Opinion Magazine
Number of visits: 10,226,144
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રાન્ટેડ કોલેજોના લાભો ઘટવાના ન હોય તો તેને ખાનગી યુનિવર્સિટીઓ સાથે જોડવાનું કોઈ કારણ ખરું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 July 2021

સરકારમાં અત્યારે ખાનગીકરણનો વાવર ચાલે છે. બેંકો ખાનગી હતી તો તેનું 1969માં રાષ્ટ્રીયકરણ થયું ને હવે સરકારને લાગે છે કે રાષ્ટ્રીયકરણ નિષ્ફળ ગયું છે તો બેન્કોને ફરી ખાનગી કરીએ. આનો બેન્કોને વિરોધ છે. વિરોધ એટલે છે કે તેના કર્મચારીઓને નોકરી અને પગારની સલામતી જણાતી નથી.

સરકારી શાળાઓ રામ ભરોસે જ ચાલે છે, પણ સરકારને તે ઠીક ન લાગતાં તેણે ખાનગી શાળાઓને ઉત્તેજન આપવા માંડ્યું, પરિણામે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો ને તેનું વર્ચસ્વ વધતાં સરકારી શાળાઓ ગરીબડી થતી ગઈ ને એમાં ગરીબો બચ્યા ને તેનું શિક્ષણ પણ ગરીબ જ થતું ગયું. ખાનગીના અર્થો પણ સ્પષ્ટ થયા. જેમ કે ખાનગીમાં ફી વધારે જ હોય, તેમાં છાશવારે વાલીઓ પાસેથી ઉઘરાણીઓ ચાલ્યા જ કરતી હોય ને તેના શિક્ષકોનું ભાવિ અને પગારનું ધોરણ અચોક્કસ જ હોય તથા તાલીમ પામેલા શિક્ષકો જ ભણાવે એ નક્કી ન હોય. હવે કોરોનાની સ્થિતિમાં સરકાર ખાનગી સ્કૂલોને ફી ઘટાડવાનું કહે છે તો તેનો સંચાલકોને વાંધો પડે છે અને તેઓ સરકારની ઐસી તૈસી કરીને વાલીઓને લૂંટવા તૈયાર છે. એક તરફ વાલીઓની આવકનાં ઠેકાણાં નથી ને બીજી તરફ ફીનું ઉઘરાણું ચાલુ જ છે એટલે ઘણા વાલીઓનાં સંતાનો સરકારી સ્કૂલોમાં પણ પહોંચ્યાં છે.

આટલા પરથી એટલું તો સમજાય છે કે ખાનગીકરણ સરવાળે મોંઘું પડે છે. આના પરથી બોધપાઠ લેવાને બદલે સરકારે ખાનગીકરણ કોલેજ કક્ષાએ વધુ સઘન કરવાની કોશિશો કરવા માંડી છે. તેણે ગુજરાતમાં કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ શરૂ કરી છે. અન્ય શહેરની જેમ સુરતને પણ આ વર્ષે સાર્વજનિક અને વનિતા વિશ્રામ એમ બે યુનિવર્સિટીઓ મળી છે. આ યુનિવર્સિટીઓ કેવી રીતે કાર્યરત થશે કે તેની પ્રવેશની અને અધ્યાપકોની કેવી અને કેટલી સલામતી હશે તેની કશી જ વ્યવસ્થાઓ વગર યુનિવર્સિટીઓની જાહેરાત કરી દેવામાં આવી છે, તે એ હદ સુધી કે સાર્વજનિક યુનિવર્સિટીએ ખાનગી યુનિવર્સિટીનું કોઈ આવેદન આપ્યું નથી ને તેને યુનિવર્સિટીનું સ્ટેટસ પ્રાપ્ત થઈ ગયું છે.

જુદા જુદા શહેરોને આમ લહાણીમાં યુનિવર્સિટીઓ આપી દેવાનું શું કારણ છે તે સમજાય તે પહેલાં તો અરાજકતાઓ સામે આવવા માંડી છે. સરકારની જાણમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે જોડાયેલી કોલેજોનું જોડાણ એમ કહીને કાપી નાખ્યું છે કે તે હવે ખાનગી સાર્વજનિક સોસાયટીની કોલેજો છે. એમાં સુરત ઉપરાંત બારડોલી અને અન્ય વિસ્તારની કોલેજો પણ ખરી. ગમ્મત એ છે કે ખાનગી યુનિવર્સિટીઓ એવી નવજાત અવસ્થામાં છે કે એને પોતાના અસ્તિત્વની જ ખાસ ખબર નથી, ત્યાં એ બીજી કોલેજોને પોતાની સાથે જોડે તો પણ કઈ રીતે ને કયાં ધોરણે એ મૂંઝવણ છે. નર્મદ યુનિવર્સિટીએ તો એમ કહીને મર્દાઈ બતાવી દીધી કે સરકાર માઈબાપે છેડો છૂટકો કરવાનું કહી જ દીધું છે એટલે આજથી આપણે છુટ્ટા ! સાર્વજનિક યુનિવર્સિટી કહે છે કે હે ગ્રાન્ટેડ કોલેજો, અમારે તમને સમાવવાના છે એની અમને જ ખબર નથી. આ વેપલામાં થોડીક કોલેજો ન ઘરની કે ન ઘાટની થઈ ગઈ છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હતી ત્યારે તેણે એમ.ટી.બી., કે.પી., વી.ટી. ચોક્સી, એસ.પી.બી. જેવી કોલેજોને પાંખમાં લીધી હતી, પણ જેવી તે સાર્વજનિક યુનિવર્સિટી થઈ કે આ કોલેજોને ન તો સાથે રાખી શકાય કે ન તો હાંકી કઢાય એવી – સાપે છછુંદર ગળ્યા – જેવી હાલત તેની થઈ છે. સાર્વજનિક સોસાયટીના સંચાલકો શિક્ષણ મંત્રીનું બારણું ઠોકી આવ્યા તો સાહેબે કહ્યું કે આ ખાલી તમારો જ પ્રશ્ન નથી, ઘણાનો પ્રશ્ન છે ને ચિંતા ન કરો, નિરાકરણ આવી જશે. સાહેબ તોડ પાડે કે લાવે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો સાર્વજનિક, વનિતા વિશ્રામ ને બારડોલીના મળીને નવેક કોલેજના વિદ્યાર્થીઓ એડમિશનનું શું થશે એ વાતે અકળાયેલા છે. બારડોલીમાં તો કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષણનું ખાનગીકરણ બંધ કરો – કહીને સરઘસ કાઢયું ને મામલતદારને આવેદનપત્ર પણ આપી દીધું.

બીજે પણ વિરોધ ઊઠ્યો છે. સરકાર એનો શો ઉકેલ લાવે છે તેની રાહ જોવાની રહે, પણ કોરોના જેવી મહામારીનું ઠેકાણું ન પડતું હોય ત્યારે જંપી જવાનું હતું, તેને બદલે પેટ ચોળીને શૂળ ઊભું કર્યું. કોણ અત્યારે યુનિવર્સિટી વગર રહી જતું હતું તે નથી ખબર ને યુનિવર્સિટી ચાલુ કરી તો ભલે, ચાલુ કરતાં પહેલાં એ તો જુઓ કે દુકાનમાં માલબાલ છે કે કેમ? ખાલી પાટિયું જાહેર કર્યું ને સરકારને લાગ્યું કે યુનિવર્સિટી શરૂ થઈ ગઈ. સોસાયટી સાથે જે કોલેજો જોડાયેલી છે, તે ગ્રાન્ટેડ કોલેજો છે ને તેનું જોડાણ નર્મદ યુનિવર્સિટી સાથે હતું. નર્મદે ના પાડી, એટલે સોસાયટીએ કહ્યું પણ ખરું કે તે હજી પૂરી યુનિવર્સિટી થઈ નથી તો હમણાં છે તે જોડાણ ચાલુ રાખો, પણ તેને દાદ મળી નથી કે નથી તો સરકારે હજી સુધી ખુલાસો કર્યો. કમાલ છે ને કે સોસાયટી તરીકે ફોડી લેતી હતી તે યુનિવર્સિટી બનતાં કફોડી હાલતમાં મુકાઈ. અત્યારે તો હજારો વિદ્યાર્થીઓ ત્રિશંકુની દશામાં છે. આ કોલેજો સાધારણ કોલેજો નથી, સોસાયટી ને એમ.ટી.બી. તો શતાબ્દી પાર કરીને સિદ્ધિ પામી ચૂકેલી સંસ્થાઓ છે, તે સૌની હાલત યુનિવર્સિટી બનતાં કથળી છે.

ધારો કે સાર્વજનિક યુનિવર્સિટી સાથે જોડાણ થાય છે તો આ ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાશે. એ કોલેજોનું સ્ટેટસ શું હશે? તે કોલેજો ગ્રાન્ટેડ ગણાશે કે ખાનગી? ગ્રાન્ટેડ ગણાય તો, તો બહુ વાંધો નહીં આવે, પણ ખાનગી ગણાય તો વિદ્યાર્થીઓની અને અધ્યાપકોની હાલત ખરાબ થશે. ખાનગીની તાજી વ્યાખ્યા વધારે ફી અને ઓછા પગારની છે. સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોમાં ભણનારા વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાંથી આવનારા ને મધ્યમવર્ગના શહેરી વિદ્યાર્થીઓ છે. જો તેઓ ખાનગી યુનિવર્સિટીમાં જાય તો ફીનું ધોરણ તેમને પરવડી શકે નહીં. એ સ્થિતિમાં કેટલાકે ભણવાનું છોડવું પડે. સરકાર એવું ઈચ્છે છે કે ગરીબ વિદ્યાર્થીઓ ભણે નહીં? એ તો ઠીક, આ કોલેજોમાં પીએચ.ડી.ના ગાઇડ્સ છે, સિનિયર અધ્યાપકો છે, એ પણ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાય તો તેમનું પગાર ધોરણ અને બીજા લાભોનું શું તે પણ વિચારવાનું રહે. ખાનગી શાળાઓમાં શિક્ષકોનું જે શોષણ થાય છે તે અહીં નહીં જ થાય એની ખાતરી નથી. સરકાર તો કહે છે કે ખાનગી યુનિવર્સિટીઓમાં ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવી પડે કે ન તો અધ્યાપકોના હકો ડૂબશે. એવી વાત પણ છે કે નર્મદ યુનિવર્સિટીમાં રહીને સોસાયટીની કોલેજોના અધ્યાપકોની જે રાજનીતિ ચાલતી હતી તે અટકી પડે એવું લાગતાં અધ્યાપકો ખાનગીનો વિરોધ કરે છે. અધ્યાપકો રમત રમવા જ યુનિવર્સિટીમાં આવે છે એવું ધારી લેવું વધારે પડતું છે. એમને ખાનગીમાં હિતોનું રક્ષણ થશે કે કેમ એ ચિંતા હોય ને તેથી વિરોધ કરતાં હોય એ વાત સાવ કાઢી નાખવા જેવી નથી.

માની લઈએ કે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનાં હિતોનું રક્ષણ થશે, પણ એ આજની કબૂલાત છે. એ સ્થિતિ આગળ ઉપર પણ સચવાશે જ તેની ખાતરી નથી, વળી ખાનગી યુનિવર્સિટી ગ્રાન્ટેડ હિતોનું રક્ષણ કરવાની હોય તો તે ખાનગી કઈ રીતે છે તે પ્રશ્ન જ છે ને જો વિદ્યાર્થીઓનું કે અધ્યાપકોનું રક્ષણ ખાનગીમાં થવાનું હોય ને હાલની સ્થિતિમાં ફેર ન પડવાનો હોય તો તેને ખાનગીમાં નાખવાની જરૂર શી છે? એ કેવું કે યુનિવર્સિટી ખાનગી, પણ તે ગ્રાન્ટેડનાં હિતો માટે હોય ને વિદ્યાર્થી ને અધ્યાપકો ખાનગીમાં, પણ તેના હિત ગ્રાન્ટેડ જેવાં જ જળવાય. જો બધું જૈસે થે – જ રહેવાનુ હોય તો આ આખો વેપલો કરવાની કોઈ જરૂર હતી?

નવી શિક્ષા નીતિમાં કોલેજો અને યુનિવર્સિટીઓને સ્વાયત્તતા આપવાની વાત છે. એ ધ્યાને લઈએ તો એમ લાગે છે કે સરકાર શિક્ષણમાંથી હાથ કાઢી લઈને આખો કારભાર ખાનગી કોલેજોને અને યુનિવર્સિટીઓને માથે નાખવા માંગે છે. એમ થાય તો ખાનગી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવશે. જેને એમાં રસ છે તે સોર્સિસ ઊભા કરશે ને આર્થિક તેમ જ શૈક્ષણિક માળખું તૈયાર કરી ને સ્વતંત્ર રીતે કારભાર કરશે. એમાં તંદુરસ્ત સ્પર્ધા થાય તો ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ વધે ને નવાં કીર્તિમાન સ્થપાય એમ બને. પણ, એ આદર્શ છે. ખાનગી શિક્ષણમાં અત્યાર સુધી કેવાક આદર્શો સ્થપાયા છે તે કોઈથી અજાણ્યું નથી. સ્વાયત્તતા તો સ્થપાય ત્યારે ખરી, પણ શોષણના નવા માર્ગો ખૂલે તો નવાઈ નહીં, છતાં આશાવાદી થવાનો ય વાંધો નથી. ચિંતા એક જ રહે કે સ્થિતિ સંપન્ન નથી એવા વિદ્યાર્થીઓ આર્થિક સુવિધાના અભાવમાં શિક્ષણથી દૂર ન થઈ જાય. એવું થશે તો એ ખોટ કોઈ પણ આદર્શ કરતાં મોટી હશે.

વેલ, નર્મદ યુનિવર્સિટીએ ગ્રાન્ટેડ કોલેજો સાથેનો છેડો તો ફાડી નાખ્યો, પણ તેને વિદ્યાર્થીઓ, અધ્યાપકોની કોઈ ગરજ છે કે કેમ? ફેંકી દેતાં હજારો વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં ધકેલાતા વિદ્યાર્થીઓની જે તૂટ પડશે એ કેવી રીતે સરભર થશે તે વિચારાયું છે ખરું કે અધ્યાપકો ખાનગીમાં ધકેલાશે તો શિક્ષણકાર્યને વાંધો નહીં આવે એવી ખાતરી છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ વગર પણ ચાલી રહેશે એવી સરકારને શ્રદ્ધા છે?

ખરેખર તો સરકાર તરંગોમાંથી નીચે આવે ને નક્કર ધરાતલ પર રહીને ગંભીરતાથી આખી સમસ્યાનો ઉકેલ લાવે તે અપેક્ષિત છે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જુલાઈ 2021

Loading

ટૂંકું અજંપ જીવન, રંગસમૃદ્ધ ભવ્ય ચિત્રો : અમૃતા શેરગિલ

સોનલ પરીખ|Opinion - Opinion|30 July 2021

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાંની એક હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’ 1941માં અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અપવાદરૂપ વ્યક્તિઓની જ નોંધ લેવાતી. અમૃતા શેરગિલ આવો અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું. આથી એ બીજા નંબરનું સૌથી મોંઘું ભારતીય પેઈન્ટિંગ બન્યું છે (પહેલા નંબરનું વી.એસ. ગાયતોંડેનું પેઈન્ટિંગ 39.98 કરોડમાં આ વર્ષના માર્ચમાં વેચાયું હતું). અમૃતા શેરગિલની ચિત્રશૈલીએ કલાકારોની એકથી વધારે પેઢીઓને પ્રભાવિત કરી છે. તેના પર પુસ્તકો લખાયાં છે, ટપાલ ટિકિટ નીકળી છે, સલમાન રશદીની એક નવલકથા ‘ધ મૂર્સ લાસ્ટ સાય’નું પાત્ર તેનાથી પ્રેરિત છે, દિલ્હીમાં તેના નામનો એક માર્ગ છે.

એનો નાનકડો જીવનકાળ યુરોપ અને ભારત વચ્ચે વહેંચાયેલો રહ્યો. 1913ની 30મી જાન્યુઆરીએ ડાન્યુબ નદીને કાંઠે, બુડાપેસ્ટના એક સુંદર-શાંત ઘરમાં, પંજાબી રાજકૂળના સંસ્કૃત-ફારસીના વિદ્વાન ઉમરાવસિંહ શેરગિલ અને હંગેરિયન-યહૂદી ઓપેરા ગાયિક મેરી એન્ટોઈનેટને ત્યાં તેનો જન્મ. બાળપણનો મોટા ભાગનો સમય બુડાપેસ્ટમાં જ વીત્યો. વિશ્વયુદ્ધ પછીની હાડમારીથી બચવા 1921માં શેરગિલ પરિવાર ભારત આવી સિમલામાં વસ્યો. અમૃતાના પેઈન્ટિંગની શરૂઆત અહીં જ થઈ. નોકરોને મોડેલ બનાવી તે ચિત્રો દોરતી રહેતી. એટલી નાની ઉંમરે પણ તે પોતાને ‘એથેઈસ્ટ’ કહેતી. એ માટે એક વાર તેને કૉન્વેન્ટ સ્કૂલમાંથી કાઢી મૂકી, તો પણ. અમૃતા અને એની બહેન ઇન્દિરા બન્ને પિયાનો શીખતી અને સિમલાના ગેઈટી થિયેટરમાં યોજાતાં નાટકો અને કૉન્સર્ટ્સમાં ભાગ લેતી.

મામા અર્વિન બેકેટ સિમલા આવ્યા ત્યારે એમણે અમૃતાની કલાને પારખી, માએ પણ પ્રોત્સાહન આપ્યું. પેઈન્ટિંગ શીખવા અમૃતા ઈટલી, ફ્રાન્સ અને અન્ય યુરોપીય દેશોમાં ફરી અને ત્યાંની પ્રખ્યાત આર્ટ સ્કૂલોમાં ભણી. પેરિસમાં ‘યંગ ગર્લ્સ’ને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. એમાં જે તરુણીઓ બતાવી છે તેમાં એક તેની બહેન ઈન્દિરા હતી. ત્યાં કરેલું ‘ટ્રેડિશનલ વુમન’ આજે પણ સીમાચિહ્નરૂપ ગણાય છે. ત્યાં તેણે ઘણાં ન્યૂડ પેઈન્ટિંગ અને સેલ્ફ પોટ્રેટ્સ બનાવ્યાં. ઉપરાંત સ્ટીલ લાઈફ, પેરિસનું જીવન, મિત્રો-વિદ્યાર્થીઓનાં પેઈન્ટિંગ પણ કર્યાં. ‘કન્વર્ઝેશન્સ’ પણ અહીંનું. ભરપૂર પ્રશંસા અને પ્રસિદ્ધિ મળતાં ગયાં. પેરિસના ગ્રાન્ડ સલૂનમાં ચૂંટાનારી તે પ્રથમ અને સૌથી નાની ઉંમરની એશિયન હતી. આ બધું છતાં તે ભારત આવવા ઝંખતી – ધેર લે માય ડેસ્ટિની એઝ અ પેઈન્ટર. પોતાના અપાશ્ચાત્ય, અપરિચિત મૌલિક સ્વની શોધ તેને ભારત જવા પ્રેરતી હતી.

તેણે માને લખ્યું, ‘હું પેઈન્ટિંગ શીખું છું, છતાં કોઈ મને એ શીખવે છે એમ નથી. બિકૉઝ આઈ પઝેસ ઇન માય સાયકોલૉજિકલ મેકઅપ અ પિક્યુલિઆરિટી ધૅટ રિસેન્ટ્સ એની આઉટ્સાઈડ ઈન્ફ્લ્યુઅન્સ.’ વિવેચકો તેના પેઈન્ટિંગ પર હંગેરિયન પેઈન્ટર્સ અને પૉસ્ટ ઈમ્પ્રેશનિઝમનો પ્રભાવ જોતા. તેના એક પ્રોફેસર કહેતા કે ‘અમૃતાના પેઈન્ટિંગમાં જે રંગસમૃદ્ધિ છે તે પશ્ચિમની દેણ નથી. અમૃતાની કલાપ્રતિભા તેનો સાચો ઉન્મેષ પૂર્વમાં જ પ્રાપ્ત કરી શકશે.’

અને 1934માં પેરિસના ઠંડા, ભૂખરા સ્ટુડિયોઝને છોડી તે ભારત આવી – સૂર્યપ્રકાશિત ધરતી, ઘેરા રંગો અને ઘઉંવર્ણ નમ્ર લોકોના દેશમાં. અહીં તેને પત્રકાર માલ્કમ મગરિજ મળ્યો. બન્ને સાથે થોડું રહ્યાં. તેણે માલ્કમનું પેઈન્ટિંગ પણ બનાવ્યું જે અત્યારે દિલ્હીની નેશનલ ગૅલેરી ઑફ મોર્ડન આર્ટમાં છે. ભારત સરકારે અમૃતાનાં પેઈન્ટિંગ્સને ‘રાષ્ટ્રિય કલાનિધિ’ ઘોષિત કરી આ ગેલેરીમાં સાચવ્યાં છે. લાહોર અને પેરિસનાં મ્યુઝિયમોમાં પણ તેનાં ચિત્રો છે.

સિમલાના મકાનના ઉદ્યાનમાં એક તરફ અમૃતાએ સ્ટુડિયો બનાવ્યો હતો. આખો વખત તે ચિત્રો બનાવતી. 1935માં સિમલાની ફાઈન આર્ટ્સ સોસાયટી ચિત્રપ્રદર્શન ભરવાની હતી. અમૃતાએ 10 ચિત્રો મોકલ્યાં. તેમણે પાંચ પાછાં મોકલ્યાં જે ખરેખર તો વધારે સારાં હતાં. જે પાંચ સ્વીકાર્યાં હતાં એમાંના એકને ગોલ્ડ મેડલ મળ્યો, જે પાછું એ પાંચમાં છેલ્લા ક્રમે આવે. અમૃતાને આખી વાતનો એટલો કંટાળો આવ્યો કે તેણે મેડલ ‘વધુ યોગ્ય વ્યક્તિના લાભાર્થે’ પાછો મોકલ્યો. દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં પણ આવો જ અનુભવ થયો. કલાપ્રદર્શનોની ‘મિડિયોક્રસી’થી ત્રાસીને તેણે પ્રદર્શનમાં ચિત્રો મોકલવા બંધ કર્યાં. 

1936માં એ પોતાનાં ભુલાયેલા ભારતીય મૂળને શોધવા ખૂબ ફરી. ભારતીય પરિધાન અપનાવ્યું. માએ ગૂંથી આપેલાં પુલઓવર પણ ન પહેરતી. લોકજીવન નજીકથી જોયું. મોગલ અને પહાડી શૈલી તેમ જ અજંતાનાં ગુફાચિત્રોથી પ્રભાવિત થઈ. કોચીન અને ત્રાવણકોર પણ ગઈ. પદ્મનાભપુરમના મહેલના મધ્યકાલીન ચિત્રો તેને ખૂબ ગમ્યાં. ‘હું વ્યક્તિવાદી છું. સંતો અને ગરીબોના આ દેશનું આકલન અને આલેખન મારી પોતાની શૈલીથી કરું છું, જે પરંપરાગત અર્થમાં ભારતીય ન કહેવાય, પણ તેનો આત્મા ભારતીય છે.’ ત્રિવેન્દ્રમમાં પહેલી વાર કથકલી જોયું, ‘અજબ છે. કલાત્મક પણ.’

1937માં તેણે દક્ષિણ ભારતમાં ત્રણ ચિત્રો બનાવ્યાં – ‘બ્રાઈડલ ટૉયલેટ્સ’, ‘બ્રહ્મચારીઝ’ અને ‘સાઉથ ઈન્ડિયન વિલેજર્સ ગોઈંગ ટુ માર્કેટ.’ એ જ વર્ષે તેને ‘થ્રી ગર્લ્સ’ માટે બોમ્બે આર્ટ સોસાયટીએ ગોલ્ડ મેડલ આપ્યો. શરણાગતિ અને નિયતિના સ્વીકારના ભાવવાળી, ઢળેલી આંખોવાળી ત્રણ છોકરીઓના ચહેરા અને બેસવાની રીત ઘણું કહી જાય છે. ‘મને મારું લક્ષ્ય મળી ગયું છે. ગરીબ, ગ્રામીણ ભારતીયોની મૌન, ધૈર્યપૂર્ણ, એકલવાઈ છબિને, તેમનાં શ્યામલ છાયાચિત્રો સમાં શરીરો દ્વારા ચિત્રિત કરવી.’

1938માં તે હંગેરી ગઈ. વિક્ટર એગન સાથે લગ્ન કર્યાં. જતા પહેલાં લખ્યું, ‘હંગેરી જઈને હું શિલ્પ શીખીશ. મને નથી લાગતું કે હું યુરોપમાં ચિત્રો કરીશ. હું ભારતમાં જ ચિત્રો કરી શકું. બીજે ક્યાં ય હું એટલી સહજ, સ્વાભાવિક કે આત્મવિશ્વાસપૂર્ણ નથી રહી શકતી. યુરોપ પિકાસો, મેટિસ અને બ્રાકનું છે પણ ભારત માત્ર મારું છે.’

‘અમૃતા શેરગિલ ભારતીય ઉપખંડમાં આધુનિક ચિત્રશૈલીનો પાયો નાખનારાઓમાં મુખ્ય હતી. પોતાની પીંછી દ્વારા તેણે 1930ના ભારતીય સ્ત્રીપુરુષોની રોજિંદી જિંદગીને, એની હતાશાઓ અને એકલતાઓ સમેત અભિવ્યક્તિ આપી.’

અમૃતા શેરગિલ મૃત્યુ પામી ત્યારે ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’ ઓબિચ્યુરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી. ‘ન્યૂ યૉર્ક ટાઈમ્સ’માં માત્ર શ્વેત લોકોને શ્રદ્ધાંજલિ અપાતી, અમૃતા શેરગિલ એમાં અપવાદ હતી. માત્ર ઓગણત્રીસ વર્ષના ટૂંકા અજંપ જીવન અને ભવ્ય કલાકૃતિઓ વડે તે હંમેશાં આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહી. તાજેતરમાં એનું એક પેઈન્ટિંગ ‘ઇન ધ લેડીઝ એન્ક્લોઝર’ સેફ્રોનેટ ઑક્શન હાઉસે 37.8 કરોડ રૂપિયામાં વેચ્યું …

1039માં તે પતિ વિક્ટર સાથે ભારત આવી. યુરોપના આકાશમાં યુદ્ધના વાદળ ઘેરાવા માંડ્યાં હતાં. બન્ને સરાયા જઈને રહ્યાં. સરાયા તેની ચેતના પર અજબ અસર કરતું. અમૃતા ખૂબ કામ કરતી. ‘ધ સ્વિંગ’, ‘ધ એન્શિયન્ટ સ્ટોરી ટેલર’, ‘ધ બ્રાઈડ’, ‘ધ હૉર્સ એન્ડ ધ ગ્રુમ’, ‘વુમન રેસ્ટિંગ ઓન ચારપાઈ’, ‘ટાહિટિયન’, ‘રેડ બ્રિક્સ હાઉસ’, ‘હિલ સીન’, ‘વિમેન ઈન રેડ’, ‘એલિફન્ટ્સ બૅધિંગ ઈન ધ ગ્રીન પૂલ’, ‘ધ હલ્દી ગ્રાઈન્ડર’, ‘રેસ્ટિંગ’ ‘વિલેજ સીન’, ‘ઇન ધ લેડીઝ એન્ક્લૉઝર’, ‘સીએસ્ટા’ કર્યાં. ‘સમય નથી.’ એ વારંવાર કહેતી. તેને એક જાતનો અજંપો ઘેરતો ગયો.

1941ના સપ્ટેમ્બરમાં પતિપત્ની લાહોર ચાલ્યા ગયાં. લાહોર ત્યારે સંસ્કૃતિ અને કલાનું કેન્દ્ર ગણાતું. ‘કેમલ્સ’ અને અધૂરું છતાં મનમોહક છેલ્લું ચિત્ર તેણે લાહોરમાં કર્યાં. ડિસેમ્બરમાં તેને લાહોરમાં પોતાના ચિત્રોનું મોટું પ્રદર્શન ભરવું હતું. પણ ત્રીજી ડિસેમ્બરે તે માંદી પડી, કોમામાં ચાલી ગઈ અને પાંચમી ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું. તેનું મૃત્યુ આજ સુધી અફવાઓમાં વીંટળાયેલું એક રહસ્ય જ રહ્યું છે.

અમૃતાનાં ચિત્રો ભારતીય સંસ્કૃતિ માટે એટલાં મહત્ત્વનાં ગણાયાં કે જ્યારે પણ લીલામ થાય, સરકાર આગ્રહ રાખે કે દેશની કલા દેશમાં જ રહેવી જોઈએ. દસેક ચિત્રો જ બહાર વેચાયાં છે. 2006માં તેનું ચિત્ર ‘વિલેજ સીન’ 6.9 કરોડના વિક્રમી ભાવે વેચાયું હતું. 2018માં ‘ધ લિટલ ગર્લ ઈન બ્લ્યૂ’ 18-69 કરોડમાં વેચાયું. એ અમૃતાની પિતરાઈ બહેન બબીતનું પોટ્રેટ હતું. 1934માં અમૃતાએ એ બનાવ્યું ત્યારે બબીત આઠ વર્ષની હતી. યુનેસ્કોએ વર્ષ 2013ને અમૃતા શેરગિલ ઈન્ટરનેશનલ યર ઘોષિત કર્યું હતું.

પોતાના સમયથી બહુ આગળ, નિર્ભય મુક્તતા સાથે એ જીવી. એ કાળના ભારતમાં તેના જેવી આધુનિક, પ્રતિભાશાળી અને કંઈક નિરંકુશ જીવન જીવતી સ્ત્રીનો સ્વીકાર થવો મુશ્કેલ હતો. તેનો પરિવાર બ્રિટિશ રાજ સાથે ઘરોબો ધરાવતો હતો, પણ અમૃતાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, પંડિત નહેરુ અને મહાત્મા ગાંધી પ્રત્યે આકર્ષણ હતું.  

અમૃતા ભારતની ફ્રિડા કાહલો ગણાતી. ફ્રિડા મેક્સિકન પેઈન્ટર હતી. બન્ને ન્યૂડ ચિત્રો અને સેલ્ફ પોટ્રેટ માટે જાણીતાં હતાં. ફ્રેડા પણ નાની ઉંમરે મૃત્યુ પામી હતી અને અનેક સ્ત્રીપુરુષો સાથે અંતરંગ સંબંધ ધરાવતી હતી. કલા અને પોતાની જાત પ્રત્યેનું ઉગ્ર વળગણ બન્નેમાં સમાન હતું.

કલા વિવેચક રિચર્ડ બાર્થોલોમ્યુએ 1992માં લખ્યું હતું, ‘અમૃતાના જીવનનાં છેલ્લાં વર્ષો ભવ્ય અભિવ્યક્તિ અને વિકટ સંજોગોનાં હતાં. કલાકાર તરીકે તે અદ્દભુત હતી. ઓગણત્રીસ વર્ષની જિંદગીમાં આ કક્ષાએ ભાગ્યે જ પહોંચી શકાય. પણ તેણે જે શિખરો સર કરવા ધાર્યું હતું ત્યાં તે પહોંચી હતી? આપણને એની ખબર પડવાની નથી. તેનામાં કેટલાં શિસ્ત, આત્મવિશ્વાસ અને ધૈર્ય હતાં; કેટલી કલાભૂખ, વ્યાકુળતા, ઝંખના ને પીડા સળગતી હતી તેની આપણે તો કલ્પના જ કરવાની રહે છે.’ 

પ્રગટ : લેખિકાની ‘રિફલેક્શન’નામક સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 જુલાઈ 2021

e.mail : sonalparikh1000@gmail.com

Loading

પેગસસ જ્યોર્જ ઓરવેલના બીગ બ્રધરનું જ ડિજીટલ સ્વરૂપ છે.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 July 2021

કોરોના મહામારીની પહેલી લહેર જ્યારે દુનિયાભરમાં કહેર મચાવી રહી હતી, ત્યારે દુનિયામાં ધૂમ મચાવનાર બેસ્ટ સેલર પુસ્તક ‘હોમો સેપિયંસ: માનવ જાતિનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (આ લખનારે તેનો ગુજરાતી અનુવાદ કર્યો છે)ના લેખક અને ઇઝરાયેલી ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ લંડનના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ફાયનાન્સિયલ ટાઈમ્સ’માં ૨૦મી માર્ચ ૨૦૨૦ના રોજ એક લેખ લખ્યો હતો. ‘કોરોના વાઈરસ પછીની દુનિયા’ નામના આ લેખમાં તેમણે થોડીક ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે મહામારીના આ સંકટમાં દુનિયાભરની સરકારો એવાં વિકટ પગલાં ભરવાની છે, જેની અસર આવતીકાલની અર્થવ્યવસ્થા, રાજકીય અને સામાજિક સ્થિતિ પર પડવાની છે.

હરારીને વિશેષ ચિંતા ટેકનોલોજીના ઉપયોગની હતી. તેમણે લખ્યું હતું, “કટોકટીમાં લેવામાં આવેલાં ટૂંકા ગાળાનાં પગલાં કાયમ માટે રહી જાય તેનો એક ઇતિહાસ છે. કટોકટીની પરિસ્થિતિઓની લાક્ષણિકતા છે કે સામાન્ય સંજોગોમાં જે નિર્ણય લાગુ કરતાં વર્ષો લાગે, તે કટોકટીના નામે કલાકોમાં અમલી બની શકે છે. સામાન્ય સંજોગોમાં આઘી રાખવામાં આવેલી ખતરનાક ટેકનોલોજીઓ કટોકટીના સમયમાં બહુ સરળતાથી સક્રિય કરી શકાય છે, કારણ કે તેની સામે કોઈ વિરોધ થતો નથી અને લોકો પણ સહજ રીતે તેનું સમર્થન કરે છે. સામાન્ય સંજોગોમાં, સરકારો, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ આવા પ્રયોગ ના કરવા દે, પણ અત્યારે સંજોગો સામાન્ય નથી.”

હરારીએ ત્યારે કહ્યું હતું કે વિશ્વ સામે બે નોંધપાત્ર વિકલ્પો મ્હોં ફાડીને ઊભા છે; એક વિકલ્પ એકહથ્થુ જાપ્તો (ટોટેલિટેરીઅન સર્વેલન્સ) અને નાગરિક સશક્તિકરણ (સિટિઝન એમ્પાવરમેન્ટ) વચ્ચે છે, અને બીજો વિકલ્પ રાષ્ટ્રવાદી અળગાપણું (નેશનાલિસ્ટિક આઈસોલેશન) અને વૈશ્વિક એકતા વચ્ચે છે. કાં તો સરકારો તેમના નાગરિકોની કડક નિગરાની રાખવાનું શરૂ કરી દે અથવા નાગરિકોને જ પોતાનું રક્ષણ કરવા શિક્ષિત કરે. બીજા વિકલ્પમાં, દરેક સરકાર બીજા દેશોના નાગરિકોની પરવા કર્યા વગર પોતાનો જ સ્વાર્થ જુવે. “આપણે આમાંથી શું પસંદ કરીએ છીએ, તેના પર આપણા ભાવિનો આધાર છે,” એમ હરારીએ લખ્યું હતું.

હરારીએ તે લેખમાં ટેકનોલોજીના સહારે કેવી રીતે સરકારો જનતા પર નિગરાની રાખી શકે છે તેનું ચિત્ર આપ્યું હતું. આજે આપણી પાસે એવી ટેકનોલોજી છે કે સરકારો દરેક લોક પર હર સમય નિગરાની રાખી શકે. હરારીએ સોવિયત સંઘનું ઉદાહરણ આપ્યું હતું કે પચાસ વર્ષ પહેલાં સોવિયત ગુપ્તચર સંસ્થા કે.જી.બી. પાસે ના તો એવી તાકાત હતી કે ૨૪ કરોડ લોકોની પાછળ-પાછળ ફરી શકે કે ના તો એટલા બધા લોકોની માહિતીઓનું વિશ્લેષણ કરી શકે તેવી સિસ્ટમ હતી. ત્યારે કે.જી.બી. એજન્ટો અને વિશ્લેષકો પર આધાર રાખતું હતું. આજે સરકારો કોટ-પેન્ટ અને ચશ્માં પહેરેલા એજન્ટોને બદલે સાધારણ લાગતાં સેન્સર્સ અને શક્તિશાળી અલગોરિધમની મદદથી આ કામ કરી શકે છે.

એમાં નોંધપાત્ર ચીન છે. લોકોના સ્માર્ટફોન પર નિગરાની રાખીને, ચહેરાઓને ઓળખી શકે તેવા લાખો કેમેરાઓ ગોઠવીને તથા લોકોને તેમનાં બોડી ટેમ્પરેચર તેમ જ મેડિકલ પરિસ્થિતિની જાંચ કરાવવાની ફરજ પાડીને ચાઇનીઝ સત્તાવાળાઓ બહુ ઝડપથી વાઇરસ ધરાવતા શંકસ્પદ લોકોને ઓળખી કાઢે છે. આ પ્રકારની ટેકનોલોજી ઇઝરાયેલમાં આતંકવાદી સામે લડવા માટે પણ છે. અગાઉ તમે તમારા મોબાઇલના સ્ક્રીન પર કોઈ લીંક પર ક્લિક કરો, તો સરકારને એ જાણવામાં રસ હતો કે તમે શું ખોલીને વાંચ્યું છે. કોરોનાવાઈરસમાં સરકારને તમારી આંગળીમાં કેટલું ટેમ્પરેચર અને કેટલું બ્લડ-પ્રેસર છે તે જાણવામાં રસ છે. મતલબ કે અગાઉ શરીરની બહાર જાપ્તો રાખવામાં આવતો હતો, હવે શરીરની અંદર રાખવામાં આવે છે.

ટેકનોલોજીઓ અત્યંત તેજ ગતિએ વિકસી રહી છે. હું ક્યા સમાચાર વાંચું છું અને મારા રાજકીય વિચારો કેવા છે, હું કોઈ વીડિયો જોઉં તો મારા બોડી ટેમ્પરેચરમાં, બ્લડ પ્રેસરમાં અને હૃદયના ધબકારામાં શું ફેરફાર થાય છે, હું ક્યારે હસું છું, ક્યારે ગુસ્સો કરું છું અને ક્યારે દુઃખી થાઉં છું, તે જાણવામાં સરકારોને રસ છે. મને તાવ આવે કે ખાંસી આવે, તેવી જ રીતે મને સુખમાં હસવાનું અને દુઃખમાં રડવાનું પણ આવે. સરકારને માત્ર મારી ખાંસીમાં જ રસ હશે, એવું માનવું ભૂલ ભરેલું છે. મારાં વ્યક્તિત્વને જાણવામાં સરકારો અને કોર્પોરેશનોને રસ પડે છે. આખા દેશની પ્રજાનો આવો ડેટા સરકારો માટે બહુ કામનો છે. તે વિરોધીઓને ઓળખી શકે અને તેમને ‘સીધા’ કરવા માટે પગલાં ભરી શકે. બાયોમેટ્રિક પદ્ધતિથી એ પણ જાણી શકાય કે પ્રેસિડેન્ટ કે પ્રાઈમ મિનીસ્ટરનું ભાષણ સાંભળીને મને મજા પડી કે આક્રોશ આવ્યો. મને ગુસ્સો આવ્યો છે તેવી સરકારને ખબર પડે તો વાત ગઈ.

કોરોનાવાઈરસને પકડવા માટે ગોઠવવામાં આવેલા આવા બાયોમેટ્રિક જાપ્તાઓ કહેવા માટે કામચલાઉ હોય છે, પરંતુ એક વાર મહામારી દૂર થઇ જાય, પછી સરકારો ગોઠવાયેલી વ્યવસ્થાઓને હટાવતી નથી. હરારી કહે છે કે ઇઝરાયેલમાં ૧૯૪૮ના સ્વતંત્રતા યુદ્ધ વેળા જાહેર કરવામાં આવેલાં કટોકટીનાં ઘણાં પગલાં આજે પણ અમલમાં છે. માણસોની પ્રાઈવસીને લઈને એક મોટો ઝઘડો ચાલે છે અને કોરોનાવાઈરસના સમયમાં સરકારો ‘સ્વાસ્થ્ય-કટોકટી’ ઘોષિત કરીને માણસોની પ્રાઈવસીમાં ઘૂસ મારશે. લોકોને તમે પ્રાઈવસી કે સ્વાસ્થ્ય? એવી ચોઈસ આપો, તો સ્વાભાવિક રીતે જ લોકો સ્વાસ્થ્ય પસંદ કરશે અને પ્રાઈવસી જતી કરશે.

આપણે આ સંદર્ભમાં તાજેતરના પેગાસસ સ્પાયવેર કૌભાંડને જોવા-સમજવાની જરૂર છે. આ તો પત્રકારો-રાજકારણીઓનો મામલો છે, એમાં મારે શું એવું કહીને આપણે તેનાથી નજર ફેરવી લઇએ તો તે બરાબર નથી, કારણ કે (૧) જેની પણ પાસે સ્માર્ટફોન છે અને જેને પણ પોતાની પ્રાઈવસીની ચિંતા છે તેનો આ મામલો છે (૨) જેને પણ લોકશાહીને જીવતી રાખવાની ચિંતા છે તેનો આ મામલો છે કારણ કે ટેકનોલોજીઓ લોકશાહીની દિશા અને દશા બદલી રહી છે.

એક વસ્તુ સ્પષ્ટ સમજવા જેવી છે કે પેગાસસ એક એવું સોફ્ટવેર છે જેને ઈઝરાયેલી સૈન્યની ભાષામાં મિલીટરી ટેકનોલોજી કહેવામાં આવે છે. નિવ, શાલેવ અને ઓમરી નામના સંસ્થાપકોની ‘એન.એસ.ઓ. ગ્રુપ ટેકનોલોજી’ નામની કંપનીએ પેગાસસ નામનું સોફ્ટવેર બનાવ્યું છે જે આતંકવાદી કે અપરાધિક ગતિવિધિઓ પર નિગરાની રાખવા માટે વપરાય છે. આ કંપની માત્ર સરકારોને જ આ સોફ્ટવેર વેચે છે, ખાનગી કંપનીઓ કે સંગઠનોને નહીં. સોફ્ટવેર મોંઘુ હોય છે અને તેને ઓપરેટ કરવા માટેની ક્ષમતા હોવી જરૂરી છે. ટૂંકમાં, તેનો ઉપયોગ સીમિત અને અત્યંત ગુપ્ત ગતિવિધિઓ માટે છે.

આમ છતાં, ભારત સહિત ૨૪ દેશોના પત્રકારો, નેતાઓ, માનવધિકાર કર્મશીલો, વકીલો અને મંત્રીઓના સ્માર્ટફોનમાં આ પેગાસસે ઘૂસ મારી હતી અથવા પ્રયાસ કર્યો હતો. પેગાસસના નિશાના પર હોય તેવા ૫૦,૦૦૦ ટેલિફોન નંબર્સ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને  ‘ફોરબિડન સ્ટોરીઝ’ નામના પેરિસ સ્થિત નહીં-નફોના ધોરણે ચાલતી પત્રકારત્વની સંસ્થાને લીક થયા હતા, જેમાંથી અમુક નંબર્સનું ઇન્વેસ્ટીગેશન કરીને દુનિયાનાં ૧૭ મીડિયા ગૃહોએ આ કૌભાંડ પ્રકાશિત કર્યું હતું.

દેખીતી રીતે જ, આ નંબરો આતંકવાદીઓ કે અપરાધીઓના નથી, પણ દેશોના પ્રતિષ્ઠિત, જવાબદાર નાગરિકોના છે, અને સૌથી મોટી ચિંતાનો વિષય એ જ છે કે જો સમાજમાં બેઠેલા મોટા લોકોના ફોનની જાસૂસી કરવામાં આવતી હોય, તો મારા-તમારા જેવા સામાન્ય લોકોના સ્માર્ટફોનના ડેટા કેવા-કેવા લોકોના હાથમાં હશે અને હજુ ભવિષ્યમાં મારા ફોનમાં બીજું શું-શું થશે?

પેગાસસ સ્પાયવેરે ભારતમાં પહેલીવાર પત્રકારો અને માનવાધિકાર કર્મશીલોને નિશાન નથી બનાવ્યા. ૨૦૧૯માં, વોટ્સએપે એકરાર કર્યો હતો કે તેના અમુક યુઝર્સને સ્પાયવેર મારફતે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. તે વખતે ભારતના ૧૨૧ યુઝર્સના ફોનની જાસૂસી કરવામાં આવી હતી, જેમાં એક્ટિવીસ્ટ, લેખકો અને પત્રકારો હતા. સંસદમાં આ મુદ્દે હોબાળો થયો ત્યારે તત્કાલીન માહિતી-પ્રસારણ-ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે અમે વોટ્સએપને કાગળ લખીને એ માહિતી માગી છે કે તેના પ્લેટફોર્મનો આવી રીતે ઉપયોગ એવી રીતે થયો.

ત્યારે પણ એવા આરોપ લાગ્યા હતા કે ભારત સરકારે આ જાસૂસી કરાવી છે અને અત્યારે પણ એવા સવાલો પુછાવા લાગ્યા છે કે સરકારે જો આ સોફ્ટવેર ખરીદ્યું હોય તો જાહેર કરે અને ના ખરીદ્યું હોય તો પછી કોણ જાસૂસી કરાવે છે તેની તપાસ કરાવે. આ બંને બાબતોનો સરકારે સંતોષકારક જવાબ નથી આપ્યો. ઊલટાનું સરકારે એવો આરોપ લગાવ્યો છે કે ભારતને બદનામ કરવા માટે આ એક આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર છે.

પેગાસસ મામલે કેટલું સત્ય બહાર આવે છે તેની સામે પ્રશ્નાર્થ છે, પરંતુ જાસૂસીનો વિવાદ વિસ્તૃત પ્રશ્નો ઊભા કરે છે. આપણે એક જમાનામાં ચીનને એકહથ્થુ રાજ્ય કહેતા હતા, પરંતુ દુનિયાભરની સરકારોમાં એવી વૃત્તિ વધતી જાય છે (જેનો ઈશારો હરારીએ મહામારીના સંદર્ભમાં કર્યો છે) કે તેઓ નાગરિકોની પ્રાઈવસી અને સ્વતંત્રતા પર નજર રાખે. સરકારો ફેસિયલ રિકગ્નિશન, ડિજિટલ કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ઇમ્યુનિટી પાસપોર્ટ લાગુ કરી રહી છે.

આ બધું સ્વસ્થ્યના નામે થાય છે એટલે લોકોને તેની સામે વાંધો પણ નથી, પરંતુ જાસૂસી કરીને ડેટા ભેગો કરવો એ એક તોતિંગ બિઝનેસ પણ બની ગયો છે જેનો સામાન્ય માણસને અંદાજ નથી. આજે ડેટાને ‘ન્યૂ ઓઈલ’ કહેવામાં આવે છે. એક જમાનામાં જ્યારે જમીનમાં તેલના ભંડારો છે તેવી ખબર પડી તે પછી તેની આસપાસ એવા ઉદ્યોગનો વિકાસ થયો જેણે પૂરા વિશ્વની અર્થવ્યવસ્થા અને રાજનીતિની શકલ બદલી નાખી હતી. તેવી જ રીતે, ૨૧મી સદીમાં હું મારા ડિવાઈસમાં અને ડિજીટલ દુનિયામાં શું કરું છું તેની માહિતી કોર્પોરેશનનો, બિઝનેસમેનો અને સરકારી એજન્સીઓ માટે અત્યંત મૂલ્યવાન જણસ બની ગઈ છે.

ટેકનોલોજીના જમાનામાં, જાસૂસીનો અર્થ વાંધાજનક કે ગેરકાનૂની ગતિવિધિઓની વિગતો મેળવવાનો જ થતો નથી. જાસૂસીનો અર્થ ડેટા એકઠો કરવાનો થાય છે. અમેરિકાની એક કંપનીએ ‘ટીનસેફ’ નામની એક એપ બજારમાં મૂકી છે જે સંતાનોની જાસૂસી કરવામાં વાલીઓને મદદ કરે છે. ભારતમાં દિલ્હી પોલીસે રિલાયન્સ, એસ્સાર, કેયર્ન્સ જેવી કંપનીઓના 13 લોકો સામે કોર્પોરેટ જાસૂસીના પ્રકરણમાં ચાર્જશીટ દાખલ કરી છે.

ફ્રેન્ચ સંસદમાં આતંકવાદ વિરોધી ખરડો પેશ થયો છે જેમાં સરકારે લોકોના ઇ-મેઇલ અને ફોન કોલ્સ પર નિગરાની રાખવાની સત્તા માગી છે. બાંગ્લાદેશમાં બહારની જે એજન્સીઓ સક્રિય છે તેમાં ન્યુઝીલેન્ડ સરકારના કોમ્યુનિકેશન સિક્યુરિટી બ્યૂરોએ સૌથી વધુ જાસૂસી કરીને માહિતીઓ એકઠી કરી છે. યુરોપિયન દેશ આઇસલેન્ડના પ્રધાન મંત્રીએ કહ્યું કે તેમની પાસે એક એવો રિપોર્ટ છે જેમાં આઇસલેન્ડની ફડચામાં ગયેલી બેન્કોના લેણદારો, પત્રકારો અને રાજકારણીઓની અંગત વિગતોથી લઇને તેમનાં વ્યવહાર-વર્તનનું વર્ણન છે. વિકિલિક્સવાળા એડવર્ડ સ્નોવડેને માહિતી લીક કરી છે કે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટને વિશ્વના નેતાઓ અને રાજનેતાઓની જાસૂસી કરાવી હતી.

આપણે ઇન્ફોર્મેશન અને ડાટાના યુગમાં જીવીએ છીએ. આપણા બધાની જાત-ભાતની ઇલેક્ટ્રોનિક ઓળખાણો છે અને સિરિયલ નંબરો છે. આપણને ખબર છે કે આપણી જિંદગીમાં કોર્પોરેટ સેક્ટરની હાજરી કેટલી છે. આજે જે રીતે ટેક્નોલોજીનો વિકાસ થયો છે તે જોતાં કોઇ પણ કોર્પોરેશન કે કંપની પાસે તમારી અઢળક માહિતી પડેલી હોઇ શકે. આ માહિતીઓનો ગમે ત્યારે, ગમે તે ઉપયોગ થઇ શકે છે. આવું થાય તો તમે ક્યાં જશો? એટલા માટે જ ભારતની સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે નાગરિકની પ્રાઈવસી એ તેનો સંવિધાનિક (એટલે કે જન્મજાત) અધિકાર છે.

જ્યોર્જ ઓરવેલે 1949માં લખેલી નવલકથા ‘1984’માં સર્વવ્યાપી અને બધા ઉપર નિગરાની રાખતી સત્તાની કલ્પના કરી હતી. તેણે તેને ‘બીગ બ્રધર’ નામ આપ્યું હતું (જેના પરથી લોકપ્રિય ‘બીગ બોસ’ રિયાલીટી શોનું નામ પડ્યું છે). ટેકનોલોજીના સહારે આ કલ્પના હવે હકીકત બની ગઈ છે. પેગાસસ બીગ બ્રધરનું જ ડિજીટલ સ્વરૂપ છે.

ટેક્નોલોજીએ આપણી ચિકિત્સા અને કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સુવિધા અનેકગણી વધારી દીધી ત્યારે નકારાત્મક વિચારોવાળી રાજકીય કે કોર્પોરેટ વ્યવસ્થા એનો વિનાશકારી ઉપયોગ કરે તેવી સંભાવના પણ વધી ગઇ છે. એટલે જ શકીલ બદાયુનીની આ શાયરી નવા સંદર્ભમાં પ્રાસંગિક છે. તેમણે લખ્યું હતું :

મુજે છોડ દે મેરે હાલ પર તિરા ક્યા
ભરોસા ચારાગર,
યે તિરી નવાજિસ-એ-મુખ્તસર મેરા
દર્દ ઔર બઢા ન દે

(ચારાગર: વૈદ્ય, નવાજિસ-એ-મુખ્તસર: કૃપાદૃષ્ટિ)

અર્થાત, હે વૈદ્ય, તું મને મારા હાલ પર છોડી દે, તારો શું વિશ્વાસ,
ઈલાજની કૃપાદ્રષ્ટિ કરીને તું મારું દુઃખ વધારી મુકીશ.

——————————–

પેગાસસ પ્રોજેક્ટ શું છે

– પેરિસની મીડિયા સંસ્થા ફોરબિડન સ્ટોરીઝ અને એમ્નેસ્ટી ઈન્ટરનેશલને દુનિયાભરમાં પેગાસસ સ્પાયવેરના લીસ્ટમાંથી ૫૦,૦૦૦ ફોન નંબરનો ડેટા મળ્યો હતો.

– તેમાંથી તેમણે પત્રકારો, એક્ટિવીસ્ટો, રાજનેતાઓ અને અન્યોના ૬૭ ફોનની ફોરેન્સિક તપાસ કરાવી હતી.

– તેનો રિપોર્ટ તેમણે  વિશ્વનાં ૧૭ મીડિયાને આપ્યો હતો. ભારતમાં ધ વાયર નામના પોર્ટલે તે રિપોર્ટ છાપ્યા હતા.

– પેગાસસ સ્પાયવેર મિસ્ડ કોલ કે લિંક મારફતે સ્માર્ટફોનમાં ઈંસ્ટોલ થઈને ફોનની તમામ ગતિવિધિઓને રિમોટ લોકેશનથી જોઈ શકે છે. એ બંધ ફોનને ચાલુ કરી શકે છે અને માઈક્રોફોન-કેમેરા પણ ઓન કરી શકે છે. પેગાસસ એપલની ઓપરેટીંગ સિસ્ટમને પણ હેક કરી શકે છે.

– આને બનાવનારી ઇઝરાયેલ કંપની તેને માત્ર સરકારોને જ વેચે છે. ૨૦૧૮માં ટોરંટોની સિટીઝન લેબના રિપોર્ટ અનુસાર ૪૫ દેશોને આ સ્પાયવેર વેચવામાં આવ્યું હતું.

– ૨૦૧૬માં યુનાઇટેડ આરબ અમિરાતને એક માનવધિકાર કાર્યકર અહમદ મન્સૂરે તેને ઉપરાછાપરી મળેલા શંકસ્પદ મેસેજના કારણે સિટીઝન લેબ પાસે તપાસ કરાવી તો ખબર પડી કે મેસેજની લિંકમાં પેગાસસ સ્પાયવેરનું કનેક્શન હતું. એ પછી પેગાસસ ચર્ચામાં આવ્યું હતું.

———————————-

ફોનને કેવી રીતે સલામત રખાય

– તમામ એપ્લીકેશન માટે ટૂ ફેક્ટર ઓથેન્ટીકેશન સિસ્ટમ વાપરવી જોઈએ

– ફોનની ઓપરેટીંગ સિસ્ટમ અને એપ્સને નિયમિત અપડેટ કરતા રહેવું જોઈએ

– થર્ડ પાર્ટી એપ્સ ઈંસ્ટોલ ન કરવા જોઈએ. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરનો જ ઉપયોગ કરવો જોઈએ.

– સાર્વજનિક વાઈફાઈનો બને તો ઉપયોગ ટાળવો જોઈએ

– અજાણી લિંક ખોલવાની લાલચથી બચવું જોઈએ

– એચ.ટી.ટી.પી.એસ. પ્લગ ઇનવાળી વેબસાઈટ જ ખોલવી જોઈએ

– એન્ડ ટૂ એન્ડ એન્ક્રીપ્શન મેસેન્જર જ વાપરવું જોઈએ.

——————————–

પેગાસસ નામનો અર્થ

પેગાસસ ગ્રીક પુરાણોમાં એક સફેદ રંગના ઘોડાનું નામ છે. તેની ઉત્પતિ પોસાડન અને મેડુસા દેવી-દેવતાથી થઇ હતી. હીરો પેર્સ્યુંસે મેડુસાનો શિરચ્છેદ કર્યો ત્યારે તેના લોહીમાંથી તેનો જન્મ થયો હતો. પેગાસસ તેની બુદ્ધિમત્તા અને પ્રસિદ્ધિ માટે જાણીતો છે. ગ્રીસમાં માઉન્ટ હેલીકોનની ઉત્પતિ પેગાસસે પગની ખરી જમીનમાં પછાડી તેમાંથી થઇ હતી. ઘોડાને વિશાળ પાંખો હતી, જેથી તે ટ્રોજન હોર્સ તરીકે પણ ઓળખાય છે. કોમ્પ્યુટરની ભાષામાં માલવેર એટલે કે વાઇરસને ટ્રોજન હોર્સ કહેવાય છે. માલવેર ઇન્ટરનેટની મદદથી ડિવાઈસમાં સંક્રમિત થતો હોય છે એટલે ઇઝરાયેલની કંપનીના સોફ્ટવેરને પેગાસસનું નામ આપવામાં આવ્યું છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 જુલાઈ 2021

Loading

...102030...1,9781,9791,9801,981...1,9902,0002,010...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved