આપણો બચતલક્ષી દેશ હવે રોકાણલક્ષી બની રહ્યો છે, ત્યારે માહિતીનું લોકશાહીકરણ બહુ જ સારી બાબત છે, પણ તે સમતુલિત હોય, સુરક્ષિત હોય અને રોકાણકારોને છેતરપીંડી અને ખોટી માહિતીથી બચાવે તે પણ જરૂરી છે.

ચિરંતના ભટ્ટ
ડિજીટલ યુગની વાત જેટલી થાય એટલી ઓછી. સર્ચ એન્જિન, સોશ્યલ મીડિયા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – ટૅક્નોલૉજીનો વિસ્તાર એ હદે થઈ રહ્યો છે કે તેની કલ્પના કરવાની ભાંજગડ પણ હવે કરવા જેવી નથી. પરિવર્તનો થતા રહેશે અને આપણે એ તમામનાં સાક્ષી બનતા રહીશું. ફોનમાં કલાકો પસાર કરવા, રીલ્સ, વૉટ્સએપ ફોરવર્ડ્ઝ અને મીમ્સની દુનિયામાં રચ્યા-પચ્યા રહેવું એ આપણા જીવનની વાસ્તવિકતા બની ચૂકી છે. ડૂમ સ્ક્રોલિંગ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે અને સાથે સાથે ડિજીટલ ડિટોક્સના પ્રયત્નો પણ આપણા વર્તમાન સમયનું સત્ય છે. લોકો પોતાની દલીલોમાં સોશ્યલ મીડિયા પર આવેલી માહિતીઓનો ઉપયોગ કરતાં પહેલાં વિચારતા નથી. આ સંજોગોમાં ફાયનાન્શિયલ – રોકાણો, બચત વગેરેની સલાહો મેળવવાનું પણ એક ક્લિક જેટલું કે એક ફિંગર સ્ક્રોલ જેટલું સહેલું થઇ ગયું છે. કયા સ્ટૉકમાં રોકાણ કરવું, કયા મ્યુચ્યઅલ ફંડ ખરીદવા – એ સવાલોના જવાબ મેળવવા માટે સામાન્ય લોકો સોશ્યલ મીડિયા તરફ નજર કરતાં થયાં છે. એક આખી જમાત ખડી થઇ છે એવાં લોકોની જે પોતે એક બ્રાન્ડ બની ચૂક્યાં છે – ફાયનાન્શિયલ સલાહો આપવા માટે. ફાયનાન્શિયલ ઇન્ફ્લુએન્સર્સ – ટૂંકમાં ‘ફિનફ્લુએન્સર્સ’નો આ વર્ગ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ, નાણાંકીય સલાહો આપે છે અને તેને અનુસરનારાઓનો આંકડો તેમનાં ફોલોઅર્સ જેટલો અને ક્યારેક તેનાથી પણ વધારે મોટો છે. આર્થિક રોકાણો કે બચતની માહિતીનું આ ફિનફ્લુએન્સર્સ લોકશાહીકરણ કરી રહ્યા છે એમ ચોક્કસ કહેવાય – માતબર રકમ ન કમાનારા માણસોને પણ રોકાણો કે બચત અંગે માર્ગદર્શન મળતું થયું છે – તેમણે કોઈ ફાયનાન્શિયલ એડવાઇઝર્સને પૈસા નથી ચુકવવા પડતાં એ ખરું, પણ શું આ પૂરેપૂરી રીતે સલામત છે? ફિનફ્લુએન્સર્સની સંખ્યા વધી છે તેની સાથે ખોટી માહિતી, આર્થિક છેતરપીંડી અને ધારધોરણોનાં પડકારો કે ચૂકનાં જોખમો પણ વધ્યાં છે જેને જરા ય હળવાશથી લેવાય એમ નથી.
યુટ્યૂબ, ઇન્સાટગ્રામ અને ટેલિગ્રામ જેવાં માધ્યમો પર આ ફિનફ્લુએન્સર્સ સ્ટોક્સ, મ્યુચ્યઅલ ફંડ, ક્રિપ્ટો કરન્સી અને પર્સલન ફાયનાન્સની સલાહો આપતા રહે છે. આર્થિક બાબતોને લગતી તમામ માહિતીનું સરળીકરણ કરીને તેઓ પોતાનો અભિપ્રાય મુકતા હોય છે એટલે તે મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચે છે. ભારતના યુવાનોને આ માધ્યમ માફક આવે છે. તેમની પાસે પપ્પાની કે પપ્પાના મિત્રની વાતો સાંભળવાની ધીરજ નથી, તેમને કદાચ એમ લાગે છે કે પોતે કોઈ સી.એ. સાથે અત્યારે વાત કરે તેટલું તે કમાતા નથી – તો પછી આ ફિનફ્લુએન્સર્સ જે કડકડાટ બોલીને સહેલી રીતે બધું સમજાવે છે તેમની પર આધાર રાખવો. વળી જો આવી વાતો કરનારાના ફોલોઅર્સનો આંકડો મોટો હોય તો પછી ચિંતા જ નથી કારણ કે તેમની વાતમાં દમ હોય તો જ તેમને આટલા ફોલોઅર્સ હોય તેવું ભારતીય યુવા પેઢી માની લેતી હોય તો તેમાં તેમની ભૂલ નથી પણ એક ભ્રમ છે. ફર્સ્ટ-ટાઇમ ઇન્વેસ્ટર્સને આ બધું ગમે છે ખાસ કરીને જ્યારે આર્થિક સંજોગો સતત બદલાતા રહેતા હોય.
ફિનફ્લુએન્સ્રસનું આકર્ષણ બે વાતોને કારણે હોય છે – એક તો તેમની સાથે લોકો તરત જોડાઇ શકે છે અને બીજું કે તેઓ ઝડપી આર્થિક લાભનો વાયદો આપતા હોય છે. કમનસીબે આ આકર્ષક લાગતી બાબતો ઘણીવાર ઔપચારિક ફાયનાન્શિયલ તાલીમ અને ધારધોરણોનાં અનુસરણ વગર લોકો સુધી પહોંચતી હોય એવું બને છે. દરેક ફિનફ્લુએન્સરે નાણાંકીય બાબતોની તાલીમ નથી લીધી હોતી, તે દરેક સી.એ. થઈને કે કેપિટલ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટનો કોર્સ કરીને બેઠા હોય એવું નથી હોતું.
કડક નિયમોની ગેરહાજરીને કારણે જેની ખરાઈ ન કરાઈ હોય તેવી માહિતીઓ અને જોખમી ફાયનાન્શિયલ સલાહોનો કોલાહલ વધ્યો છે. CFA ઇન્સ્ટિટ્યૂટના એક રિપોર્ટ અનુસાર આટલા બધા ઇન્ફ્લુએન્સર્સની ભીડમાં માત્ર બે ટકા જ ફિનફ્લુએન્સર્સ એવાં છે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા એટલે કે SEBIમાં રજિસ્ટર્સડ છે અને તેની માન્યતા મેળવ્ય બાદ આ કામ કરી રહ્યાં છે છતાં ય આર્થિક સલાહકારોનો સોશ્યલ મીડિયા પર રાફડો ફાટ્યો છે.
નિયમોના નિયંત્રણની આ ખાઈને કારણે છેતરપીંડીના અનેક બનાવો બનતા રહે છે. તાજેતરમાં જ અભિનેતા અર્શદ વારસી અને તેની પત્ની મારિયા ગોરેટ્ટી પર SEBIએ સાધના બ્રોડકાસ્ટ શૅર દ્વારા યુટ્યૂબ પર પ્રમોટ કરાયેલી પમ્પ એન્ડ ડમ્પ યોજનામાં ભાગ લેવા બદલ સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ જ રીતે અસ્મિતા જિતેશ પટેલ જેને ‘શી વુલ્ફ ઑફ સ્ટોક માર્કેટ’ તરીકે લોકો જાણે છે તેની પર પણ પ્રતિબંધ મુકાયો છે. તેણે રોકાણકારો સાથે ટ્રેડિંગ એજ્યુકેશન પ્રોગ્રામને નામે નોંધણી વગરની ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરીના સદંતર નકલી નેજા હેઠળ સો કરોડની છેતરપીંડી કરી અને અંતે તેના કારનામા બહાર આવ્યા. કઈ રીતે નિયમોથી પરે જઇને, કોઇપણ પ્રકારની બાંયધારી વિના લોકો રોકાણ અંગેની સલાહો ફેંકતા હોય છે તેના આ બન્ને બહુ મોટા ઉદાહરણો છે – અને આ તો હજી હીમશીલાની ટોચ છે – આવાં તો કેટલાં ય ગોટાળા ચાલતા હશે.
ફિનફ્લુએન્સર્સના વધતા પ્રભાવ અને તેની સાથે જોડાયેલા જોખમને ધ્યાનમાં રાખીને SEBIએ કેટલાક નિયમો અમલમાં મૂક્યા છે. પહેલું છે પાર્ટનરશીપ રિસ્ટ્રિક્શન્સ – ભાગીદારી પ્રતિબંધ – SEBIએ પોતાની સાથે રજિસ્ટર્ડ હોય તેવી એન્ટીટીઝને નોંધણી વિનાના ફિનફ્લુએન્સર્સ સાથે જોડાવાની મનાઈ ફરમાવી છે. આ ફિનફ્લુએન્સર્સ જો SEBI સાથે રજિસ્ટર્ડ ન હોય તો તેઓ માર્કેટમાં કોઈપણ રજિસ્ટર્ડ એન્ટીટીના સારા કે ખરાબ પરફોર્મન્સ અંગે કશું પણ બોલી નહીં શકે. રજિસ્ટર્ડ એન્ટિટીઝ આવા બિન-નોંધણી વાળા ફિનફ્લુએન્સર્સના ફોલોઅર્સ કે ડિજીટલ ક્લાઉટનો ઉપયોગ નહીં કરી શકે.
જેટલા પણ રજિસ્ટર્ડ ફાયનાન્શિયલ એડવાઇઝર્સ છે તેમણે પોતાના સોશ્યલ મીડિયા પર ચાલતી બધી જ પ્રવૃત્તિઓને જાહેર કરવી પડશે જેથી પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે. રોકાણકારોને ફાયનાન્શિયલ એડવાઇઝર્સને મામલે માહિતગાર કરવામાં, તેમની પ્રમાણભૂતતા ચકાસવાને મામલે SEBIએ જાગૃત કરવાના પ્રયત્નો વધારી દીધા છે. નિયમો કડક છે અને જોખમો અંગે પણ તેમને સતત સતર્ક કરાય છે.
જો કે SEBIની આ પહેલ છતાં પણ નિયમોનું અમલીકરણ પડકારજનક છે કારણ કે સોશ્યલ મીડિયા અલગોરિધમ પર ચાલતી બાબત છે અને તેને SEBIના નિયમોથી કોઈ ફરક નથી પડતો. જે પ્રમાણમાં સોશ્યલ મીડિયા પર કોન્ટેન બન્યા કરે છે અને લોકો સુધી પહોંચતું રહે છે તેના પર SEBI ધારે તો પણ સીધેસીધું નિયંત્રણ તો ન જ લાવી શકે.
ભારતમાં ફિનફ્લુએન્સર્સ પર નિયમો કેવી રીતે અને કેવા લાદવા તેનો સંઘર્ષ ચાલે છે તો બીજી તરફ યુનાઇટેડ આરબ એમિરાટ્સ – UAEએ આ મામલે પૂર્વ તૈયારીનો અભિગમ વાપર્યો છે. UAEની સિક્યોરિટીઝ એન્ડ કોમોડિટીઝ ઑથોરીટી(SCA)એ ફાયનાન્શિયલ સલાહો આપતા દરેકને માટે લાઇસન્સ મેળવવું ફરજિયાત કરી દીધું છે. આ નિયમ એ દરેકને લાગુ પડે છે જેના ઓછામાં ઓછા 1,000 ફોલોઅર્સ હોય. વળી આર્થિક સલાહ આપતાં માધ્યમના પ્રકારોમાં પણ તેમણે કોઈ બાંધછોડ નથી રાખી સોશ્યલ મીડિયા પોસ્ટ, બ્લોગ અને જાહેર પરિસંવાદ પ્રકારની દરેક પ્રવૃત્તિ માટે આ લાઈસન્સ અનિવાર્ય છે. લોકો આ નિયમ અનુસરે એ માટે SCAએ રજિસ્ટેરશન અને રિન્યુઅલની ફીઝ ત્રણ વર્ષ માટે માફ કરી છે. આ એવું માળખું છે જેનાથી ઓનલાઇન અપાતી આર્થિક સલાહોની વહેંચણી ચોકસાઇ અને પ્રામાણિકતાના ધારા-ધોરણો સાથે મેળ ખાય છે.
ફિનફ્લુએન્સર્સનો વધતો પ્રભાવ એ સાબિત કરે છે આર્થિક બાબતોમાં સલાહ મેળવવા ઇચ્છનારાઓની સંખ્યામાં વધારો થયો છે. બચતલક્ષી દેશ હવે રોકાણલક્ષી બની રહ્યો છે ત્યારે માહિતીનું લોકશાહીકરણ બહુ જ સારી બાબત છે, પણ તે સમતુલિત હોય, સુરક્ષિત હોય અને રોકાણકારોને છેતરપીંડી અને ખોટી માહિતીથી બચાવે તે પણ જરૂરી છે. ભારતીય નિયમો અને ધારા-ધોરણોમાં આ ડિજીટલ ફાયનાન્શિયલ સલાહકારોએ ખડા કરેલા જોખમો સામે ટકી રહેવાનો મોટો પડકાર છે. SEBIમાં ફરજિયાત નોંધણી, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ સાથે SEBIનું એવું જોડાણ જેમાં આર્થિક બાબતોના લગતા કોન્ટેન્ટનું નિરીક્ષણ થઇ શકે, જાહેર જાગૃતિ માટેના અભિયાન અને પ્રમાણિત વ્યવસાયીની જ સેવાઓ લેવા પર ભાર મૂકવા જેવા પગલાં આપણને આ પડકારો સામે ઝિંક ઝીલવામાં મદદરૂપ થઈ શકે છે.
બાય ધી વેઃ
તાજેતરમાં જ એક રિપોર્ટમાં એવા લોકોએ પોતાના અનુભવો વહેંચ્યા હતા જે પોતે કોમર્સ કે ફાયનાન્સના ક્ષેત્ર સાથે હોવા છતાં ફિનફ્લુએન્સર્સની વાતમાં આવીને છેતરાયા હતા અને તેમણે ગુમાવેલી રકમ નાનીસૂની નહોતી. આપણે એ સમજવું પડશે કે સોશ્યલ મીડિયા પર પૈસા ખરીદીને ફોલોઅર્સ મેળવી શકાય છે, કોઈપણ પોસ્ટને વાઇરલ બનાવવા તેમાં પૈસા નાખીને તેને બુસ્ટ કરી શકાય છે. ફિનફ્લુએન્સર્સને અમુક-તમુક બ્રાન્ડ્ઝ પોતાનો પ્રચાર પ્રસાર કરવા પૈસા આપતી હોય છે કારણ કે તેમના માર્કેટના પરફોર્મન્સમાં ધડા નથી હોતા. સ્ક્રિપબૉક્સ કે ઝેરોદા કે પછી અપસ્ટૉક્સ જેવાં પ્લેટફોર્મ્સ પર આધાર રાખી શકાય પણ ફિનફ્લુએન્સર્સથી જોજનો દૂર રહેવામાં જ સાર છે. ડિજીટલ વિશ્વમાં પૈસા મેળવવા, મોકલવા, રોકવા સહેલું બન્યું છે પણ સહેલાઈથી કામ પતી જશેની લાલચ તમને રાતે પાણીએ રડાવી પણ શકે છે. ફેક ટ્રેડિંગ ગ્રૂપ, ઇન્વેસ્ટમેન્ટ એપ્સ, ધૂતારાઓના ભાગીદારો દ્વારા શૅર કરતા તદ્દન ખોટા દાવા કરતા સ્ક્રીન શોટ્સ, ફાયનાન્શિયલ એપ પર પ્રિમયમ અપગ્રેડની લાલચ આ બધું જ આપણા આર્થિક વિશ્વની વાસ્તવિકતાઓ છે. વળી ફોન પર શૅરમાં રોકાણ કરવાની સલાહ પણ અપાય છે, SEBIના નકલી દસ્તાવેજ બનાવનારાઓ છે તો પ્રિ-એપ્રુવ્ડ લોન્સ, યુ.પી.આઇ. રિફંડ અને ક્યૂ.આર. કૉડના કૌભાંડ વગેરે ધુતારાઓની અનેક ચાલમાંની કેટલીક ચાલની યાદી છે. સતર્ક રહો અને છેતરપીંડીથી બચો – લાલચ તમને લઈ ડૂબશે એ ભુલતા નહીં. અને એક એકસ્ટ્રા બાય ધી વે એ કે તમે કોઈને ફોન કરો એ પહેલાં જ્યારે સતર્કતનો જે એક પ્રિ-રેકોર્ડેડ મેસેજ આવે છે એ કંટાળો આવતો હોય તો પણ એકવાર વધુ સાંભળી લેવો જેથી જોશમાં આવીને તમે કોઈની સાથે તમારા યુ.પી.આઈ. પીન, ઓ.ટી.પી., પાન નંબર, આધાર કે કેવાયસી ડૉક્યુમેન્ટ આપવાની ભૂલ ન કરી બેસો.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 જૂન 2025