“અસ્પૃશ્યતા હિન્દુ ધર્મનું અંગ નથી, એટલું જ નહીં, પણ હિન્દુ ધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે. તેનું નિવારણ કરવું પ્રત્યેક હિન્દુનો ધર્મ છે. એ તેનું પરમ કર્તવ્ય છે.”
− મો.ક. ગાંધી
આ વર્ષ મહાત્મા ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીનું વર્ષ છે. ગાંધીજી ૨૨ ઓક્ટોબર, ૧૯૨૫ના રોજ મુંબઈથી દ્વારકા થઈને માંડવી બંદરે ઉતર્યા હતા અને ૪થી નવેમ્બર, ૧૯૨૫ના રોજ તુણા બંદરેથી જામનગર ગયા હતા. પૂરેપૂરાં બે અઠવાડિયાં ગાંધીજી કચ્છમાં હતા. આ તેમની કચ્છની પહેલી અને આખરી મુલાકાત હતી. 1925નું આખું વર્ષ તેઓ ભારતનો મોટા ભાગનો વિસ્તાર અસ્પૃશ્યતા નિવારણ અને રચનાત્મક કાર્યના પ્રચાર માટે ફરી વળ્યા હતા.
કચ્છ જિલ્લા અને પૂરા ગુજરાત માટે આ ઘટના મહત્ત્વની. કચ્છમાં ‘ગ્રામ સ્વરાજ સંઘ’ સંચાલિત ‘ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર’ના નેજા હેઠળ, આ યાદગાર મુલાકાતની સ્મૃતિમાં, વિવિધ કાર્યક્રમોની એક વિશેષ શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીજીની કચ્છ યાત્રાનો નકશો ‘ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર’ના ઋણસ્વીકાર સાથે નીચે પ્રસ્તુત છે.
એ યજ્ઞમાં, મારા તરફથી સમિધ રૂપે, ‘હરિજન સેવક સંઘ’ની દાસ્તાન રજૂ કરવાનો પ્રયાસ કરું છું.
ગાંધીજીની કચ્છ યાત્રાનો મુખ્ય હેતુ પ્રજાને અસ્પૃશ્યતા નિવારણ માટે ઉજાગર કરવાનો હતો, તેથી આ લખાણમાં મુખ્યત્વે એ મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે. તેની વિગતોનો મુખ્ય સ્રોત 2/10/1968માં પ્રકાશિત થયેલી પુસ્તિકા ‘રાષ્ટ્રપિતાનું તર્પણ’ છે. કચ્છ હરિજન સેવક સંઘના કાર્યકાળને 30 વર્ષ પૂરાં થયા એ નિમિત્તે ફાળો એકત્ર કરવાની નેમ સાથે આ સ્મૃતિગ્રંથનું પ્રકાશન કરવામાં આવેલું, જેમાં કચ્છની હરિજન સેવાનું સરવૈયું વિગતે આપેલું છે. તેમાંની વિસ્તૃત વિગતોમાંથી તારવીને કેટલીક રસપ્રદ હકીકતોની નોંધ અહીં પ્રસ્તુત છે.

પ્રભુલાલ ધોળકિયા
આ યાત્રામાં અનેક યુવાનો જોડાયા હતા. તેમાંના ત્રણ યુવાનો, ગુલાબશંકર ધોળકિયા, કાંતિપ્રસાદ અંતાણી અને પ્રભુલાલ ધોળકિયાએ જ્ઞાતિનો બહિષ્કાર વહોરી લઈને ગાંધી યાત્રા આયોજનમાં સ્વ. મહાદેવભાઈ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ કામ કર્યું. ત્યારે મારા નાનાજી પ્રભુલાલ ધોળકિયાની ઉંમર 20 વર્ષની હતી. તેમની પાસેથી અને મારાં માતુશ્રી પાસેથી ગાંધીજીની યાત્રા તેમ જ હરિજન સેવક સંઘની સ્થાપના અને પ્રવૃત્તિઓની વાતો સાંભળી અને જાતે જોયેલી પણ ખરી.
કચ્છના છ તાલુકામાં ગાંધીજીએ પ્રજા જોગ સંબોધન કરેલાં. તે સમયે છુઆછૂતની ભાવના સમજમાં અત્યન્ત ઊંડાં મૂળ ઘાલીને બેઠી હતી, તેથી કચ્છની પ્રજાએ ગાંધીજીને મહેમાન તરીકે નોતર્યા, પણ પછી હરિજન ગણીને એમને ‘અછૂત’ લોકો સાથે સભામાં બેસાડ્યા, એટલું જ નહીં, માનપત્ર આપીને ‘ઢેઢ’ને આપે એ રીતે એમના ખોળામાં ફેંકીને તેમની હાંસી કરી. એ જ કચ્છ પ્રદેશમાં આઝાદી પછી હરિજન કુમાર છાત્રાલયો, કન્યા છાત્રાલય અને આદિવાસી છાત્રાલય સ્થપાયાં, જેનો યશ માત્ર કચ્છ હરિજન સેવક સંઘને જ નહીં, પરંતુ ભારત સરકારે એ કાર્ય માટે પૂરી પડેલી ધનરાશિને, તે માટે ઘડેલા કાયદાઓ અને નિયમોને, તથા તેના પાલનકર્તાઓને પણ જાય છે.
ઓક્ટોબર 1925માં ગાંધીજીએ કચ્છની પંદર દિવસ યાત્રા કરી. અસહકારની ચળવળ બાદ સમાજ સુધારણાની પ્રવૃત્તિઓને આથી વેગ મળ્યો. અસ્પૃશ્યતા નિવારણ માત્ર દયા-દાનની પ્રવૃત્તિ ન રહેતાં આત્મશુદ્ધિ અને સામાજિક ક્રાંતિની પ્રવૃત્તિ બની. હરિજન ઉદ્ધારના કાર્યમાં સહાયક થનારાને બ્રાહ્મણ અને જૈન જ્ઞાતિના આગેવાનોએ ઠપકો આપી જતા કર્યા અને નાગર જ્ઞાતિએ હરિજન સેવકોને જ્ઞાતિ બહાર મૂકી પોતાનો જ્ઞાતિધર્મ બજાવ્યો! પરંતુ સદ્દભાગ્યે એ યુવાનો બમણા ઉત્સાહથી આ પુનિત કાર્યમાં જીવન પર્યન્ત વ્યસ્ત રહ્યા એ ગાંધીની પ્રેરણાદાયી યાત્રાનું સુફળ ગણી શકાય. ઠક્કરબાપાની પ્રેરણાથી કચ્છ હરિજન સેવક સંઘની સ્થાપના થઇ. એ યુગમાં હરિજન ઉદ્ધારનાં કાર્યો કરવામાં કેવી અડચણોનો સામનો કરવો પડ્યો હશે તેની વાત કરું.
‘રાષ્ટ્રપિતાને તર્પણ’ સ્મૃતિગ્રંથમાં આપેલી નીચેની વિગતો આજના યુગના વાચકો માટે રસપ્રદ થઈ પડશે. ‘કચ્છમાં હરિજન સેવા પ્રવૃત્તિની ઝાંખી’ શીર્ષક હેઠળના લેખમાં 1920-1930ના દાયકાઓમાં સમાજ જીવનના એકે એક પગલે હરિજનો પ્રત્યે કેવો ભેદભાવ રાખવામાં આવતો હતો તેનું રજેરજ વર્ણન છે, જે વાંચીને હૃદય વ્યથા તેમ જ ગ્લાનિ અનુભવ્યા વિના ન રહે. એ સમયે ભલે વ્યક્તિગત આચાર સુધી સીમિત હતો, પણ આર્યસમાજી સુધારકો અત્યંજ સ્પર્શમાં બાધ ન લેતા એમ જાણવા મળે છે. શાળા સંચાલનમાં વાલીઓ સાથે સંપર્ક સાધવા અને સામાજિક વ્યવહાર ચલાવવા સવર્ણ શિક્ષકો ઓછા તૈયાર થતા, જેથી એ કામ મુસ્લિમ યુવાનોને શિક્ષક તરીકે નીમીને પાર પાડવામાં આવતું. રાજ દરબારમાં કે જાહેર સ્થળોએ હરિજનો જઈ શકે એવી તો એ કાળમાં કલ્પના પણ ન કરી શકાતી. હરિજન દર્દીની સારવાર દૂરથી જોઈને અટકળે કરવામાં આવતી, એટલું જ નહીં, કોઈ મુસ્લિમ દર્દીની દયાથી તેની બાટલીમાંથી દવા લઈને હરિજન દર્દીને આપ્યાના દાખલા પણ નોંધાયા છે. હરિજન બાળક વર્ગમાં એક ખૂણે બેસીને ભણી શકતો, તેનું લેખન અને ગણિત દૂરથી જોઈ લેવામાં આવતું. રેલવેમાં ‘ઢેઢ’નો ડબ્બો અલગ રાખવામાં આવતો હતો. આવી હતી આપણા સમાજની દશા! વહાણના સઢના વણાટકામથી માંડીને રેશમના ભાતીગળ વણાટ માટે વખણાતા વણકરો હરિજન હતા, જેઓ કાપડિયાના ગુલામ બની રહેતા, એની પાસેથી લીધેલી રકમ ચૂકવી ન શકે એટલે કાયમ દેવાદાર રહેતા. હરિજનો પ્રત્યેના અન્યાયના આવા અસંખ્ય ઉદાહરણો આ પ્રકરણમાં વાંચવા મળે છે. એવા સંયોગોમાં હરિજન સેવાનું કાર્ય આરંભવું અને ચલાવવું કેટલું દુષ્કર હશે એ સમજી શકાય.
11/9/1924ના ‘યંગ ઇન્ડિયા’માં ગાંધીજીએ લખેલું,
“આપણે ભંગી સાથે ભંગી બનીને જોવું જોઈએ કે ઉચ્ચ વર્ણનાં જાજરૂ સાફ કરવાનું અને તેના એઠા રોટલા ખાવાનું આપણને કેવું લાગે છે? આપણે જોવું જોઈએ કે મુંબઈના મજૂરોનાં ઘોલકાં, જેને ખોટી રીતે ઘર કહેવામાં આવે છે તેમાં રહેવાનું આપણને કેવું લાગે છે? સૂરજના પ્રખર તાપમાં કેડ વાળીને કાળી મજૂરી કરતા ગ્રામવાસીઓ સાથે આપણે તાદાત્મ્ય અનુભવવું જોઈએ, અને જે ખાબોચિયામાં તેઓ ન્હાય છે, તેમાં તેનાં વાસણ અને કપડાં ધુએ છે તથા જેમાં તેનાં ઢોર પાણી પીએ છે અને આળોટે છે તે ખાબોચિયામાંથી પાણી પીવું આપણને કેવું લાગે તેનો આપણે વિચાર કરવો જોઈએ. એમ કરીશું ત્યારે જ આપણે આમજનતાના સાચા પ્રતિનિધિ ગણાઈશું અને ત્યારે આપણી દરેક હાકલનો આમજનતા જરૂર જવાબ વળશે.”
ગાંધીજીની આ હાકલને ધ્યાનમાં લઈને ઠક્કરબાપાની પ્રેરણાથી કચ્છ હરિજન સેવક સંઘની શાખા 1933માં સ્થપાઈ. છાત્રાલયો અને શાળાઓની સ્થાપના ઉપરાંત ખાદી-ગ્રામોદ્યોગને સંલગ્ન કાર્યો, જેવા કે અંબર ચરખા કેન્દ્રો સ્થાપવાં, તેલની ઘાણી શરૂ કરવી, શરાબ બંધી તથા અનેક ગૃહ અને ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા જેવી પ્રવૃત્તિઓ સંઘે હાથ ધરી હતી.
કચ્છ હરિજન સેવક સંઘના પ્રમુખ પ્રભુલાલ ધોળકિયા એ સ્મૃતિગ્રંથના પ્રારંભમાં નોંધે છે કે સંઘના કાર્યોનો ત્રિમાસિક અહેવાલ બાપુને નિયમિત મોકલવાનું ધોરણ રાખેલું. આ રહી બાપુના પ્રત્યુત્તરની છબી.
આ પત્રવ્યવહારની જાણ માનનીય ગોપાલકૃષ્ણજીને કરી ત્યારે તેમણે પાઠવેલ ઉત્તર પણ એટલો જ પ્રેરણાદાયી રહ્યો, જે સહુની સાથે સાઝા કરું છું :
Dear Ashaben
Thank you for your mail and its important attachment.
It is a lovely hand-written letter indeed. સફળતા મળશે જ is more emphatic than ‘you will succeed’. It is like ‘You cannot but succeed’.
The date 3.3.33 is such a happy rhyming date ! He was in Yeravada jail at that time.
Of course you should feel proud to be born in that family.
With best wishes for Christmas and the New Year,
Gopal
સ્મૃતિગ્રંથના પ્રકાશન નિમિત્તે અનેક રાજકીય, સામાજિક અને રચનાત્મક કાર્યક્ષેત્રના આગેવાનોને કચ્છ હરિજન સેવાની 30 વર્ષની મજલ વિષે જાણકારી કરતા પત્રો લખવામાં આવ્યા હતા. વિનોબાજી, ઝાકીર હુસેન, ઇન્દિરાબહેન ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, કાકાસાહેબ કાલેલકર, મુનિ સંતબાલજી, રવિશંકર મહારાજ જેવા અનેક મનહાનુભાવોના પ્રેરણા સંદેશ આવેલા. મોરારજીભાઈ દેસાઈ, ઉ.ન. ઢેબર, ભક્તિબા, બબલભાઈ મહેતા અને રતુભાઇ અદાણી જેવા ખમતીધર આગેવાનો પ્રભુલાલ ધોળકિયા અને મગનભાઈ સોનીને સંબોધીને સંદેશ મોકલે તેમાં પરસ્પરના કાર્ય માટે સમાદરની લાગણી વ્યક્ત થાય. તેમાંના ત્રણ મારે મન વિશેષ રીતે અલગ તરી આવેલા લાગે છે એ ઉધૃત કરું છું :
- मंत्रीजी,
पत्र मिला। कच्छ में हरिजन सेवक संघका काम ३० वर्ष सतत चला उस कार्यकी जानकारी देनेवाला स्मृति ग्रन्थ आप प्रकाशित करना चाहते हैं, यह अच्छा है. अस्पृश्यता पर काफी प्रहार हो चुका है. उसकी जड़ें बिलकुल निर्मूल नहीं हुई तो भी काफी ढीली पड़ गई हैं. इसके आगे हरिजन सेवा का अलग टुकड़ा ले कर काम करने से प्रगति नहीं होगी. समग्र ग्राम सेवा में ही लगना होगा। उसके अंगके तौर पर हरिजन सेवा सरलता से होगी. यह मैं बहुत दफा कह चुका हूँ.
विनोबाका जयजगत
વિનોબાજી અસ્પૃશ્યતા નિવારણના કાર્યને અત્યંત મહત્ત્વનું માનતા હોવા છતાં આઝાદી બાદના બે-અઢી દાયકા પછી તેને અલગ સેવા ક્ષેત્ર બનાવવાને બદલે તમામ ગ્રામવાસીઓના ઉત્થાનના એક ભાગ રૂપ બનાવવાનું સૂચન કરે છે તેની પાછળ દરેક નાગરિકને એક ‘સમાન માનવ’ તરીકે જોવાનો, નહિ કે કોઈ જ્ઞાતિ કે જાતિના લેબલ સાથે જોવાનો સંદેશ છે, જે વધુ ઉપયુક્ત લાગે છે. સવાલ એ છે કે આજે સાત દાયકા વીત્યા છતાં આપણે વિશેષાધિકારના અંચળા નીચે છુપાયેલ અસમાનતાને દૂર કરી શક્યા છીએ ખરાં?
- पश्चिम भारतके एक सिरे पर कच्छ जैसे छोटे इलाके में आज लगभग चालीस सालसे जो हरिजन सेवा कार्य हो रहा है उसे मैं रचनात्मक कार्यका एक अच्छा उदाहरण मानता हूँ. कच्छ हरिजन सेवक संघने इस वर्षका एक संक्षिप्त विवरण मेरे पास भेजा है उसे देखते हुए मैं समझता हूँ की पूज्य गांधीजी की महान प्रेरणा से तथा माननीय ठककर बापाके मार्गदर्शन में भारत में जो हरिजन सेवा का कार्य हुआ है उसमें कच्छ हरिजन सेवक संघके कार्यकी गणना विशेष रूपसे होनी चाहिए. चालीस वर्ष पूर्व जब कच्छ एक छोटासा देशी राज्य था और अच्छी-बुरी रुढ़ियो का गहरा जाल फैला था, उस समय समाज सुधारके लिए वातावरण बहुत प्रतिकूल था. ऐसे समय केवल कुछ सेवाभावी कार्यकर्ताओंने सब कठिनाइयोंका सामना करते हुए इस कार्यकी जो इतनी प्रगति की, वह बहुत प्रशंसनीय है. आज भी यह समस्या पूरी तरहसे नहीं सुलझी है इसलिए गांधीजी और ठक्कर बापाके बताये हुए मार्ग पर दृढ़ कदमोंसे चलते हुए और पंचवर्षीय योजनाओंमे हरिजनके सुधारके लिए जो तजवीज दी गई है उनका पूरा और उचित फायदा उठाते हुए हमको इस कार्य को संपन्न करना है. मुझे विश्वास है की इस काम में धनसे भी अधिक त्यागी एवं प्रशिक्षित समाज सेवकोंकी आवश्यकता है. सौभाग्यसे कच्छ हरिजन सेवक संघके पास इनकी कमी न रही है और न कभी भविष्यमे रहेगी, ऐसी मुझे आशा है. मैं चाहता हूँ की दस साल बाद जब कच्छ में संघका सुवर्णोत्स्व मनाया जाये तब तक अस्पृश्यता जैसी समस्या ही वहाँसे नष्ट हो जानी चाहिए.
गुलजारीलाल नंदा
ગુલઝારીલાલ નંદાનો સંદેશ પ્રશંસા અને આશાવાદથી ભરપૂર છે. તેમના છેલ્લા બે વાક્યોમાં અસ્પૃશ્યતા સંપૂર્ણ પણે નષ્ટ થઈ જવાની તેમની ઈચ્છાને આપણે પૂર્ણ નથી કરી શક્યા એ કબૂલ કરવું રહ્યું.
- ભાઈશ્રી પ્રભુલાલ,
તમારો પત્ર મળ્યો. કચ્છમાં હરિજન કામને ત્રીસ વર્ષ પૂરાં થાય છે. તે નિમિત્તે એક બૃહદ્દ ગ્રંથ સ્મૃતિ રૂપે તૈયાર કરી રહ્યા છો એ જાણીને આનંદ થયો. હરિજન સેવાનો સંકલ્પ કરીને તમે સૌ ભાઈઓએ જે પવિત્ર કામ કર્યું છે તેનો ખ્યાલ તો ત્રીસ વર્ષ પૂર્વેની સ્થિતિનો ખ્યાલ કરનારને જ આવી શકે. આ બધી વાતો આ ગ્રંથ દ્વારા આજના સમાજ પાસે મુકાશે જ. હજુ પણ કામ ઘણું કરવાનું છે. નવી પેઢીને મેલાં ઉપાડવાના અમાનુષી કાર્યમાંથી મુક્ત કરવી જ હશે તો પહેલામાં પહેલી તકે એ સમાજની બહેનો પાસેથી આ કામ છોડાવવું પડશે. આ માટે આપણે સૌએ પ્રયત્નો કરવાના રહે છે. આ તકે મારી શુભેચ્છાઓ મોકલું છું.
ભક્તિબા
ભક્તિબાએ અછૂત સમાજમાં પણ મહિલાઓની સ્થિતિ તરફ અંગુલી નિર્દેશ કરીને એક નવી દિશામાં વિચાર કરવાની વાત કરી એથી એમનો સંદેશ વધુ નોંધનીય લાગ્યો.
મહાત્માજીના હરિજનોને અલગ મતાધિકાર આપવાની માગણીના વિરોધમાં યરવડા જેલ ખાતે કરેલા ઐતિહાસિક ઉપવાસ પછી કચ્છમાં હરિજન સેવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. બંધારણમાં અસ્પૃશ્યતાની નાબુદીનો કાયદો જરૂર થયો, આમ છતાં હરિજનો અને પછાત કોમોને સામાન્ય જનસમાજની સમાન કક્ષામાં લાવવા બંધારણમાં તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા દસ વર્ષનું રક્ષણ આપવામાં આવ્યું હતું. તે દરમિયાન લોકોના માનસમાં દરેક માનવીની સમાનતાનો ખ્યાલ દૃઢ થઇ જાય અને તમામ પ્રકારની શિક્ષણ તથા રોજગારીની તકો માત્ર વ્યક્તિની બુદ્ધિ તથા કાર્યકુશળતાની ગુણવત્તા પર સમાન રીતે આપવામાં આવે એ લક્ષ્ય સિદ્ધ ન થયું અને હજુ આજે પણ અનામત બેઠકો અને તેને આનુષંગિક સમસ્યાઓ જોવા મળે છે. ખરું જોતાં માત્ર કચ્છમાં જ નહીં પરંતુ સારા ય ભારતભરમાં અસ્પૃશ્યો અને પછાત જાતિઓને સમાન હક્કો મળ્યા છે કે નહીં એ સવાલ છે. કચ્છનાં તમામ ગામડાઓમાં પંચાયતો સ્થાપી, પણ હરિજનો સવર્ણ સભ્યો સાથે માન ભેર બેસી ન શકે તેવી સ્થિતિ આ પુસ્તિકામાં નોંધવામાં આવી હતી.
કચ્છ હરિજન સંઘના નેજા હેઠળ ચાલતી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં સાર્વજનિક કુમાર છાત્રાલય : ભુજ, ઠક્કરબાપા વિદ્યાર્થી આશ્રમ : અંજાર, ગ્રામ બાલવાડી, કસ્તૂરબા બાલમંદિર : ભુજ, અને તે ઉપરાંત દરેક તાલુકામાં અસ્પૃશ્યતા નિવારણ કેન્દ્રોની સ્થાપનાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત 1947માં હિજરતી હરિજન કુટુંબોને જમીન મેળવવામાં સહાય, અનાજનાં બીજ ખરીદવાની જોગવાઈ, રહેણાંક મકાન, ઓજારો અને લોન અપાવીને કચ્છમાં સ્થાયી કરવા અને બાકીનાને અન્ય રાજ્યોમાં રોજગારી અપાવવા સહાય કરવાના કાર્યોની વિગતે નોંધ આ સ્મૃતિગ્રંથમાં છે.
અહીં એ નોંધવું રહે કે કચ્છ હરિજન સેવક સંઘના પરિશ્રમને પરિણામે આજે હરિજનો કોઈ પણ પ્રકારના અંતરાય વિના ભણતા થયા છે, ટ્રેન અને બસમાં અન્ય ‘સવર્ણો’ સાથે મુસાફરી કરી શકે છે, જાહેર વારિગૃહોમાં સવર્ણોની જોડાજોડ પાણી ભરતા થયા છે. ધારાસભા સુધી પ્રતિનિધિત્વ કરતા થયા છે. શાળા પ્રવેશ બાબતે પણ ઘણો સુધારો જોવા મળેલો. 1945માં આ કોમના માત્ર 409 કિશોર અને 15 કિશોરીઓ શાળામાં ભણતાં હતાં, જે સંખ્યા 1948માં 800 સુધી પહોંચી અને આઝાદીના દોઢ દાયકા બાદ પાંચ હજાર ઉપર પહોંચી તેની પાછળ સરકારી નિયમો તેમ જ કચ્છ હરિજન સેવક સંઘની સતત જહેમત કારણભૂત ગણાય. પણ આ પુસ્તિકા છપાઈ ત્યારે જળાશયો, હોટેલ, મંદિરો કે હેર કટિંગ સલૂન જેવા જાહેર સેવાનાં સ્થળે બહુ પરિવર્તન જોવા મળ્યું નહોતું.
ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દીની ઉજવણી થઇ રહી છે ત્યારે એટલું જરૂર કહી શકાય કે હરિજન, કે જેમને હવે દલિત તરીકે ઓળખવામાં આવે છે, એ કોમમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું, તેમના આવાસો અને બીજી સુવિધાઓમાં પરિવર્તન આવ્યું, કેટલાક લોકો ઉચ્ચ પદવીઓ ધારણ કરતા થયા. પરંતુ ભારતીય પ્રજાના માનસમાંથી અસ્પૃશ્યતાનો ખ્યાલ સાવ નિર્મૂળ નથી થયો. હજુ પણ દેવસ્થાનોમાં તેમ જ જાહેર જીવનમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે જ છે. આ હડહડતા અન્યાય માત્ર સરકારી કાયદા અને નિયમો ઘડવાથી દૂર નહીં થાય, તેને જડમૂળથી મિટાવવાની જવાબદારી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ તેમ જ સમાજના શિક્ષિત અને સમજદાર જાગૃત નાગરિકો બધાની છે.
માત્ર કચ્છ જિલ્લાના લોકોના મનમાં જ નહીં, પરંતુ આખા ગુજરાતની અને પૂરા ભારતની જનતાના દિલો દિમાગમાંથી ‘આભડછેટ’ નથી ગઈ એ દુઃખદ હકીકત સ્વીકારવી રહી. ભારતનો દરેક નાગરિક, ભલે તે કોઈ પણ જ્ઞાતિ, ધર્મ કે જાતિનો હોય, તેને પોતાના જેવો જ એક ‘માનવી’ ગણીને તમામ અધિકારો ભોગવવા દેશું ત્યારે રાષ્ટ્રપિતાને ખરું તર્પણ કર્યું કહેવાશે.
e.mail : 71abuch@gmail.com
‘ચિરંતન ગાંધીવિદ્યા કેન્દ્ર’ના સૌજન્યથી આ લોગો અહીં પ્રસ્તુત છે.