Opinion Magazine
Number of visits: 9843233
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

ઝેન્તા મૉરિના (અનુવાદ : બાલુભાઈ પારેખ)|Gandhiana|8 June 2025

ઝેન્તા મૉરિના, લાટવિયન લેખિકા

પોતાના દેશ અને પ્રજાના આત્માને જેટલા પ્રમાણમાં ગાંધીએ મૂર્તિમંત કર્યો તેટલા પ્રમાણમાં હમણાંના સમયમાં કોઈ પણ એક રાજદ્વારી, મુત્સદ્દી અથવા કવિ અને લેખકે કર્યો નથી. એમની વાણી અને વર્તન વચ્ચે લગીરે અંતર નહોતું, અને પોતાના જીવનકાળમાં જ એ મહાત્મા તરીકે ઓળખાયા હતા.

આ તપસ્વી એક આદર્શવાદી, ઉચ્ચ કક્ષાના પ્રૌઢ લેખક છે. બને કે, પોતાની સ્વચ્છ સંયમી શૈલી એમણે પોતાનાં ઇંગ્લેંડનાં અભ્યાસનાં વરસો દરમ્યાન કેળવી હોય; એમ છતાં એમનું માનસ ત્રણ ઘટક તત્ત્વોનું બનેલું છે : હિંદુ ધર્મની પ્રાચીન પ્રણાલિ, ટૉલ્સ્ટૉય અને પ્લેટો. પ્લેટોનું આત્માની અમરતા વિષેનું પુસ્તક Phaidon તો એમણે પોતાની ભાષામાં ઉતાર્યું છે.

દરેક હિંદીને એ ટૉલ્સ્ટૉયનાં ત્રણ પુસ્તકો વાંચવાની હંમેશ ભલામણ કરતા : The Kingdom of God is Within You (વૈકુંઠ તારા હૃદયમાં); What is Art? (કલા એટલે શું ?); અને What Must We Do Then? (ત્યારે કરીશું શું?). 1921માં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ટૉલ્સ્ટૉય સાથે તમારે સંબંધ કેવો હતો ત્યારે એમણે જવાબ આપ્યો હતો : “હું અંતરથી એમનો ભક્ત છું. મારા જીવનમાં એમની પાસેથી મને ઘણું મળ્યું છે.”

જેમ સત્ય બોલવાની, અહિંસાનું પાલન કરવાની, ડોળ અને દંભને તિરસ્કારવાની અદમ્ય ઈચ્છાઓ, આધુનિક સુધારા પ્રત્યેના અણગમા, અને અંતે પોતાના કોઈ પણ સ્ખલન કે ભૂલને માફ ન કરવાના વલણે અને પોતાની નબળાઈઓનું હર વખત પ્રાયશ્ચિત્ત કરવાની વૃત્તિએ તેમને ટૉલ્સ્ટૉય સાથે જોડ્યા હતા; તેમ નમ્રતા અને તપસ્વી જેવી સાદાઈ એ બે વસ્તુએ પણ જોડ્યા હતા.

લોકો આ મહાત્માને સંત કહેતા ત્યારે એ જેવી અકળામણ અનુભવતા એવી તે બીજા કશાથી અનુભવતા નહિ:

“કોઈ પણ ધર્મપરાયણ હિંદુની જેમ હું પ્રાર્થના અને પૂજા કરું છું અને માનું છું કે આપણે બધા જ ઈશ્વરના સંદેશવાહક બની શકીએ. પણ મને ઈશ્વર તરફથી કોઈ પ્રકારના ખાસ સંદેશ મળ્યા નથી. હું તો સીધોસાદો મજૂર, હિંદ અને માનવજાતનો નમ્ર સેવક બનવા ચાહું છું.”

યુરોપના માંધાતાઓ જ્યારે ખૂન, જૂઠાણાં, નાસ્તિકતા અને વેર વાળવાનાં લોહીતરસ્યાં કૃત્યોથી માનવોનો કીડીમકોડાની જેમ સંહાર કરતા હતા, પોતાની અલ્પજીવી સત્તા વધારતા હતા અને સેતાની અણુ બોમ્બ ફેંકતા હતા; ત્યારે ગાંધી ન્યાય, સત્ય અને સત્યાગ્રહથી હિન્દની મુક્તિ કાજે ઝૂઝતા હતા. સરકાર ચલાવવાની પદ્ધતિ તરીકે ભય અને ત્રાસને અપનાવનાર લેનિન ગાંધી કરતાં માત્ર એક વરસ નાના હતા, અને સ્ટેલિન હિંદના મુક્તિદાતા પછી દસ વર્ષે જન્મ્યો હતો. ગાંધીનો જાદુઈ શબ્દ “સત્યાગ્રહ” એ ટૉલ્સ્ટૉયના non-resistence(અપ્રતિકાર)નો પર્યાયવાચક નથી, કેમ કે એ કાર્ય માટે હાકલ કરે છે. સરકાર અને સત્તાવાળાનાં અન્યાયી કૃત્ય સામે મનુષ્યે હિંસાનું એક પણ કૃત્ય આચર્યા વિના મરતાં લગી ઝૂઝવું જ રહ્યું. કાયરતાભર્યા શાંતિવાદ સાથે સત્યાગ્રહને ગૂંચવવો ન જોઈએ. ગાંધીએ તો હાથમાં શાંતિની તરવાર ધારી હતી.

-2-

જેમ સૌમ્ય ઈસુએ સાગરનાં મોજાં ઉપર આધિપત્ય ભોગવ્યું હતું તેમ જ ગાંધીએ ચાળીસ કરોડ માનવોના મહેરામણ પર આધિપત્ય ભોગવ્યું હતું. લોકોનાં ટોળાં જો પાગલ બને, જો ઘાતકી બળાત્કારનાં કૃત્યો આચરે—કોઈ રાષ્ટ્ર કચરા વિનાનું નથી—તો ગાંધી ઉપવાસ પર ઊતરીને બળવાખોર તત્ત્વોને શમવાની ફરજ પાડતા. જેમ એથેન્સવાસીઓએ સોક્રેટિસને જેલમાં નાખ્યો ત્યારે તેણે તેનો વિરોધ નહોતો કર્યો તે જ પ્રમાણે 1922માં અંગ્રેજોએ ગાંધીને જેલમાં પૂર્યા તે તેમણે સ્વીકારી લીધું. જેલમાંથી તેમણે પોતાની પ્રજાને શાંતિ જાળવવાના, અહિંસાનું પાલન કરવાના અને યાતનાઓ વેઠવા તૈયાર રહેવાના સંદેશા મોકલ્યા. બે વરસ જેલમાં ગાળ્યા પછી ગંભીર માંદગી અને અનિવાર્ય ઓપરેશનને કારણે એમને છુટકારો થયો. એ વખતે એમનું શરીર સાવ હાડપિંજર થઈ ગયું હતું; છતાં સત્યાગ્રહના સિદ્ધાંતમાંથી એક તસુ પણુ ચળ્યા વિના કઠોરતાથી એ પોતાના ધ્યેયની પાછળ મંડ્યા રહ્યા. 1932માં અંગ્રેજોએ એમને ફરી જેલમાં પૂર્યા હતા ત્યારે મુંબઈની શેરીઓમાં લોકોએ હૃદયફાટ આક્રંદ કર્યું હતું અને ઘરોમાંથી સ્ત્રીપુરુષના રુદન અને ડૂસકાંનો એવો મોટો અવાજ આવતો હતો કે પ્રવાસીઓ એમ સમજ્યા હતા કે કોઈ આસમાની આફત તૂટી પડી છે. અસંખ્ય સાઈરનોના ધ્વનિની પેઠે શોક અને દુઃખ ઝૂંપડામાં અને મહેલમાં—સર્વત્ર ફેલાઈ ગયા. નેવું હજાર હિંદીઓની ધરપકડ થઈ— એ આંકડો ત્રીસ હજારનો હતો એ વાતને અંગ્રેજો આજ સુધી વળગી રહે છે – પણ આમાં કેવળ આંકડાનું ઝાઝું મહત્ત્વ નથી; ગાંધીના અનુયાયીઓ જે શાંત સ્વસ્થતાથી જેલ જવાને તત્પર હતા તે આજે પણ આપણાં દિલ હલાવી મૂકે છે.

માનવી અને દુન્યવી વ્યવહારમાં કરુણતા વિનાની મહાનતા કલ્પી શકાતી નથી. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય અને ન્યાય તેમ જ અહિંસાને ખાતર આદર્શ જીવન ગાળ્યું; અને હિંદુ ધર્મમાં નવો પ્રાણ પૂરવો અને તેને નવો અર્થ બક્ષવો તેમ જ પોતાના લોકોમાં માણસ તરીકેના ગૌરવની ભાવના જાગ્રત કરવી—એ બે જ ઉદ્દેશ પાર પાડવા એ જીવનભર મથ્યા : પરંતુ 1948માં કોઈ અંગ્રેજને હાથે નહિ પણ એક અત્યંત સંકુચિત માનસ ધરાવનાર હિંદુ બ્રાહ્મણને હાથે એમની હત્યા થઈ. એ હત્યારાની દૃષ્ટિ એટલી સંકુચિત હતી કે એ મહાપુરુષની મહત્તા માપી જ ન શકે.

વિશ્વની શસ્ત્રાસ્ત્રોની દોડમાં અને ઉદ્યોગીકરણ તરફની ગતિમાં હિંદ ભવિષ્યમાં ગાંધીના આદર્શોને વફાદારીપૂર્વક વળગી રહેશે કે કેમ, તથા કોઈ પણ સ્વરૂપની હિંસા કરતાં શાંતિમય સમજાવટનો માર્ગ પસંદ કરશે કે કેમ, તે વિષે કોઈ અનુમાન કરવું મુશ્કેલ છે. એ જે હોય તે ખરું, પરંતુ આપણા આ નિર્ભ્રાંત થયેલા અને નિરર્થક યુગમાં હિંદુ ધર્મના અધ્યયનથી આપણે નવી દિશામાં પ્રયાણ કરી શકીએ અને અલ્પજીવી ક્ષુલ્લક વસ્તુઓની પાર જોઈ શકીએ તો અને ત્યારે જ સાચી અને કાયમી એકતા આવી શકે. આ વાતની આપણી જાતને યાદ આપીને જ આપણે આંતરિક સુધારો કરી શકીએ, કેમ કે સમસ્ત જીવન અને અસ્તિત્વની કૃતાર્થતા ક્ષુલ્લક વસ્તુઓમાં નહિ, પણ સમગ્રતામાં રહેલી છે.

પ્રેમની સૌમ્ય શક્તિથી પોતાના દેશને સ્વાતંત્ર્ય પ્રતિ દોરી જનાર ગાંધી જેવા માનવ જીવી ગયા છે, એ હકીકતના જ્ઞાનથી આપણું દ્વેષ અને હિંસાથી છિન્નભિન્ન થઈ ગયેલા યુગનો બોજ આપણે વધુ સરળતાથી વહી શકીએ છીએ.

ગાંધી વિષે વિચાર કરીએ છીએ ત્યારે મનુષ્ય પોતાના આસુરી આવેગોનું દમન કરવા સમર્થ છે, એ આપણી શ્રદ્ધા બળવત્તર થતી હોય એેવો અનુભવ થાય છે.

માનવજાતમાં પરિવર્તન લાવવાને માટે ફિલસૂફીની સર્વ પદ્ધતિઓ અને તમામ ધર્મસિદ્ધાંતોના કરતાં આદર્શ રીતે જિવાયેલું જીવન વધારે સમર્પક છે.

07-08 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 336-7

Loading

સોશ્યલ મીડિયા અને રિટેલ રોકાણોના ટ્રેન્ડમાં ‘ફિનફ્લુએન્સર્સ’ પર ભરોસો કરતાં પહેલાં ચેતજો …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 June 2025

આપણો બચતલક્ષી દેશ હવે રોકાણલક્ષી બની રહ્યો છે, ત્યારે માહિતીનું લોકશાહીકરણ બહુ જ સારી બાબત છે, પણ તે સમતુલિત હોય, સુરક્ષિત હોય અને  રોકાણકારોને છેતરપીંડી અને ખોટી માહિતીથી બચાવે તે પણ જરૂરી છે.  

ચિરંતના ભટ્ટ

ડિજીટલ યુગની વાત જેટલી થાય એટલી ઓછી. સર્ચ એન્જિન, સોશ્યલ મીડિયા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – ટૅક્નોલૉજીનો વિસ્તાર એ હદે થઈ રહ્યો છે કે તેની કલ્પના કરવાની ભાંજગડ પણ હવે કરવા જેવી નથી. પરિવર્તનો થતા રહેશે અને આપણે એ તમામનાં સાક્ષી બનતા રહીશું. ફોનમાં કલાકો પસાર કરવા, રીલ્સ, વૉટ્સએપ ફોરવર્ડ્ઝ અને મીમ્સની દુનિયામાં રચ્યા-પચ્યા રહેવું એ આપણા જીવનની વાસ્તવિકતા બની ચૂકી છે. ડૂમ સ્ક્રોલિંગ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે અને સાથે સાથે ડિજીટલ ડિટોક્સના પ્રયત્નો પણ આપણા વર્તમાન સમયનું સત્ય છે. લોકો પોતાની દલીલોમાં સોશ્યલ મીડિયા પર આવેલી માહિતીઓનો ઉપયોગ કરતાં પહેલાં વિચારતા નથી. આ સંજોગોમાં ફાયનાન્શિયલ – રોકાણો, બચત વગેરેની સલાહો મેળવવાનું પણ એક ક્લિક જેટલું કે એક ફિંગર સ્ક્રોલ જેટલું સહેલું થઇ ગયું છે. કયા સ્ટૉકમાં રોકાણ કરવું, કયા મ્યુચ્યઅલ ફંડ ખરીદવા – એ સવાલોના જવાબ મેળવવા માટે સામાન્ય લોકો સોશ્યલ મીડિયા તરફ નજર કરતાં થયાં છે. એક આખી જમાત ખડી થઇ છે એવાં લોકોની જે પોતે એક બ્રાન્ડ બની ચૂક્યાં છે – ફાયનાન્શિયલ સલાહો આપવા માટે. ફાયનાન્શિયલ ઇન્ફ્લુએન્સર્સ – ટૂંકમાં ‘ફિનફ્લુએન્સર્સ’નો આ વર્ગ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ, નાણાંકીય સલાહો આપે છે અને તેને અનુસરનારાઓનો આંકડો તેમનાં ફોલોઅર્સ જેટલો અને ક્યારેક તેનાથી પણ વધારે મોટો છે. આર્થિક રોકાણો કે બચતની માહિતીનું આ ફિનફ્લુએન્સર્સ લોકશાહીકરણ કરી રહ્યા છે એમ ચોક્કસ કહેવાય – માતબર રકમ ન કમાનારા માણસોને પણ રોકાણો કે બચત અંગે માર્ગદર્શન મળતું થયું છે – તેમણે કોઈ ફાયનાન્શિયલ એડવાઇઝર્સને પૈસા નથી ચુકવવા પડતાં એ ખરું, પણ શું આ પૂરેપૂરી રીતે સલામત છે? ફિનફ્લુએન્સર્સની સંખ્યા વધી છે તેની સાથે ખોટી માહિતી, આર્થિક છેતરપીંડી અને ધારધોરણોનાં પડકારો કે ચૂકનાં જોખમો પણ વધ્યાં છે જેને જરા ય હળવાશથી લેવાય એમ નથી.

યુટ્યૂબ, ઇન્સાટગ્રામ અને ટેલિગ્રામ જેવાં માધ્યમો પર આ ફિનફ્લુએન્સર્સ સ્ટોક્સ, મ્યુચ્યઅલ ફંડ, ક્રિપ્ટો કરન્સી અને પર્સલન ફાયનાન્સની સલાહો આપતા રહે છે. આર્થિક બાબતોને લગતી તમામ માહિતીનું સરળીકરણ કરીને તેઓ પોતાનો અભિપ્રાય મુકતા હોય છે એટલે તે મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચે છે. ભારતના યુવાનોને આ માધ્યમ માફક આવે છે. તેમની પાસે પપ્પાની કે પપ્પાના મિત્રની વાતો સાંભળવાની ધીરજ નથી, તેમને કદાચ એમ લાગે છે કે પોતે કોઈ સી.એ. સાથે અત્યારે વાત કરે તેટલું તે કમાતા નથી – તો પછી આ ફિનફ્લુએન્સર્સ જે કડકડાટ બોલીને સહેલી રીતે બધું સમજાવે છે તેમની પર આધાર રાખવો. વળી જો આવી વાતો કરનારાના ફોલોઅર્સનો આંકડો મોટો હોય તો પછી ચિંતા જ નથી કારણ કે તેમની વાતમાં દમ હોય તો જ તેમને આટલા ફોલોઅર્સ હોય તેવું ભારતીય યુવા પેઢી માની લેતી હોય તો તેમાં તેમની ભૂલ નથી પણ એક ભ્રમ છે. ફર્સ્ટ-ટાઇમ ઇન્વેસ્ટર્સને આ બધું ગમે છે ખાસ કરીને જ્યારે આર્થિક સંજોગો સતત બદલાતા રહેતા હોય.

ફિનફ્લુએન્સ્રસનું આકર્ષણ બે વાતોને કારણે હોય છે – એક તો તેમની સાથે લોકો તરત જોડાઇ શકે છે અને બીજું કે તેઓ ઝડપી આર્થિક લાભનો વાયદો આપતા હોય છે. કમનસીબે આ આકર્ષક લાગતી બાબતો ઘણીવાર ઔપચારિક ફાયનાન્શિયલ તાલીમ અને ધારધોરણોનાં અનુસરણ વગર લોકો સુધી પહોંચતી હોય એવું બને છે. દરેક ફિનફ્લુએન્સરે નાણાંકીય બાબતોની તાલીમ નથી લીધી હોતી, તે દરેક સી.એ. થઈને કે કેપિટલ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટનો કોર્સ કરીને બેઠા હોય એવું નથી હોતું. 

કડક નિયમોની ગેરહાજરીને કારણે જેની ખરાઈ ન કરાઈ હોય તેવી માહિતીઓ અને જોખમી ફાયનાન્શિયલ સલાહોનો કોલાહલ વધ્યો છે. CFA ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર આટલા બધા ઇન્ફ્લુએન્સર્સની ભીડમાં માત્ર બે ટકા જ ફિનફ્લુએન્સર્સ એવાં છે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા એટલે કે SEBIમાં રજિસ્ટર્સડ છે અને તેની માન્યતા મેળવ્ય બાદ આ કામ કરી રહ્યાં છે છતાં ય આર્થિક સલાહકારોનો સોશ્યલ મીડિયા પર રાફડો ફાટ્યો છે.

નિયમોના નિયંત્રણની આ ખાઈને કારણે છેતરપીંડીના અનેક બનાવો બનતા રહે છે. તાજેતરમાં જ અભિનેતા અર્શદ વારસી અને તેની પત્ની મારિયા ગોરેટ્ટી પર SEBIએ સાધના બ્રોડકાસ્ટ શૅર દ્વારા યુટ્યૂબ પર પ્રમોટ કરાયેલી પમ્પ એન્ડ ડમ્પ યોજનામાં ભાગ લેવા બદલ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ જ રીતે અસ્મિતા જિતેશ પટેલ જેને ‘શી વુલ્ફ ઑફ સ્ટોક માર્કેટ’ તરીકે લોકો જાણે છે તેની પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેણે રોકાણકારો સાથે ટ્રેડિંગ એજ્યુકેશન પ્રોગ્રામને નામે નોંધણી વગરની ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીના સદંતર નકલી નેજા હેઠળ સો કરોડની છેતરપીંડી કરી અને અંતે તેના કારનામા બહાર આવ્યા. કઈ રીતે નિયમોથી પરે જઇને, કોઇપણ પ્રકારની બાંયધારી વિના લોકો રોકાણ અંગેની સલાહો ફેંકતા હોય છે તેના આ બન્ને બહુ મોટા ઉદાહરણો છે – અને આ તો હજી હીમશીલાની ટોચ છે – આવાં તો કેટલાં ય ગોટાળા ચાલતા હશે. 

ફિનફ્લુએન્સર્સના વધતા પ્રભાવ અને તેની સાથે જોડાયેલા જોખમને ધ્યાનમાં રાખીને SEBIએ કેટલાક નિયમો અમલમાં મૂક્યા છે. પહેલું છે પાર્ટનરશીપ રિસ્ટ્રિક્શન્સ – ભાગીદારી પ્રતિબંધ – SEBIએ પોતાની સાથે રજિસ્ટર્ડ હોય તેવી એન્ટીટીઝને નોંધણી વિનાના ફિનફ્લુએન્સર્સ સાથે જોડાવાની મનાઈ ફરમાવી છે. આ ફિનફ્લુએન્સર્સ જો SEBI સાથે રજિસ્ટર્ડ ન હોય તો તેઓ માર્કેટમાં કોઈપણ રજિસ્ટર્ડ એન્ટીટીના સારા કે ખરાબ પરફોર્મન્સ અંગે કશું પણ બોલી નહીં શકે. રજિસ્ટર્ડ એન્ટિટીઝ આવા બિન-નોંધણી વાળા ફિનફ્લુએન્સર્સના ફોલોઅર્સ કે ડિજીટલ ક્લાઉટનો ઉપયોગ નહીં કરી શકે. 

જેટલા પણ રજિસ્ટર્ડ ફાયનાન્શિયલ એડવાઇઝર્સ છે તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર ચાલતી બધી જ પ્રવૃત્તિઓને જાહેર કરવી પડશે જેથી પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે. રોકાણકારોને ફાયનાન્શિયલ એડવાઇઝર્સને મામલે માહિતગાર કરવામાં, તેમની પ્રમાણભૂતતા ચકાસવાને મામલે SEBIએ જાગૃત કરવાના પ્રયત્નો વધારી દીધા છે. નિયમો કડક છે અને જોખમો અંગે પણ તેમને સતત સતર્ક કરાય છે.

જો કે SEBIની આ પહેલ છતાં પણ નિયમોનું અમલીકરણ પડકારજનક છે કારણ કે સોશ્યલ મીડિયા અલગોરિધમ પર ચાલતી બાબત છે અને તેને SEBIના નિયમોથી કોઈ ફરક નથી પડતો. જે પ્રમાણમાં સોશ્યલ મીડિયા પર કોન્ટેન બન્યા કરે છે અને લોકો સુધી પહોંચતું રહે છે તેના પર SEBI ધારે તો પણ સીધેસીધું નિયંત્રણ તો ન જ લાવી શકે. 

ભારતમાં ફિનફ્લુએન્સર્સ પર નિયમો કેવી રીતે અને કેવા લાદવા તેનો સંઘર્ષ ચાલે છે તો બીજી તરફ યુનાઇટેડ આરબ એમિરાટ્સ – UAEએ આ મામલે પૂર્વ તૈયારીનો અભિગમ વાપર્યો છે. UAEની સિક્યોરિટીઝ એન્ડ કોમોડિટીઝ ઑથોરીટી(SCA)એ ફાયનાન્શિયલ સલાહો આપતા દરેકને માટે લાઇસન્સ મેળવવું ફરજિયાત કરી દીધું છે. આ નિયમ એ દરેકને લાગુ પડે છે જેના ઓછામાં ઓછા 1,000 ફોલોઅર્સ હોય. વળી આર્થિક સલાહ આપતાં માધ્યમના પ્રકારોમાં પણ તેમણે કોઈ બાંધછોડ નથી રાખી સોશ્યલ મીડિયા પોસ્ટ, બ્લોગ અને જાહેર પરિસંવાદ પ્રકારની દરેક પ્રવૃત્તિ માટે આ લાઈસન્સ અનિવાર્ય છે. લોકો આ નિયમ અનુસરે એ માટે SCAએ રજિસ્ટેરશન અને રિન્યુઅલની ફીઝ ત્રણ વર્ષ માટે માફ કરી છે. આ એવું માળખું છે જેનાથી ઓનલાઇન અપાતી આર્થિક સલાહોની વહેંચણી ચોકસાઇ અને પ્રામાણિકતાના ધારા-ધોરણો સાથે મેળ ખાય છે.

ફિનફ્લુએન્સર્સનો વધતો પ્રભાવ એ સાબિત કરે છે આર્થિક બાબતોમાં સલાહ મેળવવા ઇચ્છનારાઓની સંખ્યામાં વધારો થયો છે. બચતલક્ષી દેશ હવે રોકાણલક્ષી બની રહ્યો છે ત્યારે માહિતીનું લોકશાહીકરણ બહુ જ સારી બાબત છે, પણ તે સમતુલિત હોય, સુરક્ષિત હોય અને  રોકાણકારોને છેતરપીંડી અને ખોટી માહિતીથી બચાવે તે પણ જરૂરી છે.  ભારતીય નિયમો અને ધારા-ધોરણોમાં આ ડિજીટલ ફાયનાન્શિયલ સલાહકારોએ ખડા કરેલા જોખમો સામે ટકી રહેવાનો મોટો પડકાર છે. SEBIમાં ફરજિયાત નોંધણી, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે SEBIનું એવું જોડાણ જેમાં આર્થિક બાબતોના લગતા કોન્ટેન્ટનું નિરીક્ષણ થઇ શકે, જાહેર જાગૃતિ માટેના અભિયાન અને પ્રમાણિત વ્યવસાયીની જ સેવાઓ લેવા પર ભાર મૂકવા જેવા પગલાં આપણને આ પડકારો સામે ઝિંક ઝીલવામાં મદદરૂપ થઈ શકે છે. 

બાય ધી વેઃ 

તાજેતરમાં જ એક રિપોર્ટમાં એવા લોકોએ પોતાના અનુભવો વહેંચ્યા હતા જે પોતે કોમર્સ કે ફાયનાન્સના ક્ષેત્ર સાથે હોવા છતાં ફિનફ્લુએન્સર્સની વાતમાં આવીને છેતરાયા હતા અને તેમણે ગુમાવેલી રકમ નાનીસૂની નહોતી. આપણે એ સમજવું પડશે કે સોશ્યલ મીડિયા પર પૈસા ખરીદીને ફોલોઅર્સ મેળવી શકાય છે, કોઈપણ પોસ્ટને વાઇરલ બનાવવા તેમાં પૈસા નાખીને તેને બુસ્ટ કરી શકાય છે. ફિનફ્લુએન્સર્સને અમુક-તમુક બ્રાન્ડ્ઝ પોતાનો પ્રચાર પ્રસાર કરવા પૈસા આપતી હોય છે કારણ કે તેમના માર્કેટના પરફોર્મન્સમાં ધડા નથી હોતા. સ્ક્રિપબૉક્સ કે ઝેરોદા કે પછી અપસ્ટૉક્સ જેવાં પ્લેટફોર્મ્સ પર આધાર રાખી શકાય પણ ફિનફ્લુએન્સર્સથી જોજનો દૂર રહેવામાં જ સાર છે. ડિજીટલ વિશ્વમાં પૈસા મેળવવા, મોકલવા, રોકવા સહેલું બન્યું છે પણ સહેલાઈથી કામ પતી જશેની લાલચ તમને રાતે પાણીએ રડાવી પણ શકે છે. ફેક ટ્રેડિંગ ગ્રૂપ, ઇન્વેસ્ટમેન્ટ એપ્સ, ધૂતારાઓના ભાગીદારો દ્વારા શૅર કરતા તદ્દન ખોટા દાવા કરતા સ્ક્રીન શોટ્સ, ફાયનાન્શિયલ એપ પર પ્રિમયમ અપગ્રેડની લાલચ આ બધું જ આપણા આર્થિક વિશ્વની વાસ્તવિકતાઓ છે. વળી ફોન પર શૅરમાં રોકાણ કરવાની સલાહ પણ અપાય છે, SEBIના નકલી દસ્તાવેજ બનાવનારાઓ છે તો પ્રિ-એપ્રુવ્ડ લોન્સ, યુ.પી.આઇ. રિફંડ અને ક્યૂ.આર. કૉડના કૌભાંડ વગેરે ધુતારાઓની અનેક ચાલમાંની કેટલીક ચાલની યાદી છે. સતર્ક રહો અને છેતરપીંડીથી બચો – લાલચ તમને લઈ ડૂબશે એ ભુલતા નહીં. અને એક એકસ્ટ્રા બાય ધી વે એ કે તમે કોઈને ફોન કરો એ પહેલાં જ્યારે સતર્કતનો જે એક પ્રિ-રેકોર્ડેડ મેસેજ આવે છે એ કંટાળો આવતો હોય તો પણ એકવાર વધુ સાંભળી લેવો જેથી જોશમાં આવીને તમે કોઈની સાથે તમારા યુ.પી.આઈ. પીન, ઓ.ટી.પી., પાન નંબર, આધાર કે કેવાયસી ડૉક્યુમેન્ટ આપવાની ભૂલ ન કરી બેસો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—292

દીપક મહેતા|Opinion - Opinion|8 June 2025

બાવલા ખૂન કેસને કારણે ઇન્દોર નરેશે છેવટે રાજગાદી છોડવી પડી      

રાજકારભારનું કામ પૂરું થઈ જાય પછી દીવાનને રોકીને ઇન્દોર નરેશ તુકોજીરાવ હોલકર (ત્રીજા) ઘણી વાર તેમને પૂછતા : આપને શું લાગે છે? હવે શું થશે? જવાબ મળતો : મહારાજ! આપ નાહકની ચિંતા કરો છો. એ ખટલો તો પૂરો થઈ ગયો છે. અને આપ નામદારનો વાળ પણ વાંકો કરવાની મગદૂર કોની છે? એક-બે વાર તો રાજ જ્યોતિષને પણ બોલાવીને પૂછ્યું હતું. તેણે તો તરત રેકર્ડ વગાડવી શરૂ કરી હતી : ‘નામદાર! યાવત્ ચંદ્રદીવાકરૌ, આસમુદ્ર પર્યન્તમ્ …’ ‘બસ કરો. હવે આપ સિધાવી શકો છો.’ ક્યારેક તો રણવાસમાં પણ મોટી અને નાની રાણી સાથે પણ વાત છેડતા. પણ એ બંને તો તરત બાધા-આખડી-માનતા માનવાની વાતો કરતી. 

ઈન્દોરની રાજમુદ્રા

દીવાનજી, રાજ-જ્યોતિષી, રાણીઓની વાત છેક ઉપર ભગવાન સુધી પહોંચી કે નહિ એની તો ખબર નહિ, પણ દિલ્હી સુધી તો ન જ પહોંચી. ૨૬ જાન્યુઆરી ૧૯૨૬ની સવારે સેન્ટ્રલ ઇન્ડિયા પોલિટિકલ એજન્સીના એજન્ટ સર રેજીનાલ્ડ ગ્લેન્સીનો સંદેશો મળ્યો તુકોજીરાવને. ‘વહેલામાં વહેલી તકે આપની મુલાકાત માટે સમય નક્કી કરી જણાવો. આ મુલાકાત વખતે આપણા બે સિવાય બીજું કોઈ હાજર નહિ રહે. હા, આપને દુભાષિયાની જરૂર હોય તો તેને હાજર રાખી શકો છો.’ અલબત્ત, ગ્લેન્સી જાણતા હતા કે તુકોજીરાવ ઇન્દોરની ડેલી કોલેજમાં અને દેહરાદૂનની કોલેજમાં ભણ્યા હતા. એટલે અંગ્રેજી સારું જાણતા હતા. ૧૯૧૧માં રાજા પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક સમારંભમાં હાજર રહ્યા હતા, એટલે બ્રિટિશ રીતરસમથી સારી રીતે પરિચિત હતા. છતાં કાનૂની દૃષ્ટિએ દુભાષિયાને તેઓ હાજર રાખી શકે, એટલે એ તક આપવી જોઈએ. દીવાનજી સાથે મસલત કરીને તુકોજીરાવે જવાબ પાઠવ્યો : ‘આવતી કાલે આપને અનુકૂળ સમયે જરૂર પધારો.’

પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લાન્સી

તુકોજીરાવ અને પોલિટિકલ એજન્ટ વચ્ચેની મુલાકાત થાય એ પહેલાં થોડી વાત સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી વિષે. ૧૮૫૭ પહેલાં જ કંપની સરકારે જુદાં જુદાં દેશી રાજ્યો સાથેના સંબંધ માટે ૧૮૫૪માં જુદી જુદી પોલિટિકલ એજનસીની સ્થાપના કરી હતી. બીજી કેટલીક એજન્સીઓ તે બરોડા એજન્સી, કાઠિયાવાડ એજન્સી, કચ્છ એજન્સી, મહીકાંઠા એજન્સી, વગેરે. દરેક એજન્સીનો વડો તે પોલિટિકલ એજન્ટ. તેનો સીધો સંબંધ વાઈસરોય અને ગવર્નર જનરલ સાથે. તેમની ‘સૂચનાઓ’ રાજાઓ સુધી પહોંચાડવાનું કામ પોલિટિકલ એજન્ટનું. રાજાઓને પણ કોઈ વાત દિલ્હી દરબાર સુધી પહોંચાડાવી હોય તો પોલિટિકલ એજન્ટ મારફત જ પહોંચાડાય. 

માણેકબાગ પેલેસ

૨૭ જાન્યુઆરી ૧૯૨૬. સવારના અગિયાર વાગે પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લેન્સીની પધરામણી રાજ મહેલમાં થઈ. પહેલાં તો પરંપરાગત રીતે ફૂલના ગુચ્છા અને શાલ વડે તેમની આગતાસ્વાગતા થઈ. દીવાનજી સાથે થોડી આડીઅવળી વાતો થઈ. પછી તુકોજી મહારાજ અને સર ગ્લેન્સી ખાનગી મંત્રણા ખંડમાં ગયા. એ લોકો ગયા પછી દિવાનજીએ બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી : ‘હે ભગવાન! સૌ સારાં વાનાં કરજે!’ લગભગ એ જ વખતે બંધ બારણાં પાછળ સર સાહેબ તુકોજી મહારાજને કહી રહ્યા હતા : ‘નામદાર વાઈસરોયસાહેબે આપને બે દરખાસ્ત મોકલી છે. આપે બેમાંથી એકની પસંદગી કરવાની છે.’ 

‘દરખાસ્ત શી છે એ તો કહો.’ 

‘પહેલી દરખાસ્ત એ કે આપના વારસદારોમાંથી આપની પસંદગીના કોઈ એકને રાજગાદી સોંપીને આપ રાજ્યત્યાગ કરો.’ 

‘અને જો એમ ન કરું તો?’

‘તો ન્યાય અને વ્યવસ્થામાં માનતી બ્રિટિશ સલ્તનતના વફાદાર પ્રતિનિધિ તરીકે નામદાર વાઈસરોયે  આપની વિરુદ્ધ તપાસ કરવા એક ખાસ કમિશન નીમવાનું નક્કી કરવું પડશે.’  

‘કયા ગુના સબબ?’

‘બ્રિટિશ સલ્તનતની રૈયત અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુના સબબ.’

‘એ કેસ અંગેનો બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવી ગયો છે. હવે એમાં મારું નામ વચમાં કેવી રીતે આવે?’

‘બોમ્બે હાઈ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે મુંબઈના પોલીસ કમિશનર મિસ્ટર કેલીએ તેમની પાસેના બધા પુરાવા અદાલતમાં રજૂ નહોતા કર્યા. પણ મને તે મોકલ્યા હતા અને મેં નામદાર વાઈસ રોયને મોકલ્યા હતા.’ 

‘કયા પુરાવા અને કઈ વાત? એ બનાવ બન્યો ત્યારે હું તો મુંબઈમાં નહિ, મારા ઇન્દોરમાં હતો. એટલે મારા પર આરોપ શો મૂકી શકશો?’

હા જી. અમે જાણીએ છીએ કે એ દિવસે આપ મુંબઈમાં નહિ, ઇન્દોરમાં હતા. પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવાનું ષડયંત્ર ઘડવાનો આરોપ, એને પાર પાડવા માટે આપના રાજ્યના નોકરો અને અધિકારીઓમાંથી કેટલાકની પસંદગી કરવાનો આરોપ, આપની યોજના પાર પાડવા માટે જરૂરી નાણાં પૂરાં પાડવાનો અને બંદૂકો, બીજાં હથિયાર, રેડ મેક્સવેલ મોટર વગેરે પૂરાં પાડવાનો આરોપ, મિસ્ટર બાવલાનું ખૂન મુંબઈમાં થયું તે રાતે જ ભાગીને ઇન્દોર આવેલા ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ, બોમ્બે પોલીસના અધિકારીઓ તપાસ માટે ઇન્દોર આવ્યા ત્યારે તેમના કામમાં અવરોધો ઊભા કરવાનો આરોપ, બ્રિટિશ સરકારના ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ. In short, aiding and abetting of murder.’

‘બસ, બસ. અને હું રાજગાદીનો ત્યાગ કરું તો?’

‘તો ઇન્ક્વાયરી કમિશન નીમવાનું માંડી વાળશે એવું વચન છે વાઈસ રોય સાહેબનું.’

‘મને વિચાર કરવા માટે સમય આપો.’

‘ભલે, પંદર દિવસમાં આપનો નિર્ણય જણાવવા વિનંતી. હું એ જવાબ નામદાર વાઈસ રોયને પહોંચાડીશ.’ 

પોલિટિકલ એજન્ટ ગયા પછી ઇન્દોર નરેશે તરત દીવાનજીને બોલાવ્યા અને બધી વાત તેમને કહી. દીવાનજી કહે કે આપણી પાસે પંદર દિવસ છે એટલે કોઈ ને કોઈ રસ્તો નીકળી આવશે. તુકોજીની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. હજી તો માંડ ૩૬ વરસની ઉંમર. આ ઉમર તો રાજગાદીનાં સુખચેન ભોગવવાની હોય. એ ઉંમરે ગાદી છોડી દેવાની? અને એ પણ એક મામૂલી જુવાનના મોતને કારણે? પણ ગાદી ન છોડું તો રાજ્યમાં, દેશમાં, અને દુનિયામાં ભારોભાર બદનામી. કદાચ સજા પણ ભોગવવી પડે! કારાવાસ … પણ આ ધોળીઆઓ ગાજ્યા મેહ વરસે નહિ, એવા નથી. એ તો ગાજશે ય ખરા અને વરસશે ય ખરા! 

તુકોજી મહારાજે રાજ્ય બહારના જાણકારોની સલાહ લેવાનું નક્કી કર્યું. સર તેજબહાદુર સપ્રુ, સર શિવાસ્વામી અય્યર, અને મેજર ગ્રેહામ પોલને સલાહ લેવા બોલાવ્યા. તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘આપણે વચલો રસ્તો કાઢીએ. બે વરસ માટે હું ગ્રેટ બ્રિટન ચાલ્યો જાઉં. મારી ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ ચલાવવા માટે આપ નામદાર એક કમિશનની નિમણૂક કરો. તેના રાજ્યવહિવટમાં હું કે મારા કોઈ કુટુંબીજનો દખલ નહિ કરીએ એની બાંહેધરી હું આપું છું.

પણ વાઇસરોયને આ દરખાસ્ત મંજૂર નથી એવો સંદેશો પોલિટિકલ એજન્ટ તરફથી તરત મળ્યો. હવે? પંદર દિવસની મુદ્દતના છેલ્લા દિવસો આવી લાગ્યા. દિવાનની સલાહથી મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : વિચાર કરવા માટે મને વધુ સમય આપો. જવાબ : ભલે, ફેબ્રુઆરીના છેલ્લા દિવસ સુધીમાં તમારો નિર્ણય જણાવો. અને જો નહિ જણાવો તો નામદાર વાઈસરોયે નછૂટકે કમિશનની નિમણૂંક્ની જાહેરાત કરવી પડશે. પોતાનાં બધાં હથિયાર હેઠાં પડ્યાં છે એની ખાતરી તુકોજીરાવને થઈ ગઈ. પોલિટિકલ એજન્ટે આપેલી મુદ્દત ૨૮મી ફેબૃઆરીએ પૂરી થતી હતી. ૨૬મી ફેબ્રુઆરીએ ઇન્દોરના મહારાજ તુકોજીરાવ ત્રીજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘મારા પુત્ર યશવંતરાવ હોલકર બીજાની તરફેણમાં હું રાજગાદી છોડવા તૈયાર છું. પણ જો મને વાઈસરોય તરફથી વચન મળે કે મારી સામે કોઈ પણ જાતનાં પગલાં લેવામાં નહિ આવે તો, અને તો જ.’ નામદાર વાઈસરોયે મહારાજાનો આભાર માનીને તેમની માગણી સ્વીકારી. પછી ચાલી લેવડ-દેવડની વાત. બ્રિટિશ સરકાર તરફથી દર વરસે તુકોજીરાવને પાંચ લાખ રૂપિયાનું પેન્શન, મોટાં રાણીને ૧,૬૪,૯૦૦ રૂપિયાનું વર્ષાસન, નાનાં રાણીને ૮૬,૫૦૦ રૂપિયાનું વર્ષાસન. 

ઇન્દોર નરેશ યશવંતરાવ હોલકર બીજા

૧૧ માર્ચ, ૧૯૨૬. સવારે સાત વાગે યશવંતરાવ હોલકર, બીજાની સવારી માણેક બાગથી નીકળીને જૂના રાજવાડા પહોંચી. પિતા તુકોજીરાવે હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું. પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ થઈ. બરાબર ૧૧ વાગ્યે એકવીસ તોપોની સલામી સાથે તુકોજીરાવના દીકરા યશવંતરાવ હોલકર બીજા રાજગાદી પર બેઠા. તુકોજીરાવે પોતે તેમને રાજતિલક કર્યું. અને પછી, નવા રાજાને માન આપવા પાછે પગલે ચાલીને સામે પહેલી હરોળમાં આસન પર બેઠા. 

અને તેમની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો. ૩૧ જાન્યુઆરી ૧૯૦૩નો એ દિવસ. બાર વરસની ઉંમરે પોતે રાજગાદીએ બેઠા હતા એ દિવસે. પિતા શિવાજીરાવ હોલકર લગભગ કાયમના માંદા. અગાઉ પણ બે-ત્રણ વખત રાજગાદી છોડવાની વાત છેડેલી. પણ દીવાન અને બીજાઓએ રોકેલા. પણ છેવટે વાઈસ રોય લોર્ડ કર્ઝને મંજૂરી આપી અને પિતાએ રાજગાદી છોડી. આજે પોતે રાજગાદી છોડી. પણ પોતાની ઈચ્છાથી નહિ. સમય સમય બળવાન હૈ, નહિ પુરુષ બળવાન! 

નવા રાજા પર સોના-ચાંદીનાં પુષ્પોની વર્ષા થઈ. શરણાઈના સૂર હવામાં લહેરાયા. આખા ઇન્દોર શહેરમાં મીઠાઈ વહેંચાઈ. ગરીબોને અન્ન-વસ્ત્ર વહેચાયાં. રાજ્યાભિષેક વખતે પોલિટિકલ એજન્ટ સર ગ્લેન્સી ખાસ હાજર રહ્યા હતા. પહેલી હરોળમાં બેઠા હતા. દીકરાને રાજતિલક કર્યા પછી તુકોજીરાવ બેઠા ત્યારે ગ્લેન્સી તેમને ભેટીને રડ્યા, અને પછી જવાની મંજૂરી માગી. બહાર નીકળીને જોયું તો તુકોજીરાવના મહેલ પર હજી ઇન્દોર રાજ્યનો ઝંડો ફરકતો હતો. હાજર રહેલા એ.ડી.સી.ને તેમણે હુકમ કર્યો : ‘અત્તર ઘડી તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઉતરાવી દો. હવે તેમને આ ઝંડો ફરકાવવાનો હક્ક નથી. અને બે-ચાર મિનિટમાં જ તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઊતરી ગયો.

પ્રિય વાચક! પણ હજી અહીં વાત પૂરી થતી નથી. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 જૂન 2025 

Loading

...102030...308309310311...320330340...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved