Opinion Magazine
Number of visits: 10,228,806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસની આસપાસ” યાને ‘ધીરે ધીરે વાંચજે, ધીરે ધીરે સમજાશે’

સુમન શાહ|Opinion - Opinion|25 February 2020

સાર્ત્ર-લિખિત ‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થમાં ૭ બાબતો એવી છે જેને વિશે સામાન્યપણે જાણવું જરૂરી ગણાય છે :

૧ : ફિનૉમિના એટલે કે, આવિષ્કાર : ૨ : ‘હું’ અને ‘વસ્તુ’ : ૩ : બૅડ ફેઇથ, એટલે કે, આત્મવંચના : ૪ : ફન્ડામૅન્ટલ પ્રોજેક્ટ એટલે કે, ‘હું’ જે થવા ઇચ્છે છે તે પરિયોજના : ૫ : ઇચ્છા શું છે? : ૬ : અધર એટલે કે અન્ય શું છે? : ૭ : ઑથેન્ટિસિટી એટલે કે અધિકૃતતા શું છે?

એ ૭-માંથી આપણે પહેલી બે બાબતોની ચર્ચા આ અગાઉના તારીખ 12 January 2020 -ના અંશ 3-માં કરી હતી.

હવે આગળની બાબત, ૩ : 'બૅડ ફેઇથ' વિશે આ અંશ – 4

બૅડ ફેઇથ : આત્મવંચના

બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં સાર્ત્રે મનુષ્ય-વ્યક્તિને મળેલી અપારની અબાધિત સ્વતન્ત્રતાનો ખૂબ જ પક્ષ લીધો છે – કહો કે, વકીલાત કરી છે.

એ સ્વતન્ત્રતાની કવાયતે કરીને માણસ પોતાના જીવનની ભૂમિકા ઘડે છે. એટલે, બીજાંઓના આધાર વિના માણસ પોતાનું અસ્તિત્વ સરજી શકે છે. એની એવી આત્મસર્જકતાને ઈશ્વરની સર્જકતા સાથે સરખાવી શકાય; પણ સાર્ત્ર ઈશ્વરમાં નથી માનતા.

પરન્તુ તેઓ એ જ મુદ્દો વિકસાવે છે અને કહે છે કે માણસ સ્વતન્ત્ર છે તેથી પોતાની પસંદગીઓ પ્રમાણે વર્તે છે. પોતાને પસંદ પડે એ સ્વીકારે, ન પણ સ્વીકારે, ‘હા’ પાડે, ‘ના’ પણ પાડે. એમ પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજવાની એની પાસે વિધ વિધની શક્યતાઓ હોય છે. માણસ નામે સ્વતન્ત્ર અમથાલાલ સકારાત્મક અને નકારાત્મક ઘણું ઘણું અને જાતભાતનું વિચારી શકે છે, બોલી શકે છે, કરી શકે છે.

પરન્તુ જો માણસને ગડ બેસે કે પોતાની અંદર શૂન્યતા છે, તો એ હાંફળોફાંફળો થઈ જાય છે ને ઍન્ગ્વિશ અનુભવે છે. ઍન્ગ્વિશ એટલે મનોયાતના; દેસીમાં કહું કે જીવને થતો, કઢાપો.

એવી પીડા વખતે, માણસથી અપારની પેલી સ્વતન્ત્રતા વેઠાતી નથી. સ્વતન્ત્ર છું એ હકીકત એનાથી સ્હૅવાતી નથી. અને ઍન્ગ્વિશથી છૂટવા માણસ બૅડ ફેઇથનો આશરો કરી લે છે. બૅડ ફેઈથ એટલે આત્મવંચના, જાત-છેતરામણી. માણસમાત્ર, અમથાલાલ કે આપણામાંનો કોઈપણ લાલ કે લાલી પોતાની જાતને અવારનવાર છેતરે છે.

આત્મવંચકે શૂન્યતા અનુભવી હોય છે. આત્મવંચના દરમ્યાન એને નક્કી સમજાય છે કે પોતે સ્વતન્ત્ર ખરો પણ ખરેખર તો સ્વતન્ત્ર નથી. એનો એ નિર્ણય એક નૉંધપાત્ર એવો માનવીય નિર્ણય હોય છે, એક સ્વરૂપની માનવીય વાસ્તવિકતા હોય છે. એવી મનોસ્થિતિમાં એની ચેતના બધી નકારાત્મકતાને બહારની તરફ નહીં પણ અંદરની તરફ ધકેલે છે. એને સાર્ત્ર બૅડ ફેઇથ અથવા આત્મવંચના કહે છે. મૂળમાં, એ માટે એમણે ‘mauvaise foi’ સંજ્ઞા પ્રયોજી છે.

ખરી વાત તો એ છે કે આપણે સ્વતન્ત્ર છીએ એટલે દરેકે દરેક બાબતે જવાબદાર છીએ. આપણા દાયિત્વને છેડો નથી. પરન્તુ આપણે જાતને અને બીજાંઓને છેતરીએ છીએ અને એમ જ ઠસાવીએ છીએ કે – વસ્તુઓ તો ભાઈ, આમ જ હોય ! વળી, આપણાં કાર્યોની જવાબદારી કે કાર્યોનો ભાર ઉઠાવવા માટે પણ આપણે તૈયાર નથી હોતા, નન્નો ભણીએ છીએ. પદ્ધતિસરનાં કામો ન કરવાં પડે એ માટે બહાનાં બતાવીએ છીએ, તર્ક લડાવીએ છીએ, કારણો અને પરિબળો શોધી કાઢીએ છીએ. એવી ખૅંચતાણમાં સપડાયેલા આપણે ટ્રિકો અને જુક્તિઓ ખૉળી કાઢીએ છીએ. એવી એક ટ્રિક તે, બૅડ ફેઇથ.

સાર્ત્રના કહેવા પ્રમાણે, કેટલીક વાર આત્મવંચનાને આપણે સામાન્ય બાબત ગણી લઈએ છીએ. એમ કે, એ તો જીવનનું એક સર્વસાધારણ પાસું છે. પરન્તુ આત્મવંચનાને આપણે ફગાવી શકતા નથી તેમ આપણે એને ગ્રહી પણ નથી શકતા. આત્મવંચના સંભવે છે પણ એ જરાયે ઇચ્છનીય તો નથી. કેમ કે, એ જેનું અસ્તિત્વ નથી તેને પુરવાર કરનારું સામર્થ્ય છે; કહેવાય કે એ એવી એક સત્તા છે.

માણસ પોતાને ગમતી પણ સાચી ન હોય એવી કોઈપણ પરિસ્થિતિની ધારણા કરી શકે છે. જુઓ, આત્મવંચનાનાં રૂપો બદલાતાં રહે છે. સાર્ત્ર એ માટે ‘metastable’ સંજ્ઞા પ્રયોજે છે. જેમ કે, જૂઠ આચરવું કે બોલવું આત્મવંચના છે.

જૂઠડાને ખબર હોય છે કે સાચું શું છે, પણ સાચને એ સંતાડી રાખે છે. પોતાની વાણી વડે નકારીને અંદરના સાચને અકબંધ રાખે છે. જૂઠના આચરણ વખતે બે જણનું હોવું જરૂરી છે : એક તો એ પોતે અને એને જોનારો કે સાંભળનારો એક બીજો. જૂઠડો એમ સમજીને ચાલે છે કે ‘મારું’ અસ્તિત્વ એ ‘બીજા’-ની અને ‘બીજાનું’ અસ્તિત્વ એ મારી નૉંખી નૉંખી પણ ભલી એવી પૂર્વધારણાઓ છે. એક જૂઠ બોલે છે, બીજો સાંભળે છે. સમજો, એ છે અણગમતા સાચને છુપાવવાનો કે સાચને ગમતીલા જૂઠ રૂપે ઠસાવવાનો રૂડો એવો પ્રયાસ ! સાર્ત્ર એટલે સુધી કહે છે કે જૂઠ આચરનાર અને એને ચલાવી લેનાર બન્ને, જોવા જઈએ તો, એક જ છે !

એકમેકથી વિરોધી એવી વિભાવનાઓ ઘડવાની કુનેહને સાર્ત્ર કલા ગણે છે. એ વિભાવનાઓમાં આઇડીઆ અને એ આઇડીઆનું નૅગેશન બન્ને ગૂંથાયાં હોય છે – જે વિચાર સૂઝ્યો એ અને એ જ વિચારનો નકાર ! એમાં મનુષ્યની બેવડી સમ્પદા ખરચાય છે. ત્યારે માણસ ફૅક્ટિસિટી અને ટ્રાન્સેન્ડન્સ બન્નેને અનુભવતો હોય છે.

ફૅક્ટિસિટી અને ટ્રાન્સેન્ડન્સને સાર્ત્ર બૅડ ફેઇથનાં સાધન સમજે છે.

ફૅક્ટિસિટી – તથ્યાત્મકતા – એટલે, આપણને જે કંઈ થાય છે એ બધું જ. હકીકત-સ્વરૂપ જે કંઈ છે એ બધું જ. એ મનુષ્યજીવનનું તથ્યમય પાસું છે. પરન્તુ ઘણી વાર આપણે આપણાં તથ્યોને ઓળંગી જઈએ છીએ. કેમ કે આપણી હકીકતોથી ઊઠીને આપણને કશે પેલે પાર પ્હૉંચી જવું હોય છે. એમ ઊઠી જવા દે છે એ માનસિકતાનું નામ, ટ્રાન્સેન્ડન્સ છે. ટ્રાન્સેન્ડન્સ એટલે પારગામીતા. આપણી બદલાતી રહેતી વર્તણૂકને વિશેની આપણી આસ્થા. આપણે જે નથી તે છીએ પ્રકારની મનોસ્થતિને વિશેનો આપણો ભલોભોળો ભરોસો.

તથ્યાત્મકતા અને આપણી વચ્ચે શૂન્યતા હંમેશાં દખલગીરી કરે છે. આત્મવંચક વ્યક્તિ એટલી હદે વંચક હોય છે કે એ પારગામીતાને સારુ હકીકતોને અને હકીકતોને સારુ પારગામીતાને ચાતરી જાય છે. એટલે શું થાય છે? એ જ કે આત્મવંચના, હકીકતોને ભોગે પારગામીતાને અને પારગામીતાને ભોગે હકીકતોને દૃઢ કરી નાખે છે. પરિણામે, જે નથી તે છે અને જે છે તે નથી સ્વરૂપની માનવીય વાસ્તવિકતા જનમે છે. માણસ જો શૂરોપૂરો કે સમ્પૂર્ણ હોત તો આમ ન બનત, આત્મવંચના પણ ન હોત. પરન્તુ ખાટલે મોટી ખોડ એ છે કે મનુષ્ય હમ્મેશનો આછો-અધૂરો છે.

આત્મવંચનાને સાર્ત્ર બે ભાતની કલ્પે છે :

પહેલી ભાતમાં, માણસ વસ્તુ એટલે કે કશી પસંદગીઓ વિનાનો બીઇન્ગ-ઇન-ઇટસૅલ્ફ બની જાય છે, સભાન સત અથવા બીઇન્ગ ફૉર-ઇટસૅલ્ફ નથી રહેતો. આ ભાત સમજવા માટે સાર્ત્ર કોઈ ચૉક્કસ પુરુષ માટે પહેલી વાર ડેટ પર ગયેલી યુવતીનો દાખલો આપે છે :

પુરુષ યુવતીનો હાથ પકડે છે ત્યારે યુવતીને પુરુષના ઇરાદાની ખબર હોય છે. પણ યુવતી પેલાનો હાથ ઝૂલતો છોડી દે છે – જાણે હાથ કશી વસ્તુ હોય ! પેલાએ કરેલાં જાતીય ઈંગિતોને તેમ જ કાયાને વિશેનાં વખાણને પણ યુવતીએ અવગણ્યાં હોય છે. એ રીતે, યુવતીએ ‘હા’ કે ના’-ની ક્ષણને નકારી હોય છે. પણ એ બધું શરીર વિશે હતું. જો કે પેલાના શબ્દોએ તો યુવતીની ચેતના પર અસર કરેલી. પરિણામ એ આવ્યું કે આખી વાત શરીરવિષયક ન રહી, શરીરથી છૂટી પડી ગઈ. એ પછી યુવતી અમૂર્ત અને એવી જ બધી વાયવ્યઈ અને અંટસંટ વાતો ચલાવે છે. પોતે જે જાણે છે તેને ટાળવાને એ બસ એમ કર્યે રાખે છે. યુવતી આત્મવંચના કરે છે.

જ્યારે, બીજી ભાતમાં, માણસ બીઇન્ગ-ફૉર-અધર્સ હોવાનો ઢૉંગ કરે છે. ખાસ તો એ બીજાઓએ સંપડાવેલી ભૂમિકાઓ ભજવે છે. પોતાના ‘ઝાં જેને’ ગ્રન્થમાં સાર્ત્રે આ ભાતની ચર્ચા કરી છે. સાર્ત્ર અનુસાર, સામાન્યપણે આપણે બીજાઓએ સૂચવેલાં કામો કરીએ છીએ. જેમ કે, કાફેનો વેઇટર, જોવા જઇએ તો, વેઇટરની ભૂમિકા ભજવે છે. હકીકતે, એ કોઈનો પતિ, પિતા કે ભાઈ છે ! એને ખબર છે કે વેઇટર હોવું એ જ એની ભૂમિકા છે; પણ એનો અર્થ એટલો જ કે એની ચેતના એની એ ભૂમિકા સાથે એકરૂપ નથી અને તેથી એ પોતે પણ એ ભૂમિકા સાથે એકરૂપ નથી.

જુઓને, એના આંટાફેરા એકદમના વેઇટર-છાપ હતા. વાતચીતની ઢબ પણ એવી જ હતી. એનો અવાજ સૌને ખુશ કરવા રસ-ટપકતો હતો. ખાવાનાંની ડિશો એ લાવતો તે પણ એકદમની ચૉકક્સાઈથી અને એવી જ ખાસ અદાથી. એના આંટાફેરા ઝડપી ને આગેકદમ હતા, પણ, ન ખાસ ઉતાવળા, ન ખાસ ધીમા. એની એ અતિશયિત વર્તણૂકથી જણાઈ આવતું’તું કે એ ભાઈ વેઇટરની ભૂમિકા ભજવી રહ્યો છે – જાણે આ દુનિયામાં એ કશી વસ્તુ હોય ! – જાણે એ વેઇટર-ત્વ માટેનું કશું સ્વસંચાલિત મશીન હોય ! જો કે એને એવું પણ ભાન હતું જ કે પોતે કંઈ વેઇટર થોડો છે? ના, નથી જ. જાતને પોતે ખાલી બસ પટાવી રહ્યો છે, છેતરી રહ્યો છે. પોતે-જે-નથી એવા ઢંગમાં વેઇટર વેઇટર છે. એ જે ભૂમિકા ભજવે છે એ એની આત્મવંચનાનું પરિણામ છે.

સાર્ત્ર દર્શાવે છે કે યુવતી અને વેઇટર બન્ને આત્મવંચનામાં વર્તે છે અને એ રીતે જોતાં, તેઓ પોતાની સ્વતન્ત્રતાને નકારે છે. જો કે, સાર્ત્ર સરસ કહે છે, તે જ વખતે તેઓ બન્ને પોતાની એ જ સ્વતન્ત્રતાને સ્તો વાપરે છે ! તેમને દેખીતી રીતની જાણ છે જ કે તેઓ સ્વતન્ત્ર છે પણ એમ સ્વીકારવાની તેઓ ના પાડે છે ! આ સંદર્ભમાં, આત્મવંચના વિરોધાભાસી છે : આત્મવંચનામાં વર્તતી વ્યક્તિ પોતાની સ્વતન્ત્રતાને નકારે છે, પણ એ નકારને સારુ એ જ સ્વતન્ત્રતા પર ભરોસો પણ રાખે છે …

સાર્ત્રની જીવન-મિત્ર સિમૉં દ બુવાએ આત્મવંચક સ્ત્રીઓના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે : એક છે, નાર્સિસિસ્ટ, એટલે કે આત્મરતિમાં રાચનારી. હંમેશાં પોતાને ડીઝાયરેબલ ઑબ્જેક્ટ સમજે છે – એમ કે હું હંમેશાં ઇચ્છવાજોગ પદાર્થ છું ! બીજી છે, મિસ્ટિક, એટલે કે રહસ્યમયી. પોતાની સ્વતન્ત્રતાને એ નિરપેક્ષ વાતોમાં જોતરી રાખે છે. ત્રીજી છે, પ્રેમિકા એટલે કે, પ્રેમમાં પડેલી સ્ત્રી. એ એના પુરુષ-પદાર્થમાં જાતને ઓળઘોળ કરી મેલે છે.

દ બુવાએ ‘સીરિયસ મૅન’-ને પણ વિચાર્યો છે. એણે કશા બહારી ધ્યેય માટે – દેશ સમાજ કે સંસ્કૃતિ માટે – ફનાગીરી સ્વીકારી હોય છે. જેમ જેમ પોતાની સ્વતન્ત્રતાને એ નકારતો ચાલશે તેમતેમ એ આત્મવંચનામાં ગરકતો જશે.

આત્મવંચના એટલે આમ તો, જવાબદારીમાંથી ભાગી છૂટવાની વાત. સ્વતન્ત્રતાને સામે ચાલીને જતી કરવાની વાત. એટલું જ નહીં, એવી ડંફાસ કે હું નિશ્ચયી છું એમ ઠસાવવાની વાત. અમથાલાલ હંમેશાં – મારો કક્કો ખરો – કરતા હોય છે. કાયમ એવો ડૉળ કરે છે, ચ્હૅરા પર એવો ઢૉંગી મિજાજ જમાવી રાખે છે.

આત્મવંચના એવું પલાયન છે કે એ પછી માણસ પોતાને હાથ નથી આવતો. માણસને થાય છે કે – હું હવે મુક્ત નથી … – હું જે ઇચ્છું છું એ હવે નહીં કરી શકું … આત્મવંચના એવી કઠોર અવસ્થા છે.

= = =

(16 Feb 2020 : Ahmedabad, India)

https://www.facebook.com/suman.shah.94/posts/3075680822462810

Loading

પ્રાદેશિક ભાષાઓના શબ્દકોશ અને વ્યાકરણ બંને અંગ્રેજોએ આપ્યાં

રમેશ ઓઝા|Opinion - Opinion|23 February 2020

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન, સાતત્યપૂર્વકની અખંડ અને અતિ સમૃદ્ધ છે એ વાત ખરી; પરંતુ યુરોપિયનો અને અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમને પહેલી નજરે જ તેની પ્રતીતિ થાય એવી સ્થિતિ ભારતમાં નહોતી. ઊલટું ભારતની એવી અવદશા હતી કે કોઈ પણ વિદેશી મુલાકાતીને એમ જ લાગે કે ભારત સાંસ્કૃતિક રીતે પછાત દેશ છે. યુરોપિયનોને અને અંગ્રેજોને પણ એમ જ લાગ્યું હતું. એટલે તો ઝટ તેમને ખ્રિસ્તી બનાવો અને તેમનો ઉદ્ધાર કરો, અથવા ઝટ તેમને આપણા જેવો પાશ્ચત્ય બનાવીને તેનું કલ્યાણ કરો કે પછી જે અવસ્થામાં સડે છે એમ સડવા દો એવા યુરોપિયનોના ભારત પરત્વેના મુખ્યત્વે ત્રણ અભિગમ વિકસ્યા હતા. ભારતને સહાનુભૂતિપૂર્વક સમજવાનો અને ભારત પાસેથી શીખવાનો અભિગમ તો પાછળથી વિકસ્યો હતો, જ્યારે તેમને ભારતનો વધુ પરિચય થયો હતો.

એવું નહોતું કે ભારત પર અંગ્રેજોએ કબજો કર્યો એ પહેલાં કોઈ શિક્ષણ જ આપવામાં નહોતું આવતું. મહેતાઓની પાઠશાળાઓ હતી જેમાં લખતા-વાંચતા શીખવવામાં આવતું હતું. રોજિંદા જીવનવ્યવહાર માટે વિદ્યાર્થીઓને થોડુંક ગણિત શીખવવામાં આવતું હતું. બાકી ભારત વિશે જેટલી માહિતી તેઓ ધરાવતા હતા એટલી માસ્તરો આપતા હતા જેમાં પુરાણકલ્પિત વાતો વધારે હતી. ચાર યુગો અને એમાં અત્યારે ચાલી રહેલા કલિયુગની નિરાશાજનક વાતો શીખવવામાં આવતી હતી. આ યુગમાં સારાં જીવનની આશા રાખવા માટે જાણે કે કોઈ કારણ જ ન હોય. દરેક અનર્થને કલિયુગના નામે અનિવાર્ય સમજવામાં આવતો હતો, એટલે અર્થની ખોજ નિરર્થક હતી. બીજું, પાઠશાળાઓ પણ માત્ર બ્રાહ્મણ અને વાણિયા-કાયસ્થ જેવા કેટલાક સવર્ણો માટે જ ઉપલબ્ધ હતી. બહુજન સમાજને પાઠશાળાઓમાં પ્રવેશ નહોતો. સવર્ણોની સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નહોતો. 

સાંપ્રદાયિક મઠોમાં સંસ્કૃત અને શાસ્ત્રો શીખવવામાં આવતાં હતાં, પરંતુ એ પોતાના મતના પ્રચાર-પ્રસાર માટે. આમ સંસ્કૃત શિક્ષણ કેવળ સાંપ્રદાયિક હતું. મઠોમાં શંકર, રામાનુજ, મધ્વ, વલ્લભ, નિમ્બાર્ક વગેરે આચાર્યોની વેદાંત શાખાઓ અને પ્રશાખાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું અને એમાં જય-પરાજય અને પોતાના મતની સર્વોપરિતાની જ વાત કહેવામાં આવતી હતી. તેમાં ન્યાય, વૈશેષિક, યોગ વગેરેનું શિક્ષણ પણ પોતાના મતની સ્થાપના માટેના હેતુને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવતું હતું. હા, કાવ્યશાસ્ત્રની ધારા ઉત્તરોત્તર વિકસતી રહી હતી એની નોંધ લેવી જોઈએ. આમ થવાનું કારણ કેટલીક વ્યક્તિઓમાં રહેલી અંગત સોંદર્યાનુભૂતિ હોવી જોઈએ.

આમ જે પંડિતાઈ હતી એ સાંપ્રદાયિક હતી. જે સેક્યુલર શિક્ષણ હતું એ નહીં જેવું વ્યવહાર પૂરતું હતું અને એમાં પુરાણકલ્પિત ડોળણ વધારે હતું અને ઉપરથી કલિયુગના નામે દરેક પ્રકારના અનર્થોને – અંધકારને અનિવાર્ય સમજવામાં આવતા હતા. અને સ્ત્રીઓ તેમ જ પછાત સમાજ તો આનાથી પણ વંચિત હતો. આને કારણે એ યુગમાં કેવો હિંદુ પેદા થતો હશે, વિદેશીઓ કેવા હિંદુના સંપર્કમાં આવ્યા હશે અને હિંદુ વિશેની તેમની કેવી છાપ પડી હશે તેનો વિચાર કરી જુઓ.

હિંદુઓની જેમ મુસ્લિમ છોકરાઓ મદરસામાં જતા હતા જ્યાં તેમને પર્શિયન અને અરેબિક ભાષા શીખવવામાં આવતી હતી. એ યુગમાં પર્શિયન ભાષા સરકારી સત્તાવાર ભાષા હતી અને અરેબિક ધાર્મિક ભાષા હતી. મદરસામાં પણ તમામ સ્તરના મુસલમાનોને પ્રવેશ નહોતો અને સ્ત્રીઓને તો બિલકુલ નહોતો, પછી તે ભલે ઉચ્ચ વર્ગની હોય. કુરાન કંઠસ્થ થઈ જાય અને હદીસનાં વ્યવહાર પૂરતાં ખપનાં વચનો મોઢે થઈ ગયા એટલે મુસલમાન દીક્ષિત થઈ જતો. હિંદુની જેમ વ્યવહાર પૂરતું ગણિત શીખવવામાં આવતું હતું.

તમને આશ્ચર્ય થશે કે પર્શિયન ભાષા ભદ્ર વર્ગના મુસલમાનો શીખતા હતા તેનાં કરતાં નાગર અને કાયસ્થ જેવા હિંદુઓ વધારે શીખતા હતા. આનું કારણ સરકારી નોકરી હતું. મુસ્લિમ શાસકોની સત્તાવાર ભાષા પર્શિયન હતી અને મુખ્યત્વે નાગરો અને કાયસ્થોના હાથમાં મુસલમાન શાસકોનું વહીવટીતંત્ર હતું. તેમાંના કેટલાકે વધારે મોટા હોદ્દા માટે ધર્મપરિવર્તન પણ કર્યું હતું. હિંદી કવિ અને પોતાને કાયસ્થકુલોત્પન્ન તરીકે ઓળખાવનારા હરિવંશરાય બચ્ચને પોતાની આત્મકથામાં લખ્યું છે કે બાદશાહોના દરબારમાં લાભ ખાતર કાયસ્થ નોકરો  મુસલમાન જેવાં કપડાં પહેરતા, તેમના જેવી ટોપી પહેરતા અને નામ પણ થોડાંક મુસ્લિમ ભાસે એવાં રાખતા હતા.

આમ ભારતમાં એ યુગમાં સૌથી વધુ દબદબો પર્શિયન ભાષાનો હતો. હિંદુ શાસકોની સત્તાવાર ભાષા પણ પર્શિયન જ રહેતી, તે ત્યાં સુધી કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની પણ કામકાજની ભાષા પર્શિયન હતી. એક તો પર્શિયન ભાષા સમૃદ્ધ છે. સેંકડો વરસથી ભારતમાં તે શાસનની ભાષા હોવાને કારણે પ્રશાસકીય ભાષા તરીકે તેનું ખેડાણ થયું હતું અને સૌથી વધુ તો અમલદારો મળતા હતા. આમ પર્શિયનને કારણે મુસલમાનો, પેશ્વાઓ અને અંગ્રેજો વચ્ચે સત્તાંતર થયું હોવા છતાં ભારતનું વહીવટીતંત્ર ખોરવાયું નહોતું. આખરે રોજી-રોટીની ભાષા જ પસંદગી પામે છે. ભારતમાં જો અંગ્રેજ નામનો અકસ્માત ન થયો હોત તો આજે ભારતમાં જે સ્થાન અંગ્રેજીનું છે તે પર્શિયનનું હોત. પાછી પર્શિયન ભાષા તો ખૂબ સમૃદ્ધ પણ છે.

સંસ્કૃત ભાષા તો ક્યાં ય પાછળ છૂટી ગઈ હતી. સંસ્કૃતમાંથી વિકસેલી પાલી અને પ્રાકૃત જેવી ભાષાઓ અપભ્રંશના માર્ગે પ્રાદેશિક ભાષા તરીકે વિકસવા લાગી હતી. પ્રજાનો વ્યવહાર આવી પ્રાદેશિક ભાષાઓમાં ચાલતો હતો, પછી તે હિંદુ હોય કે મુસલમાન હોય. જેમ હિંદુને કારકિર્દી ખાતર પર્શિયન ભાષાને અપનાવવામાં વાંધો નહોતો અને તેમ આમ મુસલમાનને રોજી રળવા પ્રાદેશિક ભાષા સામે વાંધો નહોતો. કોઈ ભાષાકીય ઝઘડો નહોતો. હકીકતમાં હિંદુ અને મુસલમાનનું ભાવવિશ્વ એક સમાન હતું, કારણ કે તે એક જ માટીના ફરજંદ હતા. પ્રાદેશિક ભાષાઓ અપનાવેલી ભાષા નહોતી, પણ હિંદુ અને મુસલમાનોને વારસામાં મળેલી પોતીકી ભાષા હતી.

વિધિની વિચિત્રતા જુઓ! ભારત પર અંગ્રેજી લાદનારા વિદેશીઓએ જ ભારતની પ્રાદેશિક ભાષાઓને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. મિશનરીઓને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવો હતો અને કંપનીએ ભારતની પ્રજાનું શોષણ કરવું હતું. આ બંને માટે લોકો સુધી પહોંચવું જરૂરી હતું અને તે પર્શિયન દ્વારા શક્ય નહોતું; તે કેવળ પ્રાદેશિક ભાષા દ્વારા જ શક્ય હતું, પછી હિંદુસ્તાની હિંદુ હોય કે મુસલમાન હોય. જમીની સ્તરે (ગ્રાઉન્ડ લેવલે) માત્ર પ્રાદેશિક ભાષા જ લોકોને પટાવવા માટેનું, લોકોની અંદર અરમાન પેદા કરવા માટેનું, નફરત પેદા કરવા માટેનું, ઝઘડવા માટે કારણ આપવાનું, ડરાવવાનું, પ્રેમ કરતા શીખવાડવાનું, લલચાવવાનું પ્રબળ માધ્યમ હતું. જો લોકોના હ્રદય સુધી પહોંચવું હોય તો તે તેમની ભાષા દ્વારા જ પહોંચી શકાય, પછી એજન્ડા ધર્માન્તરણનો હોય, શોષણનો હોય કે કલ્યાણનો હોય.

મિશનરીઓને અને અંગ્રેજ શાસકોને સમજાઈ ગયું હતું કે જો લોકો સુધી પહોંચવું હોય અને પોતાના ગમે તેવા હેતુ માટે ગમે તે માર્ગે લોકોને વાત મનાવવી હોય તો લોકોની ભાષા અપનાવવી પડશે. મિશનરીઓએ સ્થાનિક લોકોની ભાષા શીખવા માંડી. તેઓ તેમની ભાષામાં બોલતા હતા અને સેવા કરતા હતા. તેમણે બાઈબલના અનુવાદ પ્રાદેશિક ભાષાઓમાં કરાવવા માંડ્યા. ચર્ચમાં પાદરીઓ સ્થાનિક ભાષામાં ઈશુના સંદેશ આપતા હતા. તેમણે ભારતની લગભગ તમામ સ્થાનિક ભાષાનું વ્યાકરણ તૈયાર કર્યું હતું. ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ રેવરન્ડ ટેલરે સૌ પહેલાં તૈયાર કર્યું હતું. આવું જ બાકીની ભાષાઓનું. ગીર્વાણ ભારતી સંસ્કૃતનું વ્યાકરણ પાણિનીનું છે, પણ ભારતની લગભગ તમામ પ્રાદેશિક ભાષાઓનાં વ્યાકરણ વિદેશીઓએ તૈયાર કર્યાં છે. ભારતની મોટાભાગની પ્રાદેશિક ભાષાઓના પહેલા અથવા શરૂઆતના શબ્દકોશ મિશનરીઓએ તૈયાર કરીને આપ્યા છે.

અને છેલ્લે છાપખાનાં. ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે સાહિત્ય છપાવવું જરૂરી હતું એટલે પ્રિન્ટીંગ પ્રેસ તેમણે સ્થાપ્યાં હતાં. પ્રિન્ટીંગ માટે લિપિ તેમણે વિકસાવી હતી અને બીબાં તૈયાર કર્યાં હતાં. કલકત્તા નજીક શ્રીરામપોરમાં પહેલો પ્રેસ સ્થાપવામાં આવ્યો હતો અને જોતજોતામાં વીસ કરતાં વધુ ભાષામાં બાઈબલના અનુવાદ કરીને છાપવામાં આવ્યા હતા.

આને કહેવાય ખંત. ધ્યેયનિષ્ઠા અને ખંત માટે મિશન શબ્દ પ્રયોજવામાં આવે છે એ આ કારણે! પ્રજા સુધી પહોંચવા માટે અને પ્રજાને પોતાની કરવા માટે તેમણે શું નહોતું કર્યું? જો સવર્ણોએ દલિતો સુધી પહોંચવા માટે અને હિંદુઓ અને મુસલમાનોએ એકબીજા સુધી પહોંચવા માટે અને પહોંચીને પોતાનાં કરવા માટે આનાથી દસમાં ભાગની જહેમત લીધી હોત તો દેશનો ઇતિહાસ જુદો હોત.

તમને આવું નથી લાગતું?

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 ફેબ્રુઆરી 2020

Loading

વાસ્તવિક જીવનની વિટંબણાને ઉજાગર કરતાં “૨૮ પ્રેમકાવ્યો”

રમણ વાઘેલા|Opinion - Literature|23 February 2020

ઉમેશ સોલંકીની ૨૦૧૭માં પ્રકાશિત થયેલી નવલકથા “ફેરફાર"માંથી પસાર થવાનું બનેલું ત્યારે એવું અનુભવાયેલું કે અતીત અને વર્તમાનની મથામણ આજના સમાજના વ્યક્તિને ઘમરોળી નાખતી હોય છે. પ્રાપ્ત થયેલ ફેરફારને કારણે સાચ્ચે જ કંઈ નવું પામી શક્યા છીએ કે નહીં? એ પ્રશ્ન સહુના દિલમાં ઉદ્ભવે! ખેર, ‘ફેરફાર’ના વાચન બાદ ટૂંકા ગાળામાં ઉમેશની કવિતામાં ડોકિયું કરવાનો પ્રસંગ સાંપડ્યો ત્યારે એટલું તો આપમેળે નિર્ધારી શકાયું કે ઉદય પામતા કવિના શબ્દમાં દમ છે. શાર્પનેસ છે! 

કોઈ નવોસવો વાચક ‘પ્રેમકાવ્યો’માં શાબ્દિક અને આંતરિક રીતે ‘પ્રેમ'ની ખોજ કરવા પ્રયાસ કરે તો શક્ય છે કે એને સફળતા ન પણ મળે. પણ એનાં ય કારણો છે. ‘ચાહવું' એ નાનીસૂની બાબત નથી, આખુંયે આયખું વીતી ગયા છતાં ય "ચાહવા"ની  ક્ષણો થોડીકે ય મળી ન હોય એમ ન પણ બને! ‘૨૮ પ્રેમકાવ્યો'માં એ ‘ચાહવાની ક્ષણો' કેન્દ્રમાં રહેલી છે અને તે પણ ધોધમાર વર્ષા કે ચોતરફ વિખરાયેલાં ગરમાળાનાં ફૂલોની ગેરહાજરીમાં રિવરફ્રન્ટની પાળે કે કાંકરિયાની વચ્ચોવચ આવેલી નગીનાવાડીમાં બેઠેબેઠે અનુભવાયેલ પ્રેમાળ ક્ષણો શોધવા વાચક અહીં પ્રયત્ન કરશે તો તે વૃથા જ પામશે. કારણ અહીં કવિતાના એવા ઉપકરણો થકી કવિતા સર્જાઈ છે કે જેમાં પ્રેમ એક નવા નોખા મિજાજમાં ભાવક્ને ઊંડાણથી વિચારવા માટે ફરજ પાડે છે. આ કાવ્યસંચયનું “અને તું?" શીર્ષક હેઠળનું છેલ્લું કાવ્ય આમ છે : 

“બોલ, ક્હીશ શું, પ્રેમને તુ … ?" 
“બીજુ … શું, વરસાદનું પહેલું ટીપું,” 
  અને તુ … ?” 
"ગટરનું ઢાંકણું" 

(પૃષ્ઠ…૭૧) 

કવિ આદિકાળથી ચાલ્યા આવતા પ્રેમને ‘વરસાદનું પહેલું ટીપું'થી નહીં ઓળખાવતા 'ગટરનું ઢાકણું' – એવી નવી જ વ્યાખ્યા બાંધી આપે છે. અતીતની પ્રકૃતિ અને આજની વાસ્તવિકતા … એ બંને છેડાનું સંધાન નહીં કરતાં કવિ આંખો સામે ઊઠતા તાંડવનું સંધાન કરી આપે છે ! “વાૅંઘું"’ કાવ્યની આ બે પંક્તિઓ : 

“કાંટા પણ લાગે વણબોટ્યા જંગલ વચ્ચે
આદિવાસી સ્ત્રીઓનો જાણે હઠીલો શણગાર" 

સાચ્ચે જ રૂપક કે ઉપમા એવા શબ્દો નહીં પ્રયોજતાં અફલાતૂન શબ્દ પણ પ્રશંસવા-પ્રયોજવા માટે કૃપણ લાગે … એટલી હદે આબેહૂબ ચિત્ર ઉપસી આવ્યું છે અહીં. 

“એ એના રસ્તે હું મારા રસ્તે"માં ‘જોયું ન જોયું'ની કદર કરી – પછી આખી કવિતા પમાય છે. નાયક-નાયિકાની મનોવ્યથા છતાં એ મનોવ્યથાનો સાહજિક સ્વીકાર કવિતાનું કેન્દ્રબિંદુ છે.

“ખેંચાણ" આ સંગ્રહની એક ઉત્તમ કૃતિની પ્રતીતિ કરાવે છે. કવિનું મન ભલે પ્રિયતમાના સરોવર જેવા શરીર પર મંદમંદ શ્વાસોથી લહેરો સર્જતું હોય પણ પ્રબળ ખેંચાણ તો –

“ખખડી ગયેલી ઝૂંપડીના 
ખૂણામાં પડેલા 
ઘસતેલિયા દીવાની 
થરથરતી જ્યોત 
આડે હાથ ધરવા” –

તરફ છે. બાળોતિયા વગરની નિર્દોષતાને હૂંફ આપવા તરફનું ખેંચાણ છે. આખીયે કવિતાનો મર્મ સમજવા ભાવકે પણ વેદનામાંથી પસાર થવું પડે ! “પ્રેમ એટલે"માં પ્રેમનો સાચો અર્થ સમજાવતા કવિ કહે છે : 

"પ્રેમ એટલે 
લડવાનું હોય નહીં 
હોય નહીં મરવાનું
પ્રેમ એટલે હળવાનું મળવાનું હસવાનું
જીવવાનું પળપળનું” 

તો વળી “પ્રેમ" કવિતામાં “કહેંજે”નો પ્રયોગ કરી ઘણું બધું કહી નાખે છે કવિ ! 

"ઠંડું ઠંડું પાણી પીતાં પીતાં 
ગોબા પડેલા બેડાના ભારના વિચારથી
થાકી જવાય, તો મને ક્હેજે. 
મને કહેજે 
જ્યારે પોચા પોચા બિસ્તરમાંથી આવતી 
ફાટીમેલી ગોદડીની ગંધ
નાકના ટેરવાને લાલ કરી નાખે. 
મને કહેજે 
જ્યારે સ્વિમિંગ પુલનું પાણી 
શરીરને ચોંટતા ચપચપતા પરસેવા જેવું લાગે" 

‘સરહદ’ કાવ્યમાં વેરવિખેર થયેલા લોકોને જોડી આપવાની વાત કહી કવિ “રાજારાણી"ની રીતને નઠારી કહી સરહદ તોડી નાખવા આહ્વાન આપે છે. 

સંગ્રહની સ્પર્શક્ષમ બનતી કૃતિઓમાં ‘મોહણિયું', ‘ટીલડીઓ’, ‘મગરાની વાતો', 'પતંગદોર', ‘ઉખેડી ફેંક્યું', ‘તેથી', ‘અનાજનો પહેલો દાણો', ‘નામ છોડ્યું', ‘નિયમની છાતી ૫૨'ને ગણાવી શકાય. 

‘ફેરફાર' નવલકથા પછી ઉમેશ સોલંકી ‘૨૮ પ્રેમકાવ્યો’ની રચનાઓ વાસ્તવિક જીવનની વિટંબણાને ઉજાગર કરે છે. કવિ ભલે પ્રેમની વાતો માંડતા હોય પણ એમાં અસહ્ય પરિતાપ વેઠી રહેલા સમાજની છબી ઉપસી આવે છે. તૃપ્તિ, ૫રિતૃપ્તિ, સફળતા, વિફળતા અને આ બધામાં કેન્દ્રસ્થાને રહેલ “ગ્રામીણ પ્રેમ"ની પરિભાષા કવિને ઊંચાઈ બક્ષે છે, એમ કહેવું લગીરે શેષ-વિશેષ નહીં લાગે !

(પ્રગટ : “દલિત અધિકાર”, 16 જૂન 2018; પૃ. 02-03)

Loading

...102030...2,7052,7062,7072,708...2,7202,7302,740...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved