Opinion Magazine
Number of visits: 9747687
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી આશાના સંગમાં નવાં સપનાં વાવીશું સપનાનાં વાવેતર, સપનાનાં વાવેતર …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|19 November 2020

હૈયાને દરબાર

પચીસેક વર્ષ પહેલાં દૂરદર્શન પર રજૂ થયેલી ધારાવાહી શ્રેણી ‘સપનાનાં વાવેતર’ને ભાગ્યે જ કોઇ ગુજરાતી ભૂલી શકે. દરરોજ રાત્રે અને બપોરે એ રજૂ થતી હતી. આ શ્રેણીમાં એક વિશાળ અને સંયુક્ત કુટુંબના જીવનના તાણાવાણા દર્શાવાયા હતા. ઘણા હપ્તાઓમાં પ્રદર્શિત થયેલી આ શ્રેણી ખૂબ જ લાંબા સમય સુધી ચાલી હતી, તેમ જ અત્યંત લોકપ્રિય બની હતી. આ ફિલ્મનું ટાઇટલ સોંગ એટલું બધું કેચી હતું કે સિરિયલ શરૂ થાય અને આખી સોસાયટીમાંથી એક સાથે એ ગીતના પડઘા પડે. એ ગીત હતું;

ભરી આશા આંખોમાં અમે આવ્યા આ ઘરમાં
તારી જીવનપથની નદીઓ વહી આવ્યા સાગરમાં …!

આ ગીતના ગીતકાર આતિશ કાપડિયા અને સંગીતકાર ઉત્તંક વોરા.

ઉત્તંક વોરા એ સંગીત જગતનું પ્રતિષ્ઠિત નામ છે. જેમનો આખો પરિવાર કલા, સાહિત્ય, સંગીત, નાટક અને ફિલ્મો સાથે સંકળાયેલો હોય એ પરિવારનું ફરજંદ સર્જક ન હોય તો નવાઇ. પિતા પંડિત વિનાયક વોરા સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ, સંગીતશિક્ષક અને ઉત્તમ તારશરણાઇ વાદક હતા. તારશરણાઇનું સર્જન એમણે પોતે કર્યું અને માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં ય ખ્યાતિ મેળવી. એમના સંગીતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ જતા. રાગ વિશેના તેમના અદ્ભુત જ્ઞાનની અનેક શાસ્ત્રીય કલાકારો નોંધ લઇ કદર કરતા હતા. તેમના બન્ને પુત્ર નીરજ વોરા અને ઉત્તંક વોરાએ તેમની સંગીતસાધના જોઇને સંગીતને મહદ્અંશે આત્મસાત કર્યું. જો કે નીરજ વોરા પછીથી નાટક અને ફિલ્મક્ષેત્રે વળી ગયા, જ્યારે ઉત્તંક વોરાએ સંગીતને પૂર્ણ સમયના વ્યવસાય તરીકે અપનાવ્યું.

ઉત્તંક વોરાએ ‘સપનાનાં વાવેતર’ પરથી બનેલી વિક્રમસર્જક હિન્દી સિરિયલ ‘એક મહેલ હો સપનો કા’, ‘ખીચડી’, ‘બા બહુ ઓર બેબી’, ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ જેવી સિરિયલો ઉપરાંત વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ ‘વક્ત – રેસ અગેઇન ટાઇમ’માં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું. ‘માલામાલ વીકલી’, ‘પટેલ કી પંજાબી શાદી’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘ચલ મન જીતવા જઈએ’માં પણ બેક ગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું.

એમનાં પત્ની છાયા વોરા હિન્દી સિરિયલો, ગુજરાતી નાટકોનું જાણીતું નામ છે અને દીકરો ઉર્વાક વોરા પણ હવે સંગીત અને લેખનક્ષેત્રે પારિવારિક પરંપરા આગળ વધારી રહ્યો છે.

ઉત્તંક વોરા ‘સપનાનાં વાવેતર’ના આ લોકપ્રિય ગીત વિશે કહે છે કે, ‘આ સિરિયલને પચીસ વર્ષ થયાં તો ય લોકો ફોન કરીને મારી પાસે આ ગીત માગે છે. એ વખતે તો આ ગીત ઘર ઘરમાં પ્રચલિત હતું. બપોરે દોઢ વાગ્યે દરેક ઘરમાંથી આ ગીત સંભળાય. એક બહેને તો રીતસર મને ધમકીભર્યો ફોન કર્યો કે બપોરે દોઢ વાગે મારા પતિ લંચ માટે ઘરે આવે છે. એટલે મારાથી સિરિયલ જોવાતી નથી. તમે સિરિયલનો સમય બદલો અથવા મને નવું ટી.વી. અપાવો જેથી ડાઇનિંગ ટેબલ સામે મૂકીને હું જોઈ શકું. મેં કહ્યું કે હું પ્રોડ્યુસર નથી, હું કંઈ ન કરી શકું. પણ એ બહેન કશું સાંભળવા જ તૈયાર નહોતાં. નડિયાદના એક કન્ટેન્ટ પ્રોડ્યુસરનો હમણાં જ મેસેજ આવ્યો. ‘સપનાનાં વાવેતર’નું ટાઈટલ સોંગ સાંભળીને જૂની યાદો તાજી થઈ. રસપ્રદ વાત એ છે કે એ સીડી ક્યાંક મુકાઇ ગઇ હતી જે વર્ષો પછી મારા હાથમાં આવી અને આ ગીત મેં મારી યૂટ્યુબ ચેનલ પર મૂકતાં જ ફરીથી પાછું લોકોનાં મનમાં તાજું થયું. આ ગીતની ધૂન સ્ફૂરી હતી રિક્ષામાં. વિપુલ એ. શાહ સાથે ટાઈટલ સોંગ બાબતે ભાઈદાસ પર ચાર વાગે મારી મીટિંગ હતી. એ દિવસે હું જરા વ્યસ્ત હોવાથી અચાનક સાડા ત્રણે યાદ આવ્યું કે ચાર વાગ્યાની મીટિંગ છે. ધૂન વિશે કંઈ વિચાર્યું જ નહોતું. રિક્ષા પકડીને જતો હતો અને હવાની લહેરખી સાથે ગીતની ટ્યુન સૂઝી. શોભના દેસાઈ અને વિપુલ પ્રોડ્યુસર્સ. એમને મેં સંભળાવી. થોડી ચર્ચા-વિચારણા પછી વિપુલે કહી દીધું કે મને તારામાં પૂરો ભરોસો છે. બનાવી દે આખું ગીત. ગીત બન્યું … એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટરી. ગીતના શબ્દો પણ સરસ છે. આતિશ કાપડિયાની મ્યુઝિક સેન્સ બહુ સારી છે. ફોન પર મેં એમને ટ્યુન સંભળાવી અને ફોન પર જ એમણે મને આખું ગીત લખાવી દીધું હતું.’

https://www.youtube.com/watch?v=VH6OdEGjN1Q

આ ગીત એટલે યાદ આવ્યું કે ઉત્તંકભાઈનાં પત્ની છાયા વોરાએ ઉત્તંકભાઈનું ‘શુભ લાભ’ ગીત મને મોકલ્યું. જેના શબ્દો છે;

આજે ઊગ્યો સૂરજ સુખનો
મહેકશે જીવન અમારું
સદા હું સ્મરું શુભ લાભ
થાશે શમણાં પૂરાં સહુનાં
સુખ દુ:ખ વહેંચશું એકબીજાનાં
સદા હું સ્મરું શુભ લાભ

લાભપાંચમ માટે યથાયોગ્ય હતું તેથી ઉત્તંક વોરાનું જ આ ગીત ‘હૈયાને દરબાર’માં લેવું એમ વિચારીને એમને ફોન કર્યો. પછી તો એમનાં બીજાં ઘણાં સુંદર ગીતો વિશે વાત થઈ. સાથે અવઢવ પણ થઈ કે કયા ગીત વિશે લખવું. ‘શુભ લાભ’ના શબ્દો અને ધૂન બન્ને સ્પર્શી ગયાં હતાં. હાર્મની-મેલડીનું અદ્ભુત સંયોજન આ ગીતમાં છે. તાજગીસભર તો ખરું જ. એ ગીત ‘શુભ લાભ’ સિરિયલ માટે જ લખાયું હતું. ગીતના શબ્દોથી આકર્ષાઈને ગીતકાર તરીકે નામ વાંચ્યું તો છાયા વોરા! ઓત્તારી! આ છાયાબહેન ગીતો ય લખે છે? આનંદ અને આશ્ચર્ય થયાં. એ બહુ સારાં અભિનેત્રી તો છે જ, પણ લોકડાઉનમાં એમનાં કોમિક વીડિયોએ ભારે મનોરંજન પીરસ્યું હતું. એ એમનું નવું પાસું હતું. વળી, છાયાબહેન કવિતા-ગીતો લખે છે એ ય ખબર પડી. ઉત્તંકભાઈએ કહ્યું કે, "કવિતા લખવાનો શોખ તો એને પહેલેથી હતો, પણ અનાયાસે સિરિયલ માટે ય લખતી થઈ ગઈ. એક વાર વિક્રમ ભટ્ટની ‘ધૂન્દ’ સિરિયલમાં હું મ્યુઝિક આપી રહ્યો હતો. પૂજા ભટ્ટ પ્રોડ્યુસર-એક્ટર. વિક્રમે કહ્યું કે પૂજા ભટ્ટનું એક વિદાય ગીત છે એની ધૂન બનાવી આપો. ધૂન તો સરસ બની પણ લિરિક્સનો મેળ પડતો નહોતો. એમના ગીતકારો પાસે લખાવ્યું પણ જામતું નહોતું, કારણ કે દીપચંદી તાલમાં હોવાથી કોઈને મીટર સમજાતું નહોતું. મારી મૂંઝવણ જોઈને છાયાએ કહ્યું કે હું કોશિશ કરું છું. એણે પંક્તિ લખી, ચલો રે ગોરી બિદેસવા … છાયાનું નામ જણાવ્યા વિના વિક્રમને ગીત મોકલી આપ્યું. એમને ખૂબ ગમ્યું અને સિરિયલમાં લેવાયું. એ પછી તો છાયાએ મારા માટે ઘણાં ગીતો લખ્યાં હતાં.

મેં અગાઉ કહ્યું ને કે ઘરમાં બધાં જ સર્જકો-કલાકારો એટલે બહાર જવાની જરૂર જ ન પડે.

પરંતુ ‘સપનાનાં વાવેતર’ની લોકપ્રિયતા વિશે જાણીને થયું કે લેખનું ટાઈટલ સોંગ આ જ હોવું જોઇએ. મહાલક્ષ્મી ઐયર અને વિનોદ રાઠોડે આ ગીત ગાયું છે. એ અજનબી, ફલક તક, ચૂપ ચૂપ કે જેવા પ્રખ્યાત હિન્દી ગીતો ગાનાર મહાલક્ષ્મી ઐયર એ વખતે નવી-સવી ગાયિકા હતી. આ બિનગુજરાતી ગાયિકા પ્રોજેક્ટ સાથે કેવી રીતે સંકળાયાં એ વિશે ઉત્તંકભાઈ કહે છે, "હું પહેલેથી વિપુલ એ. મહેતા, જે.ડી. મજીઠિયા, આતિશ કાપડિયાની ટીમ સાથે જોડાયેલો છું. અમે ‘એક્શન રિપ્લે’ નામનું મ્યુઝિકલ કરતાં હતાં ત્યારે એનાં ગીતો માટે બે-ત્રણ ગુજરાતી સિંગર્સ સાથે પ્રયત્ન કરી જોયા, પણ પરિણામ જોઈએ એવું નહોતું મળતું. એના એક ગીતનો વિશિષ્ટ લય હતો-હીંચ અને સ્વિંગના તાલ વચ્ચેનો લય. એ લય પરફેક્ટ આવે તો જ ગીત ઉપડે. છેવટે પ્રકાશ શેટ્ટી નામના એક રેકોર્ડિસ્ટ અને જાઝ મ્યુઝિશિયને મહાલક્ષ્મીનું નામ સૂચવ્યું. એને બોલાવી, એક બે લાઈન સંભળાવી. એ કહે ચાલો, સીધું માઈક પર રેકોર્ડિંગ કરીએ. અમને આશ્ચર્ય થયું, પણ એણે પહેલી લાઈન ગાઈ ને અમે બધાં દંગ થઈ ગયા. ગુજરાતી ભાષા પણ એણે એટલી સરસ રીતે પકડી કે પછી તો એણે અમારા બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં ગાયું. મહાલક્ષ્મી અમારે માટે પછી તો લકી મેસ્કોટ બની ગઈ હતી. સપનાનાં વાવેતરનું ગીત પણ એણે સુપરહિટ બનાવ્યું. જો કે, એમાં વિનોદ રાઠોડનો પણ મોટો ફાળો. એ વર્સેટાઈલ ગાયક છે. આમ, આ રીતે મહાલક્ષ્મી ઐયર અમારી સિરિયલો-ફિલ્મોનો હિસ્સો બની ગઈ. ‘માલામાલ વીકલી’ હિન્દી ફિલ્મમાં પણ મેં એની પાસે ગવડાવ્યું હતું.

ઉત્તંક વોરાનું ગીત; ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ, ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતાં જઈએ … પણ ખૂબ લોકપ્રિય છે. વરસાદની મોસમમાં આ ગીત યાદ આવ્યા વિના રહે નહીં. ગાયિકા ફાલ્ગુની શેઠનું સોલો આલબમ બનાવવાનું હતું જેમાં મોટાભાગનાં ગીતો રજત ધોળકિયાએ કમ્પોઝ કરેલાં, પણ હરીન્દ્ર દવેનું આ ગીત ઉત્તંક વોરાને ભાગે આવ્યું.

આખા આલબમમાં આ એક જ ડ્યુએટ છે જે એમણે અને ફાલ્ગુની શેઠે ગાયું છે. એ જ રીતે સંજય છેલે લખેલું તને રોજ મળું છું પહેલી વાર … મોડર્ન ટ્રીટમેન્ટ સાથેનું સુંદર ગીત છે.

ટૂંકમાં, ઉત્તંક વોરા ઝાઝો ઘોંઘાટ કર્યા વિના પુષ્કળ કામ કરે છે. એમના પિતા વિનાયક વોરાએ ગાયેલાં ભજનોનું આલબમ એમણે બનાવ્યું છે તેમ જ સુગમ સંગીતની સુંદર રચનાઓ તૈયાર કરી છે. સંગીતની બેઝિક તાલીમ આપે છે અને ટેકનિકલિટી પણ સમજાવે છે. એમની યૂટ્યુબ ચેનલ પર તમને એમનાં સ્વરાંકનો સાંભળવા મળી શકશે. કંઈક જુદું માણવું હોય તો પ્રયત્ન કરી જોજો. લાભપાંચમે છાયાબહેનના શબ્દોમાં જ લાભપાંચમની શુભેચ્છાઓ:

થાશે શમણાં પૂરાં સહુનાં

સદા હું સ્મરું શુભ લાભ …!

સૌજન્ય : ‘લાડકી” પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 19 નવેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=659677

Loading

દીવાના ઝગમગાટ વચ્ચે સર્વને નૂતન વર્ષાભિનંદન

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 November 2020

દીપાવલિનું પર્વ ગયું. તેણે અનેક વિટંબણાઓ વચ્ચે પ્રકાશ વેર્યો અને ઝગમગતું 2077 બારણે લાવી મૂક્યું છે તો નૂતન વર્ષને સત્કારીએ. દરેક ભારતીયને હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ.

વિક્રમ સંવત 2076 કે 2020 લખી વાળવું પડે એવી સ્થિતિ વિશ્વની રહી છે. કોરોના વાયરસથી લાખો લોકો પ્રભાવિત થયા ને વિશ્વના લાખો લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા એ સૌને ભાવભરી અંજલિ આપીએ અને જેઓ સંક્રમિત થવા છતાં જીવનમાં પાછા ફર્યા એ સૌને શુભેચ્છાઓ પાઠવીએ. બહુ કપરો સમય ગયો છે ને હજી જોખમો છે જ ત્યારે સૌ સ્વસ્થ અને સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરીએ.

પ્રકાશની અનેક ઝગારા મારતી ડિવાઈસિસ આપણે વિકસાવી છે, છતાં આપણે દીવા સળગાવીએ છીએ. એકઝેટ જ્યોત જ લાગે એવી ઈલેક્ટ્રિક આરતીઓ મળે છે, પણ કેટલાક ઘરોમાં હજી ઘીના દીવાની જ આરતી થાય છે. હવે તો બજારમાં આરતીનું ઘી અલગથી મળે છે. એ આરતી પણ પ્રકાશ તો આપે જ છે, પણ એનું અજવાળું મનમાં પડતું નથી, કારણ મન સચ્ચાઈ જાણતું હોય છે. જેટલી સચ્ચાઈ મન જાણતું હોય તેટલું અજવાળું મનમાં ઓછું પડે છે ને એનો ગુણાકાર જેમ જેમ વધે છે તેમ તેમ અંધકાર વધતો જાય છે ને એ વ્યક્તિને નિસ્તેજ કરે છે.

જગત આખાનું દુખ, સાચું જાણીએ છીએ અને તે પ્રમાણે વર્તી શકતા નથી એ છે. આપણે આપણને ઢાંકતા જઈએ છીએ ને તેમ તેમ કાળાશ મનમાં વધતી જાય છે ને એવી સ્થિતિ આવે છે કે છેવટે અંધકાર જ શેષ રહે છે. ખબર જ નથી પડતી કે આપણું તેજ ઘટાડતા જઈને આપણે અંધકાર જ ઘૂંટ્યા કરીએ છીએ. આ પાછું આપણે વધુને વધુ પ્રકાશ, સંપત્તિ ને ઐશ્વર્ય મેળવવા કરીએ છીએ. એને માટે એ બધું જ કરીએ છીએ જે સત્ય નથી. આપણે “અર્થ” માટે તમામ અનર્થ કરી શકીએ છીએ ને આજની લગભગ તમામ ચિંતાનું કારણ જ “અર્થ” છે.

પૃથ્વીનો સૂર્ય એક જ છે ને આપણે સૂર્ય થવા મથીએ છીએ. મથવું ખોટું નથી, પણ તેને માટે જે માર્ગ અપનાવીએ છીએ એ સૂર્ય નહીં, અંધકાર વધારનારા છે. સૂર્ય થવા આપણે તેજ નથી વધારતા, અહંકાર વધારીએ છીએ ને અહંકાર ગમે તેટલો પ્રખર હોય તો પણ તેનું પરિણામ અંધકારમાં જ આવે છે.

સૂર્ય થવાય તો થવું, પણ દીવો થવાય તો પણ ખોટું નથી. આરતીની જ્યોત કાયમી નથી એમ જ સૂર્ય પણ કાયમી નથી. સૂર્ય હોય અને આપણે જ ન હોઈએ તો એ સૂર્યનો શો અર્થ છે? મહત્ત્વ સૂર્યનું તો છે જ પણ એથી વધુ મહત્ત્વ તો મનુષ્યનું છે. મનુષ્ય પહેલાં પણ આ પૃથ્વી તો હતી જ, પશુપંખી હતાં, તારા નક્ષત્રો પણ હતાં જ ! સૂર્ય હતો, ચંદ્ર હતો, જળ, વાયુ, અગ્નિ … બધું હતું, પણ પૃથ્વીને, એ પૃથ્વી છે એવી ઓળખ મનુષ્યે આપી. સૂર્યના પ્રખર તાપનો પ્રભાવ જીવજંતુ, વૃક્ષ, પાન, જળ, સ્થળ પર હતો જ, પણ એને અભિવ્યક્તિ આપી મનુષ્યે. મનુષ્ય ન હતો ત્યાં સુધી દેવીદેવતાઓ પણ ન હતાં, સ્વર્ગ ન હતું, નરક ન હતું. પાપ ન હતું, પુણ્ય પણ ન હતું. આ બધું આવ્યું મનુષ્યને પગલે. એ મનુષ્ય હવે પ્રકૃતિનું નિકંદન કાઢવા બેઠો છે. લાખો મનુષ્યોનો કેવળ સત્તા માટે મનુષ્યે સર્વનાશ કર્યો છે. શાસ્ત્રો માટે સંપત્તિનો કરવાનો ઉપયોગ હવે શસ્ત્રો માટે થાય છે. અનેક વખત આ પૃથ્વીનો નાશ કરી શકાય એટલાં શસ્ત્રો આપણે વિકસાવ્યાં છે ને નાશ જ કરવો હોય તો જરૂર તો એક વખતનાં શસ્ત્રોની જ છે. સર્વાર્થ હવે સ્વાર્થમાં પરિણમ્યો છે. આપણે કૃશનું વધાર્યું છે એટલું મહત્ત્વ કૃષિનું વધાર્યું નથી.

ઈશ્વરની સાક્ષીએ પુણ્ય કમાવાની વાત હવે પાપ કમાવા પર આવી છે. કદાચ પાપ જ પુણ્ય થઈ ગયું છે. ગમે એટલું અસત્ય વધે તો પણ તે સત્ય થતું નથી. ગમે એટલો અંધકાર, પ્રકાશ થઈ શકતો નથી. ગમે એટલો નાનો દીવો છે તો પ્રકાશ જ. તેનું અંધકાર કૈં જ બગાડી શકતો નથી. એ દીવાનું તેજ સમજીએ. દીવાનું તેજ સ્નિગ્ધ છે, તે પ્રખર નથી. સૂર્યનું તેજ કોમળ હોય એ જ રીતે તે પ્રખર પણ હોય. ગમે તેટલો પ્રખર સૂર્ય રાત્રે કામ આવતો નથી, ત્યારે તો દીવો જ કામ લાગે છે. દીવો સૂર્યની સામે કૈં જ નથી, પણ તે અંગત છે. સૂર્ય વિશ્વનો છે, દીવો ઘરનો છે. ઘરમાં તો દીવો જ સળગે. ત્યાં કૈં સૂર્ય ન પ્રગટાવાય. સૂર્ય વિના ન જીવાય, પણ દીવા વગર પણ માર્ગ ન મળે એ પણ એટલું જ સાચું છે.

દીવો આગળનું જ જુએ છે. કોઈ પણ પાછળ જવા દીવો પ્રગટાવતું નથી, તે તો આગળનો માર્ગ જ બતાવે છે. અજવાળું બહાર થાય તેમ મનમાં પણ થાય છે. આત્માને સૂર્ય નહીં, દીપ કહ્યો છે. જેને આત્માનું અજવાળું છે તેને અંધકાર સ્પર્શતો નથી. આ અજવાળું બાળકમાં સૌથી વધુ હોય છે. તે એટલે કે તે નિર્દોષ હોય છે.

યાદ છે, શેરીને નાકેથી ડોલમાં માટી ખોદી લાવતા હતાં તે? મહોલ્લામાં નવા નવા લાઈટના થાંભલા નંખાયા હતાં ને તેનું અજવાળું રસ્તા પર બેચાર ઘરે જ પહોંચતું હતું, યાદ છે? ડામરની સડક આવવાની હતી ને પેલી માટીની, આંગણે ઓટલી બનતી હતી, ખબર છેને? તેને છાણ લીંપીને લીસી કરતાં હતાં. ઉપર ગેરુ ફેરવતાં અને દિવસોની મહેનત પછી ઓટલી ચકચકવા લાગતી. શેરીનાં છોકરાઓનું આ જ તો ભક્તિકાર્ય હતું. એ પછી કરોઠી ખરીદાતી ને લારીવાળો રંગોની નાની નાની શંકુ આકારની ઢગલીઓ લાવતો અને માંડ થોડા સિક્કાઓમાં જાણે મેઘધનુષ ઘરમાં આવતું. ત્યારે આજના જેવા રેડીમેડ સાથિયા કે સ્ટિકર્સ ન હતાં. હવે તો ઓટલીઓ જ ગઈ ત્યાં –

પણ ત્યારે ઓટલીમાં જીવ રહેતો. કોઈ મીંડાંના સાથિયા કરતું તો કોઈ બીબાં પર કરોઠી ભભરાવી વાઘ કે લક્ષ્મી ઓટલી પર પાડતાં. ત્યારે ખબર ન હતી કે એ વાક્બારસ છે. વાક એટલે વાણી ને વાણીની દેવી એટલે સરસ્વતી એવું ભાન જ નહીં. અંબામાતાનું વાહન વાઘ એટલે વાઘબારસ, આટલી જ સમજ. વાઘમાં રેતી અને હળદર પૂરીને ચટાપટાવાળો વાઘ તૈયાર થતો ને તેની જીભમાં કંકુ પુરાતું કે એવું લાગતું જાણે અંબામા તેના પર સવારી કરશે. આખી શેરીમાં 40ના કે 100ના બલ્બ સળગતા અને શેરી ફાનસ જેવી ઝગમગી ઊઠતી. મોડી રાત સુધી શેરી વાતે વળગતી ને અનેક સાથિયાઓથી રંગીન થઈ ઊઠતી. બા રસોડામાં ખડખડિયાં, થાપડાં કે રવાના કાંગરીવાળા ઘૂઘરા તળવામાં પડી હોય અને તેની સુવાસ સાથિયા સુધી ઊતરી આવતી. ..

એવામાં સવારે ખબર પડતી કે કોઈ ગાય ઓટલી પરનો સાથિયો ખોદી ગઈ છે તો જીવ ગયા જેવો ચિરાડો પડતો. આખો દિવસ આંખો લૂંછવામાં જતો. એમાં વળી કોઈ દિવસે લોટ, ઘી, ખાંડ લઈને નાનખટાઈ પડાવવા જતાં. રાત્રે ગરમાગરમ નાનખટાઈનો ડબ્બો ભાઈબહેનો માથે મૂકીને લાવતાં ને તેનો અડધો ટુકડો મોમાં મૂકતાં જે મીઠાશ ફેલાતી તે હજી જીભ પર રવરવે છે. ચણાની ઘારીની બાએ મોંમાં મૂકેલી મીઠાશ ઘરડી જીભ હજી શોધે છે ને જવાબમાં ખારાશ આંખે આવે છે.

– ત્યારે ટોટી ફૂટતી ! પિત્તળના વાઘનાં ડોકાં મળતાં. તેનાં મોઢામાં ટોટી મૂકવાની ને તેને ઉછાળો એટલે તે ભોંયે પટકાય ને “ફટ્ટ !” અવાજે દિવાળી શરૂ થતી. લાલપીળાં બપોરિયાં દિવસે સળગતાં ને રાત્રે કનકતારાને છેડેથી વાળીને ગોળગોળ ફેરવવાથી જે સળગતું વર્તુળ રચાતું તે અનેકના ચહેરા સોનેરી રંગી જતું. તે વખતે  ચાંદબીબી છાપ 24 ફટાકડાની લૂમ મળતી. એના એક એક ફટાકડા છૂટા પાડીને ફોડવાના. એક બે લૂમમાં તો દિવાળી પૂરી થતી. કાળી ચૌદશે લક્ષ્મી બોમ્બ મળતા. તે પાંચ મોટા ફટાકડાનું પેકેટ. નાકેના હનુમાનના મંદિરે વડાપૂરી ને તેલ ચડાવતાં ને આવતી વખતે બોમ્બ ફોડતા. તે વખતે 10,000 ફટાકડાની લૂમ ન હતી. આખી જિંદગીનો સરવાળો હજાર ફટાકડા નહીં થાય કદાચ ! જે હતું તે ઓછું હતું, પણ સાત્વિક હતું ને તેનો આનંદ હતો, હવે તો તે ય રહ્યું નથી, પણ એનો અફસોસ કરવાનો અર્થ નથી. હતું તે સારું હતું ને હશે તે ય સારું જ હશે … કારણ ગમે તેટલું કરીએ તો પણ પૃથ્વીને અવળા આંટા તો મરાવી શકાવાના નથી. ગતિ એ જ વિકલ્પ છે ત્યાં ભવિષ્ય એ જ આશ્વાસન પણ છે. આપણે ખરાં થઈએ ને ખરાં ઊતરીએ તો ય ઘણું છે, ખરુંને? ફરી એક વાર સૌને અભિનંદનો …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 16 નવેમ્બર 2020   

Loading

કોઈ પણ માણસની એટલી પ્રશંસા કરવી જેટલી કરવાને તે લાયક હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|15 November 2020

૧૯૩૪ના પ્રારંભમાં ગાંધીજી દક્ષિણના પ્રવાસે હતા ત્યારે તેમણે પોંડીચેરી જઇને શ્રી અરવિંદને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રી અરવિંદનો જાતે લખેલો ઉત્તર આવ્યો હતો કે તેઓ કોઈને મળતા નથી એટલે દિલગીર છે. ગાંધીજીએ શ્રી અરવિંદના શિષ્યા અને ઉત્તરાધિકારી માતાજીને મળવા લખ્યું તો તેમનો પણ કોઈ ઉત્તર ન આવ્યો એ જોઇને વલ્લભભાઇ પટેલને માઠું લાગ્યું હતું. વલ્લભભાઇનો ગાંધીજીને લખેલો પત્ર તો જોવામાં આવ્યો નથી, પણ ગાંધીજીએ વલ્લભભાઇને જે ઉત્તર આપ્યો હતો એના પરથી લાગે છે કે વલ્લભભાઇને આમાં ગાંધીજીનું અપમાન નજરે પડ્યું હોવું જોઈએ. તેમણે માતાજીને ‘માતાજી’ તરીકે સંબોધવામાં આવે એ પણ વિચિત્ર લાગ્યું હતું.

જવાબમાં ગાંધીજીએ પાંચમી ફેબ્રુઆરી ૧૯૩૪ના રોજ લખેલા પત્રમાં લખ્યું હતું કે, ‘’મધર’ને ‘મધર’ કહેવામાં આપણું કાંઈ જવાનું નથી. જેને જે ખિતાબ મળ્યો હોય એને એ નામે બોલાવવાનો વિનય તો ગોળમેજ ઉપર પણ જળવાયો હતો. તમે કદાચ કહેશો કે ગોળમેજનું અનુકરણ કરીએ તો બાર વાગે. કહેવાનો મતલબ એ છે કે ગોળમેજને પણ એ વિનય જાળવવો પડ્યો હતો.’ ગાંધીજીએ ઉક્ત પત્રમાં મધરનો ઉલ્લેખ માત્ર ‘મધર’ તરીકે નથી કર્યો, ‘રિવિયર્ડ મધર’ (શ્રદ્ધેય માતાજી) તરીકે કર્યો હતો.

વિનય. ગાંધીજી કહે છે કે એક બાજુએ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અને બીજી બાજુએ વિનય છે. ગાંધીજી ધારત તો માતાજીને મિસ મીરા અલફાસ્સા (તેમનું મૂળ નામ) તરીકે સંબોધી શક્યા હોત, તેમનો તે અધિકાર હતો, પણ હાથમાં શું આવત? એમાં ગાંધીજીનો અવિનય પ્રગટ થયો હોત અને શ્રી અરવિંદ અને માતાજીના અનુયાયીઓ નારાજ થયા હોત. ગાંધીજીએ વિનાયક દામોદર સાવરકરને પણ ૧૯૪૦ના દાયકામાં લખેલા એક પત્રમાં ‘વીર સાવરકર’ તરીકે સંબોધ્યા હતા જ્યારે કે તેમને જાણ હતી કે સાવરકરે જિંદગીમાં કોઈ વીરતા બતાવી નથી. એ સમયે હિંદુ મહાસભાવાળાઓ સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ઓળખતા થયા હતા જેની સામે ગાંધીજીને કોઈ વાંધો નહોતો.

આને બીજે છેડે એક પ્રસંગ નોંધવા જેવો છે જે નારાયણભાઈ દેસાઈએ મને કહ્યો હતો. ગાંધીજી બહુ ખાસ કાંઈ કહેવાનું ન હોય અને ‘આ વખતે મળી શકાય એમ નથી’ એવી અમસ્તી જાણકારી આપવા પુરતો પત્ર લખવાનો હોય તો તેઓ સમય બચાવવા માટે બાજુમાં જે બેઠું હોય એને કહી દે કે ફલાણાભાઈને આટલું લખી નાખો. એક જાણીતા ગુજરાતી સાહિત્યકારને આવો એક પત્ર લખવાનું ગાંધીજીએ નારાયણભાઈને કહ્યું. નારાયણભાઈએ પત્ર લખીને ગાંધીજીને જોઈ જવા આપ્યો. પત્ર ટપાલમાં નાખવા આપતા પહેલાં ગાંધીજી જેને પત્ર લખવામાં આવ્યો હોય એને કરવામાં આવેલું સંબોધન અને સરનામું ધ્યાનથી જોઈ જતા. ગાંધીજીએ જોયું કે નારાયણભાઈએ એ સાહિત્યકારના નામની આગળ ‘મૂર્ધન્ય’ જેવું ભારેભરકમ વિશેષણ વાપર્યું હતું. ગાંધીજીએ સંબોધન વાંચીને કહ્યું, ‘બાબલા (નારાયણભાઈનું હુલામણું નામ), તને લાગે છે કે આપણા આ સાહિત્યકાર આટલા મોટા ગજાના છે? સંબોધનમાં કે પ્રશસ્તિમાં અતિશયોક્તિ કરવી એ અસત્ય છે. વળી તેઓ કહેશે કે ગાંધીએ તેમને મૂર્ધન્ય તરીકે ઓળખાવ્યા છે. તેઓ પોતે પોતાના વિષે ભ્રમમાં રહેશે અને બીજાને ભ્રમમાં નાખશે. કોઈ પણ માણસની એટલી જ પ્રશસ્તિ કરવી જોઈએ જેટલી કરવાને તે લાયક હોય.’

અહીં તેઓ વિનય અસત્યમાં ન ફેરવાય એનું ધ્યાન રાખે છે, પણ બીજા માટેનો વિનય કદાચ અસત્યયુક્ત હોય તો પણ જાળવવો જોઈએ. ગાંધીજીનો માતાજી વિશેનો શું અભિપ્રાય હતો એ આપણે જાણતા નથી. ગાંધીજી તેમના વિષે બોલ્યા નથી. ગાંધીજીનો સાવરકર વિશેનો શું અભિપ્રાય હતો એ આપણે જાણીએ છીએ. બહુ ઊંડા, ચાલાક, સાવધાન રહેવું પડે એવા જોખમી માણસ તરીકે ગાંધીજીએ સાવરકરને ઓળખાવ્યા છે. આમ છતાં ય ગાંધીજીને સાવરકરને ‘વીર’ તરીકે સંબોધવામાં વાંધો નથી, કારણ કે સાવરકરને અને તેમના અનુયાયીઓને એ ગમે છે. બીજી ગોળમેજ પરિષદમાં ઘણા ‘સર’, ‘રાવ બહાદુર’ અને ‘હીઝ હાઈનેસો’ને ગાંધીજીએ એ નામે સંબોધ્યા હતા. એ બધા ખોખલા અને ચાપલૂસ હતા એની જાણ તેમના સહિત આખી દુનિયાને હતી. આ સાથે તેઓ પોતે પોતાની જાતે કોઈને પણ માટે અતિશયોક્તિયુક્ત વિશેષણ વાપરતા નથી.

તો વાત એમ છે કે જીવનમાં ડગલે ને પગલે વિવેક કરવો પડતો હોય છે. વાણી સ્વાતંત્ર્ય અને વિવેક પરસ્પર વિરોધી વસ્તુ નથી. જો મુસલમાનોને પેગંબર મહમ્મદની તસ્વીર (કોઈ પણ સ્વરૂપમાં) ચીતરવામાં આવે એ ન ગમતું હોય અને એવી તેમની શ્રદ્ધા હોય તો વિનય-વિવેકના ભાગરૂપે ન જ ચીતરવું જોઈએ, પણ કોઈ જો મહમ્મદનું કે ઇસ્લામ ધર્મનું મૂલ્યાંકન કરવા માગતું હોય તો તે તેનો અધિકાર માન્ય કરવો જોઈએ. એમાં મુસલમાનોની લાગણીની ચિંતા કરવાની જરૂર નથી. લાગણી એટલી આળી ન હોવી જોઈએ કે કોઈનું મૂલ્યાંકન જ અશક્ય બની જાય. હવે મૂલ્યાંકનનો અર્થ તો તમે સમજતા જ હશો. પૂર્વગ્રહદૂષિત બદનક્ષી એ મૂલ્યાંકન ન કહેવાય.

ફ્રાંસમાં કાર્ટૂનિસ્ટોએ પેગંબર મહમ્મદનું કાર્ટૂન ચીતર્યું એ મૂલ્યાંકન હતું કે મસ્તી? એમ કરીને શું લાભ થયો, શું સિદ્ધ કર્યું? અવળચંડાઈ, ચીડવવાની વૃત્તિ અને મસ્તી સિવાય બીજો શું હેતુ હતો? જો એ મૂલ્યાંકન હોત તો વાણીસ્વાતંત્ર્યનો ભાગ બનત, આપણે તેમની પડખે ઊભા રહેત, પણ અહીં તો ઉઘાડો અવિવેક હતો. આનો બચાવ ન થઈ શકે.

સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ત્રણ જીવનમૂલ્યો જગતને ફાંસે આપ્યાં છે. ફ્રેંચક્રાંતિમાંથી મળ્યાં છે. ફ્રાંકોઇસ વોલ્તેર નામનો વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ, ઇતિહાસકાર અને લેખક એ ક્રાંતિનો પિતામહ હતો. વોલ્તેરે ૧૭૪૧ની સાલમાં ‘મોહમેત’ (મહમ્મદ) નામનું નાટક લખ્યું હતું જેણે પ્રચંડ વિવાદ પેદા કર્યો હતો. એમાં ઇસ્લામની અને પેગંબરની આકરી ટીકા કરવામાં આવી છે. ત્યારથી લઈને આજ સુધી ફ્રાંસ અને ઇસ્લામ વચ્ચે છત્રીસનો આકંડો છે. તમારે એ નાટક વાંચવું જોઈએ અને નક્કી કરવું જોઈએ કે એમાં મસ્તી છે કે મૂલ્યાંકન? સર્જકની સ્વતંત્રતાના પ્રશ્નો પણ ઉપસ્થિત કરવામાં આવે છે. સ્વતંત્રતાની સાથે બંધુતાની વાત પણ કરવામાં આવી છે જે વોલ્તેર સહિત કેટલાક ફ્રેન્ચો ભૂલી જાય છે.

આપણે ત્યાં ૧૯૨૦ના દાયકામાં લાહોરમાં આર્યસમાજી પ્રકાશક રાજપાલ એન્ડ સન્સના સ્થાપક રાજપાલ મહાશયે ‘રંગીલા રસૂલ’ નામનું પુસ્તક, તેનું શીર્ષક જ બતાવે છે એમ પેગંબરની ગંદી ઠેકડી અને ટીકા કરતું પ્રકાશિત કર્યું હતું. તેને કારણે પંજાબમાં કોમી હુલ્લડો થયાં હતાં અને રાજપાલની હત્યા થઈ હતી. પુસ્તકના લેખક પંડિત કૃષ્ણ પ્રસાદ હતા, પરંતુ પુસ્તકમાં લેખકનું સાચું નામ આપવામાં આવ્યું નહોતું એટલે તે બચી ગયા હતા. અદાલતે એ પુસ્તકને બદનક્ષી કરનારું ઠરાવીને લેખક અને પ્રકાશકની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. આજે તમે રાજપાલ એન્ડ સન્સની વેબ સાઈટ ઉપર જશો તો તેમાં તમને જોવા મળશે કે રાજપાલ મહાશયને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે શહીદ થઈ ગયેલા પ્રકાશક તરીકે ઓળખાવવામાં આવ્યા છે.

અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય તો હોવું જ જોઈએ પણ સભ્યતા, વિનય અને વિવેકના ભોગે નહીં. ફ્રાંસમાં જે બની રહ્યું છે એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની વાત નથી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 નવેમ્બર 2020

Loading

...102030...2,1482,1492,1502,151...2,1602,1702,180...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved