Opinion Magazine
Number of visits: 9843779
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

EU અને ભારતની મૈત્રીઃ  વૈશ્વિક સ્તરે રાજકીય એકલતા વેઠવા કરતાં દોસ્તો એકઠા કરવામાં શાણપણ 

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 March 2025

ભારત વિશ્વની સૌથી આધુનિક આર્થિક તાકાત નથી એ સાચું પણ ભારત પાસે એટલી સગવડ અને શક્યતાઓ છે જેના ઔદ્યોગિક પાયો યુરોપના આર્થિક લક્ષ્યને માર્ગ કરી આપે

ચિરંતના ભટ્ટ

યુરોપિયન કમિશનના પ્રેસિડન્ટ પોતાનાં સાથી કમિશનર્સની સાથે ભારતની મુલાકાતે આવ્યાં હતાં. આ મુલાકાત સરકારી પ્રોટોકોલ્સ પ્રમાણે જ હોય તે સ્વાભાવિક છે, છતાં પણ એમ લાગ્યું કે આ આખી ઘટના સહેજ ઉતાવળે નક્કી થઇ અને તેની પાછળ ભારત સાથેના સંબંધો પાકા કરી લેવાનો ઇરાદો હતો. ડોનાલ્ડ ટ્રમ્પનું અમેરિકાના પ્રેસિડન્ટ થયા પછી એવી પરિસ્થિતિ ખડી થઈ કે ઘણાબધા રાષ્ટ્રોએ પોતાના રાજકીય ભૌગોલિક સંબંધોમાં તેલ પૂરીને બધું તાજું અને સાજું કરી લેવાની અનિવાર્યતાને પ્રાધાન્ય આપ્યું. એમાં ય ભારતની સ્થિતિ એવી છે કે તેને અમેરિકા સાથે તો સારાસારી છે જ પણ ટ્રમ્પ તો મનસ્વી છે અને એટલે જ ભારતને એમ થાય કે બીજા રાષ્ટ્રો સાથે આપણે સારા સંબંધો હોય તો એ જળવાઈ રહે તો સારું રહે. એક તરફ ભારતીય વડાના મગજમાં આ વિચાર હોય તો બીજી તરફ વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલા સમીકરણોમાં યુરોપીય દેશોને પણ દોસ્તની જરૂર પડે અને માટે ભારત સાથે સંબંધો પાકા કરી લેવાની અનિવાર્યતા તેમને પણ સમજાય. 

ભારત અને યુરોપના સંબંધો ખરાબ નથી રહ્યા પણ તેમાં નૈકટ્ય અને મજબૂતાઈનું પ્રમાણ માપસર રહ્યું છે. અત્યારે જે સંજોગો છે એ જોતાં યુરોપીય યુનિયન માટે ભારત આધાર રાખી શકાય તેવો એ આર્થિક અને વ્યૂહાત્મક સાથીદાર બની શકે છે. ભારતનો વિસ્તાર અને આર્થિક વિકાસ બન્ને યુરોપિયન યુનિયન માટે આકર્ષણનું કારણ રહ્યાં છે. આ કારણે જ અત્યાર સુધી બાજુમાં મુકાયેલી આ સંબંધોની ફાઇલ પરની ધૂળ ઉડાડવામાં હવે મોડું કરવા જેવું નથી. ખાસ કરીને યુરોપિયન યુનિયન માટે આ બહુ જરૂરી છે કારણ કે વૈશ્વિક રાજકારણની ગોઠવણમાં યુરોપ એકલું નથી પડી ગયું તેની ધરપત પોતાને માટે તો જરૂરી છે જ પણ અન્ય રાષ્ટ્રોને પણ એ સંદેશો પહોંચે તે જરૂરી છે.

યુરોપિયન કમિશન પ્રેસિડન્ટ ઉર્સુલા વોન ડે લિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક થઇ અને ત્યાર પછીને જાહેરાતો ભારત અને યુરોપિયન યુનિયનને વધુ નજીક લાવવાની દિશામાં હતી. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ડિફેન્સ અને સિક્યોરિટીને લગતી ભાગીદારી જેવા મુદ્દાઓ પર નક્કર કામગીરી કરાશે તેમ જાહેર કરાયું.

અત્યારે યુરોપ જે હકારાત્મક ઊર્જા દર્શાવે છે તે ત્રણ વર્ષ પહેલાંની સ્થિતિથી સાવ જ અલગ છે. જ્યારે રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી ત્યારે ભારતે રશિયાની ટીકા નહોતી કરી અને એવું ય નથી કે ભારતે હવે પોતાનું વલણ બદલી નાખ્યું છે. પણ યુરોપિયન રાજકારણના વર્તમાન સંજોગોમાં યુરોપિયન યુનિયનને એ સમજાઈ ગયું છે કે ભારતમાં જે પણ અપૂર્ણતા હોય, અધૂરપ હોય એ બધું બાજુએ મૂકીને વ્યૂહાત્મક રીતે માત્રને માત્ર બે દેશો વચ્ચેની આપ-લે અને વાટાઘાટોને અગ્રિમતા આપીને સંબંધ મજબૂત કરવા જરૂરી છે. યુરોપને માટે અત્યારે પસંદગી કરવી અઘરી થઇ છે. સુરક્ષામાં મદદને મામલે યુ.એસ.એ.નો વિકલ્પ નથી તો આર્થિક સંબંધોને મામલે ચીનની જગ્યા કોઈ લઇ શકે એમ નથી – આવામાં યુરોપને નવી ભાગીદારીમાંથી જે મળશે એમાં ખુશ રહેવું પડશે. યુરોપને આ નવી દોસ્તીમાંથી જે મળશે તે યુરોપને જે ગુમાવવું પડશે તેની સરખામણીએ બહુ નાનું હશે, પણ ન મામા કરતાં કાણો મામો શું ખોટો વાળું ગણિત યુરોપિયન યુનિયનના મનમાં હોય તે સ્વભાવિક છે. હાથમાં હોય અને નજર સામે હોય બન્ને ગુમાવવાને બદલે જે થોડું ઘણું સાચવી લેવાય તે સાચવી લેવું પડે એવી સ્થિતિ છે. આવામાં યુરોપે તો ભારત કરતાં ય નાના પાયે વ્યાપારી તાકાત ધરાવતા હોય એવા દેશોને ય દોસ્તીની સલામ કરી છે – જેમ કે બ્રાઝીલ, આર્જેન્ટિના, પેરાગ્વે અને ઉરુગ્વે. આ એવા દેશો છે જેમના વિશે આપણે વૈશ્વિક રાજકારણ કે અર્થતંત્રને મામલે ભાગ્યે જ ચર્ચામાં મોટો હિસ્સો તેમના ભાગે આવતો હોય છતાં પણ યુરોપિયન લીડર્સે બને એટલા દેશ સાથે દોસ્તી સાચવી લેવાનું નક્કી કર્યું છે. વળી જાપાન, દક્ષિણ અમેરિકા, ભારત અને ગલ્ફ રાષ્ટ્રો સાથે સંબંધો બાંધીને વ્યાપારી પાસાને સબળ કરવાની દિશામાં પણ યુરોપિયન નેતૃત્વએ કમર કસી છે. ભૂતકાળમાં વ્યાપાર અને સુરક્ષાને મામલે તેમણે યુ.એસ.એ. પર જ આધાર રાખ્યો હતો પણ હવે તેને આધારે બેસી રહેવાનું પોસાય તેમ નથી.  

અમેરિકાના પ્રમુખે કોઈની સાડાબારી રાખ્યા વિના લગભગ માફિયાગીરી ચાલુ કરી છે તેમાં આગામી દસકો તોફાની રહેવાનો છે. વળી અમેરિકાથી શરૂ થયેલું તોફાન આર્થિક રાજકીય રીતે અન્ય દેશોને ય અસર કરશે અને માટે જ યુરોપ માટે સલામતી અને વ્યાપાર – આ બન્ને બાબતો માટે ભારત સાથે સંબંધો કેળવવા જરૂરી છે. ભારત વિશ્વની સૌથી આધુનિક આર્થિક તાકાત નથી એ સાચું પણ ભારત પાસે એટલી સગવડ અને શક્યતાઓ છે જેના ઔદ્યોગિક પાયો યુરોપના આર્થિક લક્ષ્યને માર્ગ કરી આપે. આપણે ત્યાં પ્રાથમિક તબક્કાની ઉત્પાદન ક્ષમતા વધારવાનું માળખું વ્યવસ્થિત છે. યુરોપિયન કમિશનનાં પ્રેસિડન્ટે યુરોપિયન યુનિયન સાથે ડિફેન્સ પ્રોજેક્ટમાં જોડાવામાં ભારતને રસ હોવાનું જાહેર કર્યું છે. યુરોપ માટે મેન્યુફેક્ચર – ઉત્પાદન કરવાનું આવે તો ભારતીય કંપનીઓ પોતાની કામગીરીનો વ્યાપ આગલા તબક્કે લઇ જઇ શકે. આ સંજોગોમાં બન્નેને ફાયદો થશે, જે એક સારા રાજકીય સંબંધની નિશાની છે. 

યુરોપની વ્યથા નાની નથી કારણ કે ચીન પ્રતિસ્પર્ધી છે તે સમજીને તેની સામે કઈ રીતે વ્યૂહરચના કરવી તે દિશામાં યુરોપે વિચાર્યું ત્યાં ખબર પડી કે યુ.એસ.એ.એ પણ આ સ્પર્ધામાં ઝંપલાવ્યું છે. બે મોટા માંથા સાથેની સ્પર્ધામાં ટકી રહેવું હોય તો નવા અને નાના પણ મજબૂત રાષ્ટ્રોની મદદ જોઇએ તે સ્વાભાવિક છે. યુરોપ સાથે વ્યાપારી વાટા-ઘાટની વાત કરીએ તો ચીન સપ્લાય ચેનને મામલે બહુ બળૂકો દેશ છે અને ભારત તેની બરોબરી તો નહીં કરી શકે. વૈશ્વિક વ્યાપારને મામેલ ચીન અને યુરોપિયન યુનિયનનો હિસ્સો પંદર ટકા છે જ્યારે ભારતનો હિસ્સો માંડ બે ટકા છે, છતાં પણ યુરોપિયન યુનિયનના અન્ય કોઈ પણ ભાગીદાર કરતાં ભારત તેની સાથે વધુ વ્યાપારી લેવડ-દેવડ ધરાવે છે. ભારત યુરોપિયન યુનિયનના વ્યાપારી ભાગીદારોની યાદીમાં નવમા સ્થાને છે. યુરોપના અર્થતંત્રમાં ભારતનો ફાળો નાનો છે પણ નહિવત્ નથી. 

અત્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ મલ્ટિલેટરાલિઝમ – એટલે કે પક્ષીયતાથી પોતાને દૂર કરી રહ્યા છે. જેમાં એક સાથે અનેક રાષ્ટ્રો ભેગાં મળીને વૈશ્વિક મુદ્દાઓ ઉકેલે, નિર્ણય લે અને આંતરરાષ્ટ્રીય કાયદા ઘડે. ટ્રમ્પને અત્યારે એવું કંઇ નથી કરવું, તેના સ્વાર્થમાં માત્રને માત્ર અમેરિકા છે – કારણ કે અમેરિકાનું અર્થતંત્ર, વ્યવસ્થા અંદરથી સાવ પાંગળા થઈ ગયાં છે. ફાંકાં મારતા હોય એમ ભલે લાગતું હોય પણ અમેરિકા પર તોતિંગ આર્થિક બોજો છે. આવા સંજોગોમાં યુરોપિયન યુનિયને નિયમો આધારિત તંત્રથી દેશોને જોડી રાખ્યા છે અને માટે જ એકતાની તાકાતથી માથાભારે રાષ્ટ્રો સામે ટકી શકાય તે દિશામાં યુરોપિયન યુનિયન કામ કરવા માગે છે.  

બાય ધી વેઃ 

અચાનક જ ભારતીય વડા પ્રધાન સાથેની દોસ્તીનું પ્રદર્શન યુરોપની બેચેની છતી કરી દેનારું લાગી શકે પણ યુરોપિયન યુનિયનને અત્યારે એવી કોઈ ફિકર નથી સતાવી રહી. પોતે એકલા પડી ગયા છે તેવું લાગે તેના કરતાં પોતાની ટીમમાં ય કોઈ છે એવું બતાવવામાં જ શાણપણ છે તે યુરોપિયન યુનિયન જાણે છે. વળી ભારત પણ સારી પેઠે સમજે છે કે પોતે હજી એટલો તાકાતવર નથી કે એકલા હાથે યુરોપિયન યુનિયનના પડકારો ઉકેલી દે પણ સારાસારી રાખવાનો પ્રયત્ન એળે નહીં જાય એ પણ એક સત્ય છે. યુરોપ એકલું પડ્યું છે, તેને પોતાનો રસ્તો જાતે કરી લેવાનું અમેરિકાએ કહી દીધું છે ત્યારે મૈત્રીની ડિપ્લોમસી જ હામ બંધાવે. ભારત માટે આ એક સારો મોકો છે જેના થકી તે પારકી પંચાતમાં પ્યાદું બનવાને બદલે પોતાની ક્ષમતાનો વ્યાપ કરી વધુ મજબૂત બની શકે અને વૈશ્વિક રાજકારણમાં પોતાની ચાવીરૂપ ભૂમિકાને વધુ ધારદાર બનાવી શકે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2025

Loading

અમેરિકન ડોલરના સ્વપ્નને દુ:સ્વપ્ન બનાવતો ડંકી રુટ 

સોનલ પરીખ|Opinion - Opinion|9 March 2025

‘ડંકી રુટ’ (ડોન્કી રુટ) એટલે વિશ્વના કોઇ દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતા માર્ગો. પહેલા તેનો ઉપયોગ ખતરનાક ગુનેગારો દેશ છોડીને ભાગી જવા માટે કરતા હતા, હવે વિદેશ જવાનું સ્વપ્ન જોતા હજારો લોકો આ માર્ગ દ્વારા પોતાના પ્રિય દેશમાં પ્રવેશવાનું જોખમ ખેડી રહ્યા છે

પંજાબના પાંચ યુવાનો પોતપોતાનાં કારણોસર લંડન જવા તલપાપડ છે પણ તેમની પાસે પૂરતું ક્વોલિફિકેશન નથી. તેઓ વિવિધ પદ્ધતિઓ અજમાવે છે પરંતુ વિઝા મેળવવામાં નિષ્ફળ જાય છે. એક એજન્ટ ઘણાબધા પૈસા લઈ તેમને ગેરકાયદેસર રસ્તાઓ દ્વારા ઇંગ્લેન્ડ લઈ જવા તૈયારી બતાવે છે. યાત્રા જોખમી છે, જેમાં રણ, પર્વતો અને 27 દિવસની ગૂંગળામણભરી કાર્ગો કન્ટેનર સફરનો સમાવેશ થાય છે. આ વાર્તા 2023માં રિલિઝ થયેલી, શાહરુખ ખાન, તપસી પન્નુ અને વિકી કૌશલ જેવા કલાકારો ધરાવતી રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી રુટ’ની છે. તેમાં ગેરકાયદેસર સ્થળાંતરની દુ:ખદ વાસ્તવિકતાઓ એક ઉદાસ ઉપસંહાર સાથે બતાવવામાં આવી છે. 

દર વર્ષે દસ લાખથી વધુ લોકો ગેરકાયદેસર રીતે સરહદો પાર કરે છે, ઘણા અજ્ઞાત મૃત્યુ પામે છે. પરિવારોને તેમના સમાચાર પણ મળતા નથી. ઘણા પહોંચે તો છે, પછી નાનામોટા વ્યર્થ કામોમાં અટવાય છે. થોડા પકડાય છે અને પાછા ફરે છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે શપથવિધિ પછી તરત જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરતાં એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પે દેશમાંથી ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનું વચન આપ્યું હતું. ટ્રમ્પ અને ઘણાખરા અમેરિકનો માને છે કે અન્ય દેશોના લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસીને ગુના કરે છે. ઇમિગ્રન્ટ્સના કારણે અમેરિકનોને નોકરી મળવી મુશ્કેલ થાય છે. અમેરિકાની સેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન પાંચમી ફેબ્રુઆરીએ 104 ભારતીય નાગરિકોને લઈને અમૃતસર શહેરમાં ઊતર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે પ્રવાસીને દેશની બહાર મોકલવા માટે અમેરિકન સેનાની મદદ લીધી હતી. 16 ફેબ્રુઆરી સુધીમાં બીજાં બે વિમાન ભરીને અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તેમાંના મોટાભાગના 18થી 30 વર્ષની વયના છે. આ બધા ડંકી રુટ દ્વારા ગેરકાયદે અમેરિકામાં ઘૂસ્યા હતા અને એ માટે તેમણે એજન્ટોને લાખો રૂપિયા આપ્યા હતા. પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર, 2023 સુધીમાં અમેરિકામાં 7 લાખથી વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયો છે. અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સાથે કામ કરતી સરકારી એજન્સી (ICE) અનુસાર, છેલ્લાં 3 વર્ષમાં ગેરકાયદે પ્રવેશવાનો પ્રયાસ કરતા 90 હજાર ભારતીય નાગરિકો ઝડપાયા છે. 

‘ડંકી રુટ’ (ડોન્કી રુટ) એટલે વિશ્વના કોઇ દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી. ડંકી પંજાબી શબ્દ છે જેનો અર્થ એકથી બીજા સ્થળે કૂદાકૂદ કરવી એવો થાય છે. ડંકી રુટથી જનારા લોકો ઘણાબધા દેશોમાં થઈને, જીવના જોખમે અનેક હાડમારીઓ વેઠી ગંતવ્ય દેશમાં પહોંચે છે. પોલીસ અને સેનાની નજરથી બચી પોતાની જાતને છુપાવી એક સ્થળેથી બીજા સ્થળે ઘૂસવાનું હોય છે. ઘણીવાર નદી કે જંગલમાંથી પસાર થવું પડે છે કે પછી બરફ આચ્છાદિત વિસ્તાર પસાર કરવો પડે છે. પહેલા આ માર્ગનો ઉપયોગ ખતરનાક ગુનેગારો દેશ છોડીને ભાગી જવા માટે કરતા હતા, પરંતુ હવે વિદેશ જવાનું સ્વપ્ન જોતા હજારો લોકો આ માર્ગ દ્વારા પોતાના પ્રિય દેશમાં પ્રવેશ કરી રહ્યા છે

યુ.એસ. અધિકારીઓએ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવ્યું હતું કે નકલી શેંગેન વિઝા ધરાવતા પ્રવાસીઓને અઝરબૈજાન અથવા કઝાકિસ્તાન જેવા પ્રમાણમાં સુલભ યુરોપિયન દેશોમાં અને ત્યાંથી મધ્ય અમેરિકન અથવા કેરેબિયન દેશો જેવા કે ગ્વાટેમાલા અને કોસ્ટા રિકા દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવે છે.

અન્ય માર્ગમાં પ્રવાસી વિઝા પર તુર્કસ્તાન જવું અથવા વિઝા-ઓન-અરાઇવલ પર કઝાકિસ્તાન જવું અને ત્યાંથી રશિયાનો માર્ગ લેવાનો હોય છે. કેટલાક કિસ્સાઓમાં, પ્રવાસીઓ મેક્સિકો જતા પહેલા નકલી શેંગેન વિઝા મેળવે છે અને સરહદી પ્રદેશોમાં અનેક કિલોમીટરની મુસાફરી કરીને અમેરિકા પહોંચે છે.

ઇક્વાડોર, બોલિવિયા અને ગુયાના જેવા વિઝા-ઓન-અરાઇવલ દેશો ડંકી રૂટ માટે પ્રથમ પસંદગી છે. ભારતમાંથી સૌથી લોકપ્રિય ડંકી રૂટ લેટિન અમેરિકન દેશમાંથી પસાર થાય છે. બ્રાઝિલ અને વેનેઝુએલા સહિત કેટલાક દેશો ભારતીયોને સરળતાથી પ્રવાસી વિઝા આપે છે. પણ લેટિન અમેરિકન દેશો સુધી પહોંચતાં મહિનાઓ લાગી શકે છે.

કેટલાક એજન્ટો દુબઈથી મેક્સિકો સીધા વિઝાની વ્યવસ્થા કરે છે. જો કે સીધા મેક્સિકોમાં ઉતરાણ કરવું વધુ જોખમી છે. તેથી, મોટા ભાગના એજન્ટો તેમના ગ્રાહકોને લેટિન અમેરિકન દેશમાં લેન્ડ કરે છે અને પછી તેમને કોલંબિયા લઈ જાય છે. જેટલો દેશ યુ.એસ. બોર્ડરની નજીક, તેટલો ભારતથી વિઝા મેળવવો મુશ્કેલ. કોલંબિયાથી પનામામાં પ્રવેશવા માટે ખતરનાક જંગલો પાર કરવા પડે છે, જેમાં ડેરિયન ગેપનો સમાવેશ થાય છે. સ્વચ્છ પાણીનો અભાવ ઉપરાંત જંગલી પ્રાણીઓ અને ગુનાહિત ટોળકીના હુમલાનો ભય હોય છે. અહીં આચરવામાં આવતા ગુનાઓ નોંધાતા નથી, કોઈ સજા થતી નથી. જો બધું બરાબર ચાલે, તો પ્રવાસમાં આઠથી દસ દિવસ લાગે છે, જો કોઈનું મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર કરવાનો કોઈ રસ્તો નથી.

કોલંબિયાથી બીજો રસ્તો છે જે પનામાના જંગલથી બચવા માટે સાન એન્ડ્રેસથી શરૂ થાય છે. સાન એન્ડ્રેસથી સ્થળાંતર કરનારાઓ મધ્ય અમેરિકાના દેશ નિકારાગુઆમાં બોટ લઈને જાય છે. ગેરકાયદેસર વસાહતીઓથી ભરેલી માછીમારી બોટ સાન એન્ડ્રેસથી લગભગ 150 કિલોમીટર દૂર ફિશરમેન કેમાં જાય છે. ત્યાંથી, માઇગ્રન્ટ્સને મેક્સિકો જવા માટે બીજી બોટમાં મોકલવામાં આવે છે. અમેરિકા અને મેક્સિકોને અલગ કરતી 3,140 કિલોમીટર લાંબી વાડ છે. પ્રવાસીઓએ તેને કૂદીને પાર કરવી પડે છે. ઘણા લોકો જોખમી રિયો ગ્રાન્ડે નદી પાર કરવાનું પસંદ કરે છે.

સરહદ પાર કર્યા પછી, સ્થળાંતર કરનારાઓને કેમ્પમાં રાખવામાં આવે છે. હવે, યુ.એસ. અધિકારીઓ તેમને આશ્રય માટે યોગ્ય માને છે કે કેમ તેના પર તેમનું ભાવિ નિર્ભર છે. આજકાલ, યુ.એસ. જવા માટેનો બીજો આસાન રસ્તો છે, જેમાં ઘણા માઇગ્રન્ટ્સ પહેલા યુરોપ જાય છે અને ત્યાંથી સીધા મેક્સિકો જાય છે. ડંકી માર્ગ પર મુસાફરીનો સરેરાશ ખર્ચ 15 લાખથી 70 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. કેટલાક એજન્ટો વધુ પૈસાના બદલામાં ઓછી મુશ્કેલ મુસાફરીનું વચન આપે છે. ભારતના એજન્ટોનાં અમેરિકા સુધીના દાણચોરો અને માનવ-તસ્કરો સાથે જોડાણ છે. 

ગેરકાયદેસર માર્ગો અપનાવીને વિદેશ જનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકી સરકારના આંકડા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં બે લાખથી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પકડાયા છે. તેમાંથી કેટલાકને પાછા મોકલવામાં આવ્યા હતા અથવા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ આંકડા મુજબ ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 96,1917 ભારતીયો ડોક્યુમેન્ટ વિના અમેરિકામાં પ્રવેશતા પકડાયા હતા. તેમાંથી કેટલાકને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, કેટલાકને પાછા મોકલવામાં આવ્યા હતા અને કેટલાકને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કોવિડ પછી સરહદો ફરી ખૂલી. ત્યાર પછી માન્ય ડોક્યુમેન્ટ વિના અમેરિકા આવતા ભારતીયોની સંખ્યામાં અનેકગણો વધારો થયો. 

ડંકી રુટ ખૂબ જોખમી છે. જાન્યુઆરી 2022માં ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મૃતદેહો અમેરિકા-કેનેડા બોર્ડરથી 10 મીટર દૂર મળી આવ્યા હતા. આ લોકો બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. 2023 એપ્રિલમાં વધુ એક ગુજરાતી પરિવારનું મોત થયું હતું. અમેરિકામાં પ્રવેશતા પહેલા જ તેમની બોટ સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગઈ હતી. મૃતકોમાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકો હતાં. અગાઉ જાન્યુઆરીમાં પણ અમદાવાદથી એજન્ટ મારફતે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો અત્યારે ક્યાં છે તે કોઈને ખબર નથી.

સાહિર લુધિયાનવીએ બીજા સંદર્ભમાં કહેલો શેર ડંકી રુટના મુસાફરો માટે પણ સાચો છે :

કિસ મંઝિલ-એ-મુરાદ કી જાનિબ રવાં હૈં હમ, 

કલ જિસ ચૌરાહે પર થે, આજ ભી વહીં હૈ…’       

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ફેબ્રુઆરી  2025

Loading

महाजनो येन गत: स पन्था:

રમેશ ઓઝા|Opinion - Opinion|9 March 2025

રમેશ ઓઝા

જેના નામે ઘરઆંગણે રાષ્ટ્રદ્રોહનું રાજકારણ કરીને પોતાનું જ નાક કપાવ્યું એ યુ.એસ.એઈડ ૧૯૬૧ની સાલથી આપવામાં આવે છે. અમેરિકા જગતનો માત્ર સૌથી શક્તિશાળી દેશ નથી, વડીલ સમાન આદરપાત્ર દેશ છે એમ અમેરિકનો માનતા હતા અને એ મુજબ વર્તતા હતા. તેમણે અલગ અલગ ગજ વાપરીને જગતને બે ભાગમાં વહેંચ્યું હતું. એક ખુલ્લો સમાજ જ્યાં લોકશાહી છે, નાગરિકોને અધિકાર આપવામાં આવ્યા છે, એ અધિકારોને બંધારણ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે, જવાબદાર શાસન છે અને બીજો બંધિયાર સમાજ જ્યાં તાનાશાહી છે, નિયંત્રણો છે અને નાગરિક શ્વાસ લેતા પણ ડરે છે. વિશ્વપ્રજાને બંધિયારપણાથી મુક્ત કરવાનો તેણે પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને વિકસિત અને અવિકસિત અથવા વિકાસશીલ એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જેનો વિકાસ નથી થયો તેનો વિકાસ કરવાનો અથવા વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવાનો પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને પર્યાવરણીય અને પર્યાવરણદૂષિત એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જ્યાં પર્યાવરણના ગંભીર પ્રશ્નો છે ત્યાં પર્યાવરણ સુધારવા માટેની વિશેષ જવાબદારી સ્વીકારી હતી. તેઓ એ વાતનો પણ સ્વીકાર કરતા હતા કે તેનો વિકાસ ગરીબ દેશોના પર્યાવરણકીય શોષણ દ્વારા થયો છે એટલે તેને સુધારવાની તેમની વિશેષ જવાબદારી બને છે. 

આ એક પ્રકારની વૈશ્વિક સ્તરની મહાજન સંસ્કૃતિ હતી. ભારતમાં એક સમયે મહાજન વર્ગ ગામનાં કલ્યાણની જવાબદારી સ્વેચ્છાએ ઉઠાવતો હતો. એટલે તો એ મહા+જન તરીકે ઓળખાતા હતા. આખી વીસમી સદીમાં અમેરિકા અને યુરોપના દેશો વિશ્વના મહાજન હતા. महाजनो येन गत: स पन्थाः એમ મહાભારતમાં કહ્યું છે. વચલી જ્ઞાતિઓ અને મધ્યમવર્ગની માફક ઉપર બતાવ્યા એવા વિભાજીત જગતમાં વિકાસશીલ લોકતાંત્રિક દેશો અમેરિકા અને યુરોપના મહાજનોનું અનુકરણ કરતા હતા. આમાં ભારત સૌથી મોખરે અને સૌથી પ્રતિષ્ઠિત દેશ હતો. ભારત પણ પોતાને મહાજન સમજતું હતું અને એટલે તો વાઘાની સરહદ ઓળંગીને પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશનારને અહેસાસ કરાવવામાં આવતો હતો કે તમે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં પ્રવેશી રહ્યા છે. યુ.એસ.એઇડ આપીને અમેરિકા વિકાસશીલ ભારતનો હાથ ઝાલતું હતું, ભારત હાથ પકડતું પણ હતું, પરંતુ એ સાથે વાઘા સરહદે પાકિસ્તાનીને ટોણો મારવાનું નહોતું ચૂકતું. અમારે ત્યાં લોકશાહી છે. અમારો સમાજ બંધિયાર નથી. 

ટૂંકમાં અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો મહાજન દેશો હતા. ચીન અને રશિયા અને બીજા સામ્યવાદી દેશોનો નઠારા દેશોમાં સમાવેશ થતો હતો. મુસ્લિમ દેશોનો પછાત દેશોમાં સમાવેશ થતો હતો અને જગતના બીજા કેટલાક દેશોનો આર્થિક અને સાંસ્કૃતિક રીતે કંગાળ દેશોમાં સમાવેશ થતો હતો. ભારતનું સ્થાન આમાં વચ્ચે હતું. ભારત પોતાને મહાજન સમજતું હતું, પરંતુ મહાજનો હજુ થોડી વાર છે એમ કહીને તેને નજીક છતાં ય બહાર રાખતા હતા. 

અંગ્રેજીમાં કહીએ તો એ હેન્ડ હોલ્ડીંગનો યુગ હતો. પણ એનો અર્થ એવો નહોતો કે તેમાં સંપૂર્ણ ઈમાનદારી હતી. અમેરિકાએ કથની અને કરણીમાં જે વિરોધાભાસ બતાવ્યો છે તેની લાંબી ગાથા છે. યુરોપના દેશોએ કેટલાક દેશોને ગુલામ બનાવીને તેનું શોષણ કર્યું હતું. એમ છતાં ય જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે ગુલામ દેશોમાં કેટલાક લોકોએ આગ્રહ કર્યો હતો કે આપણે લોકશાહી દેશોને મદદ કરવી જોઈએ. તેમણે એ યુદ્ધને  લોકશાહી દેશો અને ફાસીવાદી દેશો વચ્ચેનાં યુદ્ધ તરીકે ઓળખાવ્યું હતું. કપડાં ફગાવી દીધેલા બેશરમ નાગા કરતાં સભ્યતાની મર્યાદામાં રહીને ઢોંગ કરતો ઢોંગી સારો. અને ઢોંગી તો આપણે ત્યાં મહાજનો પણ ક્યાં ઓછા હતા! 

પણ હવે?

હવે અમેરિકા કહે છે કે ‘ગર્વ સે કહો હમ નંગે હૈ’ સભ્યતા, ઉદારતા, મર્યાદાનો શું અમે ઠેકો લીધો છે? નઠારું ચીન નઠારાપણા દ્વારા આગળ નીકળી ગયું અને આપણે માણસાઈ બતાવવામાં પાછળ રહી ગયા. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો વાળો ધંધો નહીં જોઈએ. આમ પણ જગતમાં નીચતાપર્વ બેઠું છે. એક પછી એક દેશના શાસકો મૂલ્યો અને માણસાઈ છોડી રહ્યા છે. રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને દેશહિતના નામે નર્યો સ્વાર્થ, એ પણ તાત્કાલિક સ્વાર્થ, દાદાગીરી, રંજાડ વગેરે અવગુણો ગર્વ સાથે અપનાવવામાં આવી રહ્યા છે. આ જોઇને અમેરિકનોને પણ લાગ્યું કે ખૂંટિયાયુગમાં આપણો પણ એક ખૂંટ હોવો જોઈએ, જે છીંકોટા મારે, શિંગડાં મારે અને લાત પણ મારે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને નથી બદલી રહ્યા, અમેરિકનો અમેરિકાને બદલી રહ્યા છે જેમ ભારતીયો ભારતને બદલી રહ્યા છે. શાસકો તો લાભાર્થી છે. નીચતા રાષ્ટ્રવાદનો વરખ ચડાવીને પ્રસરી રહી છે. 

આ રાષ્ટ્રવાદ પણ એવો રાષ્ટ્રવાદ છે જે આખા રાષ્ટ્રની દરેક પ્રજાને બાથમાં નથી લેતો, પણ માત્ર બહુમતી પ્રજાને બાથમાં લે છે. પોતાનાં દેશનાં વતનીઓ હોવા છતાં કેટલાકને બાકાત રાખવા માગે છે. જો આવતીકાલે સીધો-સામાન ઓછો પડશે અથવા સ્વાર્થવૃત્તિ હજુ વધુ વિકૃત બનશે તો બહુમતી સમાજના માથાભારે લોકો પોતાનાંમાંથી જ નબળાઓને વંચિત રાખશે. દુર્બળતા રાષ્ટ્રધર્મમાં બાધારૂપ છે એટલે દુર્બળને તેનાં નસીબ પર છોડી દેવો જોઈએ એવી પણ એક થીયરી છે. રાષ્ટ્રવાદ એક બીમારી છે, એવી બીમારી જે શરીરના પસંદ કરેલા અંગને પોષણથી વંચિત રાખે છે. કોઈને વંચિત રાખવા માટે ધર્મ, સંપ્રદાય, પેટા-સંપ્રદાય, ભાષા, જ્ઞાતિ વગેરે હાથવગાં છે. લેબલ લગાડો, અનુકૂળ ઇતિહાસ ઘડો, દોષી ઠેરવો અને લાત મારો. અંગો પણ શરીરનો જ હિસ્સો છે એ રાષ્ટ્રવાદ નથી સમજતો. 

અમેરિકાએ બેશરમ બનીને સત્તાવારપણે નઠારાપણું અપનાવી લીધું છે એ જોઇને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ યુરોપના મહાજનો ડઘાઈ ગયા છે. આ બધા દેશોની મહાજની મુખ્યત્વે અમેરિકા પર નિર્ભર હતી. આમાં સૌથી મોટું સંકટ ભારત સામે પેદા થયું છે. વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. શેરબજારમાં ભુક્કા બોલી રહ્યા છે. કારણ? કારણ બહુ સ્પષ્ટ છે : તમે હજુ સુધી મહાજનો(મુખ્યત્વે અમેરિકા)ના હેન્ડ-હોલ્ડીંગથી મુક્ત નથી થયા અને જો મહાજન હાથ છોડી દે તો તમારું ભવિષ્ય શું? બીજું સભ્યતાની બાબતે તમે દહીંદૂધમાં પગ રાખો છો. જગત સભ્ય અને અસભ્યમાં વહેંચાઇ રહ્યું છે ત્યારે ભારત પોતાનું સ્થાન નક્કી કરી શકતું નથી. 

ચીન અને ભારતે લગભગ સાથે યાત્રા શરૂ કરી હતી. ચીન ત્યારે ભારત કરતાં ઘણું પાછળ હતું. પણ આજે ચીન કોઈ હાથ પકડે એનું મોહતાજ નથી. ભારત એ કરી શક્યું નથી અને હવે અચાનક નવા શરૂ થયેલા નીચતાના યુગમાં સપડાઈ ગયું છે. ભારત અવસર ચૂકી ગયેલો દેશ છે અને હવે તો જમીન પરની વાસ્તવિકતા બદલાઈ રહી છે. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2025

Loading

...102030...410411412413...420430440...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved