Opinion Magazine
Number of visits: 10081145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિજયી ભવઃ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|18 October 2025

અરજણભા ફળિયામાં ખાટલો ઢાળીને હાથમાં મોબાઈલ લઈને બેઠા હતા. દિવાળીની રાત હતી. બહાર શેરીમાં નાના, મોટા સહુ ફટાકડાં ફોડીને આનંદની ચીચયારી પાડી રહ્યાં હતાં. આમ તો ગામનાં લોકો દર દિવાળીએ અરજણભાના મોટા ફળિયામાં ફટાકડાં ફોડવા ભેગાં થતાં, પણ આજે અરજણભાએ ખડકી જ ખોલી નહોતી. દરવખતની જેમ આ દિવાળીમાં અજારણભાનાં મનમાં આનંદ નહોતો. દિવાળી ગમગીન લાગતી હતી. તેનું કારણ હતું, રાજભા દર દિવાળીએ અઠવાડિયાની રજા લઈને દિવાળી કરવાં ગામડે આવી જતો. પણ અઠવાડિયા પહેલાં રાજભાનો ફોન હતો કે આ દિવાળીએ તેને રજા નહીં મળે. સીમા પર પડોશી દેશની હિલચાલ વધી ગઈ છે. કદાચ યુદ્ધ પણ શરૂ થઇ જાય. 

“શું? તમે ક્યારનાં મોબાઈલ સામે તાકીને બેઠા છો? રાજે આપણને અઠવાડિયાં પહેલાં જ જણાવી દીધું છે કે એ આ વખતે દિવાળી પર ઘરે નહીં આવી શકે. મેં જ્યારે રાજને સૈનિક તરીકે સેનામાં જોડાવાની ના કહી, ત્યારે તમે બંનેએ મારી વાત માની નહોતી. સેનાની નોકરી જ એવી હોય, ક્યારે દેશની હાકલ પડે અને દોડવું પડે એ નક્કી ન કહેવાય. ત્યારે તમે એમ કહ્યું હતું `કે જો બધાં જ પોતાનાં સંતાનને પોતાની પાસે જ રાખે અને સેનામાં જોડવા ન દે; તો દેશની સીમનું રક્ષણ કોણ કરશે? સીમા અસુરક્ષિત થઇ જાય એટલે દેશ અને આપણે બધાં અસુરક્ષિત થઇ જઈએ. એટલે રાજ ભલે દેશની સેવા કરવા માટે સેનામાં જોડાતો. રાજને તો એટલું જ જોઈતું હતું. રાજ સેનામાં જોડાઈને સીમા પર દેશની સેવા કરવા પહોચી ગયો. હવે, આજે રાજના ફોનની રાહ જોઈને મોબાઈલ હાથમાં લઈને બેઠા છો. મને પણ દીકરા વગરની આ દિવાળી સુની સૂની લાગે છે. દિવાળીની રાતે આપણું ફળિયું ફટાકડાંના અવાજથી ગાજતું હોય છે. અરે! ક્યારેક તો તમે પણ બાળક બનીને રોકેટ ફોડવા કે બોમ્બ ફોડવા દોડી જતા. અને આજે … ખડકી પણ આપણે બંધ રાખી છે.”

“તારી વાત સાચી છે. સેનાની નોકરી જ એવી હોય છે. દરેકને પોતાના દીકરા વહાલા હોય છે એમ મને પણ આપણો રાજ વહાલો છે. એટલે તો આજે તેની ખોટ વરતાય છે. પણ, અમારી વાત પણ એટલી જ સાચી છે. દેશની સેવા કરવી એ દરેક નાગરિકનો ધર્મ છે. આપણે આપણા રાજને સેનામાં મોકલીને દેશસેવામાં યોગદાન આપીએ છીએ. મને પણ રાજની સતત ચિંતા રહે છે. જ્યારે તેણે કહ્યું કે આ દિવાળીએ રજા નહીં મળે. સીમા પર પડોશી દેશની હિલચાલ વધી ગઈ છે ત્યારથી મારું મન રાજની ચિંતામાં વ્યસ્ત થઇ ગયું છે. રાજે કહ્યું હતું `કે તેણે સીમા પર ડ્યુટી કરવાની છે.` આજે ટી.વી. સમાચારમાં પણ સીમા પર ભડકો થયો છે, અને સામસામા ગોળીબાર શરૂ થઈ ગયાના સમાચાર આવે છે. તને સાચું કહું આ બહાર ફૂટતાં ફટાકડામાં મને સીમા પર થતા ગોળીબાર અને તોપના અવાજ સંભળાય છે. એટલે તો આજે બહાર પણ નથી ગયો કે ખડકી નથી ખોલી. આ પડોશી દેશને દિવાળી પર જ યુદ્ધ કરવાનું ઝુનૂન કેમ ઉભરાતું હશે? હા, પણ એ લોકોને અને દિવાળીનાં તહેવારને શું લાગે વળગે. આમ અરજણભા અને તેમના પત્ની ચિંતા ગ્રસ્ત ચહેરે વાતો કરતાં હતાં. પણ અરજણભા વારંવાર મોબાઈલ સ્ક્રીન સામે જોઈ લેતા.

અરજણભાના મોબાઈલમાં રિંગ વાગી. નંબર જોઈને અરજણભાનાં ચહેરા પર ખુશી ફરી વળી. પત્ની સામે જોઈને કહ્યું, “રાજનો ફોન છે.”

ફોનનું સ્પિકર ઓન કરી કહ્યું, “હલ્લો, રાજ દીકરા કેમ છો? તારી વગરની અમારી દિવાળી સાવ જ ફિક્કી પડી ગઈ છે. તને કેમ છે, દીકરા? ત્યાં આ અવાજ શેના સંભળાય છે? તું, તું, વાત કર, અમે તારો અવાજ સાંભળવા માટે આતુર છીએ.”

“અરે! બાપુ તમે એક સાથે અનેક સવાલ પૂછી નાખ્યા. તમે ધૂમધામથી આજે દિવાળી મનાવો. અમે અહીંયા દિવાળીની ધૂમધામ શરૂ કરી દીધી છે. બાપુ, આ, જે અવાજ સંભળાય છે એ ગોળીઓનાં કે તોપગોળાનાં ફૂટવાના નથી, ફટાકડાં અને ફટાકડાંના બોમ્બ ફૂટવાના છે. અમારી ચોકી પર દુ:શ્મને હલ્લો કર્યો હતો. અમે દુંશ્મનની ટેન્કો અને સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો છે. તેની ખુશીમાં આ ધમાચકડી છે. તમે મારી હાજરી ત્યાં છે એમ માનીને આજની દિવાળીની રાત દરવખતની જેમ સહુ સાથે ધૂમધામથી મનાવો.”

“સારુ, સારું, દીકરા” એમ કહીને અરજણભા ખડકી ખોલી શેરીમાં પહોચી ગયા અને કહ્યું એ દીકરા, એક રોકેટ લાવ મારે ફોડવું છે. તમે બધાં ફળિયામાં આવી જાવ. ધૂમધામથી દિવાળી મનાવો. આજે મારો દીકરો અને દેશ વિજયી થયા છે …..

ભાવનગર
e.mail : Nkt7848gmail.com

Loading

સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 

નેહા શાહ|Opinion - Opinion|17 October 2025

નેહા શાહ

બાબા સાહેબ આંબેડકરના મત અનુસાર સ્ત્રીઓ અને દલિતો બંનેમાં એક સામ્ય છે. બંને સમાજમાં રહેલા માળખાકીય ભેદભાવનો સામનો કરે છે. જાતિપ્રથા અને પિતૃસત્તા – આ બંને વ્યવસ્થાઓ એક બીજાની પૂરક છે અને સદીઓથી દલિતો અને સ્ત્રીઓને સમાન દરજ્જો, માન-મર્યાદા અને અધિકારોથી વંચિત રાખવામાં એનો ફાળો છે. એટલે બંધારણ ગમે તેટલું સારું લખાય, એમાં દરેક નાગરિકના સમાન અધિકારની કાળજી રખાય, પણ જ્યાં સુધી સામાજિક સુધારો નહિ થાય ત્યાં સુધી દરેક વ્યક્તિને સાચા અર્થમાં સ્વતંત્રતા નહિ મળે. બાબા સાહેબની આ વાત આઝાદીના આઠ દાયકા પૂરા થવા પર છે, ત્યારે પણ કેટલી સાચી જણાય છે! ગયા અઠવાડિયે બનેલી બે તદ્દન અલગ અલગ ઘટનાને આ વાસ્તવિકતા એક તાંતણે બાંધે છે  એક, ચીફ જસ્ટીસ ગવાઈ પર જૂતું ફેંકાયુ અને બે, તાલીબાની વિદેશ મંત્રી મુત્તાકીએ ભારત ખાતેના તેમના દૂતાવાસમાં કરેલી પત્રકાર સભામાં મહિલા પત્રકારોને પ્રવેશ ન આપાયો. બંને ઘટનામાં દેખાય છે કે સામાજિક અધિક્રમ અને એમાંથી ઉદ્દભવતા ભેદભાવ કેટલા સામાન્ય અને સ્વીકૃત છે. 

જસ્ટીસ ગવાઈ આ હોદ્દા સુધી પહોંચેલા બીજા દલિત ચીફ જસ્ટીસ છે. મધ્ય પ્રદેશમાં ભગવાન વિષ્ણુની ક્ષતિગ્રસ્ત મૂર્તિના કેસમાં ચીફ જસ્ટીસે કરેલી ટિપ્પણીથી એક વર્ગ નારાજ છે. કોઈની લાગણી દુભાય એવી ટિપ્પણી તેઓ ટાળી શક્યા હોત, અને અંગે જાહેર ચર્ચા થવી જોઈએ. પણ ઈકોતેર વર્ષના વકીલ રાકેશ કિશોરે તો ચર્ચાનો રસ્તો અપનાવ્યા વિના  મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો ! ત્યારબાદ એક મુલાકાતમાં તેમણે જણાવ્યું કે આ એક ગણતરીપૂર્વકનો હુમલો હતો અને તેમને પોતાના કર્યા પર કોઈ પસ્તાવો નથી, પણ ગર્વ છે! આ ઘટનાએ ચીફ જસ્ટિસની સામે સોશ્યલ મીડિયા પર દુ:વ્યવહારનુ શરમજનક વંટોળ પણ ઊભું થયું. વ્યાપકપણે શેર થયેલા એ.આઈ. – જનરેટેડ એક વીડિયોમાં ચીફ જસ્ટીસ ગવઈની અપમાનજનક છબી જોવા મળી. ઘણાં પ્રચલિત મીડિયાએ પણ હળવા સ્વરે રાકેશ કિશોરની ટીકા કરી, બમણા જોરે જસ્ટીસ ગવાઈના ચુકાદાઓની ટીકા કરી રાકેશ કિશોરનો લગભગ બચાવ કર્યો, તો પછી એમાં રહેલા જ્ઞાતિવાદી વલણની ચર્ચા તો વૈકલ્પિક યુ-ટ્યુબ મીડિયાના ભાગે જ આવી.  રાકેશ કિશોર સામે કોઈ કાયદાકીય કાર્યવાહી હજુ સુધી થઇ નથી. 

આ આખી ઘટનામાં ઘણા ‘જો’ અને ‘તો’ જોડીએ તો એક ચિત્ર ઊભું થાય છે જે આપણા સમાજની વાસ્તવિકતા રજૂ કરે છે. જો જસ્ટીસ ગવાઈ દલિત ન હોત તો તેમણે કરેલી ટિપ્પણી અંગે ગમે તેટલી નારાજગી હોવા છતાં કોઈ સવર્ણ વકીલે આવું કૃત્યુ કર્યું હોત? જો જસ્ટીસ સવર્ણ  હોત અને જૂતું ફેંકનાર દલિત કે મુસલમાન હોત તો એમને ક્ષમા બક્ષવામાં આવી હોત? તો મીડિયાએ એમને લગભગ વધાવતા ઈન્ટરવ્યુ કર્યા હોત? આમ તો ચીફ જસ્ટીસના પદે બેઠેલી વ્યક્તિનું અપમાન એટલે સમગ્ર ન્યાયતંત્રનું અપમાન કહેવાય. પણ, સમગ્ર ઘટનાની ચર્ચા માત્ર વ્યક્તિગત હુમલા અને અપમાન પૂરતી સીમિત થઇ ગઈ. 

બીજી ઘટના તાલીબાની વિદેશ મંત્રીની પત્રકાર સભાની છે. આફ્ઘાનીસ્તાનના વિદેશ મંત્રી માવલાવી આમીર મુત્તકી અઠવાડિયા માટે ભારત આવ્યા છે. ભારતે સત્તાવાર રીતે તાલીબાનની સત્તાને સ્વીકારી નથી, એટલે સૌથી પહેલા તો એ પ્રશ્ન કરવો રહ્યો કે તાલીબાની મંત્રી ભારતમાં શું કરે છે? એમને પત્રકાર પરિષદ ભરવાની અનુમતિ કઈ રીતે અપાઈ? અને તે પણ મહિલા પત્રકારોને પ્રવેશ ના આપવામાં આવ્યો, એવી તાલીબાની વ્યવસ્થા ભારતની ધરતી પર કઈ રીતે ગોઠવાઈ? આ ઘટના અંગે થયેલા ઊહાપોહ પછી આફઘાન દૂતાવાસે વ્યવસ્થાપનમાં રહેલી ચૂક પર વાંકનો ટોપલો ઢોળ્યો ! ભારત સરકારે એમ કહીને હાથ ઉપર કરી લીધા કે આફઘાન દૂતાવાસ ભારત સરકારના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો ! ત્યાં પહોંચેલા પુરુષ પત્રકારોએ પરિષદમાં ભાગ લીધો! તેઓ બહિષ્કાર કરી શક્યા હોત ! એ તો સારું છે કે દેશમાં જાગરૂક નાગરિકો છે – પત્રકારો, સ્વતંત્ર નાગરિકો અને વિરોધ પક્ષના નેતાઓએ આ ઘટનાનો વ્યાપક વિરોધ કર્યો. બીજા દિવસે પુરુષ પત્રકારોએ પણ પોતાનો વિરોધ નોંધાવી પરિષદમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો ત્યારે મહિલા પત્રકારોને પ્રવેશ મળ્યો, તેઓ પ્રથમ હરોળમાં બેઠી અને પરિષદ થઇ. એ પણ નોંધવું રહ્યું કે સત્તાપક્ષના કોઈ નેતા, કે સમર્થક તરફથી તાલીબાની પત્રકાર પરિષદ અંગે કોઈ ટિપ્પણી આવ્યાનું સાંભળ્યું નથી.  મુદ્દો એ છે કે અતિથિની આગતાસ્વાગતામાં આપણા નિર્ણયકર્તાઓને પણ પ્રથમ દૃષ્ટિએ એમાં વાંધો ઉઠાવવા જેવું કશું લાગ્યું નહિ ! આપણો દેશ, આપણી ધરતી, અને આપણા બંધારણના ન્યાયક્ષેત્રમાં આવો ભેદભાવ યુક્ત પ્રસંગ સત્તાવાર રીતે બન્યો! 

આવી ઘટનાઓમાં ઊંડે રહેલી માન્યતા અને વિચારસરણી છતી થાય છે. જેમાં ભેદભાવ પચાવી ચુકેલા સમાજની છબી છતી થાય છે, જે મુખ્યત્વે સ્ત્રી વિરોધી તેમ જ જ્ઞાતિવાદી છે. આપણા આચાર અને વિચારમાં આ વલણો એટલા ઊંડે સુધી ખૂંપેલા છે કે એમાં કશું ખોટું થતું દેખાતું પણ નથી. એટલે બંને ઘટનાનાં મૂળમાં રહેલી માણસ – માણસ વચ્ચેનો ભેદભાવ કરતી વિચારસરણીની ચર્ચાને સપાટી પર લાવવા માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|17 October 2025

હેમન્તકુમાર શાહ

સમીર અમીન (૧૯૩૧-૨૦૧૮) નામના એક ઇજિપ્શિયન-ફ્રેન્ચ અર્થશાસ્ત્રીએ એમ કહ્યું છે કે દુનિયાભરમાં પાંચ જૂથો સામાન્ય લોકો પર પોતાનો અડ્ડો જમાવીને બેઠાં છે. એ બધાં સામાન્ય લોકો સામે કાવતરાં કરવામાં ભેગાં જ છે. સામાન્ય લોકોનું આર્થિક, સામાજિક અને રાજકીય શોષણ કરવામાં તેઓ એકબીજાને સહકાર આપે છે અને તેમાંથી મળતા લાભો મેળવે છે.

આધુનિક અર્થશાસ્ત્રના પિતા ગણાતા બ્રિટિશ અર્થશાસ્ત્રી એડમ સ્મિથ (૧૭૨૩-૯૦) દ્વારા એમ લખવામાં આવ્યું હતું કે, “વેપારીઓ જ્યારે ભેગા મળે છે ત્યારે ગ્રાહકો સામે કાવતરાં કરીને છૂટા પડે છે.” આ વાક્ય સમીર અમીન જે પાંચ જૂથોનો ઉલ્લેખ કરે છે તેમને સહિયારી રીતે લાગુ પડે છે.

સમીર અમીન આ પાંચ જૂથો આ મુજબ ગણાવે છે :

(૧) સામાજિક અને રાજકીય નેતાઓ

(૨) સરકારી અમલદારો

(૩) ઉદ્યોગપતિઓ

(૪) લશ્કર

(૫) વ્યવસાયીઓ (એટલે કે પ્રોફેસરો, વકીલો, ડોક્ટરો, મેનેજરો, સ્થપતિઓ, મોટા વેપારીઓ, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, સાહિત્યકારો, પત્રકારો, આઈ.ટી. જેવા દરેક ક્ષેત્રના ટેકનિકલ નિષ્ણાતો તેમ જ મોટિવેશનલ સ્પીકરો, વગેરે)

મને આ પાંચમાં એક બીજું જૂથ ઉમેરવાનું મન થાય છે અને તે છે : 

(૬) બધા ધર્મોના ‘ધધૂપપૂ એક હજાર આઠો’ કે જેમાં કહેવાતા સાધુઓ, ભગવંતો, મૌલવીઓ, આયાતોલ્લાહો, પાદરીઓ, પોપ, કથાકારો વગેરેનો સમાવેશ થાય છે. 

આ અર્ધો ડઝન લોકો, કે જેમની વસ્તી દુનિયાની કુલ વસ્તીના દસ ટકાથી વધારે હોતી નથી, દુનિયાના નેવું ટકા લોકો પર અડિંગો જમાવીને બેઠા છે. તેઓ શોષણજનક વ્યવસ્થાઓ ઊભી કરે છે, તેમને પોતાને જ લાભકર્તા એવા કાયદા અને નિયમો બનાવે છે અને બાકીની ૯૦ ટકા વસ્તીનું શોષણ કરે છે. 

લોકોએ ખરી આઝાદી આ અર્ધો ડઝન લોકોથી મેળવવાની છે. આ લોકો પાસે જ અર્થસત્તા, રાજસત્તા અને ધર્મસત્તા છે. ઘણી વાર તો ખ્યાલ પણ ન આવે કે કયા જૂથ પાસે કઈ કઈ સત્તા છે. આ ત્રણેય સત્તાના કોકટેલ સામે મહાત્મા ગાંધીએ બગાવતનો ઝંડો ઉગામ્યો. આવો અહિંસક ઝંડો ઉઠાવનારા માનવજાતના હજારો વર્ષોના ઇતિહાસમાં એ પહેલા હતા. તેમણે દરેક વ્યક્તિના “સ્વરાજ” માટે સર્વોદય, સ્વદેશી અને સત્યાગ્રહના માર્ગો બતાવ્યા છે. 

ઈશ્વર, અલ્લાહ અને ગોડ જેવા ભગવાનો અને તેમના પૃથ્વી પરના જાતે બની બેઠેલા એજન્ટો મનુષ્યને ગુલામ બનાવે છે અને તેને ગુલામ બનાવતી તમામ વ્યવસ્થાઓને ઉછેરે છે, બરાબરની પોષે છે અને ટકાવે છે; એટલે એ ભગવાનોથી આઝાદ થઈએ તો સામાજિક, આર્થિક અને રાજકીય ગુલામીમાંથી બહાર નીકળવાના અને તમામ પ્રકારની બેફામ સત્તા સામે સત્યાગ્રહ કરવાના રસ્તા મળે, નહીં તો નહિ મળે. 

તા.૧૭-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...217218219220...230240250...

Search by

Opinion

  • એક યુવક જન્તર મન્તર છોડતી વખતે પોલીસને કહેતો જાય કે, “ફિર આયેંગે ઔર તબ બંદૂક લેકર આના.”
  •  પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટી શિક્ષણ સુધી ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર …
  • ૨૧મી સદીમાં ઘર પુન: બાંધવું
  • Gen Zનો રોષ: કઠેડામાં આજની કે અગાઉની પેઢી નહીં, વ્યવસ્થા છે
  • ચલ મન મુંબઈ નગરી—353

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved