાં કહ્યું હતું કે જેની કોઈ જાતિ નથી અર્થાત વર્ણસંકર છે એ જાતિની વાત કરે છે. હંમેશની માફક વડા પ્રધાને અભદ્રતાને આવકારીને અનુરાગ ઠાકુરને શાબાશી આપી હતી.
પણ હવે તો સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનાં સામાજિક પછાતપણાનું પૃથ્થકરણ કરવામાં આવે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2024