
રમેશ ઓઝા
કમાલ કરી. કમાલ પણ પાછી એવા દેશે કરી જે આવી કમાલ કરી શકે એની કોઈએ કલ્પના નહોતી કરી. એ દેશ વિશ્વગુરુ નથી અને હજુ હમણાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ દેશના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સકીને વ્હાઈટ હાઉસમાં બોલાવીને ઉપ પ્રમુખ સાથે મળીને લતાડ્યા હતા. કોઈ મહેમાન મુલાકાતી નેતાનું પત્રકારો અને કેમેરાની સામે આવું અપમાન કરવામાં આવ્યું હોય એવું જગતના ઇતિહાસમાં પહેલીવાર બન્યું. ટ્રમ્પે કહી દીધું હતું કે તું (ઝેલેન્સી) આક્રમણકારી છે, માથાફરેલો છે, રશિયન પ્રમુખ પુતિનની વાત સાંભળતો નથી એટલે હવે અમેરિકા તને મદદ નહીં કરે. ઝેલેન્સકીએ દબાયા વિના અને ડર્યા વિના અમેરિકન પમુખ અને ઉપ પ્રમુખનો મુકાબલો કર્યો હતો. અમેરિકાને ખનીજ સંપત્તિ આપવાની ના પાડી દીધી હતી. એ પછી એમ લાગતું હતું કે અમેરિકાની મદદ વિના રશિયા સામે યુક્રેન ટકી શકે એ શક્ય જ નથી એટલે દુનિયાભરના રાજકીય નિરીક્ષકોએ એમ માની લીધું હતું કે યુક્રેન યુદ્ધ હારી ગયું છે. હવે માત્ર આબરૂ રાખવા યુદ્ધવિરામની જાહેરાત બાકી છે અને તેને માટેની વાટાઘાટો તુર્કીમાં ઈસ્તંબુલમાં શરૂ થઈ ગઈ હતી.
અને એની વચ્ચે કમાલ કરી! જગતને લશ્કરી કમાલ બતાવવાનો અત્યાર સુધીનો ઇતિહાસ ઇઝરાયેલનો છે. મુસ્લિમ દેશોની વચ્ચે ઘેરાયેલું ઇઝરાયેલ ટકી રહેવા માટે જે જદ્દોજહદ કરે છે એ જોઇને હિંદુરાષ્ટ્રવાદીઓ ઇઝરાયેલના ઓવારણા લેતા થાકતા નથી. તેમને એ સમજાતું નથી કે ઇઝરાયેલની તાકતનું રહસ્ય શું છે? એ વિજ્ઞાનવિરોધી નથી. એ શિક્ષણ અને શિક્ષિતોથી દૂર ભાગતું નથી. એ ઇતિહાસમાં જીવતું નથી. ઇતિહાસપુરુષોના ખોટા કે સાચા પરાક્રમોને ભૂંજીને ગુજારો કરતું નથી. તેના નેતા બહાદુરીના ખોખલા દાવા કરતા નથી. તે માત્ર અને માત્ર વર્તમાનમાં જીવે છે, કારણ કે ટકી રહેવાનો પડકાર વર્તમાનનો છે. માત્ર ટકી રહેવાનો જ નહીં, બનાવેલી જગ્યા પકડી રાખવાનો, હજુ વધારે જગ્યા બનાવવાનો પડકાર પણ વર્તમાનનો છે. આમાં ગમે એટલો ગૌરવશાળી ઇતિહાસ હોય, કામમાં નથી આવવાનો. વર્તમાન, વર્તમાન અને વર્તમાન. હિન્દુત્વવાદીઓ વર્તમાનથી ડરે છે અને દૂર ભાગે છે.
ખેર, પરાક્રમની જે ખ્યાતિ ઇઝરાયેલ ધરાવે છે એ યુક્રેને કરી બતાવ્યું અને એ પણ જગતના યુદ્ધના ઇતિહાસમાં નવું પ્રકરણ ઉમેરીને. પશ્ચિમમાં નોર્વેની સરહદથી લઈને પૂર્વે સાઈબિરિયા સુધી ફેકાયેલા રશિયાના પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન, છથી સાત પાકિસ્તાન સમાઈ શકે એટલો ભૂભાગ અને યુક્રેનથી ચાર હજાર કિલોમીટર અંદર સુધી ઘૂસીને યુક્રેને હુમલા કર્યા. એ હુમલા વિમાન દ્વારા નહોતા કરવામાં આવ્યા. મિઝાઈલ દ્વારા કરવામાં નહોતા આવ્યા. નાનાં વિમાનમાં ગોઠવેલા માનવરહિત ડ્રોન મિઝાઈલ દ્વારા નહોતા કરવામાં આવ્યા, પણ ફોટોગ્રાફી માટે વપરાતાં ડ્રોન દ્વારા કરવામાં આવ્યા હતા અને તેનું રીમોટ દ્વારા સંચાલન યુક્રેનથી કરવામાં આવ્યું હતું. દિલધડક હકીકત એ હતી કે એ ડ્રોન ટ્રક દ્વારા ટાર્ગેટ સુધી મોકલવામાં આવ્યા હતા, ટ્રક પણ રશિયન હતી અને છેક ટાર્ગેટના દરવાજે પહોંચીને ટ્રકમાંથી હજારોની સંખ્યામાં ડ્રોન નીકળ્યાં હતાં અને રશિયન એરબેઝનો ખાત્મો બોલાવ્યો હતો. રશિયાની ત્રીજા ભાગની લશ્કરી તાકાત નષ્ટ કરી હોવાનો યુક્રેન દાવો કરે છે.
આનો અર્થ એવો નથી કે રશિયા ખતમ થઈ જશે કે હારી જશે. ઘણું કરીને રશિયા યુક્રેનને જડબાતોડ જવાબ આપશે. પણ જેમ શિયાળ સિંહને લાફો મારે અને સિંહનો ચેહરો મોળો પડી જાય એવું તો બન્યું જ છે. ડ્રોન હુમલા પછી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન પ્રમુખ પુતિનને ચક્રમ તરીકે ઓળખાવ્યા છે. ઈસ્તંબુલની વાટાઘાટોમાં રશિયા યુદ્ધવિરામ માટેની શરત વધારતું જ જતું હતું અને યુક્રેને વાટાઘાટોની વચ્ચે હુમલા કરીને ટેબલની દિશા બદલી નાખી. પુતિનને ચક્રમ તરીકે ઓળખાવવાનું કારણ આ છે. અસંસ્કારી નાદાન કી દોસ્તી. ભારતને પણ આનો એકથી વધુ વખત પરિચય થઈ ગયો છે અને ઓપરેશન સિંદુર વખતે અમેરિકાએ યુદ્ધવિરામની ઘોષણા કરીને નરેન્દ્ર મોદીને ભોંઠા પાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કમ સે કમ વડા પ્રધાન એટલું તો બોલે કે અમેરિકાએ તેની મર્યાદામાં રહેવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણનું પાલન કરવું જોઈએ. સભ્ય ભાષામાં પણ આ કહી શકાય છે. ઝેલેન્સકી બનવું તો બહુ દૂરની વાત છે.
ગયા વર્ષે મેં પ્રવીણ સાહનીનું ‘ધ લાસ્ટ વૉર : હાઉ એ.આઈ. વિલ શેપ ઇન્ડિયાઝ ફાયનલ શોડાઉન વિથ ચાઈના’ વાંચ્યું હતું અને એ વાંચ્યા પછી અક્ષરસ: શરીરમાંથી લખલખું પસાર થયું હતું. મેં મારી કોલમમાં એ પુસ્તક વિષે લખ્યું પણ હતું. પ્રવીણ સાહનીએ જે પ્રકારનાં યુદ્ધનું વર્ણન એ પુસ્તકમાં કર્યું છે લગભગ એવું જ યુદ્ધ યુક્રેને લડ્યું. એક પણ સૈનિકને રશિયા મોકલ્યા વિના. એક ટ્રકમાં હજારોની સંખ્યામાં ડ્રોન મોકલી શકાય એટલાં નાનાં ડ્રોન. પ્રવીણ સાહની તો કહે છે કે ચીન પાસે એનાંથી નાનાં ડ્રોન છે અને તમે એ જાણીને ચોંકી જશો કે મધમાખી જેવડાં ડ્રોન અને એ પણ લાખોની સંખ્યામાં. યુક્રેન દાવો કરે છે કે ગયા વરસે તેણે બાવીસ લાખ ડ્રોન બનાવ્યા હતાં અને આ વરસે ૪૫ લાખ ડ્રોન બનાવવાનો ઈરાદો છે. એટલે પ્રવીણ સાહનીએ કહ્યું છે કે જો ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે તો એ લાસ્ટ વૉર હશે. તમને એક પણ ચીનો સરહદે નજરે નહીં પડે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે કે ડ્રોનના મોરચે ચીન જગતના કોઈ પણ દેશ કરતાં એક દશક આગળ છે. એટલે કે ભારત જો અત્યારે ચીનની બરાબરી કરવા કમર કસે તો ચીનના આજના સ્તરે પહોંચતા દસ વરસ લાગે. ત્યાં સુધીમાં ચીન ક્યાં પહોંચ્યું હોય એ કલ્પનાનો વિષય છે. પ્રવીણ સાહની કહે છે કે ચીને પોતાનો ડ્રોન પ્રોજેક્ટ છૂપાવ્યો પણ નહોતો. ભારત પણ આ જાણે છે, પરંતુ ભારતના અત્યારના શાસકોને ચીન કરતાં ઔરંગઝેબની ચિંતા વધારે છે. એનો ડર વધારે છે. લડાખ ભલે હાથથી જાય, પણ ઔરંગઝેબને ભૂ પીવડાવી દેવું જોઈએ.
ઓપરેશન સિંદૂર વખતે પહેલાં બે દિવસ તો અમેરિકાએ કોઈ રસ નહોતો લીધો. પણ ત્રીજા દિવસે જ્યારે ખબર પડી કે ચીનની આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ યુક્ત લશ્કરી સહાય પાકિસ્તાનને મળી રહી છે અને એ પણ સક્રિય પણે ત્યારે અમેરિકાએ ભારત પર દબાણ કરીને બારોબાર યુદ્ધવિરામની જાહેરાત કરી દીધી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરતા પહેલાં ચીનના એન્ગલનો વિચાર નહોતો કર્યો.
અહીં એક યાદ અપાવવી જરૂરી છે. સોવિયેત રશિયાનું વિઘટન થયું અને યુક્રેન સ્વતંત્ર દેશ બન્યો ત્યાર પછી ૧૯૯૪માં યુક્રેન, રશિયા, અમેરિકા અને બ્રિટન વચ્ચે એક લેખિત સમજૂતી થઈ હતી કે યુક્રેન તેની પાસેનાં અણુશ્સ્ત્રોનો અંત લાવશે અને સામે જો કોઈ દેશ યુક્રેન પર ચડાઈ કરશે તો આ ચાર દેશ યુક્રેનની પડખે ઊભા રહેશે. ફ્રાન્સે એ સમજૂતીને ટેકો આપ્યો હતો યુક્રેનની મદદમાં ઊભા રહેવાની ગેરંટી આપી હતી. એ એક છેતરપિંડી હતી એમ યુક્રેન માને છે. સત્તાવાર રીતે યુક્રેન પાસે અણુશસ્ત્રો નથી એટલે લશ્કરી સંતુલનનો લાભ યુક્રેનને મળતો નથી અને એના અભાવમાં યુક્રેને ડ્રોનનો માર્ગ અપનાવીને જડબેસલાક તમાચો મારી દીધો. અણુશસ્ત્રો ધરાવતા દેશ પર અણુશસ્ત્રો નહીં ધરાવતા દેશે વ્યાપક હુમલા કર્યા. પાંચ પ્રદેશ, ચાર ટાઈમઝોન અને ચાર હજાર કિલોમીટર અંદર સુધી. આને કહેવાય ખમીર.
ગોપનીયતા કમાલની હતી. યુક્રેનની જાસૂસી એજન્સી સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેન દોઢ વરસથી ડ્રોન હુમલાની તૈયારી કરતી હતી. બાવીસ લાખ ડ્રોન બનાવ્યાં અને એટલી બારીક ચોકસાઈ સાથે ઓપરેશન કર્યું અને જગતમાં કોઈને જાણ પણ ન થઈ. ચેલાઓએ ગુરુને તમાચો માર્યો. જ્યારે સોવિયેત રશિયા અખંડ હતું ત્યારે રશિયન ગુપ્તચર સંસ્થા કે.જી.બી.નું નેતૃત્વ અત્યારના રશિયન પ્રમુખ પુતિન કરતા હતા. સિક્યુરિટી સર્વિસ ઓફ યુક્રેનના સીનિયર અધિકારીઓ પુતિનના હાથ નીચે તૈયાર થયા છે.
માઈક્રો ડ્રોન યુદ્ધ ભારત માટે અને દુનિયાના દેશો માટે ગંભીર ચિંતાનો વિષય છે. માત્ર પચાસ હજારની કિંમતમાં બનતું ડ્રોન ત્રાસવાદીઓના હાથમાં જઈ શકે છે. ઓછી ઘાતક ક્ષમતાવાળા (લો ઇન્ટેન્સીટી) અનેક હુમલા એક સાથે નાગરિકો પર થઇ શકે છે. ઓછા ખર્ચે અને વગર માનવીએ મોટી ખુવારી શક્ય છે. જો ગંભીરતા સમજાતી હોય અને ભવિષ્યની ચિંતા હોય તો સત્તા માટે હિંદુ મુસ્લિમ કરવાની જગ્યાએ વર્તમાનમાં ઝડપથી બદલાતી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આંખ ઉઘાડનારા ટીકાકરોને ગાળો દો અને ઉઘાડી વાસ્તવિકતાથી મોઢું ફેરવી લો તો એનાથી નથી વાસ્તવિકતા બદલવાની કે નથી તેનો અંત આવવાનો. તમે તક ગુમાવી દેશો એ નક્કી વાત છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2025