Opinion Magazine
Number of visits: 10,226,577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોથળામાં પાંચશેરી

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 April 2021

કાવ્યકૂકીઝ 

0

ધારો કે તમે ડોક્ટર છો 
પણ તમને ખબર નથી કે 
દર્દીને કેમ કાતરવો 
મતલબ કે દર્દીને ખંખેરતાં તો આવડે 
પણ તેને કેમ વેતરવો અને સીવવો 
તે ન આવડે તો ચાલે?
એ ખરું કે ખોટી ડિગ્રી લઈને
ખરા ડોક્ટર તો થઈ જવાય 
પણ તાલીમ ન હોય તો ચાલે?
એમ જ તમે પાઇલટ થઈ જાવ 
પણ વિમાન ઉડાડતાં ન આવડે તો
ચાલે?
ચાલે તો બધું, 
માત્ર યાત્રીઓ ઉપરથી જ ઉપર જાય 
એમ બને
એમ જ પીને કાર ચલાવવા કોઈ 
આરટીઓને ખટાવીને લાઇસન્સ લે 
ને રોડ પર કોઈ છોકરીને ઉડાવી દે
એટલું જ નહીં, રોકડા નાખીને 
છૂટી પણ જાય તો એ અશક્ય નથી 
એમ જ કોઈ વકીલ ડિગ્રી વગર પણ 
વકીલાત કરે તો એ બને જ નહીં એવું નથી 
ખરેખર તો તાલીમ વગર 
કોઈ લલ્લુ પંજુ ગમે ત્યાં 
ગોઠવાઈ જાય તો ન ચાલે
પણ માસ્તર એવો છે જે ગમે ત્યાં ચાલે
વસતિ ગણતરી કરાવવી છે 
તો માસ્તર હાજર છે !
ચૂંટણીમાં ફરજ બજાવવાની છે? 
માસ્તર તૈયાર છે 
હવે જ્યાં ભણવવાનું જ નથી 
ને ઈતર પ્રવૃત્તિઓ જ કરવાની છે 
ત્યાં તાલીમ હોય કે ન હોય 
શો ફરક પડે છે? 
માસ્તર એટલે દાઢીની દાઢી 
અને સાવરણીની સાવરણી !
વિદ્યાર્થીઓનું શું છે કે એમને તો 
માસ્તર જોઈએ 
એ માસ્ટર હોય કે પ્લાસ્ટર 
એમને કોઈ ફેર પડતો નથી 
એણે તો ભણ્યા વગર પાસ જ થવાનું છે!
ને બાપા પાસે આમ પણ ઘણું છે 
એ ક્યારે કામ આવશે?
હમણાં એવું આવ્યું કે હજારો શિક્ષકો 
તાલીમ વગર જ સ્કૂલમાં ભણાવે છે
ભણાવે હવે – 
વિદ્યાર્થી ભણી થોડા ગયા કે  સંતાપ !
એમ કહેવાય છે કે 
બીજા બધાંમાં તાલીમ જોઈએ
પણ માસ્તરમાં ન હોય તો ચાલે 
ચાલ્યા વગર 
તાલીમ વગરના હજારોની સંખ્યામાં 
સ્કૂલમાં ઘૂસી ગયા?
પૂછવાનું તો એ થાય કે 
તાલીમ વગરના માસ્તરો 
એમ જ ભણાવવા લાગ્યા ક્લાસમાં?
એમને પસંદ કરનારા અભણ હતા?
કે એમને પસંદ કરવાની તાલીમ 
કોઈએ આપી જ ન હતી?
કે ગરમ ગજવે એમને 
પાછલે બારણેથી ક્લાસમાં ઘૂસાડયા? 
ખરેખર તો આ તાલીમ અને લાયકાત 
ને એવું બધું બંધ જ કરી દેવા જેવું છે
ગજવા ગરમ કરે તે જ પાત્ર 
બાકીના ઢોર માત્ર !
ને લાયકાતનું પણ રોજ શું રડવાનું?
લાયકાત વગર પ્રધાન નથી થતા?
લાયકાતવાળો તો કલેક્ટર હોય 
મંત્રી તે વળી લાયકાતવાળો હોય?
શું તમે ય તે ! 
વગર લાયકાતે ને તાલીમે 
આખો દેશ ચાલી શકતો હોય ત્યાં  
માસ્તરની મેથી મારવાનો કોઈ અર્થ ખરો? 

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

પીળું પત્રકારત્વ હવે લાલ પણ થયું છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 April 2021

એક સમય હતો જ્યારે વિદેશના સમાચારોનું પ્રમાણ ઓછું જ રહેતું અને દૈનિકોમાં પહોંચતાં તેને દિવસો લાગતા. શહેરમાં હત્યાની કોઈ ઘટના બનતી તો રાત્રે રસ્તાઓ સૂમસામ થઈ જતા. હવે એ સ્થિતિ નથી. હત્યા, બળાત્કાર, લૂંટની ઘટનાઓ એટલા પ્રમાણમાં બને છે કે લોહિયાળ સમાચારોનું જ દૈનિક પ્રગટ થઈ શકે. ઘણીવાર તો પ્રશ્ન થાય કે ગુના વધે છે તે છાપાંમાં આવે છે કે છાપાંનું જોઈને ગુના વધે છે? એ સાચું કે ગુનાખોરી વધી છે, પણ વર્તમાનપત્રો તેના પ્રચારની ભૂમિકામાં ન રહે તે ઈચ્છવા જેવું છે. પૂર્તિઓમાં કે અન્યત્ર, અઠવાડિયે જ નહીં, રોજ જ નવલકથાનું પ્રકરણ પ્રગટ થાય છે, એમાં પણ ગુનાખોરી, રહસ્ય કે ચીલાચાલુ પ્રણય પ્રાધાન્ય ભોગવે છે. આમાં વાચકોની રુચિને ઘડવા કરતાં તેને અનુકૂળ થવાનો પ્રયત્ન વધારે છે.

મહિલાપૂર્તિઓમાં પણ સૌંદર્ય પ્રસાધનો અને રેસિપી દ્વારા હેતુ તો પતિને ખુશ કરવાનો જ હોય છે, કદાચ એ દ્વારા જ મહિલા ઉત્કર્ષ કે સ્વમાન જળવાતાં હશે. એક સમય હતો જ્યારે કોઈ અભિનેત્રી કે અભિનેતાના સંબંધો ચગાવાતા, પણ હવે તો તેઓ જ સામેથી સંબંધો જાહેર કરીને લોકનજરમાં ઝીલાઈ રહેવા મથે છે. ઘટનાઓ અને માહિતીઓનો એટલો વિસ્ફોટ થયો છે કે એનાથી ત્રાસીને કોઈ આત્મહત્યા કરે તો નવાઈ નહીં ! ચેનલો, ગૂગલ, ઇન્ટરનેટ કે ઈ –પેપરની વ્યવસ્થાએ એ સ્થિતિ સર્જી છે કે લોકો સરળતાથી સમાચાર મેળવી લે છે. ખબરપત્રીઓ હવે કબરપત્રીઓ પણ છે. પોતે દફન કરતા હોય એવી ચોકસાઈથી એ વિગતો આપે છે ને એમાં હકીકત એ હોય છે કે કોઈનું દફન ના થયું હોય.

પત્રકારત્વની દિશા વફાદારી તરફની ઓછી અને નફાદારી તરફની વધુ છે. કોરોનાની મહામારીમાં છાપાંઓએ વાચકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો ડરાવ્યા પણ છે. લોકો રોગ, શત્રુ, યુદ્ધથી ડરેલા જ રહે એવી કોશિશો પણ થાય છે. દૂધ ન પીઓ તો નુકસાન થશે, એમ કહેતું છાપું, દૂધ પીવાથી થતા ગેરફાયદા બતાવીને વાચકોને ગભરાવે પણ છે.

વર્તમાનપત્રોમાં ઘણું કવર થાય છે ને માહિતી અધિકૃત રીતે અપાતી હોય તો પણ સચ્ચાઈ ઓછી જ હોય છે. પત્રકારત્વ ધંધો છે ને જાહેરાત પ્રાણવાયુ છે. એટલું થયું છે કે જાહેરાતના અભાવમાં કોઈ છાપું હવે નબળું નથી પડતું. મંત્રીઓ સમાચારમાં જ નહીં, આખું પાનું ભરીને જાહેરાતોમાં પણ દેખા દે છે એટલે છાપાં હવે સૂકતા નથી પીડાતાં નથી. કેટલાંક છાપાં એટલાં સમૃદ્ધ છે કે વાચકે જાહેરખબરો વચ્ચેથી સમાચારો શોધી લેવાના રહે. એની સામે છાપાં ક્યારેક રાજકીય વફાદારી નિભાવે પણ છે.

પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાના ભારતે અગાઉ પ્રયત્નો કર્યા છે, પણ આ વખતે પાકિસ્તાને પ્રયત્ન કર્યો, તો પાકની સાન ઠેકાણે આવી – જેવું વર્તમાનપત્રોએ ચલાવ્યું ને ભારત બહુ ખાટી ગયું હોય તેવી હેડલાઇન્સ ચમકી, બીજે જ દિવસે પાકિસ્તાને પોત પ્રકાશ્યું ને ભારતે 370મી રદ કરી હોવાથી ધંધો થઈ શકે એમ નથી એવું કહી દીધું. ભારતની ને અખબારોની સ્થિતિ ચાટ પડ્યા જેવી થઈ. ધંધો રદ થવાના સમાચાર ખૂણે નંખાયા ને કેટલાકે તો છાપ્યાં જ નહીં. એવું જ પહેલી એપ્રિલથી વ્યાજદરો પર કાપ પડવાના સમાચાર મામલે પણ થયું. નાણાંમંત્રીએ, નાનામંત્રી હોય એમ નિખાલસ ભાવે કબૂલી લીધું કે વ્યાજ દરો પર કાપ પડયાનું “ઓવરસાઇટ” થયું. ટ્વિટ્સ પર લોકોએ નાણામંત્રીની ખબર લઈ નાખી એટલે વ્યાજદરો પરનો કાપ રોકવાની ફરજ પડી. ખરેખર તો મત નહીં મળે એવું લાગતાં વ્યાજકાપ પાછો ખેંચાયો. અહીં પણ વર્તમાનપત્રોની હિમ્મત ને પ્રમાણિક્તા ઓછી જ પડી. છાપાંનું કામ ટ્વિટ્સે કર્યું તે સૂચક છે. ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીએ મહારાષ્ટ્રમાં કોરોના, ક્રિકેટ કે ચૂંટણી ન હોવા છતાં ફેલાયો એમ કહીને ગુજરાતમાં થયેલી ચૂંટણીનો અને મોટેરા સ્ટેડિયમમાં પ્રેક્ષકોની હાજરીનો બચાવ કર્યો. આ મુદ્દે પણ વર્તમાનપત્રોએ ચૂપ રહેવા જ સ્વીકાર્યું. સાહેબને પૂછી શકાયું હોત કે ભીડથી કોરોના નથી ફેલાયો તો સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો અને એકલદોકલને માસ્ક ન હોવાને કારણે દંડ શું કામ કરો છો?

2 એપ્રિલના જ એક ડિજિટલ દૈનિકમાં 2600 વર્ષ જૂનાં મમીની હત્યા ચપ્પુથી નહીં, પણ કુહાડીથી થઈ – એવી વિગતો છે. એમાં તો જૂનાં ને બદલે “જૂની” મમી છપાયું છે. માણસની તો સમજાય, પણ    મમીની પણ હત્યા થાય તો આશ્ચર્ય થાય. કુહાડીથી હત્યા થઈ એટલું કહેવું પૂરતું ન લાગ્યું તો ઉમેર્યું કે કુહાડી ધારદાર હતી ને એનો ઉપયોગ ઈજિપ્તના સૈનિકો કરતા હતા. એ વખતે બુઠ્ઠી કુહાડીથી પણ હત્યા થતી હશે એમ માનવું પડે. 2600 વર્ષ જૂનાં મમીની વાત એક સમાચાર તરીકે સ્વીકારીએ તો પણ, એમાં એટલી વિગતો ખડકાઈ કે તેની અનિવાર્યતા અંગે પ્રશ્નો થાય. જેમ કે, વૈજ્ઞાનિકે મમીના વાળની તપાસ કરી ને એ બતાવ્યું કે વાળ વ્યવસ્થિત કાપેલા હતા ને કર્લી હતા. કઈ ઉંમરે હત્યા થઈ ને તે શબને કયા મટિરિયલથી પેક કરવામાં આવ્યું – જેવી વિગતો છેવટે તો શબનો શણગાર જ બની રહે છે.

થોડા વખત પર વિદેશના એક સમાચાર ફોટા સાથે છપાયેલા કે એક કૂતરો બિલાડીનો પીછો કરતાં ઝાડ પર ચડી ગયો. એ સમાચાર નથી તો કૂતરો વાંચવાનો કે નથી તો બિલાડી વાંચવાની, તો આવા સમાચારથી શું સિદ્ધ થાય છે તે નથી સમજાતું. એવા જ એક સમાચાર 24 ઓગસ્ટ, 2020ને રોજ એક વર્તમાનપત્રે ફોટા સાથે છાપેલાં જેમાં ફ્રાન્સના ન્યૂડ રિસોર્ટમાં 95 લોકોને કોરોના થયાની વાત હતી. સૂચવવું એ હતું કે નગ્ન હોવા છતાં લોકોએ માસ્ક પહેરેલાં હતાં ને ગમ્મત એ હતી કે જે ફોટો છપાયો એમાં કોઈએ માસ્ક પહેર્યું ન હતું.

એ દુખદ છે કે ગુજરાતીનું એક પણ અખબાર ભાષા બાબતે પૂરતી કાળજી નથી લેતું. સરકાર જ ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવાની ફિરાકમાં હોય ત્યારે ગુજરાતી ભાષા બાબતે ઉદાસીનતા સહજ ગણાય. કેટલાં ય છાપાં સાદી વાક્ય રચના બાબતે પણ સભાન નથી. “હોય” અને “હોઈ” સમજ વગર લખાયા કરે છે. આવું હોઈ શકે – એમ લખવાનું હોય ત્યાં હોય શકે અને આવું હોય પણ ખરું – ત્યાં આવું હોઈ પણ ખરું એમ છપાય છે. એક જ સમાચારમાં ઊંઝા અને ઊઝા છપાય કે સુસાઇડ નોટ ને બદલે સ્યૂસાઇટ નોટ – છપાય તો ચાલે છે. હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું-ને બદલે સીલ મારવામાં આવી કે આપઘાત જેવું કૃત્ય-ને બદલે આપઘાત જેવો કૃત્ય છપાય તો પણ ગાડું ગબડે છે. ભાવ વધારાથી મધ્યમવર્ગ કચડાય, પણ છાપું, મધ્યમવર્ગ કચડાયું એમ છાપે કે પ્લાઝમાસેન્ટર ને બદલે પ્લાઝામાં સેન્ટર છાપે તો કોઈને સંકોચ થતો નથી. મા, નિષ્ણાત, નિમણૂકમાં ક્યાં ય અનુસ્વાર ન જ આવે, પણ છાપાંઓ અનુસ્વાર મૂકવાની કાળજી રાખે જ છે. ઘણાં એવી દલીલ કરે છે કે અનુસ્વાર મૂકાય કે ન મૂકાય તો શો ફેર પડે છે, વાત તો સમજાય છેને ! એ મિત્રો ન્યુમોનિયાની કે સાયકોની સ્પેલિંગમાં પી લખવાનો રહી ન જાય એની કાળજી રાખે છે. પુટ ને પટ ને બટ ને બુટ નથી કહેતા, તો ગુજરાતી અંગેની બેદરકારી પણ અક્ષમ્ય ગણાવી જોઈએ. ખોટું ગુજરાતી શીખવવાની જવાબદારી છાપાંએ ઉપાડી હોય, તો પણ ગુજરાતી શીખતા વિદ્યાર્થીઓ છપાયેલું સાચું માને છે ને એમને જ છાપું ખોટું શીખવે તો તે યોગ્ય છે? ભૂલો કોઇની પણ થઈ શકે, પણ એ ન સુધારવાની દાનત ઠીક નથી.

એ સાચું છે કે આજનો ટ્રેન્ડ પોપ્યુલર રાઇટિંગનો છે, પણ એને નામે અખબારો ધર્મ ચૂકી ન શકે. ગમે એટલા પોપ્યુલર થઈએ તો પણ તંત્રીલેખ ને બદલે હાસ્યલેખ ન જ ચાલે એ કહેવાની જરૂર ખરી?

એટલું સમજી લઈએ કે આવનારો સમય મીડિયા પર વધુ નિયંત્રણો લાવવાનો છે. હવે બેન્ક એકાઉન્ટ કે કોમ્પ્યુટર જ હેક થાય એવું નથી, આખી પ્રજા હેક થઈ શકે એવા સમયમાં આપણે જીવીએ છીએ. પ્રજાને વધુ સલામત ને સુરક્ષિત કરવાને નામે તેને કાબૂ કરવાનું નથી જ થતું એવું નથી. ટેક્નોલોજીના સૌથી વધુ લાભ ખટાવીને, તેની ટેવ પાડીને પ્રજાને અજાણતાં જ અનીતિ તરફ દોરવાનું બને છે. ટેક્નોલોજીના વ્યાપક દુરુપયોગે અનેક કૌભાંડોને એક સાથે જન્મ આપ્યો છે. વ્યાપક હિંસા ને અનાચાર ટેક્નોલોજીનું જ પરિણામ છે. સગવડો અને માહિતીએ એ સ્થિતિ સર્જી છે કે અનીતિ તરફનું ખેંચાણ વધે અને પ્રજા તેને વશવર્તીને રહે. એનો અર્થ એવો નથી કે માહિતી કે ટેક્નોલોજી દરેક વખતે ખરાબ છે. એ ટેકનોલોજીનું જ પરિણામ છે કે ઈ- પેપર લોકડાઉન છતાં આપણા સુધી પહોંચ્યું. એટલે લાભ પણ છે જ, જરૂર છે તે વિવેકની. આજે ખૂટે છે તે, પ્રમાણભાન ! એટલી ચિંતા થાય તો ઘણું ઉત્તમ હાથવગું થઈ શકે એમ છે. અસ્તુ !

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ઍપ્રિલ 2021

Loading

અનિલ ધારકર : આઝાદ ખયાલીના અવાજની અલવિદા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 April 2021

ભારતમાં અંગ્રેજી પેપરબૂક્સના અનુવાદને લોકપ્રિય બનાવવાનું કામ કરનાર મુંબઈના જયકો પ્રકાશનના માલિક અશ્વિન શાહે સ્વર્ગસ્થ પત્રકાર વિનોદ મહેતાના સંપાદનમાં ૧૯૮૧માં ભારતનું પહેલું રવિવારીય સમાચારપત્ર 'ધ સન્ડે ઓબ્ઝર્વર' શરૂ કર્યું હતું. એ ભારતનું સૌથી પહેલું સુંદર રીતે ડીઝાઇન થયેલું પેપર હતું. વિનોદ મહેતા બ્રિટિશ પત્રકારત્વની સ્કૂલની કંઠી પહેરીને મોટા થયા હતા, અને લંડનના 'સંડે ટાઈમ્સ' અથવા 'ધ ઓબ્ઝર્વર'ની તર્જ પર એક ઉદારવાદી વિચાર અને કળા-સાહિત્ય-સિનેમાનું પેપર શરૂ કરવાની એમની તમન્ના હતી. અશ્વિન શાહે તેમને એ મેદાન પૂરું પાડ્યું હતું.

'ધ સન્ડે ઓબ્ઝર્વર' સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ પેપર હતું. એમાં દરેક વિષય પર બધું જ છૂટથી લખાતું હતું. એમાં જે છપાતું હતું, તેનાથી સ્થાપિત લોકો(રાજકારણીઓ, બિઝનેસમેન, ફિલ્મસ્ટાર્સ)ને માઠું લાગતું, પણ વાંચકોને મજા આવી જતી. દેશના અંગ્રેજી પત્રકારત્વના એ વખતનાં 'હુઝ હુ' લોકો એમાં લેખો લખતા હતા, જેમ કે ખુશવંત સિહ, એમ.વી. કામથ, કે.આર. સુંદર રાજન, નયનતારા સહેગલ, પ્રીતિશ નંદી, વીર સંઘવી, શોભા ડે વગેરે. એ ટીમમાં એક નામ અનિલ ધારકર પણ હતું.

અનિલ તેમાં ટેલિવિઝનની રીવ્યુ કોલમ લખતા હતા. આજે ૨૫૦-૩૦૦ ચેનલોની ભીડમાં એવી કોલમો ગાયબ થઇ ગઈ છે, પણ ત્યારે ટેલિવિઝન નવું-નવું હતું, અને ભારતના લોકો એને હજુ સમજી રહ્યા હતા. અનિલ ધારકર ' 'ધ સન્ડે ઓબ્ઝર્વર'માં અઠવાડિએ એના ક્લાસ લે. કોલમો લખવાનો એ કેવો સમય હતો, અને ખાસ કરીને અનિલ ધારકર કેવી માટીમાંથી ઘડાયા હતા, તેનો 'ધ સન્ડે ઓબ્ઝર્વર'ના સમયનો એક કિસ્સો અનિલ ધારકરે ૨૦૧૫માં વિનોદ મહેતાનું અવસાન થયું, ત્યારે લખ્યો હતો :

"હું તેમાં ટી.વી. પર સપ્તાહિક કોલમ લખતો હતો. તે વખતે માત્ર બે જ ચેનલો હતી. બંને દૂરદર્શનની. એમાં રાજીવ ગાંધી એટલા છવાયેલા રહેતા કે મેં તેનું નામ ‘પી.એમ.દર્શન’ પાડ્યું હતું. દૂરદર્શનની આ ચાપલૂસીથી હું કંટાળી ગયો હતો. એકવાર મેં 'રાજીવ ગાંધી રાજીવ ગાંધી રાજીવ ગાંધી રાજીવ ગાંધી' એમ 300 વખત નામ ટાઈપ કરીને કોલમ લખી. વિનોદે કોલમ વાંચી અને થોડીવાર તાકી રહ્યા, પછી કહ્યું, 'બસ આટલું જ?'

'યસ,' મેં કહ્યું, અને હું હજુ આગળ બોલવા જતો હતો, ત્યાં એ ખુરશીમાંથી ઝાટકા સાથે ઊભા થયા અને એક સબ એડિટર પાસે જઈને તેને સમજાવ્યું કે આ વિચિત્ર લેખને કેવી રીતે પાનામાં ગોઠવવાનો છે. વાચકોમાં ધમાલ મચી ગઇ. અમુક લોકોએ વખાણ કર્યા, તો મોટા ભાગના લોકોએ કહ્યું કે તું અને વિનોદ ગાંડા થઈ ગયા છો."

ગયા સપ્તાહે, ૭૪ વર્ષની ઉંમરે અલવિદા ફરમાવી ગયેલા અનિલ ધારકર ભારતમાં અંતિમ લિબરલ એડિટરો પૈકીના એક હતા. તેમની સાથે કામ કરી ચુકેલા મશહૂર સ્પોર્ટ્સ એડિટર અયાઝ મેમણ કહે છે કે, "અનિલનો ટેસ્ટ શુદ્ધ હતો, સરસ શબ્દો લખતા હતા, લખે ત્યારે બધું તાદશ્ય થાય. પત્રકાર તરીકે એ આઝાદ ખયાલોવાળા તદ્દન લોકતાંત્રિક હતા. એ બધાની વાતો અને મત સાંભળતા હતા."

દેશનાં અમુક ઉત્તમ કોટીનાં પત્ર-પત્રિકાઓમાં એ એડિટર-લેખક હતા. અમુક નામો : ધ ઇલ્યુસ્ટ્રેટેડ વીકલી, ધ ઇન્ડેપેન્ડેન્ટ, મિડ-ડે ઈંગ્લીશ, ધ ઇકોનોમિક ટાઈમ્સ, ધ હિંદુ, ધ ઇન્ડેપેન્ડેન્ટ (લંડન), ફોરેન પોલિસી (વોશિંગ્ટન), ડેબોનેર, ધ સન્ડે ઓબ્ઝર્વર.

એકવાર તેમણે કહ્યું હતું, "કોઈને અભિમાન લાગશે, પણ હું બહુમુખી છું. મેં બહુ ટોપીઓ પહેરી છે. યાદી લાંબી છે. મેં પેપર કાઢ્યાં છે, કોલમો લખી છે, ટી.વી. ચેનલ ચલાવી છે, સ્ક્રિપ્ટ લખી છે, પુસ્તકો લખ્યાં છે. હું બહુ જુદું-જુદું કરતો રહું છું. અજાણ્યા લોકો મને કહે કે તેઓ મારી કોલમો વાંચે છે અને કાપીને સાચવી રાખે છે, ત્યારે મને બહુ આનંદ થાય છે."

અનિલ ધારકરના પિતા ભારતીય રેલવેમાં કામ કરતા હતા, એટલે અનિલનો ઉછેર મુંબઈ, ગોરખપુર અને વડોદરામાં થયો હતો (તેમનાં બહેન રાની ધારકર વડોદરામાં અંગ્રેજીનાં પ્રોફેસર હતાં). પિતાની નોકરીની જ અસર હશે, જેથી અનિલ ભારતમાં ગણિતમાં ડિગ્રી મેળવીને લંડન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જીનિયરિંગ કર્યું હતું. મુંબઈમાં પાછા આવી આવીને તેમણે એક આર્કીટેક્ચર ફર્મની નોકરી શરૂ કરી હતી, જેમાં એમનું કામ બહુમાળી ઈમારતોમાં ફાયર-સેફટીની જોગવાઈ કરવાની હતું.

એમને સિનેમાનો બહુ શોખ હતો, એટલે સેન્સર બોર્ડમાં તેમને સભ્યપદ મળ્યું હતું, તેમાંથી લખવાનો વ્યવસાય વિકસ્યો. પાછળથી તે નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વડા બન્યા હતા. અનિલ ધારકરે જ રિચાર્ડ એટનબરોની 'ગાંધી' ફિલ્મની સ્ક્રિપ્ટ મંજૂર કરી હતી અને ઇન્દિરા ગાંધીના ટેબલ પર મુકાવી હતી. શ્રીમતી ગાંધીએ કહ્યું હતું, “એન.એફ.ડી.સી. પૈસા તો બહુ નહીં ફાળવે, પણ સરકારી તંત્રો પૂરી મદદ કરશે."

છેલ્લાં વર્ષોમાં અનિલ ધારકરનું મહત્વનું યોગદાન મુંબઈ લિટરેચર ફેસ્ટિવલ હતું (જે હવે તાતા લિટરેચર ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે). મુંબઈના લોકો પુસ્તકો વાંચતા નથી એવી ફરિયાદો સાંભળીને અનિલને વિચાર આવ્યો હતો કે આ વાત ખોટી છે. મુંબઈમાં સાહિત્યનો મેળાવડો થતો નથી એટલે એવું લાગે છે, બાકી શહેરના લોકોના વાંચનનો ટેસ્ટ સુંદર છે. એમાંથી લિટરેચર ફેસ્ટિવલ જન્મ્યો હતો, જે આજે દસ વર્ષ પછી મુંબઈનો અનિવાર્ય વાર્ષિક તહેવાર બની ગયો છે.

લાંબા સમયની મિત્ર અને સહલેખિકા શોભા ડે કહે છે કે, “એમાં પણ અનિલને બદલાતી રાજકીય હવા સામે ઊભા રહેવામાં ખચકાટ ન હતો. નાગરિક તરીકે તેમને વધતી વૈચારિક અસહિષ્ણુતાની ચિંતા હતી. ફેસ્ટિવલમાં ચર્ચા માટે એ જે રીતે સાહસિક વિષયોની પસંદગી કરતા હતા, તેના પરથી એ ફલિત થતું હતું. એના સખ્ત વિરોધ પણ થયા હતા, પરંતુ અનિલ પાછા પડતા ન હતા. મને ખાતરી છે કે અમુક લેખકોને પડતા મુકવાનું અનિલ પર દબાણ હશે, પણ એ શાલીનતા અને મક્કમતાથી તેનો સામનો કરતા હતા.

લિટરેચર ફેસ્ટિવલમાં થતા વિવાદોને લઈને ૨૦૧૩માં અનિલ ધારકરને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, ત્યારે તેમણે તેમની ચિરપરિચિત શાલીનતાથી મક્કમ જવાબ આપ્યો હતો, “વિવાદ થાય તો શું થયું? મને લાગે છે કે જ્યાં પણ લેખકો ભેગા થાય, ત્યારે એવું થવું સ્વાભાવિક છે. જ્યાં સુધી વિવાદ વૈચારિક સ્તરે રહે અને ગાળાગાળી કે હિંસાના સ્તરે ન જાય, મને એમાં કોઈ ખોટું જણાતું નથી. આપણા દેશમાં હવે મુસીબત એ છે કે ભિન્ન મત માટે સંપૂર્ણ અસહિષ્ણુતા છે. ભિન્ન મત હોય તો શું વાંધો છે? બીજી વ્યક્તિને મત પ્રગટ કરવાની આઝાદી હોય, તો તે વિચારોની પ્રગતિ માટે લાભદાયી છે.”

અનિલ ધારકરના જવાથી આઝાદ ખયાલીનો આપણો એક અગત્યનો અવાજ બંધ થઇ ગયો છે.

સૌજન્ય : લેખક, રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Loading

...102030...2,1172,1182,1192,120...2,1302,1402,150...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved