Opinion Magazine
Number of visits: 10,226,910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’

અશોક કરણિયા|Opinion - Opinion|12 January 2021

વર્ષ ૨૦૨૦ની વિદાય સાથે વર્ષ ૨૦૨૧નું આગમન થઈ ચૂક્યું છે. વૈશ્વિક સ્તરે વર્ષ ૨૦૨૦નું વર્ષ યાદગાર બની રહ્યું છે. આ વર્ષે ભાષાક્ષેત્રે ઘણા નવા શબ્દો પ્રચલિત બન્યા છે, તો સાથે-સાથે કેટલાક ભુલાઈ રહેલા શબ્દોનું પણ ચલણ અસ્તિત્વમાં આવેલું જોવા મળ્યું છે. ગુજરાતી લેક્સિકન દ્વારા ભાષાચાહકો પાસેથી વર્ષ ૨૦૨૦ માટે કયો શબ્દ ‘વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’ હોઈ શકે તે માટે સૂચનો મંગાવતી એક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાષાચાહકો પાસેથી અમને ૬૦ જેટલા શબ્દો પ્રતિયોગિતા માટે મળ્યા.

આ શબ્દોને યોગેન્દ્ર વ્યાસ, મનસુખ સલ્લા, રતિલાલ બોરીસાગર,  પ્રકાશ ન. શાહ, અરવિંદ ભંડારી, પિંકી પંડ્યાની સમિતિને મોકલાવી આપવામાં આવ્યા. પ્રતિયોગિતામાં મળેલા કેટલાક શબ્દો ખરેખર નવા અને ધ્યાન ખેંચનાર હતા. આ દરેક શબ્દની યથાયોગ્ય ચર્ચા કર્યા બાદ, તેના પ્રચલનના માપદંડને તથા તેમાંથી કયા શબ્દો લોકજીભે સૌથી વધુ વાર સાંભળવામાં આવ્યા છે, તે ધ્યાનમાં રાખીને, એટલે કે શબ્દોની ઉપયોગિતા, વપરાશ અને મહત્ત્વ જેવાં વિવિધ પાસાંઓના અભ્યાસ અને વિમર્શ બાદ, વિવિધ ચાળણે આ શબ્દોને ચાળ્યા બાદ નીચે મુજબના શબ્દોને ‘વર્ડ ઑફ ધ યર’ માટેના ફાઇનલ શબ્દોની યાદી તરીકે અલગ તારવામાં આવ્યા :

કોરોના, માસ્ક, કોરોના-વૉરિયર્સ, સંક્રમણ, વેબિનાર, સોશિયલ ડિસ્ટન્સ.

ઉપરાંત ધ્યાન ખેંચનાર અન્ય શબ્દો આ મુજબ હતા : ઑનલાઇન શિક્ષણ, રસીકરણ, પૉઝિટિવ, હિજરત, આત્મહત્યા, રામલલ્લા, સેનિટાઇઝર વગેરે-વગેરે ….

દેખીતી રીતે જ ૨૦૨૦નું વર્ષ ‘કોરોના વર્ષ’ તરીકે પ્રચલિત બનેલ છે અને આ કોરોના શબ્દને કારણે જ માસ્ક, સંક્રમણ, ઑનલાઇન શિક્ષણ, સલામત અંતર, વેબિનાર, કોરોના-વૉરિયર્સ, સેનિટાઇઝર, પૉઝિટિવ, હિજરત વગેરે જેવા શબ્દો ચર્ચામાં આવ્યા છે. આ દરેક શબ્દની ચર્ચા દરમિયાન દરેક સ્તરે લોકોને કયો શબ્દ સૌથી વધુ અસર કરી ગયો, તે બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. ચર્ચા દરમિયાન યોગેન્દ્રભાઈની પ્રથમ પસંદગી ‘માસ્ક’ શબ્દ ઉપર રહી હતી, જ્યારે સમિતિના અન્ય સભ્યોની પ્રથમ પસંદગી ‘કોરોના’ શબ્દ ઉપર રહી હતી. કયો શબ્દ ગુજરાતી પ્રજાએ વ્યાપક રીતે ઉપયોગમાં લીધો તેમ જ કયો શબ્દ આખા વર્ષ દરમિયાન સતત વપરાયો, તેને આધારે ’કોરોના’ શબ્દની પસંદગી ‘ગુજરાતી લેક્સિકન વર્ડ ઑફ ધ યર ૨૦૨૦’ના શબ્દ તરીકે થઈ, પરંતુ આ શબ્દની પસંદગી અંગે યોગેન્દ્રભાઈની અસંમતિ રહી હતી. સમિતિ દ્વારા એ વાત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આ શબ્દ સમગ્ર ભારતીય જનતાને એટલે કે શહેરી અને ગ્રામીણ એમ બન્ને નાગરિકોને અસર કરી ગયો છે.

પ્રતિયોગિતા માટે ‘કોરોના’ શબ્દનું પ્રથમ સૂચન અમને કીર્તિકુમાર પરમાર અને ધર્મેશ વાલા તરફથી મળેલ હતું અને આ શબ્દ માટે તે લોકોએ સૂચવેલ અર્થ અનુક્રમે આ મુજબ હતો : (૧) કોવિડ-૧૯ કોરોના વાઇરસ રોગ-૨૦૧૯ એ સાર્સ કોરોના વાઇરસ ૨ દ્વારા થતો ચેપીરોગ (૨) આ શબ્દ નવો છે. ‘કોરોના’ શબ્દ એ મૂળ લૅટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ લૅટિન ભાષામાં ‘ક્રાઉન’ (CROWN) થાય છે. ‘ક્રાઉન’ (રાજાનો તાજ અથવા મુગટ) પર જેમ સ્પાઇક્સની (ખીલા આકારની …) સિરીઝ હોય એવી જ રીતે સ્પાઇક્સની સિરીઝ ‘સાર્સ-કોન-૨’ (SARS —COV—2) નામના વાઇરસ પર પણ હોય છે. ‘કોરોના’ એ વાઇરસ નથી, પરંતુ, એક રોગનું નામ છે, જે ‘સાર્સ-કોન-૨’ નામના વાઇરસથી થાય છે. અહીં એ નોંધવું રહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને પણ આ ડિસીઝને એક નામ આપ્યું છે, ‘કોવિડ-૧૯’ (કોરોના વાઇરસ ડિસીઝ) અથવા (નોવેલ કોરોના વાઇરસ). તેથી આ પ્રતિયોગિતા માટે કીર્તિભાઈ અને ધર્મેશભાઈને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર સૌ સ્પર્ધકોનો ગુજરાતી લેક્સિકન પરિવાર આભાર માને છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 16

Loading

રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ

ડૉ. દુર્ગેશ મોદી|Opinion - Opinion|12 January 2021

રસીને રસ્તે મતભેદ, મૂંઝવણ કે મોકાણ

નવવર્ષના પ્રથમ દિવસે મળેલી CDSCO(કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનની)ની વિષય નિષ્ણાત સમિતિની બેઠકમાં ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા ડૉ. વી.જી. સોમાણીના નેતૃત્વ હેઠળ ભારતમાં કોરોના વાઇરસ વિરુદ્ધની પ્રથમ રસીને મંજૂરી આપવામાં આવી. નામે કોવિશીલ્ડ (વૈજ્ઞાનિક નામ : Chdox 1 n Cov 19). (ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા સંયુક્તપણે વિક્સાવેલ આ રસીનું ભારતમાં ઉત્પાદન કરવાના હક અને જવાબદારી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસે છે.) મંજૂરી પૂરેપૂરી નથી, મર્યાદિત અને શરતી છે. ૧૮ વર્ષથી ઉપરનાં વ્યક્તિઓને બે ઈન્જેક્શન ૪થી ૬ અઠવાડિયાના અંતરે આપી શકાશે. દરેક ડોઝ 0.5 ml.નો હશે. 5 x 1010ની માત્રામાં વિષાણુઓ હશે. વાઈરલ વેક્ટર પ્રકારની આ રસીનાં પ્રાયોગિક પરીક્ષણોના ત્રીજા તબક્કાના વચગાળાનાં પરિણામો સલામતી અને અસરકારકતાની દૃષ્ટિએ સંતોષજનક હતા જેનાં ચાલુ પરીક્ષણોમાંથી મળતી રહેતી માહિતી દેશમાં આંકડા નિયત સમયે CDSCOને આપતા રહેવાની શરતે પ્રથમ વખત આ પ્રકારની તકનિક ધરાવતી રસીને ભારત કે વિશ્વમાં મંજૂરી મળી છે.

પરંતુ આ રસી પાછળના વિજ્ઞાનને છેલ્લાં ૧૦ વર્ષથી મઠારવામાં આવી રહ્યું છે. ૨૦૧૧-૧૨માં કોરોનાના પિતરાઈ એવા MERS વિષાણુનો રોગચાળો મધ્યપૂર્વના દેશોમાં ફેલાયો હતો ત્યારેથી ઓક્સફર્ડની જેનર સંસ્થામાં આ જાતની રસીને વિકસાવવાના પ્રયત્નો ચાલુ થયા હતા જેનાં ફળ હવે ૨૦૨૦-૨૧માં પાક્યાં છે. એપ્રિલ મહિનાથી ચાલુ થયેલ પરીક્ષણના પહેલા બે તબક્કામાં ૧,૦૦૦થી વધુ અને ત્રીજા તબક્કામાં ૨૩,૦૦૦થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. અને સાત-આઠ મહિનાની સઘન તપાસ બાદ આ રસી સલામત અને ૭૦% અસરકારક માલૂમ પડી છે. આ પરિણામો પણ હજી મધ્યાહ્‌ન વિરામ સમયનાં છે અને પૂર્ણ પરિણામો એક વર્ષના અંતે મળશે. અમેરિકી કંપનીઓ ફાઈઝર અને મોડર્નાની mRNA આધારિત રસીઓની ૯૫% અસરકારક્તા સામે આ રસી પહેલી નજરે જરી નબળી જણાય. પરંતુ પરીક્ષણો દરમિયાન ટેસ્ટ કરવામાં ફેરને કારણે બંને વચ્ચે સીધી સરખામણી યોગ્ય નથી. પરીક્ષણો દરમિયાન રસી લીધેલ એક પણ વ્યક્તિને તીવ્ર કોવિડ થયો નહોતો. નિયત કરેલા ધોરણ મુજબ ૫૦%થી વધુ અસરકારકતા ધરાવતી આ રસીને મળેલી મંજૂરી ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે શુભંકર સમાચાર છે. રસીની કિંમત અને સંગ્રહમાં પ્રમાણમાં સરળતાને કારણે વિશ્વમાં સૌથી વધુ લોકો કદાચ આ જ રસી લેશે ત્યારે ભારતીય કંપનીએ રોગચાળાની શરૂઆતમાં ઉઠાવેલ જોખમના મીઠાં ફળ ભારતીય જનતાને હવે મળશે તે સરાહનીય છે.

હવે વાત બીજી રસીની કરીએ. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવાક્સિન (વૈજ્ઞાનિક નામ – BBV152). ICMR હેઠળની અગ્રતમ લેબોરેટરી NIV નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી-પૂણે સાથેની ભાગીદારીમાં વિકસાવેલ આ રસી નિષ્ક્રિય કરેલ પૂર્ણ વિષાણુ (Inactivated whole virion) પ્રકારની છે. આ તકનિક લગભગ ૧૫૦ વર્ષ જૂની છે પરંતુ આ પ્રકારની રસીઓ ઘણા રોગો સામે સમયની એરણ પર ખરી ઊતરી છે. ૧-૧-૨૧ના રોજ CDSCOએ ભારત બાયોટેકને ઉદ્‌બોધતાં નોંધ્યું છે આ રસીએ પહેલા અને બીજા તબક્કાનાં પરીક્ષણોમાં તથા પ્રાણીજન્ય પરીક્ષણોમાં સારી સલામતી અને રોગપ્રતિકારકજન્યતા (immunogenicity) બતાવી છે. પરંતુ ત્રીજા તબક્કાનાં પરીક્ષણો હજી બાકી છે. કંપનીએ ત્રીજા તબક્કા માટે બાકી સ્વયંસેવકોની ભરતી તરત કરી વહેલી તકે વચગાળાનાં પરિણામોની સમીક્ષા કરવી જોઈએ. અહીં નોંધનીય છે કે આ રસી માટે ત્રીજા તબક્કાનાં પરીક્ષણો નવેમ્બર મહિનામાં જ શરૂ થયા હતાં. (પ્રથમ બે તબક્કામાં આશરે ૧,૨૫૦ વ્યક્તિઓ પર થયેલ પરીક્ષણો બાદ રસીની સલામતી સંતોષકારક માલૂમ પડી હતી). બીજા દિવસે આ રસી માટે CDSCOએ પુનઃ બેઠક બોલાવી હતી અને અગમ્ય ઢબે DGCIની આગેવાની હેઠળ નિષ્ણાત સમિતિએ આ રસીને પણ મર્યાદિત અને શરતી મંજૂરી આપી, અસરકારકતાના આંકડાની ગેરહાજરી છતાં. શરતી મંજૂરી આપતાં નોંધ કરવામાં આવી છે : આ કટોકટીકાળની મંજૂરી પુષ્કળ સાવચેતી રાખીને, ક્લિનિકલ ટ્રાયલની રીતે અને વધુ વિકલ્પો મળી રહે એ હેતુથી આપવામાં આવી છે. આ પ્રકારની મંજૂરી કોઈ દવા કે રસી માટે આ પહેલાં ભારતમાં આપવામાં આવી નથી. મંજૂરી બાદ AIIMSના નિયામક ડૉ. રણદીપ ગુલેરિયા, ICMRના નિયામક ડૉ. બલરામ ભાર્ગવ તથા દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા રસીના બચાવમાં નિવેદનો આવ્યાં. તો બીજી તરફ CMC વેલ્લોરના પ્રોફેસર અને ચેપી રોગોના નિષ્ણાત ડૉ. ગગનદીપ કાંગ દ્વારા CDSCOના આ પગલાંની ભારે ટીકા કરવામાં આવી.

NIV અને ભારત બાયોટેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. તેમના દ્વારા બનાવેલ અનેક રસી વિશ્વસ્તરે માન્યતા ધરાવે છે. જે વિજ્ઞાનનો આધાર લઈને તેમણે રસી વિકસાવી છે તે તકનિક તેની કાર્યદક્ષતા પુરવાર કરી ચૂકી છે. તેમ છતાં, ત્રીજા તબક્કાનાં પરીક્ષણોની ગેરહાજરીમાં રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, આઘાતજનક પણ છે. રસીની તરફેણ કરતાં ડૉ. હર્ષવર્ધને નિવેદન કર્યું કે UKની નવી પ્રજાતિ વિરુદ્ધ આ રસી સારું કામ આપી શકશે એવી સંભાવના છે. અલ્યા ભાઈ, જ્યારે મૂળ વાઇરસ સામે જ રોગપ્રતિકારકતા કેટલી છે. એ ખબર નથી તો આવાં તારણો કેમનાં કાઢી શકાય. તબીબી વિજ્ઞાન માત્ર સૂચિત સિદ્ધાંત કે તર્કના આધારે ન ચાલે. કારણ કે આ કોઈ પૂર્ણ શાસ્ત્ર નથી, વિકસતું વિજ્ઞાન છે. અભૂતપૂર્વ પ્રગતિ છતાં આ જ્ઞાન અપૂર્ણ છે, ઘણાં તથ્યો/હકીકતો હજી અસાધ્ય છે. આથી જ જ્યારે કોઈ નવી દવા કે રસીને મંજૂરી આપવામાં આવે ત્યારે આવી અપૂરતી માહિતીને આધારે લગાવેલ કેવળ તર્કથી આગળ વધીને પ્રયોગમૂલક આંકડા એક્ઠા કરવાં તબક્કાવાર તબીબી પરીક્ષણો કરવામાં આવે છે, અને તો જ આ શાસ્ત્રના પાયાગત ખ્યાલ. “Primium Non Nocere (first do no harm) મુજબ સૌથી મહત્ત્વનું એ છે કે કોઈને હાનિ ન થાય”નું પાલન થઈ શકે. એક ભારતીય તરીકે અને વિજ્ઞાનના સાધક તરીકે એવી આશા જરૂર હોય કે આ સ્વદેશી રસી વિશ્વની શ્રેષ્ઠ રસીઓને ટક્કર આપે. પરંતુ જ્યાં સુધી આ વાત પરીક્ષણો દ્વારા સાબિત ન કરી શકાય ત્યાં સુધી આ રસીને મંજૂરી આપવી અનુચિત જ નહીં, અનૈતિક પણ કહી શકાય – તે પણ એવા સંજોગોમાં જ્યારે વૈકલ્પિક રસી કે જેની અસરકારકતા અને સલામતી સાબિત થયેલ છે તે ઉપલબ્ધ છે.

રસી-બનાવટ એ તબીબી વિજ્ઞાન માટે નવપ્રયોગ, સંશોધન અને વિકાસ(innovation, research & development)નો વિષય છે; પરંતુ રસીકરણ એ લોકસ્વાસ્થ્યની બાબત છે જેનો પાયો રસીની સલામતી અને અસરકારકતામાં જનવિશ્વાસ ઊભો કરવામાં રહેલો છે. રાષ્ટ્રવાદની લાય કે આત્મનિર્ભરતાની ઉતાવળ જો આ જનવિશ્વાસને હાનિ પહોંચાડતાં હોય તો મને એ બેમાંથી એક પણ સ્વીકાર્ય નથી.

જાન્યુઆરી ૧૦, ૨૦૨૧, નવી દિલ્હી

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2021; પૃ. 01-02

Loading

રાજા બની ગયો છું

'સાજ' મેવાડા|Opinion - Opinion|11 January 2021

રાજા બની ગયો છું, સૌને હવે સતાવું,
સાક્ષી વિના બધાને શૂળી ઉપર ચઢાવું.

હિંમત નથી તમારી, અમથા મરી જવાના,
સામે પડો વિચારી, જેલો ભરી ડરાવું.

મિત્રો બધા ય મારા આવી સલામ કરશે,
આપી ઘણા ખિતાબો ઈર્ષા થકી લડાવું.

જે આંધળા હશે ને, લુચ્ચી શિયાળ જેવા,
એવા પ્રધાન મારા, શોધી અને બનાવું.

માનો નહીં હકૂમત, મારા સ્વરાજની તો,
આવો નજીક લોકો, ઘા 'સાજ'ના બતાવું.

Loading

...102030...2,2042,2052,2062,207...2,2102,2202,230...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved