Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શ્રદ્ધા પોતે જ હવે અશ્રદ્ધેય ! 

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|14 August 2025

મનને બહુ આગ્રહ કરી કરીને શ્રેયસાધક બની રહેવાનું કહું છું. અંદરથી એવું ય અનુભવાય છે કે શ્રેયસાધક કહેવાય તેઓનું જગતમાં સંખ્યાબળ પણ કેટલું ? પણ આમ્રવૃક્ષ બાવળ શી રીતે બની શકે ?

આસપાસ મોટા ભાગના જીવો પ્રેયસાધક જ જોવા મળે છે . બાહ્ય દેખાવ શ્રેયસાધકનો; પણ અંદરથી તો પ્રેયના જ પૂજારી – વધારે યોગ્ય શબ્દ વાપરવો હોય તો પાપના પૂજારી પણ પ્રયોજી શકાય ! મોટા ભાગનાનું મન એવું કે અનૈતિકતા, અપ્રામાણિકતા, ગમે તે માર્ગે – ગમે તે રસ્તે જેટલું ધન મેળવી શકાય, રળી શકાય એટલું ઉસેડી લેવાનું; આ રોગ ઊગીને ઊભા થાતા નાનકડાં છોકરાંઓમાં ય નરી આંખે જોઈ શકાય છે; જેને મળીએં એ શખ્સ “નીરજ” કહે છે તેમ “सब का तेरी जेब से नाता, तेरी जरुरत कोई नहीं ।”ની મનોવૃત્તિવાળો જ જોવા મળશે !

આશ્ચર્યની વાત તો એ છે કે આમ તો  positive thinking – એટલે કે હકારાત્મક વિચારણાનો મહીમા ચારે તરફ જોવામાં આવશે; પણ મોટા ભાગના આધેડો અને ખાસ કરીને યુવાનો પાસે નૈતિકતાની અને પ્રામાણિકતાની વાત કરીએ એટલે એ આક્રમક રીતે દલીલોથી ઉદાહરણ સહિત વિરોધ કરવા રીતસરના તૂટી જ પડે છે; એમનો બિલકુલ દોષ નથી રોજિંદા જીવનમાં તેઓ જે જૂએ છે – જાણે છે – જીવે છે એ જ અણગમતી બાબતની પ્રતિક્રિયા તો એ આપે જ ને !

આમ તો પૃથ્વી પર મનુષ્ય જનમ્યો અને એનું મન વિચારતું થયું હોય ત્યારથી જ શુભની સાથે જ અશુભની પણ વિચારણા શરૂ થઈ હશે. “રામાયણ”, “મહાભારત” પણ શુભ-અશુભની જ સંમિશ્રિત કથા છે ને ? પણ પાછલે પગલે જેમ જઈએ એમ શુભનું – શ્રેયનું બળ વધુ જોવા મળશે. એથી જ એ કાળે લોકો પર ધર્મનો પ્રભાવ અને ડર પણ વિશેષ જોઈ શકાશે. કિન્તુ, કહેવાય છે કે જગતમાં બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે જગતમાં નૈતિક મૂલ્યોનો તમામ ક્ષેત્રમાં હ્રાસ થયો ! સંઘરાખોરી, કાળાબજાર, અઢળક ધન રાતોરાત મેળવી લેવાની લાલસા, ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત વગેરે અનિષ્ટો આ બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન વિશેષ જોવા મળ્યા. હવે આધુનિક યુગના મશીનછાપ માનવીનો ચહેરો નજરે આવ્યો. ઉમાશંકર જોશીના નિબંધસંગ્રહ “ગોષ્ઠિ”ના એક નિબંધમાં પણ આ બીજા વિશ્વ યુદ્ધ પછી અમદાવાદની યુવાન પેઢીમાં આવેલ આ પરિવર્તનની નોંધ લેવાઈ છે .

આ શ્રેયમાર્ગથી બીજા વિશ્વ યુદ્ધની આબોહવાએ આપણને ઘણાં દૂર લાવી મૂક્યા છે. આપણે અનૈતિકતા, અપ્રામાણિકતા, ભ્રષ્ટાચાર અને લાંચ-રૂશ્વતને નામશેષ કરવાની મહેચ્છા રાખીએ છીએ, પણ એ તો `રક્તબીજʼની જેમ વધારે ને વધારે ફાલતાફૂલતા જાય છે !

હજુ ધરતી સાવ વાંઝણી તો નથી જ થઈ; શ્રેયાર્થીઓ પણ નથી જ એવું તો નથી; પણ આપણે આપણા રોજિન્દા અનુભવોને આધારે એટલી હદે શ્રદ્ધા ગુમાવી બેઠા છીએ કે કોઈ વ્યક્તિને આપણે શ્રદ્ધેય તરીકે સ્વીકારી શકતા નથી. આ અશ્રદ્ધાની વચ્ચે – સાથે જીવવું એ નાનીસૂની સજા નથી!

તા. ૧૪-૦૮-૨૦૨૨

Loading

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૬ (સાહિત્યવિશેષ : પ્લેટો) 

સુમન શાહ|Opinion - Literature|14 August 2025

જાક્સ દેરિદા

મારી પાસે માત્ર એક જ ભાષા છે, અને એ મારી નથી – I have only one language; it is not mine — દેરિદા કહે છે. ભાષા સાથેનો એમનો સમ્બન્ધ ગહન છે. એની પ્રતીતિ માટે પ્રારમ્ભ પૅરીસથી નહીં પણ એમના અલ-બિયારના વતનથી કરવો પડે, જ્યાં એમને એક અલ્જીરિયન યહૂદી શિશુ તરીકે શાસકોની ભાષા ફ્રૅન્ચ શીખવી પડેલી. એ પારકી ભાષામાં પૅરીસમાં ભણ્યા-ભણાવ્યું-લખ્યું, પુસ્તકો થયાં, અંગ્રેજીમાં અનુવાદો થયા, અમેરિકન યુનિવર્સિટીઓ સાથે વિદ્યાકીય અનુબન્ધ સ્થપાયો; એ બધી ઘટનાઓને કારણે બીજી પારકી ભાષા અંગ્રેજી સાથે જોડાવાનું પણ થયું. તેમ છતાં, કારકિર્દી દરમ્યાન દેરિદા ભાષાનાં જ સત્ત્વ / તત્ત્વ શોધતા રહ્યા. ભાષા જ એમના જીવનનું પ્રેરકબળ બની રહી અને એથી જ એમનું સમગ્ર જીવનકાર્ય ઘડાયું. 

મને એમ થયેલું કે દેરિદા અને વિઘટનશીલ ફીલસૂફીના વિષયમાં ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક વગેરે એમના અનુવાદકો / અર્થઘટનકારોએ અર્થસભર વાતો કરી છે એ વિશે લખું; પણ એ પહેલાં, એમ નક્કી થયું કે ના, દેરિદાના સાહિત્યકલાવિષયક વિચારો અને સંલગ્ન ભાવવિશ્વ વિશે વીગતે લખું, કેમ કે મારી / આપણી અપેક્ષાના અગ્ર ક્રમે સાહિત્ય છે.

દેરિદાનાં ફિલસૂફીવિષયક પુસ્તકો પ્રકાશિત થયાં, તેઓ ફિલસૂફ તરીકે સ્થિર થયા, એથી બહુ પહેલાં, એમનો સાહિત્યસૃષ્ટિમાં વિહાર શરૂ થઈ ગયેલો. એમનું બૌદ્ધિક ઘડતર શરૂ થઈ ગયેલું કેમ કે એમણે રૂસો કામૂ બર્ગસૉં સાર્ત્ર નિત્શે જેવા મનીષીઓને વાંચ્યા હતા. કશું દર્શન શરૂ થાય એ પહેલાં એમને સમજાઈ ગયેલું કે સાહિત્ય તો પોતાના ઋતથી જીવે છે; સાહિત્યને ધરવ નથી, એ નથી ઇચ્છતું કે માણસ બધું પામી જાય ને વાતનો છેડો આવે, પૂર્ણ વિરામની એ ના પાડે છે. પરન્તુ સત્તાવિષયક તન્ત્રો ભાષાને તોતડી-બોબડી કરી શકે છે, જ્યાં એ પોતાના જ ભારથી ધ્રૂજવા લાગે છે. એને પરિણામે, અર્થ વિશે જ અવઢવ થવાની. માણસ વિરોધોમાં અટવાયા કરે, એને પોતાની ઓળખ ન પડે, એને થાય કે પોતે છિન્નભિન્ન છે, એવી એક દુ:સાધ્ય સ્થિતિ ઊભી થવાની. દેરિદાએ સાહિત્યના એ વિલક્ષણ સ્વરૂપ સાથે પાનું પાડ્યું છે. 

સાહિત્ય રૂપકો વક્રોક્તિઓ અલંકારો સંદિગ્ધ અર્થો અને અર્થઘટનોની શક્યતાઓથી ખીલ્યું હોય છે. આપણે જાણીએ છીએ કે સાહિત્ય સવિશેષે લક્ષણા અને વ્યંજનાથી સૂચવાતા અર્થોની સૃષ્ટિ છે. તત્ત્વદૃષ્ટિ અને સાહિત્યના યોગનું પરિણામ એ આવે છે કે દેરિદા સાહિત્યકૃતિઓમાં રહેલી સંદિગ્ધતાઓ અને લેખકોની શૈલીના ગૂંચવાડા તેમ જ આન્તરવિરોધોને તરત પારખી લે છે. સાહિત્યકૃતિઓમાં ય તેઓને અર્થની તફાવતપરક અને વિલમ્બનને વરેલી પ્રકૃતિ જોવા મળે છે. (અધ્યેતાઓને યાદ આવશે કે આધુનિક ગુજરાતી કવિતા-સાહિત્ય સંદર્ભે અર્થવિલમ્બનના મુદ્દાની સાધકબાધક ચર્ચા થઈ હતી.)

મુખ્ય વાત એ કે વિઘટન માટે તેઓ વિજ્ઞાન કે કાયદાશાસ્ત્રની તુલનામાં સાહિત્યને વિશિષ્ટ મહત્તા ધરાવતી ભૂમિ – site – ગણે છે. વિશિષ્ટ મહત્તા એ કારણે કે સાહિત્ય ઊંડી સૂઝ અને વિશદ સમજ માટેનો દૃષ્ટિદોર પૂરો પાડે છે. આપણે જોઈ શકીએ છીએ કે દેરિદાને મન સાહિત્ય માત્ર ફિલસૂફીવિષયક વિશ્લેષણનું વસ્તુ નથી બલકે સાહિત્યને એમણે ફિલસૂફીની વિભાવનાઓના અનોખી ઢબના પ્રાગટ્ય માટે તેમ જ લાક્ષણિક પ્રકારના સમર્થન માટેની ભૂમિકા રૂપે ઘટાવ્યું છે, અને એ ભૂમિકાનો કારકિર્દી દરમ્યાન ભરપૂર વિનિયોગ કર્યો છે. 

જાણીતું છે કે ભાષા અમુક સાહિત્યકૃતિઓમાં એકમેવ નિશ્ચિત અર્થનો કેવો તો પ્રતિકાર કરતી હોય છે. એથી અનિર્ણયનીયતા, દેરિદા જેને ભાષામાત્રનું પાયાનું લક્ષણ ગણે છે, તે undecidability, પ્રકાશિત થાય છે. દેરિદા માને છે કે ‘અનિર્ણયનીય’ આપણને હમેશાં ડરાવી દેતું હોય છે. સાહિત્યમાં કે જીવનમાં કંઈપણ અનિર્ણયનીય વરતાય એ દેરિદા માટે શોધખોળનો મામલો બની જતો જણાય છે. તેઓ સૂચવે છે કે અનિર્ણયનીયને વિશે પ્રતિભાવાત્મક રહીએ, તે નૈતિક કહેવાશે. એમનું મન્તવ્ય રહ્યું છે કે સાહિત્યેતર ક્ષેત્રોમાં અનિર્ણયનીયને કાં તો દબાવી અથવા છુપાવી દેવાય છે. તેઓ માને છે કે એ વર્તનના ‘પ્રકાશન’ માટે સાહિત્ય વડે થતા રહેતા વિચારવિમર્શ ઘણા ઉપકારક નીવડતા હોય છે.

દેરિદાનું સુખ્યાત વિધાન there is nothing outside the text, ટૅક્સ્ટ બહાર કશું નથી; તાત્પર્ય, આખું વિશ્વ એક ટૅક્સ્ટ છે. એ વિધાનથી તેઓ પુસ્તકો બહારના વિશ્વને નકારતા નથી, ઊલટું, એમણે દર્શાવ્યું છે કે વિશ્વની તમામ વાસ્તવિકતાઓ વ્યાપક અર્થમાં textual છે. એમાં ભાષા અને અર્થઘટનની મધ્યસ્થી અથવા દરમ્યાનગીરીએ ખાસ્સો ભાગ ભજવ્યો હોય છે. કેમ કે ભાષા સત્યનું પારદર્શક વાહન (હું ‘પારણું’ કહીશ) નથી પણ જીવન્ત કહી શકાય એવું સંરચના-બળ છે. સાહિત્ય સંદર્ભે આ મુદ્દો વધારે સ્પષ્ટ થાય છે કેમ કે સાહિત્ય પોતે જ પોતાની textual પ્રકૃતિ દર્શાવી દેતું હોય છે. સાહિત્યકૃતિ ચોખ્ખું સૂચવે છે કે અર્થ પૂર્વવર્તી વાસ્તવિકતાનું પ્રતિબિમ્બ નથી, અર્થ હમેશાં સાહિત્યમાં ય સંજ્ઞાઓની લીલાથી સંઘટ્ટિત થયા હોય છે. એટલે દેરિદા માને છે કે સાહિત્ય સમેતની તમામ માનવ-સંઘટ્ટનાઓને texts ગણવી જોઈએ અને દરેકનું વિઘટનની સિદ્ધાન્તસરણીએ વિશ્લેષણ કરવું જોઈએ. 

આ કારણે દેરિદાએ ફિલસૂફી અને સાહિત્ય વચ્ચેના લોક-ખ્યાત ભેદને પડકાર્યો છે. એમણે કહ્યું છે કે ફિલસૂફી વિશેનાં લેખનો પણ સાહિત્યિક હોય છે, એમાં પણ અલંકારો હોય છે અને તે પણ બહુવિધ અર્થઘટનો માટે ખુલ્લાં હોય છે. તેઓએ એ પણ બતાવ્યું છે કે સાહિત્યકૃતિઓ પણ ફિલસૂફીપરક ગમ્ભીર પ્રશ્નો ઊભા કરતી હોય છે. એમનું મન્તવ્ય છે કે ફિલસૂફી અને સાહિત્યની સરહદો કેટલીયે વાર એકમેકમાં ભળી જતી હોય છે. એમનું સૂચન છે કે અધ્યેતાએ એ સીમાલોપને હમેશાં ધ્યાનમાં લેવો જોઈશે. 

આ વાતોના અનુસન્ધાનમાં મને થયું કે સાહિત્યકૃતિઓનાં દેરિદાએ પોતે કરેલાં વિઘટનશીલ વિશ્લેષણોને આપણે જાણવાં જોઈએ. એ હેતુથી આ અને અનુવર્તી લેખોમાં હું વિઘટનકાર દેરિદાને રજૂ કરીશ. 

દેરિદાને પશ્ચિમની પરમ્પરામાં લેખનની તુલનામાં વાણીને વિશેષ મહત્તા અને વિશેષાધિકાર આપતું મન્તવ્ય સૌથી વધુ ચર્ચાસ્પદ લાગ્યું છે. સૉક્રેટિસ અને પ્લેટોથી માંડીને કહો કે speech act theoryના પુરસ્કારક જે.એલ. ઑસ્ટિન સુધીના ચિન્તકો વડે એ મન્તવ્ય સુદૃઢ થયું છે. એ ભિન્ન દીસતા છતાં એક-ના-એક મન્તવ્યનું દેરિદાએ વિઘટન કર્યું છે. હું સૉક્રેટિસ-પ્લેટો વિષયમાં વિસ્તારથી કહું એ પહેલાં એક નૉંધ કરી લઉં કે આ મહામનાઓ શું કહે છે :

ઍરિસ્ટોટલ વાણીને તર્કશુદ્ધ અને લેખનને સાધિત ગણે છે. રૂસો લેખનને કુદરતી વાણીની પૂર્તિ ગણે છે, અને સૂચવે છે કે લેખનથી વિકૃતિઓ સરજાય છે. સૉસ્યૂર વાણીની તુલનામાં લેખનને દ્વૈતીયિક અથવા ગૌણ ગણે છે. લેવિ-સ્ટ્રૌસ મિથ અને વાણીને પરથમ-પહેલી સાંસ્કૃતિક અભિવ્યક્તિનો દરજ્જો આપે છે. હ્યુસેર્લ અંદરના અવાજને શુદ્ધ ઉપસ્થિતિ ગણે છે. ઑસ્ટિન વાક્-ક્રિયાઓમાં જ કોઈપણ રજૂઆતને આકારિત થતી જુએ છે.

આ મુદ્દા અનુષંગે દેરિદાએ Of Grammatologyના Part I: Writing Before the Letterમાં સૉસૂરના ભાષાવિજ્ઞાનની સમીક્ષા કરી છે અને Part II: Nature, Culture, Writingમાં રૂસોના કેટલાક સિદ્ધાન્તોની ચર્ચા કરી છે, એ વિશે વધારે કહેવું મને જરૂરી લાગ્યું છે. 

સૉસ્યૂર સંરચનાવાદી ભાષાવિજ્ઞાનના પિતા કહેવાય છે. તેમ છતાં, માને છે કે વાણી વિશેષાધિકાર ધરાવે છે અને કહે છે કે અર્થ માટે વાણી સદા હાજર હોય છે, જ્યારે લેખન તો વાણીની માત્ર પૂર્તિ છે, માત્ર રજૂઆત કે માત્ર ચિત્ર. ખરી ભાષાથી લેખન એક ડગલું દૂર છે. વાણીને વિશેષઅધિકૃત ગણનારા આ મન્તવ્યને દેરિદા phonocentrism – ધ્વનિકેન્દ્રી – કહે છે. એમાં માન્યતા પ્રવર્તે છે કે અર્થ બોલનારના અવાજથી અથવા દૈવી શબ્દથી કે પરમ સત્યથી શરૂ થાય છે. લેખનને વાણીની પૂર્તિ ગણતા સૉસ્યૂરના વિચારનું વિઘટન કરતાં દેરિદા જણાવે છે કે પૂર્તિ ઉમેરણ નથી પણ વાણીની અધૂરપને દૂર કરનારું પરિબળ છે; સૉસ્યૂર કહે છે એમ લિખિત શબ્દો ચિત્રો નથી પણ પોતાની રીતે સંકેતાર્થો આપતાં પ્રતીકો છે; સૉસ્યૂરે સંકેતક-સંકેતિત વચ્ચેના સમ્બન્ધને યાદૃચ્છિક લેખ્યો છે – ગાય શબ્દ = ગાય પ્રાણી, એમ માનવીય યદૃચ્છાથી, મરજીથી, નક્કી થયું છે. દેરિદા ઉમેરે છે કે આ યદૃચ્છા અને તેથી ઊભી થયેલી રૂઢિ એ જ સૂચવે છે કે વાણીને ચડિયાતી ગણીએ છીએ એ વિચાર ઉચિત નથી. 

દેરિદા ઉમેરે છે કે ભાષામાં લેખન હમેશાં કાર્યકર હોય છે, વાણીગત વ્યવહાર હોય ત્યારે પણ. દેરિદાને મન ભાષાની કોઈપણ શક્યતા archi-writing પર આધારિત હોય છે. ગુજરાતીમાં એને આદિ-લિપિ કહેવાશે; લેખનની યે પહેલાંનું લેખન, એટલે કે, મૂળેરું નિશાન, ભાષાના ઉદ્ભવ પહેલાંના સંકેતો; વાણી અને લેખન બેયની પૂર્વેના différanceની સંરચના. 

દેરિદાએ રૂસોના Essay on the Origin of Languages and Confessionsની ચર્ચા માટે ઘણાં પૃષ્ઠ ફાળવ્યાં છે. રૂસો માને છે કે ભાષાનું કુદરતી મૂળ વાણી છે. વાણી પારદર્શક છે તેમ જ વિચારો અને ભાવો સાથે સીધી જોડાઈ જાય છે. વાણી પૂર્ણતયા ઉપસ્થિત હોય છે, એને લીધે અર્થ તુરન્ત ગ્રાહ્ય બને છે. લેખન એથી ઊલટું છે. લેખન કૃત્રિમ છે, વાણીની સાધિત રજૂઆત છે. લેખન વાણીની ભયાવહ પૂર્તિ પણ છે કેમ કે એથી માણસની ખરી સ્થિતિ નબળી પડી જાય છે.  

દેરિદા દર્શાવે છે કે રૂસોની પોતાની કૃતિએ પૂર્તિનો આધાર લીધો છે! વાણી પૂર્ણ હોત તો લખવાની જરૂરત ન પડી હોત. એ અધૂરી છે એ કારણે લેખન વડે એની પૂર્તિ થઈ છે. પૂર્તિ થઈ એથી સૂચવાયું કે વાણી સ્વયંપર્યાપ્ત નથી. રૂસોની કૃતિ Confessions પોતે ખરેખર શું છે એ વિશ્વને દર્શાવવા માટેનું આત્મકથન છે. પરન્તુ દેરિદા જણાવે છે કે આત્મકથનાત્મક લેખન કર્તાની ઉપસ્થિતિ વિનાનું નથી હોતું, જ્યારે લખાયેલો શબ્દ પોતાની પ્રકૃતિએ કરીને કર્તાની અનુપસ્થિતિ સૂચવતો હોય છે – રૂસો ક્યાં વાચક સમક્ષ હોય છે? હકીકત એ છે કે જે કંઈ અર્થ રૂપે અવગત થાય છે એ તફાવતોની પદ્ધતિને આધારે હોય છે. 

આમ, રૂસોની Confessions સહિતની કૃતિઓને વિઘટનશીલ વિશ્લેષણ માટેના case studies ગણી શકાય. એમાં વાણી / લેખનના વિરોધી દ્વૈતની માની લીધેલી નિશ્ચિતિ તૂટે છે; એમ પણ સૂચવાય છે કે લેખન ભયાવહ પૂર્તિ નથી, એથી વિકૃતિઓ નથી સરજાતી, પણ ભાષા અને અર્થની અન્તર્નિહિત સ્થિતિ પ્રકાશિત થાય છે. દેરિદા સૂચવે છે કે એ બધાં ગર્ભિત વાનાં રૂસો ભાળી શક્યા નથી, કહે છે કે, Rousseau says without saying, sees without seeing; these implications.

સૉક્રેટિસ-પ્લેટોનાં મન્તવ્યોની ચર્ચા માટે દેરિદાના Dissemination પુસ્તક પાસે પ્હૉંચી જવું મને વધારે જરૂરી લાગ્યું છે. મેં Disseminationને પુસ્તક કહ્યું એ તો ઠીક પરન્તુ હું એને લેખોનો સંગ્રહ કે સળંગસૂત્ર ગ્રન્થ નથી કહી શકતો. કેમ કે એમાં Plato’s Pharmacy એક ખણ્ડ છે, અન્ય વિષયમુદ્દાઓ વિશે જુદા જુદા ખણ્ડોમાં વિવિધ લેખનો છે. એ જુદી વાત છે કે સગવડ ખાતર એ દરેક ખણ્ડને પ્રકરણ કહેવાય છે.  

Plato’s Pharmacy: 

370 BCE આસપાસ લખાયેલા પ્લેટોના Phaedrusમાં સૉક્રેટિસ અને ઍથેન્સવાસી યુવક ફીડ્રસ વચ્ચે થયેલા સંવાદનું નિરૂપણ છે. બન્ને જણા નગર બહાર ફરતા ફરતા વાતો કરતા હોય છે. પ્રેમ વાગ્કલા આત્મા ગાંડપણ સત્ય અને લેખનપરક નીતિ વગેરે વગેરે વિષયો, બદલાતા રહે છે. સવાલ ઊભો થાય છે કે વાણી સુગમ શી રીતે બનતી હોય છે. સૉક્રેટિસનો જવાબ હોય છે કે ચતુરાઇથી નહીં પણ આત્માના જ્ઞાનને પ્રતાપે સુગમતા સંભવે છે. 

આ વિષયમાં સૉક્રેટિસ ઇજિપ્તની એક પુરાણકથા સંભળાવે છે : દેવ થિયુથ રાજા થામુસને ‘લેખન’ નામની ભેટ આપે છે, કહે છે કે એથી તારી અને તારી પ્રજાની સ્મૃતિ અને ડહાપણ બન્ને ખીલશે. થામુસ નથી સ્વીકારતો, કહે છે કે લોકો પોતાની યાદદાસ્ત પર ભરોસો રાખવાને બદલે લેખન પર એટલે કે લખાયેલા સંકેતો પર ભરોસો કરવા માંડે, એને પરિણામે ભૂલકણા થઈ જાય. પણ દેવ થિયુથ તો લેખનને સ્મૃતિ અને ડહાપણ બન્ને માટે ઉપકારક ગણે છે. સૉક્રેટિસ આ કથા વડે લેખનની સમીક્ષા કરતાં જણાવે છે કે વાણી જ બરાબર કહેવાય કેમ કે પરસ્પરના સંવાદથી વિકસે, લિખિત તો વ્યર્થ નીવડે. 

થિયુથ માટે લેખન ઉપકારક અને થામુસ માટે અનુપકારક – એક માટે ભેટ, બીજા માટે જોખમ. દેરિદા ચર્ચા માટે ગ્રીક શબ્દ pharmakonનો વિનિયોગ કરે છે. એ શબ્દના એક સાથે બે વિરુદ્ધ અર્થ થાય છે, remedy અને poision – ઔષધ અને વિષ. આ શબ્દનો પ્લેટો વિષ એવો એક જ અર્થ નક્કી કરે છે, દેરિદા ઉમેરે છે કે એ રીતે પ્લેટો અર્થની અનિર્ણયનીયતા અને ભાષાની અસ્થિરતાને છુપાવવા જાય છે, પણ એ ચેષ્ટા પોતે જ બધું પ્રકાશિત કરી દે છે; કારણ કે પ્લેટો લેખનનો વિરોધ કરે છે પણ એ વિરોધ તો લખીને કરે છે!

પ્લેટોએ વાણીથી થતા વિચારવિમર્શનું હમેશાં સમર્થન કર્યું છે. એટલે સુધી કે વાણીને સત્યની શોધ માટેનો ચડિયાતો માર્ગ ગણ્યો છે. પ્લેટો કહે છે કે ઉચ્ચારાયેલા શબ્દો વક્તા અને શ્રોતા વચ્ચે જીવન્ત થઈ જતા હોય છે, ‘આત્મામાં ઉત્કીર્ણ’ થઈ જતા હોય છે, જ્યારે, લેખન તો જીવન્ત વાણીની નકલ છે, એક મૃત ચીજ છે. પ્લેટો કહે છે કે ‘બાપ વિનાના સન્તાન જેવું’ લેખન પોતાની રક્ષા નથી કરી શકતું, પ્રશ્નોના ઉત્તરો નથી આપી શકતું તેમ જ યોગ્ય અને અયોગ્ય વાચકો કયા, તે પારખી નથી શકતું. પ્લેટો લેખનને ભયાવહ કહે છે કેમ કે એથી સ્મૃતિ અને સત્ય નબળાં પડી જાય છે. 

દેરિદા જુદું કહે છે કે લેખન વાણી માટે આવશ્યક પૂર્તિ છે. તેઓ દર્શાવે છે કે પૂર્ણમાં ઉમેરણ તે પૂર્તિ. પણ પૂર્તિ થવા માંડે એ દરમ્યાન સમજાય કે જે પૂર્ણ દીસતું હતું તે પૂર્ણ નથી, એમાં તો તિરાડો છે, ખાલી જગ્યાઓ છે, બલકે કેટલાંક સ્થાનો તો ટેકો માગી રહ્યાં છે. એ કારણે પૂર્તિની ભૂમિકા બદલાય – એ માત્રઉમેરો ન રહે અથવા ઉમેરો કરતાં કરતાં બધું બદલવા માંડે. બદલાવ એટલો બધો થાય કે પહેલાં શું હતું તેની યાદ પણ ન રહે. સાર એ કે સ્મૃતિ લપસણી વસ્તુ છે અને પૂર્ણ રૂપે કદીયે હોતી નથી. સ્મૃતિમાં લેખનથી ઉમેરણ ન થયું પણ સ્મૃતિમાં જે અભાવ હતો તે લેખનને કારણે ન રહ્યો. પૂર્તિ સ્મૃતિની બીજી આવૃત્તિ બની ગઈ. એટલે, સ્મૃતિ નહીં, પણ આ બીજી આવૃત્તિ મહત્ત્વની છે. દેરિદા ઉમેરે છે કે આપણને ફરજ પડે છે કે આપણે એને ધ્યાનમાં લઈએ. 

તેઓ કહે છે કે જેને લેખન ગણીએ છીએ એ કક્કો-બારાખડી નથી પણ ભાષાનો પાયો છે. ભાષા વાણીરૂપે હોય કે લેખનરૂપે, એમાં અર્થ હમેશાં તફાવત વિલમ્બન અને નિશાનોની આન્તરલીલાથી જ પ્રગટે છે. એટલે લેખન દ્વૈતીયિક નથી કેમ કે જે લક્ષણોને આપણે મહત્તા અર્પીએ છીએ, અને પ્લેટો જેની ટીકા કરે છે, એ લક્ષણોથી તો ભાષા કાર્યકર થઈ શકે છે.

એ કારણે દેરિદા પણ પૂર્તિને ભયાવહ કહે છે. કેમ કે પૂર્ણ સ્વયંપર્યાપ્ત અને સ્થિર છે એ પરમ્પરાગત વિચાર પૂર્તિથી હચમચી જાય છે. તેઓ એમ પણ દર્શાવે છે કે સ્મૃતિ કે સત્ય જેવી વિભાવનાઓનું સંઘટ્ટન પણ ભાષા દ્વારા થયેલું છે. તેઓ એટલે લગી કહે છે કે લેખન, પૂર્તિરૂપ લેખન પણ, ભાષા અને સ્મૃતિમાં સદાસર્વદા હાજર એવી પતનશીલતાને – fallennessને – પ્રતિબિમ્બિત કરે છે. 

એ ભૂમિકાએ સત્ય અને સ્મૃતિ વિશેના પ્લેટોના ખયાલને દેરિદાએ પડકાર્યો છે. એમણે દર્શાવ્યું છે કે લેખન સત્યને નથી જાળવતું બલકે લેખનમાત્ર જિવાતી સ્મૃતિનો પર્યાય બની રહે છે. ભાષા અને લેખન જેવા બાહ્ય સંકેતો પરનો ભરોસો શું સૂચવે છે? એ જ કે સત્ય કદી છેવટ લગી સ્વનિર્ભર નથી રહી શકતું, એને હમેશાં મધ્યસ્થીની જરૂર પડે છે, કેમ કે એ અસ્થિર છે. 

વાણીય સંવાદો દ્વારા સત્ય શોધવાની પ્લેટોની રીત મધ્યસ્થીના સકંજાથી છટકી શકે શી રીતે? કેમ કે સંવાદને ય ભાષાની જરૂર પડે છે, અને ભાષા સંદિગ્ધતાઓ અને વિલમ્બનોથી જ સ્વનામધન્ય થતી હોય છે. દેરિદા સરસ કહે છે કે જે ઉપકરણોથી આપણે સત્યની અભિવ્યક્તિ કરીએ છીએ એનાથી જ એ હમેશાં સરકી જતું હોય છે.

= = = 

વિશેષ વાચન માટે સૂચિ:

Derrida, Jacques. Dissemination. Translated by Barbara Johnson, University of Chicago Press, 1981.

[ગુજરાતી સાહિત્ય પરિષદ : “પરબ” : ઑગસ્ટ ૨૦૨૫માં પ્રકાશિત લેખ —]
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બ્રિટિશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો

દીપક મહેતા|Opinion - Literature|14 August 2025

ગ્રંથયાત્રા – 9

દીપક મહેતા

આપણા દેશમાં ૧૯૪૭ પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા જે ગુજરાતી પુસ્તકો પર એક યા બીજે વખતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે વિષે વાત કરતાં પહેલાં એક-બે વાતની સ્પષ્ટતા કરવાનું જરૂરી છે. વ્યવહારની સરળતા ખાતર આપણે ભલે ‘પ્રતિબંધિત’ શબ્દ વાપરીએ, પણ કાયદાની દૃષ્ટિએ એ જમાનામાં પણ સરકારે એક પણ પુસ્તક પર ‘પ્રતિબંધ’ મૂક્યો નહોતો, પ્રકાશન અટકાવ્યું નહોતું, કે પ્રિસેન્સરશિપ લાદી નહોતી. પણ સરકારને જે પુસ્તક (કે સામયિક અથવા અખબારનો અંક) વાંધાજનક લાગે તે પુસ્તક રાખવું, વાંચવું, વેચવું કે વહેંચવું, વગેરે ગુનાહિત કૃત્ય ગણાય એમ કાયદા દ્વારા ઠરાવ્યું હતું. પુસ્તક ‘વાંધાજનક,’ ઉશ્કેરણીજનક’ કે ‘જાહેર શાંતિ અને સલામતીને જોખમાવે’ એમ છે એવું સરકારને લાગે તો તેની મળે તેટલી નકલો સરકાર જપ્ત કરતી અને કેટલાક કિસ્સાઓમાં તેનો નાશ કરતી. પણ આ રીતે જપ્ત કરેલ કે નાશ કરેલ દરેક પુસ્તક કે સામયિકની કેટલીક નકલ સરકારી દફતરમાં સાચવી રાખવામાં આવતી – દેશમાં તેમ જ બ્રિટનમાં. ૧૮૯૮ના ક્રિમિનલ પ્રોસિજર કોડ(૧૮૯૮નો પાંચમો કાયદો)ની ૯૮બી કલમ હેઠળ આમ કરવાની સત્તા સરકારને પહેલી વાર મળી હતી. 

The Government may, by notification in the official Gazette, stating the grounds of its opinion, declare every copy of the issue of the newspaper containing such matter, words or visible representations, and every copy of such book or other document to be forfeited to Government, and thereupon any police-officer may seize the same wherever found in India and any Magistrate may by warrant authorise any police-officer not below the rank of sub-inspector to enter upon and search for the same in any premises where any copy of such issue or any such book or other document may be or may be reasonably suspected to be.

એટલે કે, આ અંગે પહેલાં સરકારી ગેઝેટમાં જાહેરાત કરવી પડતી. ત્યાર બાદ આવી નકલો શોધવા માટે સ્થાનિક મેજિસ્ટ્રેટ પાસેથી વોરંટ મેળવ્યા પછી સ્થાનિક પોલીસને ‘સર્ચ એન્ડ સીઝર’ની કાર્યવાહી કરવાની સત્તા મળતી હતી. વળી એ પણ નોંધવું જોઈએ કે થોડા ઘણા ફેરફારો સાથે બ્રિટિશ સરકારે ઘડેલો આ કાયદો આજે પણ ભારત, પાકિસ્તાન, અને બાંગ્લાદેશની સરકારોએ અપનાવ્યો છે.

આ રીતે કોઈ પુસ્તક પર ‘પ્રતિબંધ’ લાદવામાં આવે તે પછી તેની નકલો જાહેરમાં રાખવાનું તો શક્ય નહોતું. એટલે આજે પણ જાહેર પુસ્તકાલયોમાં આવાં પુસ્તકોની નકલ ભાગ્યે જ જોવા મળે છે. પણ સારે નસીબે, આવાં પુસ્તકોની નકલો ચાર સ્થળે વ્યવસ્થિત રીતે સાચવવામાં આવી છે. તેમાંની બે જગ્યા બ્રિટનમાં છે અને બે ભારતમાં. આવાં પુસ્તકોનો અલાયદો સંગ્રહ બ્રિટિશ લાઈબ્રેરી અંતર્ગત ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાં અને બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરીમાંથી મળતી માહિતી પ્રમાણે બ્રિટિશ સરકારે કૂલ ૧૦૭ ગુજરાતી આઇટમ આ રીતે જપ્ત કરી હતી. તેમાં ૫૮ પુસ્તકોનો સમાવેશ થતો હતો. બાકીની ૪૯ આઈટમમાં સામાયિક કે અખબારના અંકો, હેન્ડ બિલ, જાહેરાતો, વગેરેનો સમાવેશ થતો હતો. આપણા દેશમાં નેશનલ આર્કાઇવ્ઝમાં રાખવામાં આવેલ ‘હોમ (પોલિટિકલ) પ્રોસીડીન્ગ્ઝ ખાતે તથા નેશનલ આર્કાઇવ્ઝની લાયબ્રેરીમાં આ પ્રકારની સામગ્રી સચવાઈ છે. નેશનલ આર્કાઈવ્ઝમાંથી મળતી માહિતી પ્રમાણે કૂલ ૬૧ ગુજરાતી આઈટમ બ્રિટિશ સરકારે જપ્ત કરી હતી. અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે આપણા દેશમાં રહેલા સંગ્રહ કરતાં બ્રિટનમાં સચવાયેલો સંગ્રહ સારો એવો મોટો છે.

બીજી એક રસપ્રદ વાત પણ ધ્યાનમાં આવે તેમ છે. દેશની બધી ભાષાઓ અને તેમના સાહિત્યમાંથી ગાંધીજીનો પ્રભાવ જો કોઈના પર સૌથી વધુ પડ્યો હોય તો તે ગુજરાતી પર. એટલે આપણે એમ માનીએ કે બીજી ભાષાઓની સરખામણીમાં ગુજરાતી પ્રતિબંધિત પુસ્તકોની સંખ્યા વધુ હશે. પણ નેશનલ આર્કાઈવ્ઝમાંથી મળતા આંકડા કૈંક જૂદું જ ચિત્ર રજૂ કરે છે. સૌથી વધુ પ્રતિબંધિત આઈટમ (૪૦૨) હિન્દી ભાષાની હતી. ત્યાર બાદ આવે છે ઉર્દૂ ૧૨૬, પંજાબી ૧૧૪, અંગ્રેજી ૮૯, મરાઠી ૮૮. બીજી નવાઈની વાત એ છે કે બંગાળીમાં પ્રતિબંધિત આઈટમની સંખ્યા સૌથી ઓછી છે, ૪૮. 

આપણા દેશમાંના સંગ્રહની યાદી જોતાં ૧૯૦૭ સુધી કોઈ ગુજરાતી પુસ્તક આ કાયદા હેઠળ જપ્ત થયું હોય તેવું જાણવા મળતું નથી. ૧૯૦૭માં ‘સ્વદેશ કીર્તન’ નામના પુસ્તકનો પહેલો ભાગ જપ્ત થયો હતો. ૩૨ પાનાંનું આ પુસ્તક અમદાવાદના સસ્તું સાહિત્ય પ્રચારક મંડલ દ્વારા પ્રગટ થયું હતું. બ્રિટિશ શાસન દરમ્યાન જપ્ત થયેલું છેલ્લું પુસ્તક હતું લાભુબહેન મહેતાએ ‘વીર જવાહરલાલ’ નામે લખેલું પંડિત જવાહરલાલ નેહરુનું જીવન ચરિત્ર. ૧૯૪૧માં અમદાવાદના ભારતી સાહિત્ય સંઘ દ્વારા તે પ્રગટ થયું હતું. જેનું પુસ્તક બ્રિટિશ સરકારે જપ્ત કર્યું હોય તેવાં એકમાત્ર ગુજરાતી લેખિકા લાભુબહેન છે. એ વખતે એમની ઉંમર માત્ર ૨૬ વર્ષની હતી.

‘સ્વદેશ કીર્તન’ની ૧૯૦૭ની આવૃત્તિની પ્રસ્તાવના પરથી જણાય છે કે મૂળ આ પુસ્તક ‘દેશભક્તિનાં કાવ્યો’ નામે ગુજરાત સાહિત્ય સભા દ્વારા પ્રગટ થયું હતું અને તેનું સંપાદન હિમ્મતલાલ ગણેશજી અંજારિયાએ કર્યું હતું. તેની ૫૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ‘સ્વદેશ કીર્તન’ નામે તેની પહેલી આવૃત્તિ ૧૯૦૬ પહેલાં ક્યારેક પ્રગટ થઇ હતી અને તેની ૨,૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. પણ તે વખતે તે સરકારની નજરે ચડ્યું નહિ હોય. પણ સ્વદેશ કીર્તનની બીજી આવૃત્તિ ૧૯૦૭માં પ્રગટ થઇ તે સરકારની નજરે ચડી ગઈ અને તેના પર પ્રતિબંધ મૂકાયો. આ પુસ્તકના ટાઈટલ પેજ પર તેના સંપાદક તરીકે કોઈનું નામ છાપ્યું નથી. પણ પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે તેનું સંપાદન આપણા જાણીતા વિદ્વાન રમણભાઈ નીલકંઠે કર્યું હતું! બિન્દુભાઈ જસવંતરાય અને ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટીઆએ તેમને મદદ કરી હતી. પહેલી આવૃત્તિ કરતાં બીજી આવૃત્તિમાં વધારે ગીતો મૂક્યાં છે (કૂલ ૮૩ ગીતો છે) જેમાંનાં કેટલાંક ઉત્કટ દેશદાઝનાં છે એટલે કદાચ સરકારને તે પુસ્તક વાંધાજનક લાગ્યું હશે. પુસ્તકને આરંભે ‘સ્વદેશ ધર્મ’ નામનો બે પાનાંનો લેખ મૂક્યો છે. લાલા શિવનારાયણના મૂળ અંગ્રેજી લેખનો અનુવાદ કર્યો છે આનંદશંકર બાપુભાઈ ધ્રુવે!     

કવિતા, નવલકથા, ટૂંકી વાર્તા, નાટકનાં તથા ધર્મ અને તત્ત્વજ્ઞાન વિશેનાં એક સો કરતાં વધુ પુસ્તકો લખનાર નારાયણ વસનજી ઠક્કુર (૧૮૮૪-૧૯૩૮) એમના જમાનાના એક અત્યંત લોકપ્રિય લેખક હતા. ૧૯૧૧માં તેમની એક સામાજિક નવલકથા પ્રગટ થઇ : ‘આજકાલનો સુધારો કે રમણીય ભયંકરતા?’ ૩૫૨ પાનાંની આ નવલકથામાં ક્યાં ય એક શબ્દ પણ સરકારની વિરુદ્ધનો હોય તેવો જોવા મળતો નથી. તો પછી સરકારે આ પુસ્તક જપ્ત કેમ કર્યું હશે? સંભવિત કારણ એ છે કે તેમાં સામાજિક સુધારાનો આત્યંતિક વિરોધ કરવામાં આવ્યો છે. અને કહેવાતી ભારતીય પરંપરાને ઉજળી બતાવવા ખાતર લેખકે બ્રિટિશ પદ્ધતિનાં શિક્ષણ, ન્યાયવ્યવસ્થા, વહીવટી તંત્ર વગેરેને ઉતારી પાડ્યાં છે અને આ પરદેશીઓ માંસ, દારુ વગેરે છૂટથી ખાય-પીએ છે તેની આકરી ટીકા કરી છે. કથાનો આરંભ થાય છે મુંબઈની ‘તાતાની તાજ મહેલ’ હોટેલમાં. ગુજરાતમાં એક બાજુથી સમાજ સુધારાની ચળવળ જોરશોરથી ચાલી રહી હતી અને તેની તરફેણમાં લખનારાઓ ઘણા હતા, તો બીજી બાજુ તેનો ઉગ્રપણે વિરોધ કરનારી એક નાની પણ બોલકી ટોળકી પણ હતી. નારાયણ વસનજી ઠક્કુર આ ટોળકીના સભ્ય હતા. એટલે, ભલે આ પુસ્તકમાં સરકારની ટીકા ન હોય, પણ બ્રિટિશ જીવન-પદ્ધતિની ટીકા હતી, તેનો ઉપહાસ પણ હતો તેથી સરકારને આ પુસ્તક વાંધાજનક લાગ્યું હશે. 

પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાં ‘ગાંધીકૂચ’ (આલ્બમ) એવું નામ જોયું ત્યારે થોડી નવાઈ લાગેલી. ગાંધીજીના ફોટાના આલ્બમ પર પ્રતિબંધ મૂકવા પાછળ શું કારણ હશે? સારે નસીબે એ પુસ્તક જોવા મળ્યું અને જોતાંવેંત મનમાંની શંકા દૂર થઇ. બધા ફોટા ૧૯૩૦ની દાંડીકૂચના, સાથેના લખાણમાં બ્રિટિશ સરકારની ભારોભાર ટીકા, અને ગાંધીજીનાં ભાષણો અને લેખોમાંથી આપેલા સંખ્યાબંધ ઉતારા. ફોટા સાથેનું લખાણ લખેલું આપણા જાણીતા સાહિત્યકાર રસિકલાલ પરીખે (૧૮૯૭-૧૯૮૨). આ પુસ્તક પ્રસ્થાન કાર્યાલયે પ્રગટ કર્યું હતું, જેની સાથે રામનારાયણ વિ. પાઠક સંકળાયેલા હતા.

૧૯૩૦માં પ્રગટ થયેલી ‘રાષ્ટ્રીય રણગીતો’ નામની ૧૮ પાનાંની પુસ્તિકાના નિવેદનનું પહેલું વાક્ય આ પ્રમાણે છે : “અંધ કવિ શ્રી હંસરાજભાઈને તો ગુજરાત બરોબર ઓળખે છે જ.” પણ આજે ૮૬ વર્ષ પછી પ્રયત્નો કરવા છતાં અંધકવિ હંસરાજભાઈ વિશેની માહિતી મળી શકી નથી. પણ આપણી આઝાદી માટેની લડત દરમ્યાન તેમનાં ગીતો ખૂબ લોકપ્રિય થયેલાં અને પ્રભાતફેરી, સભા-સરઘસ વગેરેમાં નિયમિત રીતે ગવાતાં. આ પુસ્તિકા સરકારે જપ્ત કરી હતી. કારણ તેના એકે એક પાના પર જે ગીત હતાં તેમાં સરકાર વિરુદ્ધનો દારુગોળો ઠાંસી ઠાંસીને ભર્યો હતો. એક ગીતના આરંભની પંક્તિઓ :

ક્યાં સુધી સામ્રાજ્ય સત્તા? ચંદ રોજ,

ક્યાં સુધી એની મહત્તા? ચંદ રોજ.

પણ એમનું સૌથી વધુ જાણીતું થયેલું ગીત તે તો છેલ્લે છપાયેલું ‘પરદેશી ભૂખ્યાં ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’. આ લખનારને બાળપણમાં આ ગીત ગવાતું સાંભળ્યું હોવાનું યાદ છે. આ લાંબા ગીતની થોડીક પંક્તિઓ જોઈએ :

ટૂટ્યા ચોરા ને ટૂટ્યા ગોચરો

ટૂટ્યા ટૂટ્યા પાણીયારીના ઘાટ રે.

થાપ્યાં થાણાં ને થાપી કોઠીઓ,

આદર્યા કાળા કોપના વેપાર રે.    

આપણાં ભાષા-સાહિત્ય ઉપર ગાંધીજીનો પ્રભાવ એટલો તો વ્યાપક હતો કે ૧૯૨૦ પછીનાં ત્રીસેક વર્ષના ગાળાને આપણે ‘ગાંધીયુગ’ તરીકે ઓળખીએ છીએ. પણ આ યુગના અગ્રણી સાહિત્યકારોમાંથી બહુ ઓછાનાં પુસ્તકો જપ્ત થયાં હોય તેમ જણાય છે. તેમાં બે અપવાદ છે : એક, ઝવેરચંદ મેઘાણી અને બીજા મનુભાઈ પંચોળી ‘દર્શક.’ માત્ર ૩૦ પાનાંનો મેઘાણીનો કાવ્યસંગ્રહ /સિંધૂડો/ ૧૯૩૦ના એપ્રિલની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. સવિનય કાનૂનભંગની ચળવળ તે જ દિવસે શરૂ થઇ. પુસ્તકની દસ હજાર નકલ છપાયેલી. બ્રિટિશ સરકાર જાગે અને જપ્તી જાહેર કરે તે પહેલાં તો તેમાંની ઘણીખરી નકલો વેચાઈ ગઈ હતી. છતાં લોકોની માગ તો ચાલુ જ હતી. એટલે રતુભાઈ અદાણીએ પોતાના સુંદર હસ્તાક્ષરમાં ‘સિંધુડા’ની નકલ કરી હતી અને  ભાવનગરના એક મકાનના ભોંયરામાં તેની પાંચ હજાર નકલ સાઈકલોસ્ટાઈલ કરીને ઠેર ઠેર મફત વહેંચવામાં આવી હતી. પહેલી આવૃત્તિ પછી બરાબર બે વર્ષે, ૧૯૩૨ના એપ્રિલની છઠ્ઠી તારીખે આ પુસ્તકની ‘કાનૂનભંગ આવૃત્તિ’ પ્રગટ થઇ હતી. તેની પ્રસ્તાવના વજુભાઈ શાહે લખી હતી. ૧૯૩૦ની લડતને પચાસ વર્ષ થયાં ત્યારે આ પુસ્તકની ‘સુવર્ણ જયંતી આવૃત્તિ’ પ્રગટ થઇ હતી. પહેલી આવૃત્તિના નિવેદનમાં મેઘાણીએ લખેલું : “આશરે છેલ્લા એક વર્ષથી ‘સૌરાષ્ટ્ર’ના મુખપૃષ્ઠ પર જે ગીતો દેખાતાં હતાં તેનો – થોડાંક બીજાં સહિત – આ નાનો સંગ્રહ ‘સિંધુડો’ નામે પ્રગટ થાય છે … ગીતો કાવ્યત્વની કસોટીએ તો કાચાં છે જ; પણ પ્રસિદ્ધિ કરવાનો અધિકાર એક જ છે; જેઓએ વાંચ્યાં-સાંભળ્યાં છે તેઓની ચાહના. કેટલેક સ્થળે મોટી મેદનીઓ વચ્ચે પણ ઝિલાયાં છે. આમાંનાં કેટલાં એક યુરોપિ કવિતાનો આધાર લઇ રચાયાં છે : બાકીનાં સ્વયંસ્ફુરિત છે. સ્વયમસ્ફૂરણાનો જેમ ગર્વ નથી, તેમ આધાર લઇ રચેલાની શરમ પણ નથી. શું અનુવાદમાં કે શું સ્વયમકૃતિમાં, જેટલું સ્વાભાવિક હોય તેટલું જ સાચું છે.” પછીથી ‘સિન્ધુડો’નાં કાવ્યો મેઘાણીની સમગ્ર કવિતાના સંગ્રહ ‘સોના-નાવડી’માં સમાવી લેવાયાં છે. (‘સિન્ધુડો’ વિશેની આ માહિતી પણ ‘સોના-નાવડી’ની ૧૯૯૭માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાંથી લીધી છે.)

આઝાદીની લડત દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલનાં ભાષણો ‘વીરની હાકલ’ નામે બે ભાગમાં પ્રગટ થયાં. આ પુસ્તકના પહેલા ભાગની પહેલી આવૃત્તિની દસ હજાર નકલ છપાયેલી, જે જોતજોતામાં વેચાઈ ગયેલી. થોડા મહિના પછી પુસ્તકનો બીજો ભાગ પ્રગટ થયો. ત્યારે સરકારે બંને ભાગ જપ્ત કર્યા. મહાદેવભાઈ દેસાઈ એક પોલિસ સ્ટેશનમાં ક્યારે ધરપકડ કરવામાં આવે તેની રાહ જોતા બેઠા હતા ત્યારે તેમણે પુસ્તકના પહેલા ભાગની પ્રસ્તાવના લખી હતી. તેમાં તેમણે લખ્યું : “એવો કયો ગુજરાતી હશે કે જે સરદારની વાણી સાંભળીને તેમાંના કોક નહિ તો કોક ઉદ્ગારને યાદ કરતો ન હોય, સંઘરી રહ્યો ન હોય. એ હાકલના શબ્દેશબ્દમાં જે જોમ ભર્યું છે, જે આગ ઝરે છે તેનાથી કયું હૃદય સ્પર્શ થયા વિના રહ્યું હોય?” પહેલા ભાગમાં જે ભાષણો મૂક્યાં છે તે સરદારની દેખરેખ નીચે પ્રગટ થયેલી બારડોલી સત્યાગ્રહ પત્રિકાઓમાંથી લેવાયાં છે અને એટલે તે વધારે પ્રમાણભૂત છે. જ્યારે બીજા ભાગમાંનાં ભાષણો અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલોને આધારે તૈયાર કર્યાં છે. જો કે બને તેટલા પ્રમાણભૂત થવાના આશયથી દરેક ભાષણ માટે કોઈ એક અખબાર પર આધાર ન રાખતાં ત્રણ-ચાર અખબારોના અહેવાલોનો આધાર લઈને સંકલન કર્યું છે. બન્ને ભાગનું સંપાદન રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી (જોડણી પુસ્તક પર છાપ્યા પ્રમાણે) એ કર્યું છે અને પ્રકાશન પ્રસ્થાન કાર્યાલયે.     

કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા સંપાદિત ‘સ્વરાજ્યનાં ગીતો’ પુસ્તકની પહેલી આવૃત્તિમાં કૂલ ૧૫૫ ગીતો હતાં અને તે ૧૯૩૧માં ગાંધીજીના જન્મ દિવસે પ્રગટ થઇ હતી. અમદાવાદના ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે તે પ્રગટ કરી હતી. તેમાં ગીતોને સાત ખંડોમાં વહેંચીને મૂક્યાં છે : પ્રભાત ફેરીનાં ગીતો, તિરંગાગાન, સભાનાં ગીતો, સરઘસનાં ગીતો, રાષ્ટ્રીય રાસ, વાનરસેનાનાં ગીતો અને મિજલસ ગીતો. આઝાદીની લડત શરૂ થઇ એ પહેલાં ગાંધીજીની રેંટિયાપુરસ્કાર અને મદ્યનિષેધની પ્રવૃત્તિથી ગુજરાતના આદિવાસીઓના જીવનમાં કેવું ચૈતન્ય આવ્યું હતું તેની પ્રતીતિ કરાવતાં ચોધરી, ગામિત, ઢોડીયા, વગેરે જાતિના કવિઓએ લખેલાં કેટલાંક ગીતો તેમની બોલીમાં જ અહીં મૂક્યાં છે તે આ સંગ્રહની એક આગવી વિશિષ્ટતા છે. ગામિત બોલીમાંના એક ગીતની આરંભની પંક્તિઓ છે :

દુઉઉ દુઉઉ જાજે દારૂ, 

માયા ઘરામાંય રખે રા!

પેલસે પેલસે જાજે દારૂ,

માયા ઘરામાંય રખે રા!

આબદા વેઠી તું એથી ભારી,

મઅયેં વગર મોતે રા!

તું નાંઈ ઓય તો આમ્હે જો દેશમાંય,

આમ્હાં સુખમાંય રો’તે રા!

આ પુસ્તક પ્રગટ થયા પછી થોડા દિવસમાં જ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૫૭ ગીતો સાથે પુસ્તકની બીજી આવૃત્તિ ૧૯૩૮માં પ્રગટ થઇ હતી. પણ તે વખતે મુંબઈ રાજ્યમાં કાઁગ્રેસની સરકાર હતી અને કનૈયાલાલ મુનશી તેના ગૃહ પ્રધાન હતા. તેમણે આ પુસ્તક પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો હતો.

‘ક્રાંતિને માર્ગે’ પુસ્તક લખાયું ૧૯૩૦માં, પણ પ્રગટ થયું ૧૯૩૨માં. તેના લેખક પ્રભાકર બિહારીલાલે તેની પ્રસ્તાવના લખવાની વિનંતી કાકાસાહેબ કાલેલકરને કરી અને પુસ્તકની હસ્તપ્રત તેમને વાંચવા મોકલી. મુસાફરી દરમ્યાન વાંચવાના આશયથી કાકાસાહેબે એ હસ્તપ્રત પોતાની બેગમાં મૂકી. પણ મુસાફરી દરમ્યાન તે બેગ ચોરાઈ ગઈ. કાલેલકરે ગુજરાતી તથા મરાઠી છાપામાં જાહેરખબર છપાવીને ચોરને વિનંતી કરી કે બીજું કાંઈ નહિ તો પણ તે હસ્તપ્રત તેમને પાછી મોકલી દે. પણ હસ્તપ્રત મળી નહિ. સારે નસીબે લેખક પાસે બીજી નકલ હતી. તેને આધારે કાલેલકરે પ્રસ્તાવના લખી. પણ આ બધામાં સારો એવો સમય ગયો એટલે પુસ્તક ૧૯૩૨માં પ્રગટ થઇ શક્યું. પણ પ્રગટ થતાં વેંત સરકારે તેની નકલો જપ્ત કરી. લેખકના કેટલાક વિચારો તો આજે પણ વધુ પડતા જલદ લાગે તેવા છે. જેમ કે: “આપણા દેશમાં, સત્યાગ્રહની ચળવળ દરમ્યાન જે ધનિકો આગેવાન તરીકે ગણાયા છે તે સાચા આગેવાન નથી, પણ સહાયક છે. જો તેમને સાચા આગેવાન થવું હોય તો તેમણે ધનિક મટી જ જવું જોઈએ. ગરીબનો આગેવાન ગરીબ જ હોય. જ્યાં સુધી નેતા અને અનુયાયીમાં, માનસિક શક્તિ સિવાય બીજી બધી રીતે સામ્ય ન હોય ત્યાં સુધી નેતા અને અનુયાયીનો સાચો સંબંધ હોઈ જ ન શકે.” 

મનુભાઈ પંચોળી ‘દર્શક’નાં બે નાટકો ઉપરાઉપરી પ્રગટ થયાં : ૧૯૩૪માં ‘જલિયાંવાલા’ અને ૧૯૩૫માં ‘૧૮૫૭.’ બંને નાટકો પર સરકારે તરત જ પ્રતિબંધ મૂકેલો. તે માટેનું કારણ દેખીતું છે. આ નાટકો પ્રગટ કરતાં પહેલાં લેખકને પાકો વહેમ તો હતો જ કે સરકાર તેના પર પ્રતિબંધ મૂકશે. એટલે ‘૧૮૫૭’ની પ્રસ્તાવનામાં તેમણે ચોખવટ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે : “સરકાર સામે ધિક્કાર ફેલાવવાનો આશય હોવાની કલ્પના સાવ નિર્મૂળ છે. ‘જલિયાંવાલા’ કે ‘૧૮૫૭’ને ધ્યાનપૂર્વક વાંચનારાને પણ એ સ્વીકાર્યા વિના નહિ ચાલે.” પછીનાં વર્ષોમાં દર્શક આપણા એક મૂર્ધન્ય સારસ્વત, શિક્ષણશાસ્ત્રી, અને જાહેર જીવનના અગ્રણી તરીકે આગળ આવ્યા. પણ આ બે નાટક પ્રગટ થયાં ત્યારે હજી સાહિત્યના ક્ષેત્રે તેમનો પ્રવેશ તાજો જ થયેલો હતો. નાટક તરીકે આ બંને કૃતિઓ સારી એવી નબળી છે. રઘુવીર ચૌધરીએ તેમને દર્શકે લખવા ધારેલાં નાટકોના કાચા ખરડા તરીકે ઓળખાવ્યાં છે. દર્શક આ અંગે પણ સભાન હતા. લખે છે : “સાહિત્યમાં જલિયાંવાલા કે ૧૮૫૭ એ કયા ખાનામાં જાય તેની મને ખબર નથી. તેને નાટક કહેવાય કે કેમ એ હું કહી શકું એટલું મારું નાટ્યશાસ્ત્રનુ જ્ઞાન નથી. મને આ રીતે મૂકવું ફાવ્યું છે એટલું જ કહેવું બસ થશે.” ૧૮૫૭ની ઘટનાઓને કેન્દ્રમાં રાખીને પછીથી દર્શકે બંધન અને મુક્તિ નામની નવલકથા લખી તે નાટક કરતાં વધુ સંતોષપ્રદ બની છે. પણ ૧૮૫૭ નાટકની પ્રસ્તાવના આજે વધુ ધ્યાન ખેંચે એવી છે. આપણા અગ્રણી પત્રકાર અમૃતલાલ શેઠે એ પ્રસ્તાવના લખી છે. અંગ્રેજો ૧૮૫૭ની ઘટનાને ‘સિપાઈઓનો બળવો’ તરીકે ઓળખાવતા હતા તે સાથે અમૃતલાલ શેઠ સહમત ન થાય તે તો દેખીતું છે. પણ સાવરકર અને તેમના સાથીઓ ૧૮૫૭ની ઘટનાને ‘પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ’ તરીકે ઓળખાવતા હતા એ વાત સાથે પણ શેઠ સહમત થતા નથી. શેઠ કહે છે કે એ વખતે કેટલાક રાજાઓને પોતાનું રાજપાટ પાછું મેળવવામાં જ રસ હતો અને તેથી તેમણે ચળવળને ટેકો આપ્યો હતો. અંગ્રેજોને બદલે લોકોનું રાજ્ય સ્થપાય એવો ઉદ્દેશ તેમાંના કોઈ રાજાના મનમાં પણ હતો નહિ. શેઠ એમ પણ કહે છે કે ૧૮૫૭ની ઘટનાને પરિણામે રાજાઓ વધુ મજબૂત બન્યા, કારણ ડેલહાઉસીની ‘ખાલસા નીતિ’ની લટકતી તલવાર તેમને માથેથી દૂર થઇ હતી. શેઠ ઉમેરે છે કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો દેશના ઘણાખરા ભાગ પર બ્રિટિશ સરકારની હકૂમત સ્થપાઈ ગઈ હોત અને તો દેશ વધુ સુગ્રથિત બન્યો હોત. પ્રસ્તાવનામાં શેઠે જે વિચારો વ્યક્ત કર્યા છે તે સાથે આપણે સહમત થઈએ કે નહિ તે જુદી વાત છે, પણ પોતાને જે લાગ્યું તે બેધડકપણે લખવા માટેની તેમની હિંમતને તો આપણે દાદ દેવી જોઈએ. દર્શકનાં આ બંને પુસ્તકો રાણપુરના સૌરાષ્ટ્ર કાર્યાલયે પ્રગટ કર્યાં હતાં.

નેશનલ આર્કાઈવ્ઝની પ્રતિબંધિત પુસ્તકોની યાદીમાંથી જે થોડાંક પુસ્તકો મુંબઈમાં બેઠાં જોવાનું શક્ય બન્યું તે પુસ્તકો વિષે જ અહીં થોડી વાત કરી છે. તે ઉપરાંત કવિતા / ગીતનાં નીચેનાં પુસ્તકો પણ સરકારે જપ્ત કર્યાં હતાં: હમારા દેશ (કેશવલાલ ગોકુલદાસ શાહ), કિસાન રણગીતો (?), રણનાદ (?), રાષ્ટ્રીય કુસુમાવલિ (?), સૈનિક સૂર (સી. પી. ચુડગર), સત્યાગ્રહ ગીતા (વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા). આ ઉપરાંત ગદ્યમાં લખાયેલાં નીચેનાં પુસ્તકો પણ સરકારે જપ્ત કર્યાં હતાં: ભઠ્ઠી (ચંદ્રભાઈ ભટ્ટ), દરિયે દવ લાગ્યો (ચંદ્રભાઈ ભટ્ટ), દિલ્હીનો છેલ્લો બાદશાહ બહાદુરશાહ જફર (નારાયણ વસનજી ઠક્કુર), ઈશુ અને ગાંધી (કપિલપ્રસાદ મહાસુખભાઈ દવે), ધર્મયુદ્ધનાં રહસ્ય (સં. રણછોડજી કેસરભાઈ મિસ્ત્રી), ક્રાંતિની ચિનગારીઓ (નિરંજન), ભારતનું ઘડતર (રમણલાલ ચુનીલાલ), મારી જનમટીપ(વિનાયક દામોદર સાવરકર)નો ગુજરાતી અનુવાદ, આશા-નિરાશા (ઇન્દુલાલ યાજ્ઞિક). આ ઉપરાંત કુમાર (૧૦૦મો અંક), નવ સૌરાષ્ટ્ર, સલાહકાર, સત્સંગ, સત્યજીવન, ઊર્મિ, વીસમી સદી, જેવાં સામયિકોના કેટલાક અંકો પણ જપ્ત થયા હતા. 

આપણે ત્યાં પીએચ.ડી.ની ડિગ્રી માટે એકના એક, ચવાઈને ચૂથો થઇ ગયેલા વિષયો પર વિદ્યાર્થીઓ ‘મહાનિબંધ’ ઢસડી નાખે છે. એના કરતાં બ્રિટિશ અમલ દરમ્યાન પ્રતિબંધિત પુસ્તકો પર કોઈએ શોધ નિબંધ તૈયાર કરવો જોઈએ. તે માટે જરૂર છે થોડો વખત દિલ્હી અને લંડન રહેવાની. પણ આવી મહેનત કરવાની ટેવ નથી તો આપણા વિદ્યાર્થીઓને કે નથી તેમના ‘માર્ગદર્શકો’ને. આવાં કામ આપણી સાહિત્યિક સંસ્થાઓ પણ કરી-કરાવી શકે, પણ એ તો આવી પળોજણમાં પડે જ શાની? 

XXXXXX

13 ઑગસ્ટ 2025
e.mail : deepakbmehta@gmail.com
બાબુ સુથાર સંપાદિત “ઊહાપોહ” : 2 એપ્રિલ–જૂન 2025ના અંકમાં પ્રગટ થયેલો લેખ આપણા દેશના આઝાદી દિવસ નિમિત્તે અહીં સાભાર રજૂ કર્યો છે  

Loading

...102030...41424344...506070...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved