Opinion Magazine
Number of visits: 10,202,872
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિસ : આવકાર અને અલવિદાની કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|9 June 2015

‘કોઈ પુરુષ સુંદર યુવતીને કિસ કરતી વખતે કુશળ રીતે ગાડી ચલાવી શકે તો એનો મતલબ એને કિસ કરતા આવડતું નથી.’ આઇન્સ્ટાઈને આવું કહ્યું હતું એવું મનાય છે. આઇન્સ્ટાઈનનો ડહાપણનો આઈક્યૂ બહુ ઊંચો હતો એટલે દરેક બાબતોમાં એ ડહાપણ ડહોળતા હતા એવું હવે સર્વસ્વીકૃત છે. દાખલા તરીકે એમની જગપ્રસિદ્ધ સાપેક્ષવાદની થિયરીને સાદી ભાષામાં સમજાવતાં એમણે કહેલું કે, ‘સુંદર છોકરી સાથે બગીચામાં એક કલાક બેસીએ તો ય એક જ મિનિટ થઈ છે તેવું લાગે પણ સળગતા ગેસને મિનિટ માટે અડીએ તો એક કલાક જેવું લાગે અેનું નામ સમયનો સાપેક્ષવાદ.’

અવતરણોની ચોપડીમાંથી મહાન માણસના અવતરણને ઠઠાડવાથી આપણો લેખ પણ મહાન થઈ જાય એવા આશયથી અહીં આઇન્સ્ટાઈનનું ‘નેઇમ ડ્રોપિંગ’ કર્યું છે એવું જો તમને લાગતું હોય તો તમે ય આઇન્સ્ટાઈનના ગાડી ચલાવવાવાળાની જેમ કિસ પર ફોકસ કરવાના બદલે આઇન્સ્ટાઈન પર (ખોટી) નજર બગાડી રહ્યા છો. કિસમાં ગાડી આડા પાટે ચઢી જાય એ નવું નથી. એકબીજા પ્રત્યે સ્નેહ વ્યક્ત કરવા માટે માણસો બોડી લેંગ્વેજનો ઉપયોગ કરે છે તેમાં કિસ સૌથી ઓછી સમજાય તેવી દેહબોલી છે.

એક મિત્રે ઇમેલ મોકલ્યો છે. એમાં સમાચાર છે કે વાઇકિંગ સંસ્કૃિત વખતની રુન્સ બોલીમાં સાંકેતિક રીતે લખાયેલા 900 વર્ષ જૂના એક શબ્દને શોધકર્તાઓએ ‘કિસ મી’ તરીકે ઓળખી કાઢ્યો છે. રુન્સ પૌરાણિક જર્મન પ્રથમાક્ષરોમાંથી બનેલી બોલી હતી જે પ્રથમ સદીની આસપાસ સ્કેન્ડેનેિવયન વાઇકિંગ સંસ્કૃિતમાં લોકપ્રિય હતી. એ એક સાંકેતિક બોલી હતી અને જગતમાં એનાં નવ દૃષ્ટાંત જ ઉપલબ્ધ છે જેમાંથી આ ‘કિસ મી’ એક છે.

ઓસ્લો યુનિવર્સિટીના રુનિયોલોજિસ્ટ (રુન્સ ભાષાશાસ્ત્રી) કે. જોન્સ નોર્ડબાય કહે છે કે વાઇકિંગ સંસ્કૃિતનાં પ્રેમી યુગલો લાકડામાં આવા રોમેન્ટિક સંદેશા કોતરેલા છે. આ ‘કિસ મી’ સંદેશાવાળું દૃષ્ટાંત 900 વર્ષ જૂનું છે અને એને સમજવાના અત્યાર સુધીના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. અન્ય શોધકર્તાઓ કહે છે કે લાકડા પરની એ કોતરણીમાં ‘કિસ મી’ એવો સંદેશો હોવાનો નોર્ડબાયનો નિષ્કર્ષ કદાચ સાચો છે.

કિસનો સૌથી પ્રાચીન સંદર્ભ મહાભારતમાં હોવાની માન્યતા છે પરંતુ એમ. કે. અગ્રવાલ એમના અભ્યાસગ્રંથ ‘ધ વૈદિક કોર ઓફ હ્યુમન હિસ્ટ્રી’માં લખે છે કે કિસનો સૌ પ્રથમ પ્રાચીન સંદર્ભ સંસ્કૃત સાહિત્યમાં છે, એ પછી મહાભારત અને કામસૂત્રમાં એનો ઉલ્લેખ છે. કિસિંગને ગ્રીક લોકો ભારતની બહાર લઈ ગયા અને શંૃગારિક કિસને ઇટાલિયન લોકોએ પ્રચલિત બનાવી. કામસૂત્રમાં 16 કિસમની કિસનાં વર્ણન છે. વૈદિક શાસ્ત્રોમાં ‘કિસ’ અથવા ચુંબન શબ્દ નથી. એના સ્થાને ‘સ્પર્શ’ અને ‘ગંધ’ શબ્દો વપરાયા છે.

આપણે કિસ કેમ કરીએ છીએ? આ સવાલનો ઉત્તર નથી કારણ કે વિજ્ઞાને લગભગ તમામ વૃત્તિઓની છાનબીન કરી છે સિવાય કિસ. કિસિંગમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાન એનો સિદ્ધાંત કે નિયમ રચી શક્યું નથી. સંબંધે સંબંધે કિસ જુદી હોય છે. પતિ-પત્નીની કિસ, મા-દીકરાની કિસથી અલગ હોય છે. બે મિત્રોની કિસ બે ભાઈઅોની કિસ કરતાં જુદી હોય છે. ગાલ પરની કિસ હાથ પરની કિસ કરતાં ભિન્ન છે. ગુરુ એના શિષ્યના કપાળ પર કિસ કરે છે. શિષ્ય ગુરુના પગને કિસ કરે છે. ફ્રેન્ચ સંસ્કૃિતમાં 20 પ્રકારની કિસ છે. જર્મનો 30 પ્રકારે ચુંબન કરી શકે છે. જગતમાં 90 પ્રતિશત લોકો કિસ કરે છે. પરંતુ 10 પ્રતિશત સંસ્કૃિત એવી ય છે જ્યાં કિસ કરવી વર્જિત છે.

અભ્યાસકર્તાઓને કિસ અજીબ લાગે છે. એ શ્વાસોશ્વાસની જેમ એટલી સહજ ક્રિયા છે કે વિજ્ઞાન એનો ડેટા એકઠા કરવાનું ભૂલી ગયું છે અથવા એમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાનને એમાં કોઈ ચોક્કસ નિયમ શોધવામાં તકલીફ પડે છે. 17મી સદીના જર્મન અભ્યાસુ માર્ટિન વોન કેમ્પેએ 1000 પાનાનો કિસિંગ એનસાયક્લોપીડિયા લખ્યો છે. જેમાં એણે કિસિંગના 20 પ્રકારને અધિકૃત ઠેરવ્યા છે.

‘ધ એક્સપ્રેશન ઓફ ધ ઇમોશન ઇન મેન એન્ડ એનિમલ’ કિતાબમાં ચાર્લ્સ ડાર્વિન લખે છે, જગતના ઘણા ભાગોમાં નાકથી નાકનો સ્પર્શ કરીને કિસ કરવામાં આવે છે. ઉત્તર ધ્રુવના આર્કટિક પ્રદેશમાં ખોજકર્તાએ ઓસ્કીમોમાં આ વૃત્તિ જોયેલી એટલે એને ‘ઓસ્કીમો કિસ’ કહેવાય છે.

જેની લોકપ્રિયતા અપાર અને અમાપ છે તે હોઠ સે હોઠ મીલે કિસને ‘ફ્રેન્ચ કિસ’ કહેવાય છે. 20મી સદીની શરૂઆતમાં જગતમાં ફ્રેન્ચ લોકો એમની સેક્સ અભિવ્યક્તિમાં સાહસી અને ખુલ્લા હતા. એમાંથી તસતસતા ચુંબનને ‘ફ્રેન્ચ કિસ’ નામ મળેલું. ફ્રેન્ચ લોકોની એક કિસનું નામ ‘હોટ એર’ (ગર્મ હવા) છે. જેમાં સ્ત્રીના કાન નીચેના ઇરોજીનસ (કામોત્તેજક) ભાગ પર ચુંબન કરતી વખતે એના કાનમાં હલકો હલકો શ્વાસ છોડવાનો!

‘એવરીથિંગ યુ એવર વોન્ટેડ ટુ નો અબાઉટ’ નામની કિતાબમાં અમેરિકન કિસ એક્સપર્ટ એન્ડ્રી દમીરજિયન લખે છે કે માણસ જ્યારે ગુફામાં રહેતો હતો ત્યારે બચ્ચાં જણતાં પહેલાં તેના/તેની પાર્ટનર તંદુરસ્ત છે કે નહીં તે ચકાસવા ચુંબન મારફતે સલાઇવા (થૂંક, લાળ) ટેસ્ટ કરતો હતો તેમાંથી ચુંબનનો આવિર્ભાવ થયો છે. એન્ડ્રીના કહેવા પ્રમાણે મોઢામાં 289 પ્રકારના બેક્ટેિરયાની વસ્તી છે અને એ કારણથી જ હિમાલયની કેટલીક જાતિઓ લિપલોક કિસ કરતી નથી. આફ્રિકા અને સુદાનના લોકોમાં માન્યતા છે કે મોં એ આત્માનું પ્રવેશદ્વાર છે અને હોઠથી હોઠ મિલાવીએ તો વચમાંથી યમરાજ અંદર ઘૂસી જાય!

અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ શેરીલ કિર્શેનબોમની કિતાબ ‘ધ સાયન્સ ઓફ કિસિંગ: વોટ અવર લિપ્સ આર ટેલિંગ અસ’માં એ લખે છે, ‘કિસમાં સ્વાદ, ગંધ, સ્પર્શ અને ‘ખામોશ’ કેમિકલ’ ફેરોમોન દ્વારા બે વ્યક્તિ એકબીજાની અંદર ઝાંખીને એકબીજા પ્રત્યેનો સંકલ્પ અને જીનેટિક યોગ્યતાનો તાગ મેળવે છે.’

સી.એન.એન. પર એક ઇન્ટરવ્યૂમાં શેરીલ કહે છે કે શરીરનાં તમામ ખુલ્લાં અંગો પૈકી હોઠ એ સૌથી વધુ કામોત્તેજક ભાગ છે. એમાં ઠસોઠસ સંવેદનશીલ સ્નાયુઓ ભરેલા છે જે જરાક અમથા સ્પર્શથી મગજને ઢગલાબદ્ધ સિગ્નલ અને માહિતી મોકલીને ‘આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ અથવા ‘ખબરદાર, રુક જાવ’ એ બેમાંથી એકની પસંદગી કરવામાં મગજને મદદ કરે છે.

જેને ક્રેનિયલ (કપાલીય) સ્નાયુ કહે છે તેવી 12 નર્વ્સમાંથી પાંચ નર્વ્સ કિસિંગ વખતે એક્ટિવ થઈને મગજ, હોઠ, જીભ અને ત્વચા વચ્ચે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સની આપ-લે કરે છે અને એ પ્રક્રિયામાં ડોપેમાઈન નામનું કેમિકલ પેદા કરે છે. તમે દારૂ પીવો કે, કોકેઈન સ્મોક કરો કે ચોકલેટ ખાવ ત્યારે જે ‘મઝા’ પડે છે તે આ ડોપેમાઈનના કારણે. જેને આપણે લત કહીએ છીએ (પછી એ કોઈપણ પ્રકારની ‘મઝા’ની હોય) તે આ ડોપેમાઈનના કારણે.

‘રેસ ટુ’ નામની ફિલ્મમાં મયૂર પુરીના શબ્દો પર બેની દયાલ અને શલમલ ખોલગડે ગાય છે, ‘બેઈમાન દિલ બડા બેઈમાન, તેરે લિયે શૈતાન, મેરી ના એક માના, દિલ જીતે યા મૈં જીતું, દેખુંગી દેખેગા તું, લો દિલ સે શરત લગ ગઈ, મુજે તો તેરી લત લગ ગઈ, જમાના કહે લત ગલત લગ ગઈ.’ રોમેન્ટિક પ્રેમ વ્યસની હોય છે એવું શાયરો અને સાયન્ટિસ્ટ બંને કહે છે. ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સિટીના એક સર્વેક્ષણ મુજબ 59 પ્રતિશત પુરુષો અને 66 પ્રતિશત સ્ત્રીઓએ એટલા માટે નવો-સવો સંબંધ તોડી નાખ્યો હતો કારણ કે સામેવાળો/સામેવાળી કિસ કરવામાં બેવકૂફ હતી.

કિસ માણસની સૌથી પ્રાઇવેટ અને પર્સનલ વૃત્તિ છે. એમાં એ પૂરી ઇમાનદારીથી બહાર આવે છે. કિસ અભદ્ર કે શરમજનક છે તેટલા માટે નહીં પરંતુ એમાં માણસની ઇમાનદારી એટલી તીવ્ર રીતે બહાર આવે છે કે અજાણી વ્યક્તિ એને સહી શકતી નથી એટલે એનું જાહેરમાં પ્રદર્શન થતું નથી.

સેક્સની જેમ કિસ દ્વારા માણસ પોતાની મંશા, સ્ટેટમેન્ટ જાહેર કરે છે. હોલિવૂડ સ્ટાર રિચાર્ડ ગેરે શિલ્પા શેટ્ટીને ગાલ પર અને ઇરાનિયન પ્રમુખ મહોમ્મદ અહેમદીનેજાદે એક વૃદ્ધ મહિલાને હાથ પર ચુંબન કર્યું ત્યારે એટલી ટીકા થયેલી કે બંનેએ માફી માગવી પડેલી. એ કિસ નહીં પણ એમનું સાહસિક સ્ટેટમેન્ટ હતું. અંડરવલ્ડમાં કિસ ઓફ ધ ડેથ છે. ડોન જો કોઈને જાહેરમાં કિસ કરે તો એનો મતલબ કે થોડા દિવસમાં એનું ખૂન થઇ જાય.

રોમન અફસરો ઓળખી શકે તે માટે જુડસે જીસસને કિસ કરેલી તેના પરથી આ કિસ ઓફ ધ ડેથ મુહાવરો આવે છે. ટેક્સાસ યુનિવર્સિટીનો નૃવંશશાસ્ત્રી વૌઘન બ્રાયન્ટ કહે છે, ‘કિસ એ ખાલી કિસ જ નથી. એ એના આગવા વ્યાકરણવાળી એક ભાષા છે. બે વ્યક્તિ જ્યારે કિસ કરે છે ત્યારે તે કોણ છે, ક્યાંના છે, બંને વચ્ચે શું સંબંધ છે અને શું કરવા માગે છે તે બધું જ બહાર આવે છે.’

અંગ્રેજીમાં એક મુહાવરો છે : કિસ એન્ડ ટેલ. મતલબ કે નિજી, અંતરંગ સંબંધ બાંધવો અને પછી એને જાહેર કરવો. કિસ પ્રામાણિકતાનું પ્રતીક છે. આપણે કિસ કરીએ છીએ કારણ કે આપણે પ્રેમ કરીએ છીએ, આપણે કોઈની ઇજ્જત કરીએ છીએ, આપણે કોઈને આવકાર આપીએ છીએ અથવા આપણે કોઈને અલવિદા કરીએ છીએ. આપણા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો એને કપાળ પર ચુંબન કરવાની પ્રથા છે.

કિસ આવકાર અને અલવિદાની કહાની છે.

કિસ યુ, મીસ યુ !

https://www.facebook.com/permalink.php?story_fbid=1406584663002922&id=1379939932334062&substory_index=0

Loading

બ્રિટનમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને ભવિષ્ય

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|9 June 2015

બ્રિટનમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને ભવિષ્ય

આ મથાળામાં ચાર શબ્દો અગત્યના ઠરે છે : બ્રિટન, ગુજરાતી ભાષા, વિકાસ અને ભવિષ્ય.

ગુજરાતી ભાષા શિક્ષણને ક્ષેત્રે બ્રિટનમાં ભવિષ્ય સુધીનો પંથ સીધાં ચઢાણનો અને કપરો બની બેઠો છે. અને ગુજરાતી ભાષાનો વિકાસ તર્કની એરણે ચકાસીએ ત્યારે સમજાય છે કે તાંબા પિત્તળનાં વાસણને જાણે કે કલાઈનું નકરું પડ ચડાવાયું હોય તેવો બહુધા ઘાટ જોવા સાંપડે છે. અને પછી, મારા મહેરબાન, તેના ભવિષ્યની તે, ભલા, શેં વાત માંડવી ?

મારી સમજણ મુજબ, ગુજરાતી ભાષાનાં શિક્ષણ ક્ષેત્રે આજે જે લોકો ભૂરાટા ઢોરની જેમ હરે છે, ફરે છે અને ચરે છે, તેની સામી બાજુએ નેજવું માંડીને જોઈએ તો જ સમજાશે કે ગુજરાતી ભાષાશિક્ષણનું કેટલાક ડાકલા વગાડીને પોતાનું મહત્ત્વ ગાયાં કરે છે, તેની કયાં ય પેલે પાર, ગઈ સદીમાં મંડાણ થયેલું છે. લંડન યુનિવર્સિટીમાં, એક જમાનામાં ‘ઇન્ડોલૉજી ડિપાર્ટમેન્ટ’ અસ્તિત્વમાં હતો. અને મિસ એચ. એમ. લેમ્બર્ટ જેવાં વિદ્વાન વ્યાકરણી, એક વેળા, ત્યાં અભ્યાસ કરાવતાં હતાં. ગુજરાતી ભાષાના શિક્ષણ માટે તેમણે જે ધ્યાનાકર્ષણ પ્રકાશન કર્યું છે, તે હવે કસેટ સ્વરૂપે ય બજારમાં પ્રાપ્ય છે. ગુજરાતી શિક્ષણ આમ તો ‘સાઉથ એશિયા ડિપાર્ટમેન્ટ‘નો જ ભાગ લેખવામાં આવે છે, જે ‘સ્કૂલ ઑવ્ ઓરયિન્ટલ અૅન્ડ આફ્રિકન સ્ટડીસ’માં સમાવિષ્ટ છે. ૧૯૧૬ના અરસામાં, તેની રચના કરવામાં આવી હતી. જ્યારે ભાષા સંબંધક વિભાગની રચના, ૧૯૩૨ દરમિયાન, કરવામાં આવી હતી, તેમ કહેવાય છે. જાણીતા ભારતવિદ્દ અને ભાષાશાસ્ત્રી જ્હોન રૂપર્ટ ફર્થ તેના પહેલવહેલા વડા હતા અને તેમણે ૧૯૫૬ સુધી અહીં ભણાવવાનું રાખ્યું હતું. દરમિયાન, હેસ્ટર માર્જરી લેમ્બર્ટ પછી, ઈઅન રેસાઈડ આ વિભાગમાં આવ્યા અને તેમની નિવૃત્તિ પછી, રેચલ ડ્વાયર તે પદેથી સેવા આપી રહ્યાં છે. આ ‘સોઆસ’માંથી, અત્યાર સુધી, માત્ર બે જ વ્યક્તિઓને પીએચ.ડી.ની ડિગ્રી મળી શકી છે : એક, ગુજરાતીના એક લેખક, ત્ર્યંબકલાલ એન. દવે તથા બે, ‘સોઆસ’નાં સાંપ્રત અધ્યાપક, રેચલ ડ્વાયર.

એક જમાનામાં ઑક્સફર્ડમાં તેમ જ કેમ્બ્રિજ યુનિવર્સિટીઓમાં પણ શાળાંત પરીક્ષાના ભાગરૂપ પરીક્ષાઓ લેવામાં આવતી. તે દિવસોમાં બ્રિટિશ સંસ્થાનોમાંથી ઘણાં વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં બેસતાં. બ્રિટિશ તાબા હેઠળના અમુક મુલકોમાં, સનંદી નોકરો માટે ય ગુજરાતી વિષય જાણવો અને ભણવો અગત્યનો રહેતો. સંસ્થાનો જેમજેમ આઝાદ થતાં ગયાં અને વેપારવણજમાંથી પણ ગુજરાતીનું ચલણ ધીરે ધીરે હડસેલાતું ગયું, આથી પરિણામે, તેની જરૂરિયાત સ્વાભાવિક ઘટતી ચાલી. આમ, હવે ફક્ત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ મરવાને વાંકે નભી રહ્યો છે. હવે તો નિભાવ ખર્ચ સામે પરીક્ષાર્થીઓથી ખડકાયેલા આંકડાની હૂંફ પણ દિવસે દિવસે ઘટતી ચાલી છે. વિલાયતમાંના ડાયસ્પોરિક ગુજરાતી સમાજને ગુજરાતીનો જેટલો ખપ હશે ત્યાં લગીની જ તેની જીવાદોરી રહેશે, તેમ સ્પષ્ટ દેખાય છે. 

બીજી તરફ, સમાજને સ્તરે ઐતિહાસિક નોંધપાત્ર કામો થયાં છે. લેસ્ટરમાં, દિવંગત ધનજીભાઈ આંટવાળાએ દિવંગત લલ્લુભાઈ પટેલ સરીખા કર્મઠ સાથીદારોના સહકારમાં, આ મુલક ખાતે, ગુજરાતી શિક્ષણનો દીવો, સને ૧૯૬૪માં પ્રગટાવેલો. ત્યારે સુશીલાબહેન પટેલ નામે એક શિક્ષિકા ય તે યજ્ઞમાં સામેલ થયેલાં. આ બાનુ આજે હયાત છે અને અબીહાલ સુધી ગુજરાતીનું સક્રિય શિક્ષણકામ કરતાં રહેલાં. તેમણે જેટલાં વરસોનું નીરણ ઓર્યું છે, તેનો જોટો અહીં તો મળી શકવાનો નથી. લેસ્ટરના પ્રભુભાઈ લાડ અને ગોવિંદભાઈ યાદવને પણ આ હરોળમાં માનભેર મૂકી શકાય. આ સંસ્થા ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’ને નામે લેસ્ટરમાં દાયકાઓથી વિકસતી આવી છે. આ રીતે, કોવેન્ટ્રી ખાતે ય માતબર કામ થયેલું છે. ત્યાં દિવંગત લલ્લુભાઈ લાડનો ડંકો વરસોથી વાગતો રહ્યો હતો.

લંડનમાં, એક વખત, ‘યુવક સંઘ’ હેઠળ ગુજરાતીના વર્ગો ચાલતા. વિલાયતના પાટનગરમાં અાવી પ્રવૃત્તિનું મંડાણ તો યુવક સંઘ વાટે જ થયું હતું. હસમુખ માણેક, અશોક ભગાણી, વિજય ઠકરાર, બિપીન મહેતા, કિશોર દત્તાણી અને જીતેન્દ્ર દાવડા નામે છ યુવકોએ પાટનગર લંડનમાં નવી ભાત પાડેલી અને ગુજરાતીના શિક્ષણ ઉપરાંત સંસ્કાર સંસ્કૃિતને સંવર્ધન કાજે આનુષંગિક પ્રવૃત્તિઓ ય કરેલી. તેને હવે ત્રણ સાડાત્રણ દાયકાઓ ઉપરાંતનો ગાળો થયો હશે. અશોક ભગાણીએ, પાછળથી, વેમ્બલીની કૉપલૅન્ડ સ્કૂલમાં ગુજરાતીના વર્ગો ચલાવી જાણેલા. અને પછી, ગુજરાતી ભાષાશિક્ષણની આ આખી ઝુંબેશને તેમણે બીજી એક સંસ્થાને, ઘણું કરીને ‘શિશુ કુંજ’ને, સુપ્રત કરેલી, તેમ આછુંપાતળું સ્મરણ છે. દિવંગત દિનેશ દવે, દિવંગત દુર્ગેશ દવે, દિવંગત જયંતી પી. પટેલ જેવા જેવા અનેક ખમતીધર શિક્ષકોએ ગુજરાતી ભાષા શિક્ષણની આ ચાલણગાડીને આગળ ને આગળ લઈ જવાનું રાખેલું. તે દરેકની આજે ય સતત ખોટ સાલતી રહી છે.

ગઈ સદીના સાતમા, આઠમા દાયકા દરમિયાન, ગુજરાતી શિક્ષણના જાતભાતના અનેક પ્રયોગો દેશ ભરમાં ઠેર ઠેર થતા રહેલા જોવા મળતા. પરંતુ તેમાં કોઈ એકવાક્યતા નહોતી. વિલાયતમાં જન્મેલા અને ઉછરેલા બાળકોને, ગુજરાતમાં વરસો પહેલાં પ્રગટ થયેલાં પુસ્તકો વાટે ભણાવવાના જેમાં તેમાં નુસખાં થતાં. આ ક્ષેત્રે કંઈક નક્કર પદ્ધતિસરનું કામ કરવાનું પરિણામસ્વરૂપે અમને દેખાતું અને સમજાતું. અાથીસ્તો, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ હેઠળ, આ વિશે કેટલીક શિબિરો, પરિસંવાદોની ગોઠવણ કરવામાં આવી.  યોગેશ પટેલ તથા કાન્તિ નાગડાએ આ અંગે એક નીતિવિષયક ખરડો તૈયાર કર્યો. તેને આધારે, કાર્યવાહકોની અનેક નાનીમોટી બેઠકોને બાદ, એંશીના દાયકાના આરંભમાં, દિવંગત પોપટલાલ જરીવાળાએ એક અભ્યાસક્રમ ઘડી કાઢયો. મનોરમાબહેન – હર્ષદભાઈ વ્યાસ, નિરંજના દેસાઈ, દિવંગત હીરાલાલ શાહ, યોગેશ પટેલ, કાન્તિ નાગડા, વિપુલ કલ્યાણી જેવાંઓએ તેની ચર્ચાઓમાં સક્રિય ભાગ લીધો.

તે અભ્યાસક્રમને આધારે, અભ્યાસની સામગ્રી, પાઠયપુસ્તકો, પરીક્ષાઓ તેમ જ શિક્ષક તાલીમ વર્ગની જોગવાઈ કરવાની વિચારણા થતી રહી. તેને ધ્યાનમાં લઈ, પાઠયપુસ્તકો રચવાનું અકાદમીએ બીડું ઝડપ્યું. પોપટલાલભાઈએ તે કામ આટોપવાનું આખરે માથે લીધું. પોપટલાલભાઈએ પુસ્તકરચનાનો ઢાંચો બનાવી રાખેલો અને તે ખુદ તે પુસ્તકોની રચના કરવાના હતા. તેમાં જગદીશ દવે, ૧૯૮૪ દરમિયાન, આ મુલકે આવ્યા. ગુજરાતીનું અધ્યાપન કરનાર અને ગુજરાતી મરાઠી નાટકોના અભ્યાસી એવા જગદીશભાઈને આ કામમાં સામેલ કરવાનું ઠેરવાયું. આમ, પોપટલાલ જરીવાળાની સક્રિય દેખરેખ હેઠળ અને એમણે કંડારી આપેલાં માળખામાં જ અકદામીના છ પુસ્તકોનો સંપુટ તૈયાર કરવામાં આવેલો. તેનું સંપાદન જગદીશ દવેનું રહ્યું. પુસ્તક પ્રકાશન પછી, શિક્ષક તાલીમ શિબિરો હાથ ધરવામાં આવી અને સાર્વત્રિક સ્વતંત્ર પરીક્ષાઓનું તંત્ર વ્યવહારમાં લાવવામાં આવ્યું. આ પરીક્ષાઓ આ મુલકમાં અને અન્યત્ર મળીને કુલ અઢાર વરસ કુશળતાપૂર્વક ચલાવવામાં આવેલી.    

દરમિયાન, નિરંજના દેસાઈએ મુખ્ય પ્રવાહની નિશાળોમાં ગુજરાતીનું શિક્ષણતંત્ર મજબૂત બને તે માટેના ચક્રો ગતિમાન કરેલાં. ખુદ મુખ્ય પ્રવાહમાં શિક્ષિકા હોવાને નાતે, તેમને મુખ્ય પ્રવાહમાંના કેટલાક લાભો પણ હતા. તેમણે વળી કેટલાં ય શિક્ષકોને તાલીમબદ્ધ કરવાની સફળ અજમાયશ કરેલી. બીજી તરફ, ‘ગુજરાતી શિક્ષણ સંઘ’ હેઠળ જૂદો ચોકો મંડાયેલો. આરંભે તેની રૂખ રચનાત્મક અને દૂરંદેશ હતી, પરંતુ પાછળથી, દેખીતી સ્થગિતતા જાણે કે ત્યાં ઘર કરી ગઈ છે અને તેની નિષ્પતિ કમભાગ્યે જોવા સાંપડી શકતી જ નથી.
ગઈ સદીના નવમા દશકા સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો મેરુ સોહતો રહેલો, અને પછી, તેમાં સડસડાટ ઊતરાણવાળી પડતી આવી હોય તેમ લાગવા અનુભવવા મળ્યું છે. અને તેને સારુ અનેક કારણો છે.

વરસો પહેલાં, અમેરિકાસ્થિત વિચારક, સાહિત્યકાર ‘કૃષ્ણાદિત્ય’એ લખેલું : ‘કિશોરવર્ગને આ ભાષા શીખવવાનું કાર્ય એક ‘ફરજ’ છે એમ કહ્યું, તો ભાષાશિક્ષણને મૃત્યુદંડ મળ્યો સમજી લેવાનો. કારણ કે બાળકોને કોઈ પણ કાર્ય ‘ફરજ’ રૂપ છે એમ કહેવું એટલે પર્યાયરૂપે એ નિરસ છે એમ કહેવા જેવું છે. પરંતુ આપણે ગુજરાતી ભાષાના રસકસ તરફ નવી પેઢીનું ધ્યાન દોરી એમને આમંત્રી શકીએ, …. અને નવી પેઢીને કહીએ કે આ તો ફક્ત નમૂનો છે. અંદર આવીને જુઓ તો ખરા, શું શું છે ! આવું આમંત્રણ નવી પેઢીએ સ્વીકાર્યું હશે, સ્વીકારશે. ….’

આવાં વિધવિધ ‘ફરજ’નાં ભાન હેઠળ ચાલતી આપણી અનેક શાળાઓમાં, આજે જે કંઈ શિક્ષણ અપાય છે, તે તપસાવા જેવું છે. કર્મણ્યતા ઓસરી ગઈ છે. રગસિયાં ગાડાંના ચીલા પડી રહ્યા છે. અને બાળકોને સોસ પડે છે, તે વળી નોખો. શિક્ષકો, સંચાલકો અને ચોપડી, ટેપ વગેરેનો અસબાબ બનાવતો વર્ગ ક્યાંક વળી પોતાનો અલાયદો એજન્ડા હાંક્યા કરે છે. અને પરિણામે ચોમેર ‘બાવાના બે ય બગડે છે’ તેવો ઘાટ દેખા દે છે. મુખ્ય પ્રવાહમાં પણ ગુજરાતી ભાષા માટે અસ્પષ્ટતા છે અને તેની ય અસર અહીં પરિઘે પડતી અનુભવાય છે.

પાનબીડું :

Better beware of notions like genius and inspiration; they are a sort of magic wand and should be used sparingly by anybody who wants to see things clearly.

– Jose Ortega y Gasset

Spanish Philosopher (1883 – 1955)

વિલક્ષણ પ્રતિભા અને સુંદર વિચાર જેવા કલ્પનાવિહારથી ચેતતા રહેવું; તે જાદુઈ લાકડી સરીખા છે અને જે લોકો સ્પષ્ટ દર્શન ચાહતા હોય તેમણે તો તેનો નહીંવત્ ઉપયોગ કરવો જોઈએ.

− જોસે ઓર્તેગા વાય ગાસેત

સ્પેનીશ તત્ત્વવેત્તા (૧૮૮૩ – ૧૯૫૫)

(‘વિલેજ ઇન્ડિયા’ અને ‘એક્સપિરિયન્સ ગુજરાત’ના લેસ્ટરમાં, ચાલુ માસ દરમિયાન, યોજાયેલા ઉત્સવ ટાંકણે, બહાર પડનારા પુસ્તક માટે લખાયેલો લેખ)

સૌજન્ય “ઓપિનિયન”, 26 સપ્ટેમ્બર 2009 પૃ. 01-02

Loading

ભારત-બંગલા દેશ વચ્ચે એન્ક્લેવ્ઝની આપ-લે એ સિદ્ધિ નથી, પ્રાયશ્ચિત છે અને એ પણ ઘણું મોડું છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|9 June 2015

BJP વિરોધ પક્ષમાં હતો ત્યારે હિન્દુ રાષ્ટ્રવાદી હતો અને બંગલા દેશને એક તસુ જમીન આપવામાં આવે એનો વિરોધ કરતો હતો. બીજી બાજુ મમતા બૅનરજી મનમોહન સિંહની UPA સરકારમાં ભાગીદાર હતાં ત્યારે પ્રાંતવાદી હતાં. દક્ષિણ એશિયાના પાડોશી દેશોમાં કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના સંકુચિત રાજકારણ કરનારાઓએ સરહદી પ્રજાને લગભગ સાત દાયકા રંજાડી છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંગલા દેશની મુલાકાત સફળ નીવડવાની જ હતી. ખાસ કરીને ભારત અને બંગલા દેશની સરહદમાં આવતા અવ્યવહારુ ખાંચાઓ (એન્ક્લેવ્ઝ) દૂર કરીને સરહદને વ્યવહારસંગત બનાવવી જરૂરી હતી. આ સિદ્ધિ નથી પરંતુ પ્રાયશ્ચિત છે અને એ પણ ઘણું મોડું છે. ૧૯૪૭ના વિભાજનનાં કારણોની વાત જવા દો, પણ કમસે કમ વિભાજનની રેખા સ્થાનિક પ્રજાના ત્રાસમાં વધારો કરે એવી તો ન જ હોવી જોઈએ. એક પ્રતિષ્ઠિત બૅરિસ્ટર લંડનમાં બેસીને નકશો સામે રાખીને સરહદની રેખા દોરે અને નિર્દોષ પ્રજા સાત દાયકા સુધી હાલાકી ભોગવે એને રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ ન જ કહેવાય. પાડાના વાંકે પખાલીને ડામ આપવાની કોઈ એક સીમા હોય.

સાત દાયકા લાગવાનું કારણ પહેલાં પચીસ વર્ષ પાકિસ્તાનની આડોડાઈ હતું. પાકિસ્તાનના શાસક ફીલ્ડમાર્શલ અયુબ ખાન સાથે કચ્છના છાડ બેટને પાકિસ્તાનને આપવાની સમજૂતી થઈ ત્યારે બંગલા દેશના એન્ક્લેવ્ઝની મંજૂરી થઈ શકી હોત, પરંતુ પાકિસ્તાનને પૂર્વ પાકિસ્તાનની પ્રજામાં કોઈ રસ નહોતો. પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનની પાંખ નહોતી પણ પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન હતું. ૧૯૭૧માં બંગલા દેશ સ્વતંત્ર થયા પછી અનુકૂળતા પેદા થઈ હતી, પરંતુ એમાં કોઈ સમજૂતી થાય એ પહેલાં શેખ મુજીબુર રહેમાનની હત્યા થઈ અને બંગલા દેશ લશ્કરી શાસનનો શિકાર બની ગયું. બંગલા દેશ જ્યારે લશ્કરી શાસનથી મુક્ત થયું ત્યાં સુધીમાં તો ભારતમાં કૉન્ગ્રેસના એકચક્રી શાસનનો અંત આવી ગયો હતો અને કેન્દ્રમાં મિશ્ર સરકારો આવવા લાગી હતી.

એ પછી ભારત અને બંગલા દેશના કોમવાદી અને પ્રાંતવાદી રાજકીય પક્ષો સમજૂતી થવા દેતા નહોતા. આ જ BJP જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે હિન્દુ રાષ્ટ્રવાદી હતો અને બંગલા દેશને એક તસુ જમીન આપવામાં આવે એનો વિરોધ કરતો હતો. બીજી બાજુ મમતા બૅનરજી જ્યારે ડૉ. મનમોહન સિંહની UPA સરકારમાં ભાગીદાર હતાં ત્યારે તેઓ પ્રાંતવાદી હતાં. આ સમજૂતી બે વર્ષ પહેલાં થઈ ચૂકી હોત જો મમતા બૅનરજીએ ડૉ. મનમોહન સિંહને સહયોગ આપ્યો હોત અને બંગલા દેશની મુલાકાતે સાથે ગયાં હોત. આમ દક્ષિણ એશિયાના પાડોશી દેશોમાં કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, સંસ્થાનવાદના સંકુચિત રાજકારણ કરનારાઓએ હજારોની સંખ્યામાં સરહદી પ્રજાને લગભગ સાત દાયકા રંજાડી છે. એટલે તો જે સમજૂતી થઈ છે એ સિદ્ધિ નથી પરંતુ ઘણું મોડેથી કરવામાં આવેલું પ્રાયશ્ચિત છે.

હજી તિસ્તા નદીના પાણીની વહેંચણીના પ્રશ્ને સમજૂતી થવાની બાકી છે જે હવે પછી થશે એમ વડા પ્રધાને ઢાકામાં કહ્યું છે. હિમાલયમાંથી નીકળીને બંગાળના અખાતમાં જતી નદીઓના પાણીનું પ્રબંધન કરવામાં આવે એમાં ભારત અને બંગલા દેશ બન્નેનું હિત છે. આ નદીઓ બંગલા દેશમાં પ્રવેશતાં સુધીમાં એકબીજામાં ભેગી થઈને વિનાશક સ્વરૂપ ધારણ કરે છે. જળપ્રબંધનમાં નેપાલને પણ સાથે લેવાની જરૂર છે. વડા પ્રધાને કહ્યું છે કે ભારત અને બંગલા દેશ પાસ-પાસ તો છે જ, પરંતુ સાથ-સાથ પણ છે. આ સાથ-સાથનો સ્પિરિટ પ્રારંભમાં હિમાલયન રાષ્ટ્રો, બંગલા દેશ અને બર્મા (મ્યાનમાર) સાથે પ્રમાણમાં સહેલાઈથી વિકસી શકે એમ છે.

વડા પ્રધાને બીજી વાત એ કહી છે કે પંછી, પવન ઔર પાની કહીં ભી જા સકતે હૈં; ઉસકો વીઝા કી ઝરૂરત નહીં હૈ. શાબ્દિક જુમલો તો ગાંધી-નેહરુની યાદ અપાવે એવો છે, પણ એમાં કેટલી ઈમાનદારી હશે એ સવાલ છે. જગતમાં જેટલા પ્રાદેશિક બ્લૉક્સ છે એમાં દક્ષિણ એશિયાનો સાર્ક બ્લૉક જ એવો છે જે પોતાના ઝઘડા ઉકેલી શકતો નથી. ત્રીસ વર્ષ થઈ ગયાં છે સાર્કને રચાયે, હજી એક ડગલું આગળ વધી શકાયું નથી. પાસ-પાસ તો હૈ, પરંતુ સાથ-સાથ નહીં હૈ એ દક્ષિણ એશિયાની વાસ્તવિકતા છે. ભારત આમાં સૌથી મોટો દેશ છે તો એના પક્ષે નિષ્ફળતાની જવાબદારી કેટલી એ વિચારી લેવું જોઈએ.

વડા પ્રધાને ઢાકામાં સાચું જ કહ્યું છે કે આપણા પ્રદેશની સૌથી મોટી સમસ્યા પાકિસ્તાન છે. પાકિસ્તાનને કારણે સાર્કમાં કોઈ પ્રગતિ થતી નથી. તેમણે ત્રાસવાદનો અને બર્બરતાનો ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવિકતા તો એ છે કે પાકિસ્તાન પોતે જ સમસ્યાગ્રસ્ત છે અને એની મોટી સમસ્યા ઓળખની અને અસ્તિત્વ ટકાવી રાખવાની છે. જો એમ ન હોત તો વગર મહેનતે હાથમાં આવેલું પૂર્વ બંગાળ માત્ર ૨૪ વર્ષમાં ગુમાવે અને બંગલા દેશ બનીને આઝાદ થઈ જાય એવું બને ખરું? પાકિસ્તાન તિરસ્કારવું કે દયા ખાવી એવી વિમાસણ થાય એવો દેશ છે. ૧૯૭૦-’૭૧માં જે પૂર્વ પાકિસ્તાન(બંગલા દેશ)માં બન્યું હતું એ આજે પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદીની રણનીતિ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમ જ એશિયામાં ચીનને અને દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને ઘેરવાની છે. આ રણનીતિને ઓછા શબ્દોની અને વધારે કૂટનીતિની જરૂર છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને છોડીને બાકીના દેશો સાથેના દ્વિપક્ષીય પ્રશ્નો બાંધછોડ કરીને ઉકેલી શકાય એમ છે. જો બાકીના દેશો સાથેના પ્રશ્નો ઊકલી જશે તો પાકિસ્તાન આપોઆપ એકલું પડવા માંડશે. દક્ષિણ એશિયાના કોઈ દેશને પાકિસ્તાન સાથે પ્રેમનો સંબંધ નથી અને અફઘાનિસ્તાન છોડીને બીજો કોઈ દેશ પાકિસ્તાનનો પાડોશી પણ નથી. ઊલટું ભારત બધા જ દેશો સાથે સરહદી કે સામુદ્રિક સંબંધ ધરાવે છે અને દરેક દેશ માટે અનિવાર્ય છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે મુખ્યત્વે તિરસ્કારનો સંબંધ છે, જ્યારે બાકીના પાડોશી દેશો ભારત સાથે લવ-હેટ રિલેશનશિપ ધરાવે છે. એ રિલેશનશિપમાંથી હેટ હટાવી શકાય એમ છે જો ભારત મોટું મન રાખે તો અને BJP વિરોધ પક્ષમાં હોત ત્યારે પણ મોટું મન જાળવી રાખે તો.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 જૂન 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-9-6-2015-7

Loading

...102030...3,9363,9373,9383,939...3,9503,9603,970...

Search by

Opinion

  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?
  • ચલ મન મુંબઈ નગરી—359

Diaspora

  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved