ઝંડા ઊંચા રહે હમારા … !
સૌજન્ય : "ધ હિન્દુ", 15 અૉગસ્ટ 2013
ઝંડા ઊંચા રહે હમારા … !
સૌજન્ય : "ધ હિન્દુ", 15 અૉગસ્ટ 2013
It has been a long time since I wrote to you. However let me tell you I have been reading 'Opinion' and enjoying it. You are very much in my thoughts. As I read 'Opinion' on line and read its earlier issues, once again I become aware of your great contribution. Congratulations! I read various sections of 'Opinion' (popular content, diaspora, English bazaar patrika, Gandhiana, Samantara Gujarat, poetry, and profile) with great interest at my convenience, and enjoy reading articles penned by old and new writers.
warm regards
e.mail : ushathakkar@yahoo.com
વર્ષોથી ધીરુભાઈ ઠાકરનો પ્રેમ મારી પર વરસતો રહ્યો છે. તેથી ‘સવ્યસાચી સારસ્વત પુરસ્કાર’ નમ્રપણે, સંકોચ સાથે સ્વીકાર કરું છું.
હું સારસ્વત તો વળી કેવો? બહુ – બહુ તો હું ગાંધીનો ખેપિયો કહેવાઉં. ગાંધીનું અંત:સ્ફૂર્ત અને અનુભૂત સત્ય પિતાની ભક્તિએ મારે સારું સુપાચ્ય બનાવ્યું અને રવીન્દ્રનાથે આદ્રતા બક્ષી, વિનોબાએ તેમાં આધ્યાત્મિકતા, દાદા ધર્માધિકારીએ શાસ્ત્રીયતા અને જયપ્રકાશજીએ વૈશ્વિકતા આણી. અમારે ત્યાંનો બિલાડો એના વંશનો છેલ્લો વારસ છે તેથી તેનું નામ અમે બહાદુરશાહ ‘ઝફર’ રાખ્યું છે. ‘ઝફર’ જ્યારે એની થાળીમાંથી ખાઈને બાજુમાં હટી જાય ત્યારે સામેના આંબાના વૃક્ષ પરથી દોયલ પક્ષી આવીને ઉચ્છિષ્ટ કણો ચણી જાય છે. મેં કંઈક એવી રીતે ઉપરોક્ત સારસ્વતોના કણ ચણ્યાં છે, બાકી જ્ઞાનેશ્વરના શબ્દોમાં કહું તો મારું તો માત્ર ‘પાઈકપણું’ (સેવકાઈ) બચે છે.
ગાંધીના ખેપિયાને આજની ઘડી નિર્ણાયક લાગે છે. બે પરસ્પર વિરોધી લાગે તેવી પરિસ્થિતિ સામસામે ખડી છે. એકબાજુ આધુનિક વિજ્ઞાને ઊભી કરેલી ટેક્નોલોજી આપણને મહાવિનાશક યુદ્ધ સુધી લઈ ગઈ છે અને આજની આંતરરાષ્ટૃીય સમાજ વ્યવસ્થાએ મહાપાતકીય ઉપભોગવાદ ખિલવ્યો છે. વળી, મોટાં-મોટાં જનસમૂહો ચમત્કારો ઝંખે છે કે પરલોકની ખોજમાં લિપ્ત છે. તેથી, પરંપરામાંથી નીપજેલું જાડ્ય સમાજના ખાસ્સા મોટા હિસ્સામાં પ્રવર્તે છે.
બીજી બાજુ સૂક્ષ્મતા, તટસ્થતા અને ખુલ્લા મનથી ખોજ કરતાં વિજ્ઞાનીઓ ગૉડ પાર્ટિકલ જેવું કંઈક એમની સામે ઉપસ્થિત થતું જુએ છે અને એવું જણાય છે કે, આધ્યાત્મિક ખોજ કરનારા મનીષીઓના અદ્વૈતાનુભવ સુધી પહોંચવામાં છે. આવી નિર્ણાયક પળે ગાંધીની સત્યની શોધ ત્રણે કાળને સ્પર્શતી જણાય છે.
પ્રાચીનમાંથી તેમણે असतो मा सद्गमयથી આરંભ કર્યો અને પહોંચ્યા ઠેઠ સત્ય એ જ ઈશ્વર સુધી. ઉપનિષદોમાંથી ગ્રહણ કર્યો त्येन त्यत्त्केन भुंजिथा:નો મંત્ર અને પ્રેયનો માર્ગ છોડી શ્રેયનો માર્ગ લીધો. ગીતામાંથી એ રહસ્ય જોયું કે કુરુક્ષેત્ર જો હૃદયસ્થ હોય તો જ તે ધર્મક્ષેત્ર બની શકે. અનાસક્તિપૂર્વક નિષ્કામ સેવાને તેમણે ઉપાસનાનું માધ્યમ બનાવ્યું અને વેદોમાંથી વિશ્વમાનુષ તથા ગીતામાંથી સ્થિતપ્રજ્ઞને રોલ મૉડેલ ગણ્યા.
મહાકાવ્યો પાસે ગાંધીએ સમન્વયનો મહામંત્ર લીધો. રામાયણ એટલે ઉત્તર અને દક્ષિણનો સમન્વય, તુલસીદાસ વિષ્ણુના અવતાર રામ પાસે શિવનું પૂજન અને શિવજી પાસે રામનું પૂજન કરાવી શૈવવૈષ્ણવ સંપ્રદાયોના સમન્વયનો સંકેત કરે છે. કૃષ્ણને બાળપણમાં ગાયોની સેવા અને મોટપણમાં ઘોડાની સેવા કરી માનવ-માનવેતર સંબંધોના સંકેત કરતા ગાંધી જુએ છે.
સંતો અને સૂફીઓ પાસે સર્વ સમાવેશક સમન્વયનો મંત્ર જ ગાંધી ઝીલે છે. ‘सबार उपरे मानुष सत्य तहार उपरे नाहि’નો સિદ્ધાંત હૃદયમાં રાખી વિવેકાનંદના ‘દરિદ્રનારાયણ’ની સેવા દ્વારા આત્મસાક્ષાત્કાર તરફ આગળ વધે છે.
ગાંધી પોતાના વર્તમાનકાળમાં ઇતિહાસમાં ત્યાર સુધી સત્ય, અહિંસા આદિ જે ગુણો ગણાતા હતા, તેને મૂલ્યોમાં ફેરવે છે. તેથી સાવ નાનપણમાં હરિશ્ચંદ્ર નાટક જોઈને તેમને માત્ર એટલું નથી થતું કે ‘હું હરિશ્ચંદ્ર જેવો થાઉં’ પણ તેઓ વિચારે છે કે ‘બધા હરિશ્ચંદ્ર કાં ન બને?’ ગુણોને મૂલ્યોમાં પરિવર્તિત કરવા એ ક્રાંતિકારી પગલું છે અને ગાંધીની આધ્યાત્મિકતાનાં મૂળ પણ એમાં જ રહેલાં છે.
સમાજ માટે તેઓ પરિવર્તનના ત્રીજા અભિક્રમ(ઈન્સેન્ટિવ)નો આવિષ્કાર કરે છે. ત્યાર સુધી માનવજાતે પરિવર્તનના બે જ અભિક્રમો જાણ્યા હતા; લોભ અને ભય. માણસને લાલાયિત કરીને કે ભયભીત કરીને પરિવર્તન કરવાને બદલે સમજાવટ, સ્નેહ અને જાતે કષ્ટ સહન કરવાનો ગાંધીએ ત્રીજો અભિક્રમ બતાવ્યો – તે સત્યાગ્રહનો અભિક્રમ. એને સારુ જે ત્રણ પર્યાયવાચી શબ્દો વાપર્યા તે પણ કેવા સૂચક હતા? ‘સત્યનું બળ’, ‘પ્રેમનું બળ’ અને ‘આત્માનું બળ’ એમ કહી તેમણે જે ગુણોને માનવજાત માત્ર અક્રિય (પેસિવ) સમજતી હતી તેને સક્રિય (એક્ટિવ) બળ તરીકે સફળતાથી વાપરી બતાવ્યા. વળી, તેમણે રોગના મૂળમાં જઈ અન્યાયી વ્યવસ્થાને નિશાન બનાવી, અન્યાય કરનાર અને ભોગવનાર બંનેને બચાવી લીધા.
ગાંધીના ખેપિયાને ગાંધીનું જીવન સત્યની ખોજની ભાવિ દિશા તરફ અંગુલિનિર્દેશ કરતું લાગે છે. હવે, નિર્ણાયક ઘડી આવી છે. વિજ્ઞાન અને અધ્યાત્મના સંગમની. આત્મસાક્ષાત્કારની ખોજ પણ સાક્ષીભાવે કરતાં પોતાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ત્રુટિ કે ક્ષતિને શોધી કાઢનાર તટસ્થ અને પારદર્શી ગાંધી ભૂલે ત્યારથી ફરી ગણવા, ફરી-ફરી ગણવા, તૈયાર હતા. તે ગાંધી આવતીકાલે સામૂહિક મોક્ષની ખોજ કરતા હોત. અલબત્ત શુદ્ધ સાધનો દ્વારા. તેમ કરવામાં તેઓ શ્રદ્ધા અને તર્કને પરસ્પર વિરોધી ન ગણતાં પૂરક ગણી તર્કના સીમાડા સુધી પહોંચીને શ્રદ્ધા વડે આગળ છલાંગ મારત.
માનવીય સંબંધોમાં – ખાસ કરીને સ્ત્રી-પુરુષ સંબંધોમાં, ગાંધી એ શોધવાનો પ્રયત્ન કરત કે પઝેશન(સ્વામિત્વભાવ)ને બદલે મ્યુચ્યુઆિલટી (પારસ્પરિકતા) શી રીતે આવે? સમાજનાં લઘુમતી-બહુમતીના સંબંધોને દ્વેષમયને બદલે વિશ્વસામય કેવી રીતે બનાવાય? શ્રેષ્ઠીઓ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પોતાની સંપત્તિને જાળવી રાખવા ખાતર નહીં, પણ પોતા સહિત આખા સમાજને સમૃદ્ધ કરવા પોતાના કૌશલ્યનો ઉપયોગ ઉત્તમ રીતે કેવી રીતે કરે? રાજકારણમાં આજનો સાથી આવતીકાલનો સંભવિત હરીફ લેખાય છે. તેને બદલે આજે પોતાને શત્રુ માનનાર કાલે સાથી કેવી રીતે બની શકે? એટલે કે, રાજનીતિને બદલે લોકનીતિ કેવી રીતે આવી શકે, કળા અને સંસ્કૃિતના ક્ષેત્રમાં માણસ સાદગીના સૌંદર્યને પરખતો અને અભિવ્યક્ત કરતો કેવી રીતે થાય એ ગાંધીની શોધનો વિષય હશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં માહિતી અને જ્ઞાનને ઓળંગી સહજાનુભૂતિ સુધી કેવી રીતે પહોંચે, અહંકાર નિરસનના ઉપાયો કયા કયા હોઈ શકે? વગેરે ગાંધીની ખોજના વિષયો હશે અને તેમ કરતાં તે વ્યક્તિમાં સમત્વ, સમષ્ટિમાં ન્યાય અને શાંતિ સાથેની સમાનતા તથા સૃષ્ટિ સાથે સંવાદિતા સધાય તેનો પ્રયાસ કરતો હશે.
નાનપણમાં ગાંધીએ અનાસક્તિયોગ પુસ્તકની ભેટ આપતાં તેની પર એક નાનું-સરખું વાક્ય લખ્યું હતું તે મારે સારુ મહાકાવ્ય સમું થઈ ગયું. તેમણે લખ્યું હતું, ‘તારે વિશે આશાઓ રાખી છે તે પૂરી કરજે.’ આ ‘તારે’ એટલે શું બાબલા કે નારાયણ દેસાઈ વિશે જ, કે આપણા સૌના વિશે? ગાંધી મરતાં પહેલાં આપણને એ આશ્વાસન આપી ગયા છે કે, મર્યા પછી પણ તેઓ શાંત બેસી નહીં રહે. કબરમાંથી યે સળવળી ઊઠશે. આપણને સૌને તેઓ કહેશે કે તારે વિશે જે આશા રાખી છે તે પૂરી કરજે.
(તા. 27-6-2013ને દિને, 'ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ'માં 'સવ્યસાયી સારસ્વત એવૉર્ડ' સ્વીકારતાં આપેલ ભાષણને આધારે)
(સૌજન્ય : “સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિન’, 15 જુલાઈ 2013)