Opinion Magazine
Number of visits: 9768188
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરિશ્મા, નરેન્દ્ર મોદી અને ન્યૂ ઇન્ડિયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 March 2017

2014ની લોકસભાની ચૂંટણી પછી ‘ધ અમેરિકન બજાર’ નામની લોકપ્રિય ઓનલાઇન પત્રિકાએ લખ્યું હતું, ‘વિભાજિત ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી સૌથી કરિશ્માઇ, સ્ફૂર્ત અને ચાલાક રાજકારણી છે, જેણે ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી જેવાને પણ ઝાંખા પાડી દીધા છે. વૈશ્વિક સંદર્ભમાં એમના વિજયને 2008માં બરાક ઓબામાની જીત સાથે સરખાવી શકાય.’ ગયા સપ્તાહે ઉત્તરપ્રદેશની જનતાએ નરેન્દ્ર મોદીના નામ પર ભારતીય જનતા પક્ષને ઐતિહાસિક 312 બેઠકો આપી તે પછી મોદીના કરિશ્માને લઇને વધી-ઘટી શંકાઓ પણ નાબૂદ થઇ ગઇ છે.

પંડિતો, મીડિયા, અભ્યાસકર્તાઓ કે વિશ્લેષકોની કોઇપણ પ્રકારની મદદ વગર જનતાના મનને કેવી રીતે ઓળખવું એની સાબિતી મોદીએ આપી દીધી છે. આ જ એક કારણથી મોદીને બૌદ્ધિકો પ્રત્યે તિરસ્કાર છે.

આપણે જેને ‘આમ આદમી’ તરીકે ઓળખીએ છે તે ગરીબ, મધ્યમ વર્ગ, છેવાડાના માણસ સાથે લગાવ ઊભો કરવાની એક ઉત્તમ આવડત ઇન્દિરા ગાંધીમાં હતી. ગયા સપ્તાહે વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાં તે પછી એક રાષ્ટ્રીય સમાચારપત્રમાં મથાળું હતું, ‘ઇટ્સ એન ઇન્દિરા ગાંધી મોમેન્ટ ફોર નરેન્દ્ર મોદી’ (નરેન્દ્ર મોદીનો ઇન્દિરા જેવો સમય).

કરિશ્મા શબ્દ આમ તો ચલતા-પૂર્જા જેવો છે, અને બોલિવૂડના હીરોથી લઇને ક્રિકેટના સ્ટાર સુધી અને અંડરવર્લ્ડના બોસથી લઇને આધ્યાત્મના ગુરુ સુધીના લોકો માટે વપરાય છે, પરંતુ પૂરા સમાજ કે રાષ્ટ્રના વર્તમાન અને ભવિષ્યના જીવન પર અસર છોડી જાય તેવા વ્યક્તિત્વમાં છેલ્લું નામ ઇન્દિરાનું આવે છે, અને હવે નરેન્દ્ર મોદીનો એમાં ઉમેરો થયો છે. કરિશ્મા ઓળખવો સહેલો છે, સમજવો કઠિન છે. દુનિયાને 2014માં નરેન્દ્ર મોદીનો પરિચય થયો તે પછી ગયા સપ્તાહે વિધાનસભામાં તેમને જે ભવ્ય જીત મળી તેને મોદીના કરિશ્માનો પ્રતાપ ગણાવાય છે. આ શું છે? મોદીના અનુયાયીઓને મજાકમાં ‘ભક્તો’ કહેવાય છે.

આ સાવ જ ખોટું નથી. કરિશ્મા શબ્દ ગ્રીક ‘ખરીસ્મા’ ઉપરથી આવે છે જેનો મતલબ થાય છે ગ્રેસ, એટલે કે ઇશ્વરની કૃપા. મોદીમાં વિશ્વાસ રાખનારાઓને મોદીમાં સુપરમેન, સાધારણથી વિશેષ વ્યક્તિ દેખાય છે.

કરિશ્મા શબ્દ ધાર્મિક છે, અને એટલે જ એ આજે પણ રાજનેતાઓમાં જીવતો રહ્યો છે. ઇસુ પછીની 50મી સદીમાં ઇસાઇ ધર્મદૂત પોલ ધ એપોસલે ઇસાઇ સમુદાયોને લખેલા પત્રોમાં પહેલી વખત કરિશ્મા શબ્દ વાપર્યો હતો. તેણે નવ કરિશ્મા (આધ્યાત્મિક ભેટ) ગણાવ્યા હતા: ભવિષ્યવાણીની ક્ષમતા, ઇલાજની આવડત, ગૂઢવાણી, એ વાણીનું અર્થઘટન, શિક્ષા, સેવા, ચમત્કાર, જ્ઞાન અને શ્રદ્ધા.

ભારતીય રાજનૈતિક સંસ્કૃિતમાં કરિશ્માઇ નેતૃત્વની એક વિશેષ ઓળખ રહી છે, જેનો સંબંધ રાજનીતિક નેતાના અનોખા સામાજિક, ધાર્મિક અને રાજનૈતિક વ્યક્તિત્વ સાથે છે. આવા નેતાના અનુયાયી આ ગુણોની અતિશયોક્તિ તો કરે જ છે, સાથે એવું પણ માને છે કે એમની સમસ્યાઓનું સમાધાન કોઇ નીતિ-નિર્ણય, પરંપરા કે રીતિ-રિવાજોમાં નહીં પરંતુ કરિશ્માઇ નેતૃત્વમાં છે. રાજનીતિમાં કરિશ્માઇ નેતૃત્વને વધુ મહત્ત્વ આપવા પાછળ ભારતીયોની આધ્યાત્મિક વૃત્તિ રહી છે જે રાજનીતિમાં વ્યક્તિપૂજાને પ્રોત્સાહન આપે છે.

20મી સદીના જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે કરિશ્માને ધર્મના દાયરામાંથી બહાર કાઢીને એને સામાજિક નેતૃત્વ સાથે જોડીને કહ્યું હતું કે કરિશ્માઇ નેતૃત્વમાં અસાધારણ, અમાનુષી અને બહાદુરીના ગુણ હોય છે. વેબરે કહ્યું હતું કે આધુનિક જગતમાં સખ્ત રીતે નિયંત્રિત બ્યુરોક્રસી હોવા છતાં કરિશ્માઇ નેતૃત્વ પેદા થતાં રહેશે. વેબર 1920માં મરી ગયો, અને જગતના પ્રથમ કરિશ્માઇ નેતા મુસોલિની અને હિટલરમાં એની થિયરીને સાબિત થતી જોઇ ન શક્યો.

આનું કારણ એ છે કે મોટાભાગના લોકો સ્વભાવગત અનુયાયી છે. આકાશમાં બેઠેલો ભગવાન હોય કે મંચ પર બેઠેલો ગુરુ કે લીડર હોય, માણસો શ્રદ્ધાથી માથું ઝુકાવીને સૂચનાનું અનુસરણ કરવા ટેવાયેલા છે. તમે ચાર રસ્તા ઉપર ઊભા રહીને પાંચ મિનિટ સુધી આકાશમાં જોતા રહો તો આવતા જતા માણસો પણ તમારી આજુબાજુ ઊભા રહીને તમે જુવો છો તે દિશામાં નજર ખોડવા લાગશે. આ તમે ઊભો કરેલો નેતા-અનુયાયીનો સંપ્રદાય કહેવાય. આ બાળપણમાં જ શરૂ થાય છે જ્યાં બાળક એની માતાની નકલ કરે છે. માતા-બાળકનો આ સંબંધ નેતા-અનુયાયીનું પ્રથમ ઉદાહરણ છે.

બાળક કમજોર છે, બેસહાય છે એટલે આ અફાટ, ભયાનક જંગલમાં ટકી રહેવા માટે માતા સાથે અનુયાયી, અનુસરણનો સંબંધ બનાવી રાખે છે. મોટા થયા પછી પણ આ જ પ્રક્રિયા ચાલતી રહે છે, અને રાજકારણ હોય કે ધર્મ, એને મસીહાની જરૂર રહે છે. આમ જનતામાં આ મસીહા, તારણહારની જરૂરિયાત જ કરિશ્માઇ નેતાઓને પેદા કરે છે. એમાં સહેજ પણ આશ્ચર્ય નથી કે જે જનતાએ એક સમયે સોનિયા ગાંધીમાં વિશ્વાસ મૂક્યો હતો તે જ જનતાએ નરેન્દ્ર મોદીને શ્રદ્ધા સુમન ચઢાવ્યાં છે.

1984માં અમેરિકાની ઓકલાહોમા યુનિવર્સિટીમાં કેથલીન રૂથ સેલ્વ નામની વિદ્યાર્થિનીએ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની કરિશ્માઇ નેતાગીરી પર થીસીસ લખી હતી. એમાં એણે લખ્યું હતું કે, ભારતમાં  ત્રણ પ્રકારના નેતાઓ હોય છે. એક એવો કરિશ્માઇ નેતા જેની દૂરદર્શિતા અને માન્યતાઓ સમાજની વ્યવસ્થા-સંસ્થાઓને પ્રભાવિત કરે, મજબૂત કરે (જેમ કે નહેરુ). બીજો કરિશ્માઇ નેતા એ છે જે એની તાકાત અને પ્રભાવનો ઉપયોગ કરીને સંસ્થાઓને કમજોર બનાવે (જેમ કે ઇન્દિરા), અને ત્રીજો નેતા એ જેનામાં કરિશ્મા જ ન હોય પણ એને પેદા કરવાની સંભાવના હોય (જેમ કે રાજીવ).

નહેરુએ એમના ચિંતનથી આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો. ઇન્દિરામાં કરિશ્મા હતો પણ દૃષ્ટિ ન હતી એટલે એણે ન્યાય, સંસદ અને બંધારણીય પ્રણાલીને કમજોર બનાવીને પોતાની સત્તા જાળવી રાખી હતી. રાજીવમાં સ્વપ્ન હતું પણ કરિશ્મા ન હતો. નરેન્દ્ર મોદી નિશ્ચિત રીતે રાજીવથી ઉપર અને નહેરુથી નીચે મોર્ચો બાંધીને ઊભા છે. જીતના બીજા દિવસે રવિવારે દિલ્હીની સડકો ઉપર અભિવાદન કરતાં એમણે ‘ન્યૂ ઇન્ડિયા’નો પાયો નાખવાની વાત કરી એમાં ઇન્દિરાથી ઉપર જવાની એમની ખ્વાહિશ ઝલકતી હતી. મોદીને એમના કરિશ્માએ સાથ આપ્યો છે. હવે એમને ચિંતનના સહયોગની જરૂર છે. આમીન.

સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 19 માર્ચ 2017

Loading

વિદ્યાર્થીઓ અને યુવાનોની રાજકારણમાં સક્રિય ભાગીદારીનું સ્પષ્ટતાપૂર્વક સમર્થન કરનાર ભગતસિંહ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|18 March 2017

આવતા ગુરુવારે [23 માર્ચ 2017] ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની શહાદતનો દિવસ છે

શહીદે આઝમ ભગતસિંહે જૂન 1928માં એક લેખમાં લખ્યું છે : ‘આજે રાષ્ટ્રીય કૉલેજ, અમદાવાદના વિદ્યાર્થીઓ સત્યાગ્રહમાં બારડોલીના લોકોને મદદ કરે છે તેઓ શું મૂર્ખ છે ?…. કોઈપણ દેશને આઝાદી અપાવનારા એ દેશના યુવાનો જ હોય છે.’ ‘કિરતી’ માસિકના ઉપર્યુક્ત લેખનો વિષય છે ‘વિદ્યાર્થી અને રાજકારણ’. પહેલા જ વાક્યમાં ભગતસિંહ કહે છે : ‘આજકાલ આ વાતની ખૂબ ચર્ચા થાય છે કે વિદ્યાર્થીઓએ રાજકારણ કે રાજનૈતિક કામોમાં ભાગ લેવો જોઈએ કે નહીં.’ ચર્ચાનું નિમિત્ત પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થીઓને રાજકારણમાં જોડાવા પર પ્રતિબંધ મૂકતો નિયમ હતો . એ અંગે ભગતસિંહે જે નોંધ્યું છે તે આપણે ત્યાં હંમેશ માટે પ્રસ્તુત છે : ‘આજે પંજાબ કાઉન્સિલની કાર્યવાહી વાંચીને એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારું શિક્ષણ તદ્દન નિરર્થક છે. દુનિયાની વાત તો બાજુ પર રહી, પણ વિદ્યાર્થીઓ પોતાના દેશની સમસ્યાઓમાં પણ ભાગ લેતા નથી. તેમને આ બાબતમાં કશું જ જ્ઞાન હોતું નથી … તેમને આજે બુદ્ધિહીન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.’

સામ્રાજ્યવાદી અંગ્રેજોના સમયની આ વાત ઉદારીકરણના નવસામ્રાજ્યવાદના યુગમાં પણ લાગુ પડે છે. નવમા દાયકામાં ઉદારીકરણનો ફેલાવો થતો ગયો તેની સાથે વિદ્યાર્થીઓની જાહેર જીવન અને રાજકારણમાંની સામેલગીરીનું પ્રમાણ ઘટતું ગયું. તે પૂર્વે, એટલે કે સાતમા અને આઠમા દાયકાના આંદોલનો દરમિયાન રાજકીય રીતે સક્રિય વિદ્યાર્થીઓનો ફાલ ઊતર્યો. તેમાંથી કેટલાક આગેવાનો મળ્યા. જેમ કે, ગુજરાતના નવનિર્માણ આંદોલનના અરધો ડઝન યુવા નેતાઓમાંથી મનીષી જાની, જે આજે ય લોકચળવળોમાં સક્રિય છે. જયપ્રકાશની સંપૂર્ણ ક્રાન્તિની ચળવળમાંથી  લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર આવ્યા. અરુણ જેટલી દિલ્હી યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા હતા ત્યારે કટોકટી સામેની લડતમાં જેલ ગયા હતા. પ્રકાશ કરાત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(જે.એન.યુ.)માં સામ્યવાદી પક્ષના સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ  ઇન્ડિયાના એક સ્થાપક હતા. સીતારામ યેચુરી એ સંગઠનના સભ્ય હતા. બ્રિન્દા કરાત અને વેંકૈયા નાયડુ અનુક્રમે કોલકાતા અને આંધ્ર પ્રદેશ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા હતા.

કમનસીબે ઉદારીકરણ અને તેની સાથે ખાનગીકરણ તેમ જ વૈશ્વિકરણે શિક્ષણનો ઉદ્દેશ જ બદલી નાખ્યો. શિક્ષણમાં ઉત્પાદન, નફો, વ્યવસ્થાપન, વ્યક્તિગત સફળતા, મોટા પગારવાળી કૉર્પોરેટ જૉબ્સ  માટેની તાલીમ મહત્ત્વની બનતી ગઈ. જિજ્ઞાસા, પ્રશ્નવૃત્તિ અને જ્ઞાનલક્ષી મૌલિક સંશોધનને પ્રોત્સાહન આપતી કેળવણી ગૌણ બની ગઈ. શિક્ષણનો અને જાહેર જીવનનો સંબંધ ઘટતો ગયો. રાજકારણમાં સાર્વજનિક હિતનું સ્થાન હવે રાજકારણી તરીકેની વ્યક્તિગત સિદ્ધિએ લીધું. કૉલેજો-યુનિવર્સિટીઓની ચૂંટણીઓ યૌવનસહજ બળવાખોર વિચારોને બદલે પૈસા અને ગુંડાગર્દીથી લડાવા લાગી. કૅમ્પસ પૉલિટિક્સની છબિ જનમાનસમાં ખરડાતી ચાલી. સત્તાવાળાઓને દોડવું’તું ને ઢાળ મળ્યો. કેટલી ય યુનિવર્સિટીઓમાંથી કૉલેજમાંની ચૂંટણીઓને જાકારો મળ્યો. તેની પાછળ ચૂંટણીઓ દૂષણ છે અને તે વિદ્યાર્થીઓને રાજકારણમાં ઘસડી જાય છે એ મતલબનાં કારણો આગળ ધરવામાં આવ્યાં. એ બંને કારણો કેવાં ગેરવાજબી છે તે લોકશાહી દેશની તમામ સ્તરની ચૂંટણીઓના સંદર્ભે વિચારતાં સમજાઈ જાય. વળી જે દેશમાં લોકપ્રતિનિધિઓની પસંદગી માટે અઢાર વર્ષે મતાધિકાર હોય ત્યાં શિક્ષણક્ષેત્રના પ્રતિનિધિઓની ચૂંટણીઓ જ ન હોય તે ભારોભાર વિસંગત છે. ગયા વર્ષે જૂનમાં સરકારે નવી શિક્ષણ નીતિ અંગેનાં સૂચનો માટે નીમેલી સુબ્રમણ્યન સમિતિએ વિદ્યાર્થીઓની રાજકીય પ્રવૃત્તિઓ પર ઘણાં નિયંત્રણો જ સૂચવ્યાં છે. તે પહેલાંની લિંગડોહ સમિતિનાં કૉલેજ ચૂંટણીઓ વિશેનાં સૂચનો પણ વધારે પડતાં બંધકર્તા ગણાયાં હતાં. ખરેખર તો આ ચૂંટણીઓ યુવા નાગરિકો માટે સક્રિય રાજકારણ માટેની ભૂમિકા પૂરી પાડે છે.

‘કિરતી’ના લેખમાં ભગતસિંહ પૂછે છે : ‘સક્રિય રાજકારણ એટલે શું ? ગાંધી, નહેરુ અને સુભાષચન્દ્ર બોઝનું ભાષણ સાંભળવું તે સક્રિય રાજકારણ ન કહેવાય ? તો કમિશન અને વાઇરૉયનું સ્વાગત કરીએ તો એ શું કહેવાય ? દેશો અને સરકારોની વ્યવસ્થા સંબંધી કોઈપણ વાત રાજકારણના ક્ષેત્રમાં જ ગણાઈ જાય. તો પછી આ રાજકારણ થયું કે નહીં ? કહેવાય છે કે એકથી સરકાર ખુશ થાય છે, બીજાથી નારાજ. શું વિદ્યાર્થીઓને જન્મની સાથે ખુશામતના પાઠ ભણાવવામાં આવે ?’

આપણી સરકાર વિદ્યાર્થીઓથી નારાજ રહે છે. તેના દાખલા મળતા રહ્યા છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભાજપના માનીતા સાધારણ નટની વડા તરીકેની નિમણૂંકની સામે 139 દિવસ   લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે પુષ્કળ દમન કર્યું હતું જેની વાત દેશભરમાં ફેલાઈ. તે પછી તરત જ ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુજીસી’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ  શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડા વિરુદ્ધ યુજીસીની ઑફિસ સામે આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જે.એન.યુ. કૅમ્પસમાં કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે કડક કાર્યવાહી એટલા માટે થઈ કે દેશભક્તિ અને કાશ્મીર સમસ્યા સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. રોહિત વેમુલાની આત્મહત્યા માટે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી પાસે જવાબ માગતા વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. યુપીએની સરકારે લાદેલી નિરર્થક અને નુકસાનકારક સેમિસ્ટર સિસ્ટમ દૂર કરવા માટે ગુજરાત સહિત વિદ્યાર્થીઓએ અનેક જગ્યાએ ચલાવેલી ચળવળોને શાસકોએ ગણકારી નથી.

આમ પણ યુવા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ આપણા દેશની ગણતરીમાં જ નથી હોતાં. કૉલેજો-યુનિવર્સિટીઓના કર્મચારીઓ, અધ્યાપકો, આચાર્યો અને વહીવટકર્તાઓના એક મોટા વર્ગ માટે વિદ્યાર્થીઓ એમની નોકરીઓ ચાલે તે માટે પૂરતી સંખ્યામાં ચોપડે ચડતાં નામોથી વિશેષ કશું હોતા નથી. કૉલેજિયનો એટલે સાવ આળસુ, ઉડાઉ અને ઉદ્ધત ટોળાં તરીકેની ગેરવાજબી છાપ સમાજે મનમાં સંઘરી છે. જુદાં જુદાં કાઉન્ટરો પરના કર્મચારીઓનું અને પોલીસનું કૉલેજિયનો સાથેનું અપમાનજનક વર્તન જોવા જેવું હોય છે. વિદ્યાર્થી એ જાણે ગમે તેમ કરીને ચૂપ બેસાડવા માટે જ જન્મેલાં છે એ વલણ આપણા સમાજ અને શાસકોમાં વ્યાપક છે.

ભગતસિંહ માટે વિદ્યાર્થી એ યુવાશક્તિનું પ્રતીક છે. તેમની હાકલ ‘કૌટુંબિક જંજાળમાં જકડાયા પહેલા’,  ‘તન-મન-ધન દેશ માટે સમર્પિત કરી દે’ તેવા ‘વિદ્યાર્થી કે યુવાન’ લોકોને છે. ભગતસિંહે ખુદની જિંદગી ‘ખિદમતે વતન કે લિએ વક્ફ’ કરીને, ઘરબારનો ત્યાગ કરીને ક્રાન્તિકાર્યમાં સોળ વર્ષની ઉંમરે જ ઝંપલાવ્યું હતું.  યૌવનના તેઓ ચાહક હતા. સત્તરમા વર્ષે  લખેલા ‘યુવક’ નામના નિબંધમાં અને સ્વનામધન્ય ‘નવજવાન ભારત સભા’ના 1928ના ઘોષણાપત્રમાં તેમણે યૌવન તેમ જ  દુનિયાના ઇતિહાસમાં તેની સરફરોશીનું બહુ જ ગૌરવ કર્યું છે. અલબત્ત, તેમના માટે યુવાનોએ માત્ર રાજકીય પરિવર્તન નહીં પણ માનવમાત્રની સમાનતા માટેની સામાજિક ક્રાન્તિ પણ લાવવાની છે. એટલા માટે પંજાબ છાત્ર સંઘના લાહોરના અધિવેશન માટે ઑક્ટોબર 1929માં  જેલમાંથી મોકલેલા સંદેશમાં તેમણે લખ્યું : ‘નૌજવાનોં કો ક્રાન્તિ કા યહ સંદેશ દેશ કે કોને-કોને પહુંચાના હૈ … જિસસે આઝાદી આયેગી ઔર તબ એક મનુષ્ય દ્વારા દૂસરે મનુષ્ય કા શોષણ અસંભવ હો જાયેગા.’   

16 માર્ચ 2017

++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 માર્ચ 2017

Loading

સિદ્ધહસ્ત માળી

જ્ઞાન ચતુર્વેદી|Opinion - Opinion|18 March 2017

હમણાં, મોટી ‘હાઈ લેવલ’ની મિટિંગ થવાની છે આ રૂમમાં. રૂમ ડરેલો છે. મોટો માણસ ક્યારે પણ આવી શકે છે. આવશે તો મિટિંગ શરૂ થશે.

રૂમમાં, જેને ‘કૉન્ફરન્સ હૉલ’ કહે છે, નાના, વચલા અને કેટલાક થોડા મોટા ટાઇપના લોકો બેઠા છે. બધા અગાઉથી આવીને બેઠેલા છે. બધા મોટા માણસની રાહ જોઈ રહ્યા છે.

મોટા માણસનો ભય છે. બધાના ચહેરા પર વાંચી શકાય છે મોટા માણસની મોટી વાતો. અને લાતો તો ભાઈ એવી છે કે જેની ચર્ચા ઑફિસે-ઑફિસે. ક્યારે કોને લગાવી દે, કહેવું મુશ્કેલ. ચેતવણી વગર જ લગાવી દે છે. મોટા માણસની મોટી ખુરશી. તે ખુરશીના પાયા ઊંચા, ટેકો મોટો, તળિયું મજબૂત. મોટા માણસનું માથું મોટું. આટલા મોટા માથા પર સાહેબગીરીના સોજા, સત્તાનું ગૂમડું અને અહમ્‌ની લાલી. માથું લાગે જાણે પાકેલો ફોલ્લો. સૂજેલો અને ગરમ-મોટા માણસની મોટી વાતો. મોટા માણસ વિશે મોટી-મોટી વાતો.

‘સાહેબે જો એક વાર નક્કી કરી લીધું તો બસ, ડગતા નથી.’ કૉન્ફરન્સ હૉલમાં પાછળ બેઠેલા એક નાના માણસે બીજા નાના માણસને એમ જ કહ્યું છે. જો કે તે એટલા નાના હતા પણ નહીં. પોતાની ઑફિસમાં મોટા છે, પણ અહીંયાં નાના જેટલું ગજું છે.

બીજો માણસ સાથે લાવેલી ફાઇલ ઉથલાવી રહ્યો છે. તેને પ્રેઝન્ટેશન આપવાનું છે. વિચારી રહ્યો છે. મોટો માણસ તેનું પ્રેઝન્ટેશન ગમાડશે કે ઠુકરાવી દેશે. મોટા માણસના મૂડની ખબર નથી પડતી. તેણે પહેલાં માણસની વાત સાંભળી લીધી, પણ પોતાની વાત એવી તોલી-જોખીને કહી કે જાણે સાહેબને સંભળાવવા માટે કહી રહ્યો હોય.

“મોટા સાહેબ ઝડપથી મૂળ મુદ્દાની વાત પકડી લે છે. પ્રેઝન્ટેશનમાં એક જ વાર, એક જ એવી મોટી વાત કહી દે છે કે …” ફાઇલમાંથી નજર હટાવીને બીજાએ કહ્યું.

તે મોટા માણસ વિશે એવી રીતે વાત કરે છે જાણે ડેંકાલીના જંગલી આદિવાસી વેતાલ વિષેની કિંવદંતીઓ સંભળાવી રહ્યા હોય. કૉન્ફરન્સ હૉલમાં એક અદૃશ્ય તાપણું સળગી રહ્યું છે. ટોળે વળીને બેઠેલા લોકો મોટા માણસની પેલી કિંવદંતીઓ સંભળાવી રહ્યા છે, જે ઑફિસોના જંગલમાં ફેલાયેલી છે.

“સાહેબ, એક ઝાટકે શર્માજીને જમીન પર લાવી દીધા. શર્માજી વિચારી રહ્યા હતા કે આપણું પ્રમોશન પાક્કું છે. સીનિયોરિટીમાં સૌની ઉપર, પણ મોટા સાહેબે એક ઝાટકે પાંખો કાપી નાંખી શર્માજીની. છેલ્લી ઘડીએ હરિદ્વારથી અગ્રવાલને લાવી શર્માજીના માથા પર બેસાડી દીધો. દંગ રહી ગયા બધા.” કોઈ કોઈકને ધીમા અવાજમાં મોટા માણસનાં કારનામાં કહી રહ્યો છે કે મોટો માણસ ઓચિંતો ઝાટકો આપવામાં એવો નિષ્ણાત છે કે એવો તો બસ તે જ આપી શકે છે.

ફરી પાછી મોટા માણસની બીજી વાતો. જ્યાં સુધી તે નહીં આવે, તેની જ વાતો થશે.

“પણ સરજી છે બહુ ધાર્મિક પ્રવૃત્તિના. જ્યાં સુધી સવારે ઊઠીને બે કલાક પૂજામાં ના બેસે, મજાલ છે ઘરની બહાર પગ મૂકે.” એકે કહ્યું.

“રોજ સવારે યોગ કરે છે. નાસ્તામાં ફક્ત ચણા-મમરા. ફિટ રહેશો તો જ લોકોને પાછળથી લાત મારવાની તાકાત આવશેને.” કોઈ વચલો કોઈ નાનાને કહી રહ્યો છે.

મોટો માણસ રેડિયો-પ્રસારણની જેમ છવાઈ ગયો છે. કૉન્ફરન્સ હૉલમાં, જો કે તે હજુ પહોંચ્યો નથી.

“જ્યારે સાહેબ વિશાખાપટ્ટનમમાં હતા, તો,” એક જણ બોલ્યો.

‘સાહેબ વિશાખાપટ્ટનમમાં પણ રહ્યા છે? એક જણ આશ્ચર્યથી પૂછે છે.

‘લો સાંભળો, આમને આટલી પણ ખબર નથી. પછી રોતા ફરશે કે પ્રમોશન ના મળ્યું. પાયાની વાતો સુધ્ધાં ખબર નથી અને …’

“ભાઈ, ત્રણ વર્ષ રહ્યા છે. એપ્રિલ ચોર્યાસીથી સત્તાસી સુધી બધા જાણે છે આ વાત. ત્યાં જ તો પેલી ઇન્ક્‌વાયરી બેસાડી હતી લોકોએ બધાના પ્રયત્નો રહ્યા કે તપાસમાં સાહેબને ઠેકાણે પાડી દઈએ, પણ કોઈ વાળ પણ વાંકો ના કરી શક્યું પઠ્ઠાનો. ભઈસાહેબનું પેપરવર્ક એટલું જોરદાર હોય છે કે આ વાતનાં વખાણ તેમના દુશ્મનો પણ કરે છે. સાહેબે એલ.વનની જગાએ સીધી એલ. ફાઇવને ઊંચી કિંમતે ખરીદવાનો ઑર્ડર આપેલો, પણ પેપર પર એવો ‘સૉલિડ’ કેસ બનાવ્યો હતો કે ઇન્ક્‌વાયરી કરવાવાળા પણ ભુલાવામાં પડી ગયા સાચ્ચે.” કોઈ વિશાખાપટ્ટનમની ‘વિશ્વવિખ્યાત’ ગણાતી કિંવદંતી સંભળાવી રહ્યું છે. સાંભળવાવાળાઓમાંથી મોટા ભાગના આ કિસ્સો ઘણી વાર સાંભળી-સંભળાવી ચૂક્યા છે. આ રીતે સ્તો કિસ્સો કિંવદંતીમાં પલટાય છે.

“ખૂબ ખાધું, છાતી ઠોકીને ખાધું – પણ મજાલ છે કોઈની કે રોકી શકે! કોઈકે વાત તથા વખાણને પોતાની મરજી મુજબ વધારીને કરી.”

“જો ભાઈ, ખાય તો બધા છે. બધા ખાવા માંગે છે. માણસ ખાશે નહીં તો મોટો કેવી રીતે બનશે? ન ખાય તો એક દિવસ પણ મોટો ન રહી શકે. મહત્ત્વની વાત એ છે કે કોઈ તમારી ગરદનને હાથ ન અડાડી શકે. આપણા મોટા સાહેબની ગરદનની આસપાસ પણ કોઈ ફરકી શકતું હોય તો બતાવો? છે કે નહીં ?” એક વધારાના જણે પ્રશંસાનો પોતાનો એક ટુકડો જોડી દીધો.

મોટો માણસ હજી સુધી નથી આવ્યો પણ કૉન્ફરન્સ હૉલના આત્મામાં સમાયેલાં છે.

તે અહીંયા નથી, છતાં છે. તે અહીં બેઠેલા બધાના ચિત્તમાં હંમેશાં છે, ત્યાંથી ક્યારે ય ગયા જ નથી. મોટા માણસની આ ઓળખ છે. તે તાબેદારોના મનમાં નિરંતર એક વલોણાની જેમ ફર્યા કરે છે. તે હાથ નીચેવાળાઓના વિચાર, વાતચીત, હાસ્ય, ટુચકાઓ, ચિંતાઓ … બધા પર કબજો કરી લે છે. મોટો માણસ જાણી બીજાઓના જીવનમાં એક હક્ક-નાબૂદી અભિયાન સમો છે.

મોટો માણસ હજી આવ્યો પણ નથી, છતાં તેનો એક મોટો ઓળો આખી રૂમ પર છે. કૉન્ફરન્સ હૉલના આંજી દેતા અજવાળા વચ્ચે ડરામણું અંધારું પણ વ્યાપેલું છે. સાહેબના આવ્યા પછી દરેક જણ પોતાની વાત કેવી રીતે મૂકશે, તેનું રિહર્સલ બધાના મનમાં ચાલી રહ્યું છે. સાહેબ પાસે વધુ સ્ટાફ માંગવો જ પડશે. હું તો કહી જ દઈશ કે આટલા ઓછા સ્ટાફથી ટાર્ગેટ અચિવ કરવાનું ઇમ્પૉસિબલ છે. આવું બોલતા જ નહીં. મોટાસાહેબ નવી ભરતીની સખત વિરુદ્ધમાં છે. ચૂપ જ રહેજો. પૂછશે કે કામને ‘ઓફલોડ’ કેમ નથી કરી શકતા ? પ્રાઇવેટ પાર્ટીની સાથે ટાઇ-અપ કેમ નથી કરતા? પૂછશે કે બે કરોડનું મશીન કેમ માંગી રહ્યા છો? આ કામનું ‘ઓફલોડ’ કેમ નહીં. મોટા માણસને ઓફલોડ શબ્દ બહુ પ્રિય છે. તે આ સરકારી વિભાગનાં દરેક કામ પ્રાઈવેટ કંપનીઓને ઓફલોડ કરી દેવા માંગે છે. તેનું ચાલે તો બધાના શ્વાસોને પણ ‘પ્રાઇવેટાઇઝ’ કરી દે. કંઈ પણ માંગશો, તો કહેશે કે તમારાથી નથી થતું તો પ્રાઇવેટ પાર્ટીની સાથે ‘જૉઇન્ટ વેન્ચર’ની પ્રપોઝલ બનાવીને લાવો. હું મંજૂરી આપીશ – પૈસા મંજૂરીમાં છે. રમત જૉઇન્ટ વેન્ચરમાં છે. આ મીટિંગ મૂળમાં આ કામ માટે જ કરશે મોટો માણસ. તેને ખબર છે કે બહુ લાંબો સમય સુધી નથી – પેલી ખુરશી. મોટો માણસ ખૂબ રૂપિયા બનાવવા માટે આવી મીટિંગો કરાવ્યા કરે છે. મીટિંગમાં બધી રજૂઆત તેના કહ્યા પ્રમાણે જ હોવી જોઈએ. ‘પ્રેઝન્ટેશન’, ‘ટુ ધ પૉઇન્ટ’ રાખજો. સાહેબને જરા પણ ‘ડેવિયેશન’ નથી ગમતું, કોઈ કહી રહ્યું છે, કોઈક નવા માણસને. વિવાદ, દલીલો ના કરતા. મોટો માણસ સાંભળતો નથી. એક વાર ઇશારો કરશે. બસ! ઇશારો સમજવાનું તમારું કામ. બધાએ ‘હાં કહેવાની છે. મોટો માણસ દરેક મિટિંગમાં બસ ‘હા’ સાંભળવા જ આવે છે. આજે પણ એની માટે આવી રહ્યો છે. તે બોલશે. બાકી બધાં ‘હા જી’, ‘યસ સર’ કહેશે.

મોટા માણસની વાત ચાલી રહી હતી કે તે આવી જ ગયા.

અચાનક જ તે ચોકીદાર દોડીને આવ્યા. અને બંને એક-એક દરવાજા પકડીને ઊભા રહી ગયા.

રૂમમાં ઉપસ્થિત બધા લોકો, દરવાજા તરફ મોઢું કરી સાદર ઊભા થઈ ગયા.

મોટો માણસ દરવાજામાંથી અંદર આવી ગયો. માણસ આટલો મોટો છે, પણ અટક્યો નહીં. ‘યસ સર’ની કળીઓ જાણે ખીલવા ઉત્સુક છે. હવે મોટો માણસ બહારની જેમ હૉલ પર છવાઈ જશે. કળીઓ ખીલશે, ફૂલો ખીલી ઊઠશે. બધી બાજુ ‘યસ સર’ની ક્યારીઓ ભરાઈ જશે.

મોટો માણસ અસંમતિ કાંટાવાળી ડાળીઓ પહેલાં જ કાપીને જુદી કરી ચૂક્યો છે. મોટો માણસ સરકારી પ્રશાસનના બગીચાનો સિદ્ધહસ્ત માળી છે.

અનુવાદ – દક્ષા પટેલ

E-mail : dakshapatel15@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 13 અને 15 

Loading

...102030...3,4903,4913,4923,493...3,5003,5103,520...

Search by

Opinion

  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved