Opinion Magazine
Number of visits: 9573581
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સેક્સવર્કરની સંગાથેઃ — ૩

ગૌરાંગ જાની|Opinion - Opinion|2 October 2020

૧૪ : કૉલગર્લની પ્રથમ મુલાકાત : અમારો પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારથી એક મહત્ત્વનો હેતુ હતો કે અમદાવાદ જેવા મોટા શહેરમાં વધુ ને વધુ બહેનો સુધી સેવાઓ પહોંચવી જોઈએ, પણ એ માટે જરૂરી હતું કે બહેનોને શોધવી અને ભિન્ન-ભિન્ન પ્રકારે ધંધો કરતી બહેનોને શોધવી. આ માટે અમે અમદાવાદના નકશા પર સમયે-સમયે સ્ત્રીઓ કપાળમાં બિંદી લગાવે છે. તેને જુદા-જુદા વિસ્તારોમાં પર લગાવતા ગયા. મારે કહેવું જોઈએ કે પ્રોજેક્ટના વિદ્યાર્થી કાર્યકરોએ આખું અમદાવાદ ખૂંદી નાખ્યું અને અંતે અમદાવાદનો નકશો બિન્દીઓથી ભરાઈ ગયો. તેનો મતલબ એ થયો કે શહેરમાં આ વ્યવસાય ખાસો ફેલાયેલો છે.

જુદી-જુદી કૅટેગરીની બહેનોમાંથી એ સમયે કૉલગર્લ સાથેની મુલાકાત મુશ્કેલ હતી, કારણ કે મોબાઈલફોનની સુવિધા સૌ પાસે ન હતી. પરિણામે એ બહેનોનો સંપર્ક સહેલાઈથી થઈ શકે એમ ન હતો. જુદી-જુદી વ્યક્તિઓ પાસેથી ફોનનંબર લઈ અમે તેઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા, પણ તેઓ પ્રોજેક્ટની વાત સાંભળે કે એઇડ્‌સની વાત સાંભળે, તો ફોન કટ કરી દેતાં. સ્વાભાવિક છે કે તેઓ આમ જ કરે.

આ સ્થિતિમાં મેં નક્કી કર્યું કે એક ગ્રાહક તરીકે તેઓનો સંપર્ક કરું. એક અઠવાડિયા પછી એક બહેનનો સંપર્ક થયો. એ સમયે હું યુનિવર્સિટીમાં હતો. બહેને પૂછ્યું કે ક્યાં મળીશું અને મને એમ જ સૂઝ્યું અને કહ્યું કે રેડરોઝ રેસ્ટોરન્ટમાં મળીએ. આ રેસ્ટોરન્ટ ગુજરાત યુનિવર્સિટીની નજીક હતી. સાડા બાર વાગે મળવાનું નક્કી થયું અને હું સમયસર પહોંચી ગયો. બહાર ઊભા-ઊભા બીજો કલાક નીકળ્યો. પણ એ બહેન આવી નહીં. હું જો ધીરજ ગુમાવી ત્યાંથી જાઉં તો આ તક ગુમાવું. એ સમયે મોબાઈલફોન પણ ન હતો, એટલે આજની જેમ ઝટ ફોન કરવો શક્ય ન હતો. બે કલાક પછી એ બહેન આવી અને મને સૉરી કહ્યું પણ તે અચંબિત હતી. કારણ કે કોઈ ગ્રાહક આવી રાહ ના જુએ. બનેલું એવું કે એ દિવસે ભારતના રાષ્ટ્રપતિ શહેરની મુલાકાતે આવેલા એટલે ટ્રાફિકજામને કારણે એ બહેન મોડી પડી.

પણ મેં કહ્યું કે સૉરી તો ત્યારે સ્વીકારીશ, જ્યારે તું મારી સાથે કૉફી પીશ. એ તૈયાર થઈ અને અને રેડરોઝમાં કૉફી પીવા બેઠાં. મેં કહ્યું કે હું કોઈ ગ્રાહક નથી, પણ અધ્યાપક છું અને એઇડ્‌સ નિયંત્રણનું કામ કરીએ છીએ. અમારે તમારી જેવી બહેનો સાથે જાગૃતિનું કામ કરવું છે. પછી તેને પોતાની જીવનકહાની કહી. તે બીએસ.સી.ના બીજા વર્ષમાં ભણતી. ભણવાનું છોડીને પરિવારને આર્થિક મદદ કરવા આ વ્યવસાયમાં આવી. ચર્ચા પછી તેણે અમને ઘણો સહકાર આપ્યો અને એ રીતે કૉલગર્લ બહેનો સાથેના સંવાદ માટેનો આઇસબ્રેક થયો, અને એવો ઘરોબો સ્થાપિત થયો કે પછી કાર્યકરોએ મોટી સંખ્યામાં આ બહેનોને પ્રોજેક્ટમાં સહભાગી બનાવી.

૧૫ : સેક્સવર્કરના ઘરનું વાસ્તુ : જ્યોતિસંઘના પ્રોજેક્ટ PSH(પાર્ટનરશિપ ફોર સેક્સ્યુઅલ હેલ્થ)ના પ્રારંભથી સક્રિય એવી સેક્સવર્કર બહેન મીના(નામ બદલ્યું છે)એ પોતાની આવકમાંથી તેમ જ લોન લઈને ફ્લૅટ ખરીદ્યો. પરંતુ એ તેના પરિવારથી અલગ રહેતી અને તેઓ સાથે કોઈ સંબંધ હતો નહિ. પરિણામે તેને માટે સવાલ ઊભો થયો કે ગૃહપ્રવેશ અર્થાત્‌ વાસ્તુ કરે તો કોણ આવે ? પરિવાર સિવાય પણ કોઈ મોટું મિત્રવર્તુળ ન હતું. એટલે તેણે અમારી પાસે આવી પ્રેમપૂર્વક નિમંત્રણ આપ્યું કે પ્રોજેક્ટના તમામ કાર્યકરો વસ્તુમાં આવે. એ સિવાય તેના આનંદમાં કોણ ભાગીદાર થશે !

અમદાવાદમાં નવજીવન પ્રેસની નજીક તેના નવા ફ્લેટમાં સત્યનારાયણની કથાનું આયોજન કર્યું. અમે બધાં જ મળીને પંદરેક કાર્યકરો એ કથામાં હાજર રહ્યાં અને એક ભેટ પણ તેને આપી. કથાના પ્રસાદ અને નાસ્તાનો આનંદ પણ લીધો. મને યાદ છે કે તેની આંખમાં આનંદ અને આત્મનિર્ભર બનવાનાં આંસુ ઊભરાયાં હતાં!

૧૬ : પીડા અને નિઃસહાયતા દેહવ્યાપરનીઃ આજે એક એવી ઘટનાની વાત કરવી છે, જે કલ્પનાતીત છે. ના કોઈ સાહિત્યમાં કે ના કોઈ ફિલ્મમાં પ્રતિબિંબિત થઈ છે, પણ હું તેનો સાક્ષી બન્યો છું, પરિણામે આજે પણ એ પીડા આપે છે.

અમદાવાદમાં એવી સેંકડો સેક્સવર્કર બહેનો છે, જેઓ પરિવારમાં રહે છે અને તેના માટે દેહવ્યાપાર કરે છે. આ કારણે અમે નક્કી કર્યું કે તેઓના પરિવારની પણ મુલાકાત લેવી, જ્યાં પરિવારના સભ્યોને ખબર હોય કે તે બહેન આ વ્યવસાય કરે છે. જેને અને હોમવિઝિટ કહેતા. આવી જ એક મુલાકાત ગોઠવાઈ. બહેને સમય આપ્યો સવારે ૧૦ વાગ્યાનો. પુરાણા અમદાવાદના એક વિસ્તારની શાળાના આઉટહાઉસમાં એ બહેન રહેતી. નામ એનું કનક. એક રૂમના એ ઘરની બહાર હું ઊભો અને બહારથી ખખડાવ્યું. અંદરથી અવાજ આવ્યો ’કોણ ?’ ગૌરાંગસર’, મેં જવાબ આપ્યો. મને બહેનો ગૌરાંગસર કહે છે.

થોડી વાર ઊભા રહો, સર. અને હું રાહ જોતો વિચાર કરતો કે એક શાળાના આઉટહાઉસમાં આ બહેન કેવી રીતે રહેતી હશે. થોડી વારમાં બારણું ખૂલ્યું અને કનક સાથે એક પુરુષ પણ બહાર આવ્યો. એ તો ગયો અને કનકે કહ્યું આવો સર. હું અંદર ગયો અને લોખંડની તૂટેલી ખુરશી પર બેઠો. કનકે પાણી આપ્યું. એક નાના રૂમના ઘરમાં પલંગ, વાસણો અને રસોડું બધું ત્યાં જ. પાણી પીતો હતો, ત્યારે એક નાની છોકરી પલંગ નીચેથી બહાર આવી. તેણે સ્કૂલ યુનિફૉર્મ પહેર્યો હતો. મને નવાઈ લાગી એ સમજીને કનકે કહ્યું. મારી દીકરી છે. સાતમા ધોરણમાં ભણે છે. આજે પરીક્ષા છે, એટલે એ પલંગ નીચે વાંચતી હતી.

મેં પૂછ્યું પલંગ નીચે ? હા સર ! પેલો પુરુષ મારો ગ્રાહક હતો. તેની હાજરીમાં દીકરીને પલંગ નીચે મોકલી દઉં છું. સર શું કરું ? ઘરમાં જ ધંધો કરું છું, એટલે રોજ આમ જ કરવું પડે ! મારે દીકરીને ભણાવવી છે, તેને મારા જેવી નથી કરવી સર! હું શું બોલું? ચૂપ અને અચંબિત! આ ઘટના પછી અમે નક્કી કર્યું કે આપણે સેક્સવર્કર બહેનોની દીકરીઓ સાથે પણ જાગૃતિનું કામ શરૂ કરીશું. એ વિશેની વાત ફરી ક્યારેક. પણ અત્યારે તો એ દૃશ્ય મને વારંવાર યાદ અપાવે છે કે પુરુષોની આ દુનિયામાં સ્ત્રીઓએ શું-શું નથી કરવું પડતું આત્મનિર્ભર બનવા !

૧૭ : ઝાડીઓમાં દેહવ્યાપાર : અમદાવાદ સહિત મોટા ભાગના ગુજરાતમાં ’રેડલાઇટ’ વિસ્તાર ના હોવાને કારણે દેહવ્યાપારની મોડસ-ઓપરેન્ડી બદલાતી રહી. અર્થાત્‌ તેના નવા-નવા રસ્તા ઊભા થયા. તેમાંનો એક ગુજરાતવ્યાપી રસ્તો – એટલે હાઈવેને અડીને આવેલી ઝાડીઓ. ખાસ કરીને બંગાળી સેક્સવર્કર બહેનો ઝાડીઓમાં રહી ધંધો કરતી. કારણ કે તેઓ સ્થરાંતરિત હોવાને કારણે તેમ જ કેટલીક બાંગ્લાદેશથી પણ આવતી હોવાને કારણે તેમ જ ગરીબ હોવાને કારણે ભાડા કે પોતાની જગ્યા ઊભી કરી શકે નહીં. આ કારણે શરૂઆતમાં અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ અને પછી વર્ષ ૨૦૧૦ સુધીમાં તો ગુજરાતમાં અનેક ઠેકાણે ઝાડીઓમાં ધંધો કરતી થઈ.

બે દાયકાપૂર્વે જ્યારે અમદાવાદ આજના જેટલું વિકસેલું ન હતું, ત્યારે શહેર વચ્ચેથી પસાર થતી રેલવે અને ગાંધીનગર જવાના રસ્તે તેમ જ નજીકના હાઈવેને અડીને મોટા વિસ્તારમાં ઝાડીઓ પથરાયેલી હતી. ઉદાહરણ રૂપે જોઈએ તો અમદાવાદમાં જ્યાં સાયન્સસિટી વિસ્તાર છે. ત્યાં રેલવેલાઇનને અડીને આવેલી ઝાડીઓ, જે હવે મકાનો બનતા ખતમ થઈ ગઈ, ત્યાં બહેનો ઝાડીઓ સાફ કરી પાથરણાં પાથરતી. માથોડા ઊંચી ઝાડીઓમાં શું ગતિવિધિ ચાલે છે, એ ગ્રાહકો સિવાય કોઈને ખબર ના પડતી. પીવાના પાણી માટે એક માટલું, ટિફિન, કૉન્ડોમ રાખવાનો ડબ્બો અને જાતીય સંબંધો માટે સાદડીઓ રાખવામાં આવતી.

તેઓને મળવા કાર્યકરો સાથે કે ક્યારેક એકલો જતો ત્યારે એકસાથે ચારપાંચ બહેનો ત્યાં ધંધો કરતી. બપોરના સમયે તો ઝાડીની બહાર અનેક સ્કૂટર પાર્ક થયેલાં હોય જે ગ્રાહકાનાં હોય. વારાફરતી ગ્રાહકો આવતા. ક્યારેક દલાલો પણ ગ્રાહક લઈને આવતા. અમે બહેનો માટે ક્રૅડિટ સોસાયટી બનાવેલી. જેથી તેઓ બચત કરી શકે. તેઓ પાસે આ માટેના પૈસા ઉઘરાવવા ક્યારેક હું જતો. તેઓ પાસે એક પાસબુક રહેતી. જેમાં જમા કરાવેલ પૈસાની નોંધ રહેતી.

એક વાર પ્રોજેક્ટના કાર્યકર સાથે બહેનોની મુલાકાત માટે ગયો અને તેઓના હાલચાલ પૂછતો તેવામાં જ પોલીસે ઝાડીમાં રેડ પાડી. મારી પણ પૂછપરછ થઈ. ગ્રાહકો ત્યાંથી ભાગવા લાગ્યા, તો પોલીસે એકબે ને પકડ્યા. પણ બહેનોને હેરાન ના કરી. આ બહેનો સવારે આવતી. ટિફિન લઈને આવતી. સાંજ સુધી ધંધો કરતી. પછી ભાડાના મકાનમાં પાછી જતી રહેતી. તેઓ વારંવાર રિલીફ રોડની અમારી ઑફિસ પર આવી ન શકે એટલે અમે તેઓને કૉન્ડોમ પહોંચાડતા.

જૂનાગઢમાં એક એન.જી.ઓ. સેક્સવર્કર બહેનો માટે કામ કરતી. તેના મૂલ્યાંકન માટે વર્ષ ૨૦૦૬માં હું ગયેલો, ત્યારે વંથલી નજીકના પુલ નીચેની ઝાડીઓમાં કામ કરતી સેક્સવર્કર બહેનો સાથે લગભગ આખો દિવસ રહેલો. ત્યાં પણ બંગાળી બહેનો હતી. પુલ પરથી નજર કરો, તો દૂર સુધી ઝાડીઓ ફેલાયેલી દેખાય, પણ અંદર જઈએ તો થોડા-થોડા અંતરે અનેક બહેનો અને ગ્રાહકો દેખાય. ગરમી, ઠંડી કે વરસાદ હોય, પણ ખુલ્લામાં સેક્સના સંબંધો એ જ આ બહેનોની જીવાદોરી. ગુજરાતમાં અનેક ઠેકાણે ઝાડીઓમાં ચાલતાં વ્યવસાયસ્થળોની મેં મુલાકાતો લીધી. આવી અનેક જગ્યાઓ હવે ભૂતકાળ બની ગઈ, કારણ કે ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગનો અતિ ઝડપી વિકાસ થયો એમ આ ઝાડીઓ લુપ્ત થવા માંડી અને આ બહેનોએ દેહવ્યાપારના નવા નવા રસ્તા અપનાવવા પડ્યા.

૧૮ : ‘સાવધાન અમદાવાદમાં ચારસો વેશ્યાઓ છે.’ આ શીર્ષક હેઠળની બૉક્સ-આઇટમ ૨૬ ફેબ્રુઆરી, ૧૯૯૯ના દિવસે અમદાવાદના એક ગુજરાતી અખબારમાં પ્રકાશિત થઈ. એ જ દિવસે આ અખબારની નકલ લઈ કેટલીક સેક્સવર્કર બહેનો જ્યોતિ સંઘની ઑફિસમાં આવી. તેઓ ગુસ્સામાં હતી. સ્વાભાવિક છે કે તેઓ ગુસ્સે થાય જ. અમે સૌએ બહેનો સાથે ચર્ચા કરી અને તેઓનો ગુસ્સો ઠંડો થયો.

બનેલું એવું કે આગળ કહી ગયો છું એમ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ અમે શહેરના પોલીસ સબઇન્સ્પેક્ટરની તાલીમશાળાનું આયોજન કર્યું હતું. આ વિશેના સમાચાર અખબારમાં પ્રકાશિત થાય એ માટે એ જ દિવસે સાંજે અમે પ્રેસનોટ તમામ અખબારોને ફેક્સ કરી. તેમાં અમે તાલીમ વિશેની વિગતો દર્શાવી અને છેલ્લી લાઇનમાં મેં લખ્યું કે જ્યોતિ સંઘના પ્રોજેક્ટમાં ૪૦૦ સેક્સવર્કર જોડાઈ છે. બીજા દિવસે ગુજરાતના એક નામાંકિત અખબારે છેલ્લા પાને બૉક્સ કરીને હેડિંગ બનાવ્યું ’સાવધાન અમદાવાદમાં ચારસો વેશ્યાઓ છે’.

એ જ દિવસે મેં અમદાવાદના પત્રકારોને ફોન કરી નિમંત્રણ આપ્યું કે તમારે સેક્સવર્કર બહેનો વિશે કોઈ હ્યુમનસ્ટોરી કરવી હોય, તો જ્યોતિ સંઘ આવો. તેના પ્રતિભાવ રૂપે અમારી ઑફિસમાં પત્રકારોની મુલાકાત સ્વાભાવિક બનતી ચાલી. બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ કૉમ્યુનિકેશનન વિભાગના વિદ્યાર્થીઓને વર્ગમાં એચ.આઇ.વી. એઇડ્‌સનાં સામાજિક પાસાંઓ વિશે અને સેક્સવર્કર વિશે ભણાવવાનું શરૂ કર્યું. તેનો હેતુ હતો કે ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ સેક્સવર્કર વિશે જાગૃત અને સંવેદનશીલ બને.

એક દાયકા સુધી અમદાવાદનાં તમામ અખબાર અને ટી.વી. ચૅનલના પત્રકાર-ફોટોગ્રાફર સૌએ સેક્સવર્કરના જીવનનાં, તેઓનાં સંઘર્ષનાં અને એઇડ્‌સ સામેની લડતનાં અનેક પાસાંઓને ઉજાગર કર્યા. લગભગ પ્રત્યેક અઠવાડિયે એક સ્ટોરી તો અવશ્ય પ્રકાશિત થતી. તેને પરિણામે જનસમાન્ય અને સરકારનો દૃષ્ટિકોણ બદલાયો અને આ બહેનોને સમાજની મુખ્ય ધારામાં સામેલ થવામાં મોટી મદદ મળી.

આજે આ સૌનો આભાર માની લઉં. લાંબી યાદી છે પણ તેમાં સમાવિષ્ટ છે પ્રશાંત દયાળ,  ભચેચ, રાજીવ પાઠક, રાધા શર્મા, સોનલ કેલોગ, સુરેશ મિસ્ત્રી, અનુભાઈ, ગૌતમ મહેતા, નિર્ણય કપૂર, અને હા મને અન્ય નામ યાદ કરાવશો, તો આભારી.

(ક્રમશઃ)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 13-14

Loading

નવી શિક્ષણનીતિ-૨૦૨૦

સ્વાતિ જોશી|Opinion - Opinion|2 October 2020

૨૯મી જુલાઈએ કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ-૨૦૨૦ને મંજૂરી આપી. આજે જ્યારે આપણે કોવિડની મહામારીના સંકટનો સામનો કરી રહ્યા છીએ, જ્યારે શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે, ત્યારે આ નીતિ અંગે જાહેર, ખુલ્લી ચર્ચાઓ કરવી લગભગ અશક્ય અને ઘણું જ મુશ્કેલ છે. ઉપરાંત અત્યારે સંસદ પણ કાર્યરત નથી, ત્યારે સંસદમાં પણ આ નીતિની ચર્ચાની લોકતાંત્રિક પ્રક્રિયાને અનુસર્યા વગર આટલી ઉતાવળથી એને મંજૂરી આપવાની શી જરૂર હતી એ એક સ્વાભાવિક પ્રશ્ન સૌને થાય. આ ખાસ ચિંતાનો વિષય એટલે છે કે દેશનાં દરેક બાળકોનું ભવિષ્ય આની સાથે જોડાયેલું છે. એટલે આટલી ઉતાવળમાં આવા મોટા નિર્ણયો વ્યાપક ચર્ચા વગર ન થવા જોઈએ.

નવી શિક્ષણનીતિ-૨૦૨૦માં શિક્ષણ વિશેના વિચારો, તેનાં ધ્યેયો તેમ જ શિક્ષણના માળખામાં પાયાના ફેરફારો કરવામાં આવ્યાં છે. આની પાછળ બે મુખ્ય પરિબળો છે, એક તો આ શિક્ષણનીતિ નવઉદારીકિકરણ અને વૈશ્વિકીકરણની જરૂરિયાતોને લક્ષમાં રાખીને ઘડવામાં આવી છે. નીતિમાં કહ્યું છે કે આ શિક્ષણ ભારતને એક નૉલેજસોસાયટી એટલે જ્ઞાનસમાજ બનાવશે, જેથી ભારત વિશ્વમાં એક મોટી આર્થિક મહાસત્તા બને અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે તૈયાર થાય. આમ, બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે શિક્ષણનો મુખ્ય હેતુ અને ઉપયોગ આર્થિક વૃદ્ધિ કરવા માટે થશે. આ એક પ્રકારનું શિક્ષણનું કૉર્પોરેટકરણ છે અને મૂડીવાદને અનુકૂળ એવું શિક્ષણ આપવામાં આવશે.

બીજું મોટું પરિબળ છે એ છે કે શિક્ષણમાં વિચારધારામાં પણ પાયાનું પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની શિક્ષણનીતિઓમાં ધર્મનિરપેક્ષ અને ઉદારમતવાદી (સેક્યુલર અને લિબરલ) શિક્ષણની ભલામણ હતી. જ્યારે આ નીતિમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતના સમૃદ્ધ પ્રાચીન વારસાથી આપણને મળેલું જ્ઞાન એ આ નીતિની માર્ગદર્શક ભાવના છે. આ શિક્ષણનો પાયો એક ચોક્કસ વિચારધારામાં રોપાયેલો છે. એ જમણેરી હિન્દુત્વની વિચારધારા છે. આ પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે આને કારણે શિક્ષણમાં એક એવી જાતનો બુનિયાદી ફેરફાર થશે, જેમાં બીજી વિચારધારાઓને વિકસવાની કે વ્યક્ત થવાની કોઈ શક્યતા રહેશે નહીં.

ત્રીજો મુખ્ય મુદ્દો એ છે કે આ નીતિમાં શિક્ષણનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે દરેક ક્ષેત્રમાં આજે કેન્દ્રીકરણ થઈ રહ્યું છે. એક દેશ એક રેશનકાર્ડ જેવાં અનેક સૂત્રો અત્યારે પ્રચલિત થયાં છે તેમ શિક્ષણને પણ એકરૂપી [homogenise] બનાવવાનો પ્રયત્ન છે. ભારતના બંધારણનું પણ આમાં ઉલ્લંઘન છે, કારણ કે ભારતનું રાજકીય માળખું સમવાયી/ફેડરલ માળખું છે. જુદાં-જુદાં રાજ્યોની જુદી-જુદી સંસ્કૃતિ, ભૂગોળ અને ઇતિહાસ છે, જેને લીધે તેમની શિક્ષણ અંગે પણ જુદી-જુદી જરૂરિયાતો હોય છે. એને નજરઅંદાજ કરીને સમગ્ર દેશમાં એકસમાન શિક્ષણપ્રથા દાખલ કરવામાં આવશે. જેના પર કેન્દ્ર સરકારનું સખત નિયંત્રણ રહેશે.

એક નજરે જો આ ૬૬ પાનાંનો દસ્તાવેજ વાંચીએ, તો એ ઘણી સારી ભાષામાં લખાયો છે અને ઘણો લોભાવનારો છે. એમાં એવા અનેક શબ્દો છે. જેને જોઈને સામાન્ય વાચક ખરેખર રાજી થાય. એમાં સમાનતા, સ્વાયત્તતા, પારદર્શિતા, ઈન્ક્‌લુઝીવનેસ – બધાનો સમાવેશ થાય એવી વ્યવસ્થા, અનેક શાખાકીય [multi-disciplinary] અભ્યાસક્રમ, આ બધાંનો ઉલ્લેખ છે. પરંતુ આ દસ્તાવેજને વાંચતાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક તો આ નીતિને આ સરકારનાં છ વર્ષના શાસનના સંદર્ભમાં મૂલવવાની જરૂર છે. આપણે જાણીએ છીએ કે અત્યારે અભિવ્યક્તિની સ્વતંત્રતાને, સરકારની નીતિઓના વિરોધમાં પ્રગટ થયેલા વિચારોને રૂંધવામાં આવે છે. યુનિવર્સિટીઓમાં ચર્ચાઓની જગ્યા સંકોરાતી જાય છે આજે કોઈ જાહેરક્ષેત્રમાં કોઈ પ્રકારની પારદર્શિતા નથી. સમાનતાની જગ્યાએ વિભાજન અને ભેદભાવની નીતિ સમાજમાં ઊંડી તિરાડો પાડી રહી છે. આ બધા વિચારો જ્યારે આ દસ્તાવેજમાં મૂકવામાં આવે, ત્યારે ખોખલા અને ખોટા પુરવાર થાય છે. એને આપણે ગંભીરતાથી લઈ શકીએ, એવી પરિસ્થિતિ કે રાજકીય વાતાવરણ આજે નથી.

બીજું, ખાસ તો આ શિક્ષણવ્યવસ્થામાં એવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં આ બધી બાબતો શક્ય જ નથી. એક એવા પ્રકારની યોજના કરવામાં આવી છે, જેમાં સમાવેશની, એટલે કે બધા વર્ગનાં અને જાતિનાં બાળકો શિક્ષણનો લાભ લઈ શકે, તેવી શક્યતાઓ ઘણી ઓછી રહેલી છે. આ શિક્ષણનીતિ ઉચ્ચ-મધ્યમ અને ઉચ્ચવર્ગનાં બાળકોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે. શિક્ષણમાં એક નવો વર્ગ ઉમેરવામાં આવ્યો છે – સામાજિક અને આર્થિક રીતે વંચિત સમૂહો [socioeconomically disadvantaged groups]. આ એક બહુ વિશાળ વર્ગ છે, જેમાં ૬૦થી ૭૦% બાળકોનો સમાવેશ થઈ શકે. એમને આર્થિક સહાય, શિષ્યવૃત્તિ, વગેરે આપવાનો પ્રસ્તાવ છે. પરંતુ ચોંકાવનારો પ્રસ્તાવ એ છે કે એમના શિક્ષણ માટે ખાસ શિક્ષણવિસ્તારો [special education zones] બનાવવામાં આવશે. ટૂંકમાં એમને માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે અને શિક્ષણમાં ભેદભાવ [Apartheid] ઊભો થશે.એક વખત એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી.નો ઉલ્લેખ છે. આર્થિક મદદના સંદર્ભમાં અસ્પષ્ટ સૂચન છે કે આ સમૂહોના વિદ્યાર્થીઓની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા પ્રયત્ન થશે. તેમની શાળામાંથી કૉલેજમાં સંક્રાંતિ સરળ બનાવવા પ્રોત્સાહન અને સલાહ આપવાનું ઉપકારક સૂચન છે, પરંતુ નોંધપાત્ર મુદ્દો એ છે કે આખા દસ્તાવેજમાં અનામતનો ઉલ્લેખ માત્ર નથી.

આ નીતિમાં ઉચ્ચશિક્ષણના માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી પ્રથમ, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓનું કદ વધારવામાં આવશે અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવામાં આવશે. આમ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને નાની સંસ્થાઓની સંખ્યા ઘટશે. આજે દેશમાં લગભગ ૪૫ હજાર જેટલી કૉલેજો છે, એમાંથી વખત જતાં પંદર હજાર ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ Education Institutions – HEIs] કરવામાં આવશે. આ કેવી રીતે થશે? ૩,૦૦૦ વિદ્યાર્થીઓથી ઓછી સંખ્યા ધરાવતી સંસ્થાઓને બંધ કરવામાં આવશે. આવી અલગ-અલગ નાની કૉલેજોના સમૂહો [clusters] કરીને, એમને ભેગી કરીને એક મોટી સંસ્થા બનાવવામાં આવશે અને એમાં ૫થી દસ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. દરેક જિલ્લામાં આવી એક મહાકાય સંસ્થા હશે. આવી વિશાળ સંસ્થાનો વિચાર પ્રાચીન ભારતની તક્ષશિલા, નાલંદા જેવી શિક્ષણસંસ્થાઓમાથી લેવામાં આવ્યો છે, જેમાં હજારો વિદ્યાર્થીઓ એકસાથે ભણતા! આટલા જબરદસ્ત ફેરફારનો અમલ કેવી રીતે કરવામાં આવશે, અત્યારે જે કૉલેજો છે એનું શું થશે, તેના શિક્ષકો વગેરેની શી વ્યવસ્થા થશે, એ અંગે કોઈ માહિતી નથી. એક શાખા, જેમ કે આટ્‌ર્સ, સાયન્સ, વગેરે ભણાવતી કૉલેજો બંધ થઈ જશે. કોઈ પણ સંસ્થામાં માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી શાખાઓ નહીં હોય અને દરેક વિદ્યાર્થીને બી.એલ.એ.[Bachelor of Liberal Arts]ની એકસમાન ડિગ્રી મળશે. આ સંસ્થાઓમાં અનેક શાખાકીય [multi-disciplinary] શિક્ષણ આપવામાં આવશે. કાયદાશાસ્ત્ર, તબીબીશાસ્ત્ર કે ઇજનેરી સંસ્થાઓમાં પણ બધા જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે. આ પાયાના ફેરફારોનું શું પરિણામ આવશે? એક તો આ સંસ્થાઓની માળખાગત વ્યવસ્થા [infrastructure] ઊભી કરવાનું અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ બનશે. સંસ્થા ચલાવવાનો ખર્ચ અનેક ગણો વધી જશે. એ ક્યાંથી આવશે? પૂંજીપતિઓ મૂડીનું રોકાણ કરીને શિક્ષણસંસ્થાઓમાં દાખલ થશે; થોડું સરકારની મૂડીનું રોકાણ થશે. જાહેર-પરોપકારી (ખાનગી) ભાગીદારી [public-philanthropic partnership – PPP] આ નીતિનું એક મુખ્ય પાસું છે. સરકાર અને પરોપકારી (ખાનગી) સંસ્થાઓ અને વ્યક્તિઓની ભાગીદારીથી આ સંસ્થાઓ ચાલશે. તેનું શું પરિણામ આવશે? શિક્ષણનું ખાનગીકરણ થશે. આજે દેશમાં દરેક ક્ષેત્રમાં ખાનગીકરણ થઈ રહ્યું છે તેવું જ શિક્ષણનું થશે. પૂંજીપતિઓ શિક્ષણસંસ્થાઓના માલિક બનશે અને શિક્ષણની ફી વધશે. આ એક ખૂબ જ મોટો ફેરફાર છે. જાહેર અનુદાનથી ચાલતું ગુણવત્તાવાળું ઉચ્ચશિક્ષણ [public-funded quality higher education] જેમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનો લાભ મળી શકે એની જગ્યાએ હવે આવી વિશાળ, ખાનગી, ખર્ચાળ સંસ્થાઓ શરૂ થશે. બીજું, નજીકના વિસ્તારોમાંથી કૉલેજો નીકળી જતાં વિદ્યાર્થીઓને, ખાસ તો ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને, અભ્યાસ માટે દૂર જવું પડશે. ફી ઉપરાંત તેમના રહેવા-ખાવાના ખર્ચનો બોજો માબાપ પર પડશે. છોકરીઓને આ વ્યવસ્થામાં સૌથી વધારે સહન કરવું પડશે. કયાં માબાપો પોતાની દીકરીઓને દૂર ભણવા મોકલશે? ઉચ્ચ શિક્ષણનો ઢાંચો આમ પાયામાથી બદલવામાં આવ્યો છે, જેમાં સમાજના ઓછી આવકવાળા સમૂહો તેમ જ છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું ઘણું મુશ્કેલ બનશે.

બીજું, ઉચ્ચશિક્ષણ માટે ૩ (અનુસ્નાતક) +૨ (સ્નાતક) વર્ષનો અભ્યાસક્રમ અથવા તો ૪ (અનુસ્નાતક)  + ૧ (સ્નાતક) વર્ષનો અભ્યાસક્રમ હશે. ચાર વર્ષના અનુસ્નાતક અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને અનેક બહાર નીકળવાના [multiple exit] વિકલ્પ મળશે. એક વર્ષને અંતે બહાર નીકળનારને સર્ટિફિકેટ, બે વર્ષે બહાર નીકળનારને ડિપ્લોમા, ત્રણ વર્ષે બહાર નીકળનારને ડિગ્રી અને ચોથા વર્ષને અંતે બહાર નીકળનારને સંશોધન સાથે ડિગ્રી મળશે. આનાં પણ અનેક આડ-પરિણામો આવશે. પહેલું તો શિક્ષણનું આખું માળખું ઢીલું થશે. બીજું, કયા વર્ગના વિદ્યાર્થીઓ બહાર નીકળશે? મહેનતથી અને મુશ્કેલીથી આગળ વધેલા, વધુ ભણવાનો પ્રયત્ન કરનારા દલિત-બહુજન વિદ્યાર્થીઓ અને ખાસ તો છોકરીઓ તક મળતાં, અનેક કારણોસર બહાર નીકળી જશે. ઉપરાંત, ચાર પ્રકારની ડિગ્રીઓ મળશે. આ ડિગ્રીઓની શું કિંમત હશે? આપણે જાણીએ છીએ કે આજે બેરોજગારી એટલી બધી છે કે એમ. એ. કે એંજિનિયરિંગની ડિગ્રી + હોય એવા વિદ્યાર્થીઓને પણ નોકરી મળતી નથી. ત્યાં આ ડિપ્લોમા અને સર્ટિફિકેટની એક કાગળના ટુકડાથી વધારેશું કિંમત હશે? એમને કેવા પ્રકારની અને કોણ નોકરી આપશે? આવી જુદા-જુદા સ્તરની ડિગ્રીઓ આપવાથી શિક્ષણમાં એક ભેદભાવ ઊભો થશે; એક વર્ણવ્યવસ્થા ઊભી થશે. અમુક વર્ગના લોકો બહાર નીકળી જશે, જેથી શિક્ષણના જે લાભો છે, ફાયદાઓ છે, તેમાંથી તે બાકાત રહે. તેમને ઉચ્ચ હોદ્દાની નોકરી પણ નહીં મળે. આમ નીતિમાં કાગળ ઉપર સમાવેશની વાત છે. પણ આ જાતની વ્યવસ્થામાં કયા સમૂહના લોકો આમાંથી બાકાત રહેશે એ સ્પષ્ટ છે. શિક્ષણનો હેતુ એ હોવો જોઈએ કે એક સઘન અભ્યાસક્રમ હોય, જેનો લાભ દરેક જણ પહેલેથી છેલ્લે સુધી ઊઠાવે. દરેકને તેમાંથી આગળ વધવાની તક મળે. પણ અહીં બહાર નીકળવાની એટલી બધી તકો આપવામાં આવી છે કે સમાજના મોટા સમૂહોનાં બાળકો પૂરું ઉચ્ચ શિક્ષણ નહીં મેળવે.

ત્રીજું, કૉલેજના અભ્યાસ માટે રાષ્ટ્રીય સ્તરે એક સામાન્ય પ્રવેશપરીક્ષા [common entrance test] લેવામાં આવશે, જેને કારણે પણ અમુક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણના લાભથી બહાર રહી જશે. આજે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા, મહેનતથી આગળ વધેલા વિદ્યાર્થીઓ સી.બી.એસ.સી.માં સારું પરિણામ લાવી આગળ ભણવાની તક મેળવી શકે છે. જે.એન.યુ. જેવી જાહેર અનુદાનથી ચાલતી યુનિવર્સિટીઓમાં સામાન્ય આવકવાળાં કુટુંબોમાથી અનેક વિદ્યાર્થીઓ દેશને ખૂણેખૂણેથી નજીવી ફી આપી ભણી શકે છે. નવી વ્યવસ્થામાં શાળાના અભ્યાસની અને પરીક્ષાઓનાં પરિણામોની કોઈ અગત્યતા નહીં રહે. બધાએ ફરજિયાત સામાન્ય પ્રવેશ પરીક્ષા આપવી પડશે. બીજું, આ પરીક્ષા બધા માટે એકસરખી હશે. એનું કેન્દ્રીકરણ અને એકરૂપીકરણ થશે. આનાં પણ પ્રતિકૂળ પરિણામ આવશે. પ્રવેશપરીક્ષા બેશક લેવાય, પરંતુ ફેડરલ માળખાને અનુસાર દરેક પ્રદેશ, દરેક સંસ્થા, દરેક વિભાગ પોતાની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતાં પહેલાં ચકાસી શકે છે. જે.એન.યુ. આનું એક ઉત્તમ ઉદાહરણ છે. ત્યાં દેશના ખૂણેખૂણેથી અને ગ્રામ્યવિસ્તારોમાંથી અનેક વિદ્યાર્થીઓ આવે છે અને તે લોકો પણ પ્રવેશપરીક્ષામાં ભાગ લે છે, પરંતુ તે વિદ્યાર્થીઓને જુદી રીતે મૂલવવામાં આવે છે અને તેમની પસંદગી જુદી રીતે થાય છે. આની જગ્યાએ એક સમાન સામાન્ય પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓની સામાજિક-આર્થિક પરિસ્થિતિ કે તેમની શિક્ષણ પદ્ધતિનો ખ્યાલ રાખવામાં આવશે નહીં. આને લીધે પણ ઉચ્ચ શિક્ષણ મેળવવામાંથી ઘણા બહાર રહી જશે. ઉપરાંત, સામાન્ય પ્રવેશપરીક્ષા માટે વિદ્યાર્થીઓએ ખાસ જુદા પ્રકારનો અભ્યાસ કરવો પડશે. નીતિમાં કહેવામાં આવ્યું છે કે કોચિંગ ક્લાસની પ્રથા હવે બંધ થઈ જશે. પરંતુ આ પ્રવેશપરીક્ષા કોચિંગ ક્લાસ સિવાય કોઈ આપી શકશે નહીં. તે એક જુદા જ પ્રકારની પરીક્ષા હશે, જેને શાળાના શિક્ષણ સાથે સીધો સંબંધ નહીં હોય. પરીક્ષા લેનારી એજન્સી પણ આમાંથી ઘણું કમાશે. પ્રવેશપરીક્ષા એક ધંધો બનશે. શિક્ષણનું વ્યાપારીકરણ થશે. આવી ખર્ચાળ પ્રવેશપદ્ધતિ કેવળ મધ્યમ અને ઉચ્ચવર્ગના ૨૦થી ૩૦% વિદ્યાર્થીઓને પોસાશે. આને લીધે પણ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓએ, જેમણે શાળામાં સારો અભ્યાસ કર્યો છે એમને માટે ઉચ્ચશિક્ષણની તકો સંકેલાઈ જશે.

ઉપરાંત, આનીતિમાં ઑનલાઇન શિક્ષણ અને ખુલ્લાં અંતરશિક્ષણ [Open Distance Learning] પર ભાર મૂક્યો છે અને ઉચ્ચ શિક્ષણના અંતર્ગત ભાગ તરીકે, વર્ગમાં મળતા શિક્ષણ જેટલા જ મહત્ત્વના, ગણાવ્યાં છે. આજે દેશમાં ૬૦થી ૭૦% લોકોને ઇન્ટરનેટની વ્યવસ્થાનો લાભ નથી મળતો. સ્માર્ટફોન ન હોવાને લીધે ઑનલાઈન અભ્યાસ ના કરી શકતાં ઘણા યુવાન-યુવતીઓએ આત્મહત્યા કરી છે, એ આપણે જાણીએ છીએ. આ પ્રકારની વ્યવસ્થાને કારણે પણ સમાજનો એક બહોળો વર્ગ, દલિત બહુજનસમાજના વિદ્યાર્થીઓ અને ખાસ તો છોકરીઓ ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાંથી બાકાત રહી જશે. અને ધારો કે બધાને આ સગવડ આપવામાં આવે તો પણ આવું શિક્ષણ ઇચ્છનીય છે? આવું શિક્ષણ ખરેખર શિક્ષણ છે? આ પદ્ધતિ છેવટે શિક્ષણની બુનિયાદ બદલી દેશે. એક નવા પ્રકારના જ્ઞાની સમાજની રચના થશે જેમાં માહિતી અને ડેટા તેમ જ તૈયાર નમૂનાના પાઠો [modules] પર વધારે ભાર મુકાશે. ઉપરાંત, વિદ્યાર્થીઓ ઘેરબેઠાં શિક્ષણ લેશે. આપણને માત્ર ભણાવવામાં આવે છે તે જ શિક્ષણ નથી. શિક્ષણ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હોય છે. જ્યારે એક વિદ્યાર્થી કૉલેજમાં પ્રવેશે છે, ત્યારે તેને શિક્ષક સાથે, અન્ય વિદ્યાર્થીઓ સાથે, એક લાગણીનો સંબંધ, સામાજિક અને બૌદ્ધિક સંબંધ, અને બીજા અનેક પ્રકારના સંબંધો બંધાય છે. વર્ગમાં જ નહીં, વર્ગની બહાર પણ તેને ઘણું શીખવાનું મળે છે જ્યાં વિચારોની આપ-લે થાય છે અને એ બહારની દુનિયા સાથે સંપર્કમાં આવે છે. ટૂંકમાં, વિદ્યાર્થીનું સામાજિક ઘડતર થાય છે. જો ઘરમાં શિક્ષણ લેવા પર ભાર હોય, તો શિક્ષણ બહારની દુનિયાથી અલગ પડી જશે અને આજુબાજુના સંદર્ભોથી, કપાઈ જશે. શિક્ષણનું એક પ્રકારનું અમાનવીયકરણ dehumanization] થશે. ઉપરાંત, ઑનલાઇન શિક્ષણ માટે નમૂનાપાઠ તૈયાર કરવામાં આવશે. ઇતિહાસનો કોઈ એક પાઠ ભણાવવાનો હોય તો, કોઈ એક વ્યક્તિએ લખેલો પાઠ બધે ભણાવવામાં આવશે, જે  છેવટે એ વિષય માટેનું સામાન્ય જ્ઞાન બનશે. બધા જ ઇતિહાસના સંદર્ભોથી અલગ આ માહિતીના પ્રસારણમાં વિદ્યાર્થીઓને સામે પ્રશ્ન કરવાની, મુદ્દાઓ ઉઠાવવાની, બીજી રીતે વિષયને જોવાની તક મળશે નહીં. આમ જ્ઞાનનું એકરૂપીકરણ [homogenisation] થશે અને એના સંદર્ભોથી અલગ થઈ જશે. આજે દુનિયામાં શિક્ષણપ્રથામાં આ એક ખૂબ મોટો પાયાનો ફેરફાર થયો છે. આ એક એવા પ્રકારની શિક્ષણવ્યવસ્થા છે કે જેમાં વિદ્યાર્થીઓને બીજી કોઈ રીતે વિષયને સમજવાની શક્યતાઓ સંકોરાતી જશે. આ શિક્ષણનું નવું, વૈશ્વિક રાજકારણ છે. હવે પછીની પેઢીના વિદ્યાર્થીઓને ખ્યાલ પણ નહીં આવે કે આ બધા વિષયો પર બીજી રીતે પણ વિચાર થઈ શકે છે અથવા તો આ દરેક વિષયોના બહોળા સંદર્ભો હોય છે. જો પ્રશ્નો કરવાની, ચર્ચા કરવાની, પ્રશ્નોને સમજવાની તપાસવાની, વિષયને તર્કસંગત રીતે સમજવાની બૌદ્ધિક સજ્જતા નહીં કેળવાય તો જ્ઞાન અને સમાજનો વિકાસ કવિ રીતે થશે? આમાંથી એક ગુલામીની માનસિકતાવૃત્તિ ઊભી થશે. વિદ્યાર્થીને જે શિક્ષણ મળ્યું એ જ જ્ઞાન તેની પાસે હશે. બીજાં, સમાંતર, વૈકલ્પિક જ્ઞાનની, અને એ દ્વારા વૈકલ્પિક સમાજની, શક્યતાઓ બંધ થઈ જશે. શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને એક નાગરિક તરીકે સજ્જ કરવાનો છે, જેથી તે પોતાની પરિસ્થિતિ, સમાજના પ્રશ્નો વિષે સભાન થાય અને એને બદલવા માટે પ્રવૃત્ત થાય. પરંતુ આ શિક્ષણમાં એ દિશાનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે.

ઑનલાઇન શિક્ષણને ભારતમાં સુલભ કરવા આવતાં ચાર વર્ષમાં અમેરિકા ભારતમાં લાખો ડૉલરનું રોકાણ કરશે. આજે વિશ્વભરમાં શિક્ષણ એક નફો મેળવવાનું સાધન બની રહ્યું છે. આ મૂડીવાદી શિક્ષણ પદ્ધતિ છે જેમાં દુનિયાના બધા દેશોમાં મૂડીવાદી વ્યવસ્થાને મજબૂત કરવા સમાન જ્ઞાનવાળા યુવાનો તૈયાર થશે. દેશમાં પરદેશની યુનિવર્સિટીઓનો પ્રવેશ એ પણ આ શિક્ષણના વ્યાપારીકરણ અને વૈશ્વિક એકરૂપતાને પોષશે. ઉપરાંત, આ નીતિમાં ‘આજે જ્યારે દુનિયા(ના દેશો) એકબીજા સાથે જોડાતા જાય છે, ત્યારે ‘વૈશ્વિક નાગરિકતા શિક્ષણ [global citizenshipe education]’ આપવાની વાત છે. શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ થશે જેમાં ભારત ‘વિશ્વગુરુ’નો ભાગ ભજવશે! પરંતુ જે ખૂબ જ ભયજનક પાસું છે, તે એ છે કે આ જાતનું શિક્ષણ આર્થિક અને સામાજિક પ્રશ્નોને બીજી, જુદી રીતે વિચારવાની શક્યતાઓ ભૂંસી નાખશે, જેને કારણે મૂડીવાદને પડકારનાર તાકતો અને સમૂહો ખલાસ થઈ જશે, જેથી મૂડીવાદનું વર્ચસ્વ જળવાઈ રહે. આ આખું શિક્ષણ સરકાર અને પૂંજીપતિઓના ગઠબંધનને મજબૂત બનાવે તે મુજબનું છે. શાળાઓ બાબતે અહીં ચર્ચા નથી કરવી. છતાં એમાં એક મુખ્ય ફેરફાર કરવામાં આવ્યો છે, તેનો નિર્દેશ જરૂરી છે.છઠ્ઠા ધોરણથી શાળામાં વ્યાવસાયિક [vocational] વિષયો શીખવવામાં આવશે. આપણે જાણીએ છીએ કે જેટલાં બાળકો શાળામાં દાખલ થાય છે, તેના ૧૦ ટકા ધોરણ-૧૨ સુધી પહોંચે છે. અધવચ્ચે અભ્યાસ છોડી જનારની સંખ્યા (ડ્રૉપ આઉટ રેટ) ઘણો મોટો છે. હવે જો છઠ્ઠા ધોરણથી જ બાળકોને વ્યાવસાયિક શિક્ષણ મળશે, તો ઘણાં બાળકો અભ્યાસ છોડીને કામે વળગશે. છઠ્ઠા ધોરણથી એટલે કે ખૂબ જ નાની ઉંમરથી બાળકો કામે લાગી જશે અને કૉર્પોરેટ પૂંજીવાદ માટે સસ્તા મજૂરો તૈયાર થશે. છેવટે આ શિક્ષણ વ્યવસ્થાનો એ આશય છે કે મૂડીવાદ માટે સસ્તા મજૂરો તૈયાર કરવા કે જેમની માનસિકતા ગુલામીની હોય કેમ કે એમને એટલું જ્ઞાન પણ નહીં મળે કે નાગરિક તરીકે સભાન થાય અને પોતાની પરિસ્થિતિ સમજી શકે. એક આખો વર્ગ ઊભો થશે, જે ગુલામીની માનસિકતામાં જીવશે અને મૂડીવાદને સસ્તી મજૂરી પૂરી પાડશે. ૨૦૦૯માં પસાર થયેલા રાઇટ ટુ એજ્યુકેશન [RTE] એક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ૬થી ૧૪ વર્ષનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. આ કાયદાનો આ દસ્તાવેજમાં ઉલ્લેખ જ નથી. શિક્ષણની વ્યવસ્થા એ પ્રકારની હોવી જોઈએ કે શાળામાં બાર વર્ષ સુધી બાળક સતત ભણે અને અધવચ્ચે અભ્યાસ છોડી ન દે, જેથી દરેક બાળકને ન્યૂનતમ જરૂરી જ્ઞાન મળે. દેશની સૌથી પહેલી શિક્ષણનીતિ જે કોઠારી કમિશન તરીકે ઓળખાય છે એમાં આ જાતનું સૂચન હતું. અહીં તો બાળકોની સ્વેછાએ ભણવાનું છોડવાની [drop out] વાત નથી, પરંતુ તેમને શિક્ષણમાંથી બહાર કાઢવાની [push out] કરવાની વ્યવસ્થા છે, જે વખોડવાલાયક છે. આ નીતિમાં શાળાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી અનેક, સ્તરે વિદ્યાર્થીને બહાર નીકળવાની તક આપી છે. આને લીધે સમાજનો મોટા ભાગના યુવાનોને પૂરું શિક્ષણ નહીં મળે. જ્યારે ઉચ્ચ, સંપન્ન વર્ગના યુવાનો આ શિક્ષણનો પૂરો લાભ લઈ શકશે. આ પ્રકારનો અભિક્રમ [hierarchy] શિક્ષણક્ષેત્રમાં એક પ્રકારની વર્ણવ્યવસ્થા ઊભી કરશે અને જાતિવ્યવસ્થા અને વર્ગભેદ જે શિક્ષણની મદદથી દૂર થવાં જોઈએ, એ વધુ મજબૂત બનશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 05-07

— 2 —

નવી શિક્ષણનીતિ ૨૦૨૦ : ૨

નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં જણાવ્યા મુજબ સમગ્ર ઉચ્ચશિક્ષણ આંતરશાખાકીય [multidisciplinary] હશે. એકશાખાકીય કૉલેજો વખત જતાં બંધ થઈ જશે અને દરેક સંસ્થામાં વિદ્યાર્થીઓ એકસાથે અનેક વિષયો ભણશે. માનવવિદ્યા અને વિજ્ઞાનની જુદી-જુદી ડિગ્રીઓ, નહીં પરંતુ દરેકને એકસમાન બી.એલ.એ.(બૅચેલર્સ ઑફ લિબરલ આટ્‌ર્સ)ની ડિગ્રી મળશે. કાયદાનું, તબીબી, તક્‌નિકી વગેરે શિક્ષણ પણ આંતરશાખાકીય હશે. આ એક આકર્ષક લાગે એવો વિચાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી યુનિવર્સિટીઓમાં આ જાતનું શિક્ષણ પ્રચલિત છે. સાહિત્ય, ઇતિહાસ વગેરેનાં શિક્ષણ અને સંશોધનમાં ઇતર વિષયોનો અભ્યાસ એ પોતાના વિષયનું જ્ઞાન ઊંડું અને વિસ્તૃત કરવામાં મદદરૂપ અને જરૂરી બને છે. પરંતુ અહીં એ પ્રકારનું આંતરશાખાકીય શિક્ષણ આપવાની વાત નથી. નીતિમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રાચીન સમયમાં તક્ષશિલા જેવી વિશાળ સંખ્યાવાળી સંસ્થાઓ, જેમાં હજારો વિદ્યાર્થીઓએ એકસાથે ભણતા તેમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું, જેમાં અનેક કળાઓ [skills] એકસાથે શીખવવામાં આવતી. પ્રાચીન ગ્રંથોમાં પણ અનેક કળાઓનો ઉલ્લેખ છે, જેમાં સંગીત, વિજ્ઞાન, સાહિત્ય ઉપરાંત વ્યાવસાયિક કળાઓનો પણ સમાવેશ થાય છે. આ નીતિમાં ઉદારમતવાદી કળાઓ[liberal arts]ના શિક્ષણનો અર્થ અનેક પ્રકારની કળાઓનું શિક્ષણ [liberal use of arts] કરવામાં આવ્યો છે, જે પણ મૂળ પ્રાચીન ભારતીય વિચાર છે અને આજના સમયની, વૈશ્વિક મૂડીવાદની જરૂરિયાતો પૂરી કરવા માટે એ શ્રેષ્ઠ અભિગમ છે! આંતરશાખાકીય શિક્ષણ આમ નવી શિક્ષણનીતિના દાવા મુજબ પ્રાચીન ભારતની શિક્ષણવ્યવસ્થાનો મૂળ વિચાર છે અને આજે ૨૧મી સદીમાં રોજગારી માટે તેમ જ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે આ પ્રકારનું શિક્ષણ અત્યંત જરૂરી છે. આ યોજનામાં વિદ્યાર્થીને સર્વગ્રાહી [holistic] શિક્ષણ આપવામાં આવશે, જેમાં એકથી વધુ વિષયો – શૈક્ષણિક તેમ જ વ્યાવસાયિકનું તેને જ્ઞાન હોય. આજે વૈશ્વિક બજારમાં ખૂબ ઝડપથી ફેરફારો થતા જાય છે અને રોજગારીના પ્રકાર હંમેશાં બદલાતા રહે છે, તેથી એકથી વધુ વિષયોનું જ્ઞાન જરૂરી બને છે. શિક્ષણમાં વિષયોની સામગ્રી [content] પર ઓછું અને નવાં તેમ જ બદલાતાં ક્ષેત્રોને કેવી રીતે અનુરૂપ થવું, સમસ્યાઓ કેવી રીતે હલ કરવી, વગેરે વિશે વિદ્યાર્થી વિચારી શકે અને નવા વિચારો રજૂ કરી શકે એ માટેનું જ્ઞાન વધારે આપવામાં આવશે, જેથી એવા પ્રકારના વિદ્યાર્થીઓ તૈયાર થાય કે જે દરેક ક્ષેત્રમાં સરળતાથી કામ કરી શકે. આમ, આંતરશાખાકીય અનેકવિધ વિષયના શિક્ષણનું ધ્યેય વૈશ્વિક બજાર માટે યુવાનોને તૈયાર કરવા એ છે. આજે જ્યારે આટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે અને તેનું કારણ નવઉદારિકીકરણ છે, ત્યારે આ નવઉદારિકીકરણના બજાર માટે વિદ્યાર્થી યુવાનોને તૈયાર કરવા એ એક અપ્રામાણિક પ્રસ્તાવ છે. કેવળ અને કેવળ મૂડીવાદને અનુકૂળ અને તેને સધ્ધર બનાવવા માટે જરૂરી એવું શિક્ષણ આપીને યુવાનોને તૈયાર કરવા એ આ નીતિની વૈચારિક ભૂમિ અને મુખ્ય ઉદ્દેશ  છે.

આ શિક્ષણની વિચારધારા ભારતીય પરંપરામાં રોપાયેલી છે. એમાં સ્પષ્ટ કહ્યું છે કે જ્ઞાનનો ભારતનો જે પ્રાચીન વારસો છે, તે આ નીતિની માર્ગદર્શક પ્રેરણા છે. બેશક, ભારતીય પરંપરાનું જ્ઞાન જરૂરી છે, પરંતુ ભારતમાં અનેક પ્રાચીન પરંપરાઓ છે, એ બધાનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળવું જોઈએ. આ નીતિ અનેક ઉદાહરણો દ્વારા હિન્દુપરંપરા કેન્દ્રી અભ્યાસ, ખરેખર તો હિન્દુ સર્વોપરિતાવાદી વિચારધારાનો અભ્યાસ સૂચવે છે. દસ્તાવેજમાં ભારતીય પરંપરાના સંદર્ભમાં જે ઉલ્લેખો કરવામાં આવ્યા છે – જેમ કે ‘શાશ્વત ભારતીય જ્ઞાન’(કયું?); ‘જ્ઞાન’, ‘પ્રજ્ઞા’, ‘સત્ય’ને ઉચ્ચતમ માનવીય ધ્યેય ગણવાં; સંસ્કૃતને પ્રાધાન્ય આપવું; પ્રાચીન ભારતીય શિક્ષણપ્રથાના અનેક વિદ્વાનોમાં ચરક, આર્યભટ્ટ, ચાણક્ય, પતંજલિ વગેરેનો સમાવેશ (જેમાં ગૌતમ (બુદ્ધ), જેમણે જાતિવાદી હિન્દુ ધર્મ સામે નવો રેશનાલિસ્ટ ધર્મ સ્થાપ્યો હતો, તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે! ઇસ્લામ સિવાયના ધર્મોને હિન્દુધર્મમાં ભેળવી દેવાનો આ આશય છે.); ભારતનું ‘વિશ્વગુરુ’નું પદ જે ભૂતકાળમાં હતું (?)તેને ફરીથી પ્રસ્થાપિત કરવું (ભારતને આર.એસ.એસ. સિવાય ક્યારે કોઈએ ‘વિશ્વગુરુ’નું પદ આપ્યું છે?) – એ સ્પષ્ટ રીતે બ્રાહ્મણવાદી હિન્દુ પરંપરાનું સૂચન કરે છે. નીતિના ખરડામાં શાળાના અભ્યાસક્રમમાં ‘પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ની કથાઓનો ઉલ્લેખ છે, પરંતુ ‘ઇસપકથાઓ’ અને ‘અરેબિયન નાઇટ્‌સ’નો ઉલ્લેખ નથી. શાળાઓમાં નૈતિક શિક્ષણ આપવામાં આવશે.નીતિમાં કહ્યું છે કે સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવામાં આવશે. પરંતુ તમિળ ભાષા પણ સંસ્કૃત જેટલી જ પ્રાચીન છે, એનો કેમ ઉલ્લેખ નથી?  ઉપરાંત, કોઈ પણ નીતિવિષયક દસ્તાવેજ ભારતના બંધારણને અનુસરવા માટે બંધાયેલ છે. આ નીતિમાં ધર્મનિરપેક્ષતાનો ઉલ્લેખ નથી. આ એક ખૂબ ગંભીર ફેરફાર છે. અત્યાર સુધીની જે શિક્ષણ – નીતિઓ હતી, તેમાં ધર્મનિરપેક્ષ અને સ્વતંત્ર વિચારોનો વિકાસ થઈ શકે એવા ઉદાર મતવાદી [secular અને liberal] શિક્ષણ આપવાની વાત હતી. આ શિક્ષણનીતિ શિક્ષણના આ પાયાના સિદ્ધાંતોનો મૃત્યુઘંટ છે. આ નીતિમાં બંધારણીય અને માનવીય મૂલ્યો જેવાં કે સત્ય, અહિંસા, સ્વચ્છતા, વિનય, વડીલોનું સન્માન, ત્યાગ, નિષ્કામકર્મ, શાંતિ, ધૈર્ય, સ્વદેશાભિમાન વગેરે શીખવવાનો ઉલ્લેખ છે (આને બંધારણીય મૂલ્યો કેવી રીતે કહેવાય? આ જ મૂલ્યો વિદ્યાભારતી, જે આર.આર.એસ.ની શિક્ષણની પાંખ છે, તેમાં દર્શાવેલાં છે.), પરંતુ દસ્તાવેજમાં બંધારણીય હક્કોનો ઉલ્લેખ નથી. ધર્મનિરપેક્ષતા કે જે શિક્ષણનો પાયાનો વિચાર હોવો જોઈએ, તેની આ સમગ્ર શિક્ષણનીતિમાં ઉપેક્ષા કરવામાં આવી છે.

આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક સમયથી શિક્ષણનું ભગવાકરણ થઈ રહ્યું છે. ભારતના ઇતિહાસ સાથે ચેડાં થઈ રહ્યાં છે.  દંતકથાઓ પર આધારિત ઇતિહાસ રજૂ કરવામાં આવે છે. આધુનિક વૈજ્ઞાનિક શોધખોળો પ્રાચીન ભારતમાં અસ્તિત્વમાં હતી, એવા પોકળ દાવાઓ થઈ રહ્યા છે. કોમવાદી કારણોસર અમુક ઐતિહાસિક વ્યક્તિઓ, નહેરુ સુધ્ધાંને અભ્યાસક્રમમાંથી કાઢવાની, તો અમુક વ્યક્તિઓને ઉમેરવાની ચેષ્ટા કરવામાં આવે છે. ધર્મનિરપેક્ષતાની એક નીતિવિષયક દસ્તાવેજમાં અનુપસ્થિતિ અમુક ચોક્કસ વિચારધારાનું સમર્થન કરનારાઓને અભ્યાસક્રમ અને અધ્યાપનમાં છૂટોદોર આપશે. પરિણામે બીજી વિવિધ પરંપરાઓના અભ્યાસની તેમ જ સ્વતંત્ર અને જુદી રીતે વિચારવાની શક્યતાઓ, સમાંતર અને વૈકલ્પિક વિચારધારાઓને વિકસવાની શક્યતાઓ બંધ થઈ જશે. ભારતીય પરંપરાનું મુખ્ય બળ એનું વૈવિધ્ય, એની બહુલતા છે. દરેક પ્રદેશ અને સમૂહોના સદીઓ જૂના, સમૃદ્ધ, પોતાનાં અલગ ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા છે એની જગ્યાએ એક બહુમતવાદી, બ્રાહ્મણવાદી હિન્દુપરંપરાનો અભ્યાસ થશે. આ હિન્દુ રાષ્ટ્રની વિચારધારાને અનુમોદન આપતી શિક્ષણનીતિ છે.

આ શિક્ષણનીતિમાં શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તતા આપવાની વાત કરવામાં આવી છે.  સ્વાયત્તતા ત્રણ પ્રકારની હોય છેઃ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય સ્વાયત્તતા. આજે જે પ્રકારે અભિવ્યક્તિની અને વિભિન્ન પ્રકારની સ્વતંત્રતા છીનવાઈ રહી છે અને યુનિવર્સિટીઓમાં જાહેરચર્ચા અને વિવાદની જગ્યાઓ સંકોરાઈ રહી છે, ત્યારે શૈક્ષણિક સ્વાયત્તતાનો વિચાર એક મજાક જેવો લાગે છે. શિક્ષકો પોતાના અભ્યાસક્રમો રચી શકશે એમ કહેવાયું છે, પરંતુ સખત વહીવટી નિયંત્રણ નીચે એમને કેટલી સ્વતંત્રતા હશે, એ પ્રશ્ન છે. આજે યુનિવર્સિટીમાં કોઈને પ્રવચન માટે બોલાવવા હોય, તો એ.બી.વી.પી. – અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભા.જ.પ./આર.આર.એસ.ની વિદ્યાર્થી(શાખા)ની સંમતિ વગર આમંત્રી શકાતા નથી. થોડા સમય પહેલાં રામચંદ્ર ગુહાને અમદાવાદ યુનિવર્સિટી ભાષણ આપવા આવતા એ.બી.વી.પી.એ રોક્યા હતા. આજે શૈક્ષણિક સ્વાયત્તતા શક્ય નથી, કારણ કે આજે બહુમતી વિચારધારાનું વર્ચસ્વ છે. નીતિમાં જે સંદર્ભમાં જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી છે, તેમાં શૈક્ષણિક સ્વાયત્તતા વિશે વાત કરવી તે કેવળ દંભ નથી, પરંતુ અપ્રામાણિકતા અને જુઠ્ઠાણું પણ છે.

વહીવટી સ્વાયત્તતાનો નીતિમાં શું અર્થ કરવામાં આવ્યો છે? દરેક સંસ્થા આત્મનિર્ભર(!) બનશે અને પોતાનો વહીવટ કોઇની દખલગીરી વગર પોતે જ સંભાળશે. એના સંચાલન માટે કૉર્પોરેટ ક્ષેત્રમાં હોય છે એમ એક બોર્ડ ઑફ ગવર્નર્સ હશે, જે સંસ્થાને લગતા બધા જ નિર્ણયો લેશે. વિદ્યાર્થીઓનો પવેશ, એમને શિષ્યવૃત્તિ આપવી, શિક્ષકોની નિમણૂંક કરવી, જો શિક્ષકો જવાબદાર ના હોય, તો એમને પણ સજા કરવી, શિક્ષકોનો પ્રોબેશનનો સમય વધારવો, અનેક શરતોને આધારે એમને સ્થાયી કરવા, એમનો પગાર અને બઢતી પણ સમય કે વરિષ્ઠતાને આધારે નહીં, પરંતુ આ પ્રકારના મૂલ્યાંકન પર નક્કી કરવાં, અભ્યાસક્રમોને મંજૂરી આપવી, આ બધાનું નિયંત્રણ બોર્ડ ઑફ ગવર્નર્સ કરશે. આ પ્રકારની વ્યવસ્થા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વતંત્રતા તો નહીં જ બક્ષે, પરંતુ એથી ઊલટું એમના પર કડક જાપ્તો વધારશે. આવી સ્થિતિમાં શિક્ષક સ્વતંત્ર રીતે વિચાર કરીને, પોતે તૈયાર કરેલો પાઠ્યક્રમ ભણાવી શકે એ બોર્ડ ઑફ ગવર્નર્સની ઇચ્છા કે મંજૂરી વગર શક્ય નથી. ઉપરાંત, આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વહીવટમાં કોઈ પણ પ્રકારે સહભાગી થઈ શકશે નહીં. આજે જાહેર યુનિવર્સિટીઓમાં પ્રગતિશીલ કહી શકાય તેવાં બંધારણ છે; એકૅડેમિક કાઉન્સિલ, ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલ, શિક્ષણની જુદી-જુદી સમિતિઓ છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ છે, જેમાં એ પોતાના વિચારો રજૂ કરે છે અને બદલાવ પણ લાવી શકે છે. દિલ્હી યુનિવર્સિટીમાં મેં જોયું છે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સંઘર્ષ કરીને ઘણા ફેરફારો લાવી શક્યા છે અને અમુક ફેરફારો થતાં રોકી પણ શક્યા છે. શિક્ષકોની અને વિદ્યાર્થીઓની સંસ્થા ચલાવવા માટેની આ પ્રકારની ભાગીદારી આ નવી વ્યવસ્થામાં બિલકુલ ખતમ થઈ જશે. ઉપરાંત આમાં સામાન્ય શિક્ષક અને ‘નેતૃત્વ’ના ગુણ ધરાવતા શિક્ષક – જે સંસ્થાને શ્રેષ્ઠતા મેળવવામાં સહાય કરશે – વચ્ચે તફાવત/ભેદભાવ કરવામાં આવ્યો છે! બોર્ડ ઑફ ગવર્નર્સ એમની પસંદગી કરશે. ટૂંકમાં આ વહીવટમાં કોઈ પ્રકારની લોકતાંત્રિક પ્રક્રિયાને સ્થાન નહીં હોય. સંચાલકો સાથે-સાથે ચર્ચા અને વિરોધ કરવાની સ્વતંત્રતા હવે શિક્ષકો પાસે રહેશે નહીં. શિક્ષકસંઘ અને વિદ્યાર્થીસંઘની તો સંભાવના જ નહીં રહે.

ત્રીજી સ્વાયત્તતા એ નાણાકીય સ્વાયત્તતા છે. ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ જાહેર/પરોપકારી સંસ્થા કે વ્યક્તિની ભાગીદારી[PPP]થી ચાલશે. આને કારણે તેમાં પૂંજીપતિઓનો પ્રવેશ થશે અને આ રીતે શિક્ષણનું ખાનગીકરણ થશે. છેવટે પૂંજીપતિઓ આ સંસ્થાઓના માલિક બનશે. ઉપરાંત સરકાર તરફથી અનુદાન નહીં, પરંતુ લોન મળશે (જે વ્યવસ્થા શરૂ થઈ ચૂકી છે), જે સંસ્થાએ ચૂકવવાની રહેશે. જેને પરિણામે મોટા પ્રમાણમાં ફીવધારો થશે અને તેથી વંચિત સમૂહોનાં મોટા ભાગનાં બાળકો શિક્ષણનો લાભ નહીં લઈ શકે. આજે દેશની સૌથી ઉત્તમ યુનિવર્સિટીઓ જેવી કે જે.એન.યુ., દિલ્હી યુનિવર્સિટી, હૈદ્રાબાદ યુનિવર્સિટી જાહેર/રાજ્ય અનુદાનથી ચાલતી [public/state funded] ગુણવત્તાવાળી યુનિવર્સિટીઓ છે, જેમાં સામાન્ય આવકવાળા કુટુંબના વિદ્યાર્થીઓ ભણી શકે છે. આ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ નવી વ્યવસ્થામાં પ્રવેશ મુશ્કેલ બનશે. દલિત બહુજન, શ્રમિકોનાં બાળકો માટે ઉચ્ચશિક્ષણનાં બારણાં લગભગ બંધ થશે. ઉપરાંત લાખો રૂપિયા ખર્ચીને સંતાનને ભણાવનારાં માબાપો કયા વિષયો એમનાં સંતાનો ભણે એમ ઇચ્છશે ? સ્વાભાવિક રીતે કમ્પ્યૂટર, આઇ.ટી. વગેરે ક્ષેત્રોમાં જેમાં કારકિર્દીની શક્યતાઓ રહેલી છે. સાહિત્ય, ઇતિહાસ જેવા માનવવિદ્યા અને સમાજવિદ્યાઓના વિષયોનું મહત્ત્વ ઘટતું જશે. મૂડીવાદી શિક્ષણપ્રથાને આ વિષયોમાં રસ નથી, કેમ કે ‘નફો’ નથી અને મૂડીવાદી વિચારધારામાં આ વિષયોનું મહત્ત્વ નથી, કેમ કે આ વિષયોનો અભ્યાસ વિદ્યાર્થીને પોતાની પરિસ્થિતિ સમજવાનું, એને બદલવાનું, મૂડીવાદને પડકારવાનું જ્ઞાન આપે છે. જે મૂડીવાદ અને સામ્રાજ્યવાદનું આ શિક્ષણપ્રથાને સમર્થન છે, એનો વિરોધ કરવાની આ શિક્ષણમાં શક્યતાઓ નહીં રહે. મૂડીવાદનો મુખ્ય એજન્ડા સમાજના એક નાના (૨૦થી ૩૦ ટકા) મધ્યમ-ઉચ્ચવર્ગના યુવાનોને વૈશ્વિક બજાર માટે તૈયાર કરવા એ છે. મૂડીવાદના અવરોધરૂપ શિક્ષણનું એમાં સ્થાન નથી. વંચિત સમૂહોના અને જાતિના તેમ જ સ્ત્રી-વિદ્યાર્થીઓને આ શિક્ષણમાંથી બાકાત રાખવાની આ એક સભાન વ્યવસ્થા છે, એમ કહી શકાય. આ નીતિમાં કહ્યું છે કે સામાજિક ન્યાય અને સમાનતા એનું ધ્યેય છે, પરંતુ જે વ્યવસ્થામાં સમાજના મોટા સમૂહોના યુવાનો શિક્ષણના લાભોથી વંચિત રહેશે અને સામાજિક પરિસ્થિતિ સમજવા અને બદલવા માટે પ્રસ્તુત શિક્ષણ નહીં મળે, તેમાં આ કેવી રીતે શક્ય બને? જે શિક્ષણપ્રથામાં સમજવ્યવસ્થા બદલાવાના અને સામાજિક ન્યાય માટે જરૂરી અભ્યાસને પૂરતો અવકાશ નથી, એનું ભવિષ્ય ખરે જ અંધકારમય છે.

આ નીતિમાં શિક્ષણનું અનેક રીતે કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની સલાહ કે સંમતિ વગર એકપક્ષી નિર્ણયો આ નીતિ અંગે લીધા છે, જે ભારતના ફેડરલ માળખાની વિરુદ્ધ અને તેથી ગેરબંધારણીય છે. શિક્ષણવ્યવસ્થાને સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકારના અંકુશ નીચે લાવવામાં આવી છે. આ માટે અનેક રાષ્ટ્રીય સંસ્થાઓ રચવામાં આવી છે. અગાઉ જણાવ્યા મુજબ ઉચ્ચશિક્ષણમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તરે સામાન્ય પરીક્ષા લેવામાં આવશે. એ માટે રાષ્ટ્રીય પરીક્ષક એજન્સી [National Testing Agency] રચવામાં આવશે. દરેક સંસ્થામાં બોર્ડ ઑફ ગવર્નર્સની નિમણૂક સંસ્થાના સંચાલનનું કેન્દ્રીકરણ કરશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય સંશોધન સંસ્થાન[National ResearchFoundation]ની સ્થાપના કરવામાં આવશે. આ સંસ્થાન દરેક વિષયમાં સ્પર્ધાત્મક રીતે ભંડોળ આપશે. જાહેર તેમ જ ખાનગી સંસ્થાઓ વચ્ચે એક સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવશે જેમાંથી છેવટે સંશોધકોની પસંદગી કરવામાં આવશે. આ સંસ્થાન સરકારી એજન્સી અને પરોપકારી/ખાનગી સંસ્થાઓ સાથે સતત સંપર્કમાં રહેશે. સરકાર તેમજ ઉદ્યોગો વચ્ચે તે સેતુરૂપ કામ કરશે, જેથી સંશોધકોને રાષ્ટ્ર માટે સંશોધનના કયા વિષયો અગત્યના છે, એની જાણ થાય. બીજા શબ્દોમાં સંશોધન સરકાર અને પૂંજીપતિઓ જે ઇચ્છે એ વિષયોમાં અને એમના લાભાર્થે કરવામાં આવશે. ગુજરાતમાં આ પ્રથા શરૂ થઈ ચૂકી છે કે સરકાર વિષયો મોકલે તેમાંથી પસંદ કરીને સંશોધન થઈ શકે. આમાં બીજા, વૈકલ્પિક પ્રકારના સંશોધનને અવકાશ નહીં રહે. જેમ કે કોઈ સંશોધકને કોઈ પ્રદેશના આદિવાસી પ્રજાના પ્રશ્નો પર કે અમુક પ્રદેશમાં સ્ત્રીઓની પરિસ્થિતિ પર કે લોકસાહિત્ય પર સંશોધન કરવું હોય, તો આવા વિષયો માટેની શક્યતાઓ નહીંવત્‌ હશે. આ પણ મૂડીવાદી વિચારધારાનો એજન્ડા છે કે દેશની સામાજિક પરિસ્થિતિ, આર્થિક વ્યવસ્થા, સાંસ્કૃતિક વૈવિધ્ય વગેરે વિશે ઊંડાં અભ્યાસ અને સંશોધન દ્વારા પ્રશ્નો કરવાનું, એમને સમજવાનું અને વૈકલ્પિક વ્યવસ્થાઓ સૂચવવાનું, ટૂંકમાં વૈકલ્પિક જ્ઞાન અને સમાજ પેદા કરવાનું મુશ્કેલ અને અશક્ય બને, જેથી યથાવત્‌ પરિસ્થિતિ બની રહે અને એનું વર્ચસ્વ જળવાઈ રહે.

આ ઉપરાંત, ભારતીય ઉચ્ચશિક્ષણ સંસ્થાન[Higher Education Commission of India]ની રચના કરવામાં આવશે. આ એક ઉપરી સંસ્થાન છે કે જે દેશની સમગ્ર શિક્ષણવ્યવસ્થા પર ધ્યાન રાખશે. એની ચાર મુખ્ય ફરજો હશે જે ચાર ઉપસંસ્થાનો દ્વારા એ નિભાવશે. પહેલું, એ સંસ્થાઓને ભંડોળનું વિતરણ કરશે. બીજું, તે સંસ્થાઓને ગુણવત્તાને ધોરણે માન્યતા [accreditation] આપશે. ત્રીજું, તે વખતોવખત અભ્યાસને અને શિક્ષણને લગતા નિયમો નક્કી કરશે અને ચોથું, તે સમગ્ર શિક્ષણવ્યવસ્થા પર નિયંત્રણ રાખશે. આ આખી પ્રક્રિયા ‘ફેસલેસ’ [faceless] હશે, એટલે કે ટેક્નોલૉજીની મદદથી, ઑનલાઇન માહિતી મેળવીને નિર્ણયો લેવાશે, સંસ્થા સાથે સીધો વ્યક્તિગત સંપર્ક કરીને નહીં. ‘ફેસલેસ’ શબ્દ એ કદાચ આ નીતિના સ્વરૂપને આબેહૂબ રીતે રજૂ કરે છે. શિક્ષણનાં અધ્યાપન અને વ્યવસ્થામાંથી ધીમે-ધીમે ‘કાર્યક્ષમતા’ને નામે માણસો નીકળતા જશે. એક સામૂહિક, સહભાગી અને જીવંત અનુભવ ટેક્નોલૉજીને સમર્પિત થશે અને અમાનવીય બનશે. ઉપરાંત, ખાસ તો શિક્ષણનું કેન્દ્રીકરણ થશે. એકમાત્ર રાષ્ટ્રીય સંસ્થાન દેશની સમગ્ર શિક્ષણવ્યવસ્થાનું નિયંત્રણ કરશે. શિક્ષણનું આ રીતે સંપૂર્ણ કેન્દ્રીકરણ અને એકરૂપીકરણ થશે. નીતિના ખરડામાં રાષ્ટ્રીય શિક્ષણસંસ્થાન[National Education Foundation]નો ઉલ્લેખ હતો, જેનું પ્રમુખપદ પ્રધાનમંત્રી સંભાળશે અને જેમાં અનેક મંત્રાલયોના મંત્રીઓ સભ્ય હશે અને જે રાષ્ટ્રીય શિક્ષણ વિશે દૃષ્ટિ અને દિશાસૂચન કરશે. આ દસ્તાવેજમાં એનો ઉલ્લેખ નથી પરંતુ કેન્દ્રીય સરકાર અનેક રાષ્ટ્રીય સંસ્થાનો દ્વારા અને એના સભ્યોની નિમણૂક દ્વારા સર્વોપરી સંચાલન કરશે, એ સ્પષ્ટ છે. આ આખી વ્યવસ્થામાં શિક્ષણ સાથે જેનો સીધો સંબંધ છે, તેવા શિક્ષકો, વિદ્યાર્થીઓ કે વાલીઓની કોઈ સ્તરે ભાગીદારી નહીં હોય. એમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું કે લઘુમતીઓના સભ્યોનું કોઈ પ્રતિનિધિત્વ નહીં હોય. શિક્ષણની દિશા અને દૃષ્ટિ નક્કી કરનાર તંત્રમાંથી શિક્ષણના લાભાર્થીઓને બાકાત રાખવામાં આવ્યા છે. સરકારી તંત્ર જે નક્કી કરશે, એ પ્રકારનું શિક્ષણ મળશે. નીતિના આમુખમાં કહ્યું છે તેમ આ નીતિ ‘હળવી પરંતુ સખત’ [light but tight] હશે. એક ખૂબ જ સખત, કેન્દ્રીય નિયમનતંત્ર ગોઠવવામાં આવ્યું છે, જેમાં બીજા વૈકલ્પિક શૈક્ષણિક અભિગમો અને શિક્ષણ અંગેના ખ્યાલો કે વિચાધારાને રજૂ કરવાની કે વિકસવાની શક્યતા નહીં રહે.

નવી શિક્ષણનીતિ-૨૦૨૦માં શિક્ષણનું વ્યાપારીકરણ, સાંપ્રદાયિકીકરણ અને કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ લોકવિરોધી, મૂડીવાદી શિક્ષણવ્યવસ્થા છે, જેમાં સમાજના વંચિત સમૂહોના યુવાનો માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું લગભગ અશક્ય બનશે અને જેમાં સ્વતંત્ર વિચારોને વિકસવાનો અવકાશ નહીં રહે. બલકે એક પ્રકારની ગુલામીની માનસિકતા કેળવવાની આ શિક્ષણપદ્ધતિ છે. મૂડીવાદની ગુલામીની માનસિકતા, ઉચ્ચ વર્ગના યુવાનો વૈશ્વિક બજારમાં કૌશલ ધરાવતા મજૂરો [skilled labourers] તરીકે મૂડીવાદને પોષશે. જ્યારે વંચિત વર્ગના યુવાનો કૌશલ વગરના સસ્તા મજૂરો [unskilled labourers] મૂડીવાદને પૂરા પાડશે. વિદ્યાર્થીઓને એક નાગરિક તરીકે તૈયાર કરવાની, પોતાની પરિસ્થિતિ, સમાજના પ્રશ્નો સમજવાની અને એક નવા, વધુ સારા, સમાનતા પર રચાયેલા સમાજ/દેશનું નિર્માણ કરવા માટે જરૂરી શિક્ષણસજ્જતા મળશે નહીં. એટલું જ નહીં, આ શિક્ષણવ્યવસ્થાથી જાતિવાદ અને વર્ગભેદ દૂર થવાને બદલે વધુ તીવ્ર બનશે.  ડૉક્ટર બાબા-સાહેબ આંબેડકરે કહ્યું છે, ‘ શિક્ષિત બનો, સંગઠિત થાઓ, સંઘર્ષ કરો [educate, organize, agitate]. સમાજમાં સમાનતા લાવવા માટે શિક્ષણ એ પાયાનું મુખ્ય સાધન છે. શિક્ષણ એ છેવટે મુક્તિ માટેનું સાધન છે, શોષણ અને અન્યાયથી મુક્તિ માટેનું. એ દરેકને સમાન રીતે જીવવાની સ્વતંત્રતા આપે છે, પરંતુ મૂડીવાદ જે સામાન્ય લોકોના શોષણ પર ટકેલો છે, તેની વિચારધારા પર રચાયેલી શિક્ષણનીતિ ગુલામીની માનસિકતાને પોષે છે અને જાતિવ્યવસ્થા, વર્ગભેદ અને પિતૃસત્તાના વર્ચસ્વને વધુ મજબૂત બનાવે છે. નવી શિક્ષણનીતિનું શિક્ષણ વિશેનું દર્શન દેશના ભવિષ્યનું ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.

[‘શિક્ષણોદય’ ગ્રૂપમાં નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ વિશે આપેલું વક્તવ્ય. તન્મય તિમિરે એની લેખિત પ્રત કરવાની તૈયારી બતાવી અને ભાવિક રાજાએ લેખિત પ્રત તૈયાર કરીને મોકલી જેથી આ લેખ શક્ય બન્યો છે. બંને મિત્રોની ખૂબ આભારી છું.]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 07-09

Loading

ભારતનો મધ્યમ વર્ગ, ક્યાં છે તમારો રોષ આ વખતે?

મૂળ લેખ : નિધિ રાઝદાન : અંગ્રેજીમાંથી અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|2 October 2020

હું રોષે ભરાયેલી છું. તમારે પણ હોવું જોઈએ.

એક યુવાન દલિત મહિલા પર પાશવી સામૂહિક બળાત્કાર થયો, એને એટલી બૂરી રીતે માર મારવામાં આવ્યો કે એને અનેક ફ્રેક્ચર થયાં, લકવો થયો, એનું ગળું દબાવતી વખતે અને પીંખતી વખતે એની જીભ કપાઈ ગઈ. ત્યારબાદ એને ઉત્તર પ્રદેશમાં એના ઘર પાસેના ખેતરમાં લોહીલુહાણ હાલતમાં મૂકી દેવામાં આવી. ભારતના સૌથી મોટા રાજ્યમાં લોહી થીજવી દેનારો ગુનો બન્યો જ્યાં થોડા જ સમય પહેલાં પોતાના કાર્યકાળ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાને કેવા પુન:સ્થાપિત કર્યા છે, એવી મુખ્ય મંત્રી આદિત્યનાથ બડાઈ મારતા હતા.

બે અઠવાડિયાના સંઘર્ષ બાદ ૧૯ વર્ષીય મહિલા હૉસ્પિટલમાં મૃત્યુ પામી. ત્યારબાદ વધુ કમકમાટીભરી ઘટના બની — યુ.પી.ના અમાનુષી, નિર્દય, નઠોર અને બેશરમ પોલીસકર્મીઓએ મધરાતે શબને બાળી નાખ્યું. મરનારનાં માતાપિતા અને કુટુંબીજનોને હાજર રહેવા દીધાં નહીં. એમની છુપી કામગીરીને પકડી પાડવા પહોંચી ગયેલાં રિપોર્ટરોના સવાલોના જવાબ આપ્યા નહીં. મહિલાનું શબ મેળવવા પોલીસને આજીજી કરતાં ઍમ્બ્યુલન્સ પર પોતાને ફંગોળતા કુટુંબીજનોનો હૃદયસ્પર્શી વીડિયો બહાર પડ્યો છે. ઊલટાનું, પોલીસની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન કુટુંબીજનોને ઘરમાં પૂરી દેવામાં આવ્યાં હતાં. કુટુંબની વિનંતીનો અન્ય મુદ્દો એ પણ હતો કે હિન્દુ રિવાજ મુજબ સૂર્યાસ્ત પછી અંતિમક્રિયા કરી શકાતી નથી.

પીડિતા દલિત હતી અને બધાં જ આરોપીઓ ઉચ્ચ જાતિના પુરુષો છે, એ આ ભયાનક કહાણીનું બીજું મહત્ત્વનું પાસું છે. દૈનિકોના અનેક અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉચ્ચ વર્ગના પુરુષો, ખાસ કરીને આરોપીઓમાંનો એક, મૃતક મહિલા અને એના કુટુંબને કેટલા ય મહિનાઓથી કનડગત કરતા હતા.

કોઈ ઉચ્ચ જ્ઞાતિના કુટુંબ સાથે શું યુ.પી. પોલીસ અને યુ.પી. સરકાર આવો વ્યવહાર કરવાની હિંમત દાખવત? જે લોકો આ કિસ્સામાં જ્ઞાતિના સંદર્ભ પર ચૂનાનો કૂચડો ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એ કાં તો વાસ્તવિકતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા જ્ઞાતિના નામમાં આજે ય જે ગુનાઓ આચરવામાં આવે છે એનો સ્વીકાર કરવા તૈયાર નથી. ટ્વીટર પર જ્ઞાતિના દૃષ્ટિકોણ અંગે મીડિયાને ગાળો ભાંડવામાં કે ટ્રોલ કરવામાં વ્યસ્ત રહેનારા આરામદાયક પરપોટામાં જીવતા હોય છે.

નિર્ભયાના સામૂહિક બળાત્કાર અને હત્યા પછી પણ આપણે કશું જ શીખ્યા નથી. આપણી પોલીસ તૂટી ચૂકી છે, આપણી ન્યાય વ્યવસ્થા તૂટી ચૂકી છે, આપણા રાજકારણીઓ તૂટી ચૂક્યાં છે, અને આપણે, એટલે કે લોકો, તૂટી ચૂક્યાં છીએ.

યાદ છે તમને બધાંને, ૨૦૧૨માં નિર્ભયાના સામૂહિક બળાત્કાર અને હત્યા બાદ, દિલ્હીના માર્ગો પર ન્યાયોચિત નહીં એવો ગુસ્સો અને આક્રોશ ઠલવાયો હતો? ભા.જ.પે., જે વિરોધ પક્ષ હતો, શિલા દિક્ષિત અને મનમોહનસિંગ સરકારનો યોગ્ય પીછો કરેલો. સાધારણ લોકો રસ્તા પર આવી જઈને વિરોધ કરવા લાગેલા, વધુ કડક કાનૂન, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને બળાત્કાર કે હુમલાનો ભોગ બનેલી મહિલાઓની ઝડપી અને ન્યાયી સુનાવણી કરે એવી વ્યવસ્થાની માંગ કરતા હતા. હું તે વખતે ત્યાં હાજર હતી, માર્ગો પરના વિરોધનું કવરેજ કરતી હતી, પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા મોટી સંખ્યામાં બહાર નીકળેલી મા-દીકરીઓ સાથે વાત કરતી હતી.

ભા.જ.પ.ની નેતાગીરી ક્યાં છે આજે? સત્તામાં છે ત્યારે આ ઘટના પર મૌન કેમ? યુ.પી. પોલીસ યોગી આદિત્યનાથને અહેવાલ આપે છે ને વાતનો ત્યાં અંત આવે છે. ના, એ પર્યાપ્ત નથી કે પ્રધાન મંત્રીએ યુ.પી.ના મુખ્ય મંત્રીને ફોન કરીને કહ્યું કે આરોપીઓને કાયદાના જોરદાર સકંજામાં લેવામાં આવે. અસલમાં આના માટે કોને જવાબદાર ઠેરવવામાં આવે છે? સંસ્કારી લોકશાહીમાં મુખ્ય મંત્રીએ રાજીનામું મૂકવાનો નિર્ણય કર્યો હોત. પણ એ બધાંને પડી નથી. એ લોકો આક્રોશ શમવાની અને સમાચારોનું ચક્ર ફરે ને દીપિકા પાદુકોણની આગલી વૉટ્સઍપ ચૅટ બહાર પડે એની રાહ જોશે.

આ ઘટના પર સત્તાધીશ પક્ષની નેતાગીરીનું મૌન દેખીતું છે. સ્મૃતિ ઇરાની, મહિલા અને બાળ વિકાસ મંત્રી અને યુ.પી.ના ધારાસભ્ય, જે ઘણા બધા પ્રશ્નો પર પોતાની વાત મુકતાં હોય છે, આ ઘટના અંગે જોઈએ એટલી મજબૂતીથી આ કુટુંબ માટે ન્યાયની માંગણી કરી શક્યા નથી. પ્રધાન મંત્રીએ આ ઘટના પર હજુ સુધી એક ટ્વીટ પણ કરી નથી. “બેટી બચાવો”નું સૂત્ર આપનારી આ સરકારે આપણી બેટીઓને માત્ર સૂત્ર બનાવી દીધી છે.

નિર્ભયાના બળાત્કાર અને હત્યા બાદ સંસદ દ્વારા નવા કાયદા પસાર કરવામાં આવ્યા, પણ આંકડા સૂચવે છે કે  મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનામાં ઘટાડો નહીં, પરંતુ વધારો થયો છે. આ જ અઠવાડિયે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા પ્રકાશિત સરકારી આંકડા દર્શાવે છે કે અગાઉના વર્ષની સરખામણીમાં ૨૦૧૯માં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવતા ગુનામાં ૭%નો વધારો થયો છે. ndtv.com પર પ્રકાશિત એક અહેવાલ મુજબ ૨૦૧૮માં એક લાખ મહિલાઓની વસ્તી દીઠ ગુનાનો દર ૫૮.૮%થી વધીને ૨૦૧૯માં ૬૨.૪% થયો હતો. નિર્ભયાના હત્યારાની ખૂબ વિલંબિત સુનાવણીના અંતે એમને મળેલી મોતની સજા ડારનારી ઘટના સાબિત ન થઈ. હકીકતે, આપણી આખી વ્યવસ્થા તૂટી ચૂકી છે, પોલીસથી માંડી ન્યાય વ્યવસ્થા સુધી. સજાનો ડર નથી રહ્યો.

છેવટે, મીડિયા છે. અમુક અપવાદોને બાદ કરતાં, મોટા ભાગના મુખ્યધારાના માધ્યમોએ ગઈકાલ સુધી હાથરસની ઘટનાને લક્ષમાં જ લીધી ન હતી. ભલે મહિલાઓના બળાત્કાર અને હત્યા થાય, અર્થતંત્ર ખૂબ મુશ્કેલીમાં હોય, કોવિડ ઘણાં વધુ લોકોને મારી નાખે, ચીન આપણા દેશમાં પગપેસારો કરે, અમુક ન્યુઝ ચૅનલો બૉલીવુડ અને એની કથિત ડ્રગ સમસ્યાનો રાત દર રાત પીછો કરતી રહેશે. આ ભયાનક હુમલો જો મોટાં શહેરની મહિલા પર થયો હોત, તો ન્યુઝ કવરેજ બહુ જુદુ હોત એની મને ખાતરી છે. આ વખતે કૅન્ડલ-લીટ માર્ચ નથી, ૨૦૧૨માં આઘાત પામેલા મધ્યમ વર્ગ તરફથી વિરોધની બૂમાબૂમ નથી. આપણે બધાં જ તૂટી ચૂક્યાં છીએ.

સ્રોત : www.ndtv.com

તારીખ : ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦

નિધિ રાઝદાન અસોસિયેટ પ્રોફેસર, જર્નલિઝમ વિભાગ, હાવર્ડ યુનિવર્સિટી અને એન.ડી.ટી.વી.નાં ભૂતપૂર્વ ઍક્સિક્યુટિવ ઍડિટર છે.

Loading

...102030...2,1492,1502,1512,152...2,1602,1702,180...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved