પત્ની સાથે ઝવેરીની દુકાનમાં ઊભેલા સિદ્ધાર્થને કોણ બોલાવી રહ્યું હતું?
એ જમાનામાં સાહિત્ય સહવાસ એટલે સિદ્ધાર્થ માટે તો સંકટ સમયની સાંકળ. હનુમાન નગરનું ઝૂંપડું તો જમીનદોસ્ત થઈ ગયું. હવે? સાહિત્ય સહવાસમાં ‘અભંગ’ મકાન હજી હમણાં જ બંધાઈને તૈયાર થયેલું. એ મકાનના બધા રહેવાસી હજી રહેવા આવ્યા નહોતા. અને પોતાની ચોપડીઓ અને કપડાંનાં પોટલાં લઈને સિદ્ધાર્થે ધામા નાખ્યા ‘અભંગ’ની ગચ્ચી કહેતાં અગાસીમાં. આખો દિવસ તો બહાર રહે – કોલેજમાં, લાયબ્રેરીમાં કે કોઈ દોસ્તને ત્યાં. રાતે સૂવા માટે અગાસી. ‘અભંગ’ના ચોથા માળે પાલકરસાહેબ રહેવા આવ્યા. તેમને રોજ રાતે જમ્યા પછી અગાસીમાં આંટા મારવાની ટેવ. પહેલા એક-બે દિવસ તો સિધ્દ્ધાર્થનો જીવ ઊંચો. આ સાહેબ વાંધો લેશે તો? અગાસીમાંથી જવાનું કહેશે તો? પણ સાહેબ સમજુ હતા, માયાળુ હતા. ક્યારેક ખબરઅંતર પણ પૂછી લેતા. બારમા ધોરણથી માંડીને છેક એમ.કોમ. સુધીની પરીક્ષાઓ સિદ્ધાર્થે આ અગાસીમાં રહીને આપી!
ઓટલો નહિ, તો રહેવા અગાસી તો મળી. પણ રોટલાનું શું? એ જમાનો હતો આરે મિલ્ક કોલોનીની દૂધની બાટલીઓનો. સવારે વહેલા ઊઠી ખાલી બાટલીઓ ભરેલા થેલા લઈ મિલ્ક સેન્ટર પર જવાનું. બદલામાં દૂધ ભરેલી બાટલીઓ લેવાની. ચાર-ચાર માળનાં કુલ અગિયાર મકાન. એ વખતે એક્કેમાં લિફ્ટ નહિ. દરેક મકાનના દાદરા ચડી ઊતરી સવારે ઘેર ઘેર દૂધ પહોંચાડવાનું અને રાતે ખાલી બાટલી અને બીજા દિવસના દૂધના પૈસા લેવા જવાનું. દૂધ પહોંચાડ્યા પછી કંપાઉંડમાં ઊભેલી મોટરો ધોવાની. મફતનો કોઈનો એક પૈસો પણ લેવો નહિ એવી ગાંઠ મનમાં વાળેલી. BC(પછાત જાતિ)ના સભ્ય તરીકે મળતો કોઈ લાભ ક્યારે ય લેવો નહિ એવું નક્કી કરેલું. એટલે જાતે નવાં નવાં કામ શોધી લે. કોલનીનાં અગિયાર મકાનની અગાસીમાં પાણીની ટાંકી. પણ કોલની બંધાઈ ત્યારથી સાફ કરાવી નહોતી. એ અગિયારે અગિયાર ટાંકી એકલે હાથે સાફ કરવાનું બીડું સિદ્ધાર્થે ઉપાડી લીધું, એક ટાંકીના સો રૂપિયા લેખે. અને જિંદગીમાં પહેલી વાર એક સાથે ૧,૧૦૦ રૂપિયા હાથમાં આવ્યા.
કોલનીના રહેવાસીઓમાંના એક ફડણીસ કાકા. ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરની માન-મોભાવાળી નોકરી છોડીને પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરેલો. એ વખતે હજી દેશમાં કમ્પ્યુટર નવાં નવાં, પણ એના કામકાજમાં ઝૂકાવેલું. ૧૯૮૫માં સિદ્ધાર્થ ટી.વાય. બીકોમની પરીક્ષા આપે. અને એક દિવસ ફડનીસ કાકા પરીક્ષા હોલમાં દાખલ. આખા કલાનગર વિસ્તારમાં તેમને માટે એટલું માન કે કોઈ તેમને રોકે તો શાનું? સીધા ગયા સિદ્ધાર્થ પાસે. કહે : “સિદ્ધાર્થ! છેલ્લો પેપર આપીને સીધો મને મળવા આવજે. પરીક્ષા પછી નોકરીની ચિંતા ન કરતો. તને નોકરીની જરૂર છે. મને મારા કામમાં મદદ કરવા તારા જેવા જુવાનની જરૂર છે.” પરીક્ષા પૂરી થઈ તે જ દિવસથી દોઢ સો રૂપિયાના પગારની એકાઉન્ટટની નોકરી શરૂ!
*
૨૬ જૂન, ૨૦૦૫, રવિવાર. સમય બપોરના ત્રણ. સાધારણ રીતે આ ટાઈમે સાહિત્ય સહવાસમાં સોપો પડી ગયો હોય. ઘણાખરા બપોરની વામકુક્ષી માણતા હોય. પણ આજે કોલનીના ઘણાબધા લોકો ‘આનંદવન’ મકાન પાસે એકઠા થઈ ગયા હતા. આગલે દિવસે, અને રાતે પણ, ભરપૂર વરસાદ પડ્યો હતો. ઘણાના ચહેરા પર ટીપાં હતાં – વરસાદના પાણીનાં નહિ, આંસુનાં. સિદ્ધાર્થ ખેરવાડીની એક ચાલની ડબલ રૂમમાં રહેતો હતો, એ વખતે. ત્યાંથી નીકળીને એક એમ્બ્યુલન્સ કોલનીમાં દાખલ થઈ, ‘આનંદવન’ બિલ્ડિંગ પાસે આવીને ઊભી રહી. તેમાંથી હળવે હાથે લક્ષ્મણ પારઘેના પાર્થિવ દેહને નીચે ઊતારીને ‘આનંદવન’ નીચેની ખાલી જગ્યામાં ગોઠવ્યો. આ મકાન બંધાયું તે પહેલાં અહીં એક મોટો પથરો હતો. એ જ પથરા પર આખો દિવસ ભૂખ્યા-તરસ્યા બેસીને લક્ષ્મણે કોન્ટ્રેક્ટર શેઠની રાહ જોઈ હતી – અહીં નાનુંમોટું કામ મળી જશે એવી આશાથી. બધાં મકાન બંધાઈ ગયા પછી, એ પથરાની જગ્યાએ જ બંધાયેલ ‘આનંદવન’ નીચે બેસી કોલનીની રખેવાળી કરી. અને આજે છેલ્લી વિદાય પણ અહીંથી … કેટલાકે હાર ચડાવ્યા, કેટલાકે ફૂલ. કોઈકે પ્રદક્ષિણા કરી. અને સાહિત્ય સહવાસે તેના એક મૂંગા ઘડવૈયાને આખરી વિદાય આપી.
… એ જ લક્ષ્મણ પારઘેનો દીકરો સિદ્ધાર્થ હવે એ જ કોલનીમાં પોતાના ફ્લેટમાં રહે છે.
દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો છે. મોટર પણ લીધી છે. પણ કોણ જાણે કેમ સિદ્ધાર્થના મનમાં સોનું ખરીદવાની ભારે સૂગ. એને મન સોનું ખરીદવું એટલે પૈસાનો બગાડ. પણ પત્ની ભારતીને સોનાની બંગડી ખરીદવાની ભારે હોંશ. થોડા દિવસ તો આજે જશું, કાલે જશું, કહી વાત ટાળી. પણ પછી એક રવિવારની બપોરે પોતાની મોટરમાં બેસીને આંબેડકર ઉદ્યાન નજીકની ઝવેરીની દુકાને સિદ્ધાર્થ અને ભારતી પહોચી ગયાં. ભારતી તો ઘરેણાં જોવામાં મશગુલ. પણ સિદ્ધાર્થને લાગ્યા કરે કે કોઈક મને બોલાવી રહ્યું છે. દુકાનની બહાર આવ્યો. બાજુમાં જ બીજી દુકાન વાસણોની. અંદર નજર નાખી, અને એક છાજલી પર ગોઠવેલા પિત્તળના ઝગારા મારતા કળશા પર નજર ખોડાઈ ગઈ. કાનમાં ભણકારા વાગતા હતા : ‘મને તારે ઘરે લઈ જા, લઈ જા સિદ્ધાર્થ.’
ના, આ એ જ કળશો તો નહોતો, પણ હતો અદ્દલ એના જેવો. વર્ષો સુધી સિદ્ધાર્થનાં આઈ-બાબાના ઘરમાં ધાતુનાં ફક્ત બે જ વાસણ. એક, અદ્દલ આવો જ પિત્તળનો કળશો, અને બીજી, જર્મન સિલ્વરની નાની થાળી. વરસો સુધી રોજ સવાર-સાંજ ઘરનાં બધાં વારાફરતી એ નાની થાળીમાં જમે, અને એ એક જ કળશામાંથી પાણી પીએ. ઘડી ભર તો મન લલચાયું. પત્ની સોનાની બંગડીઓ ખરીદે છે, તો હું આ કળશો ખરીદી લઉં. ભાવ પૂછવા જતો હતો ત્યાં જ જાણે ક્યાંકથી અવાજ આવ્યો : ‘સિદ્ધાર્થ! આજે તારી પાસે શું નથી? આ કળશો તારા ઘરમાં હોય કે ન હોય, ઝાઝો ફેર પડવાનો નથી. પણ કોઈ ગરીબગુરબું આવીને ખરીદીને ઘરે લઈ જશે તો … અને સિદ્ધાર્થને યાદ આવી ગયું : વરસો પહેલાં, પૈસાની ખૂબ જરૂર હતી ત્યારે, બાબાએ આ જ દુકાને ઘરનો પિત્તળનો કળશો ગીરવે મૂકીને વીસ રૂપિયા લીધા હતા.
… અને પછી વીસ રૂપિયા પાછા આપીને એ કળશો ક્યારે ય છોડાવી શક્યા નહોતા.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
[પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 03 ઓગસ્ટ 2024]