આદર્શ સમાજ કેવો હોવો જોઈએ? 10 હજાર વર્ષ અગાઉ માણસે જ્યારે સમૂહમાં રહેવાનું શરૂ કર્યું ત્યારથી લઈને આ પ્રશ્ન પુછાતો રહ્યો છે, અને એનો કોઈ એક સર્વકાલીન, સર્વસામાન્ય અને સર્વસિદ્ધ ઉત્તર ઉપલબ્ધ નથી. દરેક સમાજ કે સંસ્કૃિત પોતપોતાની રીતે ‘ઉત્તમ’ સમાજની રચના કરવાનો પ્રયાસ કરતા રહે છે, અને એ પ્રયાસોમાંથી જે સૌથી પરમ વ્યાખ્યા આવી છે તે પ્રમાણે, ‘બહેતરીન સમાજ એને કહેવાય જેમાં પ્રત્યેકને જે કામના હોય તેની પ્રાપ્તિ થાય.’ આ નામુમકિન પણ છે, એટલે આપણે યથાસંભવ રીતે સમાજના તમામ લોકો અને સમુદાયોની ઇચ્છા સંતુષ્ટ થાય તેવા પ્રયત્નો કરીએ છીએ.
આપણે જેને પરસ્પર-વિરોધી માન્યતાઓ કે મૂલ્યો કહીએ છીએ તે દરેક સમાજના મુક્તલિફ સમૂહોના આંતર્વિરોધોમાંથી પેદા થાય છે. આમાંથી જ આઝાદ ખયાલી અથવા મુક્ત સમાજનો એક આધુનિક વિચાર લોકતાંત્રિક સમાજ વ્યવસ્થામાંથી અાવ્યો છે, જે કહે છે કે જ્યાં સુધી લોકો ખુશ હોય ત્યાં સુધી બધું જ જાયજ છે. એનાથી વિરુદ્ધ પથ્થરની લકીરવાળો, રૂઢિવાદી સમાજ એવું કહે છે કે લોકોએ એટલું જ કરવાનું જેટલું પરંપરા અથવા રિવાજ અથવા સંસ્કૃિતમાં નિયત હોય.
રૂઢિવાદી સમાજ તમને તમારા વ્યક્તિગત આનંદ માટે પરંપરા કે ઇતિહાસ સાથે ચેડાં કરવાની ઇજાજત નથી આપતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્્માવતી’ સામે એ જ તર્ક ઉપર વિરોધ થયો છે કે મનોરંજન પીરસવાના નામ ઉપર ભણસાલીએ રાજસ્થાનના રાજપૂત સમાજમાં શ્રદ્ધેય એવી રાણી પદ્્માવતીને ખિલજી વંશના સૌથી શક્તિશાળી શાસક અલાઉદ્દીન ખિલજીના ઇશ્કનું કેન્દ્ર બતાવીને ઇતિહાસની અને રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે.
બોલિવૂડ ઉદાર સમાજનું મનોરંજન છે, અને સમય સમય ઉપર અહીં સમાજમાં કે ઇતિહાસમાં પ્રચલિત કિસ્સા-કહાનીઓને મુનાસિબ રીતે પેશ કરવામાં આવતી રહી છે. એમાં અસલિયતને વિકૃત રીતે રજૂ કરવાને લઈને ટીકાઓ, વિવાદો અને કાનૂની દાવપેચ થયા છે, પરંતુ રાણી પદ્દમાવતીને લઈને જે વિરોધ થયો છે તેમાં એક અજીબ વાત એ છે કે એમાં હકીકત અને કલ્પનાની ભેળસેળ થઈ ગઈ છે, અને કોઈની પાસે કશું જ એવું નથી, સિવાય કે લાગણી, કે જેનાથી કોઈ તથ્ય પુરવાર થઈ શકે. આવું કેમ? આ પ્રશ્નના ઉત્તર પહેલાં વાત પદ્દમાવતીની કહાનીની.
હા, પદ્દમાવતીની જે કહાની પરથી ભણસાલી ફિલ્મ બનાવી રહ્યા છે તેની પણ એક કહાની છે. જયપુરમાં આ ફિલ્મનો વિરોધ થયો તે પછી કેટલાક ઇતિહાસકારોએ એવી દલીલ પેશ કરી છે કે પદ્્માવતી એક કાલ્પનિક ચરિત્ર છે, અને એના અસ્તિત્વના કોઈ ઐતિહાસિક પુરાવા નથી. ઇતિહાસકાર એસ. ઇરફાન હબીબે ટ્વિટ કરીને કહ્યું કે રાજસ્થાનના ઇતિહાસથી અભ્યસ્ત પ્રો. કે. એસ. લાલ અને પ્રો. ગૌરીશંકર ઓઝાના અભ્યાસમાં 1540 પહેલાં પદ્દમાવતીનો કોઈ સંદર્ભ મળતો નથી.
પ્રચલિત કથા પ્રમાણે અલ્લાઉદ્દીન ખિલજીએ 1303માં ચિતોડના ગઢને ઘેરો નાખ્યો ત્યારે એક મુસ્લિમ આક્રમણના હાથે લૂંટાવા કરતાં મરવાનું પસંદ કરીને પદ્દમાવતીએ જૌહર કરવાનું પસંદ કર્યું હતું. દુશ્મન અથવા તો આક્રમણખોરોના હાથમાં પડવાને બદલે જૌહર કરવાની રાજપૂત મહિલાઓની એક પરંપરા રહી છે, અને એમાં રાણી પદ્દમાવતીનું જૌહર પૂરા ભારતમાં પ્રસિદ્ધ છે. મોટાભાગના ઇતિહાસકારો માને છે કે પદ્દમાવતીની કિંવદંતી, હિન્દી સાહિત્યની ભક્તિ પરંપરાના સૂફી કવિ મલિક મોહમ્મદ જાયસીએ (1477-1542) 1540માં અવધી ભાષામાં દોહા અને ચોપાઇનો ઉપયોગ કરીને પદ્દમાવત નામનું મહાકાવ્ય લખ્યું ત્યારથી શરૂ થઈ છે.
આ કાવ્યમાં ચિતોડના રાજા રતનસેન અને એની અત્યંત ખૂબસૂરત રાણી પદ્દમાવતીની પ્રેમકહાની હતી. જાયસીએ એમાં સુલતાન અલાઉદ્દીન ખિલજીના ચિતોડ-આક્રમણને જોડીને ઇતિહાસ અને કલ્પનાનું એટલું અદ્દભુત મિશ્રણ કર્યું હતું કે હિન્દી સાહિત્યની બીજી કોઈ કથા ‘પદ્દમાવત’ની ઊંચાઈ સુધી નથી પહોંચી શકી. હિન્દુસ્તાનની સૂફી પરંપરામાં ‘પદ્દમાવત’ પ્રેમભક્તિનું સર્વોત્તમ કાવ્ય ગણાય છે. તુલસીદાસે એમનું ‘રામાયણ’ લખવાનું શરૂ કર્યું તેનાં 30 વર્ષ પહેલાં લખાયેલું આ મહાકાવ્ય એટલું સશક્ત છે કે એક જાંબાઝ હિન્દુ રાજપૂતાણી તરીકે પદ્દમાવતી અને એક કામાંધ અને નાકામ આશિક તરીકે મુસ્લિમ યૌદ્ધા ખિલજીનું ચરિત્ર કાયમ માટે જનમાનસમાં જડાઇ ગયું છે.
ઘણી વાર અમુક ચરિત્રો કે કથાઓ હકીકત કરતાં વધુ સશક્ત અને વાસ્તવિક બની જતાં હોય છે. લાહોરની સ્થાનિક પંજાબી લોક સંસ્કૃિતમાંથી પ્રચલિત બનેલું અનારકલીનું પાત્ર કથા-નાટક-સિનેમાને કારણે એટલું ‘જીવંત’ બની ગયું છે કે લોકો ભાગ્યે જ એ હકીકતની દરકાર કરે છે કે અકબર અને સલિમ ‘જહાંગીર’ના અધિકૃત દસ્તાવેજ અકબર નામા અને તુઝક-એ-જહાંગીરમાં અનારકલીનો કોઈ ઉલ્લેખ નથી. એવી જ રીતે અકબરની રાજપૂત રાણી (અને સલિમની મા) જોધાબાઈની હકીકતને લઈને પણ મતમાંતર છે.
પ્રો. ઇરફાન હબીબ કહે છે, ‘દરેક સભ્યતામાં કથાઓ છે, પણ એ સઘળી ઇતિહાસનો ભાગ ન પણ હોય. ઇગ્લેન્ડમાં રોબિનહૂડની કથા છે, જે આજે પણ અત્યંત પ્રચલિત છે.’ કલ્પનાઓ હકીકત કરતાં વધુ સશક્ત કેમ બની જાય છે? આંબેડકર યુનિવર્સિટીમાં ઇતિહાસ ભણાવતાં પ્રો. તનુજા કોઠિયાલ લખે છે, ‘બહાદુરી અને મુસ્લિમ શાસકો (મુઘલ અને તુર્ક) સામેના છેલ્લા પ્રતિરોધક તરીકે રાજપૂતોમાં એક ગુમાન છે. આ પ્રતિરોધને અડીખમ રાખવા માટે જીવનું બલિદાન આપી દેવાનાં અનેક ઉદાહરણ રાજપૂત ઇતિહાસમાં છે.
આવી ભાવના રાજપૂત સ્ત્રીઓમાં પણ ઊંડી ઊતરી છે અને ઇજ્જતની રક્ષા માટે સતી થઈ જવું અથવા જૌહર કરવું એ રાજસ્થાનની એક જમીની વાસ્તવિકતા રહી છે. બહાદુરી અને ઇજ્જતની માન્યતામાંથી રાજપૂત હોવાની ઓળખ નક્કી થઈ છે. પદ્્માવતી આ ઓળખમાં એક મહત્ત્વનું પાત્ર છે, અને એટલે જ એને કોઈ પણ રીતે હલકું ચીતરવું એ પેલી ઓળખ કમજોર કરવાની ગુસ્તાખી ગણાય.’ માણસ કે સમાજની સાંસ્કૃિતક પહેચાન એના ઇતિહાસ કે પરંપરામાંથી બને છે. ઘણી વાર બદલાતા સમયમાં પરંપરાના કે સાંસ્કૃિતના ઢાંચામાં હલચલ થાય ત્યારે સાહિત્યની માન્યતાઓ ખીલીઓનું કામ કરતી હોય છે.
તનુજા કોઠિયાલ કહે છે, ‘તુર્કો, મુઘલો, મરાઠા, પીંઠારી અને બ્રિટિશરો સામેની લડાઈઓમાં થયેલા નુકસાનનો ઇતિહાસ ભેગો થતો રહ્યો છે, અને પ્રવર્તમાન ભારતીય લોકતંત્રમાં હાંસિયામાં ધકેલાઈ જવાનો અહેસાસ મજબૂત બનતો રહ્યો છે ત્યારે વીરતા અને પ્રતિરોધની ચેતના જ રાજપૂત હોવાની પહેચાનને જીવંત રાખી રહી છે, અને એ ચેતનામાં પદ્્માવદીને નુકસાન થાય તે પરવડે તેમ નથી.’ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર રામ્યા શ્રીનિવાસન ‘ધ મેની લાઇવ્સ ઑફ રાજપૂત ક્વીન’ પુસ્તકમાં કહે છે, ‘એક મુસ્લિમના હાથે લૂંટાવા કરતાં મૃત્યુ પસંદ કરનાર એક આદર્શ રાજપૂત નારી તરીકે પદ્દમાવતીની કલ્પના રાજપૂતોની સ્મૃિત માટે બહુ અગત્યની છે, અને એટલે જ 500 વર્ષ પછી પણ પદ્દમાવતીની દંતકથા હિન્દી, ઉર્દૂ, બંગાળી અને અંગ્રેજીમાં અનુવાદિત થતી રહી છે.’
બાકી તો, મલિક મોહમ્મદ જાયસીએ પદ્દમાવતીની કથા સમાપ્ત કરતી વખતે ઉપસંહારમાં એ રૂપક સ્પષ્ટ કરતા લખ્યું હતું :
તન ચિતઉર, મન રાજા કીન્હા હિય સિંઘલ, બુધિ પદમિનિ ચીન્હા … ગુરુ સુઆ જેઈ પન્થ દેખાવા, બિન ગુરુ જગત કો નિરગુન પાવા? અર્થાત્, માણસનું શરીર ચિતોડ છે અને મન રાજા રત્નસેન. હૃદય સિંઘલ દ્વીપ છે અને બુદ્ધિ પદ્દમિની. ગુરુ વગરના સંસારમાં કોને પરમાત્મા મળે છે?
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 12 ફેબ્રુઆરી 2017