
રાજ ગોસ્વામી
નિર્માતા-નિર્દેશક સુભાષ ઘઈના ચાહકો માટે એક સરસ સમાચાર છે; તેઓ તેમની 1993ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ખલનાયક’ની સિક્વલ બનાવી રહ્યા છે. તાજેતરમાં, તેમણે પુષ્ટિ કરી હતી કે “ખલનાયક-2ની સ્ક્રિપ્ટ પૂરી થઇ ગઈ છે અને ટૂંકમાં જ કલાકારો અને કસબીઓની ટીમને અંતિમ રૂપ આપવામાં આવશે.”
ફિલ્મી જગતમાં ‘ખલનાયક’ની સિક્વલ લઈને ઘણા લાંબા સમયથી ચર્ચાઓ હતી, પણ હવે ઘઈએ વિધિવત જાહેરાત કરીને ગપસપનો અંત લાવી દીધો છે. તેમણે અગાઉ પણ એ વાત ભાર મુક્યો હતો કે ફિલ્મના ‘ખલનાયક’ બલ્લુ બલરામનો કિરદાર માત્ર સંજય દત્ત જ નિભાવશે. તેમણે એવી અફવાઓ ખારીજ કરી હતી કે આ કિરદાર માટે નવા અભિનેતાની શોધ ચાલે છે. તેમણે એવું સ્વીકાર્યું હતું કે તેની સાથેના બીજા કિરદારોમાં નવા ચહેરા હશે.
‘ખલનાયક’ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ હતી અને તેણે સંજય દત્તની લોકપ્રિયતાને એક નવી ઊંચાઈ બક્ષી હતી. કેનેડા અને અમેરિકામાં જબરદસ્ત બિઝનેસ કરનારી આ પહેલી હિન્દી ફિલ્મ હતી. પહેલા અઠવાડિયામાં તેણે તે સમયે રિલીઝ થયેલી હોલીવૂડની અમુક ફિલ્મોને પણ પાછળ રાખી દીધી હતી.
ઘણી ફિલ્મો તેમનું પોતાનું એક નસીબ લઈને આવે છે. સામાન્ય રીતે, મસાલા ફિલ્મોમાં એક નાયક અને એક ખલનાયક હોય છે. ઇષ્ટ અને અનિષ્ટની આ જુગલબંધીથી ફિલ્મની વાર્તામાં એક પ્રકારનું ટેન્શન જળવાઈ રહે છે અને તે દર્શકોને ‘હવે શું થશે?’ના ભાવ સાથે જકડી રાખે છે.
સુભાષ ઘઈએ આ ફિલ્મમાં હીરોની વ્યાખ્યાનું શીર્ષાસન કરી નાખ્યું હતું. તેમણે ખલનાયકને જ નાયક બનાવી દીધો હતો. દર્શકોને યાદ હશે જ કે આ ફિલ્મમાં બલ્લુ જેલ તોડીને ભાગેલો એક ખૂંખાર ગેંગસ્ટર છે અને તેને પકડનાર ઇન્સ્પેકટર રામ (જેકી શ્રોફ) તેની પ્રેમિકા અને જેલની રખેવાળ ગંગા (માધુરી દીક્ષિત) સાથે મળીને બલ્લુને પાછો પકડવા માટે મિશન હાથ ધરે છે.
બલ્લુના કિરદારમાં પરંપરાગત હીરોનાં કોઈ લક્ષણ નહોતાં, અને ફિલ્મના ટાઈટલ પરથી જ સ્પષ્ટ છે તેમ સુભાષ ઘઈ તેને વિલેન તરીકે જ પેશ કરવા માંગતા હતા. અલબત્ત, પાછળથી બલ્લુનું હૃદય પરિવર્તન થાય છે અને તે આત્મ સમર્પણ કરે છે તેમ જ ગંગાની પ્રતિષ્ઠાને પણ બહાલ કરે છે. પણ આવા નેગેટીવ કિરદારને હીરો બનાવવામાં જોખમ તો હોય જ. લોકોને તે પસંદ ન આવે તો?
‘નસીબ’ કેવું કે ફિલ્મ તૈયાર જ હતી તે વખતે સંજય દત્તની મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં ધરપકડ થઇ અને તેને જેલમાં પુરવામાં આવ્યો. એપ્રિલમાં તેની ગિરફ્તારી થઇ અને જૂનમાં ફિલ્મ રિલીઝ થઇ. અઢીસોથી વધુ લોકોના ભોગ લેનારા આ વિસ્ફોટોમાં બે જ બાબતો આખા દેશમાં ચર્ચામાં હતી; એક તો વિસ્ફોટોનું કાવતરું અને બીજું સંજય દત્ત. સંજયની ગિરફ્તારી સનસનીખેજ હતી. અગાઉ પણ તેનાં કારનામાં વિવાદ પેદા કરી ગયાં હતાં પણ બોમ્બ વિસ્ફોટના પગલે ઘરમાં ગન રાખવાની તેની હરકત તેને દુનિયાની નજરોમાં સાચે જ ખલનાયક બનાવી ગઈ હતી.
બંને બાબત ભેગી થઇ ગઈ; ‘ખલનાયક’ ફિલ્મનું રિલીઝ થવું અને તેના હીરો સંજય દત્તનું અસલમાં ખલનાયક બની જવું. ફિલ્મને તેનો બહુ ‘ફાયદો’ મળ્યો. સંજય એક બદનસીબ સંતાન હતો. સેલિબ્રિટી માતા-પિતાના સંતાન હોવાનો વહેમ કહો કે ઉછેરમાં રહી ગયેલી કમી કહો, સંજયના જીવનમાં નિયમિત રીતે તકલીફો આવતી રહી હતી. તેના એ અંગત સંઘર્ષની તેના ફિલ્મી વ્યક્તિત્વ ઘડતર પર અસર પડી હતી. એટલે એવું કહેવાય કે ‘ખલનાયક’ તેના જીવનના સૌથી મોટા સંકટ વખતે જ આવી હતી. દર્શકોને એટલા માટે જ તેની ફિલ્મોમાં વિશેષ રસ રહેતો હતો. પાછી આ ફિલ્મનું તો નામ જ ‘ખલનાયક’ હતું. સુભાષ ઘઈનો જુગાર સવળો પડ્યો.
“હું સંજય દત્તને નાનપણથી જાણતો હતો,” ઘઈએ એકવાર કહ્યું હતું, “તેની બીજી જ ફિલ્મ ‘વિધાતા’નું મેં નિર્દેશન કર્યું હતું. તે પછી 10 વર્ષ બાદ મેં તેને ‘ખલનાયક’માં લીધો હતો. હું તેને બહુ નજીકથી ઓળખતો હતો. તેની ગિરફ્તારી થઇ ત્યારે મને ખબર હતી કે તે નિર્દોષ છે, પણ ફસાઈ ગયો છે. તે અપરાધી નહોતો.”
ઘઈએ ફિલ્મનું પ્રમોશન પણ કર્યું નહોતું. સંજય એટલો મોટો ખલનાયક બની ગયો હતો કે તેમને ડર લાગતો હતો કે લોકો ફિલ્મ પર તેમનો ગુસ્સો ઉતારશે અથવા તેમની પર સંજયની ટ્રેજેડી પર ધંધો કરવાનું લાંછન લાગશે. “હું તે વખતે ચૂપ રહ્યો હતો,” ઘઈ કહે છે, “પ્રમોશનમાં એક રૂપિયો પણ ખર્ચ્યો નહોતો. ચોલી કે પીછે ક્યા હૈ ગીતને લઈને જબ્બર બબાલ થઇ હતી. 32 રાજકીય સંગઠનો મારી વિરુદ્ધ થઇ ગયાં હતાં અને કોર્ટમાં કેસો દાખલ કર્યા હતા. પણ હું કશું ન બોલ્યો. મને ખબર હતી કે મેં કેવી ફિલ્મ બનાવી છે, મને ખબર હતી કે સંજય દત્ત કોણ છે, મને ખબર હતી કે ચોલી કે પીછે ગીત શેના માટે છે.”
‘ખલનાયક’ની સફળતામાં સંજય દત્ત, સંગીત અને એક્શનનો તો ફાળો ખરો જ, પરંતુ મહત્ત્વનું કારણ એ હતું કે સુભાષ ઘઈએ ઇષ્ટ અને અનિષ્ટની પરંપરાગત માન્યતાને તોડી હતી. તેમણે બલ્લુની વાર્તા દ્વારા એવું ઠેરવવા પ્રયત્ન કર્યો હતો કે કોઈ માણસ શુદ્ધ અથવા તો જન્મજાત સંત કે શેતાન નથી હોતો, તે તેના સંજોગો, વિકલ્પોની પસંદગી અને સમાજની નીતિ-રીતીના કારણે સારો કે ખરાબ બને છે. કૈંક અંશે, સંજય દત્તની અસલી જિંદગીની પણ આ જ કહાની હતી.
ઘઈએ આ ફિલ્મમાં અચ્છાઈ અને બુરાઈ, નિર્દોષતા અને અપરાધ સામે સવાલો કર્યા હતા. ફિલ્મમાં બલ્લુનું જીવન બ્લેક એન્ડ વ્હાઈટ વિલન જેવું નથી. તેમાં અનેક બીજા રંગો પણ છે. ઘઈએ આ ફિલ્મમાં તેના અપરાધીકરણ પાછળની જટિલતાને દર્શાવવા પ્રયાસ કર્યો હતો. એ દૃષ્ટિએ, ફિલ્મનાં પાત્રોનાં નામ સૂચક હતાં. રામ, બલ્લુ (બલરામ) અને ગંગા. ત્રણે નામો આપણા પ્રાચીન સંસ્કૃતિ અને નિશ્ચિત આદર્શો સાથે જોડાયેલાં છે.
ગંગા શુદ્ધતાની પ્રતિક છે. અને બલ્લુના ભાગી જવાથી તેના પ્રેમી (રામ) પર જે કલંક આવ્યું છે તે ધોવા માટે તે વેશ બદલે છે. ગંગામાં ઉદારતા અને કરુણા છે. તે બલ્લુના જીવનમાં પ્રવેશ કરીને તેને મનુષ્યમાં તબદીલ કરે છે.
કદાચ એટલા માટે જ આવા વિષય પર સુભાષ ઘઈ નાના પાટેકરની સાથે આવા વિષય પર એક ‘આર્ટ ફિલ્મ’ બનાવવા માંગતા હતા. ફિલ્મનું બજેટ પણ નાનું હતું. તેમના મનમાં રાવણનું પાત્ર હતું. રાવણ પર કોઈએ ફિલ્મ બનાવી નહોતી. તેમાં પાટેકરનો ‘ખલનાયક’ કિરદાર પૂણેથી મુંબઈ આવે છે તેવી વાર્તા હતી. એ જ્યારે લખાતી હતી ત્યારે ઘઈના લેખક કમલેશ પાંડેએ સૂચન કર્યું કે તમે આ વાર્તાને બીગ બજેટ કોમર્સિયલ ફિલ્મમાં ફેરવી નાખો.
ઘઈએ અધવચ્ચે ફિલ્મનું સ્વરૂપ બદલી નાખ્યું. તે વખતે રામના પાત્રમાં જેકી શ્રોફનું નામ નક્કી હતું. ફિલ્મ જગતમાં ખબર પડી પછી બલ્લુ માટે અનીલ કપૂર અને આમીર ખાને પણ ઘઈનો સંપર્ક કર્યો હતો. પરંતુ, ઘઈની ફિલ્મમાં હવે એવા હીરોની વાર્તા હતી જે ગેરમાર્ગે દોરવાયેલો હતો, અને સંજય એમાં એકદમ ફિટ બેસે તેવો હતો. નાના પાટેકર પછી મીડિયા ઇન્ટરવ્યૂમાં સુભાષ ઘઈને ભાંડતા રહ્યા તે પાછો એક અલગ જ વિષય છે.
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 04 જૂન 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર