Opinion Magazine
Number of visits: 10,229,294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી સાહિત્યકાર ખરા? હા.

સુમન શાહ|Opinion - Literature|1 October 2019

ગાંધીજીની સાર્ધ જન્મશતાબ્દીના અનુલક્ષમાં એક લેખ કરેલો :

'ગાંધીજી સાહિત્યકાર ખરા? હા.'

આવતી કાલે ગાંધીજયન્તી છે. એ નિમિત્તે એ લેખને અહીં 'પુન:શ્ચ'-માં એટલે કે 'again'-માં પુન:પ્રકાશિત કર્યો છે :

ગાંધી-શબ્દનો ઉત્તમોત્તમ વિશેષ છે આત્માની સચ્ચાઈથી પ્રોજ્જવળ વિચારસૃષ્ટિ, જેમાં `સત્ય' અને `અહિંસા'-ના અર્થસંકેતોને અ-પૂર્વ ઊંચાઈ મળી છે. એ બન્ને શબ્દો શબ્દ નથી રહ્યા, વ્યક્તિ અને પ્રજા બન્ને માટે જીવનમન્ત્ર રૂપે વિશ્વ આખામાં પ્રસર્યા છે.

એમનું લિટરરી ઍક્સ્પોઝર સીમિત હતું – મતલબ, સાહિત્યપદાર્થ વિશે તેઓ પૂરા ઊઘડ્યા ન્હૉતા. એટલે સાહિત્ય પ્રત્યેની એમની દૃષ્ટિમતિ કુણ્ઠિત રહી ગયેલી.

ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે પણ્ડિત-યુગથી માંડીને આધુનિક યુગ દરમ્યાન જીવનપરક અથવા કલાપરક જે કંઈ ઝુંબેશો ચાલી તેનો એક સાર ગાંધીજી છે અને બીજો સાર સુરેશ જોષી છે.

ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીનો પ્રભાવ એટલો બધો પડ્યો હતો કે સાહિત્યના ઇતિહાસમાં એ સમયગાળો `ગાંધીયુગ' કહેવાયો છે. તેમ છતાં, કોઈ કોઈ ખૂણે એવો કચવાટ સંભળાય છે કે ગાંધીજી તે વળી શેના સાહિત્યકાર ! આ કચવાટ નવો નથી. શતાબ્દી-વર્ષમાં પણ પુછાયું હતું -ગાંધીજી સાહિત્યકાર ખરા? સાહિત્યની ગમ્ભીર ચર્ચામાં ગાંધીજીનો જ્યારે પણ ઉલ્લેખ થાય, એમને સાહિત્યકાર નહીં ગણનારા મળી આવતા હોય છે.

ગાંધીજીએ કવિતા વાર્તા કે નાટક નથી લખ્યાં. તેઓ એવા સર્જક સાહિત્યકાર નથી. પણ સર્જન સિવાયનું બીજું એમણે જે અઢળક લખ્યું છે તે એક તેજસ્વી અને સમુપકારક સાહિત્ય છે, જીવનદર્શન છે. એમણે જે કિંચિત્ સર્જનાત્મક સાહિત્ય લખ્યું છે તેમાંનું ઘણું સાહિત્યિક ગુણોથી સમૃદ્ધ છે : `સત્યના પ્રયોગો' આત્મકથાના સાહિત્યપ્રકારનું બેજોડ દૃષ્ટાન્ત છે. જેનાથી પ્રભાવિત થયા હોય એવાં કેટલાંક પુસ્તકોના એમણે અનુવાદ કર્યા છે; અને તેને `તરજૂમો' કહેવાની નમ્રતા દાખવી છે. કારકિર્દી દરમ્યાન એમણે અસંખ્ય વ્યક્તિઓને પત્રો લખેલા. એ પત્રોમાંના કેટલાક તો પત્રલેખન પાછળનો આશય અને તેની ભાષા-શૈલીના ઉત્તમ નમૂના છે. એમણે ગુજરાતી સાહિત્યકારો સામે પૂરી નિસબતથી તાતાં તીર જેવી ફરિયાદો કરી છે. પોતાની દૃષ્ટિમતિ અનુસારના સાહિત્યની ફાંકડી વકીલાત કરી છે. એવી નિસબત અને ફરિયાદોથી સુસ્થિર થયેલો એમનો સાહિત્ય સાથેનો લગાવ જરા પણ ન-ગણ્ય નથી.

એમની સાદી સરળ અને પ્રભાવક વાણી જેવું જ એમનું લેખન છે. એમનો દેખાવ નીરસ છતાં મોહક છે તેવું એમનું લેખન પણ છે. એમના ગદ્યમાં બેઢંગ વાક્યરચનાઓ નથી એમ નથી પણ ક્યાંક ક્યાંક એમાં અલંકારોની ચમક પણ છે. પરન્તુ ગાંધી-શબ્દનો ઉત્તમોત્તમ વિશેષ છે આત્માની સચ્ચાઈથી પ્રોજ્જવળ વિચારસૃષ્ટિ, જેમાં `સત્ય' અને `અહિંસા'-ના અર્થસંકેતોને અ-પૂર્વ ઊંચાઈ મળી છે. એ બન્ને શબ્દો શબ્દ નથી રહ્યા, વ્યક્તિ અને પ્રજા બન્ને માટે જીવનમન્ત્ર રૂપે વિશ્વ આખામાં પ્રસર્યા છે.

ટૂંકમાં, એમનો સાહિત્ય સાથેનો સમ્બન્ધ નિ:સામાન્ય નથી. તાત્પર્ય, એમને સાહિત્યકાર ગણવામાં કશી તકલીફ ન પડવી જોઈએ.

વિચાર-સંવેદન શબ્દોમાં લખાય તે લેખન, પણ લેખનને વાચનનાં ખાતરપાણીની હંમેશાં જરૂર પડે છે. સાહિત્યકારની કારકિર્દીમાં વાચનની મહત્તા એના લેખનથી જરા ય ઓછી નથી હોતી. ગાંધીજીએ જેલનિવાસ દરમ્યાન અને અન્યત્ર ખૂબ વાંચ્યું છે. મહાદેવ દેસાઈ તેમ જ શાંતિલાલ મ. દેસાઈ અને જશવંત શેખડીવાળાનાં લેખનો ગાંધીજીના વાચન અંગે પણ માહિતીસભર રહ્યાં છે. ગાંધીજીએ પોતે `સત્યના પ્રયોગો'-માં પોતે શું વાંચ્યું પોતાને તે કેવું લાગ્યું તેના નિર્દેશો કર્યા છે. ભણતા'તા એ ગાળામાં, `શ્રવણપિતૃભક્તિ' `હરિશ્ચન્દ્ર આખ્યાન' `નિબંધોનાં નાનાં ચોપાનિયાં' અને `લીલા પૂંઠાવાળી કહેવતમાળા' પણ વાંચેલાં. વિલાયતમાં એમણે `ભગવદ્ગીતા'-નો ઍડવિન આર્નોલ્ડે કરેલો અંગ્રેજી અનુવાદ વાંચેલો. `રામચરિતમાનસ' `ઈશોપનિષદ' `કુરાન' ટાગોરકૃત `મુક્તધારા', `પાતંજલ યોગદર્શન', મણિલાલ નભુભાઈ દ્વિવેદી-લિખિત `રાજયોગ', નર્મદ-લિખિત `ધર્મવિચાર વગેરે એમણે વાંચ્યાં છે. અનેક મહામનાઓનાં જીવનચરિત્ર વાંચ્યાં છે : ઈસુ, વિવેકાનંદ, કેશવચન્દ્ર સેન, ગેરીબાલ્ડી, વગેરે. અનેકોનાં લેખનોમાંથી પસાર થયા છે : સૉક્રેટિસ, તૉલ્સતોય, થોરો, એમર્સન, બૅકન, હક્સલી, વગેરે. મારો લેખ પૂરો થઈ જાય પણ આ યાદી પૂરી ન થાય એટલી દીર્ઘ છે.

પોતાના વાચન-અનુભવોને હંમેશાં ખુલ્લા મને વ્યક્ત કરતા. `ગીતા' વિશેનો એમનો ભર્યોભર્યો ઉમળકો તો જુઓ : `મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે `ગીતા'-માતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય `ગીતા'-નો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી …' : એટલે સ્તો, એમણે કાકા કાલેલકરની સમ્પાદકીય સહાયથી `અનાસક્તિયોગ' શીર્ષકથી ગીતાનો તરજૂમો કરેલો. રસ્કિનના `અનટુ ધિસ લાસ્ટ'-નો `સર્વોદય' નામે તરજૂમો કર્યો ત્યારે પણ કહ્યું કે `જેણે મારી જિન્દગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ પુસ્તક જ કહેવાય.' વગેરે.

સાહિત્ય વિશેની એમની સમજ નિજી હતી પણ ચૉક્કસ હતી એ કારણે પણ એમને સાહિત્યકાર ગણવા જોઈશે. સાહિત્યકારો પાસે એમણે કોશિયાને સમજાય એવું સરળ સાહિત્ય તો માગ્યું પણ બીજું ય ઘણું માગ્યું. એમનાં એ વચનોમાંનાં કેટલાંક તો કશા ટિપ્પણ વગર રજૂ કરાય એટલાં બધાં સ્પષ્ટ છે

: ૧ : આપણાં ધર્મપુસ્તકો આપણને જેટલો રસ આપે છે તે અત્યારનું સાહિત્ય આપણને નથી આપતું … તુલસીદાસ જેવું, કબીર જેવું, આપણને કોણે આપ્યું છે? અખાના જમાનામાં આપણને જે કાંઈ મળ્યું છે એ હવે ક્યાં છે?

: ૨ : હું બાણ ભટ્ટની `કાદંબરી' નથી માગતો પરંતુ તુલસીદાસનું `રામાયણ' માગું છું. 

: ૩ : `નવલકથા વાંચવી એ રોગ છે, જગતમાં ઘેર ઘેર એ ફેલાઈ ગઈ છે પણ એમાં કલ્પનાના ઘોડા સિવાય શું છે? નવલકથાનું સાહિત્ય ગુજરાતીમાં ન હોય તો ગુજરાતી રાંડીરાંડ નહીં રહે.

: ૪ : સાહિત્યની કલમ ઉઠાવો તો એ જ વિચારથી ઉઠાવજો કે સ્ત્રી એ મારી જનની છે અને તમે ચીતરો તો તેને વિકારી ન ચીતરો.

: ૫ : જીવન, સૌ કળાથી અદકું છે … કળા જીવનની દાસી છે, અને તેની સેવા કરવાનું જ તેનું કાર્ય છે.

: ૬ : મારું ધ્યેય હંમેશાં કલ્યાણનું છે, કળા કલ્યાણકારી હોય ત્યાં સુધી જ તે મને સ્વીકાર્ય છે.

: ૭ : ભાઈ, સત્ય એ જ મૂળ વસ્તુ. પણ તે સત્ય `શિવ' હોય, `સુંદર' હોય. સત્ય મેળવ્યા પછી જ તમને કલ્યાણ અને સૌન્દર્ય બંને મળી રહે. 

: ૮ : તે જ કાવ્ય અને સાહિત્ય ચિરંજીવ રહેશે જે લોકોનું હશે, જેને લોકો મેળવી શકે, સહેજે ઝીલી શકે.

લોકભોગ્યતા, નીતિ-સદાચારનો ઉપદેશ, જનકલ્યાણ, ભાષિક સરળતા, વગેરે સાહિત્ય-ગુણોની ગાંધીજીએ સાગ્રહ હિમાયત કરી એ બરાબર, પણ એમના ધ્યાનમાં એ સત્ય નથી આવ્યું કે એ જ ગુણો ઉત્તમ સાહિત્યકૃતિઓમાં કલાની રીતેભાતે આપોઆપ પ્રગટતા હોય છે. પણ એવું સાહિત્ય એમના વાંચવામાં આવ્યું નથી. ટૂંકમાં, એમનું લિટરરી ઍક્સ્પોઝર સીમિત હતું -મતલબ, સાહિત્યપદાર્થ વિશે તેઓ પૂરા ઊઘડ્યા ન્હૉતા. એટલે સાહિત્ય પ્રત્યેની એમની દૃષ્ટિમતિ કુણ્ઠિત રહી ગયેલી. પરન્તુ યાદ રાખવું જરૂરી છે કે અન્ધશ્રદ્ધાગ્રસ્ત પ્રજા અને અબુધ લોકડિયાંને બેઠાં કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કરવો એ ગાંધી-જીવનનો અગ્રિમ કાર્યક્રમ હતો. સમજાય એવું છે કે એમને અમુક સાહિત્ય ન જ પાલવે ને અમુક જોઇએ જ જોઈએ.

ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે પણ્ડિત-યુગથી માંડીને આધુનિક યુગ દરમ્યાન જીવનપરક અથવા કલાપરક જે કંઈ ઝુંબેશો ચાલી તેનો એક સાર ગાંધીજી છે અને બીજો સાર સુરેશ જોષી છે. બન્ને નામો એ વિભિન્ન વિચારધારાનાં પ્રતીક છે. પહેલામાં, સાહિત્ય `કેવું અને કોને માટે' હોવું જોઈએ તેની અને બીજામાં, સાહિત્ય `કેવી રીતે' લખાવું જોઈએ તેની મનોમથામણ વિકસી હતી. પહેલામાં, પ્રજાજીવનનું કલ્યાણ કરે તેવા સાહિત્યનો અને બીજામાં, મનુષ્યજીવનનો સાક્ષાત્કાર કરાવે તેવી નિર્ભેળ સાહિત્યસાધનાનો આગ્રહ ઘુંટાયો હતો. બન્નેમાં સાહિત્યકલાનાં પરમ સત્યો વસે છે. જીવન તેમ સાહિત્યકલા પણ પરમ સત્યોથી જ ટકે છે. જરૂરી છે કે સમકાલીનો એને આત્મસાત્ કરે.

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2758048707559358  

Loading

સુખનો GDP: હર ઘર મેં એક કમરા કમ હૈ?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 October 2019

જેમ પૈસાનો અભાવ દુઃખ લાવશે જ, એવી કોઈ ગેરંટી નથી, તેવી જ રીતે પૈસા હશે, તો સુખ આવશે જ, એવી પણ કોઈ ગેરંટી નથી.

પૈસા હોય, તો પાયાની જરૂરિયાતો સંતોષાય છે, પણ તેનાથી આગળ લાંબા ગાળાના સંતોષ માટે સંપત્તિ બેમતલબ બની જાય છે. વાસ્તવમાં, લાંબા ગાળે સુખનો અહેસાસ ઘટે છે. આપણને પૈસાની આદત પડી જાય છે અને એની નવીનતા ખતમ થઇ જાય છે. સાઇકલ ફેરવતા હો અને કાર ખરીદો, તો સુખ મળે છે, પણ કાર જેમ જૂની થાય, તેમ સુખ પણ જૂનું થઈ જાય છે. આપણા પિતા કે દાદા કરતાં આપણી પાસે વધુ વૈભવ છે, પણ આપણે આપણા પિતા કે દાદા કરતાં વધુ સુખી છીએ? માણસો જંગલમાં રહેતા હતા, તેના કરતાં આજે પુષ્કળ સુવિધાઓ અને સમૃદ્ધિમાં રહે છે, પણ તેની સરખામણીમાં તેમના સુખના અહેસાસમાં પણ વૃદ્ધિ થઈ છે?

હકીકતમાં, આપણને ખબર જ નથી કે સુખ શું છે અને આવે ક્યાંથી. આપણે એવા ડ્રાઈવર છીએ, જે પૂરા જોશથી પેડલ દબાવે છે, પણ કાર ન્યુટ્રલમાં જ છે. જૂના સમયમાં તેલ કાઢવા માટે ઘાંચીની ઘંટી પર બળદને બાંધવામાં આવતા હતા. બળદ ગોળ-ગોળ ફરે એટલે ઘંટીમાં તલ પીસાય. અને બળદની આંખે ડાબલા બાંધી રાખ્યા હોય, એટલે એને માત્ર સીધું જ દેખાય, આજુબાજુમાં ના દેખાય. એટલે બળદને એવું લાગે કે એ ક્યાંક જઈ રહ્યો છે, પણ વાસ્તવમાં એ ગોળ-ગોળ જ ફરતો હોય. આપણું પણ આવું જ છે. પેઢી દર પેઢી આપણી ખરીદશક્તિ વધતી જાય છે, પણ આપણે સુખની દિશામાં આગળ વધવાને બદલે ગોળ-ગોળ ફરીએ છીએ.

જનમત સંગ્રહ કરવાનું કામ કરતી ‘ગેલપ’ નામની એક પ્રતિષ્ઠત કંપની સન ૨૦૦૫થી, વિશ્વભરના દેશોમાં લોકોને શૂન્યથી દસના સ્કેલ પર તેમના જીવનનો સંતોષ જણાવવાનું કહે છે. એમાંથી સમાચારપત્રોની હેડલાઈન બને તેવાં પરિણામ આવે છે : દેશ સરેરાશ જેટલો વધુ ધનવાન, લોકોનું સરેરાશ વ્યક્તિગત સુખ એટલું વધુ. તેનું સાદું ગણિત એવું છે કે વ્યક્તિદીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જી.ડી.પી.) વધારો, તો એનો સંતોષ પણ વધે.

જો કે દેશની સમૃદ્ધિ અને દેશના સુખ વચ્ચેનો સંબંધ એટલો મધુર નથી. ૧૯૭૪માં રીચાર્ડ ઈસ્ટરલીન નામના એક અર્થશાસ્ત્રીએ શોધી કાઢ્યું હતું કે અમેરિકામાં ૧૯૪૬થી ૧૯૭૦ વચ્ચે જી.ડી.પી.માં ૬૫ ટકાની વૃદ્ધિ થઇ હતી, પણ સરેરાશ જીવનનો સંતોષ સ્થિર થઈ ગયો હતો. ઈસ્ટરલીને કહ્યું કે આર્થિક મંદી કામચલાઉ દુઃખ લાવે છે, પણ લાંબા ગાળાના જી.ડી.પી.ના વિકાસથી સુખ આવે, તે જરૂરી નથી.

તમે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં રાત્રે કોકટેલ પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીને એક ખૂણામાં લઈ જાવ અને પૂછો કે આ વિકાસથી શું થશે, તો તેમનો સંભવિત જવાબ હશે કે, “લોકોને ઉત્તમ જીવન સ્તર, ઉત્તમ આરોગ્ય સેવા, મોટા ઘરો, તેજ દોડતી મોટરકારો અને મોબાઈલ કનેક્ટિવિટી પૂરી પાડવી હોય, તો આર્થિક વિકાસ જરૂરી છે.” તમે વધારે ખણખોદ કરવા પૂછો કે ઉત્તમ જીવન સ્તરથી શું થાય, તો નરેન્દ્રભાઈ કદાચ કહેશે કે, “તમને આટલી ય સમજ પડતી નથી! એનાથી લોકો સુખી થાય છે.”

તમે એમ પીછો ના છોડો અને ફરી પૂછો કે, “પણ મોદી સાહેબ, માણસનો ઐતિહાસિક, માનસિક અને બાયોલોજીકલ અભ્યાસ એવું પુરવાર કરે છે માણસ સાઈકલમાંથી સ્કુટર ચલાવતો થયો, ગામડાંમાંથી શહેરમાં જીવતો થયો અને ઝૂપડાંમાંથી બે બેડરૂમના ફ્લેટમાં રહેતો થયો, પણ એનાથી એના સુખમાં વધારો નથી થયો.” “એમાં?” હાથમાં પકડેલો મોકટેલનો ગ્લાસ હેઠે મુકતાં નરેન્દ્રભાઈ કહેશે, “મને આ કોઈએ કહ્યું કેમ નહીં! આવું હોય તો પછી હું આ આર્થિક વિકાસના પ્લાન મુકું પડતા અને હિપ્પી સમુદાયમાં જોડાઈ જાઉં.”

આર્થિક વિકાસનો આ વિરોધાભાસ છે કે તમારે એ કરતા જ રહેવું પડે, પાછા જવાનો માર્ગ બંધ થઈ જાય. સાઇકલ છોડીને સ્કુટર ચલાવ્યું તેનાથી સુખના વધ્યું ના હોય, તો પાછા સાઇકલ પર ના જવાય, આગળ મોટરકાર પર જ જવું પડે. આપણે આપણા જંગલવાસી પૂર્વજો કરતાં આજે અનેક ગણા સમર્થ છીએ, પણ આપણે ઇતિહાસમાં સૌથી સુખી છીએ? આપણને એવું લાગતું નથી. કંદમૂળ ખાતા અને પશુની ચામડી પહેરતા આપણા પૂર્વજોએ જે સ્વર્ગની કલ્પના કરી હતી, એ ઓલરેડી આજે પૃથ્વી પર સાકાર છે, અને છતાં આજના ‘સ્વર્ગવાસીઓ’ કોઈક કારણસર સુખી મહેસૂસ નથી કરતા.

“હું અને મારું સુખ’ના વધતા જતા વ્યક્તિવાદી અભિગમના કારણે અને સામૂહિક કે પારિવારિક વિચારધારાઓનાં પતનના કારણે ‘સુખ’ એક એવી જણસ બની ગઈ છે કે દરેક સરકારના અને દરેક મૂડીવાદીના પ્લાનમાં એ કેન્દ્રમાં છે. દુનિયાભરમાં ઉપભોગની ચીજ-વસ્તુઓનું જે અભૂતપૂર્વ ઉત્પાદન થઈ રહ્યું છે, તે માણસને ‘સુખી’ બનાવવામાં માટે છે. દરેક દેશ મૂડીવાદી થઈ રહ્યો છે અને દરેક સમાજ ઉપભોક્તાવાદી બની ગયો છે. બજારમાં જે ચીજો મળે છે તે સુવિધા ઓફર નથી કરતી, સુખ ઓફર કરે છે. ટુરીઝમ ઉદ્યોગ તમને કહે છે કે ફ્રાંસમાં આલ્પ્સ પર્વતોમાં ફરવા જશો, તો સુખી થશો. ફૂડ ઉદ્યોગ કહે છે કે મેક્સિકન તાસ્કો ફૂડ ખાશો, તો સુખી થશો. મોબાઇલ ફોનની કંપનીઓ તમને કહે છે કે અમારો સ્માર્ટફોન તમને સુખનો અનુભવ કરાવશે.

૨૦૦૭માં યુરોપિયન કમિશને જીડીપીના સ્થાને લોકોનાં સુખના અહેસાસના આધારે ‘બિયોન્ડ જીડીપી’નો પ્રોગ્રામ શરુ કર્યો હતો. જી.ડી.પી.માં માલસમાનના ઉત્પાદન અને ખપતને માપવામાં આવે છે. ‘બિયોન્ડ જી.ડી.પી.’માં માણસના સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ પર ફોકસ કરવામાં આવે છે. આજ પ્રકારના પ્રયોગો થાઇલેન્ડ, કેનેડા, ઇઝરાયેલ અને બ્રાઝિલમાં પણ કરવામાં આવ્યા છે.

૨૦૧૪માં ૨૦ દેશોના યુવાનોને એક સરવેમાં પૂછવામાં આવ્યું હતું કે, “તમને કેટલી હદ સુધી એવું લાગે છે કે, આજની યુવા પેઢીનું જીવન, તેમનાં માતા-પિતાની પેઢી કરતાં વધુ સારું કે વધુ ખરાબ છે?” આમાં જી.ડી.પી. પ્રમાણે રેન્કિંગમાં આવતા પ્રથમ ૧૦ સમૃદ્ધ દેશોના સરાસરી માત્ર ૩૭ પ્રતિશત યુવાઓને જ એવું લાગ્યું હતું કે, એમની પાછલી પેઢી કરતાં એમનું જીવન બહેતર છે. આમાં સૌથી સમૃદ્ધ અમેરિકાના માત્ર ૨૯ પ્રતિશત યુવાનોને જ જીવન સારું હોવાની આશા હતી. સંસારના સૌથી સમૃદ્ધ દેશોની યુવા પેઢીને એનું ભવિષ્ય જો ઉજ્જડ દેખાતું હોય તો, તરક્કીને જી.ડી.પી.ના માપદંડથી જોવા સામે સવાલ થવો જોઈએ.

ઉપર કહ્યું તેમ, જી.ડી.પી. માણસના આંતરિક સુખને ધ્યાનમાં લેતું નથી, તે એની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે, આધુનિક બાયોલોજી કહે છે કે માણસનું વૈચારિક અને ભાવનાત્મક જગત અબજો વર્ષો જૂની બાયોકેમિકલ સિસ્ટમ મારફતે નિયંત્રિત થાય છે. નફરત, ક્રોધ કે ડર જેવી માનસિક ભાવનાઓની જેમ જ, સુખની આપણી વ્યક્તિગત ભાવના પણ પગાર, પ્રતિષ્ઠા કે પ્રગતિથી નહીં, પણ આપણી અંદર સેરોટોનિન, ડોપેમાઈન અને ઓક્સીટોસિન જેવાં રસાયણોની જટિલ વ્યવસ્થાથી નક્કી થાય છે.

વ્યક્તિ-વ્યક્તિએ આ સિસ્ટમ ભિન્ન રીતે કામ કરે છે. એટલે અમિતાભ બચ્ચનના હાથે એક કરોડની લોટરી લાગી હોય, તે માણસ ત્રીજા જ અઠવાડિયે ડિપ્રેસનની સારવાર કરતો હોય તે શક્ય છે અને સંતાનને ગુમાવી ચુકેલો માણસ ત્રીજા જ દિવસે નોર્મલ જીવન જીવતો હોય, તે શક્ય છે. આ જ કારણથી સ્કુટરમાંથી કાર ફેરવતો માણસ સુખી થઈ ગયો છે, તેવું તારણ ના કાઢી શકાય.

સુખ એ ખરાબ ક્ષણો પર આનંદની ક્ષણોનો સરપ્લસ સરવાળો નથી. સુખ એ ઝૂપડી અને ફ્લેટનો ફર્ક નથી. સુખ એ સમગ્ર જીવનને સાર્થક અને યોગ્ય રીતે જીવ્યાનો સંતોષ છે. જીવન જો સાર્થક હોય, તો ગમે તેટલાં કષ્ટ છતાં, તે સુખી લાગે, પણ જીવનનો કોઈ હેતુ કે અર્થ ના હોય, તો તે પાંચ બેડરૂમના બંગલામાં પણ સુખ ના આપે.

શાયર જાવેદ અખ્તરે જયારે આ શેર લખ્યો હશે, ત્યારે તેમના મનમાં જી.ડી.પી. હશે :

સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ
હર ઘર મેં બસ એક હી કમરા કમ હૈ

જર્મન ચિંતક ફ્રેડરિક નિત્શેએ જ્યારે આ કહ્યું હશે, ત્યારે તેના મનમાં હેપ્પીનેસ ઇન્ડેક્સ હશે : “જેની પાસે જીવન જીવવાનો અર્થ છે, તે કોઈપણ ભોગે જીવી જાય છે.”

https://www.facebook.com/permalink.php?story_fbid=2376253752702670&id=1379939932334062&__tn__=K-R

Loading

હાઉડી મોદી, કાઉબૉય કીર્તિમાન

રાજેન્દ્ર દવે|Opinion - Opinion|30 September 2019

આમ તો ટેકસાસના કાઉબોય કલ્ચરમાં હાઉડી એ અભિવાદન માટે વપરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાઉડી મોદી સમારંભ પણ ઘણી રીતે કાઉબોય કલ્ચર જેવો રહ્યો. નરેન્દ્ર મોદીને ઇન્ડિયન ડાયસ્પોરા વચ્ચે જઈ એક રોકસ્ટાર જેવી સભાઓ કરવી ગમે છે. હ્યુસ્ટન પૂર્વે ન્યૂયોર્ક, લંડન, લોસ એન્જલિસ અને અન્યત્ર આવા સમારંભો થયા છે. લંડનના સમારંભમાં બ્રિટનના તે સમયના વડાપ્રધાન ડેવિડ કેમેરોન હાજર રહેલા, અને હિન્દીમાં ‘અચ્છે દિન આ ગયે’નો નારો લગાવેલો. એ અલગ વાત છે કે તેના થોડા સમયમાં જ કેમેરોનના પોતાના અને બ્રિટિશ રાજકારણના બૂરા દિન શરૂ થયા તે હજુ ચાલુ છે.

હ્યુસ્ટન સિવાયના અન્ય સમારંભોમાં મુખ્ય હેતુ ઇન્ડિયન ડાયસ્પોરાનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય પ્રતિભા ઊભી કરવાનો હતો. ‘હાઉડી મોદી’ સમારંભ પહેલાંના સમારંભો કરતા જુદો પડે છે :

એક તો-અમેરિકા સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંબંધોમાં પ્રમુખ ટ્રમ્પની પ્રતિબંધક નીતિઓને કારણે ભારતને જે અડચણ પડી છે તેનું નિરાકરણ કરવા માટે ટ્રમ્પના ભારેખમ અહંને પંપાળવો અને તે માટે તેમને આમંત્રણ આપવું; અને બીજું, ટ્રમ્પની સાથે રહીને ઘરઆંગણે અને પાકિસ્તાનને બતાવવું કે અમેરિકા ભારતની સાથે છે.

નરેન્દ્ર મોદીના આમંત્રણથી ટ્રમ્પ આવ્યા અને ચીઅર લીડરની ભૂમિકા ભજવી. આમ તો ટ્રમ્પનો અહં જોતા આવું કામ તેમના માટે નીચું ગણાય. પણ માથે ચૂંટણી આવતી હોય ને એક સાથે ભારતીય મૂળના હજારો મતદારોને મળવાનો મોકો મળતો હોય તો તે કંઈ જતો થોડો કરાય ? ગઈ ચૂંટણીમાં ટ્રમ્પે “આઈ લવ હિન્દુ”ની જાહેરખબરો ભારતીય ટીવી ચેનલો પર આપેલી. આ બધું છતાં એશિયન અમેરિકન લિગલ ઍન્ડ એજ્યુકેશનલ ફંડની મોજણી પ્રમાણે ટ્રમ્પને ભારતીય મૂળના મતદારોના ૧૪ ટકા મત મળેલા. હિલેરી ક્લિન્ટનને ૮૪ ટકા મળેલા. વળી ટેક્સાસ રિપબ્લિકન રાજ્ય ગણાતું હોવા છતાં ધીરેધીરે તે ડેમોક્રેટિક બનતું જાય છે. હ્યુસ્ટનના મેયર અને હાઉડી મોદી કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડેમોક્રેટ છે. ટ્રમ્પને ટેક્સાસ ગુમાવવું પાલવે તેમ નથી. ટ્રમ્પે સમારંભમાં ચૂંટણી સભા સંબોધતા હોય તેવું જ ભાષણ કર્યું અને સમારંભનું રુખ પારખીને કહ્યું કે તે ઇસ્લામિક આતંકવાદ સામે લડતા રહેશે.

ભાગ્યે જ કોઈ દેશનો વડો અન્ય રાષ્ટ્રમાં કરે તેવું પ્રધાનમંત્રી મોદીએ કર્યું. તેમણે પોતાના ભાષણમાં ટ્રમ્પની પ્રશંસા તો કરી પણ ઉમેર્યું કે અમેરિકામાં ‘અબકી બાર, ટ્રમ્પ સરકાર’. પૂર્વે પુનિત અને નાથાન્યાઉએ અમેરિકા પ્રમુખપદની ચૂંટણીમાં અપ્રત્યક્ષ હસ્તક્ષેપ કર્યો છે. પણ કોઈ રાષ્ટ્રના વડા સીધેસીધો કોઈ ઉમેદવારને ટેકો આપે તેવું પહેલી વાર બન્યું. ડેમોક્રેટિક પાર્ટીમાં ગંભીરતાથી આ વાતની નોંધ લેવાઈ છે. ગમે તેમ પણ જે વ્યક્તિ બધી જ મોજણી પ્રમાણે પાછળ હોય તેને આવો સીધો ટેકો આપવો તેમાં આપણા પ્રધાનમંત્રીની શી ગણતરી હશે ?

ટ્રમ્પસાહેબ એક દિવસે જે વસ્તુ કહે તેનાથી સાવ જ વિપરીત બીજે દિવસે બોલે તે જગજાહેર છે. પ્રધાનમંત્રી હાથમાં હાથ મિલાવીને ટ્રમ્પ સાથે સભામંડપમાં ફર્યા અને આપણા મીડિયાએ અને લોકોએ માની લીધું કે ટ્રમ્પ આપણી સાથે છે. બીજે જ દિવસે એ ફોક સાબિત થયું. ટ્રમ્પે ઇમરાનખાન સાથેની મુલાકાતમાં જણાવ્યું કે તે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા તૈયાર છે. એટલું જ નહિ, તેમણે ઇરાન સાથે અમેરિકાના બગડેલા સંબંધો સુધારવામાં ઈમરાનખાનની મદદ માંગી.

‘હાઉડી મોદી’ કાર્યક્રમ વૈચારિક દૃષ્ટિએ પણ જુદો પડે છે. નરેન્દ્ર મોદી ઇન્ડિયન ડાયસ્પોરાનો ઉપયોગ કરીને એક પાન-હિન્દુ નેશનાલિઝમ ઊભો કરી રહ્યા છે જેમાં વંશીયતા-એથ્નિસિટીને રાષ્ટ્રીયતા કે નાગરિકતા સાથે કોઈ નાતો નથી. અમેરિકા જેવા દેશમાં જ્યાં અનેક દેશોમાંથી આવીને લોકો રહે છે. ત્યાં ડાયસ્પોરાનો આવો ઉપયોગ અમેરિકી લોકતંત્ર માટે ખતરો ઊભો કરે છે. અમેરિકી સમાજશાસ્ત્રીઓ અને રાજ્યશાસ્ત્રીઓએ આ વિશે લખ્યું છે તેની ચર્ચા ફરી ક્યારેક.

ફ્લોરિડા, યુએસ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 03

Loading

...102030...2,8422,8432,8442,845...2,8502,8602,870...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved