Opinion Magazine
Number of visits: 9964994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ તે કેવાં ટીચર !

પ્રવીણ દરજી|Opinion - Opinion|1 February 2021

 અરે, આ તે કેવાં ટીચર
વાત કરે છે સાધુ જેવી, પોતે છે વરણાગી
‘મેં’, ‘મેં’, ‘હું’, ‘હું’, રટણ રહે ને દુલારાના દાવા
ઉધામા તો એવા જાણે દુનિયાભરનો રાજા
ના ફિકર કે ફીચર તોયે લેખાયાં ટીચર
વર્ગખંડમાં કડપ દાખવે સોટીના ચમકારે
નીચું મસ્તક, આંખો નીચી રહેતાં બાળક ચૂપ
આ પણ જાણું, તે પણ જાણું કરતા બૂમબરાડા
શકટશ્વાનની કહેતી સમજો નિતનવેલાં રૂપો
ફેટિશ લેખી નમે પૂજે સૌ બાળ કતારે ઊભાં
ભક્ત જોઈને પોરસ ચઢતાં ખીલતાં ટીચર ઝાઝું
ભાષાના તો ધોધધધૂકા ચાલે ફેંકંફેકા
એ થાયે ને એ ઉથાપે લાજ-શરમ ના આવે
હું બોલું ને ચૂપ તમે-એ શસ્ત્ર રોજ ઉગામે
વર્ગખંડની બહાર નીકળી બાળક ચણભણી રહેતા
ધાકધોકે ટીચર પાછું બૂધે સીધું કરતાં
ઊભીઆડી ચાલ ચાલીને વર્ગખંડને વ્યાપે
ને બડેખાંજી જુએ ધ્યાનથી કોણ છે આછોપાછો?
દાવ નવો એ રોજ રમે ને તૂત નવું જન્માવે
પાડે તાળી બાળ બિચારાં ખેલ રાજી થઈ ન્યાળે
ઘંટ વાગતાં મરઘો થઈને દફતર ઘેરે દોડે
વળતેદહાડે ભોળું દફતર એ જ ટીચરને ખોળે!
અરે, આ તે કેવાં ટીચર!…

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 15

Loading

સ્નોભાઈ

સુમન શાહ|Opinion - Literature|1 February 2021

મિત્રો :

મેં જાણ્યું કે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાઈ ગયું છે. પણ આ યે જાણવા જેવું છે.

હું અમેરિકાના ઇલિનોય સ્ટેટના પીઓરીઆ શહેરમાં રહું છું. આજે અહીં 10.4 ઇન્ચ સ્નો પડ્યો છે – સીઝનનો રૅકર્ડબ્રેક નમ્બર !

Weather Services reported :

Peoria breaks Snow fall records : 10.4  inches !

આ વાત મારા માટે નવી નથી. ભૂતકાળમાં આવો સ્નો મેં અનેક વાર જોયો – અનુભવ્યો છે. એ ભૂમિકાએ વર્ષો પહેલાં, કદાચ ૨૦૦૭માં, મેં “સ્નોભાઈ” શીર્ષકથી એક નિબન્ધ લખેલો, એ અહીં રજૂ કરું છું.

પ્રકૃતિ એનું કામ કરે છે પણ મનુષ્યકૃતિ અને તેમાંયે સર્જનો, સાહિત્યની કે કલાની કૃતિઓ, મનુષ્યજીવને એક આશ્વાસન બક્ષે છે …

••••••••••••

= = = = પ્રેમ વગેરે બે-ચાર ચીજો સંસારમાં માત્ર અનુભવવા માટે છે. બોલવા માટે જરા ય નહીં. એવું જ સ્નોનું છે = = = =

ત્રણેક માસના સ્નોદર્શન પછી મને લાગે છે સ્નો વિશે બોલવાની લાયકાત મેળવી છે મેં. જો કે શું બોલું? ભારતનો માણસ – પાછો મારા જેવો – ધૂળ વિશે બોલી શકે એટલું સ્નો વિશે તો શી રીતે? ધૂળ ધરતીમાં પેદા થાય ને ઊડે આકાશ ભણી. સ્નો આકાશમાં બને ને જઈ પડે ધરતી પર. કંઈ સાર નથી બંને અંગે જોડે જોડે બોલવાનો …

આપણે ત્યાં ઉનાળામાં ધૂળ ઊડે ગોટા થાય લૂ વાય એમ મેં અહીં અમેરિકામાં સ્નોની ધૂળ જોઈ. ઊડતી. ગોટા જોયા સ્નોના ગોરજ જેવા પણ ઠંડા. ઠંડી લૂ. બુસ્કાં જોયાં સ્નોનાં અધ્ધરપધ્ધર ભટકતાં. સ્નોનો કાદવ – ગૉલો – કશી વાસ વિનાનો. એને કચડો. ગૂંદો. એમાં આળોટો. સ્નોની પથારી કરો. રજાઈ ઓઢો. ગોળા કરી ફૅંકો. એ વડે મારામારી કરો. મેં સ્નોનાં ઢેફાં ને રોડાં પણ જોયાં. ચમકતાં. છેલ્લે બાય-બાય કરતો એક દિવસ એ જતો રહેતો’તો ત્યારે એના રુદનના લાંબા-પ્હૉળા રેલા પણ જોયા. હું ય બબડેલો : બાય સ્નોભાઈ બાય ફૉર નાઉ, મળશું પાછા. ડોન્ટ ક્રાઈ …

રોજ અપસ્ટેર્સની ગ્લાસવિન્ડોમાંથી બૅકયાર્ડ જોતો. એક પણ વૃક્ષને એક પણ પાન નહીં. ડાળ ડાળ ને સળી સળી થઈ ગયેલાં જાણે હાડપિંજર. ઊભાં ભૂતડાં. દયા આવે. પંખીઓ શોધું. ખાસ તો અમારી લીલીપીળી લૉનને જોતો રહી જઉં, પણ તે સવારે લૉન ગૂમ! એને બદલે સ્નોના ચાર-છ ઈન્ચ જાડા મોઓટા મોઓટા સફેદ રગ. એવા તો ચોતરફ ફેલાયેલા પડ્યા’તા – સાવ શાન્ત. મને આપણો ‘હિમાચ્છાદિત’ શબ્દ યાદ આવેલો. પણ અહીંનું બધું એવું જુદું કે એને હિમ ગણવા મન માને નહીં. નજર ઠંડકમાં ચોંટતી કૂદતી વિસ્તરતી રહી. બીજાં તે અમારા બૅકયાર્ડની સામેના ડિવિઝનનાં પડોશીનાં હાઉસ-રૂફ. ઇન્‌રોડ્સ. વૉક-વેઝ. અવિરત દોડતો રહેતો દૂરનો મેઇનરોડ. બધે જ સ્નો. સ્નો જ સ્નો.

આખી રાત વરસ્યો હશે. મૂળ તો સ્નો પાણી જ ને. એક જાતનો વરસાદ વળી. જો કે વરસાદ પડતો સંભળાય. મને ઊંઘ ઘણી હશે ને આમે ય સ્નો બોલે છે ક્યાં? મને યાદ છે બોરસલી ને પારિજાત સ્નોની જેમ – કે સ્નો એમની જેમ – વરસે છે અને ત્યારે જરા જેટલું ય બોલતાં નથી. નીરવે ધરતી પર પ્હૉંચી જવું એ છે એમનો સ્વ-ભાવ. ધરાને નિરાંતે સેવે. ઝમીઝમીને પોષે. આખી રાત ચુપચાપ સરતા રહ્યા હશે. જાણે કશો મૂંગો આશીર્વાદ, કશું અબોલ હેત. એટલે તો પેલા રગ કાળજીથી ઓઢાડ્યા લાગતા’તા. ધવરાવે ત્યારે મા પાલવ ઢાંકી રાખે એવું. ક્યાં ય કશો સળ નહીં. ન કોઈ ઊંચું ન કોઈ નીચું. ઉબડખાબડ કશું નહીં. ન રંગ ન રંગભેદ. મેં જોયેલું કે ધરતી પર બધે સમતા પ્રસરી હતી.

પછી તો સ્નોની રૅલિ શરૂ થઈ ગઈ. હેલી ક્હૅવાય. અવારનવાર ને મન ફાવે ત્યારે આવી પ્હૉંચે. રૅલી એટલે સંજીવની. નવ્ય ઉત્સાહનું સીંચન. જો કે સ્નો પી-પીને કાળાં પડી ગયેલાં પેલાં બોડિયાં વૃક્ષ અસહ્ય હતાં. ગમે એવો હૉંશીલો માણસ પણ ટાઢો પડી જાય. સામેનું એક તો મને કેવું લાગે છે, કહું? બળેલા સ્વભાવનો કોઈ હોય એના મગજ જેવું. તાર તાર. ઝરડાયેલું, એની સરખામણીએ સ્નોભાઈ મહાન દીસે છે. વજ્ર જેવા કઠિન પણ કુસુમ જેવા મૃદુ.

Snowman = સ્નોભાઈ :

Picture Courtsey : 123RF

એક વાર એઓશ્રી ગાંડાની જેમ બારેક કલાક વરસ્યા. તે બીજે દિવસે આસપાસ ને ચોપાસ સ્નોસાગર. ડાર્ક-ગ્રે લાઇટ-બ્રાઉન કે ગ્રીનિશ બધાં જ રૂફ વ્હાઇટ. ડૅક, વિન્ડોસિલ, ડોરસ્ટેપ્સ, વૉક-વે, અરે, રસ્તા પણ વ્હાઇટ. વરવું કશું પણ દેખાતું ન્હૉતું. ન ડાઘ ન ડૂઘી ન લીટા કે લપાડા. વૉક-વે ને પેવમૅન્ટ પર નાની નાની સ્નો-શિલાઓ. ટચુકડી ડુંગરમાળ સમજો. જાણે મિનિ હિમાલય. થાય કે આ સાગર તો હવે સાગર. કદી જશે નહીં. હું ચાલવા નીકળેલો.

એક શિલાને બૂટથી દબાવી – શાન્ત શિલા ! ધબૂસ થઈ ગઈ. લજામણી. મને એમ બતાવે કે પોતે કેટલી ભંગુર છે. મને થયેલું આ વિષ્ણુ ભગવાનવાળો ક્ષીરસાગર છે. તરત પ્રશ્ન થયો : આ છે એના જેવું કોઈ પણ શહેર શેષશાયી જરૂર છે પણ વિષ્ણુ ક્યાં –? ચોપાસ જોયું. ન દેખાયા. હા, મુખ્ય રસ્તાઓ પરના સ્નોને વ્હૅમન્ટલિ ઉખાડીને ખસેડતી સ્નોમૂવર ટ્રકો જરૂર દેખાઈ. સ્નો બંને તરફ઼ ફુવારાભેર ફૅંકાતો’તો. એનો કીચડ કચડાતો’તો, શહેર જાણે બૅટલ-ફીલ્ડ. પછી તો કારો દોડતી થઈ ગયેલી. જાણે કશું બન્યું નથી. રસ્તાની ધારો પરની શિલાઓ ખરડાઈ ગયેલી. ધુમાડાવાળી. શેકાયેલી-બળેલી. ગન્દી. કાયમથી વખણાતી સ્વચ્છતા બાપડી ઉઘાડી પડી ગયેલી.

છતાં મેં કહ્યું તે જ બરાબર હતું. એકંદરે સારું હતું કે ધરતી પર બધે સમતા પ્રસરી હતી. કેમ કે તે શ્વેત હતી. શુભ્ર સફેદ. આપણે બધા જાણીએ છીએ કે સફેદને કશો રંગભેદ નથી. ને એટલે તો પ્રસરી શકે છે. અને જે પ્રસરે છે તેને શબ્દો વર્ણવી શકતા નથી. યાદ કરો, સફેદને આપણે કાં તો દૂધ જેવું કહીએ છીએ, કાં તો માખણ જેવું કે પછી બગલાની પાંખ જેવું. એટલે કે એવી બધી ચવાયેલી ઉપમાઓ વાપરીને જ ઓળખાવી શકીએ છીએ. જેણે સ્નો જોયો ન હોય એ લોકો ભલે એવું બોલે. કોઈ કવિ-સ્વભાવનો માણસ એમ પણ કહે કે સ્નો એટલે દાઢી કરવા માટેનું મબલખ મબલખ ફોમ. ના તો ન પડાય. જેણે જોયો છે એ લોકો સ્નો જેવું વ્હાઇટ એમ બોલે છે ખરા પણ સ્નો પોતે કેવોક વ્હાઇટ તે નથી કહી શકતા. સાર એ છે કે સ્નો સ્નો જેવો છે.

પ્રેમ વગેરે બે-ચાર ચીજો સંસારમાં માત્ર અનુભવવા માટે છે. બોલવા માટે જરા ય નહીં. એવું જ સ્નોનું છે.

મેં અવારનવાર જોયું કે સીધો સૂર્યપ્રકાશ પડે ત્યારે કે ચળાયેલો ઉજાસ સમસમતો હોય ત્યારે, સ્નો, હોય એથી પણ વધારે સફેદ – અત્યન્ત સફેદ થઈ ઊઠે છે. સાવ જ અવર્ણનીય. મારી માન્યતા બંધાઈ છે કે એથી વધારે શ્વેત-શુભ્ર દુનિયામાં કંઈ નથી. સાચે જ. જે મળે એને ક્હૅતો ફરું છું. મળે એટલી વાર ક્હૅતો રહું છું.

છતાં પેલો હઠીલો સવાલ તો ખરી જ : જશે ક્યારે? કોઈ જિદ્દી કે કોઈ અડિયલની માફક સ્નોભાઈ ખસતા નથી ને ચીક્ટુ થઈને ભરપૂર કંટાળો આપી શકે છે. મગજને દમે. ચીડવે. કશો આથો ચડ્યો હોય કે કશી ફોમિન્ગ ઇફૅક્ટ પામ્યા હોય એમ ઠેકઠેકાણે ઢોકળાં જેવા ફૂલેલા. વાસી. ડાળો પર લૂવા થઈ લબડતા ખાસ્સું પજવે. માણસોને અટકી પડેલાં કામોની વિમાસણો હોય. તે આવો પ્રમાદી તો કેમનો પાલવે? ગતિરોધ જતે દા’ડે પીડે. એ શાન્તિની ય છેવટે ઊબ થાય. શેરીઓ સ્મશાનવત્ પણ લાગે.

એક રાતે મેં ચન્દ્ર વગરની ચાન્દની જોઈ. હશે પણ દેખાતો ન્હૉતો. સ્નો પોતે જ ચાન્દની. નીચાં આકાશમાં ચાંદનીના બમ્બા. આખું વાતાવરણ દૂધમલ ઓજસથી તગતગે. આમ સારું લાગેલું. આમ ગૂંગળાવનારું. કશી અકથ્ય બેચૅની થયેલી. સવારે સ્નોમાં કોઈનાં પગલાં જોયેલાં. કોઈ જણ આવ્યું-ગયું હશે? કોઈ જનાવર? બધું રહસ્યમય થઈ ગયેલું.

સ્નો અને વાદળછાયા આકાશ નીચે કેટલાયે દિવસોથી ખોવાઈ ગયેલા પડછાયા મને એકાએક યાદ આવેલા. હતા જ નહીં ! વગર પડછાયાનું જીવન તો કેવું ભૅંકાર કહેવાય. મનમાં સૂનકાર છવાઈ ગયેલો. મને થાય, કાયમ ચાંદા-સૂરજને ઊગતા-આથમતા જોનારનું અહીં કામ નથી. એવું થાય, આ હવે જાય તો સારું. માઇનસ ટૅમ્પરેચર ટળે તો સારું. આકાશ નિરભ્ર ને નીલ થાય કે રાતો તારાભરી શ્યામ, અથવા જોરદાર વરસાદ વરસે. કે પછી, નીકળી આવે તમતમતા સૂરજનો તડકો …

અને -સૂરજ તો નહીં પણ એક વાર આખો દિવસ વરસાદ આવ્યો. આવ્યા જ કર્યો. બધું ધોઈ નાખ્યું. ધીમે ધીમે કરીને વરસાદે સ્નોભાઈની સમગ્ર લીલા પર પાણી ફેરવી દીધું. જો કે એ કાલિદાસનો મેઘ નહૉતો. આકાશ વૃષ્ટિધૌત પણ રવીન્દ્રનાથવાળું નહીં. વરસાદની ધારાઓ ખરી પણ બૉદ્લેરે કહેલી તેવી જેલના જાડા સળિયા જેવી નહીં. પાતળીપાતળી સળીઓ હતી, ધારાઓ તો કહેવાય જ નહીં. સરવડાં. ઝરમરિયા આવારાજાવરા. પણ એ ઝીણી-મોટી ઝાપટીઓનો માર આખો દિવસ ચાલુ રહેલો. બધું સદ્યસ્નાત લૉન સમેતનું ગમતું થયેલું. છાપરાં વળી પાછાં અસલી રંગમાં ચોખ્ખાં ચોખ્ખાં. એકલદોકલ પક્ષીઓ અહીંતહીં ચન્ચુપાત કરતાં કૂદવા માંડેલાં. દોડી જતો નોળિયો (?) દેખાયેલો. જો કે આખલાની કાંધ જેવાં સ્નોનાં કેટલાંક રોડાં હજી ઑગળ્યાં ન્હૉતાં. જક્કી, હઠીલાં. એવું પણ કહેવાય કે વિરહી જનનાં મન જેવાં આશાવાદી પણ ઉદાસ.

અને એમનો આશાવાદ ફળેલો પણ ખરો. વરસાદ પત્યા પછી પણ જાતભાતનો સ્નો દિવસો લગી પડ્યા કરેલો. કોઈ વાર જાડો જાડો તો કોઈ વાર ફ્લરિ. ભૂકો ઊડે, કસ્તર. ગૂંચવાયા કરે. સ્થાન માટે ફાંફે ચડ્યો લાગે. એક-બે વાર નાગા વરસાદ જેવો મેં નાગો સ્નો પણ જોયેલો. તડકામાં બુસ્કાં ભમતાં’તાં. એમાં રજ-રજોટી દિશાહીન ઘુમરીઓ લેતી ગૅલમાં આવી ગયેલી. પણ છેલ્લે તો લાચાર પતન. ચાલતા શીખેલું બાળક દોડવા કરે ને બેસી પડે એના જેવું.

જો કે એક દિવસ સૂરજે આવીને સ્નોભાઈને ખાસ્સો તતડાવ્યો : જવું છે કે નહીં? હીરાકણીથી ય ઝીણી લાખ્ખો સ્નોકણીઓ ઝગમગ ઝગમગ થતી’તી : અમે તો તૈયાર છીએ. સ્નોના એ રગ પછી તો ઢીલા પડી ગયા. રડમસ. વિલાપ-આલાપ જેવા રેલાથી રસ્તા બધા ભીના ચીતરાતા રહ્યા. અને એ ગયો.

મેં બૅકયાર્ડમાં જોયાં કેસરી રંગનાં બે નાનકડાં પક્ષી. હા, એક જે ત્રીજું હતું – જુનિયર – તે નીચલી ડાળે હતું. પેલાં બે એક જ ડાળ પર સામસામું જોતાં, જરાક કંઈક ડોક ફેરવતાં, ચૂપ હતાં. મારે એમને ઊડતાં જોવાં’તાં પણ ન ઊડ્યાં તે ન ઊડ્યાં. હું જોતો રહ્યો. એમનું ક્હૅવું એમ હતું કે હવે અમે નહીં જઈએ – સ્પ્રિન્ગ અમારી છે …

એટલે હું પણ રોજેરોજ નીકળી પડું છું. વૃક્ષ વૃક્ષને નિહાળું છું. જોઉં છું તો ડાળ ડાળે ટશરો ફૂટી છે ને ઠેકઠેકાણે કળીઓ બેઠી છે. બધું ખીલ્યા કરશે તેમ તેમ શી ખબર મને એ ભાઈ જ યાદ આવ્યા કરશે, સ્નોભાઈ, શી ખબર …

= = =

(January 31, 2021: USA)

Loading

ઇતિહાસનું ભાવિ

ગણેશ દેવી|Opinion - Opinion|1 February 2021

૧૯૯૨માં યોશોહિરો ફ્રાન્સિસ ફુકુયામા નામના રાજ્યશાસ્ત્રના જાપાની-અમેરિકી વિદ્વાને એક ચર્ચાસ્પદ સિદ્ધાન્ત રજૂ કર્યો. જે પુસ્તકમાં તે પ્રકાશિત થયો તેનું શીર્ષક પણ ઉખાણા જેવું હતું, ‘ધ એન્ડ ઑફ હિસ્ટરી ઍન્ડ ધ લાસ્ટ મેન’ – ઇતિહાસનો અંત અને અંતિમ માનવ. તેમની દલીલ હતી કે લાંબા સંઘર્ષના અંતે માનવજાતે ઉદારમતવાદી લોકતાંત્રિક રાજ્ય પ્રાપ્ત કર્યું છે અને હવે આપણને કદાચ (રાજ્યતંત્રની વધુ સારી પદ્ધતિ માટે) આગળ જવાની જરૂર નહિ જણાય. હવેથી રાજ્યશાસ્ત્ર આખી સંસ્કૃતિનું પરિવર્તન કરી નાખી શકે એવા વિચારોના બદલે પરચૂરણ વિચારોનો જ વહેવાર કરશે. આ તો તેમની દલીલનો એક ભાગ હતો. બીજા ભાગમાં તેમનું માનવું હતું કે આપણી જૂની, ભુલાઈ ગયેલી જંગલી ટેવો ક્યારેક ફરી સપાટી પર આવી શકે છે અને લાંબા સંઘર્ષના અંતે જે લાભ પ્રાપ્ત થયા છે, તેના પર પાણી ફેરવી દઈ શકે છે. સૌની સમાનતા અને મુક્તિ માટે જે મહાન ચળવળો થઈ તે ભુલાઈ પણ જઈ શકે છે. દલીલના બે ભાગ ભેગા થઈને એકવીસમી સદીમાં ઇતિહાસની એકતરફી આગેકૂચનો બિલકુલ અંત પણ લાવી શકે છે. ફુકુયામાને સંસ્કૃતિઓના ભાવિ અંગે ભારે જિજ્ઞાસા હતી, અને તેનાથી પ્રેરાઈને તેમણે એવી આશંકા વ્યક્ત કરી કે એક સમયની બર્બરતાથી લિબરલ ડેમોક્રસી સુધીની પ્રગતિ પછી માનવજાત ક્યાંક ક્ષુલ્લક વિચારોમાં, અસ્થિરતામાં, પુરાણા ભયમાં અને જુનવાણી સંકુચિત માનસિકતાની જાણે કે આધુનિક આવૃત્તિમાં ગર્ત ન થઈ જાય.

જે વર્ષે ફુકુયામાનો નિબંધ અમેરિકામાં પ્રકાશિત થયો તે વર્ષે, ૧૯૯૨માં, હું ભારતીય સાહિત્ય- વિવેચનના ઇતિહાસના એક પુસ્તક પર કામ કરી રહ્યો હતો. મારો હેતુ ભારતે બે સહસ્રાબ્દીના લાંબા ગાળામાં પોતાના ઈતિહાસ અંગેની સમજ કેવી રીતે કેળવી છે તેનું સંશોધન કરવાનો હતો. લખાણ માટે એક દશક ઉપરાંત મેં જે સામગ્રી એકઠી કરી હતી, તેના આધારે એટલું સ્પષ્ટ થઈ રહ્યું હતું કે, સંસ્કૃત, તામિલ, પાલિ, પ્રાકૃત અને આધુનિક ભારતીય ભાષાઓ સહિતની ભારતની તમામ બૌદ્ધિક પરંપરાઓમાં જે ઇતિહાસનું મુખ્ય કામ છે, તે એટલે કે ભૂતકાળનો બોધ કેળવવાની રીતિ માત્ર એક જ નહોતી. પરિપ્રેક્ષ્યોની વિવિધતા એટલી ભારે હતી કે મારે મારા પુસ્તકને શીર્ષક આપવું પડ્યું, ‘ઑફ મેની હીરોઝ’. તેના માટે મેં આંશિક પ્રેરણા દસમી શતાબ્દીના સિદ્ધાન્તકાર રાજશેખરમાંથી લીધી હતી. રાજશેખર રામાયણને એક નાયક ધરાવતી રચના ગણાવે છે, પણ મહાભારતને એકાધિક નાયકોવાળી કૃતિ કહે છે. આ તફાવતનો પ્રયોગ રાજશેખર ઇતિહાસની વિવિધ વિભાવનાઓનું વર્ગીકરણ કરવા માટે કરે છે. વળી, ભારતીય સંસ્કૃતિનો કોઈ એક જ આરંભ હોય એવું નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે.

ભારતીય સંસ્કૃતિના ચોક્કસ આરંભ વિશે મને ભારે મંથન થયું હતું, એ હું ભૂલી ગયો હતો. એ ત્યારે યાદ આવ્યું જ્યારે કેન્દ્રસરકારના સંસ્કૃતિ મંત્રાલયે ભારતનાં છેલ્લાં ૧૨,૦૦૦ વર્ષના ઇતિહાસનું પુનરાલેખન કરવા એક સમિતિ રચ્યાની જાહેરાત કરી. તેની જાહેરાત ઑક્ટોબરમાં થઈ, પણ સમિતિ તો આ સરકારની પહેલી મુદતમાં ત્યારના સંસ્કૃતિપ્રધાન મહેશ શર્માએ નીમી હતી. તેની વિગતો સંસદમાં એક પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરવામાં આવી. તરત જ જનતાદળ સેક્યુલરના એચ. ડી.કુમારસ્વામી અને ડી.એમ.કે.નાં કણિમોળી કરુણાનિધિએ તીખા પ્રત્યાઘાત આપ્યા. પણ પ્રત્યાઘાતમાં વિરોધ માત્ર એ મુદ્દે હતો કે સમિતિમાં માત્ર પુરુષો જ છે, એક પણ સ્ત્રી નથી અને મોટા ભાગના સભ્યો ઉત્તર ભારતના છે. આવી કોઈ સમિતિ રચવા પાછળ જે મૂળભૂત પૂર્વધારણા છે, તેના પર ધ્યાન અપાયું નથી.

એ પૂર્વધારણાના મૂળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ખાસ દૃષ્ટિ છે. સંઘ ભારતને એવું રાષ્ટ્ર માને છે, જ્યાં સનાતન વૈદિક પરંપરા અંગે કોઈ મતમતાન્તરને અવકાશ જ નથી. જ્ઞાનની દરેક પરંપરામાં કંઈક ઊંડું ડહાપણ અને થોડાઘણા તર્કસંગત સિદ્ધાન્તો અવશ્ય હોય છે, પણ કોઈ જ્ઞાન-પરંપરા એવી નથી કે જેનાં તમામેતમામ પાસાં સર્વકાલીન સ્વીકૃતિ ધરાવતાં હોય. કોઈ પણ જ્ઞાન – પરંપરાના વિચારો અને સિદ્ધાન્તોને ભાવિ પેઢીઓ નવા પુરાવા અને નવી જાણકારીના આધારે બદલે, તેમાં પુરવણી ઉમેરે કે પછી સાવ ત્યજી પણ દે તે આવશ્યક છે, પરંતુ સનાતન જ્ઞાનના સમર્થકોને ભારતનાં પ્રાચીન શાસ્ત્રો સામે કોઈ આધુનિક જ્ઞાનના આધારે પ્રશ્નો ઉઠાવે તે પસંદ નથી. તેઓ એ હકીકત સ્વીકારવા તૈયાર નથી કે મધ્યકાળમાં અનેક નોંધપાત્ર સંતકવિઓ અને વિચારકો વેદશાસ્ત્રોથી આગળ વધી ચૂક્યા હતા અને ‘દિવ્યજ્ઞાન’ને ધરતી પર લાવી માનવ – અનુભવના પરિઘમાં (જેને અંગ્રેજી ભાષામાં ‘સેક્યુલર’ કહે છે તેવા) મૂકી રહ્યા હતા. કોઈ આવા પ્રશ્ન ઉઠાવે તો તેઓ તેની પાછળ ‘સંસ્થાનવાદી’ અને ‘પાશ્ચાત્ય’ ઇરાદા જુએ છે, જે પ્રાચીન જ્ઞાનને જાણે કે અપવિત્ર કરી નાંખવા માગે છે.

વેદોની રચના સંસ્કૃત ભાષાના આરંભકાળમાં થયેલી, માટે તેઓ સંસ્કૃત ભાષાને એટલી પ્રાચીન ગણાવવા માગે છે, જેટલી આપણી સામેના ભાષાકીય પુરાવા પ્રમાણે તે છે નહિ. તેમની ગેરસમજનાં મૂળ ઓગણીસમી સદીના યુરોપીય ભાષાવિજ્ઞાનના એક વિશિષ્ટ પ્રકરણમાં છે. શરૂઆતમાં સર વિલિયમ જૉન્સે વિશ્વભરની પ્રાચીન ભાષાઓમાંની કેટલીકની વચ્ચેની સામ્યતાઓના આધારે એક પૂર્વધારણા રજૂ કરી હતી કે એ બધી ભાષાઓનો ઉદ્‌ભવ એક જ ભાષામાંથી થયો હોવો જોઈએ, જેને તેમણે ‘પ્રોટો ઇન્ડો-આર્યન’ નામ આપેલું. જૉન્સે ‘ઇન્ડો-આર્યન’ એવી સંજ્ઞાનો પ્રયોગ એ કારણસર જ કર્યો હતો કે તેઓ ઈસવી સનની પહેલી સહસ્રાબ્દીની સંસ્કૃત ભાષાથી તેને અલગ દર્શાવવા માગતા હતા. ઓગણીસમી સદીના યુરોપીય ભાષાશાસ્ત્રમાં ‘આર્ય’ શબ્દ એક પ્રજાવિશેષ માટે વાપરવામાં આવતો, પણ તે પ્રજા કાલ્પનિક હતી, વાસ્તવિક નહિ. યોગાનુયોગે એ જ સંજ્ઞા, ‘આર્ય’, સંસ્કૃતમાં સદ્‌ગૃહસ્થ કે સમ્માનનીય વ્યક્તિ માટે વપરાય છે, અને એ ‘આર્ય’નું તરણું ઝાલી લીધું એવા અમુક ભારતીય વિદ્વાનોએ, જેમને હિંદુરાષ્ટ્રનો વિચાર આગળ ધપાવવો હતો. આટલા શાબ્દિક આધાર પર તેમણે અતિ પ્રાચીનકાળમાં સંસ્કૃતભાષી ભારતીયો ઉત્તર દિશામાં આગળ વધીને યુરોપ પહોંચી ગયા હોવાની કલ્પનાના કિલ્લા બાંધી લીધા.

પ્રાગૈતિહાસિક કાળમાં પ્રજાઓનાં સ્થળાંતર, પુરાતત્ત્વશાસ્ત્ર, પ્રાચીન ધાતુવિદ્યા, સાહિત્યિક લખાણો, તુલનાત્મક માઇથોલૉજી અને લોકકથાઓ – એ તમામના અસંખ્ય વૈજ્ઞાનિક અભ્યાસોમાંથી એક પણ અભ્યાસ એ ધારણાને સમર્થન આપતો નથી. પણ, સંસ્કૃત ભાષા પ્રાગૈતિહાસિક કાળમાં – ખાસ કરીને ઈસવી સનથી ત્રણ સહસ્રાબ્દીપૂર્વે – ઘણી ફેલાયેલી હતી, એવું સ્થાપિત કરવા માટે પહેલાં તો સિંધુખીણની સંસ્કૃતિને લગતા પ્રશ્નનો તાગ મેળવવો પડે. આ સંસ્કૃતિનો એક ઉત્તરકાલીન તબક્કો ૨૬૦૦-૧૯૦૦ ઈ.સ.પૂર્વે હતો, એમ નક્કર પુરાવા કહે છે. વિશ્વાસપાત્ર વિદ્વાનોના મતે વેદોની રચનાનો કાળ ૧૪૦૦-૯૦૦ ઈ.સ.પૂર્વેનો હતો. વિશદ અભ્યાસો અને પુરાવાનાં કાળજીભર્યાં વિશ્લેષણોના આધારે આ જે કાળનિર્ણય થયા છે, તેને હિન્દુત્વવાદીઓ સ્વીકારવા તૈયાર નથી. મહાભારતમાં કાલ્પનિક અને પૌરાણિક રાજાઓની લાંબી વંશપરંપરા આપી છે, તેને હિન્દુરાષ્ટવાદીઓ ઐતિહાસિક હકીકત તરીકે સ્વીકારે છે. માટે તેઓ છેલ્લા દસ કે વધુ સહસ્રાબ્દીના કાલ્પનિક ‘ઇતિહાસ’ને ભારતનો વાસ્તવિક ઇતિહાસ હોવાનું ઠેરવે છે. વર્તમાન સરકારની જે વિચારધારા છે અને ભારત એક રાષ્ટ્ર તરીકે શું છે તે વિશેના તેના જે ખ્યાલ છે, તે જોતાં એવું માનવું ભૂલભરેલું નહિ રહે કે સંસ્કૃતિ મંત્રાલયે સ્થાપેલી સમિતિએ શું તારણો કાઢવાનાં છે તે નક્કી જ છે.

હજારો વર્ષોથી આપણે ભારતીયોએ એ વિચારને જીવનનો ભાગ બનાવ્યો છે કે આપણા વિશાળ ઉપખંડમાં રહેતી પ્રજાઓમાં ભારે વૈવિધ્ય છે અને તેમનું ઉદ્‌ગમસ્થાન એક જ ન હોઈ શકે. ભારતીય પ્રજાઓનો ઇતિહાસ આપણે તો જ સમજી શકીએ જો આપણે ઉદ્‌ગમો એકાધિક હોઈ શકે એમ સ્વીકારીએ. આશા રાખીએ કે ઇતિહાસ અને સંસ્કૃતિ બાબતની નવી સરકારી સમિતિ સંઘના મનોવિહારોને ઐતિહાસિક સત્ય તરીકેનો ઠપ્પો મારવા માટે નથી રચાઈ, પણ જો એમ જ બને, તો ભારતના ઇતિહાસનું ભાવિ, આપણા કમનસીબે, ફુકુયામાના વિચારને સાબિત કરીને રહેશે.

અનુવાદક : આશિષ મહેતા

(દેવી સાહિત્ય-વિવેચનના અભ્યાસી અને સાંસ્કૃતિક કર્મશીલ છે.)

સૌજન્યઃ ધ ટેલિગ્રાફ

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 16-17

Loading

...102030...2,1252,1262,1272,128...2,1402,1502,160...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved