Opinion Magazine
Number of visits: 10,226,327
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવમન પર કોરોનાનો પ્રભાવ

વાસુદેવ મ. વોરા|Opinion - Opinion|17 July 2021

એ વાત સાચી કે સમય ગતિશીલ છે અને તે સાથે પરિવર્તન તે તેની અસર હોય છે, પરંતુ માનવમન પર કોરોના મહામારીની ઘટનાએ જે અસર કરી છે, તેથી પરિવર્તનની એક વણકલ્પેલી સ્થિતિ સર્જાઈ છે. અસાધારણ એવી સામાજિક હતાશાની ગર્તામાં માનવી ધકેલાઈ ગયો ! માનવસમાજ માટે ભૌતિક વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચીને આ સ્થિતિનો અનુભવ તે પીડાદાયી ઘટના છે.

વૈશ્વિક રીતે માનવસમુદાય માટે આ એક તકલીફરૂપ મનઃ ચૈતસિક પ્રભાવ બની રહ્યો છે. ખુદના અસ્તિત્વ માટે એકાએક ઊભી થયેલી કટોકટીમાં મનુષ્ય ફસાઈ ગયો. અપાર લોકસમૂહો માટે ગંભીર આર્થિક, સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ ખડી થઈ ગઈ. આ મહામારીમાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યાં છે, તેમની વસમી પીડા તો અનુભવે જ સમજાય તેવી દુઃખદ ને કરુણાજનક હોય છે. હૉસ્પિટલમાંથી મૃતદેહ ઘરે પણ ન લાવી શકાય તે સ્વજનની વિદાય હૈયું કેમ કરી સ્વીકારી શકે ? આ ઘા મનનાં પડળોને વટાવી ઊંડો અંતરમાં ધરબાઈ જાય છે! માનસિક સ્તરને વળોટીને ચેતના સુધ્ધાંને સ્પર્શી જતો તે અનુભવ છે. વિકાસ અને અસ્તિત્વ એવી છેડાની બે સ્થિતિ વચ્ચે અટવાઈ ગયા, તેવો અહેસાસ કરાવતી આ વાસ્તવિકતાના મૂળ સ્વરૂપને સ્પષ્ટ રીતે ઓળખવાની આપણે દરકાર કરવી જોઈએ, તે સમજવું જરૂરી છે.

આધુનિક રાજનીતિનો સૌથી ઘૃણાસ્પદ ચહેરો આ મહામારીમાં પ્રદર્શિત થઈ ગયો છે. યુદ્ધવિહીન શાંત સમયમાં બનેલી અને પૂરી દુનિયાને ભરડો લઈ લેતી આ અકલ્પનીય ઘટનાના વાસ્તવિક મૂળ કારણની શોધમાં વિશ્વસનીયતા પેદા કરવામાં આ એકવીસમી સદીનો માનવી નિષ્ફળ પુરવાર થઈ રહ્યો છે ! સામાન્ય રીતે એવું સમજાય છે કે, માનવસ્વભાવની જડ પ્રકૃતિના પ્રબળ પ્રભાવનું વૈશ્વિક પરિણામ તે આ કોરોનાની મહામારીનો અનુભવ છે. લોકોની પ્રાથમિક સાવચેતીમાં જડતા અને ખાનપાનની વૃત્તિ-પ્રવૃત્તિથી લઈને રાજસત્તાઓનાં પ્રમાદ, લોભ, અહંકાર અને વૈમનસ્ય સુધી વ્યાપક રીતે પ્રસરેલી કુંઠિત માનસિકતાનાં આવાં વલણને લીધે સમસ્ત માનવજગત આ મહામારીનો ભોગ બની ગયું છે, તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

મનુષ્યસમાજ આધુનિક બની ગયો છે તથા વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં ચરમસીમાએ પહોંચી ગયો છે, તે તથ્ય તેમ જ તેનાં પ્રભાવનાં પરિબળ સાથે, એક વરવી વાસ્તવિકતા હવે સ્પષ્ટ રીતે નજર સામે આવી ગઈ છે. એક માનવસમૂહ પશુતાના પ્રાથમિક સ્વભાવમાં જ ડૂબેલો રહીને ઝડપથી વિકસતી આ શક્તિશાળી આધુનિક વ્યવસ્થાનો બેફામ લાભ ઉઠાવવા મથી રહ્યો છે. પરિણામે, માનવ ઇતિહાસમાં સૌથી વધુ તીવ્ર ભિન્નતા ધરાવતા એવા બે માનવસમાજ આજે સહઅસ્તિત્વ ધરાવી રહ્યા છે. એક કે જે ચેતનામય બૌદ્ધિક અભિગમથી માનવીય ગુણવિકાસ અને તેને અનુરૂપ વ્યવહારમાં પ્રગતિ માટે મથામણ કરે છે તેવા અને બીજા જે માનવીય ગુણવિકાસના બૌદ્ધિક અભિગમમાં જડ સ્વભાવના સ્તરે છે તેવા. વળી આ બીજા પ્રકારના લોકો મહત્તમ રીતે સત્તાની વિશાળ શક્તિઓ પણ ધરાવતા હોય છે. આ રીતની અસમાનતાની અનિવાર્ય અસરો સૌને ભોગવવી પડે તે સ્વાભાવિક છે. જીવનના દરેક ક્ષેત્રમાં તે અસમાનતાનો પ્રભાવ બન્ને તરફના સમૂહોમાં પડતો હોય છે. તેની અસર સામાજિક વિકાસના દરેક ક્ષેત્રમાં અડચણરૂપ બનતી હોવા છતાં, તે વિશે ચિંતત બનવાની અનિવાર્યતા ક્યારે ય આ શક્તિશાળી સમૂહોને તીવ્રતાથી અનુભવાતી નથી.

આ તથ્ય એ સ્પષ્ટ કરવા માટે પર્યાપ્ત છે કે અશિક્ષિત, વંચિત ને શોષિત બહુજન માનવસમૂહ પ્રત્યે શક્તિશાળી સમાજે, પોતાના સ્વાર્થી હેતુથી ઉપેક્ષા સેવીને તેની હંમેશાં અવગણના કરવાનું પસંદ કરેલું છે. તેટલું જ નહીં, આ શોષક ને શક્તિશાળી સમૂહ તેની તે દશાનો પોતાના લાભમાં ઉપયોગ કરવામાં અચકાયો નથી. વંચિત લોકોની નબળાનો વિકાસના ઓઠાં તળે ગેરઉપયોગ કરીને વાસ્તવમાં સતત તેવા લોકસમૂહની આહુતિ જ અપાતી રહી છે. ભારત જેવા ઘણા ખરા લોકશાહી દેશોની ચૂંટણીની રીતરસમ અને તે રીતે બનતી સરકારોની ચાલચલગત તે આ બાબતનું પ્રબળ ઉદાહરણ છે.

આ ચર્ચા વધુ એક વ્યાપક વિચારધારા સાથે પણ જોડાયેલી સ્પષ્ટ બને છે. ‘હિંદસ્વરાજ’ પુસ્તકમાં મહાત્મા ગાંધી જે મુદ્દો ઉઠાવે છે, તે ખરો વિકાસ એટલે શું તે માટે અગત્યની ચોખવટની હવે જરૂર ઊભી થાય છે. મતલબ કે વિકાસની પ્રક્રિયાની સાચી રીત અને દિશા વિશે વધુ ચોક્કસ અભિગમનો હવે સમય આવી ગયો ગણાય.

આધુનિક સમાજવિકાસની મુખ્ય મુશ્કેલી તેના ભૂલભરેલા બૌદ્ધિક વ્યવહારની સમજણ છે. માહિતીસંચાર વ્યવસ્થાપન – ઇન્ફૉર્મેશન ટેક્‌નોલૉજીની અદ્‌ભુત આધુનિક ઉપલબ્ધતાના સમયમાં પણ આપણે વિકાસની કંગાલિયતનો ભોગ બનવાની વિડંબના અનુભવી રહ્યા છીએ! તેથી તેના મૂળભૂત સ્વરૂપની તપાસ જરૂરી બને છે. આવનારાં ચાર-પાંચ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજનન્સ થકી સામાજિક-આર્થિક વ્યવસ્થાઓ પર ગંભીર અસરો ઊભી થવાની શક્યતા દર્શાવાય છે. આ માહોલમાં, આ બાબત વિજ્ઞાનના તત્ત્વજ્ઞાન(ફિલોસૉફી ઑફ સાયન્સ)ના ક્ષેત્ર સાથે વધુ ઘનિષ્ઠતાથી સંકળાય છે. માનવ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં યોગ્ય-અયોગ્ય શું, કેવું ને કેટલું તે એક સવાલ વાસ્તવમાં આવી વ્યવસ્થાના વિરોધમાં ખડો થતો હોય છે. તેનો ઉકેલ લાવવો તે ન્યાય અને સમાનતા માટે કસોટીરૂપ બને છે. સ્વરાજની વાસ્તવિક અર્થમાં સ્વતંત્રતાની સમજ સ્પષ્ટતા પામે છે. એન્થની પરેલ કહે છે, “ગાંધીજીના મતે, સ્વતંત્રતાનાં અન્ય સર્વ પાસાંની એક જ સાથે શોધ કર્યા વગર એક પાસાની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો એ સ્વતંત્રતાના ખ્યાલને વિકૃત બનાવવા બરાબર છે તથા માનવવિકાસની પ્રક્રિયામાં તે બાધક છે.”

શ્રીમદ્‌ ભગવદગીતા આવી જ માનવીય વિડંબના માટે માર્ગદર્શક બની રહે છે. જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની નિશ્વયાત્મિકાબુદ્ધિ હોતી નથી. પ્રજ્ઞાની સમજ બૌદ્ધ ધર્મમાં સ્પષ્ટતા પામી છે. સાદી સમજણ એ કે માનવીનું મન જ્યારે શાંત, ઇચ્છાઓ અને અપેક્ષાઓથી મુક્ત હોય ત્યારે તેની બુદ્ધિ વધુ સારી રીતે કામ કરે છે.  સ્પષ્ટ અને શાંત મનથી તે સાચી સમજણનો સમતોલ અને શાણપણભર્યો નિર્ણય કરી શકે છે. આવી વ્યક્તિને સંસ્કૃતમાં ધીર કહેવાય છે. તેથી, ખરું શાણપણ તે છે, કે શાંત અને સ્વસ્થ, ધૈર્યશીલ વ્યક્તિ બનવા માટે બુદ્ધિનો ઉપયોગ કરીએ. તે એક શાણો સમાજ બનાવી શકે. આજના વૈશ્વિક સંદર્ભમાં, આ માટે વાસ્તવિક પરિણામની શક્યતા કહો કે જરૂરિયાત કહો તે વાત પણ જાણી લઈએ. “આધુનિક સમયના સવાલોના ઉકેલમાં ભારતીય ચિંતનપ્રણાલી ઉપયોગી પુરવાર થઈ શકે, જો આપણે પોતાને તેનાથી પરિચિત કરી શકીએ.” (પ્રો. ડેનિસ ડાલ્ટન, અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને ગાંધીવિચારના અભ્યાસી.)

મનુષ્યની પોતાના સ્વરૂપના વિકાસની એટલે કે પરિવર્તનની ગુંજાએશ શારીરિક નહીં, પરંતુ મનોગત સ્થિતિએ જ હોય છે. મતલબ કે અંતઃકરણના સ્તરે પરિવર્તન, બદલાવ કે વિકાસ સંભવિત હોય છે. મનુષ્ય પોતે પોતાના માટે કરી શકે તે આ જ છે. પોતાના શારીરિક તંત્રમાં કોઈ બદલાવ તેના હાથની વાત નથી, તે ઘટના માત્ર નૈસર્ગિક રીતે ઉત્ક્રાન્તિના સ્તરે થતી પ્રક્રિયા હોય છે. એટલે મનુષ્યના સ્વપુરુષાર્થની જે સંભાવના છે, તે મનોગત કહેતાં પોતાનાં અંતઃકરણ સાથે સંકળાયેલી બાબત છે.

માંડુક્યોપનિષદ પ્રમાણે, ‘ભોગ(નાં મુખો)ની જે ક્રિયા થાય છે તે ઇચ્છા થવાથી અને ઇચ્છા સંકલ્પથી જન્મે છે. આ સંકલ્પ પાછળ જ્ઞાન પડ્યું છે. અને ઇચ્છા જેનું જ્ઞાન છે, તેની જ થશે. ઇચ્છાનો ધક્કો લાગશે અંતઃકરણને. અંતઃકરણના ચાર વિભાગ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.’

આ દાર્શનિક ચિંતન એ વાત સમજાવે છે કે દરેક પ્રાણી તેમ જ જીવ, માત્ર તેની ઇચ્છા કરે છે કે જેની તેને પોતાને સમજ છે. એ સમજણની મર્યાદા પ્રમાણે જ તેના અંતઃકરણના વિભાગ એટલે મન, બુદ્ધિ ને અહંકાર પોતાની પ્રવૃત્તિ કરશે. આ ઇચ્છા માટેના સંકલ્પનું જ્ઞાન ચિત્તમાં સંગ્રહીત થતું હોય છે. તેથી દરેક જીવ પોતાના સ્વભાવની મર્યાદા પ્રમાણે ઇચ્છાઓ ધરાવતો હોય એ તે મુજબનું જીવન વ્યતીત કરતો હોય છે. આ વિગતથી ખરા વિકાસની પાછળનું પ્રાણવાન પરિબળ હવે સમજમાં આવ્યું હશે. વિકાસની પ્રક્રિયામાં માનવીની ખુદની પ્રગતિ કેન્દ્રસ્થાને રહેતી હોય તો ખરો એટલે સાચો માનવીય વિકાસ સંભવ બની શકે. માનવ જેમાં સંસાધન બનાવાય છે, તેવા વર્તમાન આધુનિક વિકાસમાં તેની તો વાત જ નથી હોતી. એટલા માટે સમગ્રતાની અને સમતાના ભાવની સમજણ કેળવવી આધુનિક જીવનવ્યવસ્થા માટે હવે આવશ્યકતા બની રહે છે.

‘અસંતોષઃ શ્રીયોમૂલ’ એમ કહેવાયું છે. ભોગપ્રધાન આધુનિક વિકાસના વૈયક્તિક લાભ માટેની વૃત્તિનું કારણ ‘અદમ્ય ઇચ્છા’ જેને અંગ્રેજી ભાષામાં ડિઝાયર કહે છે તે છે. વિકાસ કરવો હોય તો તમારે ડિઝાયરની આગને સદા જલતી રાખવી જરૂરી છે, તેમ શીખવવામાં આવે છે. અસંતોષ કદી તૃપ્ત નથી થતો. તેમ જ જે માનવસમાજને ઉચ્ચતર જીવનના વિચારોની સમજણ નથી કે તેવી વૃત્તિ કેળવાઈ નથી, તે માનવસમાજને માટે ભોગમય જીવન જ આદર્શ બની રહે તે સ્વાભાવિક છે. સ્વસ્થ માનવજીવન માટે વિવેકપૂર્ણ રીતે યમ અને નિયમને સમજી તેનો રોજિંદા જીવનમાં વ્યવહાર થવો જોઈએ. હવે એ સમજાયું હશે કે શરીરને સાજુંસારું રાખવું તે ખાસ તો મહામારીના સમયમાં જીવતા રહેવા માટે કેટલું બધું અગત્યનું છે ! વિશ્વના ધનાઢ્યો તો આ ઘટનાથી સમજ્યા કે સંપત્તિથી પણ કંઈક વિશેષ છે, જે પૈસા દેતાં પણ ખરીદી નથી શકાતું!

માનવસમાજ સતતપણે લગભગ દરેક સો-સવાસો વર્ષે કોઈ ને કોઈ મહામારીનો ભોગ બનતો રહે છે. તે માટે પછી તેના ઉપાય તરીકે નવી અસરકારક દવા શોધીને તેના વ્યાપક ઉપચારથી આપણે બચી જવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. આ વખતે પણ કોરોનાની વૅક્સિન વિકસાવીને તેના ઝડપી રસીકરણની પ્રવૃત્તિની દુનિયામાં જાણે કે હોડ મચી છે ! સો વર્ષ, બસો વર્ષ પહેલાં પણ મનુષ્ય જે રીતે ઉપાય શોધતો તે જ રીતે તે આજે પણ પુરાણી રીતનું પુનરાવર્તન માત્ર, એ શું માનવ આધુનિક બન્યો કહી શકાય? મનુષ્ય જો આ મહામારીઓની પરંપરામાંથી કોઈ નવી વૈચારિક પ્રક્રિયા સમસ્યાના મૂલગત સ્વરૂપને સમજવાની શીખ નથી પામતો, તો તે સદી બે સદી જૂના મનુષ્યથી વધુ આધુનિક બન્યો કેમ કહેવાય? તાત્કાલિક તો રસીનો પરંપરાગત રીતે ઉપાય આપણે આ વખતે પણ અજમાવવો જ પડે. સવાલ તે નથી; પરંતુ એ છે કે શું આપણે હવે પોતાની માનવ ઇતિહાસની જીવન જીવવાની ચીલાચાલુ સમજ વિષે તલસ્પર્શી તપાસ કરવાનું જરૂરી નથી સમજી શકતા? અન્યથા પણ, પૃથ્વી પરની જૈવિક સૃષ્ટિ અને વાતાવરણને આધુનિક જીવન પદ્ધતિથી થયેલ પારાવાર નુકસાન – સંહાર અને વિનાશ – વિશે તો વિચારણા કરવા મજબૂર બનવું જ પડ્યું છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે દુનિયાભરમાં લૉકડાઉનનો જે સિલસિલો ચાલ્યો, તેને લીધે, નાશ પામતી પૃથ્વીની જીવસૃષ્ટિમાં આ એક વર્ષના ટૂંકા ગાળામાં જે અપૂર્વ નવચેતન આવ્યું અને હવામાં શુદ્ધિ થઈ તે આપણી આંખ ઉઘાડી. તેવું અદ્‌ભુત છે ! બી.બી.સી. તરફથી હાલમાં જ પ્રસારિત થયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘એ યર ધેટ ચેઇન્જ્ડ ધી અર્થ’માં રજૂ થયેલી આ વાસ્તવિક વિગતો અત્યંત ધ્યાનાકર્ષક છે. મતલબ આપણી સમક્ષ પ્રકૃતિએ પોતાના દાવો મજબૂત રીતે સ્પષ્ટ કરી દીધો છે.

વિષ્ણુસહસ્રનામ સ્તોત્રમાં એક-છેલ્લે આવતું નામ ‘સર્વપ્રહરણાયુધઃ’ છે. મનુષ્યના અહંકાર અને અજ્ઞાનનો સંહાર કરવા પ્રભુ પાસે સર્વ પ્રકારનાં આયુધો છે. આ કોરોનાની વર્તમાન ઘટનામાં આપણને તેનો પરિચય મળતો હોય તેવું જણાય છે. જો સમજવાની શક્તિ હજી પણ થોડી ધણી બચી રહી હોય તો સાવધાનીની ઘંટી વાગી ચૂકી છે. પરમાત્માનાં આયુધ આપણને ઊર્ધ્વગામી વિકાસ માટે સક્ષમ પણ બનાવી શકે છે. આજે ટેક્‌નોલૉજીના માનવીય સંવેદનાપ્રેરિત ઉપયોગનું વલણ ચિંતનશીલ યુવાનોમાં પ્રસરતું દેખાઈ રહ્યું છે. કોરોનાકાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્‌ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર કોરોના કાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્‌ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર અઢારમાં થાઇલેન્ડની એક ગુફામાં દિવસો સુધી ફસાઈ ગયેલાં બાળકોની ઘટના હોય, માનવીય સંવેદનાની વ્યાપક બનતી ભાવના એક ઉજ્જવળ દિશાની ગવાહી પૂરે છે. તે વલણને વિકસાવવામાં અડચણરૂપ પરિબળોને આ આયુધ અવશ્ય ખાળી પણ શકે છે. તે માનવીય વિકાસની ખરી સંભાવના બની શકે. આધુનિક ટેક્‌નોલૉજીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આયોજનમાં જો બૌદ્ધ ધર્મની જ્ઞાનપ્રક્રિયાના સમાયોજનનો પ્રભાવ છે, તો માનવીના નેચરલ ઇન્ટેલિજન્સના સાચા શિક્ષણ માટે પણ તે જ્ઞાનપ્રક્રિયા આપણે કેમ ન અપનાવીએ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 10-11

Loading

પેરસીટમોલ

જાગૃત ગાડીત|Opinion - Opinion|17 July 2021

ગઈ ૨૪ મેએ જ્યારે મેં ‘રસીકરણ’ વિશે લેખ મેઇલ કર્યો, ત્યારે સત્યની ક્ષણ નજીક જ હતી. ૨૬મીએ મને તાવ શરૂ થયો. સિઝનલ ફ્લુ હશે! બે દિવસમાં પત્નીને પણ તાવ આવ્યો. ટેસ્ટ કરાવવા ગયો, ત્યારે તો ખાતરી જ હતી કે કોવિડ છે. ચિંતા એ હતી કે ક્યાંક false negative (આશરે ૧૫ ટકા શક્યતા) રિપોર્ટ પકડાવી ન દે. હું પેલાને નાક અને ગળામાં એની સળી વધારે ખોસવાનો આગ્રહ કરતો હતો. છોકરાએ હસતાં-હસતાં થમ્સઅપ કર્યું, ‘કાકા, ચિંતા ના કરો! જે હશે તે આવી જ જશે.’

સાંજે અપેક્ષિત positive રિપોર્ટ આવી ગયો. CT value (બધાંને જાણવી હોય છે!) ૧૭ની આસપાસ હતી. ઓળખીતાઓની પાસેથી થોડાં ચિંતિત સૂચનો મળ્યાં. આટલા ટેસ્ટ કે સ્કૅન કરાવવાં જ જોઈએ વગેરે. પત્નીને મારી થોડી ચિંતા હતી. ૫૭ની ઉંમરે ઘણા જે માટે નિયમિત દવાઓ લેતા હોય છે, તે ક્રોનિક તકલીફો મને પણ છે. પણ હું દવાઓ લેવાને બદલે જીવનપદ્ધતિને થોડી સુધારી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરું છું. પણ આપણે કંઈ બાપુ નથી. ખાવાપીવાનો લોભ શોખ વધુ છે. સ્થિતિ આંશિક નિયંત્રણમાં રહે છે.

કોરોનામાં અચાનક આમ કે તેમ થઈ જાય એવો મોટો ખોફ ફેલાયેલો છે. Comorbidities બધા જાણે છે. CRP, D-Dimer, CT scan! અમુક દવાઓ તો લેવી જ જોઈએ, એવા અઢળક વૉટ્‌સએપ મૅસેજીસ! પણ મારી પૉલિસી નક્કી હતી. કોવિડ ઍક્યુટ ચેપ છે. થોડો વખત રહીને એની સાઈકલ પૂરી થાય એટલે વિદાય થશે. તાવ કે એવાં બીજાં લક્ષણો આપણામાં પ્રસ્થાપિત લાખો કરોડો વર્ષોથી કેળવાયેલી સંવેદનશીલ ઇમ્યુનિટીનો બચાવ-રિસ્પૉન્સ છે. તેની સાથે બિલકુલ અનિવાર્ય ન હોય ત્યાં સુધી છેડછાડ ન કરી શકાય.

મને નવ દિવસ સાધારણ (દરરોજ ૯૯થી ૧૦૧.૫ સુધી બદલાતો) અને પાંચ દિવસ ઓછો (૯૯થી ૧૦૦) તાવ રહ્યો. તાવ ઉતારવા એક પણ પેરસીટમોલ લીધી નથી. છઠ્ઠા દિવસથી મને થોડી ઉધરસ આવી. સાતમા-આઠમા દિવસથી ઉધરસ સાથે ગળફો (ખારો સ્વાદ) નીકળવાનો શરૂ થયો, જે તાવ ગયા પછી પણ થોડા દિવસ રહ્યું. એ માટે પણ કોઈ દવા લીધી નહીં. સતત એમ જ વાંચ્યું છે કે કોવિડમાં સૂકી ઉધરસ જ આવે છે. પણ મારા કેસમાં ગળફો કાઢવા માટે જ ઉધરસ આવી. ઇમ્યુનિટીને એની રીતે કામ કરવા દો, તો મોટે ભાગે દાખલો સાચો જ ગણે છે.

થોડી તકલીફ જરૂર થઈ. ત્રણચાર દિવસ કોઈ રીતે ઊંઘ આવે નહીં. દિવસે તો મટકું પણ ન મારી શકાય. બેએક (સાતમે-આઠમે) દિવસ ખાસી બેચેની લાગી. ભૂખ ઓછી થઈ. માંડ એક રોટલી કે ભાખરી કે થોડી ખીચડી ખાઈ શકાય. બેએક દિવસ (કદાચ સાતમો-આઠમો) મોઢાનો સ્વાદ ગયો. ભાખરી ખાતાં પૂઠું ચાવતા હોઈએ એવું લાગે. આ અનુભવ આટલો ખતરનાક હશે એ ખબર નહોતી. પણ એ બે દિવસ જ રહ્યું. મુખ્ય વાત એ છે કે તાવ ગયા પછી એક અઠવાડિયામાં બધું સામાન્ય થઈ ગયું.

દિવસમાં અમુક વાર શરીરનું તાપમાન અને ઑક્સિજન સેચ્યુરેશન (SPO2)  જોઈ લેતો હતો. Respiratory rate (RR) પણ સામાન્ય રેન્જમાં જ હતો. પણ આ વાઇરસના ખતરનાક ઇરાદાઓ વિશે એટલી હાઇપ જન્મી છે કે તાર્કિક સમજણ હોવા છતાં ચિંતા થાય કે આ જશે તો ખરો ને? કોઈ જોખમ તો પેદા નહીં થાય ને? સાલું રસી ન લઈને મૂર્ખામી તો નથી કરી ને? ભય એ તાર્કિક અને વૈજ્ઞાનિક સમજણની ઉપર પ્રવર્તે છે એ દેખાયું. ડેનિયલ કાયનેમાન!

દવા ન લો, પણ વિટામિન્સ કે બીજા સપ્લિમેન્ટ તો લો! કોઈ કાઢાઉકાળા તો પીઓ! કમ સે કમ અજમાલવિંગની પોટલી સૂંઘો, નાસ લો, ગરમ પાણીમાં લીંબુ નીચવીને પીઓ! કંઈક તો કરો! બધી સલાહોનો સાભાર અસ્વીકાર! હિતેચ્છુઓને થોડું માઠું લાગે છે, પણ સાચું કહું તો સક્રિય ચેપ વખતે આવું બધું શરીરમાં ઉમેરવું સલાહભર્યું નથી લાગતું.

આજકાલ ‘ઇમ્યુનિટી’ વિશેની આવકારદાયક સભાનતા એકદમ વધી છે. બધાને તાત્કાલિક કંઈ ખાઈને કે પીને ઇમ્યુનિટી વધારી દેવી છે. ગયા વર્ષથી વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, અજમો, સૂંઠ, લવિંગ, વિવિધ કાઢા, લીંબુ વગેરે પર ભારે આક્રમણ થયું છે. ઘણા કસરત અને સાદા ખોરાક તરફ પણ વળ્યા છે. પણ ઇમ્યુનિટી તત્કાળ સુધારી કે boost કરી શકાય એવી સિસ્ટમ નથી.

અને શરીરમાં સક્રિય ચેપ હોય ત્યારે ઇમ્યુનિટી વધારવા ન બેસાય. કોવિડમાં મોટા ભાગની જીવલેણ સમસ્યાઓ ઇમ્યુનિટીની અતિ સક્રિયતાથી થઈ છે. નવા વાઇરસની હાજરીમાં શરીરનું Homeostasis સંવેદનશીલ હાઈ એલર્ટ પર સ્ટ્રેસમાં હોય છે. કાયમ જેની ટેવ હોય એવો સાદો ખોરાક અને આરામ સિવાય વધારાની વસ્તુઓ વધુ સંવેદનશીલ બનેલા Homeostasisમાં ભયજનક ખલેલ પાડી શકે. તો બધા કોવિડ પૉઝિટિવ લોકોને સરકાર તરફથી વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ, પેરસીટમોલ અને અન્ય દવાઓની એકસરખી કિટ કેમ વહેંચવામાં આવી? એનાથી કેટલા કેસ ખોટી રીતે બગડ્યા એનો કોઈની પાસે હિસાબ કે અભ્યાસ નથી.

‘તમારી હિંમત બહુ છે. વગર દવાએ કોરોનાને હરાવ્યો!’ કોઈ આમ કહે ત્યારે હું ત્રણ સુધારા કરું છું. એક, કોરોનાની આમે ય કોઈ દવા નથી. બીજું, મેં કોરોનાને હરાવ્યો કઈ રીતે? એ તો મસ્તીથી મને ગેસ્ટહાઉસ બનાવીને રહ્યો અને પૂરું આયુષ્ય ભોગવીને ગયો. મીયાંની મીંદડી થઈ બે અઠવાડિયાં ઘરમાં તો હું બેસી રહ્યો. મેં હાકોટા પડકારા કર્યા હોય કે મૂછે તાવ દીધા હોય એવું યાદ આવતું નથી. અને ત્રીજું, દવા ન લેવામાં મારી હિંમત નહીં પણ કાયરતા જવાબદાર છે. શરીરમાં નવો વાઇરસ સક્રિય બન્યો હોય, ત્યારે પૂર્વજો પાસેથી મળેલી અત્યંત સંવેદનશીલ અને બુદ્ધિમાન ઇમ્યુન સિસ્ટમ જે પ્રતિભાવ પેદા કરે, તેની સાથે બિનજરૂરી છેડછાડ કરવાની હિંમત હું બિલકુલ ધરાવતો નથી.

આ યુદ્ધની અવૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ પરિભાષાએ દાટ વાળ્યો છે. ‘કોરોના સામે જંગ’, ‘કોરોના વૉરિયર’! મેડિકલ પ્રોફેશન પણ અમુક અંશે આ પરિભાષાનો ભોગ બન્યો છે. ડૉક્ટરો અને તેમનાં પરિવારજનો વાઇરસના નામથી ડરેલાં દેખાય, ત્યારે સામાન્ય માણસોનું આતંકિત થવું સ્વાભાવિક છે. ભય અને આતંકમાં તાર્કિક રૅશનલ વિચાર પછડાયો છે. ઘણી બિનજરૂરી દોડાદોડ, દવાઓ અને ઇલાજના નામે અંધાધૂંધી થઈ છે. CT Scan, રેમડેસીવિર, હાઇડ્રૉક્સિક્લોરોક્વીન, આઇવરમેક્ટીન, પ્લાઝ્‌મા થેરાપી, પ્લાઝમા ડોનેશન કૅમ્પ! કદી બગડે નહીં એવા ઘણા કેસ એ રીતે બગડ્યા છે. ઘણા ડૉક્ટરોએ આ મહામારીમાં ભારણ હેઠળ અત્યંત ટાંચાં સાધનોથી પ્રશંશનીય કામ કર્યું છે. પણ સૌ પ્રથમ યુદ્ધની પરિભાષાનો વિરોધ કરી chill pill  મીડિયા, સરકાર અને લોકોને ગળાવવાની જરૂર હતી.

સ્વાનુભવથી હું જોઈ શક્યો છું કે કોવિડમાં ઇમ્યુનિટીએ તાવનો સમજણપૂર્વક વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે. તાવ જીવાણુને મારવા આવે છે, એ સૌથી સાદી સમજ છે. પણ તાવના એક કાંકરે શરીર કેટલાં પક્ષી મારે છે, એ ચોક્કસ કોઈ કહી શકે એમ નથી. કોવિડમાં blood-clottingની સમસ્યાઓ ઘણી થઈ. કદાચ hemodynamic stability જાળવવામાં તાવ મહત્ત્વની ભૂમિકા ભજવે. અને તાવ ફક્ત જીવાણુ-નિયંત્રણ કરતો હોય તો પણ તે ઉતારવાની દવા લેવામાં કયું ડહાપણ છે?

અસંખ્ય કેસમાં તાવ ઉતારવાની કોશિશથી જ સ્થિતિ બગડી છે. શક્ય હોય ત્યાં સુધી તાવ આવી જવા દેવાની સલાહ મેડિકલ પ્રોફેશન તરફથી મળવી જોઈતી હતી. પણ ઊલટાનું તાવ ઉપરાંત ખાંસી વગેરેની દવાઓ પણ આજની તારીખમાં ICMR/AIIMSની વેબસાઇટ પર ઘરે રહેલા દરદીઓ માટે symptomatic management માટે સૂચવાયેલી દેખાય છે. શરીરને પોતાના સંરક્ષણના ઉપાયો કરતાં રોકવાથી ચેપ વધુ ઊંડે ન જાય? Viral shedding અને એકથી બીજાને ચેપ લાગવાની શક્યતા ન વધે ? પણ આવા કોઈ અભ્યાસ થતા હોય એમ લાગતું નથી.

મોટા ભાગે મેડિકલ પ્રૅક્ટિસ લક્ષણોના મેનેજમેન્ટને જ પોતાનું કામ બનાવી બેઠી છે. અમુક સંજોગોમાં લક્ષણોને નિયંત્રિત કરવાં કે તેમને દબાવવાં ચોક્કસ જરૂરી હોય, પણ ઘણા ભાગે એમ કરવામાં જોખમ અને નુકસાન જ વધુ હોય છે. નવો વાઇરસ શરીરમાં આવે, ત્યારે બંનેને એકબીજાને નુકસાન કરવામાં કોઈ રસ હોતો નથી, પણ પોતપોતાને બચાવવા માટે વ્યૂહાત્મક બાજી જરૂર ગોઠવે છે. આ સંજોગોમાં તાવ શરીર માટે રામબાણ છે.

‘ડોલો’ એટલી પ્રખ્યાત થઇ કે ‘રેમડેસિવિર’ ફૅશનમાં આવી તે પહેલાં ઘણા લોકો ‘ડોલો’ને કોરોનાની મુખ્ય દવા માનતા હતા. ‘તાવ આવે તો કોરોના હોઈ શકે!’, પણ તાવ એ કોવિડ નથી. લોકો તાવથી ગભરાતા થઈ ગયા. દરેક મોટે દરવાજે થર્મલગન લઈ ચોકીદારો ગોઠવાઈ ગયા. એનાથી બચવા ઘણા લોકો પેરસીટમોલ લઈને કામ પર ગયા.

કદાચ લાખો કોવિડકેસ તાવ ઉતારવા માટે પેરસીટમોલના દુરુપયોગથી બગડ્યા હશે. એમાંના કેટલા ય અન્ય સગવડોની ઉપલબ્ધિને અભાવે રામશરણ થયા હશે. પેરસીટમોલ (કે તાવ ઉતારવાની અન્ય કોઈ દવા) ન મળતી હોત તો કેટલા બચ્યા હોત? એનો હિસાબ તમને કોઈ નહીં આપી શકે. જે થોડા ઘણા ડૉક્ટરોએ કોવિડમાં તાવ ઉતારવા સામે લાલબત્તી ધરી હોય તેમને હું સલામ કરું છું.

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 12-13

Loading

નફાનું ખાનગીકરણ, ખોટનું રાષ્ટ્રીયકરણ !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 July 2021

૧૯૯૧ની ૨૧મી જૂને નહેરુ-ગાંધીપરિવાર સિવાયના પ્રથમ કૉન્ગ્રેસી વડા પ્રધાન તરીકે પી.વી. નરસિંહ રાવે સત્તાના સૂત્રો સંભાળ્યાં તે ભારતીય રાજનીતિની નોંધપાત્ર ઘટના હતી. ખાડીયુદ્ધ અને સોવિયેત રશિયાના વિઘટન વચ્ચે દેશની આર્થિક સ્થિતિ તળિયે હતી. એટલે ૨૪મી જુલાઈ ૧૯૯૧ના રોજ નરસિંહરાવે તેમના અર્થશાસ્ત્રી નાણામંત્રી મનમોહન સિંઘની સલાહ અનુસરી દેશના અર્થતંત્રને બજારને હવાલે કરતું ઉદારીકરણ સ્વીકારી લીધું હતું. કૉન્ગ્રેસના સમાજવાદને તિલાંજલિ આપી આર્થિક સુધારાની નીતિ અંગીકારીને કૉન્ગ્રેસે ભારતીય અર્થકારણને ઐતિહાસિક વળાંક આપ્યો હતો.

આઝાદી સમયે દેશે ન મૂડીવાદી, ન સમાજવાદી એવી મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. સાથે નહેરુ કલ્પનાના સમાજવાદને કારણે રાષ્ટ્રીયકરણ અને જાહેર ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો હતો. ૧૯૪૯માં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાનું અને ૧૯૫૫માં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રધાનમંત્રીત્વકાળ દરમિયાન ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં ૧૪ બૅન્કોનું તો મોરારજી દેસાઈએ ૧૯૮૦માં ૬ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ૨૦૧૭માં દેશમાં ૨૭ રાષ્ટ્રીયકૃત બૅન્ક હતી. ૧૯૫૦થી ૧૯૬૦ના ગાળામાં કેન્દ્ર અને રાજ્યોએ ૧,૨૦૦ જેટલી સરકારી કંપનીઓ બનાવી હતી. આજે દેશમાં ૨૫૭ જાહેરક્ષેત્રના ઉદ્યોગો છે અને તેમાંથી ૧૮૪ નફો કરે છે.

૧૯૯૧ના બજારકેન્દ્રી ઉદારીકરણને કારણે ખાનગીકરણનો વાયરો ફૂંકાયો હતો. ઉદારીકરણના ત્રણ દાયકાના અંતે આજે ઉદારીકરણના બીજા તબક્કામાં સરકાર ખાનગીકરણની ખુલ્લેઆમ તરફેણ કરે છે. વિનિવેશ થકી ખાનગીકરણના આરંભનો તો સરકારોએ ક્યારનો અમલ કરી દીધો છે. સરકાર જ્યારે વિનિવેશનો માર્ગ અપનાવે છે, ત્યારે તે બૅન્ક, વીમા કંપની કે જાહેર ક્ષેત્રના ઉપક્રમનો અમુક હિસ્સો ખાનગી વ્યક્તિ કે કંપનીંને વેચે છે, પરંતુ નિયંત્રણ પોતાના હસ્તક રાખે છે જ્યારે ખાનગીકરણમાં તે બહુમતી હિસ્સો વેચીને સંચાલન ખાનગી હાથોને સોંપી દે છે. ઉદારીકરણના આરંભે ૧૯૯૧-૯૨માં ૩૧ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારે વિનિવેશ મંત્રાલય અને વિનિવેશ આયોગની રચના કરી હતી.

ઉદારીકરણના ત્રણ દાયકામાં વિશ્વ અર્થવ્યવસ્થામાં ભારતની ભાગીદારી ત્રણ ગણી વધી હોવાનું અને ખાનગીકરણને કારણે બૅન્કિંગ, સંચાર, મોબાઇલ અને વિમાનસેવામાં સુધારો થયાનું કહેવાય છે. જાહેરક્ષેત્રમાં કામચોરી, ભ્રષ્ટાચાર, જરૂરિયાત કરતાં વધુ સ્ટાફ છે. બૅન્કોની એન.પી.એ. (નૉન પરફૉર્મિંગ એસેટ્‌સ) વધી રહી છે. છેલ્લાં ત્રણ વરસોમાં કેન્દ્ર સરકારે સરકારી બૅન્કોને રૂ. ૧૫૦ લાખ કરોડ ખોટ સરભર કરવા આપ્યા છે. જાહેરક્ષેત્રના કેટલાક ઉદ્યોગો પણ ખોટમાં ચાલે છે. તેને કારણે પણ ખાનગીકરણ જરૂરી હોવાની દલીલો થાય છે.

હાલમાં મહામારી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં સંસાધનોનું સંકટ છે અને સરકાર આર્થિક રીતે તંગહાલ છે, એટલે તે સામાજિક યોજનાઓ માટે જરૂરી નાણાં મેળવવા, રાજકોષીય ખાધ ઘટાડવા ખાનગીકરણનો રાહ આપદ્‌ ધર્મ તરીકે અપનાવી રહ્યાનું કહેવાય છે. ૧૯૯૪થી ૨૦૦૫માં કેન્દ્ર સરકાર વિનિવેશથી રૂ.૬,૩૪૪ કરોડ કમાઈ હતી. ૨૦૦૯થી ૧૪માં રૂ. ૧ લાખ કરોડની કૉન્ગ્રેસ સરકારે તો ૨૦૧૪થી ૧૯માં રૂ. ૨.૮૨ લાખ કરોડની બી.જે.પી. સરકારે જાહેર ક્ષેત્રના વેચાણમાંથી કમાણી કરી હતી. ૨૦૦૬માં ઇન્ડિયન ઑઇલ કંપનીમાં સરકારી ભાગીદારી ૮૨ ટકા હતી, ૨૦૧૯માં ૫૨ ટકા છે. ૨૦૧૭માં સરકારી બૅન્કો ૨૭ હતી, તે ખાનગીકરણ અને વિલયથી ઘટાડીને આજે ૧૨ કરવામાં આવી છે. એટલે ખાનગીકરણ કે વિનિવેશ વર્તમાન સરકારનો કોઈ આપદ્‌ ધર્મ નથી. ખાનગીકરણને બહાને સરકારોની ઉડાઉગીરી લાંબા સમયની છે.

૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં સરકારે બે બૅન્કો અને એક સરકારી કંપનીનું ખાનગીકરણ કરીને ૧.૭૫ લાખ કરોડ મેળવવાનું લક્ષ્ય ઘોષિત કર્યું છે. નીતિ આયોગે લગભગ ૧૦૦ જેટલી જાહેર સંપત્તિ અને જાહેક્ષેત્રના ૧૩ ઉપક્રમો ખાનગીકરણ માટે તારવ્યા છે. આ વરસના બજેટનો લક્ષ્યાંક હાંસલ કરવા સેન્ટ્રલ બૅન્ક અને ઇન્ડિયન ઓવરસિસ બૅન્કનું ખાનગીકરણ કરવાનું નક્કી થઈ ગયું છે. અમદાવાદ સહિત ઘણાં શહેરોના આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ખાનગી કંપનીઓના હવાલે કરી દીધાં છે. પી.પી.પી. કહેતાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના રૂપાળા નામે સવાસો રેલવે સ્ટેશનોનું ખાનગીકરણ થવાનું છે.

વર્તમાન સરકાર મૂડીવાદીઓની તરફદાર એવી ‘સૂટબૂટની સરકાર’ હોવાની વિપક્ષી આલોચનાથી સહેજ પણ ડર્યા કે ડગ્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખાનગી ક્ષેત્રનાં ગુણગાન ગાયાં હતાં. “ધંધોવ્યવસાય કરવાનું સરકારનું કામ નથી” તેમ કહીને વડા પ્રધાને ખાનગી ક્ષેત્રની પ્રશંશા કરીને જાહેરક્ષેત્ર જરૂરી છે, પણ દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ પણ જરા ય ઓછું ન હોવાનું જણાવ્યું હતું. બધું જ સરકાર કરશે તે બાબતને જમાનાજૂની ગણાવી, લોકોના જીવનમાંથી નકામી સરકારી દખલ ઓછી કરી, ન સરકારનો અભાવ કે ન પ્રભાવ એવી પ્રતિબદ્ધતા પ્રધાન મંત્રીએ વ્યક્ત કરી હતી.

સરકાર બોજારૂપ કે ધોળા હાથી જેવાં જાહેર ક્ષેત્રોને વારસાના નામે ન સાચવે તે સમજી શકાય છે, પરંતુ નફો કરતા જાહેર ક્ષેત્રના ખાનગીકરણનો ર્નિણય કરતી મૂડીપતિઓની તરફદાર છે. સરકાર  ‘ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ’(બી.પી.સી.એલ.)નું ખાનગીકરણ કરવાની છે  આ સરકારી કંપની  દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની અને ત્રીજી મોટી તેલ-રિફાઇનરી છે, તેની ગણના જાહેરક્ષેત્રની ‘નવરત્ન’ કંપનીઓમાં થાય છે, જેનો સરેરાશ વાર્ષિક કારોબાર ૨૫,૦૦૦ કરોડથી વધુ હોય અને છેલ્લાં ત્રણ વરસોમાં જેણે ૫,૦૦૦ કરોડ નફો કર્યો હોય તેવા જાહેરક્ષેત્રના નવ ઉપક્રમોને સરકારે ‘નવરત્ન’ ગણ્યા છે. ભારત પેટ્રોલિયમ કંપની તે પૈકીની એક છે. વીસ હજાર કર્મચારીઓ ધરાવતી આ કંપનીએ તાળાબંધીના કપરાકાળમાં રાંધણગૅસ અને અન્ય ઈંધણોની અછત સર્જાવા દીધી નથી. ભારત સરકારનો આ કંપનીમાં ત્રેપન ટકા જેટલો હિસ્સો છે. ગયા વરસે તેનો નફો સાત ગણો વધ્યો હતો. તેનો સીધો નફો ૧૨,૮૫૧ કરોડ હતો. અને છતાં તેનું ખાનગીકરણ થવાનું છે ! 

આશરે સવા લાખ કર્મચારીઓ અને ત્રીસેક કરોડ પૉલિસીધારકો ધરાવતી, ૧૯૫૬માં સ્થાપિત, દેશની સરકારી વીમાકંપની લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન(એલ.આ.ઇસી.)ને હજુ બે વરસ પહેલાં જ, ૨૦૧૯માં, ખોટ કરતી આઈ.ડી.બી.આઈ. બૅન્કનો ૯૪ ટકા હિસ્સો ખરીદવાની સરકારે ફરજ પાડી હતી. હવે એ જ એલ.આઈ.સી.માં એફ.ડી.આઈ.(વિદેશી રોકાણનો હિસ્સો)ની મર્યાદા ૪૯ ટકાથી વધારીને સરકાર ૭૪ ટકા કરવાની છે. પાંચ લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી સો જાહેર સંપત્તિનું વેચાણ કરીને સરકાર રૂ. ૨.૫ લાખ કરોડ ઊભા કરવાની છે. સરકારે ખોટ કરતા જાહેર ક્ષેત્રને નાણાકીય મદદ કરવાના બોજમાંથી મુક્ત થવું જોઈએ, પણ  નફાકારક અને સુચારુ રૂપે ચાલતી આવી કંપનીઓનું ખાનગીકરણ કરે તો સવાલ ઊઠશે જ. શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રેલવે, હાઈવે, દૂરસંચાર, માળખાકીય સુવિધાઓ જેવાં ઘણાં ક્ષેત્રોનું ખાનગીકરણ થઈ રહ્યું છે. લાગે છે કે સરકાર નફાનું ખાનગીકરણ અને ખોટનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે !

રાષ્ટ્રીયકરણ સમયે આખા દેશમાં બૅન્કોની ૮,૨૦૦ શાખાઓ હતી. આજે આશરે ૮૫ લાખ છે. રાષ્ટ્રીયકરણને કારણે બૅન્ક ગામડાંઓ સુધી પહોંચી છે, અને તેનો ઉદ્દેશ લોકોની સેવાનો બન્યો છે. નાના ઉદ્યોગકારો, ખેડૂતો, નોકરિયાતો, મહિલાઓ, અસંગઠિતો અને વિદ્યાર્થીઓ માટે બૅન્કલૉન સુલભ બની છે. જનધન ખાતાં, ઝીરો બૅલેન્સ ખાતાં અને સરકારી યોજનાઓના લાભો બૅન્ક મારફત આપવાને કારણે ગરીબોની પહોંચ બૅન્કો સુધી શક્ય બનતાં આમઆદમીની નાણાકીય સમાવેશિતા થઈ છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના કારણે સમાજના વંચિત વર્ગોને રોજગારીની તકો મળી છે. સરકારી ઉપક્રમોમાં અનામત નીતિને કારણે દલિતો-આદિવાસીઓ નોકરી મેળવી શક્યા છે. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની સાંઠગાંઠ અને સરકારી દખલને કારણે મસમોટી રકમોની લોનો અપાય અને તે ન ચૂકવાય કે બૅન્કોએ આપેલી લોનો માંડવાળ કરવાના રાજકીય ર્નિણયો થાય તેને કારણે બેન્કોના ખાનગીકરણનો માર્ગ અખત્યાર કરવો યોગ્ય નથી.

જાહેર ક્ષેત્રનો નફો સાર્વજનિક હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો નફો વ્યક્તિગત હોય છે. ખાનગી ક્ષેત્રની કાર્યકુશળતા વખાણીને જાહેર ક્ષેત્રને ઉતારી પાડવું યોગ્ય નથી. સાર્વજનિક ક્ષેત્રોને કારણે સરકારની જે જવાબદેહી હોય છે, તેનો ખાનગી ક્ષેત્રમાં અભાવ હોય છે. ખાનગી ક્ષેત્રનો આદર્શ ઓછા દામ વધુ કામનો હોઈ જાહેર ક્ષેત્ર અને બૅન્કોના ખાનગીકરણની સૌથી મોટી અસર કર્મચારીઓ પર પડે છે. દેશમાં બેરોજગારી ચરમ પર છે, ત્યારે જ ખાનગીકરણને કારણે છટણી થતાં બેકારી વધશે. ખાનગી ક્ષેત્રનો એક માત્ર ઉદ્દેશ નફો કમાવાનો છે, ત્યારે તે જાહેરક્ષેત્રની જેમ પછાત વિસ્તારોમાં ન જતાં ગરીબોની જે નાણાકીય સમાવેશિતા શક્ય બની છે, તે જોખમાશે. સામાજિક ઉત્તરદાયિત્વનો અભાવ, ભેળસેળ, ઊતરતી ગુણવત્તા, કાળું નાણુ, પર્યાવરણને નુકસાન, પ્રદૂષણમાં વધારો જેવી બાબતો ખાનગીકરણની ઓળખ છે. સાર્વજનિક ક્ષેત્ર તેની મર્યાદાઓ છતાં આ બાબતોથી દૂર છે. એટલા માટે પણ જાહેરક્ષેત્રોનું ખાનગીકરણ નુકસાનકારક છે. વળી, ખાનગી ક્ષેત્ર પણ કંઈ દૂધે ધોયેલું નથી. ખાનગી ક્ષેત્રની યસ, આઈ.સી.આઈ.સી.આઈ., લક્ષ્મીવિલાસ અને ઍક્સિસ બૅન્ક પણ ખોટ કરતી બૅન્કો છે. શિક્ષણ સંસ્થાઓ અને આરોગ્ય ક્ષેત્રમાં ખાનગીકરણના માઠાં પરિણામો દેશ ભોગવી રહ્યો છે. એટલે ખાનગીકરણનો વ્યાપ વધારી દેશવાસીઓની ધીરજની વધુ કસોટી ન લેવી જોઈએ.

દેશમાં ૪૭૩ વર્ગ કિલોમીટરે એક કૃષિબજાર છે. ૨૦૦૬માં રાષ્ટ્રીય કિસાન આયોગે દર ૮૦ કિલોમીટરે એક કૃષિબજાર ઊભું કરવા ભલામણ કરી હતી. પરંતુ ખાનગી ક્ષેત્રને જેટલો રસ કૉર્પોરેટ ફાર્મિંગમાં છે કે અનાજનાં મોટાં ગોડાઉન ઊભા કરવામાં છે તેટલો નાનાં કૃષિબજારો ઊભાં કરવામાં નથી. ૨૦૦૩માં જાપાને તેની ટપાલ સેવાનું ખાનગીકરણ કર્યું હતું, પરંતુ સંસદના ઉપલા ગૃહમાં તેનો અસ્વીકાર થતાં તત્કાલીન જાપાની વડા પ્રધાન કોઈ જુમીએ ૨૦૦૫ની સામાન્ય ચૂંટણી આ મુદ્દે જ લડવાનું એલાન કરી વિજય મેળવ્યો હતો. પણ ભારતમાં બધું ચોરીછૂપીથી થાય છે.

ભારતમાં બૅન્કો રાષ્ટ્રીયકરણનો અને જાહેર ક્ષેત્રની સ્થાપનાનો ર્નિણય જો રાજકીય હતો, તો તેને તિલાંજલિ આપી ખાનગીકરણનો ર્નિણય પણ રાજકીય છે. તે બાબતમાં કૉન્ગ્રેસ-ભા.જ.પ .એકસંપ છે. એટલે રાજનીતિ અને અર્થનીતિની ભેળસેળ થતી રહેશે અને લોકો તેનો ભોગ બનતા રહેશે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 06-07

Loading

...102030...1,9861,9871,9881,989...2,0002,0102,020...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved