સરકાર માત્રને પોતાની પાસે સઘળી સત્તા કેન્દ્રિત કરવું પ્રકૃતિગત રીતે ગમતું હોય છે.
ભલે એ એક અણચિંતવી આડપેદાશ હોય, પણ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ઘટનાક્રમની એ એક લબ્ધિ જ લેખાશે કે દિલ્હીના પોલીસ વડા બસ્સીની દેશના વડા માહિતી કમિશનર પદે ઉત્ક્રાન્તિ થતાં થતાં સહેજમાં જ રહી ગઈ! પતિયાલા હાઉસ કોર્ટમાંથી કન્હૈયાના કેસને વાયા સુપ્રીમકોર્ટ દિલ્હી હાઇકોર્ટમાં ખસેડવાની નોબત આવી એની પૂંઠે ભાજપી વકીલ વિક્રમસિંહ ચૌહાણના નેતૃત્વમાં કાળા ડગલાએ મચાવેલ કેરનો અને તે સંદર્ભમાં પોતાની ફરજથી કિનારો કરી ગયેલી દિલ્હી પોલીસનો હિસ્સો હવે તો જગજાહેર છે. કાયદાના શાસનનાં બે બુનિયાદી અંગો, પોલીસ અને વકીલ, આ કિસ્સામાં અત્યંત વરવી રીતે બહાર આવ્યાં છે.
પોલીસ તો ખેર સરકાર હસ્તક છે, અને બધી સરકારો એના ગેરઉપયોગ સારુ નામીચી છે. પણ વિક્રમી વકીલ મંડળીને કેવી રીતે ઘટાવશું, વારુ? એક પા પોલીસ સમન્સ બિન બજવ્યું, બિન પાળ્યું માર્યું ફરે અને બીજી પા વિક્રમ ચૌહાણનું વકીલો એમના વીરકર્મ વાસ્તે દેશભક્તરૂપે સન્માન કરતા હોય એ ઘટના કાં તો નિ:શાસનનો નમૂનો છે કે પછી દુ:શાસનનો દાખલો છે.
બને કે ખુદની નજરોમાં અને સત્તાપક્ષનાં વર્તુળોમાં વિક્રમસિંહ ચૌહાણ કે ધારાસભ્ય ઓ.પી. શર્મા વીરનાયક જેવા વરતાતા હોય. આ ક્ષણે ઊંચકાતી છબિ ગરીબ માબાપના મેધાવી પુત્ર કન્હૈયા કુમારની છે જેણે આઝાદીનો અવાજ આવડ્યો એવો બુલંદ કરી જાણ્યો, ભૂખમરી સે આઝાદી, સંઘવાદ સે આઝાદી, સામંતવાદ સે આઝાદી, પૂંજીવાદ સે આઝાદી .. આઝાદી હૈ હક હમારી, હૈ જાનસે પ્યારી. આ પ્રકારની તકરીરને પરબારી રાજદ્રોહના ખાનામાં ખતવવા સારુ કાં તો ઘોર અણસમજ જોઇએ કે ચોક્કસ પ્રકારની સમજ જોઇએ.
હમણાં મેં કન્હૈયાને વીરનાયક રૂપે વર્ણવ્યો, પણ આ ઘટનામાં જે બે ત્રણ વીરનાયક કહેતાં વિશિષ્ટ નાયક ઉભર્યા એની પણ નોંધ લેવી જોઇએ. સંઘ પરિવારની વિદ્યાર્થી સંસ્થારૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુપ્રતિષ્ઠ છે, અને દિલ્હીમાં નમો શાસનના ઉદય સાથે એનો એક સમજી શકાય એવો દબદબો પણ છે. આ પરિષદના જે.એન.યુ. એકમના તેમ જ સ્કૂલ ઑફ સોશ્યલ સાયન્સીઝ એકમના બબ્બે (કુલ ચાર) પદાધિકારીઓએ આ દિવસોમાં રાજીનામું આપવાપણું જોયું છે. એમને એમ લાગે છે કે જે રીતે ડાબેરીવાદ સાથે જે.એન.યુ.ને સમીકૃત કરવાનું શાસન અને સત્તાપક્ષ તરફથી ચાલ્યું છે એથી યુનિવર્સિટી અને એના છાત્ર સમુદાયની છબિ ખરડાઈ છે. હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રકરણમાં અને જે.એન.યુ. પ્રકરણમાં સરકારે જે નીતિરીતિથી કામ લીધું છે તે બરાબર નથી – અને અમને આવા પક્ષના વાંજિંત્ર બની રહેવું મંજૂર નથી.
વીરનાયક તો જો કે છેલ્લાં વરસોમાં નમો નેતૃત્વના પ્રશંસકરૂપે ઉભરેલા સુરજિત ભલ્લાને પણ કહેવા જોઇશે. આ ઘટનાક્રમ દરમ્યાન એમના જે ટિ્વટ આવ્યા એમાં સાડા ચાર દાયકા પહેલાં વિયેટનામ યુદ્ધ સબબ યુરોપ અમેરિકામાં ઉભરેલા છાત્ર આંદોલનની જિકર હતી તો દુનિયાભરમાં સઘળે કાલીઘેલી આકરી ભાષામાં વ્યકત થતા રહેતા યુવા અજંપા અને યુવા ઉદ્રેકનીયે વાત હતી. આ પ્રકારની અભિવ્યક્તિને રાજદ્રોહના ખાનામાં નાખવાની ન હોય, ન તો એમાં કોઇ દેશભક્તિનો દેકારો મચવવાનો હોય, એમ ભલ્લાનું કહેવું છે.
નહીં કે અફઝલ ગુરુના પ્રશ્ને. આકરા અને અણિયાળા સવાલ જવાબને અવકાશ નથી. પણ બીજા અનેકે તેમ ભલ્લાએ પણ નોંધ્યું છે કે દેહાંત દંડના નિર્ણય સુધી પહોંચતે છતે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીઓમાં પણ અવઢવને અવકાશ નહોતો એમ નથી. વળી અફઝલ ગુરુના મુદ્દે પોતાનાથી સદંતર જુદો (અને એથી ‘દેશદ્રોહી'?) અભિપ્રાય ધરાવતી પી.ડી.પી. સાથે ભાજપ હમણાં સુધી સરકારમાં હતો – અને હજુ પણ રામ માધવે પુન: કહ્યું છે તેમ – ભાગીદારીની ઉમેદ રાખે છે. સામાન્યપણે ભાજપ જેની ઉગ્ર ટીકા કરવાનું પસંદ કરતો રહ્યો છે એવી હળવી અલગતાવાદી (સોફ્ટ સેપરેટિસ્ટ) નીતિ સારુ પી.ડી.પી. જાણીતી પણ છે. જો બંને સાથે બેસી સરકાર ચલાવી શકતા હોય તો એમાં કેવળ રાજકીય તકવાદનું – અને એથી દેશભક્તિની એસીતેસીનું – તત્ત્વ હશે કદાચ, એળે નહીં તો બેળે પણ એવી સમજને ય અવકાશ તો હોઈ શકે છે કે દેશની વ્યાખ્યામાં કો જડબેસલાપણું નહીં પણ એકમેકને પોતપોતાનો અવકાશ આપતી મોકળાશ જરૂરી છે.
મુદ્દે, આ પ્રકારના અવકાશ અને મોકળાશ વિશે ખુલ્લાપણાથી પેશ આવવા અંગે સંઘ પરિવારને કોઇક વિચારધારાકીય અવરોધ નડતો રહ્યો છે. આમ તો, સરકાર માત્રને પોતાની પાસે સઘળી સત્તા કેન્દ્રિત કરવું પ્રકૃતિગત રીતે ગમતું હોય છે. કૉંગ્રેસ કે બીજા પક્ષોના શાસનમાં પણ એવું જોવા મળે છે, અને કટોકટી રાજનો દાખલો તો સ્વયં સ્પષ્ટ છે. આ પ્રકૃતિને લોકશાસનમાં સંયત રાખવાની જોગવાઈ અને કારવાઈ જારી છે તેમ જ જારી રહેવી જોઇએ. પરંતુ, પ્રકૃતિની સાથે વિચારધારાનું મેળાપીપણું નવા પ્રશ્નો સરજે છે. પી.ડી.પી. સાથે જે રીતે કામ ગોઠવવાની ચેષ્ટા થઈ એને અન્યત્ર પણ યોજવાપણું છે તે કેમ ભાજપને સમજાતું નહીં હોય? આ પ્રક્રિયામાં સતત ભૂલસુધાર અને નવનવોન્મેષને અવકાશ અલબત્તા છે.
જ્યાં સુધી ડાબેરી પક્ષોનો સવાલ છે, જે.એન.યુ.માં સ્થાપિત સામ્યવાદી પક્ષોથી ઉફરો ડાબેરી મત પરચો પણ એમને જોવા નહીં મળતો હોય એમ નથી. જાહેર બાબતોમાં સંડોવણી અને બૌદ્ધિક શિક્ષાદીક્ષાનો એક જુદો જ માહોલ જે.એન.યુ.નો છે. પશ્ચિમ બંગાળની ડાબેરી સરકારને નંદીગ્રામમાં જે સ્વતંત્ર બૌદ્ધિકોનો પડકાર ઝીલવો પડ્યો એમાં ડાબેરી ઉદારમતવાદીઓ ઓછા નહોતા. સી.પી.એમ.ની કેડર એક તબક્કે ત્યાં હિંસ્રપણે તૂટી પણ પડી હશે. કેરળમાં આર.એસ.એસ. – માર્કસવાદી જીવલેણ કિસ્સા પ્રસંગોપાત બહાર આવતા રહે છે. સિંગુર પ્રકરણમાં પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકાર સામે પણ બૌદ્ધિકો બહાર આવ્યા હતા એ રતન તાતાના ગુજરાત સ્થિત લાભાર્થીઓના ખયાલમાં ન હોય એવું તો કેવી રીતે બની શકે?
પશ્ચિમ બંગાળના તત્કાલીન રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ નંદીગ્રામ પ્રકરણમાં દરમ્યાન થવાપણું જોયું અને એમ કરતાં યુ.પી.એ. શાસનમાં ડાબેરી ટેકાથી ઉપ રાષ્ટ્રપતિપદે પહોંચવાની તક ગુમાવવાની પરવા ન કરી. ખબર નથી, વર્તમાન શાસનમાં નંદીગ્રામ – સિંગુરના ઉજાસમાં હાલની એવોર્ડ વાપસીને પ્રીછી શકવાની ક્ષમતા ધરાવતાં તત્ત્વો હશે કે કેમ. ‘રાજદ્રોહ'નો આરોપ ઉછાળવા અને લગાવવાનો સાંસ્થાનિક રવૈયો તત્કાળ પુનર્વિચાર માગે છે એ કહેવાનું ન હોય. મહારાષ્ટ્ર સરકારે હજુ થોડા મહિના પર રાજ્ય સરકારની ટીકાને પણ ‘રાજદ્રોહ'માં વ્યાખ્યાગત સમાવવાની ચેષ્ટા કરી હતી જે સદ્દભાગ્યે હાઇકોર્ટે ખારિજ કરી છે. કોર્ટ પરિસરમાં વકીલોએ મચાવેલ તોફાન અને તે વિશે સત્તાપક્ષ અને પોલીસની આંખ આડા કાન સમર્થન શૈલીમાં ભલ્લાએ ચેપ્લીનની ‘ધ ગ્રેટ ડિક્ટેટર'ની તરજ પર બ્લેક કોમેડીનું તત્ત્વ બરાબર નોંધ્યું છે.
સંજય શૈલીમાંથી બહાર આવેલા આપણે સંજય-બજરંગ રંગઢંગની આરપાર કેમ ન જોઈ શકીએ, કહો જોઉં.
e.mail : prakash.nirikshak@gmail.com
સૌજન્ય : ‘વિચારધારાનું મેળાપીપણું’, “દિવ્ય ભાસ્કર”, 20 ફેબ્રુઆરી 2016