Opinion Magazine
Number of visits: 9845719
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈલોન મસ્કનું મેકાઝિલા; રચનાત્મકતા કેમ પ્રગતિનો પાયો છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 October 2024

રાજ ગોસ્વામી

વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે, આપણું જીવન બહેતર ત્યારે જ થાય છે જ્યારે આપણે નવું વિચારતા રહીએ અને તેના પર અમલ કરતા રહીએ. એક સફળ વ્યક્તિ અને એક સફળ દેશનો તમે જો અભ્યાસ કરો, તો દેખાશે કે તેણે હંમેશાં જીવનને બહેતર બનાવવા માટે પ્રયાસો કર્યા છે.

13મી ઓક્ટોબરે, ભારતમાં લોકો બાબા સિદીક્કી અને લોરેન્સ બિસ્નોઈની ચર્ચામાં વ્યસ્ત હતા, ત્યારે દૂર અમેરિકામાં એક એવો ઇતિહાસ આકાર લઇ રહ્યો હતો, જે સ્પેસ ટેકનોલોજીના (અને વળતામાં માનવજાતિના) ભાવિને કાયમ માટે બદલી નાખવાનો હતો.

તે દિવસે, અમેરિકામાં ખાનગી સ્પેસ ટુરિઝમના પ્રણેતા અને 21મી સદીના સૌથી સાહસિક ઉદ્યમી ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીના ઈજનેરોએ સેટેલાઈટ છોડીને જમીન પર પાછા ફરતા બૂસ્ટરને હવામાં જ પકડી લીધું. જે ટાવર પરથી તેને છોડવામાં આવ્યું હતું, તે ટાવરમાં ઈજનેરો એવી ભૂજાઓ વિકસાવી હતી, જેમાં એ બૂસ્ટર પાછું આવીને બેસી જાય.

સાદી રીતે સમજવું હોય તો દિવાળીનું ઉદાહરણ લો. તમે નવા વર્ષનાં વધામણાં માટે તે દિવસે કાચની શીશીમાં હવાઈ મૂકીને સળગાવો છો, તે શીશીમાંથી આકાશમાં છૂટીને ધૂમધડાકા કરે છે અને પછી તેની દંડી પાછી નીચે આવીને શીશીમાં જ ઉતરી જાય તો કેવું?  

ઈલોન મસ્કે આવું જ કર્યું છે. પંદર માળની ઈમારત જેટલું વિશાળ બૂસ્ટર, જે ટાવર પરથી ઉડ્યું હતું, ત્યાં જ પાછુ આવીને ગોઠવાઈ ગયું! આમાં મોટી વાત એ છે કે એકવાર રોકેટ લોન્ચ કર્યા પછી, તેને પાછું લાવવું શક્ય નથી. એટલે કે, એક જ પ્રક્ષેપણમાં એક જ રોકેટનો ઉપયોગ કરી શકાય છે. આ અતિશય ખર્ચાળ છે અને સમય પણ ઘણો જાય છે. મસ્કે આમાં રિયુઝેબલ (ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા) રોકેટનું ઇનોવેશન કર્યું છે. તેણે સાબિત કરી બતાવ્યું છે કે એક રોકેટને હેમખેમ પાછું લાવીને ફરીથી છોડી શકાય છે.

ઈલોનને 2020માં પહેલીવાર આનો વિચાર આવ્યો હતો. તેનો કંપની સ્પેસએક્સની ટીમ સ્ટારશિપ માટે લેન્ડિંગ લેગ્સની ચર્ચા કરી રહી હતી. ઈલોન માનતો હતો કે માનવ સભ્યતાને અવકાશ-ઉડ્ડયન કરતી સંસ્કૃતિ બનાવવી હોય, તો એવાં રોકેટ બનાવવાં જોઈએ જે વિમાન જેવાં હોય; તે ટેક-ઓફ કરે, લેન્ડ કરે અને પછી શક્ય તેટલી વહેલી તકે ફરીથી ટેક-ઓફ કરે.

“તેને પકડવા માટે આપણે ટાવરનો ઉપયોગ કેમ કરી ના શકીએ?” ઈલોને તે મિટિંગમાં ઈજનેરોને પૂછ્યું હતું. તે વખતે ટાવર રોકેટને પકડી રાખીને તેનું પ્રક્ષેપણ કરવાનું કામ કરતાં હતાં. ઈલોને એમાં નવું સૂચવ્યું હતું : એ જ ટાવર રોકેટ પાછું આવે તો કેમ પકડી ન શકે?

તે એક વિચિત્ર વિચાર હતો. રૂમમાં લોકો હેબતાઈ ગયા. બિલ રિલ નામનો એક ઈજનેર કહે છે, “જો બૂસ્ટર ટાવર પર પાછું આવીને તૂટી પડે છે, તો બહુ લાંબા સમય સુધી આગામી રોકેટ લોન્ચ વગર રહી જવાય તેમ હતું, પરંતુ અમે એના પર વિચાર કરવા સંમત થયા હતા.”

જેવો તેણે આ નિર્ણય લીધો કે તે સાથે જ ઈલોન મજાક-મસ્તીના મૂડમાં આવી ગયો. તે ‘ધ કરાટે કિડ’ ફિલ્મના એક દૃશ્યનો ઉલ્લેખ કરીને હસવા લાગ્યો. ફિલ્મમાં કરાટે માસ્ટર મિયાગી એક માખીને પકડવા માટે ચૉપસ્ટિકનો ઉપયોગ કરે છે. ઈલોને કહ્યું હતું કે ટાવરની ભૂજાઓને ચૉપસ્ટિક્સ કહેવામાં આવશે, અને તેણે આખા ટાવરને “મેકાઝિલા” નામ આપ્યું હતું. તે ગોડઝિલા ફિલ્મ પરથી હતું.

તેણે એક ટ્વીટ મારફતે ખુશી વ્યક્ત કરી : “અમે લોન્ચિંગ ટાવરની ભૂજામાં બૂસ્ટરને પકડવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ!” એક ફોલોઅરે જ્યારે પૂછ્યું કે તેઓ શા માટે લેન્ડિંગ લેગ્સનો ઉપયોગ નથી કરતા, ત્યારે ઈલોને જવાબ આપ્યો હતો, “આમાં લેગ્સ ચોક્કસપણે કામ કરે, પણ કાયમ થતું હોય તેવું જ શા માટે કરવું જોઈએ!”

જુલાઈ 2021ના અંતમાં બુધવારે બપોરે, બોકા ચીકા લોન્ચ સાઇટ પર જંગમ ચૉપસ્ટિક ભૂજાઓ સાથે મેકાઝિલાનો અંતિમ ભાગ પૂરો કરવામાં આવ્યો. જ્યારે તેની ટીમે તેને ઉપકરણનું એનિમેશન બતાવ્યું, ત્યારે ઈલોન ઉત્સાહિત થઈ ગયો. તેણે બૂમો પાડી, “જોરદાર! આને તો લાખો લોકો જોશે.” તેને ‘ધ કરાટે કિડ”માંથી બે મિનિટની ક્લિપ મળી અને તેણે તેને પોતાના આઇફોન પરથી ટ્વિટ કરી હતી. તેણે કહ્યું હતું, “સ્પેસએક્સ કંપની તેના રોબોટિક ચૉપસ્ટિક્સ વડે અત્યાર સુધીની સૌથી મોટી ઉડતી વસ્તુને પકડવાનો પ્રયાસ કરશે. સફળતાની બાંયધરી નથી, પરંતુ ઉત્સાહ છે!”

કટ ટુ 13 ઓક્ટોબર, 2024. તે દિવસે દુનિયાના કરોડો લોકોએ એ વીડિયો જોયો, જ્યારે સ્પેસએક્સનું રોકેટ હવામાં ઉડ્યું અને પછી પાછું નીચે ઉતરીને એ જ ટાવરની ભૂજાઓમાં એવી રીતે બેસી ગયું, જેવી રીતે તમારી હવાઈ દંડી શીશીમાં પાછી ગોઠવાઈ જાય.

મૂળ વાત છે પરંપરામાંથી હટીને વિચારવું. આજના સમયમાં જો તમારે સફળ થવું હોય અને કંઇક ખાસ કરવું હોય, તો તમારે કંઇક નવું વિચારવું જોઈએ. સપનું જોવું અને હાંસલ કરવાનો પ્રયાસ કરવો એ બે અલગ બાબતો છે. જો તમારે કંઇક અલગ કરવું હોય, તો તમારી પાસે નવા વિચારોનો ભંડાર હોવો જોઈએ. 

વૈજ્ઞાનિકો માને છે કે આપણે મગજના માત્ર 10 ટકા ભાગનો જ ઉપયોગ કરીએ છીએ. જો માનવ મગજની પૂરી તાકાતનો ઉપયોગ કરતાં આવડે, જો દરેક વ્યક્તિમાં કંઇક નવું કરવાની ભાવના હોય હોય, તો વિચાર કરો જીવન કેટલું શાનદાર બને!

આપણી વિચારવાની રીત આપણા વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે, આપણે આપણી આસપાસના વાતાવરણમાંથી શું અને કેટલું ગ્રહણ કરીએ છીએ અને કઈ રીતે તેને આત્મસાત કરીએ છીએ તેનું પરિણામ આપણા વિચારોની ગુણવત્તામાં આવે છે.

સરળ શબ્દોમાં કહીએ તો, અલગ રીતે વિચારવું એટલે આપણી રચનાત્મક રીતે વિચારવાની ક્ષમતામાં વધારો કરવો તે. દરેક વ્યક્તિમાં વિચારવાની ક્ષમતા હોય છે, પણ જે અલગ વિચારે છે તે અન્ય લોકોથી પડે છે. માનવ જાતિનો વિકાસ તેની રચનાત્મક વિચારસરણીમાં આવ્યો છે.

આપણે જ્યારે જંગલમાં રહેતા હતા, ત્યારે ખોરાક શોધવા માટે દૂર દૂર જવું પડતું હતું, અને ઘણી વાર એક-બે દિવસ પછી ખોરાક ઉપલબ્ધ થતો હતો. પછી ધીમે ધીમે મનુષ્યો જ્યાં ફળો અને શાકભાજી હતાં ત્યાં સ્થાયી થવા લાગ્યા. એમાં તેમને બીજી વસ્તુઓ વિશે વિચારવાનો સમય મળ્યો. 

તેમાંના કેટલાક એવા મનુષ્યો હતા જેઓ વધારે વિચારતા ન હતા. સૌથી વિચારશીલ વ્યક્તિને તે સમયનો આગેવાન કહેવામાં આવતો હતો. કારણ કે પોતાના વિચારોની શક્તિથી તે આગ લગાડવા, માંસ કાપવા માટેનાં હથિયાર બનાવવા, વરસાદમાં પોતાનાં ઝૂંપડાંને પાણીથી બચાવવા જેવા નવા ચમત્કારો કરતા હતા, અને બાકીના લોકો તેમનું જોઈ જોઇને નકલ કરતા હતા. 

તેવા આગેવાનો તે સમયના સેલિબ્રિટીઓ હતા, પરંતુ આજે તેમના એ ચમત્કારો આખી દુનિયા કરે છે એટલે તેનું મહત્ત્વ રહ્યું નથી. આજે ઈલોન મસ્ક સેલિબ્રિટી છે કારણ તે જે કરે છે તેવું કોઈ નથી કરતું. કદાચ આજથી સો-બસો વર્ષ પછી આખી દુનિયા રોકેટમાં બેસીને એવી રીતે સ્પેસમાં જતી હશે, જેવી રીતે આપણે વિમાનમાં બેસીને દિલ્હી કે ડેનવર જઈએ છીએ. આને રચનાત્મક વિચાર કહે છે.

(પ્રગટ : “ગુજરાતમિત્ર”, “મુંબઈ સમાચાર”, “ગુજરાત મેઈલ”; 20 ઑક્ટોબર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જસ્ટીન ટ્રુડોના સ્વાર્થી રાજકારણે ભારત સાથેના રાજદ્વારી સંબંધોનો દાટ વાળ્યો?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 October 2024

જો આંતરરાષ્ટ્રીય વિવાદ ખડો કરી દેવાય તો સ્થાનિક કટોકટી પરથી લોકોનું ધ્યાન ખસી જાય અને પોતાની સત્તા બચી જાય એવી ટ્રુડોની ગણતરી હોઇ શકે છે

ચિરંતના ભટ્ટ

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારતને સળી કરીને રાજદ્વારી સબંધો બગાડવાની ચળ ઊપડતી હોય એમ લાગે છે. કેનેડામાં રહેનારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે, એટલું જ નહીં, પણ ભારતીય રાજદ્વારીઓ તેમાં સામેલ છે એવા આક્ષેપ કેનેડાએ કર્યા અને ભારતે તેને આકરી રીતે નકારીને કહ્યું કે આવું કંઇ હોય તો કેનેડાએ પુરાવા આપવા જોઇએ. લોરેન્સ બિશ્નોઇ જેવી ગેંગની મદદ લઇને ભારતીય એજન્ટો કેનેડામાં રહેતા ખાલિસ્તાની ટેકેદારોને ટ્રેક કરીને તેમની હત્યા કરાવે, તેમને ટાર્ગેટ કરે છે એવા આરોપ એક દેશના વડા, બીજા દેશ પર મૂકે એટલે સ્વાભાવિક છે આ હોબાળામાંથી હોળી જ થાય. જસ્ટિન ટ્રૂડોના વાણી વિલાસને પગલે કેન્દ્ર સરકારે સોમવારે છ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢીને કેનેડાથી ભારતીય હાઇ કમિશનરને પાછા બોલાવવાની જાહેરાત કરી. આ બધી રાજકીય વિધાનોની અફરાતફરી વચ્ચે જસ્ટિન ટ્રુડોએ બુધવારે એમ સ્વીકાર્યું કે નિજ્જરની હત્યાના વાસ્તવિક પુરાવા કેનેડાની સરકારે ભારતને નથી આપ્યા, માત્ર અમુક ગુપ્ત માહિતી જ આપી હતી.

આટલું ઓછું હોય એમ શીખ ફોર જસ્ટિસ, ખાલિસ્તાની આતંકવાદી સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુ, જે પોતે યુ.એસ.એ.માં છે તેણે કેનેડાના મીડિયામાં એમ કહ્યું છે કે તે પોતે બે-ત્રણ વર્ષથી કેનેડાના વડા પ્રધાનના કાર્યાલયના સંપર્કમાં છે અને ટ્રુડોની ઑફિસને ભારતીય ગુપ્તચર એજન્ટ વિશે તેણે માહિતી આપી છે. વળી પન્નુએ તો છાતી ઠોકીને એવું ય કહ્યું કે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાથી જાસૂસી નેટવર્ક અટકવાનું નથી. પન્નુએ કેનેડામાં રહેતા ભારતીયોની ભારત પ્રત્યેની વફાદારીની ટીકા કરી અને એવા અર્થનું વિધાન કર્યું કે કેનેડામાં રહેતા ભારતીયોએ ત્યાંના બંધારણને વફાદાર રહેવું જોઇએ, ભારતના નહીં.

જસ્ટીન ટ્રુડો

ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબધોની હોળીની ઝાળ આસમાને ચઢી છે ત્યારે બે દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોથી માંડીને ત્યાં ભણનારા લાખો છોકરાંઓનાં ભવિષ્ય પર તલવાર તોળાઇ રહી છે.  કેનેડાએ અધિકૃત અને અનાધિકૃત રીતે અમુક બાબતો જાહેર કરી છે, અમુક નામો જાહેર કર્યા છે જે કેનેડામાં અરાજકતા ફેલાવે છે, ગેરકાયદે કામગીરી કરે છે. આ યાદીમાં આપણા ડિપ્લોમેટ્સ, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સાથે સાથે ગૃહ મંત્રી અમિત શાહનું પણ નામ છે.  કેનેડા અને ભારતના સંબંધોમાં ‘રિશ્તોમેં દરાર આઇ’ વાળો તબક્કો આવી ગયો છે ત્યારે આપણે અમુક પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ; જેમ કે કોને લીધે કેનેડા અને ભારતના સંબંધો વણસ્યા?, ટ્રુડોને ફટકાર પડે છે છતાં પણ ભારત સામેનું તેનું વલણ વારંવાર ઉગ્ર કેમ થઇ જાય છે? શું કેનેડાના દાવાઓમાં જરા સરખું પણ સત્ય છે? આવા આક્ષેપો તો અમેરિકાએ પણ ભારત પર કર્યા છે તો ત્યારે આપણે કેમ ચૂપ રહીએ છીએ?

ભારત સરકારનું કહેવું છે કે કેનેડાના વડા પ્રધાન આ રીતે મત ભેગા કરવાની ફિરાકમાં છે. એટલું જ નહીં જો કેનેડિયન સરકાર ભારત વિરોધી અલગાવવાદીઓ અને કટ્ટરપંથીઓને મદદ કરવાનું ચાલું રાખશે તો ભારતે આકરા પગલાં લેવા પડશે.  આ કટ્ટરવાદીઓ એટલે ખાલિસ્તાનીઓ. ખાલિસ્તાની ચળવળ ભારતમાં તો દાયકાઓ પહેલાં ખતમ થઇ ગઇ છે પણ કેનેડાના રાજકીય વર્તુળમાં હજી તેનો પ્રભાવ છે, ત્યાંના કેટલાક શીખો હજી તેની તરફેણમાં છે. આ વર્ગના મત ટ્રુડોની સત્તા ટકાવી રાખવા માટે અનિવાર્ય છે અને માટે કેનેડામાં રહેતા કટ્ટરવાદી શીખ, જે ભારતના વિરોધીઓ છે તેમને ગમતા અને ગોઠતા નેરેટિવ્ઝ ટ્રુડો ચલાવે છે. ટ્રુડોની સત્તાનું સિંહાસન ડગમગી રહ્યું છે એટલે તેણે આ નેરેટિવનું તરણું ઝાલ્યું છે. અનિયંત્રિત ઇમિગ્રેશન, સત્તામાં રહેવાનો મોહ, ફુગાવો અને સંદિગ્ધ બનતી ઓળખ – આ ચારેય મુદ્દા ટ્રુડોની સત્તાને હચમચાવી રહ્યા છે. હવે ઘરમાં જ્યારે આટલી બધી હાંડલા-કુસ્તી ચાલતી હોય ત્યારે જો આંતરરાષ્ટ્રીય વિવાદ ખડો કરી દેવાય તો સ્થાનિક કટોકટી પરથી લોકોનું ધ્યાન ખસી જાય અને પોતાની સત્તા બચી જાય એવી ટ્રુડોની ગણતરી હોઇ શકે છે. કેનેડાની ચૂંટણીમાં ચીને કરેલો ચંચુપાત સંભાળવામાં ટ્રુડોને સરિયામ નિષ્ફળતા મળી છે ત્યારે ખાલિસ્તાની મુદ્દાને ઉછાળવું ટ્રુડોને સહેલું લાગે છે. ચીન સાથે ઝિંક ઝીલવા કરતાં ભારત પર દોષારોપણ એ ટ્રુડો માટે સહેલું હથિયાર બની ગયું છે એમ કહી શકાય. ચીન અને યુ.એસ.એ. સચવાય એ ટ્રુડોને માટે વધારે અગત્યનું છે. ટ્રુડો આ બધો હોબાળો કરીને ચીન સાથે સંબંધો સુધારવા માગે છે જેથી ઘર આંગણે આવી પડેલા રાજકીય પડકારોમાં તે સંતુલન મેળવી શકે. વળી જગમીત સિંઘની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીનો ટેકો મળે તો ટ્રુડોની સત્તા કેનેડામાં સચવાઇ જાય. કેનેડાએ ભૂતકાળમાં પણ રાજકીય દબાણને કારણે ક્યારે ય કટ્ટરવાદને નાથ્યો નથી, ખાસ કરીને ખાલિસ્તાની તત્ત્વોને (જે કેમ ખાલિસ્તાનના નામની માળા જપે છે એ સમજાતું નથી કારણ કે એ ચળવળનો અંત વર્ષો પહેલાં આવી ગયો છે) અને હવે એ સત્તા સાચવવા માટે અનિવાર્ય અનિષ્ટ બની ગયા છે. કેનેડાનું અર્થતંત્ર એક બહુ મોટું પાસું છે જે પાખું થઇ રહ્યું છે. 2008ની વૈશ્વિક મંદીમાંથી સફળતાપૂર્વક માર્ગ કાઢનારા દેશોની વાત થાય ત્યારે કેનેડાના વખાણ થતા. જો કે ‘બિગ ટેક’ની રેસમાં કેનેડા પાછળ રહી ગયું અને કોરોનાવાઇરસ રોગચાળા પછી કેનેડાનો GDP સંકોચાતો રહ્યો છે. અત્યારે પણ કેનેડા પાસે ન તો કોઇ મોટી ટેક કંપની છે કે ન કોઇ મોટા બિઝનેસ છે. માત્ર રિયલ એસ્ટેટ પર અર્થતંત્ર ન ચાલે, ખાનગી ક્ષેત્રોમાં વ્યવસાય કે ઉદ્યોગનાં ઠેકાણાં નથી. ગણીગાંઠી સરકારી રોજગારીને આધારે અર્થતંત્ર મજબૂત છે એવું ન કહેવાય. લોકો ટ્રુડોથી નારાજ છે અને માટે જ મતદાતાઓનું ધ્યાન બીજે દોરવા આંતરરાષ્ટ્રીય મુદ્દો ઉખેળવાની જૂની અને જાણીતી તરકીબ ટ્રુડોએ વાપરી છે.

આ તરફ કેનેડાની પોલીસે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જાહેરમાં ભારતીય સરકારી અધિકારીઓની સંડોવણી ખંડણી અને હત્યાની ઘટનાઓમાં હોવાની વાત કરાઇ અને ટ્રુડોએ પણ એ બાબતે હકાર કર્યો. વળી આ બધું દેખાય છે એટલું સહેલું નથી. તમે રાજદ્વારી પદ પર હો ત્યારે તમને સુરક્ષા કવચ મળ્યા હોય, કેનેડા સરકાર ચાહે એટલે પૂછપરછ કરીને આક્ષેપો ન મૂકી શકે. સ્વાભાવિક છે કે ભારત સરકારે પોતાના અધિકારીઓને સલામત રાખ્યા અને એટલે ‘પર્સન્સ ઑફ ઇન્ટરેસ્ટ’ની યાદીમાં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓનાં નામ જાહેર કર્યા જેને કારણે મામલો બિચક્યો. કેનેડાએ ભારતને એવી ધમકી પણ આપી કે જો તપાસમાં મદદ નહીં કરે તો તે G7 અને 5Ys સંગઠનના સાથીઓને ભારત વિરુદ્ધ કરી દેશે. ભારત અને કેનેડા વચ્ચેના વહેવારો પર પ્રતિબંધ આવી જવાની પણ વકી છે.

ભારત સ્વાભાવિક રીતે એમ ઇચ્છે કે ભારત વિરોધી નાગરિકો અને આતંકવાદી કે કટ્ટરવાદીઓને કેનેડાએ ભારતને સોંપી દેવા જોઇએ, તેમને માથે ન ચઢાવવા જોઇએ. પણ કેનેડાની સરકાર ત્યાની નાગરિક્તા ધરાવતા દરેકની રક્ષા કરવા માગે છે, કારણ કે એ તેમની વોટબેંક છે. આ તરફ ‘ગાર્ડીયન’ના રિપોર્ટ અનુસાર  2020થી વીસથી વધુ લોકો જે ભારત વિરોધી હતા તે અલગ અલગ દેશોમાં ભેદી રીતે માર્યા ગયા છે. આમાંથી ઘણાં લોકો પાકિસ્તાનના જુદા જુદા આતંકી જૂથ સાથે જોડાયેલા હતા અને તેમની હત્યા પછી પુલવામા હુમલા વગેરેમાં તેમની સંડોવણી હોવાની વાત કરી તેમના મોતને યોગ્ય ઠેરવાયા છે. બીજી બાજુ  ખેડૂત આંદોલન પછી ખાલિસ્તાનીઓને ટાર્ગેટ કરાયા. એમાં સૌથી પહેલો ભોગ લેવાયો પરમજીત સિંઘ પંજવારનો જે ગયા વર્ષે લાહોરમાં માર્યા ગયા. એ પછી યુનાઇટેડ કિંગ્ડમમાં રહેનારા ખાલિસ્તાનીઓને ધમકીઓ મળવા માંડી અને નિજ્જર તથા સુખદૂલને કેનેડામાં મોતને ઘાટ ઉતારાયા. વિદેશી અખબારના રિપોર્ટ અનુસાર આ હત્યામાં ઉચ્ચ સ્તરીય ભારતીય એજન્ટોનો અંગુલી નિર્દેશ હતો. ‘વૉશિંગ્ટન પોસ્ટ’ના રિપોર્ટમાં તો અમિત શાહનું જ નામ લખાયું છે. હવે જ્યારે કેનેડા અમેરિકી અખબારને આવી માહિતી આપવામાં ખચકાય નહીં ત્યારે એ સાબિત થઇ જાય છે કે કેનેડા અને ભારતના સંબંધો હવે સુધરે એવી શક્યતાઓ નહીં જેવી છે.

યુ.એસ.એ. ભારત સાથે માહિતી વહેંચે છે પણ કેનેડાએ આવું કંઇ કરવાની તસ્દી નથી લીધી એવું તો તેઓ કબૂલ પણ કરી ચૂક્યા છે. નિજ્જર કેસને મામલે ભારતે કેનેડા સાથે આકરો વહેવાર કર્યો એવું જ્યારે પન્નુના કેસમાં અમેરિકા સાથે કરવાનું આવ્યું તો ભારતનું વલણ જુદું જ હતું. આ તરફ અમેરિકાએ પણ આ મુદ્દાને જાહેર કૌભાંડ ન બનાવતાં નક્કર પુરાવાની વાતને આગળ કરી અને રાજદ્વારી ઢબે તેનું સંબોધન ક્રયું. અમેરિકાએ પણ પન્નુ કેસમાં ભારત પર આવા જ આક્ષેપો કર્યા છે પણ ભારતે ત્યાં આડોડાઇ નથી બલ્કે સ્વીકાર્યું છે કે એવા એક અધિકારી હતા જે અમેરિકાના એક નાગરિકને પતાવી દેવા માગતા હતા પણ તેમને હવે પદ પરથી ખસેડી લેવાયા છે. એટલે કે પન્નુના મામલે અમેરિકા અને ભારતનો અભિગમ વ્યવસાયી અને વહેવારુ છે, પણ ટ્રુડોએ પોતાના સ્વાર્થ માટે આંતરરાષ્ટ્રીય સંબંધો અસ્તવ્યસ્ત કરી નાખ્યા. એક સમયે કેનેડામાં ‘યર ઑફ ઇન્ડિયા’ની ઉજવણી કરાઇ હતી અને હવે બન્ને દેશોના સંબંધો એવા ત્રિભેટે આવ્યા છે કે ત્યાંથી કશું રાતોરાત સુધરી જશે એમ માનવું ભૂલ ભરેલું હશે.

બાય ધી વેઃ

કેનેડાના રાજકારણમાં જે ટ્રુડોના વિરોધીઓ છે તે પણ કેનેડાના નાગરિકોની સલામતીને અગ્રિમતા આપે છે એટલે કેનેડા સાથેના આ બગડેલા સંબંધો ટ્રુડોના હોવા કે ન હોવાથી સુધરશે ખરા? આમ જોઇએ તો ઇઝરાયલ અને અમેરિકા પણ પોતાના દુ:શ્મનોને શોધી શોધીને તેમનો ખાત્મો બોલાવે છે પણ એમની પર આંગળી ચિંધવાની હિંમત કોઇ નથી કરતું. યુ.એસ.એ. પણ કદાચ કેનેડાની આડોડાઇને માધ્યમ બનાવીને ભારતને સંદેશ આપવા માગતો હોય કે તમે વૈશ્વિક સ્તરે જાતને શક્તિશાળી સાબિત કરવા  માટે થનગનતા હશો, પણ મર્યાદામાં રહેજો. હજી સમય છે કે સઘળું સચવાઇ જાય પણ એ માટે બન્ને દેશમાંથી કોઇ એકે પોતાની ભૂલ માની લઇને રાજનૈતિક શાલીનતાથી વાટાઘાટ કરીને મામલો થાળે પાડી લેવો જોઇએ. કેનેડા ભારતીય ગુનેગારો અને માફિયાઓ માટે જાણે એક ‘સેફ હેવન’ બની ગયું છે, ભારત સરકારને લાગે છે કે ફાસ્ટ ટ્રેકિંગ વિઝા અને નાગરિક્તા આપવાની કેનેડાની નીતિનો આ ગુનાઈત તત્ત્વો લાભ ઉઠાવે છે અને બન્ને રાષ્ટ્રોમાં પોતાની કામગીરી ચલાવે છે. જસ્ટિન ટ્રુડો માટે ‘ઘો મરવાની થાય’ વાળી કહેવત વાપરવી જોઇએ? પોતાની નિષ્ફળતાની વાતો મીડિયામાં ચર્ચાવા માંડી ત્યાં તેમણે ભારત સાથે રાજદ્વારી કટોકટી ખડી કરીને માહોલ ફેરવી નાખ્યો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2024

Loading

સો વરસમાં રાષ્ટૃીય સ્વયંસેવક સંઘે કર્યું શું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 October 2024

રમેશ ઓઝા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નાગપુરમાં દશેરાના દિવસે આપેલું ભાષણ દેશમાં અનેક લોકોએ ધ્યાનથી સાંભળ્યું હશે. આનું મુખ્ય કારણ એ હતું કે આ દશેરાના દિવસે સંઘે ૯૯ વર્ષ પૂરાં કર્યા અને સોમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ૧૯૨૫માં ૨૭મી સપ્ટેમ્બરના દિવસે દશેરાના રોજ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. દશેરાના દિવસે સંઘના સરસંઘચાલક નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધે એ ત્યારથી ચાલી આવતી પરિપાટી છે, પણ આ વખતનો અવસર જૂદો હતો. અસ્તિત્વનાં સો વર્ષ એ કોઈ સામાન્ય ઘટના નથી. એમાં આ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની સ્થાપના જ ભારત વિષેની વિકસી રહેલી અને ગાંધીજીને કારણે ઝડપથી સ્વીકૃત બની રહેલી કલ્પનાને નકારવા માટે થઈ હતી.

કલ્પના એવી હતી ભારત કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ ભારતીય પ્રજાનો દેશ હશે, સહિયારો દેશ હશે, એ સેક્યુલર લોકતાંત્રિક દેશ હશે જેમાં દરેક નાગરિક એક સરખું સ્થાન ધરાવતો હશે અને તેનું સ્થાન બંધારણ દ્વારા સુરક્ષિત હશે. કોઈ એક પ્રજા બહુમતીમાં છે એટલે તેના ધર્મને કે તેની સંસ્કૃતિને ઝૂકતું માપ આપવામાં નહીં આવે. એમાં ગાંધીજીએ મુસલમાનો સાથે કોમી એકતા સાધવાનો પ્રયાસ કર્યો, ખિલાફત આંદોલનનું નેતૃત્વ કર્યું, સહઅસ્તિત્વ માટે શરતો લાદવાની ના પાડી અને અહિંસાનો મહિમા કર્યો. મહિમા નહીં, અહિંસાને આંદોલનનો આધાર બનાવ્યો. ગાંધીજીએ અસ્મૃશ્યતા નિવારણ માટે પ્રયાસ કર્યો, અસ્પૃશ્યતાને હિંદુઓનું કલંક કહ્યું અને દલિતોને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો.

એ સમયે અનેક હિંદુ નેતાઓને વિકસી રહેલી અને સ્વીકૃત બની રહેલી આઝાદ ભારત વિશેની કલ્પના મંજૂર નહોતી. તેમને એમ લાગતું હતું કે ભારત બહુમતી હિંદુઓનો દેશ છે એટલે હિંદુઓને, હિંદુ ધર્મને અને હિંદુ સંસ્કૃતિને ઝૂકતું માપ મળવું જોઈએ. એમાં તેમને ગાંધીજીના હિંદુ-મુસ્લિમ એકતાના પ્રયાસ તો બિલકુલ સ્વીકાર્ય નહોતા. મુસલમાનો ક્યારે ય ભારતનાં નહોતા અને ભવિષ્યમાં ક્યારે ય થવાના નથી. તેમની વફાદારી ભારતની બહાર છે અને ઇસ્લામ પ્રાદેશિક રાષ્ટ્રીયતાનો વિરોધ કરે છે. આ સિવાય અહિંસા. તેમને એમ લાગતું હતું કે જગતમાં માત્ર હિંદુ પ્રજા અહિંસામાં માને છે અને અહિંસાએ હિંદુઓને દુર્બળ બનાવ્યા છે. વી.ડી. સાવરકરે તો ભારતને અને ભારતની પ્રજાને દુર્બળ બનાવવા માટે બુદ્ધ અને મહાવીરને દોશી ગણાવ્યા છે.

મોહન ભાગવત

૧૯૨૫માં કેટલાક હિંદુઓએ મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી એ પાછળનો હેતુ આ હતો. તેઓ ભારતીય રાષ્ટ્રની જગ્યાએ હિંદુરાષ્ટ્ર સ્થાપવા માગે છે. એ માટે સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ઉપલબ્ધ સાહિત્ય અનુસાર સંઘની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના સ્થાપક ડૉ. કેશવ બલીરામ હેડગેવારે ચાર ઉદ્દેશ સ્વયંસેવકોને બતાવ્યા હતા : એક, હિંદુ નવોત્થાન. બે, હિંદુરાષ્ટ્રનું પુનરુત્થાન. ત્રણ, દેશની આઝાદી (ટોટલ ફ્રીડમ) અને ચાર. એ માટે હિંદુઓની એકતા. જ્યાં સુધી હિંદુઓ એક નહીં થાય ત્યાં સુધી બતાવવામાં આવેલા ત્રણ  ઉદ્દેશ સાકાર થઈ શકે એમ નથી. હકીકતમાં હિંદુ પ્રજા સર્વગુણસંપન્ન હોવા છતાં ય તેનું પતન થયું, વિદેશીઓ સામે ભારત પરાજીત થતું આવ્યું અને ગુલામ થયું એનું કારણ હિંદુઓમાં એકતાનો અભાવ છે. જગતની તમામ પ્રજાઓમાં હિંદુ પ્રજા સૌથી વધુ વિભાજીત છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના આ હેતુથી કરવામાં આવી હતી. આજે તો સંઘ વિરાટ બની ગયો છે. વિશ્વનું સૌથી મોટું સંગઠન છે. તેનો રાજકીય પક્ષ દેશમાં રાજ કરે છે. જીવનનું કોઈ એવું ક્ષેત્ર નહીં હોય જેમાં સંઘના સ્વયંસેવકની સીધી કે આડકતરી હાજરી ન હોય. સંઘ બહુઆયામી બની ગયો છે. એમાં અત્યાર સુધી વિભાજન નથી થયું કે નથી મતભેદ બહાર આવ્યા. આમ આ વિશ્વનું એક અનોખું સંગઠન છે. આવું સંગઠન જ્યારે શતાબ્દી વર્ષમાં પ્રવેશે ત્યારે આખા દેશની ઉત્સુકતા તેના સરસંઘચાલકના વક્તવ્યને સાંભળવાની હોય એ સ્વાભાવિક છે. અપેક્ષા હતી કે મોહન ભાગવત સંઘની સો વરસની યાત્રાનું વિહંગાવલોકન કરશે, સંઘની પ્યારી હિંદુરાષ્ટ્રની કલ્પના કેટલી સાકાર થઈ અને કેટલી સાકાર થવાની બાકી છે એ વિષે બોલશે, તેની સામે કઈ રીતના પડકારો છે તેની વાત કરશે, જે ભારતીય રાષ્ટ્ર લગભગ આઠ દાયકાથી અસ્તિત્વમાં છે અને જે બંધારણ પુરસ્કૃત છે તેનું શું કરવું એ વિષે વાત કરશે. વર્તમાન ભારતીય રાષ્ટ્ર તેના વર્તમાન સ્વરૂપમાં ટકશે કે તેમાં પરિવર્તન કરવામાં આવશે એ વિષે બોલશે. સંઘે હિંદુ નવોત્થાન માટે શું કર્યું અને કેટલું કરવાનું બાકી છે એ વિષે વાત કરશે. સંઘ વિશ્વનો સૌથી મોટો અને સૌથી પ્રચંડ ઉર્જાનો ધોધ છે. સોમાં વર્ષે તેના મુખિયાને કેટલું બધું કહેવાનું હોય! એ લોકો પણ ઉત્સુક હતા જે સંઘના હિંદુરાષ્ટ્રના સમર્થકો છે અને એ લોકો પણ સાંભળવા ઉત્સુક હતા જે તેનો વિરોધ કરે છે.

શું કહ્યું મોહન ભાગવતે સંઘના શતાબ્દીપ્રવેશ વખતે? કદાચ તમે ભાષણ સાંભળ્યું હશે તો તમે તેમની વાત નોંધી હશે. હિંદુઓએ સંગઠિત થવાની જરૂર છે. હિંદુઓએ નાત-જાત, ધર્મ-સંપ્રદાય-પેટા સંપ્રદાય, પ્રદેશ અને ભાષાની ઓળખથી ઉપરવટ હિંદુ ઓળખ વિકસાવવી જોઈએ, પ્રજાકીય દુર્બળતા અક્ષમ્ય અપરાધ છે અને વિભાજીત પ્રજા ક્યારે ય સબળ બનીને અપરાધમુક્ત ન થઈ શકે. ભારતની ગેર હિંદુ પ્રજાઓએ સમરસ થઈ જવું જોઈએ. મોહન ભાગવતે તેમના દશેરાના વ્યાખ્યાનમાં સમરસતાની વ્યાખ્યા નહોતી કરી, પરંતુ સંઘ એમ માને છે કે વિધર્મી પ્રજાએ હિંદુ ધર્મ અપનાવીને નહીં, પણ હિંદુ સંસ્કૃતિ અપનાવીને સમરસ થવું જોઈએ, કારણ કે હિંદુ સંસ્કૃતિ એ જ ભારતીય સંસ્કૃતિ છે. છેલ્લે લગભગ પાંચેક મિનિટનું વક્તવ્ય તેમણે વાંચ્યું હતું જેમાં એવી વાતો કહેવાઈ હતી જે સાંભળીને લાગે કે આ તો ગાંધીજીની વાણી છે કે શું!

સો વરસ પહેલા સંઘની સ્થાપના હિંદુઓને સંગઠિત કરવા માટે કરવામાં આવી હતી. કારણ? એ જ જે ઉપર કહેવામાં આવ્યાં છે. હિંદુ એકતા સાધન હતું અને સાધ્ય તો હિંદુ ન્વોત્થાન, હિંદુરાષ્ટ્ર અને સંપૂર્ણ આઝાદી હતાં, જેમાંથી આઝાદી તો તેમના યોગદાન વિના મળી ગઈ, પણ બાકીનાં બે સાધ્ય સાધવાના બાકી છે. પણ આજે સો વરસ પછી એ જ સાધનની જ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. નિદાન પણ એ જ અને ઈલાજ પણ એ જ. સો વરસ પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે સંગઠિતપણાના અભાવે પેદા થતી પ્રજાકીય દુર્બળતા અપરાધ છે. ત્યારે પણ હિંદુઓને ચેતવણી આપવામાં આવી હતી અને આજે પણ એવી જ ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે પણ હિંદુઓને ડરાવવામાં આવતા હતા અને આજે પણ ડરાવવામાં આવી રહ્યા છે. ત્યારે પણ હિંદુ ધર્મી-વિધર્મી વચ્ચે સમરસતાની વાત કહેવાઈ હતી અને આજે પણ એ જ કહેવાઈ રહી છે. ડીટ્ટો એ જ. દરેક વરસે અને દરેક પ્રસંગે સો વરસથી સંઘ આ કહી રહ્યો છે. ટૂંકમાં કેટલાક લોકો માને છે વિવિધતા ભારતની ઓળખ છે અને એ તેની તાકાત છે, જ્યારે સંઘ માને છે કે વિવિધતા ભારતની મર્યાદા છે. એકતા ભારતમાં સ્થપાવી જોઈએ, એકતા વિના તાકાત શક્ય નથી અને બહુમતી પ્રજા તરીકે હિંદુઓએ એક થવું જોઈએ. આ હિંદુઓનું પરમ કર્તવ્ય છે. દિવ્ય પુરુષાર્થ છે.

તો સવાલ એ છે કે સો વરસમાં સંઘે કર્યું શું? હિંદુરાષ્ટ્ર માટે હિંદુ એકતા જો અનિવાર્ય શરત છે તો સો વરસમાં કેટલી હિંદુ એકતા સાકર થઈ? નથી થઈ તો કેમ નથી થઈ? સામાજિક અધ્યન માટેની દેશની અત્યંત શ્રદ્ધેય સંસ્થા સેન્ટર ફોર સ્ટડીઝ ઓફ ડેવલપિંગ સોસાયટીઝના તાજા અભ્યાસ મુજબ દેશના માત્ર ૧૧ ટકા હિંદુઓ એમ માને છે કે ભારત હિંદુ રાષ્ટ્ર હોવું જોઈએ. ૮૯ ટકા હિંદુઓ વિવિધતાને ભારતની ઓળખ, ભારતની વિશેષતા અને ભારતની તાકાત તરીકે ઓળખાવે છે. તેમાં તેમને કોઈ દુર્બળતા નજરે પડતી નથી. તો શું હિંદુ એકતા શક્ય જ નથી કે પછી ભારતનાનાં હિંદુઓને સંઘ ઈચ્છે છે એવી એકતા જરૂરી લાગતી નથી? સંઘે હિંદુ નવોત્થાન માટે શું કર્યું? હિંદુ નવોત્થાન કઈ રીતે કરવાનું એની કોઈ રૂપરેખા સંઘે આપી છે ખરી? તમારા વાંચવા જોવામાં આવી છે? સંઘે તેનાં વહાલા હિંદુરાષ્ટ્રની કોઈ કલ્પના લોકો સમક્ષ રજૂ કરી છે ખરી? એવું તો નથી કે સંઘે તેની હિંદુરાષ્ટ્રની કલ્પના લોકો સમક્ષ ફોડ પાડીને રાખી નથી એટલે દેશની વિધર્મી પ્રજા તો ઠીક, હિંદુઓ પણ તેનાથી ડરે છે. ખાસ કરીને, દલિતો, પછાત કોમો અને સ્ત્રીઓ.

શતાબ્દી ટાણે આના વિષે ચર્ચા થવી જોઈએ અને સ્વયંસેવકોએ આ પ્રશ્ન સંઘના નેતાઓને પૂછવા જોઈએ. આખરે સંઘ છે શેને માટે? અને જેમ આ વખતે પણ જોવા મળ્યું એમ લગભગ દરેક પ્રસંગે સંઘના નેતાઓએ છેવટે ઉપનિષદ, વિવેકાનંદ, ગાંધી, વિનોબાની ભાષામાં તો બોલવું જ પડે છે. શું સંઘના નેતાઓને પોતાને જ આંતરિક ઉદાત્તતા વિનાનો હિંદુ અધૂરો લાગે છે? સંઘના સ્વયંસેવકોએ આ સવાલ પૂછવા જોઈએ. સંઘમાં વિચારવાની પરંપરા નથી એટલે વિનાયક દામોદર સાવરકર સંઘ વિષે મજાકમાં કહેતા કે સંઘનો સ્વયંસેવક જન્મે છે, શાખામાં જાય છે અને મૃત્યુ પામે છે.

જો આ જ પરિપાટી ચાલુ રહી તો સંઘની દ્વિશતાબ્દી પણ આવી જ કોરી ઉજવાશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ઑક્ટોબર 2024

Loading

...102030...570571572573...580590600...

Search by

Opinion

  • ઈડલી અમ્મા
  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved