લૂંટ અને હરીફાઈના એજન્ડાના ભાગરૂપે રાષ્ટ્રવાદ વિકસ્યો હતો અને એના મૂળમાં સ્વાર્થ હતો એટલે એની પરિણતી વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં થઈ હતી. એક ભયાનક વાસ્તવિકતા નોંધી લો કે રાષ્ટ્રવાદનું આયુષ્ય હજી તો બસો વર્ષનું પણ નહોતું થયું એ પહેલાં બે યુદ્ધોમાં નવ કરોડ ૮૦ લાખ યુરોપિયનો રાષ્ટ્રવાદના ખપ્પરમાં હોમાઈ ગયા હતા
હું દેશપ્રેમી છું એટલે રાષ્ટ્રવાદવિરોધી છું. જી હા, મારે આમ જ કહેવું છે અને સમજી-વિચારીને કહું છું. દેશપ્રેમી હોવા માટે રાષ્ટ્રવાદી હોવું જરૂરી નથી. જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી લખનાર માણસ રાષ્ટ્રવાદી નહોતો. અઢીસો વર્ષ પહેલાં આ જગતમાં કોઈ રાષ્ટ્રવાદી નહોતું, બધા જ વતનપ્રેમી હતા.
કદાચ વાચકો નહીં જાણતા હોય, પણ રાષ્ટ્રવાદનો જન્મ જ ભારત જેવા દેશોનું આર્થિક શોષણ કરવા માટે યુરોપમાં થયો હતો. પહેલાં સાહસિક દરિયાખેડૂતોને, એ પછી દરિયામાં જહાજો લૂંટનારા ચાંચિયાઓને, એ પછી દાદાગીરી કરનારા પીંઢારાઓને અને છેવટે ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી વેપારી પેઢીઓને પાનો ચડાવવા માટે રાષ્ટ્રવાદને આકાર આપવામાં આવ્યો હતો. આપણા લોકો વધુમાં વધુ દેશોમાં ફેલાય, વધુમાં વધુ કમાય, વધુમાં વધુ લૂંટ કરે, વધુમાં વધુ સંપત્તિ દેશમાં લઈ આવે અને વધુમાં વધુ રાજાને અને ચર્ચને લાગો આપે એ માટેની આ રમત હતી. જગતના વધુમાં વધુ દેશો આપણા કબજામાં હોય એ માટે રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો જે ગુલામ દેશોમાં વટ જમાવવા લહેરાવી શકાય. શરૂઆતમાં તો રાષ્ટ્રધ્વજ ધંધાર્થે આવનારાં વહાણો પર લહેરાવવામાં આવતો હતો. એટલે તો કોઈ ધમધમતા બંદરનું વર્ણન કરવા માટે ફલાણા બંદરે આટલા દેશોના વાવટા ફરકતા હતા એવો વાક્યપ્રયોગ તમે સાંભળ્યો કે વાંચ્યો હશે. વધુમાં વધુ દેશોમાં આપણી ભાષા અને આપણી આણ ચાલવી જોઈએ એ માટે રાષ્ટ્રગીત રચવામાં અને લાગુ કરવામાં આવ્યાં હતાં. ભાષા અને પ્રતીકો ઉપરાંત ધર્મ પણ ઓળખનું એક પ્રબળ સાધન છે એટલે વધુમાં વધુ દેશોમાં આપણા સંપ્રદાયનાં દેવળો હોય અને આપણા સંપ્રદાયના મિશનરીઓ કામ કરતા હોય એ માટે મિશનરીઓએ પાનો ચડાવવાનું શરૂ કર્યું હતું. અંતે રાષ્ટ્રવાદે રાષ્ટ્ર પરત્વેની વફાદારીના નામે ગુલામી લાદી હતી. આમાંના કોઈ વતનપ્રેમી નહોતા, પ્રજાપ્રેમી તો મુદ્દલ નહોતા અને માનવતાવાદી તો મુદ્દલ નહોતા.
દરેકનો પોતાનો એજન્ડા હતો અને મૂળે રાષ્ટ્રવાદનો જન્મ જ કોઈ ને કોઈના એજન્ડાના ભાગરૂપે થયો છે. આનો અર્થ એ થયો કે રાષ્ટ્રવાદ એજન્ડા વિનાનો નિર્દોષ હોઈ જ ન શકે. દેશપ્રેમ નિર્દોષ છે, રાષ્ટ્રવાદ નિર્દોષ નથી અને હોઈ ન શકે. એટલે જ મેં પ્રારંભમાં કહ્યું કે હું દેશપ્રેમી છું એટલે રાષ્ટ્રવાદવિરોધી છું. લૂંટ અને હરીફાઈના એજન્ડાના ભાગરૂપે રાષ્ટ્રવાદ વિકસ્યો હતો અને એના મૂળમાં સ્વાર્થ હતો એટલે એની પરિણતી વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધોમાં થઈ હતી. એક ભયાનક વાસ્તવિકતા નોંધી લો કે રાષ્ટ્રવાદનું આયુષ હજી તો બસો વર્ષનું પણ નહોતું થયું એ પહેલાં બે યુદ્ધોમાં નવ કરોડ ૮૦ લાખ યુરોપિયનો રાષ્ટ્રવાદના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. રાષ્ટ્રવાદ કેવી ભયાનક સંકલ્પના છે એનો હવે ખ્યાલ આવે છે કે હજી નથી આવતો?
રાષ્ટ્રવાદ પેદા થાય એટલે પેટા-રાષ્ટ્રવાદ (સબ-નૅશનલિઝમ) પણ પેદા થાય. સાપને ઉછેરો અને સાપોલિયાં ન જન્મે એવું તો થોડું બને! યુરોપના કેટલાક દેશોમાં એક જ ધર્મ તથા એક જ વંશની અને એક જ કુળની ભાષાઓ હોવા છતાં યુરોપનું ભાષાના ધોરણે વિભાજન થયું છે. યુરોપમાં આજે જેટલી ભાષાઓ છે એટલા દેશ છે. એક એજન્ડા બીજા એજન્ડાને માત્ર જન્મ જ નથી આપતો, વિકસવા અને ટકી રહેવાનું બળ પણ આપે છે.
આઝાદીની લડાઈ દરમ્યાન બહુ સંભાળીને હળવા અને નરવા રાષ્ટ્રવાદનો પ્રયોગ કૉન્ગ્રેસના નેતાઓએ કર્યો હતો. કૉન્ગ્રેસના નેતાઓનો રાષ્ટ્રવાદનો ભાવનાત્મક ખપ હતો તો બીજી બાજુ તેમને જાણ હતી કે રાષ્ટ્રવાદ એ સાધન ઓછો છે અને ખતરનાક હથિયાર વધુ છે. એટલે તો મહાત્મા ગાંધીએ જ્યારે સ્વદેશી આંદોલન શરૂ કર્યું અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરવાની સલાહ આપી ત્યારે રવીન્દ્રનાથ ટાગોરને એમાં જોખમ દેખાયું હતું. રવીન્દ્રનાથે ચેતવણી આપી હતી કે મહાત્માજી આગ સાથે રમત રમી રહ્યા છે.
જો કે ગાંધીજીએ વિવેક નહોતો ગુમાવ્યો. આઝાદીની લડતમાં ભાગ ન લેનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગાંધીજીએ ક્યારે ય રાષ્ટ્રવિરોધી કે રાષ્ટ્રદ્રોહી નથી કહ્યો. ૧૯૪૨ના ભારત છોડો આંદોલનનો વી. ડી. સાવરકરે અને ડાબેરીઓએ વિરોધ કર્યો હતો ત્યારે ગાંધીજીએ તેમને દેશદ્રોહી નહોતા કહ્યા. ૧૯૨૧માં વારંવાર માફી માગીને સાવરકરે જેલમાંથી મુક્તિ મેળવી હતી, પરંતુ ગાંધીજીએ ક્યારે ય તેમને ભીરુ કે દેશદ્રોહી નહોતા કહ્યા. ઊલટું ગાંધીજી રત્નાગિરિ ગયા હતા ત્યારે સાવરકરને ખાસ મળવા ગયા હતા. ડૉ. આંબેડકર અને બીજા દલિત નેતાઓ અંગ્રેજોને ટેકો આપતા હતા, પણ ગાંધીજીએ તેમને ક્યારે ય દેશદ્રોહી નહોતા કહ્યા. ૧૯૩૭માં હિન્દુ મહાસભાએ અને ૧૯૪૦માં મુસ્લિમ લીગે ભારતના વિભાજનની માગણી કરનારા ઠરાવ કર્યા હતા, પરંતુ ગાંધીજીએ તેમને દેશદ્રોહી નહોતા કહ્યા. જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખરજી ૧૯૪૦ના દાયકામાં ભારતના વિભાજનની માગણી કરવામાં જોડાનારા ફઝલુલ હકની બંગાળની સરકારમાં પ્રધાન તરીકે જોડાયા હતા, પરંતુ ગાંધીજીએ ક્યારે ય તેમને દેશદ્રોહી નહોતા કહ્યા. ૧૯૪૬માં મુસ્લિમ લીગની બેઠક પરથી બંધારણસભામાં ચૂંટાઈ આવનારા ડૉ. આંબેડકરને ગાંધીજીએ ક્યારે ય દેશદ્રોહી નહોતા કહ્યા. ઊલટું ડૉ. આંબેડકરને અને શ્યામા પ્રસાદ મુખરજીને ગાંધીજીના કહેવાથી બંધારણસભામાં અને જવાહરલાલ નેહરુની સરકારમાં સિનિયર પ્રધાન તરીકે લેવામાં આવ્યા હતા. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી એને હિન્દુત્વવાદીઓએ અને સામ્યવાદીઓએ અધૂરી આઝાદી કહીને સ્વીકારવાની ના પાડી દીધી હતી, પરંતુ ગાંધીજીએ કે જવાહરલાલ નેહરુએ તેમને ગદ્દાર નહોતા કહ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો હજી હમણાં સુધી વિભાજિત ભારતના રાષ્ટ્રધ્વજને વંદન નહોતો કરતો, પરંતુ કોઈએ એમને દેશદ્રોહી નહોતા કહ્યા.
જો ગાંધીજીએ ત્યારે રાજકીય વિરોધીઓના કપાળ પર દેશદ્રોહીનાં લેબલ ચોંટાડ્યાં હોત તો આજના કહેવાતા રાષ્ટ્રવાદીઓ માટે ઊભા રહેવા જમીન શોધવી મુશ્કેલ બની જાત. તો શા માટે ગાંધીજીએ સંયમ બતાવ્યો? તેઓ મહાત્મા હતા એ જરૂર એક કારણ છે, પરંતુ એ મુખ્ય કારણ નથી. મુખ્ય કારણ એ છે કે રાષ્ટ્રવાદ એક ખતરનાક હથિયાર છે અને ગાંધીજી એ મોટી હિંસાનું કારણ બનનારા રાક્ષસી હથિયારને હાથ લગાડવા નહોતા માગતા. રાષ્ટ્રવાદમાં આપણે અને બીજાનું વિભાજન અનિવાર્ય છે. જ્યાં આપણે અને બીજાનું વિભાજન આવે ત્યાં શરતો અને આગ્રહો આવે છે અને એમાંથી હિંસા પેદા થાય છે. એટલે તો હિન્દુ રાષ્ટ્રવાદીઓએ બીજાઓને પોતાના ગણનારા ગાંધીજીની હત્યા કરી હતી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામલ લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 ફેબ્રુઆરી 2016
http://www.gujaratimidday.com/features/columns/nationalism-became-weapon-for-violence