Opinion Magazine
Number of visits: 10028188
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પીછે તૂ દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે

તેજસ વૈદ્ય|Opinion - Literature|10 December 2015

સંસ્કૃતમાં જે દરજ્જો કાલિદાસનો છે, અંગ્રેજી સાહિત્યમાં જે દરજ્જો શેક્સપિયરનો છે એ જ દરજ્જો ઉર્દૂ સાહિત્યમાં મિર્ઝા ગાલિબનો છે. અસદ ઉલ્લાહ ખાં 'ગાલિબ' થઈ તો ઓગણીસમી સદીમાં ગયા પણ તેઓ વીસમી-એકવીસમી સદીમાં વધુ મહેસૂસ થયા. ડિસેમ્બરની ૨૭ તારીખે જન્મેલા ગાલિબની રચનાઓ આજે બસ્સો વર્ષ પછી પણ ખૂબ પ્રસ્તુત લાગે છે. આગામી બસ્સો-પાંચસો વર્ષ પછી પણ ગાલિબ એટલા જ પ્રસ્તુત રહેવાના છે

એવું કહેવાય છે કે મુઘલોએ ભારતને ત્રણ અણમોલ તોહફા આપ્યા. એક ઉર્દૂ જબાન, બીજો તાજમહાલ અને ત્રીજો મિર્ઝા ગાલિબ.

દૂરદર્શન પર ૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં 'મિર્ઝા ગાલિબ' સિરિયલ આવતી હતી. ગુલઝારે તૈયાર કરેલી એ સિરિયલમાં સંગીત જગજિતસિંહનું હતું. નસિરુદ્દીન શાહે એમાં મિર્ઝા ગાલિબનો રોલ એ અદાયગીથી ભજવ્યો હતો કે આજે પણ ગાલિબનો ઉલ્લેખ નીકળે ત્યારે મનમાં નસિરુદ્દીન શાહનું જ એ ચિત્ર ખડું થાય.

મિર્ઝા ગાલિબ ભારત-પાકિસ્તાનના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ-બૌદ્ધિકોમાં તો હંમેશાં આદર પામતા જ રહ્યા છે. ભારતના યુવાઓમાં ગાલિબની જે લોકપ્રિયતા પ્રસરી છે એમાં એ સિરિયલનું પણ પ્રદાન છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ઠરે. એ સિરિયલમાં જગજિતસિંહે કંપોઝ કરેલી ગાલિબની ગઝલો પછી કેસેટ-સીડી સ્વરૂપે રિલીઝ થઇ હતી અને એનું ધૂમ વેચાણ થયું હતું. નવી પેઢીની ગાલિબ વિશે જે જાણકારી બની છે એમાં એ સંગીતનો પણ મોટો રોલ છે.

સાયગલ, મેહદી હસન, બેગમ અખ્તર, લતા મંગેશકર, એહમદ હુસૈન-મોહમ્મદ હુસૈન, ગુલામઅલી જેવા ટોચના ગાયકો સહિત અનેક ગાયકોએ ગાલિબની રચના ગાઈ છે. એ રીતે ઉત્તરોત્તર ગાલિબ લોકો સુધી પહોંચતા રહ્યા છે. ગઝલગાયકોમાં તો ગાલિબની રચના ગાવી એ સ્ટેટસ ગણાય છે.

કલ્પનાને નહીં અનુભવોને શાયરીમાં ઉતાર્યા

મિર્ઝા ગાલિબ અગાઉની શાયરી ઇશ્ક-આશિકી, શરાબ-શબાબ, ઝુલ્ફ -કમર જેવા શૃંગાર તેમ જ અધ્યાત્મના કેટલાક ટિપિકલ એટલે કે ઢાંચાઢાળ કલ્પનોમાં સેટ થઈ ગઈ હતી. ગાલિબે જ સૌ પ્રથમ માનવ મનના વિવિધ ભાવોને શાયરીમાં ઉજાગર કર્યા. માનવ મનના કેટલાંક સૂક્ષ્મ ખયાલાતને એ રીતે ઉજાગર કર્યા કે એ અગાઉ કોઈ કવિ એવું કરી શક્યા નહોતા. રોજબરોજનાં જીવનની પરેશાનીઓ અને પેચીદાં દર્દોને ગાલિબે ગઝલમાં ઉતાર્યાં. માણસની લાચારીને તેણે શાયરીનું અંગ બનાવી. ગાલિબની વિશેષતા એ હતી કે નિરાશાવાદને પણ બૌદ્ધિક ચમત્કૃિત સાથે રજૂ કરતા હતા. એમાં ગૂઢાર્થ રહેતો હતો, માત્ર લાચારી નહીં, જેમ કે,

ગાલિબનો શેર છે –

આહ કો ચાહીયે ઇક ઉમ્ર અસર હોને તક,
કૌન જીતા હૈ તેરી ઝુલ્ફ કે સર હોને તક.

આ જ ગઝલનો આગળનો શેર જુઓ,

દામ-એ-હર-મૌજ મેં હૈ હલ્કા-એ-સદ-કામ-એ-નહંગ
દેખેં ક્યા ગુજરે હૈ કતરે પે ગુહર હોતે તક

દરિયામાં જે મોતી પાકે છે એ એક દરિયાના એક ટીપામાંથી જ તૈયાર થાય છે. હવે ગાલિબની શેર ગહેરાઈ જુઓ ગાલિબ કહે છે કે દરિયાના પ્રત્યેક મોજા (દામ-એ-હર-મૌજ) જાણે વિકરાળ દૈત્યની જેમ સાંકળ બનાવીને (હલ્કા-એ-સદ-કામ-એ-નહંગ) ત્રાટકી રહ્યા છે. હવે જોવાનું છે કે ટીપું (કતરે) મોતી (ગુહર) બને ત્યાં સુધીમાં એના પર કેટલું વિતે છે.

પરવત-એ-ખુર સે હૈ શબનમ કો ફના કી તાલિમ
મૈં ભી હઁૂ એક ઇનાયત કી નજર હોને તક

ગાલિબ પ્રિયતમાને ઉદ્દેશીને કહે છે, સૂરજના પહેલા કિરણ(પરવત-એ-ખુર )થી ફના થઈ જવાની ઝાકળ(શબનમ)ને તાલીમ મળી છે. જેવો તમે મને એ ઇનાયતભરી નજરે જોશો એવો તરત હું ફના થઈ જઇશ. – પ્રેમને આટલી બારીકાઈથી કદાચ જગતના મહાન પ્રેમીઓએ પણ નહીં જોયો હોય.

સમાજનો બૌદ્ધિક વર્ગ જ્યારે શેર-શાયરીથી અસ્પૃશ્યતા પાળતો હતો ત્યારે ગાલિબે ગઝલને એ ઇન્ટેલેક્ચ્યુઅલ ગરિમા આપી કે એ વર્ગ પણ એમાં રસ લેતો થયો. આવું અગાઉ થયું નહોતું. તેના કેટલાક શેરો વાંચો તો લાગે કે આ તો કોઇ શાયરે નહીં પણ મનોવૈજ્ઞાનિકે રચ્યા લાગે છે, જેમ કે, ગાલિબનો શેર છે …

દર્દ મિન્નત કશે-દવા ન હુઆ,
મૈં ન અચ્છા હુઆ બુરા ન હુઆ.

હવે આ શેરનું ઊંડાણ જુઓ, કવિ કહેવા માગે છે કે 'દવા દર્દનો ઉપચાર ન કરી શકી કે ન તો મિન્નત (માનતાઓ) કામ લાગી. હું સારો ન થયો ને ખરાબ પણ ન થયો.'

હવે આ જ શેરમાં સમાયેલો બીજો અર્થ જુઓ, 'દવા દર્દનો ઉપચાર ન કરી શકી કે ન તો માનતાઓ કામ લાગી. – હું સારો ન થયો એ ખરાબ નથી થયું.' દરેક વ્યક્તિ ગાલિબની શાયરીમાંથી પોતાના સંજોગો અને સમજ અનુસાર અર્થ તારવી શકે.

આ જ ગઝલનો બીજો શેર જુઓ.
કિતને શીરીં હૈ તેરે લબ કે – રકિબ,
ગાલિયઁા ખા કે બેમઝા ન હુઆ,

તારા હોઠની મીઠાશ એવી છે કે તે દુશ્મનને ગાળો દીધી એ છતાં પણ તેને એ મીઠી લાગી.

સમયને અતિક્રમી ગયેલો શાયર 

કોઈ પણ રચના-સાહિત્યનું ખરું પાણી એનાં ભવિષ્યનાં વર્ષોમાં મપાતું હોય છે. 'જાને ભી દો યારો' આજે સિનેમાની સિમાસ્તંભ સમાન ફિલ્મ ગણાય છે પણ જ્યારે રિલીઝ થઈ ત્યારે સરિયામ નિષ્ફળ નીવડી હતી. આજે 'જાને ભી દો યારો' ફિલ્મ પર સેમિનાર અને વર્કશોપ્સ થાય છે, તેથી કોઇ કૃતિ કેટલી દમદાર છે એ જ્યારે બહાર પડે છે ત્યાર કરતાં એનો ભવિષ્યનો સમય એની કાળજયિતા નક્કી કરતો હોય છે. મિર્ઝા ગાલિબ સાથે પણ એવું જ થયું હતું. ગાલિબ વિશે કહેવાય છે કે તે પોતાના યુગમાં જ અનેક યુગને સંકોરી બેઠેલા શાયર હતા. ગાલિબ તેમના સમયમાં એટલા ઓળખાયા નહોતા પણ તેમના ગયા પછી તેમની ઓળખ દિલ્લીના કુતુબમિનાર જેવી એટલે કે બુલંદ બની હતી. ગાલિબની મજા એ છે કે બસ્સો વર્ષે પહેલાં તેમણે લખેલી રચનાઓ આજે વાંચો તો એમ જ લાગે કે આ તો આજના સમયનું બયાન છે. આજથી પચાસ વર્ષ પછી પણ જે વાંચશે એને એવું લાગશે કે આ તો અત્યારના સમયનો દસ્તાવેજ છે.

તેમની રચનાઓના કેન્દ્રમાં 'વ્યક્તિ' છે. એ વ્યક્તિ પણ કોઈ દેવત્વ કે આદર્શ સાથે નથી પણ ઇન્સાનના રૂપે જ છે. બીજી વાત એ કે ગાલિબના શેરો સવાલ ઉઠાવે છે. દુનિયાના તમાશા પર સવાલ ઉઠાવે છે, પોતાના યુગ પર સવાલ ઉઠાવે છે. વિચારમાં જો ભવ્ય ઊંડાણ હોય અને એ વિચાર કાળને અતિક્રમીને જોઈ શકતો હોય તો એ વિચાર કોઈ પણ ભાષાનો હોવા છતાં જગતમાં પહોંચે છે. કબીરે જે બોલીમાં દોહા રચ્યા હતા એ બોલી હવે બોલાતી નથી પણ કબીરની રચનાઓ કાળને ચીરીને સમય વચ્ચે અણનમ ઊભી છે. ગાલિબ વિષે પણ એ જ વાત સાચી ઠરે છે.

વાયા મસ્તક, હૃદય તરફ ગયેલો શાયર

ભારતમાં મિર્ઝા ગાલિબનાં નામની પોસ્ટલ સ્ટેમ્પ રજૂ થઈ છે. પાકિસ્તાનમાં પણ ગાલિબનાં નામની સાથે પોસ્ટલ સ્ટેમ્પ અને ફર્સ્ટ ડે કવર રિલીઝ થયાં છે. તકલાદી પરંપરાઓ અને તકવાદી માન્યતાઓને ગાલિબે અડફેટે લીધી હતી. ધાર્મિક જટિલતાઓનો તેણે વિરોધ કર્યો હતો અને માનવતાવાદી દૃષ્ટિકોણ પર ભાર મૂક્યો.

શાયર નિદા ફાઝલી કહે છે કે, "ગાલિબ એવા પહેલા શાયર હતા જેમણે સાંભળેલી માન્યતાઓ અને પરંપરાગત મૂડ પ્રમાણે રીતે રચાતી ગઝલને આધારે નહીં પણ જીવેલા પ્રસંગો અને સંજોગોમાંથી શાયરી સર્જી હતી.

ગાલિબ ભારતવર્ષની મોટી ઉપલબ્ધિ છે, તેમની ભાષા ઉર્દૂ હતી પણ તેઓ ઘરેણું તો સમગ્ર હિંદુસ્તાનનું છે. ભારતની ભાગ્યે જ કોઈ ભાષા હશે જેમાં ગાલિબની રચનાઓ ન ઝિલાઈ હોય.

ગુજરાતી કવિ શોભિત દેસાઈનો ઉર્દૂ શાયરીનો ઊંડો અભ્યાસ છે. તેઓ મિર્ઝા ગાલિબ વિશે વ્યાખ્યાનો આપે છે. એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે "ઉત્ક્રાંતિની તવારિખ તપાસીએ તો માનવનો વિકાસ મસ્તિષ્ક તરફનો રહ્યો છે. હૃદય લાખ વર્ષ પહેલાં પણ એવું જ હતું જેવું આજે છે. ગાલિબ એટલે જ લોજિશ્યનના લિબાસમાં ગઝલમાં વિહર્યા. ગાલિબની કૂચ મસ્તકના માઇલસ્ટોનને સર કર્યા બાદ હૃદય સુધી પહોંચવાની રહી."

ગાલિબનો કાળ હિંદુસ્તાનના ઇતિહાસનો એ કાલખંડ હતો જ્યારે મુઘલિયા સલ્તનતના કાંગરાઓ તૂટી રહ્યા હતા, તેમની પરંપરાઓ તૂટી રહી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની દેશમાં પોતાનો વિસ્તાર ફેલાવી ચૂકી હતી. તેથી આ યુગપલટાની દૃષ્ટિએ પણ ગાલિબની રચનાઓનો અભ્યાસ અગત્યનો બની રહે છે.

૨૭ ડિસેમ્બર, ૧૭૯૭માં આગરામાં જન્મેલા અસદ ઉલ્લાહ ખાં 'ગાલિબ' ૧૩ વર્ષની ઉંમરે દિલ્લી ગયા અને પછી તેમના ઇન્તેકાલ સુધી દિલ્લીમાં જ રહ્યા. તેમના જીવનની તવારીખ પર નજર કરીએ, તેમના પિતા અબ્દુલ્લાબેગ ખાં અને દાદા કુકાનબેગ ખાં હતા. ૧૮મી સદીના મધ્યમાં તુર્ક કુકાનબેગ પોતાનાં વતન સમરકંદથી હિંદુસ્તાન આવ્યા હતા. શાહઆલમ બીજાને ત્યાં સિપાઈ તરીકેની નોકરી કરી હતી, ત્યાં એ પચાસ ઘોડેસવારોના નાયક બન્યા હતા. પછી જયપુરનાં સૈન્યમાં જોડાયા હતા. છેલ્લાં વર્ષોમાં આગ્રામાં સ્થાયી થયા હતા. પિતાની જેમ અબ્દુલ્લાબેગે પણ સૈન્યમાં નોકરી કરી હતી. ગાલિબના કાકા નસરૂલ્લાહ બેગ પણ મરાઠાઓનાં સૈન્યમાં હતા.

ગાલિબના પિતા લખનૌમાં નવાબ આસિફુદ્દૌલાના સૈન્યમાં હતા. એ પછી હૈદરાબાદના નવાબ નિઝામઅલી ખઁાને ત્યાં સિપાઈ હતા. છેલ્લે અલવરમાં રાવરાજા બખ્તાવરસિંહની નોકરી કરી હતી, એ દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. જમીનદારોના ઉપદ્રવ સામે રાજાએ મોરચો માંડયો એમાં લડતાં લડતાં તેઓ ગુજરી ગયા હતા હતા. ૧૮૦૨માં તેઓ ગુજરી ગયા ત્યારે ગાલિબની ઉંમર પાંચ વર્ષ હતી. એ પછી ગાલિબ તેમના કાકા નસરૂલ્લાહ પાસે રહ્યા. કાકા તેમને ખૂબ લાડ કરતા હતા પણ કુદરતનો ખેલ ન્યારો હતો. ૧૮૦૬માં કાકા પર હાથી પડયો અને તેઓ ગુજરી ગયા હતા. મતલબ કે માત્ર દશ વર્ષની ઉંમરે ગાલિબે બીજી વખત 'બાપ' ગુમાવ્યા હતા. એ પછી તેઓ પોતાની નાનીને ત્યાં રહેવા આવી ગયા હતા. કાકા ગુજરી ગયા પછી મહારાવ બખ્તાવરસિંહે અંગ્રેજ સરકારના લોર્ડ લેકને ભલામણ કરી એટલે ગાલિબના પરિવારને વર્ષે રૂપિયા દશ હજારનું માતબર પેન્શન આપવાનું મંજૂર થયું, જો કે એક જ મહિનામાં પેન્શનની રકમ અડધી થઈ ગઈ હતી, એમાંથી પણ બે હજાર કોઈ ખ્વાજા હાજી નામના શખ્સને મળતા હતા, તેથી ગાલિબના પરિવારને તો વર્ષે ૩,૦૦૦ જ મળતા હતા. ગાલિબની માતા શ્રીમંત પરિવારનાં હતાં, તેથી માતા જીવતાં હતાં ત્યાં સુધી કુટુંબને કોઇ આર્થિક તકલીફ પડી નહોતી.

૧૩ વર્ષે લગ્ન

તેર વર્ષની ઉંમરે ગાલિબનાં લગ્ન દિલ્લીના એક ખાનદાની નવાબ ઇલાહી બખ્શ ખાન 'મારૂફ'ની દીકરી ઉમરાવ બેગમ સાથે થયાં હતાં. ઉમરાવ બેગમની ઉંમર ૧૧ વર્ષ હતી. લગ્ન પછી ગાલિબ ૧૮૧૨-૧૩માં દિલ્લી જતા રહ્યા હતા. ગાલિબના પૂર્વજો સિપાઈ હતા, તેથી ગાલિબ આમ તો સિપાઈબચ્ચા હતા પણ રવાડે ચડી ગયા શાયરીને. તેઓ આગરામાં હતા ત્યારે ૧૧ વર્ષની ઉંમરે જ શાયરી લખવાની શરૂ કરી દીધી હતી. ફારસીના મશહુર શાયર 'બેદિલ'ની તરજ પર તેમણે કેટલીક રચનાઓ રચી હતી, જેમાં રચનાવલી ફારસી ઢબની હતી. પંદરથી પચ્ચીસ વર્ષના ગાળા દરમ્યાન ગાલિબને ભાન થયું કે મારી અગાઉની કેટલીક રચનાઓ પેચીદી હતી તેથી તેમણે જ એ કેટલીક રચનાઓ રદ કરી હતી.

ગાલિબ દિલ્લી આવી ગયા, પરણી ગયા પણ નભતા તો પેન્શનને ટેકે જ હતા. અધૂરામાં પૂરુંં અંગ્રેજ સરકારનું પેન્શન પૂરેપૂરુંં મળતું નહોતું. એ સિલસિલામાં ગાલિબે એક અરજી કલકત્તામાં કરી હતી, જેની સુનાવણી માટે તેઓ બે વર્ષ કલકત્તા રહ્યા હતા, છતાં પેન્શન મામલે તેમને કોઈ રાહતવાળો જવાબ મળ્યો નહોતો. અધૂરામાં પૂરુંં ગાલિબનો નાનો ભાઈ યુસુફ જેના પ્રત્યે ગાલિબને ખૂબ પ્રેમ હતો તે માનસિક રીતે વિક્ષિપ્ત થઈ જતાં તેના પરિવારની જવાબદારી ગાલિબને માથે આવી ગઈ હતી.

મતલબ કે બાળપણ પૂરેપૂરુંં ઠાઠમાઠથી વિતાવનાર ગાલિબની માથે જોખમ અને જવાબદારી એક સામટાં ત્રાટક્યાં હતાં.

૧૮૫૭નો વિપ્લવ અને ગાલિબ

દિલ્લી આખરી મુઘલિયા સલ્તનત હતી, તેના નવાબ બહાદુરશાહ ઝફર પોતે શાયર હતા અને કલાના કદરદાન હતા. તેમના ઉસ્તાદ શેખ ઇબ્રાહીમ ઝોકનું ૧૮૫૪માં નિધન થતાં તેમણે ગાલિબને ઉસ્તાદનો દરજ્જો આપ્યો હતો, તેમણે ગાલિબને મુઘલવંશનો ઇતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું અને ખિતાબોથી નવાજ્યા હતા. ગાલિબને માસિક વેતન મળતું હતું, જો કે એ સુખના દાડા પણ લાંબુ ટક્યા નહીં. ૧૮૫૭માં વિપ્લવ થયો અને પરિસ્થિતિ પલટાઈ ગઈ. ગાલિબને મળતું બહાદુરશાહ ઝફરનું માસિક વેતન અને અંગ્રેજ સરકારનું પેન્શન બંધ થયું. ૧૮૫૭ પછી ગાલિબની લાઇફમાં પરેશાનીઓએ ઘેરો ઘાલ્યો હતો. ૧૮૫૭ના વિપ્લવને પગલે અંગ્રેજ સેનાએ દિલ્લીમાં કાળો કેર વર્તાવ્યો હતો, એ જ દિવસોમાં ગાલિબના ભાઈનું મોત થયું અને તેમના જનાજાને તેઓ કાંધ પણ ન આપી શક્યા. ગાલિબની સગી બહેનનો મોટો દીકરો આશૂર બેગ પોતાના દીકરા સાથે અંગ્રેજોની ગોળીઓનો શિકાર બન્યો. ગાલિબના ઘણા સંબંધી, દોસ્તો માર્યા ગયા. કેટલાકને ફાંસીએ લટકાવાયા, કેટલાક દિલ્લી છોડીને ચાલ્યા ગયા, ગાલિબ એકલા-અટૂલા રહી ગયા હતા. એ વખતની તેમની માનસિક પરિસ્થિતિ તેમણે લખેલા પત્રોમાં ઝળકે છે. એક પત્રમાં તેઓ લખે છે … મેરા હાલ ખુદા કે અલાવા કોઈ નહીં જાનતા. કહને કો હર કોઈ ઐસા કહ સકતા હૈ, મગર મૈં અલી કો ગવાહ કર કે કહેતા હું કે ઈન મૃતકો કે શોક મેં ઔર જીવિતોં કે બિછડને કે દુઃખમેં સારી દુનિયા મેરે લિયે અંધકારમય હૈ. યહાં અમિર ઔર ખાતેપીતે લોગોં કે બીવી-બચ્ચે ભીખ માગતે ફિરે ઔર મેં દેખું, ઇસ મુસીબત કો બર્દાશ્ત કરને કે લિયે જિગર ચાહીયે. ઇતને યાર મરે કિ અબ જો મૈં મરું તો કોઈ રોનેવાલા ભી ન હોગા. ગાલિબનાં જીવનના છેલ્લાં વર્ષો ખૂબ ખરાબ રહ્યાં. સાંભળવાની શક્તિ જતી રહી હતી. બીમારીઓએ ગાલિબને ઘેરી લીધા હતા.     

છેલ્લા દિવસો

ગાલિબના અંતિમ દિવસો વિશે વર્ણન કરતાં તેમના શાગિર્દ અલ્તાફ હુસૈન હાલીએ લખ્યું હતું કે "મોતના થોડાં વર્ષ અગાઉ તેમનું ચાલવાનું સાવ બંધ થઈ ગયું હતું. મોટે ભાગે પલંગ પર જ પડયા રહેતા હતા. ખોરાક ઓછો થઈ ગયો હતો. એવી પરિસ્થિતિમાં પણ તેઓ પત્રના જવાબ આપતા હતા. પોતે લખતા અથવા તો કોઈને બોલાવીને તેમની પાસે લખાવતા હતા. જે દિવસે એમનું નિધન થયું એના એક દિવસ અગાઉ હું તેમને મળવા ગયો હતો. એ દિવસે તેમની તબિયત સારી વર્તાતી હતી. નવાબ અલ્લાઉદ્દીન ખાને મોકલેલા પત્રનો તેઓ જવાબ લખાવી રહ્યા હતા. તેમણે ગાલિબના ખબરઅંતર પૂછયા હતા. જવાબમાં ગાલિબે ફારસીનો એક શેર લખાવ્યો હતો અને એક વાક્ય લખાવ્યું હતું. વાક્ય હતું, "મેરા હાલ મુજસે ક્યા પૂછતે હો, એકાધ રોજ મેં પડોશિયોં સે પૂછના.' એના બીજા દિવસે ગાલિબે જન્નતની હકીકત જાણવા દુનિયાને અલવિદા કહી દીધી હતી. ૭૧ વર્ષ ૧ મહિનો અને ૨૦ દિવસ તેઓ જીવ્યા હતા.

e.mail : tejas.vd@gmail.com

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 09 ડિસેમ્બર 2015

http://www.sandesh.com/article.aspx?newsid=3195273

Loading

એક નાનકડી કીડી

‘બાબુલ’|Poetry|9 December 2015

તોફાની વરસાદ
અને એક નાનકડી કીડી

અચાનક આરંભાયેલા તાંડવમાં
ખોવાયેલી કીડીનાં
લીલાંછમ પગલાં
ઘરડા ઓકનાં પીળચટ્ટાં  પાન પર
તરતાં તરતાં નદીએ પહોંચ્યાં

કીડી વિહોણાં પગલાંથી
ઉશ્કેરાયેલી બ્હાવરી નદી
ઘરેલું વહેણ –
કિનારા છોડી
કીડી શોધવા દોડી

પ્રવેશ્યા જો  પાણી
શણગારાયેલી બારીઓમાં
પછી બુઝી  રોશની:
કોઈક વાસી  છાપું – કીડીનો તરાપો
સમાચાર: હવા ભરેલી હોડી

હાલક ડોલક વાડી ફળિયાં
ડૂબું  ડૂબું શેરી બજાર
ને બાર ગાઉ અંધાર
ઉપર પાણી કાળું
છાપ્યું એક મથાળું

તોફાની વરસાદ
અને એક નાનકડી કીડી

Loading

હું અને મારું ભારત : ગઈકાલ, આજ અને આવતીકાલ

શરીફાબહેન વીજળીવાળા|Opinion - Opinion|8 December 2015

ગઈકાલ અને આવતીકાલ વિશે કંઈ પણ કહેતા પહેલાં હું મારી ઓળખ આપવી જરૂરી સમજું છું. હું મારી જાતને પ્રથમ ક્રમે માણસ, બીજા ક્રમે ભારતીય અને ત્રીજા ક્રમે શિક્ષક માનું છું. અને આ ત્રણ સિવાયની અન્ય કોઈ જાતિ કે ધર્મ વિષયક ઓળખ મને મંજૂર નથી. મારી ઓળખમાં જ મારા કર્મ અને ધર્મ બંનેનો સમાવેશ થઈ જાય છે.

 આ વિશાળ દેશ, એની ભાતીગળ પ્રજા, વિવિધ ભાષાઓ, ઉત્સવો, ધર્મો, રીતરિવાજો, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાઓ … અને છતાં ય એમાં વસનારા માનવીઓમાં કેટલું તો સામ્ય? અભાવની કોઈ ફરિયાદ કર્યા વગર જીવ્યે જતી આ દેશની પ્રજાએ હંમેશાં ‘સર્વ’નો વિચાર કર્યો હતો. આ દેશની પ્રજાએ હંમેશાં અજાણ્યાને આવકાર આપ્યો છે. પડોશીને પ્રેમ કરતી આ પ્રજાએ મંદિર કે મસ્જિદ કરતાં થાનક કે દરગાહને વધુ મહત્ત્વ આપ્યું છે. પોતાના ધર્મ જેટલા જ આદર સાથે આ દેશના વાસી બીજા ધર્મનો પાઠ કરતા. આ મહાદેશને, એની પચરંગી પ્રજાને પરસ્પર બાંધી રાખતું તત્ત્વ ધર્મ કદી ન હતું. એ સંસ્કૃિત છે જેણે આ દેશની પ્રજાઓને કાયમ જોડવાનું કામ કર્યું છે. હું એ ભારત દેશની વતની છું જ્યાં સંસ્કૃિત કાયમ ધર્મથી ઉપર મનાતી. જ્યાં નદીઓ, દરિયા, પર્વતો, દિશાઓ, વૃક્ષો જેવાં કુદરતી તત્ત્વોની પૂજા કરતી પ્રજા પોતાને ગંગાના, નર્મદાના, હિમાલયના સંતાન તરીકે ઓળખાવતી. જે પ્રજાના સદ્દભાવ, સૌહાર્દ અને સહિષ્ણુતાના દાખલા દેવાતા. જેનાં સંગીત, સ્થાપત્ય, કસબ અને કારીગરી દુનિયાભરમાં વિખ્યાત હતાં. જેની ભૌતિક અને નૈસર્ગિક સમૃદ્ધિ દુનિયાભરની પ્રજાઓને પોતા તરફ ખેંચતી. મન-હૃદયની સહજતા અને ઉદારતા હોય તો જ ‘કામસૂત્ર’ જેવા ગ્રંથની સમાંતરે કોણાર્ક કે ખજૂરાહોની ભવ્ય રમણિયતાના દર્શન થાય. ઋષિઓના આશ્રમો પછી અહીં તક્ષશિલા, નાલંદા કે વલ્લભી જેવી વિદ્યાપીઠોમાં ચોદિશથી લોકો જ્ઞાનપ્રાપ્તિ માટે આવતા હતા. મારા દેશની આ ગઈકાલ, એના ભવ્ય વારસાનો મને ગર્વ છે. આ સાંસ્કૃિતક ધરોહર, હજારો સદીઓના આ ઇતિહાસ, જ્ઞાનના અખૂટ ભંડારોની હું વારસદાર છું એનું મને અભિમાન છે.

પણ હું મારી ‘આજ’નું શું કરું જે ધરાર મને આ દેશની માનવા તૈયાર નથી ? દરેક ક્ષણે મારી ભારતીયતા પુરવાર કરવાની લાચારીનું શું કરું ? કોણે ક્યાં જન્મ લેવો એ તેના હાથની વાત નથી. મને મારા ભારતીય હોવા પર ગર્વ છે તો ‘શરીફા’નામ બદલ લેશમાત્ર અફસોસ નથી પણ એ નામ બદલ હજારો વર્ષના ઇતિહાસનો ભાર મારા ખભા પર ખડકનારાઓનું હું શું કરું ? મારી દેશભક્તિ પર મન થાય ત્યારે શંકા કરી લેનારાઓનું શું કરવું ? વાત ‘હું અને મારું ભારત’ છે એટલે લાખ કોશિશ કરીશ તોયે આ ‘હું’ તો ધરાર વચ્ચે આવશે જ.

મારા માટે ભારત શું છે ખબર છે? જ્યાં શીતળા માતાને પગે લાગતા, રામલીલામાં ભાગ લેતા, દુર્ગાની કે ગણપતિની મૂર્તિ બનાવતા, અમરનાથના પવિત્ર લિંગની પૂજા કરતા મુસ્લિમો છે, જ્યાં તાજિયાને પાણી પીવડાવતા, અજમેર શરીફની બાધા લેતા હિન્દુ છે, જ્યાં શિરડી કે જલારામના વીરપુર જવામાં કોઈ ધર્મનો બાધ નડતો ન હોય, જ્યાં નવરાત્રિ-દિવાળી-હોળી કે પતંગના પેચમાં રોજીરોટી મહત્ત્વની હોય, ધર્મ નહીં. જે દેશમાં મીર, ગાલિબ, મઝહબ કે શહરયારને, મહંમદ રફી, નૌશાદ, દિલીપકુમાર કે વહિદા રહેમાનને ચાહવામાં ધર્મ જરાય નડતો ન હોય એ મારું ભારત. સાવ નજીકના ભૂતકાળ સુધી એ એવું જ હતું. જે પ્રજાએ કાયમ સહિયારી સંસ્કૃિતનાં ફળ ચાખ્યા હતાં, ધર્મને ઘરના ઉંબરાની અંદર જ રાખ્યો હતો, એ પ્રજા ધર્મના નામે વહેંચાઈ એ બિંદુથી જ હું વાત માંડું તો કંઈક આવું કહેવાનું મન થાય :

આઝાદી સમયે થયેલી વરવી કત્લેઆમ અને દેશના ભાગલા છતાં એ વેળાએ અને પછીના દસ-પંદર વર્ષો સુધી દેશમાં શુદ્ધ ભારતીયોની જમાત, લોકનેતાઓની જમાત ખાસ્સી પ્રભાવશાળી હતી. દેશના વાતાવરણમાં, રાજકીય નેતાગીરીમાં હજી ગાંધીમૂલ્યોનો પ્રચંડ પ્રભાવ હતો. સાધ્ય માટે સાધનશુદ્ધિનો આગ્રહ હજુ બાજુ પર હડસેલાયો ન હતો. મૂલ્યહ્રાસનો યુગ બસ શરૂ જ થઈ રહ્યો હતો. ગાંધીના પ્રભાવે જે સો ટચના સોના જેવા માણસો ઘડ્યા હતા એ દેશના લગભગ તમામ ક્ષેત્રે સક્રિય હતા. પ્રજાનો પરસ્પર પરનો વિશ્વાસ હજુ નંદવાઈ નો’તો ગયો. પ્રજા પોતાના પડોશીઓથી ભડકતી ન હતી, પરંતુ ’70 પછી ઘરઆંગણાની કુટિલ રાજનીતિએ અને વિશ્વઆંગણે પલટાયેલી પરિસ્થિતિએ પ્રજાકીય સ્તરે આપણને સાવ બદલી નાખયા. જવાબદાર પરિબળો તો અનેક છે પણ પરિણામ માત્ર એક જ આવ્યું. આપણે સર્વધર્મ સદ્દભાવ, સમાદર, સહિષ્ણુતા, સાધનશુદ્ધિનો આગ્રહ – બધું જ ખોઈ બેઠાં. ભારતીય તરીકેની ઓળખ ગુમાવીને નાના નાના સંપ્રદાયો, વાડાઓમાં જઈ બેઠાં. અમારી આધ્યાત્મિકતા અચાનક જ ધાર્મિકતામાં વટલાઈ ગઈ. સાવ નજીકના ભૂતકાળ સુધી લગભગ દરેક ઘરમાં ડ્રાઇવર, ઘોડાગાડીવાળા કે ચોકીદાર તરીકે મુસ્લિમો જ કામ કરતા. પ્રામાણિકતા અને વફાદારીની મિસાલ ગણાતી આ પ્રજાને આજે ન તો કોઈ પડોશમાં ઘર આપે છે, ન એને એની લાયકાત પ્રમાણે નોકરી મળે છે. પરસ્પર પરનો વિશ્વાસ આપણે ક્યાં ખોયો તેની તપાસ કરવાને બદલે આપણે એકમેકથી અલગ રહેતા થયા, અલગ મહોલ્લાઓ, અલગ વિસ્તારો … એટલે હું એવું કહીશ કે ગઈકાલે તો માત્ર એક જ પાકિસ્તાન બન્યું હતું પણ આજે તો હું અને તમે ન જાણે કેટલા પ્રકારના પાકિસ્તાનો બનાવી બેઠા છીએ ! આજે હવે રામ-રહીમનગર નથી બનતા, ગઈકાલ જેવી વસંત-રજબની જોડી નથી બનતી, એ મારા દેશની વર્તમાન વસમી વાસ્તવિકતા છે.

હું સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામડામાં મોટી થઈ, જ્યાં ધર્મ ઘરના ઉંબરાની માલીપા રહેતો. ગુરુકુળમાં ભણવાને કારણે મને હોમ-હવન, હનુમાનચાલીસા, ગાયત્રીમંત્ર કે મધુરાષ્ટકમ્, ભજનો, આરતી બધું જ જીભના ટેરવે …. બારમા ધોરણ સુધી કોઈના પણ ઘરે કથા હોય તો ભજનો ગાવા જતી, મારા ગામની સ્ત્રીઓને બોળચોથ, નાગપાંચમ, શીતળાસાતમની વાર્તાઓ કહી સંભળાવતી. રામાયણ, મહાભારત કે ભાગવત … બધું કાયમ પોતીકું જ લાગતું, શુદ્ધ શાકાહારી, કપાળમાં પાવલી જેવડો ચાંદલો … પણ થયું શું ? નામ નડ્યું જ. હાથમાં રોકડા પૈસા હોવાં છતાં સુરત શહેરના દરેક ખૂણે મારા માટે નર્યો નકાર જ સંભળાયો : તમને આપીએ તો અમારા બીજા ફલેટ્સ ન વેચાય’, ‘તમારા વિસ્તારમાં લો ને …., ‘નામ બદલી લો ને …’ જવાબો જુદા જુદા હતા પણ અર્થ એક જ હતો. હું તમારા બાળકોને ભણાવી શકું, જિંદગીનો રસ્તો દેખાડી શકું, રામાયણ-મહાભારત પર વ્યાખ્યાન આપી શકું, પણ તમારા પડોશમાં રહી ના શકું. કેમ ? હું માત્ર માણસ હોઉં, ભારતીય હોઉં તો મારે કોઈ અલગ વિસ્તારમાં શા માટે જવું પડે ? માણસ તરીકેની મારી ધારણાના પાયા હચમચી ગયેલા. મારું વજૂદ તળે ઉપર ગયેલું. મેં તમામ તાકાતથી ઇતિહાસને મારા ખભા પરથી ખંખેરવા કોશિશ કરેલી, પણ થયું શું ? હું વ્યક્તિ બનવા ગઈ, નરી માનસ બનવા મથી, પણ પરિણામ તો સમૂહ તરીકે જ વેઠવાનું આવ્યું. મારા વર્તનના માહોલે મને સમજાવ્યું કે હવે આ દેશને નર્યા માણસનો ખપ નથી. મારા દેશની ગઈકાલ તો ગંગાજમુનાની સંસ્કૃિતને સ્વીકારાતી હતી, પ્રજાના હૈયાઓના સહિયારા ગીતને એના સહજીવનના મીઠાં ફળને માનતી હતી પણ મારી ‘આજ’ એને નકારે છે. માત્ર ટીલાં-ટપકાં, દાઢી-ચોટી, ધોતી-ટોપી જેવાં બાહ્ય કર્મકાંડો પૂરતી સીમિત થઈ ગયેલ ધર્મની સમજ મહાઆરતી કે નમાજને બહાને અમે બજારોમાં ઉછાળી રહ્યા છીએ. ધર્મનાં સત્ત્વ કે તત્ત્વને વિસારે પાડીને, ધર્મના નામે પ્રજાને બહેકાવતાં તત્ત્વો મારા દેશની આવતીકાલને ધૂંધળી બનાવી રહ્યાં છે. ‘હદીસ’ ફરમાવે છે : “તુમ દૂસરોં કે ખુદા કો બૂરા ના કહો તાકિ વહ તુમ્હારે ખુદા કો બૂરા ન કહે. તુમ દૂસરોં કે મઝહબ કો …’ પણ મારી આસપાસ આજે બધા પોતપોતાના ધર્મને ચડિયાતો પુરવાર કરવાની ઘેલછામાં પડ્યા છે. આ દેશને આજે જરૂર છે એક તાંતણે બાંધનારી સંસ્કૃિતની સર્વોપરિતા ફરી પ્રસ્થાપિત કરનારા લોકનેતાની, વિચારોની આગમાં પાણી રેડનારી જીભોની, તમામ ભેદભાવોથી ઉપર ઊઠીને માત્ર દેશ માટે વિચારનારા થોડાક કોઠા ડાહ્યાઓની આજે બહુ જરૂર છે.

મારા દેશમાં શિક્ષણ કદી પણ માહિતી પાસે અટકી જવામાં નો’તું માનતું. માહિતીથી જ્ઞાન અને જ્ઞાનથી ડહાપણ – એ જ શિક્ષણનું ધ્યેય હતું. પણ આજે તો માહિતી પાસે અટકી જનારું શિક્ષણ માત્ર સપાટી પર છબછબિયાં કરનારો માસ જ બહાર પાડી રહ્યું છે. ભવ્ય શિક્ષણ સંસ્થાઓની પરંપરા આજે લગભગ આખા દેશમાં ખતમ થવાને આરે છે. શિક્ષણ એક ધંધાદારી પેઢી કે હાડટીમાં ફેરવાતું જાય છે. શિક્ષણક્ષેત્રે કૂવાઓ લગભગ ખાલી છે અને હવાડાઓને ભરવાની કશી પડી પણ નથી. ન તો પ્રજાકીય નિસબત બચી છે, ન એવા લાંબું જોઈ શકે એવા શિક્ષણશાસ્ત્રીઓ બચ્યા છે. આવતીકાલે ટાગોર કે જગદીશચંદ્ર બોઝને પરદેશમાં શોધવા પડે એટલી હદે દેશનું બુદ્ધિધન પરદેશ ઠલવાઈ રહ્યું છે. શિક્ષણ વડે વ્યક્તિત્વ વિકાસવાળી વાત જ કોરાણે મૂકાઈ ગઈ છે. આજે જે દેશનું શિક્ષણ ખાડે જાય તેનું સઘળે ખાડે જાય એટલે જ આવતીકાલની વધુ ચિંતા થાય છે.

મને મારા ઘર, કુટુંબ, સમાજ સાથે માતૃભાષા બાંધે છે. મારા સપનાની ભાષા, વ્યક્ત થવાની ભાષા પણ માતૃભાષા જ છે, પણ દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં આજે બધી જ પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. અંગ્રેજી માધ્યમ પાછળ ઘેલી થયેલી આ પ્રજા આવતીકાલ વિશે વિચારવા જ નથી માગતી, એનું શું કરીશું ?

ગઈકાલ સુધી દીકરીઓ મનફાવે ત્યારે, મનફાવે ત્યાં જઈ શકતી. હું છઠ્ઠા ધોરણ સુધીએ ભવાયા જોઈને મંડપમાં જ સૂઈ જતી ને સવારે જ ઘરે જતી …. સલામતીની કોઈ ચિંતા નો’તી. પણ આજે મહિનાથી લઈને 80 વર્ષની વૃદ્ધા સલામત નથી, એ વરવી અને વસમી વાસ્તવિકતા છે. મારે જો આવતીકાલ ઉજળી જોઈતી હોય તો દરેક ઘરમાં, દરેક મા-બહેન-પિતાએ, દીકરાને, ભાઈને એના દેશના સંસ્કારો યાદ કરાવવા પડશે. કાયદો કશું નહીં કરી શકે. આ બાબત ગાંઠે બાંધીને આપણે પુરુષ માણસને સુધારવા મથવું પડશે. બહેન-દીકરીઓને એમનું સ્વમાન, ગૌરવ, સલામતી મેળવવા સંઘર્ષ ન કરવો પડે એવી આવતીકાલ હું માંગુ.

આજે ‘મારાવાળા’ અને ‘તમારાવાળા’ના વિસ્તરતા જતા વર્તુળો વચ્ચે ‘આપણાવાળા’ની મૂળભૂત સંસ્કૃિત ખોવાઈ રહી છે. માણસ તરીકે, ભારતીય તરીકે બોલવાની આપણી ટેવ અચાનક ક્યાંક પાછળ છૂટી ગઈ અને આપણે એની નોંધ પણ ન લઈએ તો આવતીકાલની ચિંતા ન થાય ? ધર્મને કેમ આપણે અસ્મિતા અને રાષ્ટ્રીયતા સાથે સાંકળી રહ્યા છીએ ? મારી અસ્મિતાને મારી સંસ્કૃિત સાથે નાતો છે, જાતિ-ધર્મ કે પ્રદેશ સાથે નહીં. આપણે શું ઇતિહાસમાંથી એટલું પણ નથી શીખવા માગતા ? ધર્મના નામે વારંવાર ખાંડા ખખડાવતા આજના ટૂંકી સમજ અને ટૂંકી દૃષ્ટિવાળા અસ્મિતાવાદીઓને મારે માત્ર એટલું જ યાદ અપાવવાનું છે કે, “Those who do not learn from history are condemned to repeat it”. આંખની શરમ ગઈ, પરસ્પરનો વિશ્વાસ ગયો, વર્ષોનું સહજીવન ગયું, જીવનમૂલ્યો તળિયે જઈ બેઠાં. છેલ્લા થોડાંક વર્ષોમાં તમામ ક્ષેત્રે આપણે કેટલું ગુમાવ્યું છે એનો હિસાબ માંડીએ તો છાતી બેસી જાય.

છાશ-કેરી ને લીંબુનાં શરબત પીતી મારા દેશની પ્રજા પેપ્સી કે કોકાકોલા પીએ એને હું ઉજળી આવતીકાલ નથી માનતી. ઝળહળતા શોપિંગમોલ પાછળ કરોડોને એક ટંક ખાવા નથી મળતું તે સત્ય ઢાંકી નથી દેવાનું. સચ્ચાઈ, નિષ્ઠા, નમ્રતા, સાદગી, પ્રામાણિકતા – આ બધા કાં તો ગઈકાલના કે પછી નર્યા દેખાડાનાં મૂલ્યો બની ગયાં છે. આજે એટલે મને મારા દેશની આવતીકાલની વધુ ચિંતા થાય છે. વેદ-ઉપનિષદથી લઈને ગઈકાલ સુધી મારા દેશની સાહિત્યકૃતિઓ એટલી માતબર હતી કે એની સામે નોબલ પુરસ્કાર રળેલી કૃતિ નબળી લાગે, પણ એની સરખામણીએ આજકાલ મારા દેશમાં અંગ્રેજીમાં લખનારા ચેતન ભગત કે અમીષ કરોડો કમાય છે. મારા ભારતીય સાહિત્યની આવતીકાલ આ લોકોના હાથમાં ન હોય એવી પ્રાર્થના હું ચોક્કસ જ કરું. દેશની ફળદ્રુપ જમીનો, વનસ્પતિઓ, કુદરતી સ્ત્રોત-ઊર્જા, ખનીજ, પેટ્રોલ વગેરે જાણે કે માત્ર આજ માટે જ હોય એમ આપણે વેડફી રહ્યા છીએ. મારા દેશે તો સર્વોદયની વાત કરી છે. સ્વકેન્દ્રિયતા આપણી ફિતરત તો કદી હતી જ નહીં, પણ આજે માત્ર ‘સ્વ’નો વિચાર કરનારાઓને જોઈને મને આવતીકાલની ચિંતા થાય છે.

કોઈને કદાચ એવું થશે કે મને આવતીકાલ માટે કશી શ્રદ્ધા જ નથી, માત્ર ચિંતા જ છે. ના, એવું નથી. મને આ દેશના આમઆદમીમાં શ્રદ્ધા છે. કીડિયારું પૂરતો, ચબૂતરે ચણ નાખતો, થોડામાંથી થોડું વહેંચતો, પડોશીના દુ:ખે દુ:ખી થતો, હાજી અલી અને તિરુપતિની સાથે બાધા રાખતો આમ આદમી – એની કોઠાસૂઝમાં, એના ડહાપણમાં મને પાકી શ્રદ્ધા છે. સર્વને સમાવતી સંસ્કૃિતનો પ્રતિનિધિ એવો આ આમ આદમી ભલભલા ચમરબંદીને પણ એની જગ્યા દેખાડી શકે છે. મારી શ્રદ્ધા એનામાં છે. આ દેશના બંધારણમાં, એના ન્યાયતંત્રમાં, ધીમેધીમે મજબૂત થતા જતા લોકતંત્રમાં મને વિશ્વાસ છે. મારી આવતીકાલ આશાના આ બધા સ્તંભો વધુ મજબૂત થાય, સલામત રહે એ જ પ્રાર્થના.

‘જનકલ્યાણ’માંથી સાભાર (સપ્રેસ)

સૌજન્ય : “બિરાદર”, વર્ષ – 08; અંક – 03; 15 અૉક્ટોબર 2015; પૃ. 07-10

Loading

...102030...3,7943,7953,7963,797...3,8003,8103,820...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved