૧.૦ પ્રસ્તાવના
સોવિયત સંઘના પતન પછી ઘણીવાર સાંભળવા મળે છે કે ‘હવે માર્ક્સવાદ કે તેના વિચારોનો અંત આવી ગયો છે, માર્ક્સવાદનું મૃત્યુ થયું છે, માર્કસવાદની વિદાય થઈ છે અને તેની સાથે એક ‘era of error and horrors’નો અંત આવ્યો છે, ફુકુયામાએ (૧૯૯૨) તો તેથી ઇતિહાસનો પણ અંત આવી ગયો છે તેમ જણાવ્યું. માર્ક્સના વિચારો જાણે કે કોઈ ભયાનક ભૂતાવળ હોય અને તેનો અંત આવવાથી હવે જગતભરમાં ‘અચ્છે દિન’ આવી ગયા હોય તેવો વ્યાપક મત છે. અલબત્ત, સ્ટાલિન અને માઓ સહિતના અનેક સામ્યવાદી શાસકોએ સ્થાનિક લોકો ઉપર ભયાનક અત્યાચારો પણ ગુજાર્યા છે. સોલ્ઝિનિસ્તનના ‘ગુલાગ’ને કોઈ ભૂલી શકે નહીં. પરંતુ મૂડીવાદની પણ અગણિત અને લોકસમૂહો માટે ભયાનક અત્યાચારી ઘટનાઓનો ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે તે પણ ખ્યાલમાં રાખવું રહ્યું.૨ ગુજરાતમાં કહેવાતા મૂડીવાદી વિકાસના મોડલનો – સાવ ઘર આંગણાનો – દાખલો લઈએ તો મહૂવા, કાડા, બેચરાજી સર, વડોદરા ઝાલા વગેરે વિસ્તારોમાં સરકારી કાર્યશૈલીને કારણે લોકોએ અતિભારે ત્રાસ વેઠવો પડ્યો છે. પશ્ચિમ બંગાળના સિંગૂરમાંથી હાંકી કઢાયેલી તાતાની નેનો મોટરકાર બનાવતી ફેક્ટરીને ગુજરાતના સાણંદમાં સ્થાપવાના ફળ સ્વરૂપે સામાન્ય અને સ્થાનિક રહીશોએ વેઠેલા નુકસાનનો અંદાજ મેળવ્યા વગર મૂડીવાદી વિકાસના એક તરફી ગુણગાન ગાવાની પદ્ધતિમાંથી પણ નવા ઊભરેલા મૂડીવાદની આક્રમકતાની દિશાના એંધાણ મળી શકે છે.
મૂડીવાદની તરફેણ વાસ્તે વૈચારિક આધારોમાં આધુનિકતાના મુખ્ય બે મૂલ્યો – મુક્તતા અને સમાનતા – લિબર્ટી અને ઈક્વિટી-નો ઉપયોગ થાય છે. બજારતંત્ર દ્વારા લેવાતા આર્થિક બાબતોના નિર્ણયો કાર્યક્ષમ હોવાના અને રાજ્ય કે અન્ય કોઈ ડખલગીરી વગર રચાતું અને કામ કરતું બજાર માનવજાત માટે મુક્તિ અને સમાનતાના આદર્શો સિદ્ધ કરવામાં પણ ઉપયોગી છે તેમ કહેવામાં આવે છે. આ નવ્ય મૂડીવાદમાં બજારના ઉદ્દભવને ‘અનુઆધુનિક’ એવા નવા વૈચારિક ક્ષેત્રના ઉદયની ઘટના રૂપે પણ સમજવામાં આવે છે. મૂડીવાદ કોઈક ‘અદૃશ્ય હાથ’ વડે બધું બરાબર કરી દેશે એવી આશાયેશ આપવામાં આવે છે.
આ બે અંતિમ ધ્રુવો ઉપરાંત કલ્યાણકારી રાજ્યની એક ત્રીજી ભૂમિકા પણ વિચાર અને આચારમાં જોવા મળી છે. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં ૧૯૪૪થી કાર્યરત બનેલી – ‘બાળોતિયાથી કબર સુધીની – ફ્રોમ ક્રેડલ ગ્રેવ’ની બિવરીજ યોજના સામાજિક સલામતી માટેની એક ઉત્તમ યોજના ગણાતી. પશ્ચિમ યુરોપના અનેક દેશોમાં આ પ્રકારની સામાજિક સલામતીની યોજનાઓ આજે પણ સારી રીતે ચાલી રહી છે. આધુનિકતાની વૈચારિક ભૂમિકામાં આ યોજનાઓ સમતાલક્ષી હોવાનું સ્પષ્ટ થાય છે. કહેવાતા મૂડીવાદી ક્લેવરમાં આ વ્યવસ્થા સામાજિક ન્યાયલક્ષી છે. બીજી તરફ સામ્યવાદી શાસન વ્યવસ્થા ધરાવતા ચીનમાં મુક્તતા વગરના મૂડીવાદની આંતર રચના ચલાવાય છે. માર્ક્સવાદ અને મૂડીવાદ, બે પરસ્પર માટે અંતિમ ધ્રુવો અને પરસ્પર માટે પૂર્ણ રૂપે વિરોધી પણ છે. એટલું જ નહીં. બંનેમાં રાજ્ય અંગેની વિભાવનાઓ પણ અલગ અલગ છે. મૂડીવાદ રાજ્યની આર્થિક કામગીરીને વિઘ્નરૂપે માને છે. સામ્યવાદમાં રાજ્ય સર્વેસર્વા બનીને વર્તે તેનો આધુનિકતાના સંદર્ભે પણ વિરોધ કરાય છે અને કલ્યાણ રાજ્યની વિભાવનામાં પ્રગટતી વિવિધતા, લચીલાપણું અને વખતોવખત પ્રગટ થતી હેતુવિહીનતા પણ ભારે નુકસાનકારક સાબિત થાય છે.૩
આધુનિક મૂડીવાદ મુખ્યત્વે વૈશ્વિકીકરણના આચરણ સ્વરૂપે દેખાય છે. વૈશ્વિક સ્તરે વેપાર કરવાનો હોવાથી, ઉત્પાદનને હરીફાઈ અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો અનુસારનું રાખવું રહ્યું. સારામાં સારો માલ સસ્તામાં સસ્તા ભાવે વેચવો હોય તો કામદારોને ઓછામાં ઓછા વેતને અને વધુમાં વધુ કલાકો માટે કામ કરતા કરવા પડે. અર્થશાસ્ત્રીઓ આને શ્રમની ઉત્પાદકતામાં થયેલા વધારા રૂપે જુએ છે. આ સામેના મજૂરોના કોઈ પણ વિરોધને દબાવી દેવો પડે. આથી મજૂર કાયદા બદલવા પડે. જમીન અને અન્ય કુદરતી સાધન સંપત્તિ પણ ઉદ્યોગોના ચરણે ધરી દેવી પડે. સરકારી નીતિઓમાં ઉદ્યોગોનો દબદબો રહેવો જોઈએ. આ પ્રકારનું એકંદરે વાતાવરણ સર્જવા માટે, રાજકોષીય સ્તરે પણ ચોક્કસ નીતિઓનું પાલન કરવું પડે. સરકારોએ કરવેરા ઓછામાં ઓછા કરી નાંખવા પડે. બજેટની ખાધ સાવ જ ઓછી કરી નાંખીને – શૂન્ય કરી દઈને અર્થતંત્ર ચલાવવું પડે. આ માટે જાહેર ખર્ચા અત્યંત ઓછા કરી નાખવા પડે. ઉદાહરણ તરીકે, ભારત જેવા દેશમાં જાહેર ખર્ચા ઘટાડતા જવા વાસ્તે, મનરેગા, અન્ન સ્વાવલંબન વગેરે જેવી યોજનાઓ તથા વિવિધ પ્રકારની સબસિડીઓ નાબૂદ કરવી પડે. શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓની સબસિડીઓ બંધ કરવી પડે. ખરેખર તો આ બંને સેવાઓનું ખાનગીકરણ કરવું પડે અને તેમાં લેવાતી ફી વગેરે પરવડે તેવા જ લોકોને તેનો લાભ મળી શકે તેવી બજારલક્ષી વ્યવસ્થા નીપજાવવી પડે. જો સરકાર કરવેરા ઘટાડે તો લોકોના હાથમાં વધુ નાણાં રહે અને તેના ખર્ચ દ્વારા બજારની માંગ વિસ્તરે. માંગ વધે તો ઉત્પાદન પણ વધે અને ઉત્પાદન વધે એટલે રોજગારી વધે રોજગારી વધતા આવક વધે અને તો વળી પાછી માંગ વધે – અને આમ ચક્ર ચાલતું જાય. વિકાસનું આ ચક્ર બરાબર ચાલતું રહે તે માટે રાજ્યને આર્થિક ક્ષેત્રમાંથી દૂર રાખવું રહ્યું. રાજ્યે લોકોના ભલા માટે ‘રોબિનહૂડ’ બની બેસવાનું નથી. રાજ્ય માત્ર ફૂટબોલની રમતમાં રેફરીની ભૂમિકામાં જ રહી શકે. તેનું કામ માત્ર એટલું જોવાનું જ છે કે બે પક્ષો નિયમ પ્રમાણે રમે છે કે નહીં. ફૂટબોલનો રેફરી હારતા પક્ષના ખેલાડીઓની મદદે જઈને ખોટા નિર્ણયો કરી ન શકે અથવા તેની તરફેણમાં ધસી જઈને ફૂટબોલને લાત મારી ન શકે.
આધુનિક જગતમાં સામ્યવાદ, મૂડીવાદ, લોકશાહી અને તેના બહુવિધ આયામો, રાજ્ય અને તેના કાર્યકલાપો ઉપરાંત બે અન્ય બાબતો પરત્વે પણ જગત સારું એવું ચિંતિત બન્યું છે. આ બે બાબતો એટલે ટેક્નૉલોજી અને પર્યાવરણ. ટક્નૉલોજીને કારણે એક તરફ ખુલ્લાપણું અને પારદર્શિતા આવ્યા છે તો બીજી તરફ નાગરિકોના ખાનગી જીવન સામે પણ ખતરો ઊભો થયો છે. વિકીલિક્સના જુલિયન અસાંન્જે તથા એડવર્ડ ટાઉનસેન્ડના કિસ્સા જાણીતા છે. અમેરિકાએ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ તથા અન્ય અનેક વ્યક્તિઓ અને દેશો ઉપર ચલાવેલી જાસૂસીના કિસ્સા દર્શાવે છે કે આપણે, જ્યોર્જ ઓરવલે (૧૯૪૮) ‘૧૯૮૪’માં દર્શાવેલા દુસ્વપ્નોની નજીક સરી રહ્યા છીએ. તે જ લેખકના અન્ય મહત્ત્વના પુસ્તક ‘એનિમલ ફાર્મ’(૧૯૪૫)ને પણ યાદ કરવું રહ્યું. ટેક્નૉલોજીનો વૈશ્વિકીકરણનો એક આગવો જ સંદર્ભ વિકસ્યો છે. નવા પ્રકારના આ સંદર્ભમાં એક તરફ નફો છે અને બીજી તરફ એક નવા પ્રકારનો ઇમ્પિરિયાલિઝમ-ઉપનિવેશવાદ પણ વિકસ્યો છે. આમ યુરોસેન્ટ્રિઇઝમ, નફો અને ટેક્નૉલોજીના સંમિશ્રણ વડે જે વ્યવસ્થા ઊભી થઈ છે તેમાં નફો અને બજાર કે કાર્યક્ષમતા અને સાધન ફાળવણી જેવા પરંપરાગત વિચાર સમૂહોને સ્થાને એક આગવી જરૂરિયાત વિકસી છે. આ નવી બાબત તે ‘વ્યવસ્થા’ અથવા ‘ઓર્ગેનાઈઝેશન’. અનેક દાખલા બતાવે છે તેમ હવેનો સમય નફા અને બજારના ‘અદૃશ્ય હાથ’ વડે આપોઆપ ધકેલાતો નથી. તે અનેક ઓર્ગેનાઈઝેશન્સ દ્વારા સુચિતિંત રીતે અને ચોક્કસ હેતુ અને ઉદ્દશો દ્વારા ચાલે છે. G-7, G-20, BRIC (S), Davos, યુરોપીય સંઘ વગેરે જેવી આર્થિક સંરચનાઓ ઉપરાંત નાટો, નાફટા વગેરે જેવી શાસકીય અને સૈન્ય વ્યવસ્થાઓ પણ છે. આ બધા વડે ચાલતા અને ચલાવાતા આ જગતમાં ‘કોઈ અદૃશ્ય હાથ’ની કલ્પના દ્વારા મૂડીવાદી વિચારોનો પ્રચાર કરવા ચાહે તો તે સસલાનાં શિંગડા સમાન છે – વાસ્તવિક બાબત નથી.૪
પ્રશ્નો માત્ર આટલા નથી. પ્રવર્તમાન જગતની અનેક બાબતો વિષે વૈચારિક ક્ષેત્ર પાસેથી અનેક ઉત્તરો મેળવવાના રહે છે. બીડેટ અને કુવેલાકિસ (૨૦૦૮) લખે છે “It requires an in-depth analysis, some elements of which we shall suggest, both in terms of theoretical and historical balance-sheets … and, …, of sketches that seek to construct a cartography of Marxism today, which is surprising in many respects. The constellations outlined thus simultaneously convey a diversification of the philosophical identity of Marxism, its integration into new social and political contexts, and its confrontation with what are in part historically unprecedented subjects – for example, the issue of the so-called ‘globalisation’ of the economy, changes in the labour laws, process and production, generalised urbanisation, the effects of the revolution brought about by information and communication technologies, the new forms of racist violence, of cultural and military imperialism, of male domination, and of the ecological threat.”
આ લેખનો ઉદ્દેશ આવા વિચારોની દિશામાં થોડીક ચહલકદમીનો છે. આ જરૂરી છે એમ જણાય છે કારણ કે માર્કસવાદ મરણ પામ્યો નથી. ખાસ કરીને તેની વૈચારિકતા અને પૃથક્કરણાત્મકતા હજુ જીવંત છે. PIIGS દેશોનો અનુભવ, ‘ઓક્યુપાય વોલસ્ટ્રીટ’ અને લંડન રાયટ્સ’ કે પછી ‘અંબ્રેલા રેવોલ્યુશન’ના સંદર્ભોનો વિચાર કરીએ તો મૂડીવાદના ચાહકોની અદમ્ય ઇચ્છા છતાં જણાશે કે માર્ક્સ તેમ જ મૂડીવાદ અને સાથોસાથ કલ્યાણ રાજ્યની વિભાવનાઓ વિષે વિચાર ચલાવતા રહેવા જેવું છે.
બીજી તરફ માર્ક્સના વિચારોથી અન્ય વિચારકો પણ ઘણા પ્રભાવિત થયા છે. તે પૈકી આલ્તુઝર લખે છે, ‘માર્ક્સે તો જ્ઞાનનો એક મહાખંડ શોધી કાઢ્યો છે. તેનું પ્રદાન ભૌતિક શાસ્ત્રના ગેલિલીઓ અને થેલ્સના ગણિતશાસ્ત્રના પ્રદાનની તોલે ઊભું રહે તેવું છે. … in that the structure of his theory is unlike anything posited by his predecessors.’
૨.૦ માર્ક્સના વિચારોનો સંદર્ભ :
માર્ક્સના વિચારો વિષે ખાસ કરીને, કોન્ટિનેન્ટલ યુરોપમાં સારો એવો વૈચારિક ઉહાપોહ થતો જોવા મળે છે. ૧૯૬૭નો સોબોર્ન યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓનો આક્રોશ અને તે પછી કિર્કગાર્ડ અને સાર્ત્રના અસ્તિત્વવાદમાં તે સમયની નવી પેઢીને આધુનિકતાનાં બે મૂલ્યો – લિબર્ટી અને ઇક્વોલિટીનું સમાધાન જણાયું. આધુનિકતાનાં મૂલ્યોનું સંવહન મૂડીવાદ કરી શકે ખરો તે સવાલની જેમ જ આ ક્ષેત્રે માર્ક્સવાદની દશા અને ભૂમિકા કેવા છે તે પણ તપાસના મુદ્દા બને છે. આ રીતે જોતાં આ ચર્ચા માત્ર મૂડીવાદ સારો કે માર્ક્સવાદ તેવી – કોઈક ઉન્નતભ્રૂ કૉલેજની ડિબેટિંગ સોસાયટી પૂરતી સીમિત રહેતો નથી. તે માત્ર આર્થિક વિકાસ અને વૃદ્ધિ કે માત્ર સરકાર અને રાજ્યની વિભાવનાઓ અને કાર્યશૈલીમાં પણ સીમિત રહેતી નથી. માર્ક્સના વિચારો મરી પરવાર્યા નથી પણ આધુનિક ગણાતા અને મુખ્યત્વે ‘ક્રોની કેપિટાલિઝમ’ સામે તે એક સાબદો અવાજ પણ ઉઠાવે છે. આજે પણ દુનિયાના કેટલાક દેશોમાં એક કે બીજા પ્રકારનો માર્ક્્સવાદ પ્રવર્તતો જોવા મળે છે. કેટલાક દેશોમાં મૂડીવાદના વળતા પાણી થયા છે અને ક્યાંક ‘પિન્ક પરિવર્તનો’ શરૂ થયા છે. એકવીસમી સદીના પ્રારંભે જગતમાં ચીન, ક્યૂબા, લાઓસ, વિયટનામ અને ઉત્તર કોરિયા જેવા દેશો સામ્યવાદી હતા. નેપાલમાં વર્ષ ૨૦૦૮માં પ્રચંડની સામ્યવાદી સરકાર પણ બની. આ ઉપરાંત દક્ષિણ અમેરિકામાં પણ ડાબેરી ઝુકાવ ધરાવતી સરકારો ચૂંટાઈ આવી. આ સરકારો ચીનની જેમ કઠોર કે કડક સામ્યવાદી નથી. તેમાં પશ્ચિમની લોકશાહી અને સમાનતાલક્ષી ઉદ્દેશો બાબતે વિશેષ સભાનતા જોવા મળે છે. ૨૦૧૫ના જૂન-જુલાઈમાં ગ્રીસની કટોકટી અત્યંત ઘેરી બની છે. જાન્યુઆરી ૨૦૧૫થી ત્યાં સામ્યવાદી પક્ષ, ‘સીરીઝો૫’ના નેતૃત્વ હેઠળની સરકાર બની છે.
માર્ક્સનાં વિવિધ લખાણો તથા તેના વિવિધ નિષ્ણાતો અને અભ્યાસીઓ દ્વારા થયેલા અર્થવિસ્તારોમાં પણ કોઈ ચોક્કસ એકવાક્યતા નથી. વળી માર્કસે યુવાન વયે જે વિચારો દાખવ્યા હતા તે અને ઉત્તરાવસ્થામાં વ્યક્ત કરેલા વિચારો વચ્ચે પણ તફાવતો છે. એટને બાલિબાર (૧૯૯૩) કહે છે તેમ, “there is no Marxist philosophy and there never will be; on the other hand, Marx is more important for philosophy than ever before.” ફિલોસોફી માટે માર્ક્સનું મહત્ત્વ વધતું જાય છે, કદાચ આ પ્રકારની પરિસ્થિતિ માટે એક તરફ માર્ક્સનું ફિલોસોફી અંગેનું દૃષ્ટિબિંદુ પણ જવાબદાર છે. ફોયરબાખ (૧૮૪૫) કહે છે, ‘ફિલસૂફીએ દુનિયાની સમજૂતી આપવાનું કામ કર્યું છે; તેને બદલવાનું પણ વિચારવું રહ્યું.’ આમ માર્ક્સની દૃષ્ટિએ ફિલસૂફીનો અર્થ જરૂરી પરિવર્તનો કે ક્રાંતિને સમાવી લે તેટલો વ્યાપક છે, આ જ સંદર્ભમાં પોતાના ‘ધ જર્મન આઈડિયોલોજી’ (૧૮૪૫) નામના પુસ્તકમાં તે જણાવે છે કે સામ્યવાદ કોઈ ભાવિની સ્થિતિ નથી પરંતુ તે તો એક આંદોલન છે કે જે પ્રવર્તમાન રાજ્યને ઉખાડીને ફેંકી દે છે,”
માર્ક્સના વિચારોમાં વાંછિત અને નવી વ્યવસ્થા માટેનો પોતાનો આગવો ચિતાર રહ્યો છે. આ નવી વ્યવસ્થા સમાજમાં ઊતરે તે માટે તેને આંદોલન કે ક્રાંતિનો માર્ગ જરૂરી લાગ્યો છે. માર્ક્સ આ નવા વિશ્વની રચના માટેના આદર્શ પૂરતા પૃથક્કરણ સાથે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી રજૂ કરે છે.
૨.૧ માર્ક્સના વિચારના આધારસ્થંભો :
માર્કસના વિચારના ચાર મુખ્ય આધારસ્થંભો જોઈ શકાય. તે આ પ્રમાણે છે :
(ક) વ્યવસ્થાને તંત્રલક્ષી અને વ્યક્તિલક્ષી ગણવાને બદલે એક જીવંત સમગ્રતામાં જોવાનો દૃષ્ટિકોણ
(ખ) વિશ્વનો ઇતિહાસ કેટલાક તબક્કાવાર આગળ વધે છે.
(ગ) પ્રકૃતિગત અને ઇતિહાસગત પરિવર્તનોમાં ફરક છે, અને
(ઘ) ઇતિહાસગત પરિવર્તનો (dialectical) જે તે સ્થિતિના આંતરિક સંઘર્ષોની નિપજ છે.
આ ચાર મુખ્ય આધારસ્તંભોને કારણે માર્ક્સના વિચારોમાંથી એક ચોક્કસ ફિલસૂફી ઊભી થાય છે. આ વિચારોએ યુરોપના અનેક બૌદ્ધિકોને વિચાર કરતા કરી મૂક્યા છે. આ વિચાર યાત્રા ચાલુ જ છે અને આથી માર્ક્સના વિચારોનું મરણ થયું છે તેમ કહેવું તે એક બાલિશ રમત માત્ર બની રહે છે.
એક અન્ય અભ્યાસી, કોસ્ટનાન્ઝો પ્રીવ(૧૯૯૦)ના મતાનુસાર માર્કસના ચાર ગુરુઓ હતા. એપિકુરસ (૩૧૪-૨૭૦ B.C.). રુસો (૧૭૧૨-૧૭૭૮) હેગલ (૧૭૭૦-૧૮૫૧) અને એડમ સ્મિથ (૧૭૨૩-૧૯૯૦). આ વિચારકોના લખાણોમાંથી માર્ક્સને સ્વતંત્રતા, લોકશાહી, સમતાલક્ષીતા, ઉપરાંત સંપત્તિ અને મજૂરો અંગેના સૈદ્ધાંતિક નિરૂપણો સાંપડ્યા હતા. આ ઉપરાંત, માર્ક્સના વિચારોને અન્ય અનેક અભ્યાસીઓએ ખૂબ તર્કબદ્ધરીતે પણ તપાસ્યા છે. આ ફિલસૂફીમાં ફૂકો (Foucault, 1926-1984) બોરદાયુ (Bourdieu, 1930-2002) હાબરમાસ (Habermas, 1929) દેલ્યુઝ (Deleuze, 1925-1995), આલ્તુઝર (Althusser, 1918-1990) વગેરે જાણીતા છે. આ ઉપરાંત ‘ફ્રન્કફર્ટ સ્કૂલ’ના નેજા હેઠળ થયેલા અનેક અભ્યાસો અને તેમાંથી પ્રગટેલી એક અલગ વિચારધારા પણ વિશદ અભ્યાસનું ક્ષેત્ર બની રહે છે.
માર્ક્સના વિચારોને આ ચાર ગુરુઓ અને ચાર આધારસ્તંભોના સંદર્ભમાં તપાસવા જેવા છે. ઇતિહાસ અને સમાજ અંગેના તેના વિચારો પુરાતન વિદ્યા, નૃવંશશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, શિક્ષણ, સંસ્કૃિત, ઇતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન, કલા, સૌદર્યશાસ્ત્ર, એમ અનેક ક્ષેત્રોમાં ફેલાયા છે. આ રીતે માર્ક્સનો અભ્યાસ કરવો તે એક અતિ વિસ્તૃત કામગીરી બની રહે છે. તેના સંદર્ભો પણ અતિ વિશાળ અને ઊંડાણભર્યાં છે. આવો અભ્યાસ એક લાંબા ગાળાનો ‘પ્રોજેક્ટ’ બની રહે તેમ છે. આ એકંદર સંદર્ભોને ધ્યાનમાં રાખી માર્ક્સના વિચારોનો એક આછો પરિચય આપવાનો અહીં ઇરાદો રાખ્યો છે.
૨.૨. માર્ક્સની પ્રમુખ વિચારધારા :
માર્ક્સની વિચારધારાનો પ્રારંભ માનવ સમાજ અને તેની ભૌતિક જરૂરિયાતોના વિચારથી થાય છે. માનવ સમાજો માટે ભૌતિક જરૂરિયાતોના સંતોષ અર્થે આર્થિક પ્રવૃત્તિ જરૂરી હોય છે. માર્ક્સના મતે આર્થિક તંત્ર ‘economic organization’ અથવા ‘mode of production’ – ઉત્પાદનનું સ્વરૂપ, સમાજનો મુખ્ય આધાર છે. સામાજિક સંબંધો, રાજકીય અને ધારાકીય વ્યવસ્થા વગેરે ઉપરાંત નૈતિકતા અને આદર્શો પણ આ ઉત્પાદનનાં સ્વરૂપનું પરિણામ હોય છે. સામાજિક સબંધોના પાયા ઉપર આર્થિક વ્યવસ્થાની ઈમારત ઊભી થાય છે. આ આર્થિક વ્યવસ્થા એક સુપર સ્ટ્રક્ચર છે. હવે ઉત્પાદનના ક્ષેત્રે નવી ટેક્નોલૉજી દાખલ થાય છે ત્યારે સામાજિક ઢાંચો બિનકાર્યક્ષમ સિદ્ધ થાય છે. આથી નવો આર્થિક વિકાસ અવરોધાય છે. આ અવરોધોના કારણે સામજિક સંઘર્ષો અને પછીથી ક્રાંતિના પગરણ મંડાય છે.
સમાજમાં એક તરફ મૂઠીભર લોકોના હાથોમાં ઉત્પાદનના સાધનોની માલિકી છે, તો બીજી તરફ પોતાનો શ્રમ વેચીને જીવતા બહુસંખ્ય શ્રમજીવીઓ છે. માલિકો હંમેશ નફાના હેતુથી કામ કરે છે. નફા માટેની તેમની ઇચ્છા અદમ્ય હોવા ઉપરાંત તે અનંત પણ છે. સમાજમાં આ બૂર્ઝવા વર્ગ લઘુમતિમાં હોય છે જ્યારે પોતાનો શ્રમ વેચનારો વર્ગ વિશાળ બહુમતિમાં હોય છે. આ શ્રમિક વર્ગ અર્થતંત્રમાં સેવા અને વસ્તુઓનું ઉત્પાદન કરે છે. માર્ક્્સના મતે આ સંઘર્ષ અનિવાર્ય છે. નવી ટેક્નોલૉજી આવ્યા પછી પણ જૂની ઢબે ઉત્પાદન કરનારાના નફાના દર ઘટતા જાય છે. આથી તે મજૂરોના વેતન ઘટાડવા ચાહે છે. બુર્ઝવા વર્ગ કામદારોને ઓછું વેતન આપે છે અને તે રીતે તે પોતાનો નફો વધારતો રહે છે. નફાની વૃત્તિથી ચાલતો મૂડીવાદ અને સમાજના આ ઉત્પાદકો વચ્ચે આવા કારણોસર સંઘર્ષ થાય છે. આખરે સમાજના બહુમતિ એવા શ્રમિક વર્ગનો વિજય થાય છે અને નવા સમાજની રચના થાય છે. માર્ક્સના મતે સંઘર્ષ અને ક્રાંતિ અનિવાર્ય છે.
જે નવા સમાજની રચના થશે તેમાં ઉત્પાદનના સાધનો ઉપર વ્યક્તિગત માલિકી હશે નહીં. વળી ઉત્પાદન પણ સમાજની જરૂરિયાત મુજબ અને સમાજ માટે થશે. આ બાબતે માર્કસના સાથી એંગલ્સ (૧૮૮૨) કહે છે. ‘Then the capitalist mode of appropriation in which the product enslaves first the producer, and then appropriator, is replaced by the mode of appropriation of the product that is based upon the nature of the modern means of production; upon the one hand, direct social appropriation, as means to the maintenance and extension of production on the other, direct individual appropriation, as means of subsistence and of enjoyment.’
અલબત્ત, માર્ક્સનાં આ વિચારો અને નિરીક્ષણો બાબતે ઘણા મતભેદો પ્રવર્તે છે. જો માર્ક્સની વિચારધારા ઉપયુક્ત હોત તો ચીન જેવા તે સમયના કૃષિપ્રધાન દેશમાં ક્રાંતિ થઈ અને અમેરિકા જેવા ઉદ્યોગપ્રધાન દેશમાં આવી ક્રાંતિ કેમ ન થઈ તેવા પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક જ છે. ગેલબ્રેથ (૧૯૬૭) અમેરિકામાં ક્રાંતિ ન થવા માટે શ્રમિકોના પ્રતિબળ ‘countervailing power’નું કારણ આપે છે. શ્રમિકોએ પોતાનું શોષણ થવા જ ન દીધું તેથી આ સંઘર્ષની ભૂમિકા રચાઈ જ નહીં તેવું તેમનું અર્થઘટન છે. બીજી તરફ જ્યોર્જ ઓરવેલે ‘Animal Farm’ (૧૯૪૫) જેવા પુસ્તક દ્વારા ક્રાંતિ પછીના નેતાઓ અને તેમની તે જ જૂની બુર્ઝવા માનસિકતા તરફ પણ સારું એવું ધ્યાન દોર્યું.
સમાજોની સ્થિતિ તથા ઇતિહાસના સંદર્ભને ગોઠવીને માર્ક્સે જણાવ્યું કે માણસની જેમ સમાજોની પણ ઉત્ક્રાંતિ થાય છે. અગાઉના સામંતયુગી સમાજમાંથી બહાર નીકળીને સમાજો મૂડીવાદી બન્યા અને હવે તે વધુ ઉત્ક્રાંત થઈને સમાજવાદી બન્યા. આ દિશામાં આગળ ચાલીને આખરે તે સામ્યવાદી બનશે. સામ્યવાદ એ ઉત્ક્રાંત થયેલા સમાજની એવી સ્થિતિ છે કે જેમાં દરેક વ્યક્તિની જરૂરિયાત સંતોષાશે અને દરેક પોતપોતાની આવડત તથા ક્ષમતા અનુસાર કામ કરશે.
૨.૩ વિચારો અને પ્રશ્નો :
માર્ક્સના વિચારોમાંથી કેટલાક મૂળભૂત સવાલો ઊઠે છે. આ પૈકી કેટલાકની ટૂંકમાં રજૂઆત કરીએ :
(1) માક્ર્સની વ્યવસ્થામાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને ઉદારમતનું સ્થાન કેવું
(2) નવી સમાજરચનામાં લોકશાહીનું અને તે રીતે સમગ્ર રાજ્યનું સ્વરૂપ કેવું હશે
એક તરફ મૂડીવાદમાં વ્યક્તિ સ્વાતંત્ર્ય અને લોકશાહી મૂલ્યોનો આધાર છે જ્યારે બીજી તરફ માર્ક્સવાદ સમાજને વ્યક્તિઓના એટલે કે અનેક અણુઓના સમૂહ તરીકે જોવાને બદલે એક જીવંત સમગ્રતામાં જોવાનો દૃષ્ટિકોણ ધરાવે છે. માર્ક્સને ‘ગુરુ’ એરિસ્ટોટલના વિચારોમાંથી આ આધારસ્થંભ સાંપડ્યો છે. માર્ક્સ આ અંગે સ્પષ્ટ છે. તે લખે છે, (૧૮૫૮), ‘Society does not consist of individuals, but expresses the sum of interrelations, the relations within which these individuals stand.’
માનવ અધિકારોની બાબતમાં માર્ક્સ અને અન્ય માર્ક્સવાદીઓ વ્યક્તિલક્ષિતાની વિરુદ્ધમાં છે. દા.ત. સામ્યવાદના સ્થાપકો પૈકીના એક બાબોફ (Babeuf) કે જે ૧૭૮૯ની ફ્રેંચ ક્રાંતિ અંર્તગત કરવામાં આવેલ માનવ અધિકારો અંગેની આ ઘોષણાનો ‘બુર્ઝવાઓના અધિકારો’નું પત્ર છે તેમ કહે છે.
વ્યક્તિલક્ષીતાનો આ વિરોધ એવો છે કે તેમાં ખાનગી મૂડી કે સંપત્તિને કોઈ સ્થાન નથી. સંપત્તિ કેવી રીતે એકઠી થાય છે તે તરફ ધ્યાન ખેંચી માર્ક્સવાદીઓનું કહેવું એમ થાય છે કે તે આખરે તો આ સંપત્તિ શ્રમિકોના શોષણનું જ પરિણામ હોય છે. આ અંગે કવિતાનું, વર્ષ ૧૯૭૧નું નોબલ પારિતોષિક વિજેતા પાબ્લો નેરુદા (૧૯૦૪-૧૯૭૩) હિંસાની પણ તરફેણ કરે છે. તે કહે છે. સંસારમાં હિંસાનું ચક્ર ચાલતું જ રહે છે. આ ચક્ર હેઠળ આજે શોષિતો કચડાઈ ગયા છે. તેમને બહાર કાઢવા રહ્યા. પેલા હિંસાના ચક્રને રોકી દેવાથી આ શોષિતો બહાર આવી નહીં શકે. જો ચક્ર આગળ ચલાવીએ તો હિંસા અનિવાર્ય બને છે. આમ હિંસાને સામાજિક ન્યાયના સંદર્ભે પણ વજૂદ પૂરું પાડવાનો પ્રયાસ થયો છે.
વળી આ હિંસા અને ક્રાંતિના સંદર્ભમાં વ્યાપક સામાજિક લાભના અનુસંધાને બહુજન સમાજના વ્યક્તિસ્વાતંત્ર્ય અને તેને સાચવવા વાસ્તે પેલા શોષક મૂડીપતિઓના સ્વાતંત્ર્યનો ભોગ લેવાય તે પણ જરૂરી અને સામાજિક ન્યાયપૂર્વકનું પગલું ગણાય.
૩.૩ ફુકોની વૈચારિક ભૂમિકા :
ફુકો એક ફ્રેંચ ફિલસૂફ તરીકે જાણીતા છે. તેમણે પોતાની પીએચ.ડી.નું સંશોધન કાર્ય ‘ગાંડપણ’ ઉપર કર્યું હતું. તેમના થિસિસનો વિષય ‘Madness and Unreason : History of Madness in the Classical Age, (૧૯૬૧)’ હતો. પોતાના આ સંશોધનમાં ફુકોએ ગાંડપણ અને તર્ક(reason)ના ક્ષેત્રને વૈશ્વિક અને સર્વવ્યાપક એવા વસ્તુલક્ષી વર્ગીકરણમાં વહેંચવાની શક્યતાને નકારી. આ વિધાનો તેના ઇતિહાસ વિષયક સામગ્રીના અભ્યાસ ઉપર આધારિત હતા. આ અભ્યાસ માટે તેણે સત્તરમી અને અઢારમી સદીમાં ગાંડપણ બાબતે સમાજ અને રાજ્યોના વલણો અને જેલ તથા કેદખાના અંગે દર્શાવ્યું કે ગાંડપણ અને ડહાપણ વચ્ચેનો ફરક – એજ ઓફ રીઝન – તર્કબુદ્ધિના યુગની નીપજ છે. આ સંદર્ભમાં તેણે દેકાર્તના ‘માઈન્ડ ઍન્ડ મેટર’ના વિચારોમાં રહેલી ત્રુટીઓ દર્શાવી. દેકાર્ત વિશ્વની બાબતો અંગે શંકાઓ વ્યક્ત કરી ખરી પણ તે પોતે ડહાપણ ધરાવનાર હતો કે કેમ તે અંગે શંકા કરવાનું બાકી રાખ્યું હતું એવી પણ એક ટીકા છે.
ફુકો ‘વર્તમાનનો ઇતિહાસ’ લખવાનો વિચાર આપે છે. તે કહે છે : ‘The game is to try to detect those things which have not yet been talked about, those things that, at the present time, introduce, show, give some more or less vague indications of the fragility of our system of thought, in our way of reflecting, in our practices.’ ફુકોના આ વિચાર પાછળનું કારણ એ હતું કે તેના મતાનુસાર આજે જે કાંઈ બને છે તેના મૂળ ભૂતકાળમાં રહેલા છે. માનવીના વ્યક્તિગત વર્તનની બાબતમાં આ સાચું છે તેમ સમાજોના વર્તનની બાબતમાં પણ સાચું છે. દા.ત. બુદ્ધના હીનયાન પંથમાં આ મુદ્દાને વ્યક્તિગત સંસ્કારો રૂપે ઓળખવામાં આવ્યા છે. વ્યક્તિનાં નિર્ણયો, વલણો વગેરે આ સંસ્કારોની ભૂમિમાંથી સાંપડતાં હોય છે. જો કે બૌદ્ધધર્મ સમગ્ર સમાજ-સમષ્ટિના સંદર્ભમાં કોઈ વિશેષ વિચાર આપતો નથી. સમાજ વ્યક્તિઓનો બનેલો છે અને બધી વ્યક્તિઓ સુધરવા માંડે તો સમાજ પણ સુધરે તેવો ખ્યાલ રખાય છે. ગાંધી-વિનોબાના વિચારો પણ આ પ્રકારના છે. માણસ સુધરે તો ગામ સુધરે અને ગામ સુધરે તો દેશ સુધરે; જ્યાં સુધી માણસ ન સુધરે ત્યં સુધી ગામ નહીં સુધરે અને ગામ નહીં સુધરે ત્યાં સુધી દેશ પણ નહીં સુધરે એમ આ વિચારો જણાવે છે. તો આ રીતે ઇતિહાસનો અભ્યાસ અર્થકારણ, સમાજ અને રાજ્ય જેવા ક્ષેત્રોમાં બનતા બનાવોનું ટીકાત્મક પરીક્ષણ કરવાની ભોંય પૂરી પાડે છે.
૧૯૭૫માં ફુકોએ જેલો અને સજા અંગે એક પુસ્તક – ‘Discipline and Punish : The Birth of the Prison’, પ્રસિદ્ધ કર્યું. આ પુસ્તકનો કેન્દ્રવર્તી વિચાર ‘સત્તા’ હતો. સમાજમાં સત્તા લોકશાહી વડે કે લોકોના હાથમાં હોવાનો કે પછી તે લોકોના ભલા માટે વપરાતી હોવાનો વિચાર જ્ઞાન પ્રકાશયુગની નીપજ હતો. ફુકો તેની સાથે સંમત ન હતો. તેના મતે સત્તા લોકોને શિસ્તમાં રાખવા માટે જ હોય છે. શિસ્તનો ઉપયોગ લશ્કરના આધિપત્યના યુગથી થતો આવ્યો છે. ફુકોએ દર્શાવ્યું કે સત્તરમી સદીથી આ પદ્ધતિ ચાલી આવી છે અને વર્તમાન લશ્કર, સંસ્થાઓ કે નિશાળોમાં પણ તે વ્યાપક રીતે અમલમાં છે. સત્તાને જ્ઞાન અને તેના વિવિધ આયામો સાથે પણ સંબંધ છે. જ્યોર્જ ઓરવેલના પ્રખ્યાત પુસ્તક ‘૧૯૮૪’માં થતી લોકોની જાસૂસી અને તેના ‘બીગ બ્રધર’ના ખ્યાલને આ સત્તાની મીમાંસા સાથે પ્રત્યક્ષ સંબંધ છે. આ રીતે હાલના સમયમાં પણ અમેરિકા તથા પશ્ચિમી જગત અને ભારતના પણ અનેક બનાવોને યાદ કરી શકાય. ફૂકો કહે છે કે આ રીતે સત્તાનો ઉપયોગ કરીને સમાજમાં કરોડરજ્જુ વગરના – જીહજૂરિયા લોકો પેદા કરી શકાય છે. આવા લોકોને હૂકમ કે ઇરાદા પ્રમાણે વાળી કે મરોડી શકાય છે. આથી કરીને વ્યક્તિઓ ઉપર માનસિક કાબૂ મેળવી શકાય છે. આ તર્કને ફૂકો ઓર આગળ વધારે છે. તે બતાવે છે કે જો જેલોમાં કેદીઓ ઉપર નજર રાખવા માટે કેમેરા કે અન્ય કોઈ જાસૂસી પદ્ધતિ વાપરવામાં આવે તો આખરે કેટલાક કેદીઓ જ એક બીજાની જાસૂસી કરતા થઈ જશે અને પેલા કેમેરા વગેરેની પણ જરૂર નહીં રહે. જેલો ગુનાખોરી ઘટાડવાનું નહીં પણ નવા પ્રકારની ગુનાખોરીવાળા સમાજના સર્જનનું કામ કરશે. આ રીતે સત્તાનો ઉપયોગ લોકશાહી અને કલ્યાણ રાજ્ય માટે થતો નથી પરંતુ જીહજૂરીની માનસિકતા પેદા કરી શાસન ચલાવવા તથા સત્તા ભોગવવા વાસ્તે થાય છે.
અન્ય વિચારોની તુલનાએ ફુકોના વિચારો સમગ્રપણે સાવ અલગ અને ક્રાંતિકારી જણાય તેવા છે. તેણે સમાજ અને સત્તા બાબતે રજૂ કરેલા વિચારો સાથે સંમત થવાનું ઘણાને અઘરું જણાય તે શક્ય છે. આવા જ વિચારો તેણે જાતીયતા અંગે પણ રજૂ કર્યા છે. આ વિચારોને તેણે ‘sex without the law, and power without the king’ – એવા એક સૂત્ર રૂપે રજૂ કર્યા છે.
આ રીતે વિચારનાર માણસ માર્ક્સના સમાજ અંગેના કે રાજ્ય અને સત્તા અંગેના દર્શનને સ્વીકારે નહીં તે સાવ સ્વાભાવિક છે. આ અંગે રોબર્ટ નીગ્રો (૨૦૦૮) લખે છે : "Throughout his philosophical career as well as his biographical trajectory, Foucault’s confrontation with Marx and Marxism was twofold. He rejected Marxism qua knowledge inscribed in the rationality of the Western world and sought to show that this knowledge constructed a system of power that he could not but refuse. Any Marxism committed to the system of power was rejected by Foucault. Hence his unease over, and mistrust of, the Marxist discourse dominating his epoch, which appeared to be a reverse sign of the same power mechanism. It seems to me that the words accompanying his respons to the question. "'What’ is to be put in place of the system ?”, clearly convey this orientation : “I think that to imagine a different system actually still forms part of the system.”
ફુકોનું દર્શન અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલું છે. તે લાંબા સમય સુધી મનોવિજ્ઞાની તરીકે જ ઓળખાયો હતો કારણ કે તેણે ‘ગાંડપણ’નો અભ્યાસ કર્યો હતો. તેણે જેલ અને સત્તાના ક્ષેત્રો તથા નૃવંશશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો. તેની મુખ્ય ચિંતા માનવ અંગેની છે. માણસ ભૂતકાળનું સર્જન છે ? માણસને માત્ર નૃવંશશાસ્ત્રના દર્શનાત્મક પાસા સુધી સીમિત કરી શકાય ? માણસ ઉપર તેની સંસ્કૃિતની અસરો વગેરે અનેક પાસાઓ જોડતા જવાની તેની સમજમાંથી તેનું દાર્શનિક વિચાર તંત્ર ઊભું થયું છે. આ વિચારોમાં તેણે નિત્ઝેની માણસ અને ઈશ્વર વિષયક વિચારણાનો પણ પ્રભાવ અનુભવ્યો છે.
૩.૧ માર્ક્સ સાથેનો વૈચારિક વિરોધ :
ફુકોના વિચારોનો સમય ૧૯૭૦થી શરૂ થાય છે. આ સમયની રાજકીય, આર્થિક અને બૃહદ એવી સાંસ્કૃિતક ગતિવિધિઓની અસર ફૂકોના વિચારો ઉપર પડી છે. ૧૯૬૫-૬૬ના ફ્રાંસમાં સમાજવાદી વિચારો તરફ ઝૂકાવ વધ્યો હતો. સોબોર્ન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાર્ત્રનો ટેકો મળ્યો હતો. તે પહેલાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછીનું યુરોપ અનેક પ્રકારની ગડમથલોમાં ગુંચવાયેલું હતું. સેવિયત સંઘ અને પૂર્વ યુરોપના દેશોમાં માર્ક્સના વિચારો પ્રમાણેનું સ્વર્ગ આવવામાં નડતી મુશ્કેલીઓનું પણ પૃથક્કરણ ચાલતું હતું. રાજ્ય, સત્તા, લોકશાહી, અર્થતંત્ર તથા માણસના અનુસંધાનો વિષે અગાઉના જુદી જુદી વિચારધારાઓના ચિંતકોએ રજૂ કરેલા વિચારો સામે નવા વિચારો પ્રગટ થતા હતા. કોઈકને ફૂકો આ સંદર્ભમાં અરાજકતાવાદી જણાય તે પણ સંભવ છે.
ફુકોના લખાણોમાંથી ત્રણ મુખ્ય વિચારક્ષેત્રો સાંપડે છે, તે આ પ્રમાણે છે :
ક. આધિપત્ય – Domination
ખ. દિશા – Direction
ગ. સરકાર – Government
ફુકો આધિપત્ય ધરાવતી કે ધરાવવા મથતી શાસનપ્રથાની સામે છે. આ હિસાબે જો તે બીજા વિશ્વયુદ્ધના ગાળામાં જન્મ્યો હોત તો હીટલરશાહી અને ફાસીવાદનો વિરોધી હોત. રાજ્યનું તંત્ર લોકો ઉપર જોહૂકમી કરે અને સત્તાનો ઉપયોગ વ્યક્તિસ્વાતંત્ર્યને ગુંગળાવવામાં કરે તે તેને કબૂલ ન હતું. રાજકીય ફિલસૂફીના ક્ષેત્રમાં જેને ‘રાઇશિયન હાયપોથિસીસ’ કહેવામાં આવે છે તેની સામે તે વૈચારિક ભૂમિકાએ વિરોધમાં હતો. (હીટલરના સામ્રાજ્યને ‘થર્ડ રાઈશ’ કહેવામાં આવે છે – ‘રાઈશ’ એટલે સામ્રાજ્ય).
પણ ફૂકો આ કાર્ય માત્ર કર્મશીલતાની ભૂમિએ સધાય તેમ માનતો ન હતો. વધુ તો તે વૈચારિક ભૂમિકાએ -જ્ઞાનના ક્ષેત્રે તેનો વિરોધ કરીને માત્ર માર્ક્સના વિચારોનો જ વિરોધ નથી કરતો. તેથી વધુ તો તે વૈચારિક કક્ષાએ સાર્વત્રીકરણ સાધીને ઘણા વ્યાપક અને સર્વદેશીય તથા સર્વકાલીય ફલક ઉપર પોતાનું વૈચારિક પ્રદાન કરે છે. આથી તે તર્ક – રીઝન અને અતર્ક, વાસ્તવ અને ભ્રમણા – રિયાલિટી અને ઇલ્યુઝન, વૈજ્ઞાનિક અને અવૈજ્ઞાનિક વગેરે પ્રકારના વિચારક્ષેત્રોને એક સાથે સાંકળીને પોતાનું દર્શન રજૂ કરે છે. તેના વિચારોના આધાર તરીકે ગાંડપણ, સત્તા, જેલ, વગેરેના વાસ્તવિક અનુભવોને તે સાંકળે છે. આ સંદર્ભમાં એક મહત્ત્વનો મુદ્દો આ રીતે ગોઠવી શકાય.
ડોમિનેશન – આધિપત્ય દ્વારા વાસ્તવ અને ભ્રમણા વચ્ચેનો તફાવત ભૂલાવી દઈ શકાય. ગુજરાતમાં તાજેતરમાં પ્રાથમિક શિક્ષણમાં વધારાના વાંચન તરીકે વહેંચવામાં આવેલા દીનાનાથ બત્રાના પુસ્તકો દ્વારા આધિપત્યનો (અને સત્તાનો) ઉપયોગ કરીને સત્ય અને ભ્રમણા વચ્ચેનો ભેદ ભૂંસી નાંખવાનો પ્રયાસ થયો જ છે ને ! શર્મિલા ઈરોમનો અનુભવ કે પછી કાશ્મીરના લોકોના વાસ્તવિક અનુભવો સરકાર તેના આધિપત્ય તથા તેની રાઈશિયન મનોવૃત્તિ દાખવે છે. આ અંગે બાલીબાર (૧૯૯૩) લખે છે. Freudo-Marxism is an inversion of the values expressed by powerful institutional apparatuses. It inspires contestation in these apparatuses, struggles whose importance Foucault acknowledged. But the main thing for him is to ponder the extent to which they really break with discursive formation that they denounce.’
૩.૨ સામાજિક પરિવર્તન અને અસ્તિત્વની ક્રાંતિ :
ફ્રુકોના દર્શનમાં સામાજિક પરિવર્તન અને માનવ અસ્તિત્વના ક્ષેત્રે આવેલા ક્રાંતિકારી ફેરફારોની અસરો પ્રતિબિંબિત થતી દેખાય છે. ૧૯૭૫ પછીના વરસોમાં ફુકોના પૃથક્કરણમાં એક તરફ સરકાર અને સમાજ તથા બીજી તરફ વ્યક્તિત્વના મુક્ત જીવનના સંઘર્ષો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ફ્રુકો માર્ક્સના ક્રાંતિના વિચારોમાં યુટોપિયાની સ્વતઃસિદ્ધતાની સામે વાસ્તવના અનુભવો નોંધે છે. સમાજમાં સંસ્થાઓ, જેલ, નિશાળ, ધાર્મિક મઠો, વગેરેમાં પણ શિસ્તના બહારી ખ્યાલ હેઠળ વ્યક્તિસ્વાતંત્ર્ય ને રુંધવામાં આવે છે. દા.ત. ભારતની નિશાળોમાં ભણતા બાળકો પૈકી ૯૯.૬૩ ટકા બાળકોએ શિક્ષકોનો માર ખાધો હોય છે એમ એક અભ્યાસ જણાવે છે. ફૂકો કહે છે કે શિસ્ત જેવા ખ્યોલોની બાબતમાં સત્તા તેમ જ જ્ઞાન જેવા સાધનોનો પણ ઉપયોગ થાય છે. ખરેખર તો વ્યક્તિસ્વાતંત્ર્યની સામે જ્ઞાન અને સત્તા પરસ્પર જોડાયેલા રહે છે.
સવાલ એ થાય છે કે ફૂકોના આ વિચારો, જેને એક અર્થમાં ‘નીઓ લિબરાલિઝમ’, ‘મૂડીવાદ’ અને વૈશ્વિકીકરણની સાથે જોડી શકાય તેની સાથે બંધ બેસતા થાય છે ખરા ? આ સંદર્ભમાં વૈશ્વિકીકરણ અને તેના જાગતિક અનુભવો વિષે વિચાર કરવો જોઈએ.
૪.૦ વૈશ્વિકીકરણ :
વૈશ્વિકીકરણના તાજેતરના પ્રવાહોનો પ્રારંભ રેગન-થેચર દ્વારા થયો. આંતરિક અર્થતંત્રોમાં બજેટની ખાધ દૂર કરવી અને આંતરિક દેવાને કાબૂમાં રાખવા જેવાં પગલાંથી શરૂ થઈને આ વ્યવસ્થા WTO, TRIPS, Free Floating Exchange Rate, વગેરે ઉપરાંત સબસિડીની નાબૂદી, આવકો ઉપરના કરવેરા ઘટાડવા, ખાધપૂરવણી બંધ કરવી, વગેરે અનેક પ્રકારના નટ-બોલ્ટસનો ઉપયોગ કરે છે. કોઈ પણ દેશે જો વૈશ્વિકીકરણના વાતાવરણમાં ટકી રહેવું હોય તો તમામ ક્ષેત્રોના વસ્તુ બજાર, સેવા બજાર અને સાધન બજારના પરિબળોને મુક્ત રીતે પનપવા દેવા પડે. આમ મજૂરોની માંગ અને પૂરવઠાના પરિબળો દ્વારા વેતનના દરો નક્કી થશે વ્યાજના દર મૂડી માટેના માંગ અને પૂરવઠા દ્વારા નક્કી થશે. વૈશ્વિકીકરણ માટે આખરે ખાનગીકરણ અને ઉદારીકરણ આવશ્યક શરતો બને છે.
ફુકોનો સંદર્ભ ગોઠવીએ તો જણાશે કે તે વ્યક્તિસ્વાતંત્ર્ય ઉપર પુષ્કળ ભાર મૂકે છે. વ્યક્તિ પોતાની સમજ અને માહિતી અનુસાર યોગ્ય શિક્ષણ લેશે અને પોતાનું સારામાં સારું પ્રદાન કરશે એવું ધારવામાં આવે છે. આથી સમાજ આખો અત્યંત કાર્યક્ષમતાપૂર્વક ચાલશે. ગ્રાહકોને ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું મળશે. તાજેતરનો દાખલો લઈએ તો – જો લોકોને ઇન્ટરનેટ મારફત સસ્તામાં સસ્તો માલ મળે તો દુકાનોમાંથી ખરીદી નહીં કરે. આથી દુકાનોવાળા બેકાર થઈ જશે તો શું – તેવો પ્રશ્ન જ અસ્થાને છે. તે ચાની કિટલી કરે કે જૂતા પોલિશ કરે કે પછી ભીખ માંગે – આ અર્થશાસ્ત્ર કહે છે કે સૌ પોતપોતાની આવડત કે ક્ષમતા પ્રમાણએ ગોઠવાઈ જશે.
વૈશ્વિકીકરણ ધરાવતા આ નવ્ય મૂડીવાદમાં ગરીબોની પણ ચિંતા કરવાની જરૂર નથી. નિત્ઝેથી લઈને મિલ્ટન ફીડમેન સહિતના ફિલસૂફો અને અર્થશાસ્ત્રીઓ દયા, દાન અને આ પ્રકારની માનસિકતાના સમર્થકો નથી. તેમનો તર્ક ‘Trickle Down’ નામના સિદ્ધાંતનો આધાર લે છે. તેનો અર્થ એ છે કે સમાજમાં ધનપતિઓ જે નવું ઉત્પાદન કરશે તે એક પ્રવાહમાં ફરતુ ફરતું અને વરસાદી પાણીની જેમ ઝમતું ઝમતું અર્થતંત્રના છેક છેવાડાના આદમી અને ઓરતના ઘર સુધી પહોંચશે. આદમ સ્મિથે જેને ‘અદૃશ્ય હાથ’ ગણાવ્યો છે તે આ રચના છે.૫
આ તર્કનો સાર એ છે કે રાજ્યે આર્થિક ક્ષેત્રે દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશ કહે છે તેમ ‘Greed is a Virtue’. રાજ્યે રોબિનહૂડ થવાની જરૂર નથી. ધનિકો અને ગરીબોને પોતપોતાની સમજ અને આવડતના આધારે છોડી દેવાથી આર્થિક વૃદ્ધિ ઝડપી બનશે અને વહેંચણી પણ આપોઆપ જ થશે. આમ માર્ક્સના શોષણના વિચારનો અહીં છેદ ઊડી જાય છે.
ફુકો તો વ્યક્તિસ્વાતંત્ર્યમાં માનનારો કે તેનો પુરસ્કાર કરનારો ચિંતક છે. આથી અર્થવ્યવસ્થાના ઉદારમતવાદી પાસાનો હિમાયતી હોય તે સ્વાભાવિક છે. પરંતુ પાયાનો સવાલ એ છે કે ગરીબો સ્વતંત્ર હોઈ શકે ખરા ? મુક્ત બજાર વડે ઉત્પાદનમાં વધારો થાય તો પણ તેનાથી ઉચિત વહેંચણી થતી નથી તે એક વ્યાપક અને જાગતિક અનુભવ છે. વર્ષ ૨૦૧૪નો માનવ વિકાસનો અહેવાલ જણાવે છે કે ખરેખર તો આ વૃદ્ધિના ફલસ્વરૂપે અસમાનતામાં ખાસી વૃદ્ધિ થઈ છે. આ અહેવાલ આર્થિક બરડતા – ‘vulnerability’ના મુદ્દાને લક્ષમાં રાખીને નોંધે છે કે વૈશ્વિકીકરણના ફલસ્વરૂપે આર્થિક વૃદ્ધિ થવા છતાં સમાજના જે નબળાં જૂથો છે તે ગમે ત્યારે ફરી પાછા ગરીબ પણ બની શકે છે. આ વાસ્તે તે લાઇફ ટાઈમ અર્નિંગની જેમ લાઇફ ટાઈમ વલ્નરેબિલિટીનો ખ્યાલ આપે છે.
બીજી બાજુ એવું જોવા મળે છે કે આર્થિક વૃદ્ધિની સાથોસાથ રોજગારીમાં પૂરતી વૃદ્ધિ થઈ શકી નથી. પશ્ચિમ યુરોપના ઘણા દેશોમાં ૧૮-૩૦ વર્ષની ઉંમર ધરાવતા લોકોના લગભગ ૨૪ ટકા યુવાઓ વર્ષોથી બેકાર છે. ૨૦૧૫ના જૂનની ગ્રીસની કટોકટી વેળા જોવા મળ્યું કે તેની યુવા-વસતીના લગભગ સાઠ ટકા લોકો બેકાર છે. વળી આ નવ્ય મૂડીવાદના અર્થતંત્ર તો સ્થિરતા સાથે વૃદ્ધિ કરી શકતા નથી. આ વાસ્તે મુખ્યત્વે માનવ શ્રમના ઉપયોગને ટાળતી નૂતન અને વધુ નૂતન બનતી જતી ટેક્નોલોજીને જવાબદાર ગણવામાં આવે છે. આ ગણતરીમાં પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ પ્રકારના લાભ ગણ્યા પછી પણ બેકારીની ટકાવારી ઊંચી જ રહે છે. વળી, ભારત જેવા દેશમાં શ્રમ અંગેના કાયદાઓના પાલનમાં વર્તાતી શિથિલતા શ્રમિકોની પોતાની અપૂરતા અભ્યાસ અને તાલીમ કે પછી સાવ જ નિરક્ષરતાની સ્થિતિ, સંગઠનનો અભાવ વગેરે જેવા કારણોસર બેકારી એક વિશેષ પ્રકારની વિકટતા ધારણ કરે છે. વળી ભારતમાં પંચાણુ ટકાથી વધુ રોજગારી અસંગઠિત ક્ષેત્ર દ્વારા પૂરી પડાય છે. આથી તેમના વેતનદરોમાં માલિકો દ્વારા મનમાની કરાતી હોવાની પણ ઘણી ખબરો આવે છે. વળી, દેશમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારને લીધે ‘મનરેગા’ જેવી સરકારી યોજનાઓમાં પણ મજૂરોને મળતા વેતન નિર્ધારીત ધોરણો અનુસારના હોતા નથી. મૂડીવાદી અર્થતંત્રોમાં આવતા ઉતારચઢાવને કારણે પણ ગરીબીમાં અને જીવનધોરણમાં મોટા ફેરફારો આવતા હોય છે. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ્સમાં દર્શાવેલું ‘રેઝીલિયન્સ’ આ કારણે જાળવી શકાતું નથી. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ(૨૦૧૪)માં આ વાત વિગતો સાથે ચર્ચાઈ છે. ૨૦૦૮ની વિશ્વમંદી પણ તેનો તાજો દાખલો છે.
આ સંદર્ભમાં ફૂકો અને માર્ક્સ માટેનો સવાલ એ છે કે માનવ સ્વાતંત્ર્ય અને સ્થિરતા જાળવીને સમાજ માટે સુધરતું જતું જીવન ધોરણ શક્ય છે ? તે સિદ્ધ કરવા માટે સમાજ, રાજ્ય અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂર ખરી કે નહીં ? આ બાબતો સિદ્ધ કરવા વાસ્તે કેવી વૈચારિક ભૂમિકા અને કેવી નીતિઓની જરૂર પડે ? તે પ્રકારની સત્તા, શાસન વ્યવસ્થા અને સંસ્થાઓને જરૂરી ગણાય ? આ સમગ્ર વિચારમાં ફૂકોના સત્તા અને માર્ક્સના બુર્ઝવાના અહંકારને કેવી વૈચારિક ભૂમિકા અને વિમર્શમાં ગોઠવી શકાય ?
વૈશ્વિકરણની નીતિઓ તથા તેના વાસ્તવિક અમલની સામે અનેક સમાજોમાં ખુદ લોકશાહી શાસન વ્યવસ્થા સામે અને લોકશાહીની રાજકીય ફિલસૂફી બાબતે સવાલો ઊઠ્યા છે. આર્થિક અસમાનતા, રાજ્ય અને ઉદ્યોગગૃહો તથા ધર્મસંસ્થાઓના મેળાપીપણાને કારણે આ વ્યવસ્થાના ભીતરી મૂલ્યો બાબતે અનેકવિધ સવાલો ઊભા થયા છે. એક એવા પ્રકારની વ્યવસ્થા નિપજી રહી હોય તેમ જણાય છે કે જેમાં વંચિતતા અને શોષણ વ્યાપક બની ને વિસ્તરતા જાય છે. શોષણનો આ નૂતન પ્રકાર સાંગોપાંગ માર્ક્સનો ચિંતવ્યો ન પણ હોય અને તેથી તેમાંથી કોઈ નિર્ધારીત ઉકેલ ન પણ સાંપડે.
બીજી તરફ પર્યાવરણીય બાબતો પણ હવે ગંભીર બની ચૂકી છે. અર્થશાસ્ત્રીઓની સમજ જ્યારે હજુ પૂરી વિકસી ન હતી ત્યારે હવા, પાણી વગેરેને માંગ કરતાં વધુ પૂરવઠો ધરાવનાર અને તેથી ‘ફ્રી ગુડ્ઝ’ ગણવાનો રિવાજ ઊભો થયો હતો. હવેના ઉદ્યોગો પણ આ સઘળું લગભગ મફત મળે તે માટે લોકશાહી વડે ચુંટાઈને આવનાર લોકો ઉપર તેમ જ નોકરશાહી ઉપર લાંચરુશ્વતથી માંડીને અનેક પ્રકારના દબાણો અને ગોઠવણો ઊભા કરે છે. આ વ્યવસ્થામાં લોકશાહી, શોષણ, લિબર્ટી વગેરેના સંદર્ભો જ બદલાઈ જાય છે. આથી જૂના શબ્દો અને વિચાર કે વિમર્શના ઉપક્રમો દ્વારા જે વ્યક્ત થાય છે તે અગાઉની તુલનાએ અલગ જ માયનો ધરાવે છે. આ સંદર્ભમાં ફુકોના વિચારો વિષે રોબર્ટ નિગ્રો (૨૦૦૮) આ પ્રમાણે જણાવે છે : ‘The relationship between power and knowledge is central to Foucaults work. Discipline and Punish essentially charts the reorganisation of the power to punish, and the development of various bodies of knowledge (the human sciences) that reinforce and interact with that power. The modern power to punish is based on the supervision and organisation of bodies in time and space, according to strict technical methods : the modern knowledge that Foucault describes is the knowledge that relates to human nature and behaviour, which is measured against a norm. Foucault’s point is that one cannot exist without the other. The power and techniques of punishment depend on knowledge that creates and classifies individuals, and that knowledge derives its authority from certain relationships of power and domination.”
અહીં ગાંધીવિચારની પણ ઉપેક્ષા કરી શકાય તેમ નથી. માણસને સમાજ પરક નીતિ આચરનાર તરીકે ઉપસાવવામાં આવે એને આખો સમાજ તથા રાજ્ય રચના પણ આ પ્રકારના હોય તે એક ‘યુટોપિયા’ હોવા છતાં તેનું એક વિમર્શલક્ષી મૂલ્ય અથવા વજૂદ ઊભું થાય છે. તાજેતરમાં લખાણો દ્વારા અરુણ માયરાએ આ પ્રકારના વિચારો રજૂ કર્યા છે. અરુણ માયરા હમણાં જ આટોપી લેવાયેલા આયોજન પંચના સભ્ય હતા અને વિવિધ લેખો અને પુસ્તકોમાં હાલના વૈશ્વિકીકરણ તથા બજારના વિકલ્પે ઉદ્યોગોના ટ્રસ્ટીશિપનો અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અસરકારક ઉપયોગની તેમણે હિમાયત કરી છે.૬
૫.૦ સમાપન
આ સમગ્ર ચર્ચાનો ઉપક્રમ વર્તમાન ઢબના વૈશ્વિકીકરણ અને તેના આર્થિક તથા સામાજિક બનાવોને વૈચારિક વિમર્શના સંદર્ભમાં મૂકવાનો રહ્યો છે. ગઠીયાગીરી ધરાવતા ક્રોની મૂડીવાદના વૈશ્વિક વાતાવરણમાં આર્થિક વૃદ્ધિની ભ્રમજાળ અને દિવાસ્વપ્નોમાં રાચતા સમાજે થોડાક વધુ ગંભીર બનીને સમાજવાદ, મૂડીવાદ, બજાર, વ્યક્તિસ્વાતંત્ર્ય, લોકશાહી, સમાનતાલક્ષીતા વગેરે પાસાંઓમાંથી જન્મતી નીતિઓ તથા વહીવટની રચનાઓને વિગતે અને ઊંડાણથી તપાસતા રહેવાની જરૂર છે. ‘ઇટર્નલ વિજિલન્સ ઈઝ ધ પ્રાઈસ ઓફ લિબર્ટી’ એ વિધાન નાગરિકી નિસ્બત માટે એક મોટા પડકારરૂપ બાબત બની ચૂકી છે. વિકાસનો સમગ્ર મુદ્દો લોકરંજક અને સત્તાપરસ્ત બનતો ગયો છે. મજૂર કાયદાઓ, શિક્ષણ વ્યવસ્થા, સામાજિક આંતરમાળખાકીય વ્યવસ્થા, પર્યાવરણ, શોષણ એમ ભિન્નભિન્ન પ્રકારના મુદ્દા આખરે એકત્ર થઈને માનવ જીવન ઉપર જે કુલ અસર નિપજાવી રહ્યા છે તે સ્થિરતા અને શાંતિ સાથેના માનવ જીવન સામે મોટા ખતરારૂપ બની ગયા છે.
વર્તમાન સમયના આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક જેવા અનેક વૈચારિક પ્રવાહોનું એકસાથે અવગાહન કરવાથી જે કુલ પરિસ્થિતિ સામે આવે છે તે વિવિધ પ્રકારના હિત અને સત્તાનો સંઘર્ષ સૂચવે છે. વર્તમાન વિશ્વમાં અત્યંત ઝડપથી બદલાતી જતી ટેક્નોલૉજી, પર્યાવરણીય સમસ્યા અને આર્થિક અસ્થિરતાના કારણે વ્યવસ્થા અને નીતિઓના આયામો પણ બહુ ઝડપથી બદલાતા રહે છે. આ કુલ સંદર્ભમાં માર્ક્સની શોષણ સામેની ચિંતા, ફુકોના સત્તા, સ્વતંત્રતા અને આધિપત્ય અંગેના વિચારો અને ગાંધી વિચારની ભૂમિકાને વૈશ્વિકીકરણના પ્રવાહો સાથે સાંકળીને જોતા જણાય છે કે આવનારો સમય એક મોટા વૈચારિક સંઘર્ષ અને ટકરાવનો સમય બની જઈ શકે તેમ છે.
વિશેષ નોંધ :
૧. ગુજરાત સામાજિક સેવા મંડળના વાર્ષિક અધિવેશનમાં તા. ૨૨-૧૧-૨૦૧૪ના દિવસે પ્રસ્તુત વક્તવ્ય. (આખરી સુધારા સાથેનું લખાણ તા. ૧૮-૭-૨૦૧૫)
૨. ગુજરાતમાં અક્ષરધામ ઉપર હુમલો થયા પછી જેને પકડાવામાં આવ્યા હતા મુફ્તી અબ્દુલ ક્યુમ (૨૦૧૫)એ નિર્દોષ છૂટ્યા પછી લખેલું પુસ્તક ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’માં પણ આવું વર્ણન છે. જેલોના ભયાનક અત્યાચાર માત્ર સામ્યવાદમાં જ થાય છે તેવું કહી ન શકાય.
૩. ગ્રીસમાં ૧૯૭૪માં લશ્કરી શાસન પૂરું થયું અને ગઈ સદીના અંતમાં (૧૯૯૯) તે યુરોઝોનમાં પ્રવેશ્યું તે ગાળામાં તેનો આર્થિક વૃદ્ધિનો દર ઊંચો (૪.૨ ટકા) હતો. પરંતુ તેણે ગરીબલક્ષી પગલાં ભર્યા અને તે વાસ્તે ખાધવાળા બજેટ રજૂ કર્યા તેથી તે દેવાદાર થઈ ગયું. આ ધારણો તપાસ માંગી લે છે.
૪. જૂઓ રોહિત શુક્લ, ‘આધુનિક મૂડીવાદ : સૈદ્ધાંતિક ધારણાઓ અને વાસ્તવ’ “નયા માર્ગ” પૃ. ૭, વર્ષ ૩૮, અંક ૧૨, તા. ૧૬-૬-૧૫
૫. વધુ ચર્ચા માટે જૂઓ,’ રોહિત શુક્લ, “નયા માર્ગ”, તા. ૨૬-૭-૨૦૧૫.
૬. જૂઓ રોહિત શુક્લ, ૨૦૧૧, ૨૦૧૩ અને ૨૦૧૪
૭. જૂઓ, ઉત્તમ પરમાર સં. (૨૦૧૧)
૮. જૂઓ રજની દવે, ૨૦૧૪
સંદર્ભ :
Althussar, (1968), ‘Philosophy as a Revolutionary Weapon’, Translated (1971), First Published in L‘Unita.’ ‘Structure of Theory, New Left Review.’
Balibar (1993) in Critical Companion, as quoted in Bidet, Jacques and Stathis kouvelakis, (2008) ed. ‘Critical Companion to Contemporary Marxism’ Historical Materialism-16, Brill, Leiden – Boston.
Fukoyama F., (1992). ‘The End of History and Last Man’, The Free Press, New York.
Faucoult (1969), Translated by, A.M. Sheridan. ‘The Archeology of Knowledge’, Smit, London, Tavistock.
Galbraith J. K. (1967), ‘The New Industrial State’, Princeton University Press, Princeton.
Human Development Report, (2014), Sustaining Human Progress. Reducing Vulnerability and Building Resistance’, UNDP Oxford, New York.
Marx and Engles, (1882), ‘Socialism, Utopian and Scientific’, ch.III. op. cit Bidet, Jacques and Stathis Kouvelakis, (2008)
– Marx (1858) Grundrisse
–http:/www.marxists.org/arohive/marx/owrks/1845/german ideology/htm.
—, ‘Thesis on Feurbach’, in Lawrance and Wishart, ‘The German Ideology’, (1938), Kouvelakis, (2008) pp. 647-662
Negro, Robert (2008) in Foucault, Reader & Critic of Marx, (P.647-662), in ‘Critical Companion to Contemporary marxism’ Ed. Jacques Bidet and stathis Kouvelakis, Historical Materialism Book solies, wol.16, Blill, leiders – Boston, 2008.
Nitzsche, F. (1874), ‘On the Uses and Disadvantages of History for Life’, Translated by, R.Hollingdale, Cambridge University Press, Cambridge.
Preve, Costanzo, (1990) op. cit, Bidet, Jacques and Stathis Kouvelakis, (2008)
Orwell, G., (1945), ‘The Animal Farm: A Fairy Tale’, Sackers and Warburg London.
— (1948) ‘1984’, Sackers and Warburg London.
પરમાર ઉત્તમ, સં (૨૦૧૧) ‘વૈશ્વિકીકરણનાં વહેણ અને વમળ ઃ મારી નજરે’. કીમ એજ્યુકેશન સોસાયટી, કીમ.
રજની દવે (સં) ‘આવો નવી દુનિયા બનાવીએ’. યજ્ઞ પ્રકાશન, વડોદરા, (૨૦૧૪)
શુક્લ રોહિત ‘નોબલની શાંતિ પુરસ્કાર અને ભારત-પાકિસ્તાનમાં પ્રાથમિક શિક્ષણ’ અભિદૃષ્ટિ, વર્ષ ૮, અંક ૮૪, નવેમ્બર, ૨૦૧૪ પૃ. ૧-૫ — ‘ચોથા વાંદરાનું ચિંતન’, (૨૦૧૧) યજ્ઞ પ્રકાશન, વડોદરા — ‘ચિંતનનો ચબૂતરો’ (૨૦૧૩) યજ્ઞ પ્રકાશન, વડોદરા — ‘ચિંતનનો ચંદરવો’ (૨૦૧૪) યજ્ઞ પ્રકાશન, વડોદરા — ‘નયા માર્ગ’, વર્ષ ૩૮, અંક : ૧૨, ૧૪, અમદાવાદ — મુફતી અબ્દુલ ક્યુમ, (૨૦૧૫) ‘ગ્યારહ સાલ સલાખોં કે પીછે’ જમાતે ઉલ્લેખાઓ હિંદ, મુંબઈ.