હોલ તાળીઓથી ગુંજી રહ્યો હતો. અનિતાબાનો જયજયકાર થઈ રહ્યો હતો. અનિતાબા સ્થિતપ્રજ્ઞ થઈને ખુરશી પર બેઠાં હતાં. અનિતાબા એટલે નારી સુરક્ષા કેન્દ્રનાં સર્વેસર્વા હતાં. તેમનો પડ્યો બોલ ઝીલવા સહુ કોઈ તૈયાર રહેતા. આમ તો અનિતાબા તેનો જન્મદિવસ ક્યારે ય ન ઉજવતાં. છેલ્લે ક્યારે ઉજવ્યો હતો, એ પણ તેમને યાદ નહોતું. પણ નારી સુરક્ષા કેન્દ્રનાં ટ્રસ્ટીઓ અને નારી સુરક્ષા કેન્દ્રમાં રહેતાં લોકોનો ખૂબ આગ્રહ હતો. એટલે હા કહી હતી. અનિતાબા કંઈક વિચારમગ્ન થઈને અતિતની સફરે નીકળી ગયાં હતાં. અનિતાબા એ અનિતામાંથી અનિતાબા બનવા માટે બહુ લાંબી અને વિકટ પરિસ્થિતિ પસાર કરી હતી.
અનિતાબહેનનાં માતા-પિતા નાનપણમાં જ મરણ પામ્યાં હતાં. કાકા-કાકી અને મામા-મામી સાથે જેમતેમ સમય પસાર કરીને સ્કૂલનો અભ્યાસ પૂરો કરી, આગળના અભ્યાસ માટે વુમન્સ હોસ્ટેલમાં રહેતાં હતાં. અત્યાર સુધી કાકા-કાકી અને મામા-મામી પર બોજ હતો, પણ અનિતાબહેને વિચાર્યું કે જિંદગી લાંબી છે. બીજાના સહારે થોડો સમય જાય,આખી જિંદગી ન જાય. તેમણે પગભર થવા ઘરે-ઘરે ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું. પણ, બધે ઘરનો માહોલ એક સરખો નહોતો; ક્યારેક જાત સંભાળવી અઘરી થઈ જતી હતી. અનિતાબહેન મજબૂત મનોબળ અને હિંમતવાન હતાં એટલે પરિસ્થિતિનો સામનો કરી, સુરક્ષિત નીકળી જતાં હતાં. કોલેજનો અભ્યાસ પૂરો કરી, સારી નોકરીની શોધ ચાલુ કરી. દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ સારો જતો, પણ એપોઇન્ટમેન્ટ લેટર આવતો નહોતો. અંતે અનિતાબહેનને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. એકલા જ હતાં એટલે વિમેન્સ પેઇંગ ગેસ્ટ હાઉસમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાનું શરૂ કરી દીધું.
એક દિવસ ઓફિસેથી નીકળતા મોડું થઈ ગયું. અનિતાબહેન તેના સ્કૂટર પર ગેસ્ટ હાઉસ જઈ રહ્યાં હતાં. તેણે જોયું કે બે બાઈક સવાર તેનો પીછો કરી રહ્યા છે. રાત્રીનો નવ વાગ્યા જેવો સમય હતો. રસ્તો પરથી એકલ દોકલ વાહન નીકળતા હતા. બે બાઇક સવાર તેનો જ પીછો કરે છે કે તેને મનમાં શંકા છે, એ જાણવા અનિતાબહેન ફોન કરવાના બહાને એક જગ્યાએ ઊભા રહ્યાં, એટલે બંને બાઇકચાલક પણ ઊભા રહી ગયા. અનિતાબહેનને સમજાઈ ગયું કે એ લોકો તેનો જ પીછો કરી રહ્યા છે. અનિતાબહેને હિંમત હાર્યા વગર સ્કુટરની સ્પીડ વધારી, એક સૂમસામ લાગતી જગ્યાએ બંને બાઇકસ્વારે અનિતાબહેનને ઘેરી લીધા. અનિતાબહેને જોયું તો સામે નારી સુરક્ષા કેન્દ્ર હતું એટલે થોડી હિંમત વધી કે આ લોકો સાથે હું મારામારી કરીશ એટલે દેકારો થશે; એ સાંભળીને ત્યાંથી મારી મદદે કોઈક તો બહાર આવશે.
બંને બાઇકવાળા અનિતાબહેન પાસે આવ્યા. થોડી હાથા પાઈ થઈ ત્યાં ન જાણે ક્યાંથી એક લાકડી અનિતાબહેનના પગ પાસે આવીને પડી. અનિતાબહેને એ ઉઠાવીને પોતે શીખેલ લાઠી દાવથી બંનેને મારીને મારીને અધમૂઆ કરી નાખ્યા. બંને મોત ભાળી જતા ભાગી ગયા. ઝપાઝપીમાં અનિતાબહેનને વાગ્યું હતું અને લોહી નીકળી રહ્યું હતું. થાકી ગયાં હતાં એટલે એક ઓટલે બેસી ગયાં.
પાંચ મિનિટ પછી અનિતાબહેને જોયું તો એક વયસ્ક મહિલા નારી સુરક્ષા કેન્દ્રમાંથી તેની તરફ આવી રહ્યાં હતાં. પાસે આવીને કહ્યું, “દીકરી, તને બહુ વાગ્યું છે. લોહી પણ નીકળે છે. ચાલ તને ડ્રેસિંગ કરી દવા આપું. હું, આ નારી સુરક્ષા કેન્દ્રની કેરટેકર છું.” અનિતાબહેનને પણ સારવારની જરૂર હતી.
અનિતાબહેને વયસ્ક મહિલાને પૂછ્યું, “તમને જ્યારે ખબર હતી કે હું એકલી આ બે મવાલી સામે લડી રહી છું, ત્યારે મારી મદદે કેમ ન આવ્યાં. આવું બને ત્યારે લોકો મદદ કરવાને બદલે વીડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે; એમ તમે તમાશો જોતા હતાં? તો, પછી આ નારી સુરક્ષા કેન્દ્રનાં નામનો શું અર્થ છે?”
“દીકરી, તારો પ્રશ્ન ખૂબ વ્યાજબી છે. અમે તમાશો નહોતાં જોતાં, આ લાઠી પણ મેં જ તારી પાસે ફેંકી હતી. મારે જોવું હતું કે સ્રી શશક્તિકરણની વાતો કરીએ છીએ, તો શું ખરેખર સ્રી શક્તિમાન બની છે ખરી? બીજું તારી હિંમત અને નીડરતા જોતાં મને ખાતરી થઈ ગઈ હતી કે તારે મદદ નહીં, પણ હથિયારની જરૂર છે. દીકરી, આ લાઠી દાવ તું ક્યાંથી શીખી?”
“તમે તમારું નામ નથી કહ્યું પણ હું તમને બા કહીશ. બા, લોકો ગામડાંને ખોટા વગોવે છે કે ગામડામાં શિક્ષણનું સ્તર નીચું હોય છે. પણ, બા, અમારી સ્કૂલમાં અમને બધાને શિક્ષણ સાથે ફરજિયાત સ્વરક્ષણ માટેની બધા પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. મારી પાસે અહીંયા લાઠી નહોતી, જેની કમી તમે પૂરી કરી દીધી એટલે એ બે વ્યક્તિ હોવા છતાં હું તેને પહોંચી વળી.”
“શાબાશ, દીકરી, તું ક્યાં રહે છે? મારી ઈચ્છા છે કે તું અહીંયાંની સ્રીઓને સ્વ-સુરક્ષા માટેની બધાં પ્રકારની તાલીમ આપ. જેથી અહીંયાની સ્રીઓ તારી જેમ બહાદુર અને નીડર બને.”
“બા, હું તો એકલી છું. અત્યારે વિમેન્સ પેઈંગ ગેસ્ટહાઉસમાં પેઇંગગેસ્ટ તરીકે રહું છું.”
“તો, તું, અહીંયા અમારી સાથે રહેવા આવી શકે? મારે તારી જેવી દીકરીની જરૂર છે.”
અનિતાબહેન નારી સુરક્ષા કેન્દ્રમાં રહેવાં આવી ગયાં અને નારી સુરક્ષા કેન્દ્રનું એક અંગ બની ગયાં. નારી સુરક્ષા કેન્દ્રમાં અનેક પ્રકારના પ્રશ્નનોને લીધે સ્રીઓએ આશરો લીધો હતો. તેમાં એવી પણ સ્રીઓ હતી કે જેણે પોતાના કુટુંબને હેરાન કરવા માટે ખોટા આરોપ મૂકીને આવી હતી. આવા જુદાજુદા પ્રકારના પ્રશ્નનોનું અનિતાબહેને સ્રી સન્માન જળવાય એ રીતે સમાધાન કાઢી, નારી સુરક્ષા કેન્દ્રમાં પોતાનું આભા વર્તુળ ઊભું કરી દીધું હતું. અનિતાબહેન જેને બા કહેતાં હતાં એ પણ બધું અનિતાબહેનને સોંપીને ચિંતામુક્ત થઈ ગયાં હતાં.
અનિતાબહેને, નારી સુરક્ષા કેન્દ્રની સ્રી સાથે બીજી સ્રીઓને, દીકરીઓને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. કેન્દ્રમાં જુદા જુદા વિષયનાં તજ્જ્ઞોને આમંત્રિત કરી, એ વિષયોનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અનિતાબહેન માનતાં સ્રીઓએ, દીકરીઓએ એક જ દિશા નારીશશક્તિકરણની જ નહીં પણ દરેક ક્ષેત્રમાં સશક્ત બનવું પડે. અનિતાબહેન, નારી સુરક્ષા કેન્દ્રના પર્યાય બની ગયાં હતાં.
“અરે! બા ક્યાં ખોવાઈ ગયાં? ચાલો દીપ પ્રાગટ્ય કરો.”
“મોટાબા ક્યાં છે? દીપ પ્રાગટ્ય તો મોટાબાના હાથે થશે.”
“સારું, પછી તમે સંબોધન કરશો ને? બધાં તમને સાંભળવા તલપાપડ છે.”
“હા. હું જરૂરી વાત કરીશ.”
“આજે મારે અહીંયા હાજર દરેક દીકરી અને સ્રીને કહેવું છે કે તમારી લડાઈ તમારે જ લડવાની છે. ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, `પાર્થ, હું તારા રથનો સારથિ છું, પણ આ યુદ્ધ તારું છે અને એ તારે જ લડવાનું છે.` એમ આપણે જ આપણી સુરક્ષા કરવાની છે. તમારામાં બેઠેલો અબળાનો ભય કાઢી નાંખો એટલે સબળા તેનું કામ કરશે જ. તે, દિવસે જો હું ડરી ગઈ હોત, તો આજે અહીંયા ન હોત. મને લાઠી બાએ આપી હતી, પણ તેનો ઉપયોગ તો મારે જ કરવાનો હતો. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે દરેક સ્રી, રાણી લક્ષ્મીબાઈ ,ઝાંસી કી રાણી અને ચાંદ બીબી છે. બસ, આપણી માનસિકતા બદવાની જરૂર છે. પુરાણોમાં પણ સ્રી શક્તિના અનેક ઉદાહરણ મળે છે. એ આપ સૌ જાણો છો. મેં જેમ એક પગલું અંધકારમાંથી સ્વ-પ્રકાશમાં મૂક્યું એમ તમે સૌ પણ તમારા સ્વ-પ્રકાશ તરફ આગળ વધો …….
હોલ તાળીઓ અને અનિતાબાની જય અને હેપી બર્થડેના નારાથી ગુંજી ઉઠ્યો.
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com