Opinion Magazine
Number of visits: 10028411
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સ્લો’ ફૂડ ખાઓ, પર્યાવરણ બચાવો

વિશાલ શાહ|Opinion - Opinion|11 December 2015

આ વર્ષની યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ૩૦મી નવેમ્બરથી ૧૧મી ડિસેમ્બર દરમિયાન ફ્રાંસના પેરિસમાં યોજાવાની છે. આ બેઠક યોજાઈ એના થોડા જ દિવસ પહેલાં – ત્રીજી નવેમ્બરથી મેઘાલયની રાજધાની શિલોંગમાં પાંચ દિવસનો 'સ્લો ફૂડ મુવમેન્ટ' કાર્યક્રમ યોજાઈ ગયો. દુનિયાના બધા જ દેશોના પ્રતિનિધિઓ જ્યાં ભેગા થઈને વૈશ્વિક તાપમાન બે ડિગ્રી સુધી ઘટાડવાની 'વાતો' કરવાના છે, એ જ પેરિસ શહેરમાં વર્ષ ૧૯૮૦માં આ ચળવળ શરૂ થઈ હતી.  દુનિયાના કરોડો લોકોની ખાણી-પીણીની આદતો વૈશ્વિક પર્યાવરણ પર કેવી અસર કરે છે એ વાતની સમજ આપવા કાર્લો પેત્રિનીએ આ ચળવળ શરૂ કરી હતી. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની વાત કરતી વખતે, આપણે ઔદ્યોગિકીકરણ તેમ જ ખનીજ તેલ અને તેની આડપેદાશોના બેફામ ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરીએ છીએ, પણ ખાણીપીણીને તો યાદ પણ નથી કરતા. આ ચળવળનો હેતુ લોકોને આ વાત યાદ કરાવીને પર્યાવરણ પ્રત્યે થોડા જાગૃત કરવાનો છે.

આપણે જ્યારે હોટેલ-રેસ્ટોરન્ટમાં જમીએ છીએ ત્યારે ટેબલ પર પડેલી એ પ્લેટ તમારા સુધી પહોંચતાં પહેલાં પર્યાવરણને કેટલું નુકસાન કરી ચૂકી હોય છે એવું આપણે ક્યારે ય વિચારતા નથી. એવું નથી કે, આ સંસ્થા બધાના ધંધાપાણી બંધ કરાવી દેવા માગે છે પણ એનો હેતુ લોકોને 'કોન્શિયસ કન્ઝપ્શન' એટલે કે 'સભાનપણે ઉપભોગ' કરતા કરવાનો છે. આ માટે તો ભારતીય સંસ્કૃિત જગજાહેર છે પણ લોકોને ઢંઢોળવા સ્લો ફૂડ મુવમેન્ટ પર્યાવરણના નુકસાનને કેન્દ્રમાં રાખીને વિચારો રજૂ કરે છે. આ સંસ્થાની શરૂઆત ફૂડ ચેઈન મેકડોનાલ્ડના વિરોધમાંથી થઈ હતી. એટલે લોકો સ્લો ફૂડને મેકડોનાલ્ડ વિરોધી સંસ્થા માની લે છે. ખરેખર સ્લો ફૂડ મુવમેન્ટ તમામ પ્રકારના ફાસ્ટ ફૂડ-ફાસ્ટ લાઈફનો વિરોધ કરે છે કારણ કે, ફાસ્ટ ફૂડ, મૉલ શોપિંગ કલ્ચરમાં લોકો પોતાની પરંપરાગત ખાણી-પીણીની આદતો ભૂલતા જાય છે. આ જ કારણથી દુનિયાના અનેક દેશોમાં પરંપરાગત વાનગીઓ અને તે બનાવવાની કળા ભૂલાતી જાય છે. સ્લો ફૂડ મુવમેન્ટ દરેક દેશના 'ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે' યુનિટની મદદથી આવા ઈવેન્ટ કરે છે અને લોકોને આરોગ્ય અને પર્યાવરણની દૃષ્ટિએ સ્લો ફૂડનું મહત્ત્વ સમજાવે છે. ટેરા માદ્રેનો અર્થ 'ધરતી માતા' થાય છે.

દરેક દેશના શહેરોથી લઈને અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ખાણી-પીણીની આદતોની માહિતી મેળવવા અને લોકો સુધી પહોંચાડવા સ્લો ફૂડ મુવમેન્ટે ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે નેટવર્ક ઊભું કર્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓ અને કાર્યકર્તાઓની મદદથી સ્લો ફૂડ મુવમેન્ટ આ પ્રકારના યુનિટ ઊભા કરીને સાડા ત્રણ દાયકામાં ૧૬૦ દેશમાં પહોંચી ગઈ છે. મેઘાલયમાં યોજાયેલો સ્લો ફૂડ ઈવેન્ટ પણ ઈન્ડિજિનિયસ ટેરા માદ્રે-ઈન્ડિયાએ યોજ્યો હતો, જેમાં ૪૧ ગામોને ભાગીદાર બનાવાયા હતા. મેઘાલય હાઉસમાં યોજાયેલા આ પાંચ દિવસના કાર્યક્રમમાં જિનેટિકલી મોડિફાઈડ બિયારણો, ટકાઉ વિકાસ, પાણી પર સમાન અધિકાર અને વૈશ્વિકરણના કારણે પરંપરાગત ખાદ્ય સંસ્કૃિતને થયેલી અસરો જેવા વિષયો પર એક એકથી ચડિયાતા સેમિનારો યોજાયા હતા. અમદાવાદની 'સૃષ્ટિ' સંસ્થા પણ દર વર્ષે 'વિસરાતી વાનગીઓનો મેળો' નામે અફલાતૂન ઈવેન્ટ યોજે છે, જેનો હેતુ ભૂલાઈ રહેલી વાનગીઓને ફરી એકવાર જાણીતી કરવાનો અને તે કેટલી પૌષ્ટિક છે એનો પ્રચાર કરવાનો છે.

આપણે જે પ્રકારની આહારની રીત અપનાવી છે કે ધીમે ધીમે અપનાવી રહ્યા છીએ તેનાથી દુનિયાના બીજા કરોડો લોકોને શું ભોગવવું પડે છે એવી પણ આ ઈવેન્ટમાં સમજ અપાય છે. ખેતરમાં પાકતા અનાજના એક એક દાણા પાછળ સૂર્યપ્રકાશ, પાણી, વીજળી અને ખાતરના રૂપમાં મહત્ત્વના કુદરતી સ્રોતો ખર્ચાયા હોય છે. આપણે જ્યારે થાળીમાં એંઠું મૂકીએ છીએ ત્યારે અન્નના દાણાની સાથે આવા ઘણાં બધા કુદરતી સ્રોતોનો પણ બગાડ કરતા હોઈએ છીએ. યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૧૩માં પહેલીવાર અન્નના બગાડથી પર્યાવરણને કેટલું નુકસાન થાય એનું સાયન્ટિફિક એનાલિસિસ કરીને 'ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટ: ઈમ્પેક્ટ ઓન નેચલ રિસોર્સીસ' નામનો એક અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલ પ્રમાણે, દર વર્ષે આપણે ૧.૩ અબજ ટન અન્નનો બગાડ કરીએ છીએ અને આટલા અન્નનો બગાડ હવામાં ૩.૩ અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળવા બરાબર છે. એટલે આપણી થાળીમાંથી અન્નનો એક દાણો ગટરમાં જાય છે ત્યારે આપણે પર્યાવરણને થતાં નુકસાનમાં યથાશક્તિ ફાળો આપતા હોઈએ છીએ. આઘાતજનક વાત તો એ છે કે, આ ગણતરીમાં માછલી જેવા દરિયાઈ ખોરાકનો તો સમાવેશ પણ નહોતો કરાયો.

આ પ્રકારનો બગાડ જેમની પાસે જેમની ખરીદશક્તિ વધારે છે એ લોકો સૌથી વધારે કરે છે. મોટી હોટેલો-રેસ્ટોરન્ટોમાં જ સૌથી વધારે અન્નનો બગાડ થાય છે. જે દેશમાં એક બાજુ ભૂખથી લોકો મરતા હોય અને બીજી બાજુ લાખો ટન અનાજ બગડી જતું હોય એ દેશ માટે સ્લો ફૂડ મુવમેન્ટનો પ્રચાર થવો આ રીતે પણ ખાસ જરૂરી છે. ભારત જેવા દેશમાં સ્લો ફૂડ મુવમેન્ટ બીજી પણ એક રીતે ખૂબ મહત્વની છે. દેશમાં હરિયાળી ક્રાંતિ થયા પછી આપણે વધારે લોકો સુધી અન્ન પહોંચાડી શક્યા છીએ. આ માટે રાસાયણિક ખાતરો અને વિદેશી બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો છે. રાસાયણિક ખાતર કેટલો બધો પાક આપે છે એવો પ્રચાર તો કર્યો પણ એનો સભાનપણે ઉપયોગ ના થાય તો કેવા પરિણામો ભોગવવા પડશે એ તો વિચાર્યું જ નહીં. હરિયાળી ક્રાંતિ પછી પંજાબે દેશની 'કેન્સર કેપિટલ'નું બિરુદ મેળવ્યું છે, જેના માટે એન્ડોસલ્ફેન અને ડીડીટી જેવી જંતુનાશક દવાઓ પણ જવાબદાર હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. વિદેશી બિયારણોના ઉપયોગથી આપણાં અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનાં વૈવિધ્યને પણ જોરદાર ફટકો પડયો છે.

નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સના આંકડા પ્રમાણે, ૧૬૭ ધાન્યો, ૩૨૦ જંગલી ધાન્યો અને ગાય-બળદ સહિતના સંખ્યાબંધ પ્રાણીઓની પ્રજાતિનું જન્મસ્થાન ભારત છે. આ તો ભારતીય કૃષિ વૈવિધ્યની નાનકડી ઝલક છે. હવે વાંચો. જનીનીક એટલે કે જુદા જુદા અનાજ-ફળોની જિનેટિકલ ડાઇવર્સિટી કેવી છે! જેમ કે, ભારતમાં ચોખાની જ ૫૦ હજાર જાત છે અને એક હજારથી પણ વધારે જાતની તો કેરી છે. દેશના અનેક રાજ્યોમાં એક જ પ્રકારનો પાક જુદી જુદી ઋતુમાં લેવાય છે. આ કારણસર તેની જાત બદલાઈ જાય છે. જેમ કે, ચોખા એટલે ચોખા પણ તેનો પાક જુદી ઋતુમાં, જુદી રીતે લેવાયો હોય તો તેની જાત બદલાઈ જાય. દક્ષિણના રાજ્યોમાં હજારો વર્ષોથી જુદી જુદી જાતના ચોખાનો પાક લેવાય છે. એટલે કે, આ બધી જાતોનો જન્મ લેબોરેટરીમાં નહીં પણ ઉત્ક્રાંતિકાળમાં માણસનો 'વિકાસ' થયો એવી રીતે થયો છે. કેરળ કે ઓરિસ્સામાં સંખ્યાબંધ જાતના ચોખાનો પાક લેવાય છે એવી જ રીતે, મધ્યપ્રદેશ અને તમિલનાડુ બાજરાની અનેક જાત માટે જાણીતું છે. હરિયાળી 'ક્રાંતિ' વખતે જંતુનાશકોનો એટલો બેફામ ઉપયોગ થયો છે કે, જુદી જુદી કૃષિ પેદાશોની અનેક જાતો લુપ્ત થઈ ગઈ છે. જંતુનાશકોથી જમીનની ગુણવત્તા પણ સમયાંતરે ઘટી જાય છે. જે કૃષિ પેદાશે જમીન-વાતાવરણ સાથે તાલમેલ સાધી લીધો હોય એ જમીન જ ના રહે તો એ જાતિનો નાશ જ થાય ને!

હવે તો આપણી પાસે બીટી કોટનના વાવેતર પછી પાક કેવી રીતે નિષ્ફળ ગયા અને ખેડૂતોને આત્મહત્યા કરવા મજબૂર કર્યા એના પણ પુરાવા છે. આ રીતે કાર્લો પેત્રિનીની સ્લો ફૂડ મુવમેન્ટમાં દમ છે. પૂર્વ ભારતના અનેક પ્રદેશોમાં હિમાલયના કારણે સમગ્ર વાતાવરણ ભારે અનિશ્ચિત છે. એટલે જ ત્યાં હજારો વર્ષોના ઉત્ક્રાંતિકાળમાંથી પસાર થયેલા પાક ટકી જતા હતા પણ અત્યારના 'રોકડિયા પાક' નિષ્ફળ જાય છે. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યોને પણ આ વાત લાગુ પડે છે. સ્લો ફૂડનો અર્થ ફાસ્ટ ફૂડના વિરોધથી ઘણો વિશાળ છે. સ્લો ફૂડની વ્યાખ્યામાં પરંપરાગત વાનગીઓથી લઈને પરંપરાગત કૃષિ પદ્ધતિ સુધીની ઘણી મોટી વાતો સમાવી લેવાઈ છે. સ્લો ફૂડ એટલે આપણા અને પર્યાવરણના એમ બંનેના આરોગ્ય માટે સારું હોય એવું અન્ન.

આ વર્ષે પહેલીવાર ભારતમાં સ્લો ફૂડ મુવમેન્ટ ઈવેન્ટ યોજાયો હતો. આપણી આહાર સંસ્કૃિત, આપણા ખેડૂતો, આપણું પર્યાવરણ અને આપણા આરોગ્ય માટે પણ આ મુવમેન્ટને આપણે વધાવી લેવી જોઈએ.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

બાળકો પરના બળાત્કાર કેવી રીતે અટકાવી શકાય?

વિશાલ શાહ|Opinion - Opinion|11 December 2015

વર્ષ ૧૯૨૬માં અમદાવાદ ટેક્સ્ટાઈલ ઉદ્યોગના મહારથી અંબાલાલ સારાભાઈએ મિલોના કમ્પાઉન્ડમાં રખડતા ૬૦ જેટલા કૂતરાને મરાવી દીધા હતા. શેઠ અંબાલાલ જેવી વ્યક્તિ વગરવિચાર્યે આવું કૃત્ય તો કરે નહીં, એટલે તેમણે કૂતરા મારવાની મંજૂરી આપતા પહેલાં ગાંધીજી સાથે ચર્ચા કરી હતી. આ કૂતરાઓનો ત્રાસ વધી ગયો હોવાથી ગાંધીજીએ જ તેમને આ કામની મંજૂરી આપી હતી. આમ છતાં, કૂતરા મરાવ્યા પછી અંબાલાલને સ્વાભાવિક રીતે જ જોરદાર પસ્તાવો થયો એટલે તેઓ ફરી એકવાર ગાંધીજીને મળવા ગયા. જો કે, 'અહિંસાના પૂજારી' એવા ગાંધીજી પછીયે પોતાની વાતને વળગી રહ્યા. એટલું જ નહીં, વર્ષ ૧૯૨૬માં 'યંગ ઈન્ડિયા'માં ગાંધીજીએ રખડતા કૂતરાના નાશને મંજૂરી આપતા અમદાવાદ મ્યુિનસિપલ કોર્પોરેશનના કાયદાનું સમર્થન પણ કર્યું. જે ગાંધીજીના જન્મદિવસને દુનિયા 'આંતરરાષ્ટ્રીય અહિંસા દિન' તરીકે ઊજવે છે તેમણે શેઠ અંબાલાલને આપેલી મંજૂરી આજે ય એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ તરીકે ચર્ચા અને વિવાદનો મુદ્દો બની શકે છે. તો પણ આ વાત ગાંધીજીએ સમજી-વિચારીને જ કરી હશે એમાં કોઈ શંકા નથી.

***

નાઉ કટ ટુ ઓક્ટોબર ૨૦૧૫.

દિલ્હીમાં અઢી અને પાંચ વર્ષની બે બાળકી પર બળાત્કારો થયા. આ ઘટના પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લાગ જોઈને તરત જ મોદી સરકાર સામે રાજકીય નિવેદનો ફટકારવાનું શરૂ કર્યું હતું. કેજરીવાલનું કહેવું હતું કે, દિલ્હી પોલીસનો કંટ્રોલ અમને સોંપો પછી જુઓ …  કેજરીવાલ એવું કહેવા માગતા હતા કે, મારી પાસે પોલીસ હશે તો બળાત્કારો જ નહીં થાય? ખરેખર એવું શક્ય જ નથી. શહેરના દરેકે દરેક બાળકને તો જ્યાં લૉ એન્ડ ઓર્ડર જડબેસલાક છે એવા દેશોમાં ય સુરક્ષા આપવી શક્ય નથી. એ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપથી લઈને કડકમાં કડક કાયદા-કાનૂન બનાવવા જ પડે. આ મુદ્દે કેજરીવાલ સરકાર રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત હતી ત્યાં જ બે બાળકીઓના બળાત્કારોના સમાચારો પર છોટા રાજન, બિહાર ચૂંટણીની બેલગામ નિવેદનબાજી અને લેખકોની એવોર્ડ વાપસીના 'હાઈ ન્યૂઝ વેલ્યૂ' ધરાવતા સમાચારોએ કબજો લઈ લીધો.

… પણ આ ચર્ચા બંધ થયાના થોડા જ દિવસમાં મદ્રાસ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ એન. કિરુબકરમે એક બ્રિટિશરના બાળક પરના જાતીય શોષણના કેસમાં 'બાળકોના બળાત્કારીઓ'ને નપુંસક બનાવી દેવાનું સૂચન કરતા ફરી એકવાર બાળકો પર થતા બળાત્કારોનો મુદ્દો સપાટી પર આવ્યો છે. આ ચુકાદો આપતી વખતે કિરુબકરમે નોંધ્યું છે કે, ''બાળકો પરના બળાત્કારો અટકાવવા હું બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન કરું છું. આ પ્રકારના કાયદા 'જાદુઈ પરિણામો' આપી શકે છે. અત્યારના જૂના કાયદા આ દૂષણને અટકાવવા પૂરતા કડક નથી. રસાયણોની મદદથી આવા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવાના કાયદા અમેરિકા સહિતના અનેક વિકસિત દેશોએ સ્વીકાર્યા છે. અત્યારે ય બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદા છે અને આપણે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-૨૦૧૨ પણ બનાવ્યો છે. તો પણ વર્ષ ૨૦૧૨માં ૩૮,૧૭૨ બાળકો સામે જાતીય હિંસા આચરાયાના કિસ્સા નોંધાયા હતા, જ્યારે ૨૦૧૪માં આ આંકડો વધીને ૮૯,૪૨૩એ પહોંચી ગયો છે …'' જસ્ટિસ એન. કિરુબકરમે ચુકાદો આપતી વખતે દિલ્હીની બે બાળકીઓના બળાત્કારની ઘટનાને પણ યાદ કરી હતી અને આ ઘટનાઓને 'લોહીથી લથબથ અને ભયાવહ' ગણાવી હતી.

બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનું સૂચન એન. કિરુબકરમે લાગણીમાં આવી જઈને નહીં પણ વિવિધ તર્કના આધારે જ કર્યું હતું. આમ છતાં, આ સૂચનને વિવાદાસ્પદ કહીને ભૂલાવી દેવાનો પ્રયાસ થયો હતો. જો ગાંધીજીએ ત્રાસ ફેલાવતા કૂતરા મારવાની મંજૂરી આપી હતી તો પછી બાળકો પર આટલું જઘન્ય, હલકું અને ક્રૂર કૃત્ય કરનારા બળાત્કારીઓને નપુંસક બનાવી દેવામાં શું વાંધો હોવો જોઈએ? એવી કલ્પના નહીં કરતા કે, બળાત્કારી પર આરોપ સાબિત થાય એટલે તેને હિંસક રીતે નપુંસક બનાવી દેવાતો હશે! જે દેશોમાં આવા કાયદા છે ત્યાં બળાત્કારીને પીડા ના થાય એવી કેમિકલની મદદથી આ કામ પાર પડાય છે. આ ઓપરેશન પછી વ્યક્તિના મન પર સેક્સના વિચારો બળાત્કારો કરવા પ્રેરાય એટલા હાવી થઈ શકતા નથી. આ પ્રકારના 'અહિંસક' કાયદાનો વિરોધીઓનું કહેવું છે કે, શું આપણે 'આંખના બદલામાં આંખ' લે એવા સમાજની રચના કરવી છે?, આવી સજા કરવાથી બળાત્કારો ઓછા થઈ જશે?, શું આપણે આવા ગુના અટકાવવા સામાજિક શિક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ નહીં કરવો જોઈએ? આ દલીલો કરનારાને એટલું જ કહેવાનું કે, દિલ્હીના બહુચર્ચિત સામૂહિક બળાત્કાર કેસ પછી ઘણાં કાયદાકીય સુધારા થયા છે. શું આ સુધારાનો લાભ મહિલાઓને નથી મળ્યો? અને કાયદાથી ગુનાખોરી નહીં અટકે એ દલીલ પણ અર્ધસત્ય અને છેતરામણી છે. કાયદા હોવા છતાં વધતી જતી ગુનાખોરીના આંકડા આપી દેવાથી આ દલીલ સાચી નથી ઠરતી. એનો અર્થ એ નથી કે કાયદાકીય સુધારા જ નહીં કરવાના અથવા કડક કાયદા હોવા જ ના જોઈએ. લોકો જેવા હોય એવા કાયદા બનાવવા જ પડે.

રહી વાત શિક્ષણ અને સામાજિક જનજાગૃતિની – તો અમેરિકા, યુરોપિયન દેશો અને જાપાન, દક્ષિણ કોરિયા જેવા વિકસિત દેશોમાં પણ શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. ભારતમાં પણ સદીઓથી શિક્ષણ અપાય જ છે. આમ છતાં, આવા કિસ્સા વધી રહ્યા છે એટલે જ આ દેશોએ પણ બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાના કાયદા સ્વીકાર્યા છે, સ્વીકારવા પડ્યા છે. ડેનમાર્ક, નોર્વે, સ્વિડન જેવા સ્કેિન્ડનેવિયન દેશો તેમ જ સ્વિત્ઝર્લેન્ડ, લક્ઝમબર્ગ, સિંગાપોર અને જાપાન જેવા દેશોમાં આ પ્રકારની ગુનાખોરીનું પ્રમાણ ઓછું છે, તો ત્યાં કદાચ આવા કાયદાની જરૂર ના હોય. એનો અર્થ એ નથી કે, આપણે પણ એમની અક્કલ વિનાની નકલ કરવાની. વિશ્વના સૌથી વધુ વિકસિત દેશોમાં સ્થાન ધરાવતો દક્ષિણ કોરિયા એશિયાનો પહેલો દેશ છે, જેણે વર્ષ ૨૦૧૧માં બાળકોના બળાત્કારીઓને નપુંસક બનાવવાનો કાયદો બનાવ્યો છે. અમેરિકાના સાત રાજ્યમાં આવા કાયદા છે અને બીજા રાજ્યોમાં પણ આ કાયદાની માગ થઈ રહી છે. ઈન્ડોનેશિયામાં ટૂંક જ સમયમાં આવો કાયદો અમલી થવાનો છે. પોર્ટુગલમાં ખુદ બળાત્કારીને નપુંસક બની જવાનો વિકલ્પ અપાય છે. એટલે કે, તેની મરજી વિરુદ્ધ નહીં પણ જો તે ઈચ્છે તો તેને નપુંસક બનાવી દેવાય છે. ઈઝરાયેલ કે આર્જેન્ટિનામાં જે તે ગુનાની ક્રૂરતાને ધ્યાનમાં રાખીને નપુંસક બનાવવાની સજા અપાય છે.

બાળકો સાથે આવું કૃત્ય થાય ત્યારે ફરિયાદ કરશો તો ન્યાય ચોક્કસ મળશે અને બળાત્કારીનો ગુનો સાબિત થતા જ તેને આકરામાં આકરી સજા ફટકારાશે એવો સંદેશ આપવા પણ અત્યારના કાયદામાં ધરખમ સુધારા જરૂરી છે. નવી દિલ્હીમાં જ દર અઠવાડિયે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના સરેરાશ ચાર બાળક (છોકરા-છોકરી બંને) પર બળાત્કાર થાય છે, જેમાં એક, બે અને ત્રણ વર્ષની બાળકીઓ પણ સામેલ હોય છે. વળી, આ તો પોલીસ ચોપડે નોંધાતા આંકડા છે. દિલ્હીમાં એક અઠવાડિયામાં બે બાળકી પર બળાત્કારના હોબાળા પછી અરવિંદ કેજરીવાલ સરકારે કેટલાક રાષ્ટ્રીય અખબારોમાં જાહેરખબર આપીને બાળકોના બળાત્કારીઓને સજા આપવા જનમત માગ્યો છે. આ જાહેરખબરમાં પહેલો જ સવાલ એ છે કે, શું બાળકો સાથે જઘન્ય અપરાધ કરનારાને ઓછામાં ઓછી 'આજીવન કારાવાસ' કે 'ફાંસી' થવી જોઈએ? આ જાહેરખબરમાં બળાત્કાર જેવા ગુનામાં બાળ-ગુનેગારની ઉંમર ૧૮ વર્ષથી ઘટાડીને ૧૫ વર્ષ કરવા અંગે પણ સૂચન મંગાયું છે. જો ૧૨-૧૪ વર્ષનો સ્કૂલે જતો હટ્ટોકટ્ટો બચ્ચો કોઈ બાળકી સાથે આવું કૃત્ય કરે તો તેને બાળ-ગુનેગાર કેવી રીતે માની શકાય? દિલ્હી સરકારે આપેલી જાહેરખબર જ સાબિત કરે છે કે, અરવિંદ કેજરીવાલ સરકારને પણ કાયદાકાનૂન બદલવા 'જનસમર્થન' જોઈએ છે.

બળાત્કાર એ બળાત્કાર છે એની સરખામણી ના થઈ શકે પણ મહિલા અને બાળક પરના બળાત્કારના ગુનાના કેટલાક પાયાના તફાવત સમજવા જરૂરી છે. સ્ત્રીઓ પરના બળાત્કારમાં તે હિંમત દાખવીને પોલીસ-અદાલતમાં ન્યાય માટે જઈ શકે છે, જ્યારે દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર બળાત્કારના કિસ્સામાં તેઓ ફરિયાદ સુધ્ધાં નથી કરી શકતા. મોટા ભાગના કિસ્સામાં બાળકો ખૂબ જ ડરી ગયાં હોય છે. આ કારણોસર પોલીસ અને અદાલતે અપહરણ થયું હોય તો તેના પુરાવા, બાળક પર આચરાયેલી દેખીતી હિંસા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે બળાત્કારી સામે કેસ કરવો પડે છે. બળાત્કાર પછી સ્ત્રીને જીવનભર ઘોર અપમાન અને અન્યાયનો ડંખ રહી જાય છે. અનેક કિસ્સામાં બળાત્કાર માટે પણ યુવતી જ જવાબદાર હોય એમ પરિવારજનો 'યુવતી જ ગુનેગાર' હોય એવું વર્તન કરે છે. આ સ્થિતિમાં બળાત્કારીઓ (અને એસિડ ફેંકનારા) પુરાવાના અભાવે છૂટી જઈને કોર્ટ રૂમમાંથી હસતા હસતા બહાર આવે ત્યારે યુવતીની સ્થિતિ શું હોય એ સમજાવવા ગમે તેવા શબ્દો ઓછા પડે! એવી જ રીતે, બાળકે કોઈ વ્યક્તિ સામે આવી ફરિયાદ કરી હોય તો ખુદ માતાપિતા ‘એ તો મસ્તી’ કરતા હશે એવું કહીને બાળકને વાત ભૂલાવવાનો પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ બાળક સામે છૂટથી હરીફરી રહી હોય અને આ બાળક સિવાય કોઈ આ વાત જાણતું ના હોય એવું પણ હોઈ શકે છે. બળાત્કાર અને ક્યારેક તો ખૂબ લાંબા સમય સુધી થયેલાં જાતીય શોષણનાં કારણે બાળકના કુમળા માનસને ભયાનક માનસિક આઘાત લાગ્યો હોય છે.

આ મુશ્કેલીના મૂળમાં પણ કડક કાયદાનો અભાવ સૌથી મોટું પરિબળ છે. પોલીસ-અદાલતના શરણે જઈને પણ ન્યાય મળવાની શક્યતા નહીંવત હોવાથી જ માતા-પિતા ફરિયાદ કરતા ખચકાય છે. સમાજના ડરે અને બાળકનું ભવિષ્ય બગડશે એવું મન મનાવીને પણ ફરિયાદ નથી થતી. જો બળાત્કારીને સજા જ ના થઈ હોય તો બાળકની ઉંમર જેમ જેમ વધે તેમ તેમ માનસિક આઘાતમાંથી બહાર આવવાના બદલે વધુને વધુ અન્યાય, અપમાન અને જબરદસ્ત આક્રોશની લાગણીથી પીડાય એવી શક્યતા અનેકગણી વધારે હોય છે. આ સ્થિતિ એક નવા 'ગુનેગાર'ને જન્મ આપે એવી શક્યતા વધી જાય છે. વર્ષ ૨૦૧૪માં ૮૯,૪૨૩ બાળકો જાતીય શોષણનો ભોગ બન્યાં પણ તેમાંથી ન્યાય કેટલાને મળ્યો કે મળશે? કદાચ એટલે જ જાતીય શોષણનો ભોગ બનેલાં બાળકો માટે કામ કરતી ગોવાની 'સ્ટોપ ચાઈલ્ડ એબ્યુસ નાઉ' જેવી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ જસ્ટિસ એન. કિરુબકરમના સૂચનને આવકાર્યું છે.

છેલ્લાં એક દાયકામાં બાળકો પરના બળાત્કારમાં ૩૩૬ ટકાનો વધારો થયો હોવા છતાં કડક કાયદા બનાવવા દિલ્હીના સામૂહિક બળાત્કાર જેવી કોઈ ઘટનાની રાહ જોવાઈ રહી હોય એ હદે તંત્ર ઉદાસીન છે.

e.mail : vishnubharatiya@gmail.com

Loading

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે

વિશાલ શાહ|Opinion - Opinion|11 December 2015

ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
આજ મૈં વારિસ શાહ સે કહતી હું અપની કબ્ર મેં સે બોલો
ઔર ઈશ્ક કી કિતાબ કા, કોઈ નયા પૃષ્ઠ ખોલો
પંજાબ કી એક બેટી રોઈ થી, તુને એક લંબી દાસ્તાન લિખી
આજ લાખો બેટિયા રો રહી હૈ, વારિસ શાહ તુમસે કહ રહી હું
એ દર્દમંદો કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
ચૌપાલ લાશો સે અટા પડા હૈ, ચિનાબ લહુ સે ભરી પડી હૈ
કિસી ને પાંચો દરિયા મેં, એક ઝહર મિલા દિયા હૈ
ઔર યહી પાની, ધરતી કો સિંચને લગા હૈ
ઈસ જરખેજ ધરતી સે, ઝહર ફૂટ નિકલા હૈ
દેખો સુર્ખી કહાં તક આ પહુંચી, ઔર કહર કહાં તક આ પહુંચા
ફિર ઝહરીલી હવા ઈન જંગલો મેં ચલને લગી
ઉસમેં હર બાંસ કી બાંસુરી, જેસે એક નાગ બના દી
નાગો ને લોગો કે હોઠ ડંસ લિયે, ઔર ડંખ બઢતે ચલે ગયે
ઔર દેખતે દેખતે પંજાબ કે સારે અંગ કાલે ઔર નીલે પડ ગયે
હર ગલે સે ગીત ટૂટ ગયા, હર ચરખે કા ધાગા છૂટ ગયા
સહેલિયાં એકદૂસરે સે છૂટ ગઈ
ચરખો કી મહેફિલ વીરાન હો ગઈ
મલ્લાહોં ને સારી કશ્તિયાં, સેજ કે સાથ હી બહા દી
પીપલો ને સારી પેંગે, ટહનિયો કે સાથ તોડ દીં
જહાં પ્યાર કે નગ્મે ગૂંજતે થે, વહ બાંસુરી જાને કહાં ખો ગઈ
ઔર રાંઝે કે સબ ભાઈ, બાંસુરી બજાના ભૂલ ગયે
ધરતી પર લહૂ બરસા, કબ્રેં ટપકને લગી
ઔર પ્રીત કી શહજાદિયાં, મજારો મેં રોને લગી
આજ સબ કૈદો બન ગયે, હુસ્ન ઈશ્ક કે ચોર, મૈં કહાં સે ઢૂંઢ લાઉં
એક વારિસ શાહ ઔર …

***

હૃદય ચીરી નાંખતા આ શબ્દો વિખ્યાત પંજાબી લેખિકા અમૃતા પ્રીતમના છે. વર્ષ ૧૯૪૭માં દેશના ભાગલા થયા ત્યારે પંજાબના પણ ભાગલા થયા, અને એ વખતની દર્દનાક સ્થિતિ જોઈને અમૃતા પ્રીતમે ચિશ્તી પરંપરાના પંજાબી સૂફી કવિ પીર સૈયદ વારિસ શાહને સંબોધીને આ અપીલ કરી હતી. વારિસ શાહ અઢારમી સદીમાં પંજાબી લોકસાહિત્યની લોકપ્રિય લવ-ટ્રેજેડી હીર-રાંઝાના આધારે કાવ્યાત્મક વાર્તા લખીને અમર થઈ ગયા. આમ તો આ કવિતા ભાગલાના દર્દમાંથી જન્મી છે પણ અત્યારના પંજાબની સ્થિતિ જોઈને પણ આ કાવ્યાત્મક શબ્દો યાદ આવી રહ્યા છે.

થોડા દિવસ પહેલાં જ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ધુમાડામાં લપેટાયેલા ઉત્તર ભારતની તસવીરો પ્રસિદ્ધ કરી હતી. એક સમયે આખા દેશની હરિયાળી ક્રાંતિનું પ્રતીક ગણાતું પંજાબ આજે આવી વગર વિચાર્યે કરેલી 'ક્રાંતિ'ના કારણે જ આ મુશ્કેલીમાં સપડાયું છે. આ મુશ્કેલીના મૂળ કેટલાં ઊંડા છે એ સમજવા જેવું છે. વર્ષ ૧૯૫૩થી ભારત સરકારે જંગી ઉત્પાદન આપતા હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન પંજાબના ખેડૂતોએ હાઈબ્રિડ કોટન બિયારણોનો બેફામ ઉપયોગ કર્યો. આ બિયારણોનો પંજાબ સહિત દેશમાં જ્યાં પણ ઉપયોગ થયો ત્યાં કપાસનું ઉત્પાદન અનેકગણું વધ્યું. હવે ખેડૂતો પૈસાદાર થઈ રહ્યા હતા અને ખુશ હતા. જો કે, આ ખુશી બહુ લાંબુ ના ટકી અને ખેડૂતોએ અમેરિકન બોલવોર્મ નામના દુશ્મનનો સામનો કરવાનો આવ્યો. અમેરિકન બોલવોર્મ કપાસમાં થતી ફૂદ્દા જેવી જીવાત છે, જેને ખેડૂતો સફેદ માખી તરીકે ઓળખે છે. નેવુંના દાયકાથી આ જીવાતના કારણે પંજાબમાં કપાસના પાકની બરબાદી વધવા લાગી. હવે આ માખીની જનીનિક સિસ્ટમે જંતુનાશકોનો સામનો કરવાનું શીખી લીધું હતું. પરિણામે તેના પર લાખો ટન જંતુનાશકોની પણ કોઈ જ અસર થતી નહોતી અને જમીન વધુને વધુ ઝેરી થઇ રહી હતી.

હાઈબ્રિડ બિયારણોના ઉપયોગ પહેલાં કપાસમાં થતી જીવાતો આટલી ખાઉધરી અને બેકાબૂ નહોતી. એ પહેલાં પણ પાક પર જીવાત હુમલા કરતી જ હતી, પણ ખેડૂતો માટે ય ઘણું બધું બચતું હતું. અમેરિકન બોલવોર્મે પંજાબમાં કપાસના પાકને ખદેડવાનું ચાલુ કર્યું એ પછી રાજ્ય સરકારે ખરીદીની ખાતરી અને ટેકાના ભાવની જાહેરાતો કરીને ત્યાંની જમીનમાં 'એલિયન' કહેવાય એવો ડાંગરનો પાક લેવા ખેડૂતોને લલચાવ્યા. ખેડૂતો તો આમ પણ કપાસના પાકની બરબાદીથી કંટાળ્યા હતા એટલે તેમણે ડાંગરનો પાક લેવાનું શરૂ કર્યું. અહીં કપાસનો પાક કુદરતી રીતે જ વધારે થતો હતો પણ ડાંગર અહીંની ઈકોલોજી (પરિસ્થિતિવિજ્ઞાન) માટે નવો પાક હતો. ડાંગરને કપાસ કરતા પાંચ ગણું વધારે પાણી વધારે જોઈતું હતું. કપાસનો પાક તો કેનાલના પાણીથી પણ લઈ શકાતો હતો પણ ડાંગર 'પિયક્કડ' હતી. એટલે ખેડૂતોેએ ટયૂબ વેલોથી જમીનનું પાણી બેફામ ખેંચવાનું ચાલુ કર્યું. અત્યારે પણ દેશભરમાં જમીન નીચે પાણીનું સૌથી વધારે ઊંડું સ્તર (ઓછામાં ઓછા ૮૦ ફૂટથી વધુમાં વધુ ૫૦૦ ફૂટ) પંજાબમાં છે. ૨૯મી નવેમ્બર, રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં પંજાબ સરકાર અને રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે, તમે ખેડૂતોને ડાંગર સિવાયના પાક લેવા માટે પ્રોત્સાહિત કરો કારણ કે, જમીન નીચેના પાણીનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે.

આખરે ખેડૂતો ખેતરો બાળે છે કેમ એ સમજવા પણ આટલું જાણવું જરૂરી હતું. હવે વાંચો આગળ.

પહેલાં ઓછા ખર્ચે કપાસનો પાક લેવાતો અને ખેડૂતો નફો કરતા, પરંતુ ડાંગરનો પાક લેવા સિંચાઈ, ખાતર અને જંતુનાશકો સહિતનો ખર્ચ વધારે થાય છે. ખેડૂતોના બજેટ પર ચોખા બજારના નકારાત્મક પરિબળો પણ હાવી રહે છે. આ સ્થિતિમાં ડાંગરનો પાક લેતા ખેડૂતોની નફાકારકતા ઘટી રહી હોવાથી તેઓ ખરીફ પાક લેતા ખેતરોનું નીંદણ બાળી નાંખે છે. હાલ પંજાબમાં જ્યાં પણ ખેડૂતો ખેતરો બાળીને છેક દિલ્હી સુધી પ્રદૂષણ કરી રહ્યા છે, એ મોટા ભાગે ડાંગરનું નીંદણ બાળવાથી થયેલું છે. ખેડૂતોના આ પગલાં પાછળ 'ડાંગરનું આગવું અર્થતંત્ર' જવાબદાર છે, એ વાત ઉદાહરણથી સમજીએ.

જેમ કે, હરિયાળી ક્રાંતિમાં કમાયેલા અને પૂર્વજોની મસમોટી જમીન ધરાવતા અનેક જમીનદાર ખેડૂતો ડાંગરનો પાક લેવામાં નિષ્ણાત હોય એવા ખેડૂતોને પોતાની જમીન પ્રતિ એકર ભાડાપટ્ટે આપે છે. ધારો કે, મોટા ખેડૂતે પ્રતિ એકર ભાડું રૂ. ૪૫ હજાર નક્કી કર્યું છે. હવે નાનો ખેડૂત કે ભાગીદાર બાસમતી ચોખાનો પાક લેવા પ્રતિ એકર બીજા રૂ. ૧૦ હજાર ખર્ચે છે. જે તે વર્ષે બાસમતીનો બજાર ભાવ ઓછો હોય તો પણ પ્રતિ એકર રૂ. ૩૦-૩૫ હજાર મળી જાય છે. આ કમાણીમાંથી પણ જેની પાસે જમીન નથી એ ખેડૂતે પ્રતિ એકર રૂ. ૨૫ હજાર જેટલી બચત કરવાની છે કારણ કે, ડાંગરનો પાક લેવાઈ જાય પછી એણે ઘઉં વાવીને ગુજરાન ચલાવવાનું છે. આ સ્થિતિમાં નીંદણને ફરી જમીનમાં દાટીને જમીન વધુ ફળદ્રુપ બનાવી શકાય છે. જો કે, ખેડૂત પોતાની માલિકીની જમીન ધરાવતો હોય તો પણ આવું નથી કરતો કારણ કે, નીંદણને પાછું જમીનમાં દાટવા પ્રતિ એકર રૂ. પાંચેક હજારનો ખર્ચ આવે છે. જો ખેડૂતે જમીન ભાડા પટ્ટે લીધી હોય તો તેણે જમીન ખોદવા ટ્રેક્ટર ભાડે લેવું પડે છે અને નીંદણ ફરી જમીનમાં દાટવા મજૂરી ચૂકવવી પડે છે. આ સ્થિતિમાં ખેડૂતો આખેઆખું ખેતર જ બાળી નાંખે છે, ભલે પછી દિલ્હીમાં ગમે એટલા લોકો શ્વાસોચ્છવાસના રોગોથી મરે કે આખો તાજમહેલ કાળો થઈ જાય.

પહેલાં હાઈબ્રિડ કપાસ અને પછી ડાંગરનો પાક અવૈજ્ઞાનિક રીતે લેવાથી પંજાબની ઈકોલોજીમાં ભંગાણ પડી ચૂક્યું છે. પંજાબ જ નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વત્તેઓછે અંશે આવી  રીતે ખેતરો બાળવાનું ચાલુ છે. ખેતરો બાળવાનું અટકે એ માટે રાજ્ય સરકારો છ મહિનાની જેલથી લઈને દંડ ફટકારવાના નિયમો બનાવી ચૂકી છે, જેની ખાસ કોઈ અસર થઈ નથી. આ બરબાદી અહીં અટકી નથી પણ કદાચ વધારે ભયાવહ્ રીતે શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૦ની શરૂઆતમાં ભારત સરકારે બીટી કોટન બિયારણોને મંજૂરી આપી. હાઈબ્રિડ બિયારણોથી અમેરિકન બોલવોર્મ બેકાબૂ બની એટલે ડાંગરનો પાક લેવાનું શરૂ કરાયું, ડાંગરથી ઈકોલોજી ખોરવાઈ એટલે આવ્યા બીટી કોટન બિયારણો. સ્વાભાવિક રીતે જ ડાંગરથી કંટાળેલા ખેડૂતોએ કપાસમાંથી નફો કરવાની લાલચે બીટી કોટન હોંશેહોંશે અપનાવ્યા. મોન્સાન્ટો કંપનીએ અમેરિકન બોલવોર્મને મારવાનું ઝેર વનસ્પતિ પોતે જ પેદા કરે એવા બિયારણો વિકસાવ્યા હતા. એટલે કે, આ બિયારણોમાંથી જીવાત પોષણ મેળવે એવા જ તેના રામ રમી જાય. મોન્સાન્ટોનો દાવો હતો કે, આ બિયારણો જોરદાર ઉત્પાદન કરશે અને જીવાતને મારવા જે ઝેર ઉત્પન્ન કરે છે તેનાથી આપણને બીજું કોઈ નુકસાન નથી. જો કે, એવું કશું થયું નહીં.

ઊલટાનું હાઈબ્રિડ બિયારણોમાં જીવાત પડવાથી જંતુનાશકોનો તેમ જ ડાંગરનું ઉત્પાદન વધારવા કરેલા રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી પંજાબના જમીન-હવા-પાણી 'કાળા અને નીલા' પડી ગયા છે. હવે બીટી કોટન બિયારણોમાં પણ અમેરિકન બોલવોર્મ ત્રાટકે છે અને પાક બરબાદ થઈ જાય છે. આ 'વિષચક્ર'ના કારણે જ અત્યારે દેશમાં કેન્સરના સૌથી વધારે દર્દીઓ પંજાબમાં છે. દેશમાં કપાસ પકવતા સૌથી મોટા ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનો સરેરાશ ૯૦ ટકા ઉત્પાદનમાં બીટી કોટન બિયારણોનો ઉપયોગ થયો છે. ખોટા નિર્ણયોએ પંજાબના સામાજિક, આર્થિક અને આરોગ્ય માળખા પર ઊંડો ઘા કર્યો છે. જો હવેની સરકારો બિયારણો અને જંતુનાશકોના ઉપયોગમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે આગળ નહીં વધે તો કદાચ પંજાબની જેમ આખો દેશ કલ્પના બહારની મુશ્કેલીઓનો સામનો કરશે.

હરિયાળી ક્રાંતિમાં આપણે સિંચાઈ, ટપક સિંચાઈ, જમીન સુધારા, કૃષિ લોન, કૃષિને લગતા વિવિધ ખાતાનું એકીકરણ, ટેક્નોલોજી પર પણ ભાર મૂક્યો હતો. આપણે હજુયે આ દિશામાં વધુ સારી રીતે આગળ  વધી શકીએ છીએ અને એવું કરવું એ પંજાબ જ નહીં આખા દેશના હિતમાં છે.

—

e.mail : vishnubharatiya@gmail.com

Loading

...102030...3,7933,7943,7953,796...3,8003,8103,820...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved