Opinion Magazine
Number of visits: 9882527
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આઝાદીનાં ૬૯ વરસ બે દેશ, બે ફિલસૂફી, બે યાત્રા ને બે પરિણામ

રમેશ ઓઝા
, રમેશ ઓઝા|Opinion - Opinion|15 August 2016

પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની એણે ચિંતા કરવાની હતી નહીં. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એ ત્યજી દેવામાં આવે અથવા તો પછી છીનવી લેવામાં આવે. આપણે એ કરી શક્યા છીએ?

આજે [14/08/2016] પાકિસ્તાન ૭૦મો સ્થાપનાદિવસ ઊજવી રહ્યું છે અને આવતી કાલે [15/08/2016] આપણે ૭૦મો સ્વતંત્રતાદિવસ ઊજવીશું. ૧૩ ઑગસ્ટની મધરાતે અવિભાજિત ભારતના મુસલમાનો માટે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું અને ૧૪ ઑગસ્ટની મધરાતે હજારો વરસથી અસ્તિત્વ ધરાવતો ભારત દેશ આઝાદ થયો હતો. અલગ થઈને અસ્તિત્વમાં આવવું અને જૂના અસ્તિત્વને નવી આઝાદી મળવી એમાં ફેર છે. આ ફરક ભારત અને પાકિસ્તાનના આઝાદી પછીના રાજકારણને પ્રભાવિત કરી રહ્યો છે. મુસલમાનો માટે અલગ ભૂમિ તરીકે પાકિસ્તાનની સ્થાપના થવી જોઈએ કે કેમ એ વિશે મુસલમાનોમાં બે મત હતા અને ભારતને સાચી આઝાદી મળી છે કેમ એ વિશે હિન્દુઓમાં બે મત હતા.

૧૯૪૦ના દાયકામાં ભારતના ઘણા મુસલમાનોને એમ લાગતું હતું કે ભારતભરમાં પથરાયેલા ૧૦ કરોડ મુસલમાનો માટે અલગ દેશની સ્થાપના કરવી એ અવ્યવહારુ કલ્પના છે. એટલે તો બહુમતી મુસલમાનોએ પાકિસ્તાન કરતાં ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું. માત્ર ધર્મથી પ્રેરાઈને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એ આસાન નથી. એમાં ભવિષ્યની અનિશ્ચિતતા જોડાયેલી હોય છે એટલે ૧૯૪૭માં ભારતમાંથી એવા મુસલમાનોએ જ સ્થળાંતર કર્યું હતું જેમને જીવ બચાવવા પરાણે જવું પડ્યું હતું અથવા જવામાં તેમનો નિશ્ચિત સ્વાર્થ હતો. ધર્મથી પ્રેરાઈને રાજીખુશીથી પાકિસ્તાન ગયેલાઓની સંખ્યા ઘણી ઓછી હતી.

બીજી બાજુ હિન્દુઓમાં કેટલાકને એમ લાગતું હતું કે ભારતને જે આઝાદી મળી છે એ માત્ર રાજકીય આઝાદી છે, સાચી આઝાદી હજી મળી નથી અને એ મેળવવાની બાકી છે.

હિન્દુઓની ત્રણ જમાત એવી હતી જેમને એમ લાગતું હતું કે ભારતની આઝાદી અધૂરી છે. પહેલી જમાત દલિતોની હતી જેમને એમ લાગતું હતું કે જ્યાં સુધી ભારતમાં સામાજિક અસમાનતાનો અંત ન આવે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી રાજકીય છે. બીજી જમાત સામ્યવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ભારતમાં જ્યાં સુધી શોષણમુક્ત સમાજની રચના ન થાય અને સવર્‍હારા વંચિતોને ન્યાય ન મળે ત્યાં સુધી ભારતને મળેલી આઝાદી અધૂરી છે. ત્રીજી જમાત હિન્દુત્વવાદીઓની હતી. તેમને એમ લાગતું હતું કે ખંડિત ભારતની આઝાદી પણ ખંડિત છે. જ્યાં સુધી અખંડ ભારતની રચના ન થાય ત્યાં સુધી ભારતની આઝાદી અધૂરી રાજકીય છે.

હિન્દુઓની આ ત્રણેય જમાતોએ ૧૯૪૭ની ૧૫ ઑગસ્ટના દિવસે આઝાદી નહોતી ઊજવી અને બીજાં ઘણાં વર્ષો સુધી તેઓ આઝાદીદિન નહોતા ઊજવતા. આ ત્રણ જમાતોમાંથી દલિતોના મનમાં આજે પણ રંજ કાયમ છે અને તેઓ પ્રસંગોપાત્ત ભારતની આઝાદીને નકલી આઝાદી તરીકે ઓળખાવી રહ્યા છે. સામ્યવાદીઓ વરસો વીતતાં ક્ષીણ થઈ ગયા છે એટલે તેમના અભિપ્રાયની ખાસ કોઈ કિંમત રહી નથી અને તેઓ આઝાદીને સ્વીકારતા થઈ ગયા છે. હિન્દુત્વવાદીઓ પણ વરસો વીતતાં આઝાદી સ્વીકારતા અને ઊજવતા થઈ ગયા છે, પણ તેમનું અખંડ હિન્દુસ્તાનનું સપનું કાયમ છે.

આગળ કહ્યું એમ પાકિસ્તાનની મુસલમાનો માટેની અલગ ભૂમિ તરીકે સ્થાપના થઈ હતી. પાકિસ્તાનના સમર્થકોને મન અંગ્રેજોથી આઝાદી મેળવવી એ સાચી આઝાદી નહોતી, એ તો ગમે ત્યારે મળી જવાની હતી; તેમને મન બહુમતી હિન્દુઓથી મળનારી આઝાદી સાચી આઝાદી હતી. દેખીતી રીતે તેમની આઝાદીની કલ્પના કોમી-મઝહબી હતી. આમ પાકિસ્તાનની સ્થાપના તેના સ્થાપક મોહમ્મદઅલી ઝીણાના ન ઇચ્છવા છતાં કોમી-મઝહબી હતી.

વાસ્તવમાં પાકિસ્તાનની કલ્પના ઝીણાની રાજકીય નાદાની અને નાદારી બન્ને હતી. સ્વાભાવિકપણે પાકિસ્તાનની સ્થાપના સાથે જ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે પાકિસ્તાનમાં હિન્દુઓ અને મુસલમાનો સમાન નાગરિક તરીકે સાથે રહે એવો સેક્યુલર દેશ બનાવવો હતો તો મુસલમાનો માટે અલગ ભૂમિની માગણી કરવાનો અર્થ શું હતો? અવિભાજિત ભારતમાં પણ હિન્દુઓ અને મુસલમાનો સેંકડો વરસથી સાથે રહેતા હતા. જો પાકિસ્તાન ઇસ્લામિક ન હોય તો પાકિસ્તાનના અસ્તિત્વનો કોઈ અર્થ જ નથી. પાકિસ્તાનના રૂઢિચુસ્ત મઝહબી નેતાઓએ પાકિસ્તાનમાંથી હિન્દુઓને ખદેડવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાનનું સાવર્‍ભૌમત્વ પાકિસ્તાની નાગરિકને આપવાની જગ્યાએ અલ્લાહને આપવા માટે અને પાકિસ્તાનને ઇસ્લામિક રિપબ્લિક બનાવવા માટે તેઓ દબાણ કરવા લાગ્યા હતા. મોહમ્મદઅલી ઝીણા દુ:ખી મને તમાશો જોતા રહ્યા હતા અને કાંઈ જ કરી શક્યા નહોતા. ઇસ્લામિક અને રિપબ્લિક એ પરસ્પર વિરોધી કલ્પના છે. મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના ભવિષ્ય વિશે ચિંતિત હતા અને ઊંડી હતાશા સાથે મૃત્યુ પામ્યા હતા.

આ સાત દાયકા દરમ્યાન પાકિસ્તાનના જે બેહાલ થયા છે એ ઇતિહાસ છે. પાકિસ્તાન તેની સ્થાપનાના આંતરવિરોધની અનિવાર્ય કિંમત ચૂકવી રહ્યું છે. આમ બનવાનું જ હતું અને એનો અંદેશો ઝીણાને આવી ગયો હતો. પાકિસ્તાનની રચના મારા જીવનની સૌથી મોટી ભૂલ છે એમ મોહમ્મદ અલી ઝીણાએ તેમના અંગત તબીબ અને મિત્રને કહ્યું હોવાનું કહેવાય છે. આ વાત ઊપજાવી કાઢવામાં આવેલી હોય તો પણ સાચી છે. પાકિસ્તાનની સ્થાપના ઝીણાની અને તેમના સાથીઓની મોટી ભૂલ હતી. એ ભૂલ સુધરી શકે એમ નહોતી અને પાકિસ્તાનના શાસકોને ભૂલ સુધારવામાં રસ પણ નહોતો એટલે પાકિસ્તાનના શાસકો થયેલી ભૂલનાં પરિણામોથી બચવા વધુ ને વધુ ભૂલો કરતા રહ્યા છે. તેઓ પાકિસ્તાનના વજૂદને ટકાવી રાખવા પાકિસ્તાનને વધુ ને વધુ ઇસ્લામને શરણે ધકેલતા ગયા હતા. આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન ઇસ્લામિક રિપબ્લિકથી પણ આગળ નીકળી જઈને મૂળભૂતવાદી ઇસ્લામિક જેહાદી બની ગયું છે.

આગળ કહ્યું એમ ભારતની આઝાદી સમયે આઝાદીના સ્વરૂપ વિશે આંતરવિરોધ હિન્દુઓમાં પણ હતો. ભારતની આઝાદી અધૂરી છે એમ જે લોકો માનતા હતા તેમની દલીલ સાવ અસ્થાને નહોતી. દલિતોને અને સવર્‍હારા વંચિતોને સાચી આઝાદી હજી સાત દાયકા પછી પણ નથી મળી એ ભારતની વાસ્તવિકતા છે. ઊના ઉત્પીડનની ઘટના અને ભારતનો દર ત્રીજો નાગરિક બે ટંકનું ભોજન પામતો નથી એ આ વરવી વાસ્તવિકતાનું પ્રમાણ છે. આવું કેમ બન્યું? શું આપણે દલિતોને અને વંચિતોને ઓછા નાગરિક સમજીએ છીએ? શું આપણે ઓછા સંવેદનશીલ છીએ? શું આપણી પાસે સાધનોનો અભાવ છે એટલે ન્યાય નથી આપી શકતા? શું આપણા શાસકો બુલંદ ઇરાદો નથી ધરાવતા એ કારણ છે? આપણું લોકતંત્ર ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી બની ગયું છે એ આ સ્થિતિ માટે જવાબદાર છે? ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી રાજકારણ પ્રજાને સમૂહમાં વહેંચે છે, સમૂહને વોટબૅન્કમાં ફેરવે છે અને સમાજમાં તિરાડો પાડીને વોટબૅન્કને એકબીજાની સામે લડાવે છે. દરેક નવી ચૂંટણી વખતે નવી તિરાડો રચીને સત્તા મેળવી શકાતી હોય કે છીનવી શકાતી હોય તો પ્રજાલક્ષી સંવેદનશીલ બનવાની શી જરૂર છે.

આ આપણા અંતરાત્માને પજવનારા પ્રશ્નો છે. સાચું કહું તો સાધનોના અભાવનું કારણ છોડીને ભારતની વિપદા માટેનાં બાકીનાં બધાં જ કારણો નક્કર વાસ્તવિકતા છે. જો ઇરાદો હોય અને હમદર્દી હોય તો સાધનોનો અભાવ ક્યારે ય હોતો જ નથી. જો એમ ન હોત તો ભારતના ૫૦ ટકા લોકો જેને ખરા અર્થમાં ઘર કહેવાય એવા ઘર વિનાના ન હોત. ભારતના ૭૦ ટકા લોકો જાજરૂ વિનાના ન હોત. ૩૫ ટકા લોકોને ઘરઆંગણે તો ઠીક પોતાના ગામથી દૂર પીવાનું પાણી લેવા જવું પડે છે એમ ન થતું હોત. ભારતનાં ૮૫ ટકા ગામડાંઓ માધ્યમિક શાળા વિનાના ન હોત. આ ઉપરાંત રસ્તાઓ, દવાખાનાંઓ, વીજળી, બાળમરણ, સુવાવડને કારણે સ્ત્રીઓનાં થતાં મરણ વગેરેની વાસ્તવિકતા શરમજનક છે. જો આમ ન હોત તો દલિતો સાથે અત્યાચાર ન થતા હોત. ભારતમાં એવો દિવસ ઊગ્યો નથી કે ક્યાં ય ને ક્યાં ય દલિતો સાથેના અન્યાય અને અત્યાચારની ઘટના ન બની હોય. આ સાચી આઝાદી નથી અને એ સ્વીકાર્ય ન હોઈ શકે. ૧૯૪૭માં દલિતોએ અને સામ્યવાદીઓએ ભારતની આઝાદીને અધૂરી આઝાદી કહી હતી તો તેમણે કોઈ ખોટી વાત નહોતી કરી.

પાકિસ્તાનના શાસકોએ તો ઇસ્લામનું શરણું લઈને તમામ લોકોને ભેદભાવ વિના એકસરખું પ્રજાકીય સુખ આપવાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા હતા. પાકિસ્તાનની તો સ્થાપના જ ચોક્કસ સમૂહ માટે થઈ હતી એટલે એના સિવાયના બીજા સમૂહોની તેણે ચિંતા કરવાની હતી નહીં. રહેવું હોય તો દ્વિતીય નાગરિક તરીકે મામૂલી આઝાદી સાથે રહો અથવા અન્યત્ર જતા રહો. આપણી પાસે આ વિકલ્પ નહોતો. પાકિસ્તાનથી ઊલટું ૧૯૪૭માં ભારતના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે જે-તે સમાજ વિશેષ અન્યાય કરવાની સેંકડો વરસ જૂની આઝાદી ધરાવે છે એને ત્યજી દેવામાં આવે અથવા છીનવી લેવામાં આવે. ભારતનું બંધારણ એ સંકલ્પનો દસ્તાવેજ છે. એમાં અન્યાય કરવાની પરંપરાગત આઝાદી ત્યજી દેવાની વાત કહેવામાં આવી છે અને જો કોઈ ન માને તો અન્યાયની આઝાદી છીનવી લેવાની તેમ જ અન્યાય કરનારને દંડવાની રાજ્યને સત્તા આપવામાં આવી છે. આપણે ત્યારે આપણા સદીઓ જૂની સંસ્કૃિત ધરાવતા ભારતને લોકતાંત્રિક, સેક્યુલર, ન્યાયી, વિકસિત, આધુનિક દેશ બનાવવાનો સંકલ્પ કર્યો હતો જે આપણા બંધારણના આમુખમાં જોવા મળે છે.

પાકિસ્તાનથી ઊલટું ભારતે પ્રયત્નપૂર્વક લડીને આઝાદી મેળવી હતી અને એ કોઈ ચોક્કસ સમૂહ વિશેષ માટેની નહોતી. આઝાદ ભારત કેવો દેશ હશે એની કલ્પના (આઇડિયા ઑફ ઇન્ડિયા) આઝાદી મળી એનાં સો વરસ પહેલાંથી વિકસવા લાગી હતી. લગભગ સર્વસંમતિ બની ગઈ હતી અને છતાં સાત દાયકા પછી પણ આપણે ધ્યેયથી ક્યાં ય દૂર છીએ. આઝાદીદિન નિમિત્તે આપણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આપણે ક્યાં ચૂક્યા છીએ? ક્યાં કઈ ક્ષતિ રહી છે કે આપણે છેવાડાના માણસને આપેલું વચન પાળી શક્યા નથી. શું આઇડિયા ઑફ ઇન્ડિયાની કલ્પના કરનારાઓએ આપણને નિષ્ફળ બનાવ્યા છે? શું એના આધારે ઘડાયેલા બંધારણે નિષ્ફળ બનાવ્યા છે કે પછી ભારતીય રાજકીય સંસ્કૃિતએ અને રાજકારણીઓએ નિષ્ફળ બનાવ્યા છે? વિચારી જુઓ.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 14 અૉગસ્ટ 2016

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-14082016-14

Loading

ન્યાયી નવસમાજનો એજન્ડા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|14 August 2016

ક્રાંતિ જેનું નામ એનું અર્થગૌરવ તે સમતા અને સ્વતંત્રતાલક્ષી આર્થિક-સામાજિક કાર્યક્રમમાં રહેલું છે.

વડાપ્રધાને નવમી ઑગસ્ટે મધ્ય પ્રદેશમાં ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ ખાતે એક વિશેષ સમારોહ વાટે સન બયાલીસનાં પંચોતેરમા વરસની તો સન સુડતાળીસના સિત્તેરમા વરસની શરૂઆતનો બુંગિયો ઠીક બજાવ્યો! ભાજપ શ્રેષ્ઠીઓ એક પખવાડિયાના ગાળામાં આવાં એકસો પચાસ જેટલાં વડેરાં સ્થાનકોએ ખાબકી સ્વતંત્રતાસંગ્રામનાં સ્મરણો તાજાં કરવા ઈચ્છે છે, અને એકવાર જંગે ચઢ્યા એટલે પછી કાર્પેટ બૉમ્બિંગથી ઓછું તો કશું ખપે જ શાનું.

બૉમ્બિંગ તો ખેર છોડો, જ્યાં સુધી કાર્પેટનો સવાલ છે, એક મુદ્દો કદાચ એ છે કે સંઘ પરિવારે કશુંક કાર્પેટ તળે દબાવવા જેવું તો નથી ને. સ્વરાજસંગ્રામમાં તમે ક્યાં હતા, એ સવાલ બાબતે સ્વાભાવિક જ સંઘ પરિવાર પાસે ખરો ને પૂરો ઉત્તર નથી. ક્રાંતિકારી પૂર્વરંગ ધરાવતા સાવરકર, વીસમી સદીનો ત્રીજો દાયકે બેસતે ‘હિંદુત્વ’(હિંદુ ધર્મ નહીં પણ એક રાજકીય વિચારધારા)નો થીસિસ લઈને આવ્યા. પ્રાંતિક સ્વરાજ પછી મુંબઈ રાજ્યની કૉંગ્રેસ સરકારના નિર્ણયથી રત્નાગિરી જિલ્લાની નજરબંધ કેદમાંથી બહાર આવ્યા, પણ 1947 સુધી ક્યાં ય સ્વતંત્રતાની લડતમાં દેખાયા જ નહીં.

સંઘના સ્થાપક હેડગેવારે 1930માં વ્યક્તિગત ધોરણે સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસમાં થોડાક કૉંગ્રેસમેનોને કદાચ સંઘમાં રંગરૂટ પણ કીધા, પણ સ્વતંત્રતાની લડતમાં સંઘની સામેલગીરી સંસ્થાગત તો શું કોઈ નોંધપાત્ર સમૂહગત પણ નહોતી. 1942માં ‘ક્વિટ ઇન્ડિયા’ના માહોલમાં ‘લડું લડું’ની શિબિરચર્ચાઓ પછી એકદમ કેમ સોપો પડી ગયો એ વિશે સંઘના સિધ્ધાંતકોવિદ દેવેન્દ્ર સ્વરૂપ પણ ચોક્કસ જવાબ શોધી શક્યા નથી. અહીં અપેક્ષિત અવલોકનમુદ્દો માત્ર અને માત્ર એટલો જ છે કે સંઘ પરિવાર પાસે બ્રિટિશ હકુમત સામેની સ્વરાજલડતનો સીધો વારસો નથી. એટલે એ જેમ વિશાળ પ્રજાવર્ગને સ્વરાજલડતની યાદ આપવા માગે છે તેમ એને ખુદને પણ એની જરૂર છે. અલબત્ત, આથી જે મંડળો ને વર્તુળો આ વારસો ધરાવે છે એમની જવાબદારી ઓછી નથી થતી, કેમ કે ઝુઝારુ પૂર્વજો એ નિષ્ક્રિય નવપેઢીનો અવેજ નથી તે નથી.

અહીં જો કે બીજું એક વાનું પણ ચર્ચામાં પ્રસ્તુત બની રહે છે. જેમાં વ્યાપક પ્રજાવર્ગની સીધી હિસ્સેદારી હતી એવી કૉંગ્રેસ ઉર્ફે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રેરિત લડતોથી ઉફરાટે જે સશસ્ત્ર ક્રાંતિકારીઓ હતા એમને અંગે સવિશેષસંધાન અને અધિકાવિધ અનુસંધાનપૂર્વક પેશ આવવું, એ આ પરિવારની એક વિશેષતા રહી છે. જે પણ બલિદાની જીવનો આપણી સામે આવ્યાં, એનો તો અલબત્ત આદર જ આદર હોય. સન બયાલીસમાં, અહિંસાના રંગે રંગાયેલ તરુણ સમાજવાદી વિનોદ કિનારીવાલાએ સામી છાતીએ ગોળી વહોરી હતી.

એનું એક સોજ્જું ચરિત્રચિત્ર બિપિન સાંગણકરની દિલી જહેમત અને વિશ્વકોશની સક્રિય અનુમોદનાથી સુલભ છે. એ વાંચતાં આ અહિંસક લડતના યાત્રીને ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના બલિદાની જીવનની કેવીક તો ઉત્કટ અપીલ હતી એ સમજાઈ રહે છે. ગાંધીના અને ક્રાંતિકારીઓના અભિગમ વચ્ચેનો ભેદ ઉઘાડો છે, પણ યુવા પેઢીને ગાંધીનેહરુપટેલ સાથે રહેતે છતે ક્રાંતિકારીઓના બલિદાની આતશની અતોનાત અપીલ હતી.

સ્વરાજલડત બાબતે લોકને જગવતે જગવતે અને ગજવતે ગજવતે પોતે પણ જાગી શકે તો નવા રાજકીય-શાસકીય અગ્રવર્ગની સેવામાં આજના સંદર્ભમાં એક વિશેષ અવલોકન પણ લાજિમ છે. તે એ છે કે દેશની ક્રાંતિકારી ચળવળે જે યુવા પ્રતિભામાં (ભગતસિંહમાં) પોતાની શીર્ષ અનુભૂતિની ધન્યતા અનુભવી – એની વિશેષતા ન તો કોઈ સાંકડો કે કોમી રાષ્ટ્રવાદ હતો, ન તો કોઈ કેવળ સત્તાપલટો હતો. વીસમી સદીના પહેલા ત્રણ દાયકામાં ‘વંદે માતરમ’થી ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ સુધીની જે વિચારયાત્રા સધાઈ એનો સારસંદેશ એ હતો કે ભાવનાની ભભક અને ભીનાશનું ગૌરવ જરૂર છે, પણ ક્રાંતિ જેનું નામ એનું અર્થગૌરવ તે સમતા અને સ્વતંત્રતાલક્ષી આર્થિક-સામાજિક કાર્યક્રમમાં રહેલું છે.

કાર્પેટ બૉમ્બિંગ કાર્યક્રમની જાહેરાત પછી ચર્ચા સરકારી માધ્યમોમાં જોવાસાંભળવા મળે છે એમાં એ એક મુદ્દો ખાસ ઊપસી રહે છે કે સ્વરાજ્યને સુરાજ્યમાં તબદિલ કરવું રહે છે. એન.ડી.એ.-1 વખતે વન્સ અપોન અ ટાઇમ અડવાણીએ એક વાત પક્ષપરિવારને ભારપૂર્વક કહેવા કોશિશ કરી હતી કે હવે ગવર્નન્સ (સુશાસન) અગ્રતા માગી લે છે, અને એમાં આપણી આઇડિયોલોજી બાધક બનવી જોઈએ નહીં. મનકી બાત અને મૌનકી બાત વચ્ચે તંગ દોર પરની નટચાલમાં માહેર નમોએ છેક છેવટે કથિત ગોરક્ષકોને આડે હાથ લેવાની નોબત આવી તે એન.ડી.એ.-1 વખતનાં એન.ડી.એ.-2 જોગ હિચવચનોના પડઘારૂપે જરૂર ઘટવી શકાય.

પણ સુશાસન એ કોઈ રૂટિની વહીવટી મામલો માત્ર હોઈ શકતો નથી. અંકુશ અને સમતુલાના દોરણે રચાયેલાં સત્તામંડળો અને શાસકીય ચુસ્તી પોતપોતાને સ્થાને જરૂર મહત્ત્વનાં છે. પણ લોકપરક આંચકા અને ધક્કાના સાતત્ય વિના એમાં સપ્રાણતા હોઈ શકતી નથી. શાસકીય છેડેથી આવા લોકપરક આંચકા બાબતે જેટલે અંશે સમુદાર સંવેદનશીલતા દાખવાય એટલે અંશે સાર્થક સપ્રાણતા શક્ય બને તો બને. આ સંદર્ભમાં ઘરઆંગણે ગુજરાતના એકબે મુદ્દા આગળ કરું તે પહેલાં રાષ્ટ્રીય સ્તરના એકબે પેરેલલ તરફ ધ્યાન દોરવા ઈચ્છું છું.

વડાપ્રધાન જ્યારે ચંદ્રશેખર આઝાદના ગૌરવગાનમાં હતા ત્યારે સુદૂર ઈશાનમાં ઈરોમ શર્મિલા એનાં વર્ષોનાં અનશન સમેટી લડાઈનો જુદો મોરચો ખોલવાની ગણતરીએ પારણાં કરી રહી હતી. એન.ડી.એ.-1, યુ.પી.એ.1-2 અને એન.ડી.એ.-2 એમ ચાર ચાર સરકાર વ્યાપી આ અનશન આપણી શાસન પ્રથામાં સમુદાર સંવેદનશીલતા કેટલી ઓછી હશે એની એક મિસાલ છે. વસ્તુત: કૉંગ્રેસ અને ભા.જ.પ. બેઉના વડપણવાળી સરકારો હેઠળ સન બયાલીસ અને સન સુડતાળીસનાં પચાસ વરસ કે પ્રજાસત્તાકનાં પચાસ વરસનાં ઉજવણાં થયેલાં છે.

રથી અડવાણીએ સ્વરાજનાં પચાસ વરસે સુરાજ્ય યાત્રા યોજવાપણું જોયું હતું. ભા.જ.પ. તો (સંઘ પરિવારગત સંદિગ્ધ સંકેતો છતાં) કટોકટીરાજ સામે લડ્યાનું ગૌરવ લઈને ચાલે છે. છતાં, આ કોઈને ઈરોમ શર્મિલા નિમિત્તે બાકી સ્વરાજલડાઈનો સંસ્પર્શ કેમ નહીં થતો હોય? ન જાને. (આવો જ સવાલ સોની શોરીની છત્તીસગઢ યાત્રા સંદર્ભે પણ સત્તાકીય પ્રતિષ્ઠાનોને પૂછવો રહે છે.)

આ રીતે જોઈએ તો અમદાવાદથી આરંભાઈ ઉના ભણી જઈ રહેલી દલિત અસ્મિતા યાત્રા એ સન સુડતાલીસના સિત્તેરમા વરસની સાર્થક ઉજવણીની મિસાલરૂપે ઉભરી રહી છે. સમાજનો દલિત તબકો પૂરા કદના નાગરિક તરીકે આત્મ પ્રતિષ્ઠાની લડત વાસ્તે બહાર આવે એમાં જો આજની રુગ્ણ સામાજિક દશાનો એક સંકેત છે તો આવતીકાલે હોઈ શકતા નરવા સ્વાસ્થ્યની એક આશા પણ છે. યાત્રાના છઠ્ઠા દિવસે બોટાદમાં, એનું અભિવાદન કરવામાં પાટીદારો, બ્રહ્મસમાજ અને સથવારા સમૂહ પણ જોડાયાના હેવાલો સમાજશરીરમાં ચયઅપચય તેમ જ રુધિરાભિસરણની પ્રક્રિયા ક્યારેક ધોરણસર થઈ શકવા અંગે ધરપત બંધાવે છે.

નમોકાળના આખરી તબકક્કામાં ગુજરાતે બીજી પણ એક કૂચ જોઈ હતી – મહુવાથી ગાંધીનગરની. આ બે કૂચોના સંધિસ્થાને ન્યાયી નવસમાજનો એજન્ડા પડેલો છે. એમના સંગમતીર્થને જેટલા વધુ યાત્રીઓ મળી રહેશે, સ્વરાજસિત્તેરી એટલી સાર્થક – સપ્રાણ બની રહેશે.

સૌજન્ય : ‘સાર્થક સ્વરાજ’, “દિવ્ય ભાસ્કર”, 13 અૉગસ્ટ 2016

http://www.divyabhaskar.co.in/news/ABH-justice-new-community-agenda-article-by-prakash-n-shah-gujarati-news-5394913-NOR.html

Loading

સોઢાણા: પેટ માટે રોટી, રોટી માટે જમીન

ચંદુ મહેરિયા|Samantar Gujarat - Samantar|11 August 2016

જમીનસુધાર કાયદાનો અમલ થાય અને 5% જમીનોનું પુનર્વિતરણ થાય તો પણ 30% ગરીબી ઘટી શકે છે

અષાઢી બીજના દિવસે એ વાડીએ વાવેતર માટે ગયેલા, પણ લોહીતરસ્યા લોકોએ એમને જ મારીઝૂડી ભોંયમાં દાટી દીધા! રથયાત્રાના દિવસે પોરબંદર પાસેના સોઢાણા ગામે રામાભાઈ ભીખાભાઈ સીંગરખિયા નામક દલિતની જઘન્ય હત્યા કરવામાં આવી. રામાભાઈ છેલ્લા ૨૫ વરસોથી સોઢાણા ગામે સરકારી ખરાબાની જમીન ખેડી પેટ ગુજારો કરતા હતા. સરકારી પડતર જમીન ખેડતા સરપંચ સહિતના બિનદલિતોને તે ખૂંચતા હતા. ગયા વરસે એમનો ઊભો પાક ભેલાડી મૂક્યો અને ગામ છોડી જવાની ફરજ પાડી. આ હિજરતી દલિત આ વરસે વાવેતર કરવા આવ્યા, તો તેમની પર સરપંચ સહિતના ૩૦ થી ૪૦ લોકોના ટોળાએ હિંસક હુમલો કરી મારી નાખ્યા. હત્યારાઓની ધરપકડની સાદી માગણી માટે દલિતોને ચારચાર દિવસ લાશ રઝળતી રાખી આંદોલન કરવું પડ્યું.

મધ્યપ્રદેશના શિહોર ખાતે ૫૦ દલિત કુટુંબોએ સરકાર પાસે આત્મવિલોપનની મંજૂરી માગી છે. કેમ કે સરકારે તેમને ૧૫ વરસથી ફાળવેલી જમીનનો હજુ કબજો મળતો નથી. એટલે આ દલિતો ‘કાં જમીન આપો, કાં મોત આપો’ની માગણી કરે છે. સોઢાણા કે શિહોરની જેમ દેશના ઘણા ઠેકાણે પેટ માટે રોટી અને રોટી માટે જમીન માગતા દલિત-આદિવાસી ભૂમિહીનોના આંદોલનો ચાલતા રહે છે. હાલમાં ચાલી રહેલી ‘ઉના અત્યાચાર લડત સમિતિ’ની દલિત અસ્મિતા યાત્રાનો હેતુ પણ જાતિગત થોપાયેલા રોજગારમાંથી મુક્તિ અને જમીનની માગણીનો જ છે.

જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો –ઉદ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત-આદિવાસી માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકાર સહિતનાં સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતાં રહે છે. જમીનદારો માટે તે ગરીબોના શોષણનું  સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝમવું પડે છે.

સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાનૂનનો દૃઢતાપૂર્વક અમલ થયો. એટલે એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા. ૧,૭૨૬ ગામોના ૫૧,૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલોને મળી. આજે સર્વ ક્ષેત્રે પટેલોનું વર્ચસ્વ એમની આ જમીનમાલિકીને આભારી છે. 

જો કે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાઓને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભરાયેલા કોંગ્રેસના રાષ્ટૃીય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા.

ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિસુધાર કાનૂનો હેઠળ જમીનો મળવી જોઈતી હતી.૧૯૬૧ના જમીન ટોચમર્યાદા અને ૧૯૪૮ના ગણોતધારા હેઠળ જમીનવિહોણા કે ગણોતિયાને જમીનો આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું (સાંથ) લઈને જમીનવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડહક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે.

રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીનો ભૂમિહીનોને આપવાની હોય છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાનૂનો હેઠળ આવી જમીનો કાં તો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે, ત્યાં તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેરસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણાથી સોઢાણા હત્યાકાંડોના મૂળમાં જમીનનો સવાલ રહેલો છે.

જમીનમાલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ % દલિતો જમીનો ધરાવતા હતા. તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫% થયા છે. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯% હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫% થયા છે (ગુજરાતમાં ૬૩.૨૪% દલિતો ભૂમિહીન છે) આ હકીકત જ દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીનમાલિકીને સીધો સંબંધ છે. એટલે જમીનવિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીનસુધાર કાયદાનો અમલ થાય અને માત્ર ૫% જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦% ગરીબી ઘટી શકે છે.

બંગાળના દીર્ઘ સામ્યવાદી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિસુધાર કાનૂનનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. ગુજરાતમાં જમીનના મુદ્દે સંઘર્ષરત દલિત અગ્રણી વાલજીભાઈ પટેલના સંશોધન મુજબ, જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેતસહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ મેળવી લીધી છે અને ખરા હકદાર દલિતો ભૂમિહીન રહ્યા છે.

નવી અર્થનીતિ, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનની બોલબાલા કે વધતા શહેરીકરણ-ઔદ્યોગિકીકરણના વર્તમાન માહોલમાં જમીનસુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિસુધાર કરી રહી છે. ખેતીની સમૃદ્ધ જમીનો જાહેર હિતના નામે અધિકૃત કરી મોટા ઉદ્યોગોને આપી રહી છે. ભારત સરકારને એનો ભૂમિ અધિગ્રહણ કાયદો પડતો મૂકવો પડ્યો છે. પરંતુ ગુજરાત સહિત ઘણાં રાજ્યો એવા કાયદા ઘડી ચૂક્યાં છે, જેમાં જમીનવિહોણાને નહીં, ઉદ્યોગોનો જમીનો આપવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં જમીન મેળવવાનો સંઘર્ષ વધુ કઠિન છે.

ડો. આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતા કહ્યું હતું, ‘જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ લાગી શકે છે. જમીનના મુદ્દે અનુસૂચિત જાતિઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે તમે અને તમારું બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે.’ આ ચેતવણીની અવગણના સરકારો અને સમાજ માટે હારાકિરીનો માર્ગ હશે.       

e.mail: maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘જમીની હકીકત’, “દિવ્ય ભાસ્કર”, 11 અૉગસ્ટ 2016 

Loading

...102030...3,6223,6233,6243,625...3,6303,6403,650...

Search by

Opinion

  • સહિષ્ણુતા: ભારતની અસલી તાકાત
  • Artificial Intelligence: જવાબો વધી રહ્યા છે, પણ આપણી વિચારશીલતા પર કાટ ચઢી રહ્યો છે?
  • ચલ મન મુંબઈ નગરી—343
  • ઓઈલ કંપનીઓ મગરનાં આંસુ સારે છે …
  • જ્યોતિરાવ ફુલે અને સ્ત્રી શિક્ષણની ક્રાંતિ: એક અર્થશાસ્ત્રીય અર્થઘટન

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved