Opinion Magazine
Number of visits: 10028600
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છપ્પનની છાતીઓ ફુલાવવાનો આપણો નકલી રાષ્ટ્રવાદ

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|13 December 2015

ચાર્લ્સ દ ગોલે કહ્યું હતું કે, ‘તમારા પોતાના લોકો માટેની ચાહના હોય તો એ રાષ્ટ્રભક્તિ કહેવાય અને તમારા સિવાયના બીજા લોકો પ્રત્યે નફરત હોય તો રાષ્ટ્રવાદ કહેવાય.’

કાશ્મીરમાં ભાગલાવાદીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના અને પાકિસ્તાની ઝંડા ફરકાવવાના સમાચાર લગાતાર આવતા રહે છે. એની બહસ પણ, રાબેતા મુજબ, ઉગ્રતાથી થતી રહે છે પરંતુ તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાના બીજીવારના શપથના સમયે મુહૂર્ત સાચવવા માટે રાષ્ટ્રગાનને સંક્ષિપ્તમાં વગાડીને બંધ કરી દેવામાં આવ્યું તેને રાષ્ટ્રવાદની કઈ શ્રેણીમાં મૂકવું તે ઘણાને સમજાયું ન હતું. તેનાથી વિપરીત ગયા સપ્તાહે મુંબઈના એક સિનેમાઘરમાં રાષ્ટ્રગાન વખતે ઊભા નહીં થયેલા એક પરિવારને મારી-ધમકાવીને બહાર કાઢી મૂકવા પાછળના ‘રોષ’માં એ પરિવારનું મુસ્લિમ હોવું કારણ હતું કે રાષ્ટ્રગાનનું ‘ઘોર’ અપમાન કારણભૂત હતું તે સમજવું પણ એટલું અઘરું ન હતું.

દરઅસલ, આપણને દેશભક્તિ અને રાષ્ટ્રવાદ વચ્ચેના અંતરની જ ખબર નથી. યુરોપ જ્યારે રાષ્ટ્રવાદની આગમાં ઝુલસી રહ્યું હતું ત્યારે લેખક જ્યોર્જ ઓરવલે એક નિબંધમાં લખ્યું હતું કે, ‘રાષ્ટ્રવાદની દેશભક્તિ સાથે ભેળસેળ ન કરવી જોઈએ. આ બંને ભિન્ન અને વિરોધી વિચારો છે. દેશભક્તિનો મતલબ એક ચોક્કસ ઇલાકા સાથે, એક ચોક્કસ જીવનશૈલી સાથે છે જે, તમારી દૃષ્ટિએ દુનિયામાં શ્રેષ્ઠ છે પણ તમે બીજી વ્યક્તિ પર થોપતા નથી. બીજી તરફ રાષ્ટ્રવાદનો મતલબ બીજી વ્યક્તિ પર સત્તા જમાવવાનો છે.’ દેશભક્તિમાં બલિદાન, ત્યાગ, કર્મઠતા, આપસી પ્રેમ અને ભાઇચારો, ગરીબ-કમજોરની સેવા, સ્ત્રીઓની ઇજ્જત, ભ્રષ્ટાચાર-દહેજનો ઇન્કાર, જાહેરમાં પેશાબ ન કરવો કે કચરો ન ફેંકવો વગેરે બધું જ અાવે છે. જ્યારે રાષ્ટ્રવાદમાં એ તમામ પ્રતીકાત્મક બાબતો છે જે આપણને દેશની જૂઠી શાન પર (છપ્પન ઇંચ સુધી) છાતી ફુલાવીને બીજી વ્યક્તિના રાષ્ટ્રપ્રેમ પર આંગળી ચીંધવા વિવશ કરે છે.

મારી દેશભક્તિ તારા કરતાં મોટી, આ વિચાર જ દેશભક્તિનો દેખાડો છે. જેવી રીતે કોઈ જવાનને જબરદસ્તીથી સીમા પર દેશની રક્ષા માટે મોકલી ન શકાય તેવી રીતે કોઈને જબરદસ્તીથી દેશભક્ત ન બનાવી શકાય. દેશભક્તિ લશ્કરી અને સાંસ્કૃિતક બંને સંદર્ભમાં રક્ષાત્મક પ્રકૃતિની શ્રેણીમાં આવે છે. જ્યારે રાષ્ટ્રવાદને સત્તાની લાલસાથી અલગ કરી ન શકાય. એટલા માટે જ, એક લોકતંત્રનો પ્રધાનમંત્રી કે તાનાશાહીનો અધિનાયક બંને એકસરખી રીતે રાષ્ટ્રવાદની છાતીઓ ફુલાવે છે. જ્યોર્જ ઓરવેલે એટલા માટે જ લખ્યું હતું ‘સુખ-ચેનનો સૌથી ખતરનાક દુશ્મન રાષ્ટ્રવાદ છે.’ આ ફરકને સમજવાનો બીજો પણ એક રસ્તો છે. તમે દેશની કોઈ બાબત, નીતિ, વ્યવહાર સાથે અસહમત હો, ત્યાં સુધી કે કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તેના માટે દેશની કેટલીક નીતિઓ જવાબદાર છે તેવું તમે માનતા હો અને છતાં ય તમારી દેશભક્તિ રતીભાર ઓછી ન થાય. પરંતુ તમે રાષ્ટ્રવાદી હો તો દેશ જે પણ કરે છે તે તમારા મતે ઉચિત જ હોય. તમારામાં દેશ સાથે અસંમત થવાનો કે વિરોધ કરવાનો વિકલ્પ રહેતો નથી. મતલબ કે, અગર મારો દેશ હંમેશાં સાચો અને ઉચિત હોય અને તમે એની સાથે અસહમત હો તો તમે રાષ્ટ્રદ્રોહી ગણાવ.

મુંબઇના થિયેટરમાં આવું જ થયું. પેલો પરિવાર, કોઈપણ કારણસર, રાષ્ટ્રગાન વખતે ઊભો ન થયો એટલે એમને રાષ્ટ્રવિરોધી ગણીને બહાર તગેડી મુકાયો. સંવિધાનિક ગ્રંથ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જેવા રાષ્ટ્રીય આદર્શોનું સન્માન કરવું દરેકની ફરજ છે પરંતુ રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે ઊભા થવું એ જ એનું સન્માન છે એવું નથી. તેવી જ રીતે, બેઠા રહેવું એ અપમાન કે અપરાધ નથી. પ્રિવેન્શન ઑફ ઇનસલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971ની ધારામાં એવો કોઈ આદેશ નથી કે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થવું જોઈએ કે બેઠા રહેવું જોઈએ. 1986માં રાષ્ટ્રગીત નહીં ગાવા બદલ સ્કૂલમાંથી કાઢી મુકાયેલા ઇસાઈ છોકરાના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે આમાં અભિવ્યક્તિની આઝાદી અને ધાર્મિક સ્વતંત્રતાના સંવિધાનિક અધિકારોનો ભંગ થયો છે. ‘અપમાન’ના આવા જ તર્ક સાથે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાંથી રાષ્ટ્રગાનનું દૃશ્ય દૂર કરવા માટે કરણ જોહર સામે થયેલી અપીલને કાઢી નાખતી વખતે મધ્યપ્રદેશ હાઇકોર્ટે કહેલું કે સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે દર્શકોએ ઊભા થવું ફરજિયાત નથી.

પરંતુ અહીં વાત એ નથી કે પેલા પરિવારે મુંબઈના સિનેમા થિયેટરમાં રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે શું કર્યું હતું. એનાથી ય અગત્યની વાત એ છે કે પેલા ઉત્સાહી-ઝનૂની ‘રાષ્ટ્રવાદી’ ટોળાએ શું કર્યું. ‘રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થઈને તમારે તમારો રાષ્ટ્રપ્રેમ સાબિત કરવો પડે અને એમ ન કરો તો તમારે (દેશ કે થિયેટર છોડીને) જતાં રહેવું જોઇએ.’ એવા સ્પષ્ટ સંદેશ સાથે ટોળાએ પેલા પરિવારને માર્યો, ગાળો આપી અને સિનેમામાંથી ઉઠાડી મૂક્યો. આપણી આસપાસ પણ આવા ઝનૂની લોકો ઘણા હોય છે અને એમનું ચાલે તો એ આવા પરિવારને દેશ બહાર (પાકિસ્તાનમાં એમ વાંચો. અધરવાઇઝ, રાષ્ટ્રપ્રેમ પૂરતો સાબિત ન થાય) કાઢી મૂકે.

મુંબઇમાં અત્યારે ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રગાન કરવામાં આવે છે. અમુક વર્ષો પહેલાં વ્યવસ્થા ઊલટી હતી. ત્યારે ફિલ્મ પૂરી થાય તે પછી ગાન કરવામાં આવતું હતું. આમાં જનતા ગાન માટે રોકાવા કરતાં ઘર ભેગી થવા વધુ ઉત્સાહી રહેતી હતી. એટલે રાષ્ટ્રગાનની પરંપરા જ બંધ કરી દેવામાં આવી. 2003માં નેશનલ યુથ કોંગ્રેસે રાષ્ટ્રવાદની સાબિતી લેવા માટે ફિલ્મની શરૂઆતમાં જ રાષ્ટ્રગાન ચલાવવાનો નુસખો શોધી કાઢ્યો. શક્ય છે કે ‘મર્ડર’, ‘જીસ્મ’, ‘હેટ સ્ટોરી’, ‘બી.એ.પાસ’, ‘મસ્તરામ’ કે ‘ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મો જોતાં પહેલાં દેશપ્રેમની સાબિતી આપવી જરૂરી હશે.

નાનપણમાં આપણને રાષ્ટ્રગાનનો સૂર કાનમાં પડતાં જ સહસા ટટ્ટાર ઊભા થઈ જવાનું અને ફેફસાંમાં હવા ભરીને મુઠ્ઠીઓ ભીંસી દેવાનું શિખવાડાયું હતું.  અે ભીંસેલી મુઠ્ઠીઓની છાપ એટલી ગહેરી હતી કે આજે પણ રાષ્ટ્રગાનનો શબ્દ કાનમાં વાગે તે સાથે જ એ ઝનૂન આપણને ઘેરી વળે છે. પરંતુ બચપણનું એ ભોળપણ એટલું મજબૂત રહ્યું નથી એટલે, ક્યારેક સવાલો પણ થાય છે: રાષ્ટ્રગાન માટે ઊભા થઈ જવાથી શું ફર્ક આવી જશે? શું આપણે ઓછા બેઇમાન અને ઓછા લંપટ બની જઈશું? આપણે સ્ત્રીઓની ઇજ્જત કરતા શીખી જઈશું? આપણે એસ.ટી. બસની રેક્ઝિનની સીટ પર બ્લેડ ચલાવવાની મસ્તી બંધ કરી દઈશું? બસ-ટ્રેનમાં વગર ટિકિટે ઘૂસ મારવાનું બંધ કરી દઈશું? રાષ્ટ્રપ્રેમનો આ નકલી દેખાડો શા માટે અને કોના માટે? આપણને ગલીના આંધળા-બહેરા કે ઘરના બુઝુર્ગ સાથે તમીજથી વાત કરતા આવડતું નથી તો પછી રાષ્ટ્રગાનના નકલી સન્માનમાં છાતી ફુલાવીને ઊભા થઈ જવાનો શું મતલબ?

કેટલાક લોકો એમની ઉગ્ર રાષ્ટ્રવાદી અભિવ્યક્તિના વિરોધમાં હોય એવા લોકોને બર્દાસ્ત કરી શકતા નથી. તમે રાષ્ટ્રગાન વાગતું હોય અને બધા છાતી ફુલાવીને ઊભા હોય ત્યારે બેસી રહેવાની ગુસ્તાખી કરી જોજો. દેશમાં આ પ્રકારના ઉગ્ર રાષ્ટ્રવાદને જાણી કરીને વધારવામાં આવી રહ્યો છે. યુદ્ધનાં શૌર્ય ગીત, રાજાઓનાં યશોગાન વગેરે લોકતાંત્રિક વાતાવરણ માટે ઉચિત નથી. રાષ્ટ્રગાનના રચયિતા ખુદ રવીન્દ્રનાથ ટાગોર માનતા હતા કે રાષ્ટ્રવાદ અેક સીમા સુધી જ જાયજ છે. 1917માં ‘નેશનાલિઝમ ઇન ઇન્ડિયા’ નામના નિબંધમાં ટાગોરે સાફ લખ્યું હતું કે રાષ્ટ્રવાદનો રાજનૈતિક અને આર્થિક સંગઠનાત્મક આધાર માત્ર ઉત્પાદનમાં વૃદ્ધિ અને માનવીય શ્રમની બચત કરીને અધિક સંપન્નતા પ્રાપ્ત કરવાના મશીની પ્રયાસ સુધીનો જ છે. એના બદલે એનો ઉપયોગ આર્થિક અને રાજકીય શક્તિ વધારવામાં થયો છે.

શક્તિમાં વૃદ્ધિની આ સંકલ્પનાથી રાષ્ટ્રોમાં પારસ્પરિક દ્વેષ, ઘૃણા અને ભયનું વાતાવરણ પેદા થયું છે. ટાગોરે લખેલું, ‘આ જીવન સાથે સીધો ખિલવાડ છે. કારણ કે રાષ્ટ્રવાદની આ શક્તિનો પ્રયોગ બાહ્ય સંબંધોની સાથે સાથે રાષ્ટ્રની આંતરિક સ્થિતિને નિયંત્રિત કરવામાં પણ થાય છે. પરિણામ સ્વરૂપ સમાજ તથા વ્યક્તિના નિજી જીવન પર રાષ્ટ્રવાદ છવાઈ જાય છે અને એક ભયંકર નિયંત્રણકારી સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે.’ આપણા દેશમાં ફરજ પાડવી, પ્રતિબંધ લગાવવો વગેરે એક રીતે લોકોમાં ભયનું કારણ બને છે. લોકતંત્ર માટે તો આ બિલકુલ ઉચિત નથી પરંતુ આપણી બિરાદરી-ભાવના માટે બહુ અનુકૂળ છે.

રાષ્ટ્રવાદ આમ પણ કબીલાઈ ભાવના છે જેનો ઉદ્દેશ કબીલા, બિરાદરી, સમુદાય અને જૂથવાદની રક્ષાપૂર્તિ માટે, સ્વાર્થપૂર્તિ માટે થતો રહ્યો છે. રાષ્ટ્રવાદ સમાવેશી ઓછા અને વિશિષ્ટતા (એક્ઝ્લુસિવિટી)નો ગુણ વધુ રહ્યો છે. ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ચાર્લ્સ દ ગોલે કહ્યું હતું કે, ‘તમારા પોતાના લોકો માટેની ચાહના હોય તો એ રાષ્ટ્રભક્તિ કહેવાય અને તમારા સિવાયના બીજા લોકો પ્રત્યે નફરત હોય તો રાષ્ટ્રવાદ કહેવાય.’

મુંબઇના સિનેમાઘરમાં રાષ્ટ્રગાન વખતે ઊભા ન થનાર પરિવારની જે મારકૂટ થઇ હતી તેમાં ચાહના હતી કે નફરત?

e.mail : rj.goswami007@gmail.com

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5193459-NOR.html

Loading

ઝુમરીતલૈયાની ટોળી

રજની પી. શાહ ( RP - New York)|Opinion - Literature|13 December 2015

ચીકનગુનિયા કે ડેંગી જેવો એક વાવર હમણાં હમણાં ફાટી નીકળ્યો છે. એક જમાનામાં કઇંક સારું લખી ચૂકેલા લેખક/ કવિઅો હવે ફેસબુકમાં અાફરો ચઢાવીને ગેલ કરતા હોય તેમ દેખાય છે.  રેડિઅો પર વિવિધ ભારતીના પ્રોગ્રામમાં ફિલ્મી ગાયનની ફરમાઇશ કરનારી ટોળીનાં લોકોનાં નામો બોલાતાં. મને એ નામ કરતાં એ લોકો ક્યાંનાં છે તે સાંભળવાની ઉત્કંઠા વધારે રહેતી. એમાં એક ગામ વારંવાર બોલાય. તે નામ હતું ઝૂમરીતલૈયા. એવું યાદ છે એના એનાઉન્સર હતા કમલ શર્મા. અાજે હું નકલ કરીને શર્માજી જેવું બોલું છું, ઝૂમરીતલૈયાસે .. ત્યારે મારી જીભ તાળવે ચોંટે છે ને અોટોમેટિક ગુજરાતી ફેસબુકિયા લેખકોની ટોળીનાં નામો ફટોફટ અાવવા માંડે છે! અા તો  ક્યૂરિયસ ફિનોમીના કહેવાય. અાયોનેસ્કોના ‘રાઈનોસોરસ’ જેવું અૅબઝર્ડ કે એક માણસને સડનલી ઠંડી ચઢીને તાવ અાવે ને ત્રીજે દિવસે એ  સાંગોપાંગ ગેંડો બની જાય ! પછી તો ગામના અન્ય લોકો પણ ગેંડામાં કન્વર્ટ થતા જાય ! એબ્ઝર્ડ વાત. એવું થાય.

ફેસબુકના પત્તા ફેરવવા માંડો. જૂઅો. એક જૈફ મહાલેખક મૂછો રાખી પોતાના ફોટા અપલોડ કરે છે ને પછી ખુદ ચેક કરે છે કે એ ફોટાનો પ્રતિભાવ શું અાવે છે. ૨૦ જણાં ‘લાઈક’ કરે છે! અહોહો ! એકી સામટા ૨૦ના હાકોટા !  ફોટો બદલે છે તો બીજી ૧૦-૧૫ ક્લીક્સ. માય ગોડ ! અાવો તત્ક્ષણ અૅપ્લોઝ તો ચાર દાયકા પહેલાંના એમના સાહિત્યમાં ય નહોતો મળ્યો. લેખકનું હૈડું અતીતમાં ફેડ અાઉટ થઈને અાપોઅાપ પોતાની કોલેજ લાઇફનું ગાયન ફિણોટે છે, વો ભી ક્યા દિન થે, હમેં દિલમેં બિઠાયા થા કભી. અોર ‘હમ’ સ્ટેજ પર મસમોટા લંબચોરસ ટેબલની અધરસાઇડ પર ઠાવકાઈથી બેસતા’તા. હમારી પીછવાડે ઉમાશંકર, નર્મદ, બકઠા, મેઘાણી કે અવળાપગે ઘુંટણકૈંચી મારીને બેઠેલા મો.ક. ગાંધી ના ફોટા ભી હોતા’તા.

પણ રે રે !  એવી કવિ કલાપીની કણસ પછી તો કંબખ્ત એવું કશું લખાયું જ નહીં. હશે. રાઇટર્સ બ્લૉક કહી કહીને  નિસા:સો પણ નાંખી દીધો, ખેલ હી ખેલમેં ક્યોં જાનપે બન અાઇ હૈ ! પછી તો સ્વગત ડાયલોગ શરુ કરી દીધો કે ભાડમાં ગયું અા લખવા-બખવાનું. એક તો અામાં પૈસાની કમાણી નહીં ને કલ્લાકો સુધી બ્હૉચ જેવું સ્થિર નજરે ભીંત સામે તાકીને કાગળ ઉપર અક્ષરો પાડવાના! ઇમેજીન કરો અાપણે અકસાઈ ચીનની બોર્ડર પર સન્ત્રી તરીકે પહેરો ભરતા હોઈએ ને સામે બધુ સફેદ સફેદ બરફ ને બરફ. સો બોરિંગ. માટે કશું લખ્યા વગર જ જો અાવી પ્રસિદ્ધિ મળતી હોય તો અા શું ખોટું ? અાપણો ક્લોઝપ ફોટો જોઈને કોઈક તો ક્યારેક બસમાંથી ઊતરતા હોઇશું ત્યારે પૂછશે,

‘એક્સક્યૂઝ મી. તમને ક્યાંક જોયા છે. યોર ફેસ ઇઝ સો ફેમિલિયર .. ફલાણા ફંકશનમાં તમને શાલ બી અોઢાડેલી, રાઇટ? લેખક છો? તો પછી કવિ છો ? નો? તો એચ અાઈ વી ( એઈડ્સ) કેસ વર્કર ફ્રોમ ધારાવી? સર, તમે કેજરીવાલ વીથ મિસ્ટર ભાગવતની મૂંછ? નો? તો અાણ્ણા હઝારે વીથ ભાગવત મૂછ?

ફેસબુકપર તો જલસા છે જલસા. ફક્ત ‘લાઇક’ કરનાર જનાબેઅાલી ને પણ યશ-કલગીઅો મળે છે. એક જ જનાબેઅાલી માણસ અનેક એકાઉન્ટ્સમાં ટીક્કા મારતો જાય. ગઝલુંમાં, શેરશાયરીમાં, જનોઇમાં, લલ્લૂ-રબડીના જોક્સમાં, ગણપતિ વિસર્જનમાં, અજાણ્યાનાં બેબી શાવરમાં, ફ્યૂનરલમાં, બોલિવુડના નટનટીઅો ફોટા નીચે પણ અાવા પરદુ:ખભંજન ‘લાઇક’ કરનારાઅોની મોહર લાગેલી જ હોય. છાપાંના ચર્ચાચોરોમાં લખતા માણસોની જેમ અા લોકો પણ કેટેગોરિકલી તો સર્વકોટિ બહુરંગી લેખકો જ ગણાય એવો એમનો દાવો છે. ( પછી સિતાંશુ છો ફૂંફાડા મારે કે મા સરસ્વતિ સિંહાસન પરથી કેમ ઊતરતી નથી ને અા લોકોને પનિશ કરતી નથી. હૂ કેર્સ ?)

વુડી એલનના ‘ઝેલીગ’ મુવીમાં અાવો જ એક સર્વકોટિ નાયક બતાવ્યો છે, કાચિંડા જેવો બહુરૂપિયો. વાતાવરણ અનુસાર એનું સ્વરૂપ અાપોઅાપ બદલાઈ જાય. કોઇવાર જર્મન નાઝી સિપાઈ બનીને સભાની મેદનીમાં હીટલરના ખભાની પાછળ ડોક્યુમેન્ટરીમાં દેખાય, તો ક્યારેક અમેરિકન ગદ્યકાર સ્કોટ ફીટ્ઝરાલ્ડની પાર્ટીમાં પણ હાજર હોય. ફોરેન ભાષાના ઉચ્ચાર સાથે અન્ય મહેમાનો સાથે અાચારવિચાર પ્રદાન કરતો નજર અાવે. એને મહાલેખકની જેમ ચીપી ચીપીને બોલતા અાવડી ગયું’તું. પોતાનો ચહેરો બ્લેંક રાખીને સામા માણસની વાત કેમ સાંભળવી એ સર્વોચ્ચ વિદ્યાછટા ઉપર માસ્ટરી મેળવી દીધેલી. એ બહુરૂપિયો ઝેલીગ તે જ અાજના અાપણા ફેસબુકના ‘લાઇક’ની યશ-કલગીવાળા જનાબેઅાલી બંધુ. એ બધે જ પુજાય, અમર થાય અને બોનસમાં એમને છાશવારે જમણનાં અામંત્રણ પણ મળતા રહે. કેટલીયે વાર તો સા’લુ ના પાડવી પડે. જો કે કો’કવાર એ ‘લાઇકિયા’ને એવો વૈરાગ્ય પણ અાવી જાય કે અા શું રોજરોજ મફતમાં ખાવાનું, કોલેસ્ટીરોલની ગોળી લેવાની ને વારંવાર હાર્ટમાં સ્ટેન્ટ મુકાવાના ! ને અા બધાથી ત્રાસીને ઉપરથી વાઇફ નાસી જાય તે પાછું જુદું. બ્લડી દરેક વસ્તુની સાઇડ ઇફેક્ટ હોય છે. સાચુ કહું ? લાઇફ ઇઝ અનફેર.

અા બીજો ફોટો જૂઅો. અા ભાઈ એક સંસ્થાના પ્રમુખ છે. અાપણે ત્યાં દેશમાં સાઇઠના દાયકામાં ફોટો સ્ટુડીઅોવાળા દોરડું પકડીને એમના ઉપર જવાના દાદરની ભીંતપર અડધી છાતીવાળા બસ્ટ ફોટા સેંપલ તરીકે સસ્તી ફ્રેમમાં મઢીને લટકાવતા. યાદ છે ? બસ. અદ્દલ એવા ફોટા જેવા જ અા સાહેબ હસતા દેખાય છે. એમના ખભે અડીને બાજુમાં એમની ફર્સ્ટ લેડી પણ શાશ્ર્વત સુખથી હસતી દેખાય છે. પછીના એક ફોટામાં સાહેબ પોતે ડીનર ટેબલ બીછાવી સોલ્લો ભોજન લે છે. કેમેરાએ એમની સામે પડેલા સમોસાનો મેરૂ પર્વત અકસ્માતથી ઝડપી લીધો છે. બાજુમાં એક હાંડલું, તપેલી, કડછી, તવેથો એમ બધું સ્ટીલ લાઇફના મોટીફ તરીકે લેવાયું છે. અા ફોટાને ૧૦૦ ‘લાઇક’ મળે છે કારણ એમની સિગ્નેચરથી દેશમાંથી (યાને ભારતમાંથી) ગવૈયા વીથ સાઝીંદાઝ, નાટકિયા, ભજનિકો, કે સભારંજક સર્જકોને પરદેશ અાવવાનું તેડું અાવે છે ! ખાટલેથી પાટલેની ટ્રીટ, સ્પોન્સરશીપ ને ઉપરથી વાહ વાહ, દુબારા દુબારાના નારા લગાવનારું રેડઇમેડ સિનિયર અોડિયન્સ, પ્લસ અાને જાનેકા ભાડા ફૂકટમેં. ગોડફાધર ભાગ-૧ માં ગલોફું ફુલાવેલો મારલોન બ્રાંડો યાદ છે? વીટો કોરલિયોની ? એનાં કાંડે નતમસ્તકે હળવેથી હોઠ મુકી બચી કરવાની. પછી એક કદમ પાછું ખસવાનું. એવું બધું. પ્રોટોકોલ.

અોત્તારીની ! અા તો પેલા પ્રખ્યાત કવિનો ફોટો! અા કવિનાં ગીતો તો એક જમાનામાં હું મારી વાઇફને રીઝવવા ગાતો’તો. તેની અા દશા? મોટું કપાળ, ગોળમટોળ બ્રાઉન ચહેરો. પોતાના એવા એવા ક્લોઝપ મૂકે છે, શું કહું? મને તો પેલા ઉત્તરપ્રદેશના દૈનિક જાગરણ પેપરમાં ‘ખોવાયેલ છે’ જેવા વિભાગનો પુરુષ લાગે છે. અરે ભૂંડા અાદમી, અાટલો બધો ફીશ અાઈ જેટલો વાઇડ એંગલ તારા કેમેરામાં શું કામ વાપરે છે? જો. તારી શું વલે તેં કરી છે ! જરા મોઘમમાં રહે. અા શું તરેહ તરેહકા ફિલ્મી પોઝ મારવાના? તમે એમને હવે એમની મૌલિક કવિતા ફવિતાનાં સર્જનનું પૂછતા નહીં. ‘ભઇસા’બ અા ઈતર પ્રવૃત્તિમાંથી જ ટાઇમ મળતો નથી !‘  એઝ એ મેટર અોફ ફેક્ટ, અામે ય નર્મદને બાદ કરીએ તો એકલા શુષ્ક સાહિત્યથી કોનું ભલું થયું છે? લો. લખાવો. યાદી તૈયાર કરીએ. બાકી તો એક અાઇ-ફોન લેવો હોય તો એ કવિને મિનિમમ છ મહિના ઊપવાસ કરવા પડે. (સેકંડ હૅન્ડ અાઇ- ફોન, વર્ઝન ૫ /એસના બજાર ભાવના હિસાબ પ્રમાણે)

અહીં એક વાત યાદ અાવી. ૧૯૮૮માં મેં લાભશંકરનું નાટક ‘પીળું ગુલાબ અને હું’ પુસ્તક ખરીદેલું. તેમાંથી બે પંક્તિ ટાંકું છું ,એક સ્ત્રીનો મોનોલોગ છે:

‘તમારી ચામડી નીચે સુષુપ્ત થઈ ગયેલા લિબિડોને જરાક જરાક અડકું અને તમને ઉશ્કેરી મુકું.’

માય ગૉડ અા માણસે અૅબસ્ટ્રેકટ વસ્તુ લિબિડો ને ફિઝીકલી અડકવાની વાત કરેલી? અને તે પણ ‘૮૦ ના દાયકામાં ? ત્યારથી અા માણસનો ફોટો મારે જોવો હતો. બસ એમ જ. મારા દિમાગમાં લગની લાગી. સામસામે મળવાની તો શક્યતા જ નહતી કારણ હું ભારતમાં ન હતો. અાખરે  ત્રીસ વર્ષ પછી મેં એ લા.ઠા.ને રુબરુ જોયા. સારું થયું અા માણસ ઝૂમરીતલૈયાની એ ટોળકીનો નહોતો, નહીં તો ક્યારનો મારા મગજમાંથી ભૂંસાઈ ગયો હોત.

લો. સર્ફિંગ કરું જ છું તો મારા કર્સરના તીર નીચે અા છેલ્લો ફોટો જોઈ લેવા દો ! લાઇફ મેગેઝિનના સેંટરસ્પ્રેડ જેવો છે.  ફોટાબાજીમાં અા માણસ હૂકમનો એક્કો લાગે છે. પટિયાં પાડેલા વાળ ને સફેદ શેડેડ દાઢી મૂછ. કોઇ દેશનિકાલ થયેલા ન્યુકલિયર વૈજ્ઞાનિક જેવો દેખાય છે. એ નકકી કોઈ કમિટીમાં ભારે હોદ્દા પર હશે. કોઈને ક્યારેક અાડેતેડું કામ પડે તે માટે લોકો એમને ‘લાઇક’ કરતા હશે કારણ એ ‘લાઇક’ કરનારાઅોથી હું પરિચિત છું. સામાન્યત: દરેક કસીનોમાં જુગારીને લલચાવવા ફ્રીબીઝ અાપે. દાખલા તરીકે તમને એકાદ નાઇટ રૂમ-ફ્રીનું વાઉચર અાપે અથવા અાખો દિવસ તમે અોલ યુ કેન ઇટ બુફે ખાવ. ફ્રી. તેમ અા મહાશય ક્યારેક કોઇ ભગવી બંડીવાળા બાપુના ફોટા મૂકે અથવા શિવલિંગના મલ્ટીપલ રૂપો બતાવે, જેથી એટલો લાંબો સમય તમે એમના એકાઉન્ટમાં સ્તંભી રહો. કદાચ એવું પણ એ સાબિત કરતા હશે કે એ પોતે હેન્ડસમ છે, છતાં ધાર્મિક છે. ના. એ અનુરાગ કાશ્યપની ફિલ્મના સિરિયલ કીલર નથી. યેન કેન પ્રકારેણ પણ તમે એમના ફોટાને  ‘લાઇક’ કરો. બસ. હૂ નોઝ, કદાચ લા.ઠા.ના નાટકની પેલી સ્ત્રી એમના લિબિડોને ઉશ્કેરે ! અહીં બેકગ્રાઉન્ડમાં ફિલ્મી ગાયન મુકીએ. એમાં જરા સાંભળજો કે લિબિડો જોડે અંગ શબ્દ કેવો ફીટોફીટ જાય છે. વિરહ પછીના અાશ્લેષમાં સેલો પર રાગ મધુવંતંી વગાડતી કોઈ પોનીટેલવાળી જર્મનબાળા એક કાળી સિસમની ચેર પર બેઠી હોય તેવું ચિત્ર મનમાં ભાસે. ઇટ્સ પ્લેઇંગ : અાજ સજન મોહે અંગ લગા લો, જનમ સફલ હો જાયે ..

છે શું અા બધું ? ઊંમરની સાથે અાપણે ઈન્ફન્ટાઇલ થતા હોઇશું ? કોઈ ભડ માણસ કાથીના ખાટલે બેઠેલી માનાં ચરણોમાં અાશીર્વાદ લેતો પોઝ અાપે છે. એ ફોટો પણ જોવાઈ ગયો. અામ તો એ પોતે સાહિત્યમાં એવા ખડ્ડૂસ છે કે અાપણને પાનો ચઢાવે તેમ તમતમતા ક્વોટ્સ અાપે, વીર રસનાં પાન કરાવે, સફેદ રણમાં ચાંદની રાતે અાપણને દોટ મુકાવે તેવાં ગીતો ગાય. અને એ મરદ મૂચ્છો વાળો ફેસબુકમાં મેલડી માતાના ફોટા જોડે પોઝ અાપે ! શું અા માણસ ક્યાંક અાપણી પુંસકતાનો ધ્વંસ કરવા માંગે છે?

અરે હાં, અા બધા ફોટાધારીઅોએ સામૂહિક રીતે બીજો પણ એક પેંતરો રચ્યો છે. પોતાના અન્યત્ર છપાઈ ચૂકેલા લેખ રીપિટ અાઇટમ તરીકે  ફેસબુક પર પુન: મૂકીને આપણને ફરજિયાત અાપણું બાવડું પકડીને રિમાઇન્ડ કરે છે, ‘ચતુર શેઠ ! કાજુકરિયાં લીધા સિવાય બારોબાર જવાતું હશે?’ વાંચો. દુબારા વાંચો અાખે અાખો લેખ. અને જુઅો, ડાઉનલોડ કરજો તો અક્ષર પણ મોટા થશે.’

કદાચ એવું તો નથી ને કે હું રામરાજ્યની ભવ્ય ફેન્ટસીમાં જીવું છું ? મને તો એમ કે લિટરેચરના ખાં લોકો અાપણને અાસાનીથી બધી ખૂબીલિટીઝ સમજાવશે, અઘરી કવિતાના લલગાગાના કંચુકી બંધનો છોડી બતાવશે. અરે અન્ય સ્પર્ધા કરતા લેખકોની શૈલી પણ ઊકેલીને બતાવશે, પછી વિશ્ર્વસાહિત્યમાં અાપણો હાથ પકડીને ફેન્ટસી લેન્ડમાં લઈ જશે. અાપણે ક્યાં છીએ એનું કેન્દ્ર બતાવશે. અાપણે તો માત્ર એ ભોમિયાના લેસર પોઇન્ટરનું લાલ બિન્દુ જ માત્ર જોવાનું રહેશે. અાઇ ડોન્ટ વોન્ટ ધીસ ફોટાબાજીની બબાલ. ડિજીટલ યુગમાં હું  અત્યારે હાજર છું અને જીવતો છું, તો મને એવું બતાવો કે હજાર વર્ષ પહેલાં ગુજરાતી ભાષા હતી ખરી ? કેવી હતી? ત્યારે ય સૂર્ય તો અાવો જ ઊગતો હતો, ત્યારે ય મળસ્કે કોઈ ગાતું તો હશે જ. ઘંટીમાં દળણું પણ દળાતું હશે. શયનખંડમાં ઘૂસપૂસ સંવાદો પણ થતા હશે. એવાં ક્લિપ્સનાં ઇવન વર્ણન પણ જોવાં મળે? કોઈ એવાં ડૂગડૂગિયાં બજાવો તો તમારી સાથે સોદો કરું કે તમારો સેલ્ફીનો ફોટો હું અાંખો ફાડીફાડીને જોઇશ. ધેટસ એ ડીલ.

લંડનથી નીકળતા અોપિનિયનમાં વિપુલ કલ્યાણી એ સન ૧૯૦૦ની અાસપાસના દાયકાનું (મારી સ્મૃિત પ્રમાણે) કોઈ એક લોકગીત એક બ્રિટિશ ગોરાએ જાતે ગુજરાતમાં જઈને લાઇવ રેકોર્ડ કરેલું. તે મુકેલું. બ્રિટનની લાયબ્રેરીના અાર્કાઇવ્ઝમાંથી વીણીને અા તંત્રીએ ફેસબુકના વાચકોને એવો અદ્દભુત રસ પાયો. એને કહેવાય ચમત્કાર. મને તો એ ગોરા સંશોધકને ફેસબુકમાં જોવાનું મન થાય. બાકી અા બધા ઇર્દગિર્દ લોકો તો સ્લમડોગિયા અખાડામાં તેલ ચોળીને મલખમ ખેલતા હોય તેવા લાગે છે. ચેલેંજ તો એવી લેવાની કે કોઈ લવરમૂછિયો સાયબરના ટાઇમ મશીનને ચાવી ચઢાવી અવળું ફેરવી અાપે, અને અાપણને રીયલ ટાઇમ જેવું સાચુકલું મહાભારત દેખાડે અથવા પેલી નરસી મે’તાએ જોયેલી રાસલીલા થ્રી-ડીમાં બતાવે.

અસ્તુ.

***

(Revised Dec.10, 2015)

488 Old Courthouse Rd. Manhasset Hills. New York. U.S.A.

e-mail: rpshah37@hotmail.com

Loading

હિન્દુ ધર્મની સહિષ્ણુતા: એક મિથ

રાજ ગોસ્વામી
, રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 December 2015

દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે અને એનું કારણ મોદી સરકારનો ‘કોમવાદી એજન્ડા’ છે એવી લાગણી પાછળ એક ઐતિહાસિક માન્યતા પણ સક્રિય છે કે હિન્દુઓ દુનિયાના સૌથી સહિષ્ણુ અને શાંતિપ્રિય લોકો છે. સ્વામી વિવેકાનંદે શિકાગો, અમેરિકામાં એમના પ્રવચન(1893)માં કહ્યું હતું, ‘મને એ ધર્મના અનુયાયી હોવાનો ગર્વ છે જેણે પૂરા વિશ્વને સહનશીલતા અને સાર્વભોમ સ્વીકૃતિનો સંદેશ આપ્યો છે.

’
પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને એવું લખ્યું હતું કે, ‘એક સાચો હિન્દુ કોઈપણ જગ્યાએ ચૂપચાપ કોઈપણ પ્રકારની પ્રાર્થનામાં ઇશ્વરની પૂજા કરી શકે છે. આ સહનશીલ દૃષ્ટિકોણના કારણે હિન્દુ ધર્મ તમામ ધાર્મિક આકાંક્ષાઓને જોડવાનું કામ કરે છે.’ ઇસાઈ અને ઇસ્લામ ધર્મ હિંસક છે અને હિન્દુ ધર્મ ઉદાર છે એવી માન્યતાએ તથ્ય-સત્યનું સ્વરૂપ લઈ લીધું છે. વિવેકાનંદે પણ કહેલું, ‘ઇસ્લામ અસહિષ્ણુ છે.’


જગતના તમામ ધર્મો શાંતિ અને ભાઈચારાની વાત કરે છે છતાં એક હકીકત એ પણ છે કે ધર્મોએ જ સૌથી વધુ યુદ્ધો અને સંઘર્ષ પેદા કર્યા છે. ઇસાઈ અને ઇસ્લામ ધર્મની સરખામણીમાં હિન્દુ ધર્મમાં અસહિષ્ણુતા અને હિંસા ઓછી રહી છે. એના બે કારણો છે. એક, હિન્દુ ધર્મ શરૂઆતથી પ્રકૃતિ (ઝાડ-પાન, નદી, પહાડ, પશુ-પક્ષી) સાથે જોડાયેલો રહ્યો છે. એથી એનામાં આંતરિક માનવીય સંઘર્ષ ઓછો રહ્યો છે. બીજું, એમાં આસ્તિક અને નાસ્તિક, બહુદેવવાદ અને ઇશ્વરવાદ, અધ્યાત્મ અને ભૌતિક ચિંતનધારા સમાંતર ચાલતી રહી છે.

અેનો મતલબ એવો નથી કે હિન્દુ ધર્મ હિંસાથી સંપૂર્ણપણે મુક્ત રહ્યો છે. અન્ય ધર્મોની જેમ જ, ધર્મની રક્ષા માટે હિન્દુઓએ પણ હિંસાનો સહારો લીધો છે. વેદ, રામાયણ, મહાભારત અને અન્ય પુરાણો સાક્ષી છે કે હિનદુ ધર્મમાં પ્રાચીન કાળથી લગાતાર હિંસાત્મક સંઘર્ષ થતા રહ્યા છે. શૈવ, વૈષ્ણવ અને શક્ત જેવા સાંપ્રદાયો પ્રત્યે અસહિષ્ણુતા પણ જોવા મળી છે. રામાનુજ અને રામાનંદી સંપ્રદાયે એક બીજાને નીચા પાડવાની કોઈ જ કસર છોડી ન હતી. વૈદિક અને બૌદ્ધ-જૈન વચ્ચેના સંઘર્ષથી ઇતિહાસ ભરેલો છે.


મર્યાદા પુરુષોત્તમ રામે શમ્બુકની હત્યા એટલા માટે કરી હતી કારણ કે દલિત વર્ગનો હોવા છતાં એણે તપસ્યા કરીને જીવતે જીવ સ્વર્ગ જવાની ઇચ્છા રાખી હતી. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદે કબીરને ‘નીચ’ કહ્યા હતા અને ગુરુ નાનકનું પણ અપમાન કર્યું હતું. ગાંધીજીએ એટલા માટે જ સ્વામી દયાનંદનું ‘સત્યાર્થ પ્રકાશ’ વાંચ્યા પછી આર્ય સમાજીઓને અસહિષ્ણુ અને ‘સત્યાર્થ પ્રકાશ’ને નિરાશાજનક પુસ્તક ગણાવ્યું હતું.


હિન્દુઓની આખી જાતિ વ્યવસ્થા ઊંચ-નીચ અને આભડછેટની અસહિષ્ણુતામાંથી આવી છે. ભીમરાવ આંબેડકર અને દલિતોએ જે વિદ્રોહ કર્યો તે હિન્દુઓની અસહિષ્ણુતાના કારણે જ. હિન્દુઓનો એ સ્વભાવ રહ્યો છે કે પોતાનાથી નીચા હોય તેના પ્રત્યે એ અસહિષ્ણુ રહ્યો છે અને એનાથી તાકાતવર હોય તેની સામે ઝૂકી ગયા છે. ચાહે આર્યો હોય, મુઘલો હોય કે અંગ્રેજો હોય, ભારતીયો હંમેશાં વિજેતાઓની પડખે રહ્યા છે. ભારતીયો ‘ગુલામ માનસિકતા’માં જીવે છે એવો એક આરોપ સતત થાય છે. ભાજપ અને સંઘ પરિવાર સહિત હિન્દુઓનો એક વર્ગ એવું માને છે કે હિન્દુઓની સહિષ્ણુતા એક પ્રકારની નપુંસકતા છે.


સહિષ્ણુતાનો આ અભીગમ ખાસ્સો નવો અને નજીકના ભૂતકાળનો જ છે. ભારતની અદ્દભુત સંત અને યોગ પરંપરાના કારણે જ હિન્દુ ધર્મનાં મૂલ્યો સહી પરિપેક્ષમાં પાછલાં અમુક વર્ષોથી જ સમજમાં અને વ્યવહારમાં આવ્યાં છે. એ પહેલાં તો અસહિષ્ણુતાનો આખો ઇતિહાસ ભરેલો પડેલો છે. વેદોમાં એક મોટો હિસ્સો યુદ્ધોની વાત કરે છે. ઋગ્વેદમાં આર્યો અને અનાર્યો વચ્ચે જબરદસ્ત યુદ્ધો થયાં છે. ઋગ્વેદમાં જ જે લોકો યજ્ઞ નથી કરતા તેમનો વિનાશ કરવાની વાત છે: અકર્મા દસ્યુરભિનો … દંભય. અર્થાત આપણી ચારે બાજુ યજ્ઞ ન કરનારા રાક્ષસો છે જેમની પ્રકૃતિ આસુરી છે. શત્રુનાશક ઇન્દ્ર આ દસ્યુ જાતિનો વિનાશ કરો.


ભાગવત પુરાણ મુજબ પરશુરામે ‘ધૃષ્ટ હૃદયી’ ક્ષત્રિયોનો પૃથ્વી પરથી 21 વાર સંહાર કર્યો હતો એ કહેતા હતા કે રાજાનો ધર્મ વૈદિક જીવનનો પ્રચાર કરવાનો છે નહીં કે પ્રજા પાસે આજ્ઞાનું પાલન કરાવવાનો. કહેવાય છે કે ભારતમાં વૈદિક સંસ્કૃિત પરશુરામને આભારી છે.


ભારતમાં ઇતિહાસને લઈને ખાસી ઉપેક્ષા રહી છે એટલી ઘણી બધી બાબતો યોગ્ય પરિપેક્ષમાં બહાર નથી આવી. બુદ્ધ પહેલાં આપણે ત્યાં ઇતિહાસ લેખન નહીંવત રહ્યું છે. બુદ્ધ પછી પણ ઘણા સમય સુધી દરબારી, ચારણ અને ભાટ લોકોએ જ ઇતિહાસની વાતો કરી હતી. એટલે હિન્દુઓની હિંસા અને અસહિષ્ણુતાની ઘણી વાતો દબાઈ ગઈ છે. આવી જ એક માન્યતા હિન્દુઓના શાકાહારી હોવાની છે. સ્વામી વિવેકાનંદ અને બીજા આધુનિક ગુરુઓના પરદેશાગમનથી પશ્ચિમમાં હિન્દુઓના શાકાહારીને લઈને ઘણા ખયાલો લોકપ્રિય થયા છે.


ઇતિહાસમાં એવા કોઈ પ્રમાણ નથી કે હિન્દુઓ માત્ર શાકાહાર જ કરતા હતા. હિન્દુઓનો એક વર્ગ શાકાહારને પસંદ કરતો હતો. એટલું જ, બાકી હિન્દુ પુરાણો માંસાહારના સંદર્ભોથી ભરેલાં પડ્યાં છે. આજે પણ દેશનો મોટો હિન્દુ વર્ગ માંસાહાર કરે છે. સહિષ્ણુતાને લઈને પણ આવી જ મિથ પ્રવર્તે છે. એનું કારણ એ છે કે ઇસાઈ અને ઇસ્લામથી વિપરીત હિન્દુ ધર્મના પ્રાચીન યુદ્ધોથી આમ જનતા પ્રભાવિત થઈ ન હતી. એ યુદ્ધો સૈનિકો અને સેનાપતિઓ સુધી મર્યાદિત રહ્યા હતા અને સામાન્ય જીવન યથાવત ચાલતું રહ્યું હતું. આના કારણે હિન્દુ ધર્મના ઘણા સંઘર્ષો અને જબરદસ્તીઓ બહાર નથી આવી.


એક એવો પણ સમય હતો જ્યારે ખેડૂતો ખેતી કરતા હતા અને યુદ્ધરત સેના બાજુમાંથી પસાર થઇ જતી હતી. પૌરાણિક કથાઓમાં મહાભારત જેવા યુદ્ધો એક વિશેષ સ્થાન પર થતા હતા જે આમ જનજીવનથી દૂર હતું. હિંસાથી કોઈ સમાજ મુક્ત રહ્યો નથી. છતાં ભારતનું નામ શાંતિ અને અહિંસાથી જોડાયેલું રહ્યું છે એનું કારણ એ છે કે ભારતનું સામાન્ય જનમાનસ હિંસાથી દૂર રહ્યું છે. બાકી, અશોકના કલિંગ નરસંહારથી લઈને મધ્યકાળની બર્બરતા અને આઝાદીના સમય સુધી અને એ પછી થયેલી તમામ ઘટનાઓમાં એટલી જ અસહિષ્ણુતા નજર આવે છે જેટલી સંસારના બીજા કોઈ સમાજમાં હોય છે.


હિન્દુઓની અસહિષ્ણુતાની મિથ પાછળ બીજું એક કારણ એ છે કે વિશ્વના અન્ય ધર્મોથી વિપરીત હિન્દુવાદની વ્યાખ્યા અને વ્યવસ્થા દરેક વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહમાં જુદી જુદી છે. હિન્દુવાદ કોઈ એક સિંગલ ધાર્મિક વ્યવસ્થા કરતાં જીવનશૈલી વધુ છે. ઇસાઈઓના બાઇબલ કે મુસલમાનોના કુરાનની જેમ હિન્દુઓના કોઈ એક ગ્રંથ કે શાસ્ત્ર પણ નથી. રામાયણ, મહાભારત અને રામચરિતમાનસ ઉપરાંત હિન્દુઓની માર્ગદર્શિકા તરીકે વેદ, ઉપનિષદ અને ભાગવત ગીતા પણ છે એકથી વધુ વ્યાખ્યાઓ અને આખ્યાનો છે.


એ જ રીતે હિન્દુ હોવું અને નાસ્તિક હોવું એ પરસ્પર વિરોધી નથી. હકીકતમાં હિન્દુ હોવાને ઇશ્વર સાથે કોઈ સંબંધ નથી એક માત્ર બૌદ્ધ સંપ્રદાય જ છે જે આ સંદર્ભમાં ખાસો સમાન છે. હિન્દુ ધર્મના આ લચીલાપન, સર્વગ્રાહી અભિગમના કારણે જ એ ટકી રહ્યો છે બાકી એની પર બહારથી બીજા ધર્મોના આક્રમણ કરતાં અંદરથી વધુ હુમલા થયા છે.


હિન્દુ ધર્મની આ અંદરની અસહિષ્ણુતા એની બીજા, બહારના ધર્મો પ્રત્યેની સહિષ્ણુતાના કારણે ઢંકાયેલી રહી છે. પશ્ચિમના ઇતિહાસકારો અને અભ્યાસીઓને પણ હિન્દુ ધર્મના બીજા ધર્મ પ્રત્યેના વ્યવહારમાં રસ પડ્યો છે અને એના આધારે જ સહિષ્ણુતા અને સર્વ ધર્મ સમભાવનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. એની અંદરની સ્થિતિ, વિરોધીતા અને સંઘર્ષ મોટા ભાગે ધ્યાન બહાર જ રહ્યા છે. યહૂદીઓમાં જૈન્ટીલ (મૂર્તિપૂજક, ગૈર-યહૂદી), ઇસાઈઓમાં પગાન અને મુસ્લીમોમાં કાફીર છે તેમ હિન્દુઓમાં મ્લેચ્છ છે. ફર્ક એટલો છે કે યહૂદીઓએ, ઇસાઈઓએ અને મુસ્લીમોએ પર ધર્મના ‘નાસ્તિકો’ને નિશાન બનાવ્યા છે જ્યારે હિન્દુ ધર્મએ અંદરના ‘વિધર્મી’ઓને સતાવ્યા છે.


હિન્દુઓએ મુસ્લીમો સાથે દલિતો જેવો વ્યવહાર નથી કર્યો એનું કારણ સહિષ્ણુતા નહીં પણ મુસ્લીમ શાસકો, રાજાઓ અને યૌદ્ધાઓનો ડર છે એવું જ અંગ્રેજોનું હતું. દેશી ભારતીયો ગોરા લોકોને મ્લેચ્છ કહેતા હતા પણ આ ‘મ્લેચ્છ’ જ્યારે શાસક બનીને આવ્યા તો એ ‘ગોરા સાહેબ’ બની ગયા. એનાથી વિપરીત, અપર ક્લાસ હિન્દુઓએ મુસ્લીમ અને અંગ્રેજ શાસકો સાથે સંબંધો સુધારીને પોતાની સ્વાર્થ પૂર્તિ કરી લીધી હતી.


આજે મુસ્લીમ આક્રમકો કે અંગ્રેજ શાસકો આપણી વચ્ચે રહ્યો નથી અને છતાં ય સૌથી વધુ અસહિષ્ણુતાની ફરિયાદો અત્યારે જ થઈ રહી છે. અત્યારે હિન્દુઓનું રાજ છે, સો ટુ સ્પીક. 
એટલે , સહિષ્ણુતાની વ્યાખ્યા એ નથી કે તમે પર-ધર્મી સાથે કેવો વ્યવહાર કરો છો. સહિષ્ણુતા તમે એક શાસક તરીકે તમારી જનતા સાથે કેવું વર્તન કરો છો તેના પરથી નક્કી થાય છે. આમાં આપણો રેકોર્ડ બહુ સારો નથી.

e.mail : rj.goswami007@gmail.com

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 07 ડિસેમ્બર 2015

https://www.facebook.com/1379939932334062/photos/a.1383225085338880.1073741828.1379939932334062/1512810852380302/?type=3&theater

Loading

...102030...3,7923,7933,7943,795...3,8003,8103,820...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved