બાવલા ખૂન કેસને કારણે ઇન્દોર નરેશે છેવટે રાજગાદી છોડવી પડી
રાજકારભારનું કામ પૂરું થઈ જાય પછી દીવાનને રોકીને ઇન્દોર નરેશ તુકોજીરાવ હોલકર (ત્રીજા) ઘણી વાર તેમને પૂછતા : આપને શું લાગે છે? હવે શું થશે? જવાબ મળતો : મહારાજ! આપ નાહકની ચિંતા કરો છો. એ ખટલો તો પૂરો થઈ ગયો છે. અને આપ નામદારનો વાળ પણ વાંકો કરવાની મગદૂર કોની છે? એક-બે વાર તો રાજ જ્યોતિષને પણ બોલાવીને પૂછ્યું હતું. તેણે તો તરત રેકર્ડ વગાડવી શરૂ કરી હતી : ‘નામદાર! યાવત્ ચંદ્રદીવાકરૌ, આસમુદ્ર પર્યન્તમ્ …’ ‘બસ કરો. હવે આપ સિધાવી શકો છો.’ ક્યારેક તો રણવાસમાં પણ મોટી અને નાની રાણી સાથે પણ વાત છેડતા. પણ એ બંને તો તરત બાધા-આખડી-માનતા માનવાની વાતો કરતી.
ઈન્દોરની રાજમુદ્રા
દીવાનજી, રાજ-જ્યોતિષી, રાણીઓની વાત છેક ઉપર ભગવાન સુધી પહોંચી કે નહિ એની તો ખબર નહિ, પણ દિલ્હી સુધી તો ન જ પહોંચી. ૨૬ જાન્યુઆરી ૧૯૨૬ની સવારે સેન્ટ્રલ ઇન્ડિયા પોલિટિકલ એજન્સીના એજન્ટ સર રેજીનાલ્ડ ગ્લેન્સીનો સંદેશો મળ્યો તુકોજીરાવને. ‘વહેલામાં વહેલી તકે આપની મુલાકાત માટે સમય નક્કી કરી જણાવો. આ મુલાકાત વખતે આપણા બે સિવાય બીજું કોઈ હાજર નહિ રહે. હા, આપને દુભાષિયાની જરૂર હોય તો તેને હાજર રાખી શકો છો.’ અલબત્ત, ગ્લેન્સી જાણતા હતા કે તુકોજીરાવ ઇન્દોરની ડેલી કોલેજમાં અને દેહરાદૂનની કોલેજમાં ભણ્યા હતા. એટલે અંગ્રેજી સારું જાણતા હતા. ૧૯૧૧માં રાજા પંચમ જ્યોર્જના રાજ્યાભિષેક સમારંભમાં હાજર રહ્યા હતા, એટલે બ્રિટિશ રીતરસમથી સારી રીતે પરિચિત હતા. છતાં કાનૂની દૃષ્ટિએ દુભાષિયાને તેઓ હાજર રાખી શકે, એટલે એ તક આપવી જોઈએ. દીવાનજી સાથે મસલત કરીને તુકોજીરાવે જવાબ પાઠવ્યો : ‘આવતી કાલે આપને અનુકૂળ સમયે જરૂર પધારો.’
પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લાન્સી
તુકોજીરાવ અને પોલિટિકલ એજન્ટ વચ્ચેની મુલાકાત થાય એ પહેલાં થોડી વાત સેન્ટ્રલ ઇન્ડિયા એજન્સી વિષે. ૧૮૫૭ પહેલાં જ કંપની સરકારે જુદાં જુદાં દેશી રાજ્યો સાથેના સંબંધ માટે ૧૮૫૪માં જુદી જુદી પોલિટિકલ એજનસીની સ્થાપના કરી હતી. બીજી કેટલીક એજન્સીઓ તે બરોડા એજન્સી, કાઠિયાવાડ એજન્સી, કચ્છ એજન્સી, મહીકાંઠા એજન્સી, વગેરે. દરેક એજન્સીનો વડો તે પોલિટિકલ એજન્ટ. તેનો સીધો સંબંધ વાઈસરોય અને ગવર્નર જનરલ સાથે. તેમની ‘સૂચનાઓ’ રાજાઓ સુધી પહોંચાડવાનું કામ પોલિટિકલ એજન્ટનું. રાજાઓને પણ કોઈ વાત દિલ્હી દરબાર સુધી પહોંચાડાવી હોય તો પોલિટિકલ એજન્ટ મારફત જ પહોંચાડાય.
માણેકબાગ પેલેસ
૨૭ જાન્યુઆરી ૧૯૨૬. સવારના અગિયાર વાગે પોલિટિકલ એજન્ટ સર રેજીનાલ્ડ રોબર્ટ ગ્લેન્સીની પધરામણી રાજ મહેલમાં થઈ. પહેલાં તો પરંપરાગત રીતે ફૂલના ગુચ્છા અને શાલ વડે તેમની આગતાસ્વાગતા થઈ. દીવાનજી સાથે થોડી આડીઅવળી વાતો થઈ. પછી તુકોજી મહારાજ અને સર ગ્લેન્સી ખાનગી મંત્રણા ખંડમાં ગયા. એ લોકો ગયા પછી દિવાનજીએ બે હાથ જોડી મનોમન પ્રાર્થના કરી : ‘હે ભગવાન! સૌ સારાં વાનાં કરજે!’ લગભગ એ જ વખતે બંધ બારણાં પાછળ સર સાહેબ તુકોજી મહારાજને કહી રહ્યા હતા : ‘નામદાર વાઈસરોયસાહેબે આપને બે દરખાસ્ત મોકલી છે. આપે બેમાંથી એકની પસંદગી કરવાની છે.’
‘દરખાસ્ત શી છે એ તો કહો.’
‘પહેલી દરખાસ્ત એ કે આપના વારસદારોમાંથી આપની પસંદગીના કોઈ એકને રાજગાદી સોંપીને આપ રાજ્યત્યાગ કરો.’
‘અને જો એમ ન કરું તો?’
‘તો ન્યાય અને વ્યવસ્થામાં માનતી બ્રિટિશ સલ્તનતના વફાદાર પ્રતિનિધિ તરીકે નામદાર વાઈસરોયે આપની વિરુદ્ધ તપાસ કરવા એક ખાસ કમિશન નીમવાનું નક્કી કરવું પડશે.’
‘કયા ગુના સબબ?’
‘બ્રિટિશ સલ્તનતની રૈયત અબ્દુલ કાદર બાવલાના ખૂનના ગુના સબબ.’
‘એ કેસ અંગેનો બોમ્બે હાઈ કોર્ટનો ચુકાદો તો આવી ગયો છે. હવે એમાં મારું નામ વચમાં કેવી રીતે આવે?’
‘બોમ્બે હાઈ કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે મુંબઈના પોલીસ કમિશનર મિસ્ટર કેલીએ તેમની પાસેના બધા પુરાવા અદાલતમાં રજૂ નહોતા કર્યા. પણ મને તે મોકલ્યા હતા અને મેં નામદાર વાઈસ રોયને મોકલ્યા હતા.’
‘કયા પુરાવા અને કઈ વાત? એ બનાવ બન્યો ત્યારે હું તો મુંબઈમાં નહિ, મારા ઇન્દોરમાં હતો. એટલે મારા પર આરોપ શો મૂકી શકશો?’
હા જી. અમે જાણીએ છીએ કે એ દિવસે આપ મુંબઈમાં નહિ, ઇન્દોરમાં હતા. પણ મિસ્ટર અબ્દુલ કાદર બાવલાનું ખૂન કરવાનું ષડયંત્ર ઘડવાનો આરોપ, એને પાર પાડવા માટે આપના રાજ્યના નોકરો અને અધિકારીઓમાંથી કેટલાકની પસંદગી કરવાનો આરોપ, આપની યોજના પાર પાડવા માટે જરૂરી નાણાં પૂરાં પાડવાનો અને બંદૂકો, બીજાં હથિયાર, રેડ મેક્સવેલ મોટર વગેરે પૂરાં પાડવાનો આરોપ, મિસ્ટર બાવલાનું ખૂન મુંબઈમાં થયું તે રાતે જ ભાગીને ઇન્દોર આવેલા ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ, બોમ્બે પોલીસના અધિકારીઓ તપાસ માટે ઇન્દોર આવ્યા ત્યારે તેમના કામમાં અવરોધો ઊભા કરવાનો આરોપ, બ્રિટિશ સરકારના ગુનેગારોને આશ્રય આપવાનો આરોપ. In short, aiding and abetting of murder.’
‘બસ, બસ. અને હું રાજગાદીનો ત્યાગ કરું તો?’
‘તો ઇન્ક્વાયરી કમિશન નીમવાનું માંડી વાળશે એવું વચન છે વાઈસ રોય સાહેબનું.’
‘મને વિચાર કરવા માટે સમય આપો.’
‘ભલે, પંદર દિવસમાં આપનો નિર્ણય જણાવવા વિનંતી. હું એ જવાબ નામદાર વાઈસ રોયને પહોંચાડીશ.’
પોલિટિકલ એજન્ટ ગયા પછી ઇન્દોર નરેશે તરત દીવાનજીને બોલાવ્યા અને બધી વાત તેમને કહી. દીવાનજી કહે કે આપણી પાસે પંદર દિવસ છે એટલે કોઈ ને કોઈ રસ્તો નીકળી આવશે. તુકોજીની દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. હજી તો માંડ ૩૬ વરસની ઉંમર. આ ઉમર તો રાજગાદીનાં સુખચેન ભોગવવાની હોય. એ ઉંમરે ગાદી છોડી દેવાની? અને એ પણ એક મામૂલી જુવાનના મોતને કારણે? પણ ગાદી ન છોડું તો રાજ્યમાં, દેશમાં, અને દુનિયામાં ભારોભાર બદનામી. કદાચ સજા પણ ભોગવવી પડે! કારાવાસ … પણ આ ધોળીઆઓ ગાજ્યા મેહ વરસે નહિ, એવા નથી. એ તો ગાજશે ય ખરા અને વરસશે ય ખરા!
તુકોજી મહારાજે રાજ્ય બહારના જાણકારોની સલાહ લેવાનું નક્કી કર્યું. સર તેજબહાદુર સપ્રુ, સર શિવાસ્વામી અય્યર, અને મેજર ગ્રેહામ પોલને સલાહ લેવા બોલાવ્યા. તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘આપણે વચલો રસ્તો કાઢીએ. બે વરસ માટે હું ગ્રેટ બ્રિટન ચાલ્યો જાઉં. મારી ગેરહાજરીમાં રાજ્યનો વહીવટ ચલાવવા માટે આપ નામદાર એક કમિશનની નિમણૂક કરો. તેના રાજ્યવહિવટમાં હું કે મારા કોઈ કુટુંબીજનો દખલ નહિ કરીએ એની બાંહેધરી હું આપું છું.
પણ વાઇસરોયને આ દરખાસ્ત મંજૂર નથી એવો સંદેશો પોલિટિકલ એજન્ટ તરફથી તરત મળ્યો. હવે? પંદર દિવસની મુદ્દતના છેલ્લા દિવસો આવી લાગ્યા. દિવાનની સલાહથી મહારાજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : વિચાર કરવા માટે મને વધુ સમય આપો. જવાબ : ભલે, ફેબ્રુઆરીના છેલ્લા દિવસ સુધીમાં તમારો નિર્ણય જણાવો. અને જો નહિ જણાવો તો નામદાર વાઈસરોયે નછૂટકે કમિશનની નિમણૂંક્ની જાહેરાત કરવી પડશે. પોતાનાં બધાં હથિયાર હેઠાં પડ્યાં છે એની ખાતરી તુકોજીરાવને થઈ ગઈ. પોલિટિકલ એજન્ટે આપેલી મુદ્દત ૨૮મી ફેબૃઆરીએ પૂરી થતી હતી. ૨૬મી ફેબ્રુઆરીએ ઇન્દોરના મહારાજ તુકોજીરાવ ત્રીજાએ પોલિટિકલ એજન્ટને સંદેશો મોકલ્યો : ‘મારા પુત્ર યશવંતરાવ હોલકર બીજાની તરફેણમાં હું રાજગાદી છોડવા તૈયાર છું. પણ જો મને વાઈસરોય તરફથી વચન મળે કે મારી સામે કોઈ પણ જાતનાં પગલાં લેવામાં નહિ આવે તો, અને તો જ.’ નામદાર વાઈસરોયે મહારાજાનો આભાર માનીને તેમની માગણી સ્વીકારી. પછી ચાલી લેવડ-દેવડની વાત. બ્રિટિશ સરકાર તરફથી દર વરસે તુકોજીરાવને પાંચ લાખ રૂપિયાનું પેન્શન, મોટાં રાણીને ૧,૬૪,૯૦૦ રૂપિયાનું વર્ષાસન, નાનાં રાણીને ૮૬,૫૦૦ રૂપિયાનું વર્ષાસન.
ઇન્દોર નરેશ યશવંતરાવ હોલકર બીજા
૧૧ માર્ચ, ૧૯૨૬. સવારે સાત વાગે યશવંતરાવ હોલકર, બીજાની સવારી માણેક બાગથી નીકળીને જૂના રાજવાડા પહોંચી. પિતા તુકોજીરાવે હાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું. પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ થઈ. બરાબર ૧૧ વાગ્યે એકવીસ તોપોની સલામી સાથે તુકોજીરાવના દીકરા યશવંતરાવ હોલકર બીજા રાજગાદી પર બેઠા. તુકોજીરાવે પોતે તેમને રાજતિલક કર્યું. અને પછી, નવા રાજાને માન આપવા પાછે પગલે ચાલીને સામે પહેલી હરોળમાં આસન પર બેઠા.
અને તેમની નજર સામે ભૂતકાળ ખડો થઈ ગયો. ૩૧ જાન્યુઆરી ૧૯૦૩નો એ દિવસ. બાર વરસની ઉંમરે પોતે રાજગાદીએ બેઠા હતા એ દિવસે. પિતા શિવાજીરાવ હોલકર લગભગ કાયમના માંદા. અગાઉ પણ બે-ત્રણ વખત રાજગાદી છોડવાની વાત છેડેલી. પણ દીવાન અને બીજાઓએ રોકેલા. પણ છેવટે વાઈસ રોય લોર્ડ કર્ઝને મંજૂરી આપી અને પિતાએ રાજગાદી છોડી. આજે પોતે રાજગાદી છોડી. પણ પોતાની ઈચ્છાથી નહિ. સમય સમય બળવાન હૈ, નહિ પુરુષ બળવાન!
નવા રાજા પર સોના-ચાંદીનાં પુષ્પોની વર્ષા થઈ. શરણાઈના સૂર હવામાં લહેરાયા. આખા ઇન્દોર શહેરમાં મીઠાઈ વહેંચાઈ. ગરીબોને અન્ન-વસ્ત્ર વહેચાયાં. રાજ્યાભિષેક વખતે પોલિટિકલ એજન્ટ સર ગ્લેન્સી ખાસ હાજર રહ્યા હતા. પહેલી હરોળમાં બેઠા હતા. દીકરાને રાજતિલક કર્યા પછી તુકોજીરાવ બેઠા ત્યારે ગ્લેન્સી તેમને ભેટીને રડ્યા, અને પછી જવાની મંજૂરી માગી. બહાર નીકળીને જોયું તો તુકોજીરાવના મહેલ પર હજી ઇન્દોર રાજ્યનો ઝંડો ફરકતો હતો. હાજર રહેલા એ.ડી.સી.ને તેમણે હુકમ કર્યો : ‘અત્તર ઘડી તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઉતરાવી દો. હવે તેમને આ ઝંડો ફરકાવવાનો હક્ક નથી. અને બે-ચાર મિનિટમાં જ તુકોજીરાવના મહેલ પરથી ઇન્દોર રાજ્યનો ઝંડો ઊતરી ગયો.
પ્રિય વાચક! પણ હજી અહીં વાત પૂરી થતી નથી. આગે આગે દેખિયે હોતા હૈ ક્યા.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 જૂન 2025