Opinion Magazine
Number of visits: 10,226,140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પ્રજા સંગઠિત થઈ અને રહી શકે ખરી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 August 2021

ભારત ઉપર વિદેશીઓએ કે વિધર્મીઓઓએ કરેલાં આક્રમણ વખતે પ્રત્યેક વેળા ભારતનો પરાજય એટલા માટે થયો છે કે હિંદુઓ સંગઠિત નહોતા. આ કોઈ હું નવી વાત નથી કહેતો.  તમે અનેક લોકોને આમ કહેતા સાંભળ્યા હશે, અને આ રીતની દલીલ કરનારા લેખો વાંચ્યા પણ હશે. આ વાત ખોટી પણ નથી, એટલે તેને પડકારવાની જરૂર પણ નથી.

અહી આટલા સવાલ ઉપસ્થિત થાય છે :

૧. જો હિંદુઓ સંગઠિત નથી કે નહોતા તો જગતની કઈ પ્રજા આપણે ઈચ્છીએ છીએ એ રીતે કે એવા સ્વરૂપમાં સંગઠિત છે? 

૨. સંગઠિત થવા માત્રથી યુદ્ધો જીતી શકાય છે કે પછી એને માટે કોઈ બીજી આવડત પણ હોવી જરૂરી છે? જગતમાં અને ભારતમાં થયેલાં યુદ્ધો ઉપર એક નજર નાખશો તો શું જોવા મળશે? જે લોકો યુદ્ધ જીત્યાં છે એ માત્ર સંગઠિત હતા એટલે જીત્યાં છે? 

૩. સંગઠિત થવાથી માત્ર ફાયદો જ ફાયદો છે કે એમાં કોઈ નુકસાન પણ છે? શું ખબર સંગઠિત થવાથી કોઈકને નુકસાન પણ થતું હોય! જો સાફ હ્રદયે વિચાર કરવા બેસશો તો આની પણ  તપાસ તો કરવી પડશે. અને 

૪. હિંદુઓ જો જગતમાં સૌથી વધુ અસંગઠિત છે તો એવું શા માટે છે? વિભાજક તત્ત્વો આપણાં પોતાનાં હોવાં જોઈએ, અર્થાત્ હિંદુ માનસ અને હિંદુ સમાજ-શરીરમાં તે અવિભાજ્ય રૂપે બેઠેલાં હોવાં જોઈએ. અને એ એટલી હદે ઘર કરી ગયાં છે કે તેને આપણે દૂર કરી શક્યા નથી, અથવા કેટલાક લોકો તેને દૂર કરવા દેતા નથી. અહીં થોડું આત્મપરિક્ષણ પણ કરવું પડશે. 

તો પહેલો સવાલ પહેલા હાથ ધરીએ. 

જગતની કઈ પ્રજા સાચા અર્થમાં સંગઠિત છે? જવાબ છે એક પણ નહીં. જગતની છેક દરેક પ્રજાને એમ લાગે છે કે આપણને છોડીને બીજી પ્રજા સંગઠિત છે, પણ એ એક આભાસ છે. માત્ર હિંદુઓ માટે આખા જગતનો એક મત છે કે તે સંગઠિત નથી અને ક્યારે ય એ સંગઠિત થઈ શકશે નહીં. આવો અભિપ્રાય બનવાનું કારણ દેખીતું છે. હિંદુ સમાજનાં વિભાજક તત્ત્વો નજરે પડે એવાં છે. તો વાત એમ છે કે જગતની દરેક પ્રજાને એમ લાગે છે કે આપણે સંગઠિત થવું જોઈએ અને તેમને આવું લાગવાનું કારણ એ છે કે તેઓ સંગઠિત હોતા નથી. તેઓ ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન નથી એટલે ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન થવા માગે છે. 

શું જગતના ખ્રિસ્તીઓ સંગઠિત છે? જો એમ હોત તો ખ્રિસ્તીઓ યુરોપમાં આટલા બધા દેશોમાં વહેંચાયેલા ન હોત. તેઓ એક જ ધર્મના અનુયાયીઓ છે. યુરોપની ભાષાઓ પણ એક જ કુળની અર્થાત્ એક જ પરિવારની છે. યુરોપિયન ખ્રિસ્તીઓમાં હિંદુઓ જેટલી વંશ-બહુલતા નથી. યુરોપ નામનો એક દેશ રચીને યુરોપ રાષ્ટ્રમાં એક સાથે જીવવા માટે આપણા કરતાં ઘણી વધારે અનુકૂળતા ખ્રિસ્તીઓ ધરાવે છે અને છતાં તેઓ એકબીજાથી અલગ છે. ભારત નામના એક દેશમાં ઘણાં ધર્મોની પ્રજા વસતી હોવા છતાં આપણે ત્યાં ભાષાવાર પ્રાંતો છે, જ્યારે યુરોપમાં એક જ ધર્મની અને ગણીને બે-ચાર વંશની પ્રજા હોવા છતાં ભાષાવાર દેશો છે. આપણે ત્યાં પ્રાંતો છે, ત્યાં દેશો છે. તો વધારે સંગઠિત કોણ? વિશ્વયુદ્ધ તરીકે ઓળખાતાં જગતના ઇતિહાસમાં સૌથી રાક્ષસી યુદ્ધો યુરોપમાં ખ્રિસ્તીઓએ લડ્યાં છે. ખ્રિસ્તી ખ્રિસ્તી સામે લડતો હતો. મુસલમાનોમાં જે રીતે શિયા અને સુન્નીઓ વચ્ચે હિંસક હુલ્લડો થાય છે એ રીતે એક જમાનામાં ખ્રિસ્તીઓમાં કેથલિક અને પ્રોટેસ્ટન્ટો વચ્ચે થતાં હતાં. આ સિવાય બીજા ફિરકાઓ વચ્ચે અવિશ્વાસ અને ઘૃણાના સંબંધો હતા. શ્વેત ખ્રિસ્તીઓનો અશ્વેત ખ્રિસ્તીઓ સાથેનો વહેવાર અમાનવીય હતો અને હજુ આજે પણ છે એ ઉઘાડું સત્ય છે. અત્યારે હવે ઉઘાડી અથડામણો નથી થતી કારણ કે ખ્રિસ્તીઓએ અને તેમના ધર્મગુરુઓએ ખ્રિસ્તી વિભાજનને એક વાસ્તવિકતા તરીકે સ્વીકારી લીધું છે. યાદ રહે, ખાસ્સા રક્તપાતને અંતે તેમને આવી અક્કલ આવી છે. 

મુસલમાનો સંગઠિત છે? દરેક હિન્દુને એમ લાગે છે કે મુસલમાનો સંગઠિત છે અને  મુસલમાનોને પણ એમ લાગે છે કે તેઓ સંગઠિત છે. ચુસ્ત મુસલમાન પોતાને ભારતીય મુસલમાન તરીકે નહીં ઓળખાવે પણ મુસ્લિમ ભારતીય તરીકે ઓળખાવશે. પાકિસ્તાની મુસલમાન તરીકે નહીં ઓળખાવે પણ મુસ્લિમ પાકિસ્તાની તરીકે ઓળખાવશે. તેઓ એમ કહેવા માગે છે કે તેઓ પહેલા મુસલમાન છે અને જે તે દેશના વતની છે. ક્યાંનો વતની છે એ એક અકસ્માત છે, મુસલમાન છે એ તેનું સૌભાગ્ય છે. અલ્લાહની તેના પર વિશેષ મહેરબાની છે. ‘સારે જહાંસે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ગીત લખનારા એક સમયના ભારતીય રાષ્ટ્રવાદી કવિ ઇકબાલ મુસ્લિમ કોમવાદી બન્યા એ પછી તેમણે ૩૦મી ઓક્ટોબર ૧૯૩૦ના રોજ અલ્હાબાદમાં ભાષણ આપતા હિંદુઓને ઉદ્દેશીમેં કહ્યું હતું કે મુસલમાન સંગઠિત પ્રજા છે, કારણ કે તે મુસલમાન છે. જો એમ હોય તો પાકિસ્તાન બન્યા પછી ગણતરીનાં વરસોમાં પાકીસ્તાનનું વિભાજન કેમ થયું? અસંગઠિત હિંદુઓની બહુમતીવાળું ભારત અખંડ રહે અને સંગઠિત મુસલમાનોના પાકિસ્તાનના માત્ર પચીસ વરસમાં ટુકડા થાય? કોણ વધારે સંગઠિત? અને આજે પણ ક્યાં બાકીના પાકિસ્તાનની એકતા આકાર પામી છે. મુસલમાનો સંગઠિત છે એમ માનનારા હિંદુઓને અને એવો દાવો કરનારા મુસલમાનોને પૂછવું જોઈએ કે વિભાજન પહેલાના અખંડ ભારતના સંગઠિત મુસલમાનો વિભાજન વખતે ભારતમાં પાછળ રહેલા મુસલમાનોને હિંદુઓને ભરોસે મૂકીને કેમ પાકિસ્તાન જતા રહ્યા? ક્યાં ગઈ હતી એકતા? મુસ્લિમ એકતાનો દાવો કરનારાઓને પૂછવું જોઈએ કે કરબલાના યુદ્ધમાં ખુદ પેગંબરના વંશજોની હત્યા કરનારા કોણ હતા? ગેર મુસલમાન હતા કે મુસલમાન? કેટલાક મુસ્લિમ દેશોમાં જે ઘમાસાણ ચાલી રહ્યું છે એ કોની વચ્ચે ચાલી રહ્યું છે? મુસલમાનો એકબીજાનાં ગળાં કાપી રહ્યા છે. 

હકીકતમાં મુસ્લિમ પ્રજા એટલી જ વિભાજીત છે જેટલી અન્ય ધર્મીય પ્રજા છે અને એમાં ભારતીય મુસલમાનો તો એટલા જ અસંગઠિત છે જેટલા ભારતીય હિંદુઓ છે. તેમની અંદર જ્ઞાતિપ્રથા પણ છે અને આપસમાં લગ્ન-વ્યવહાર વર્જ્ય છે.

શું બૌદ્ધો સંગઠિત છે? અહિંસામાં માનતા હોવા છતાં તેમનો ઇતિહાસ તપાસશો તો એમાંથી પણ એ જ હાથ લાગશે જે અન્ય ધર્મીય પ્રજાની બાબતમાં જોવા મળે છે. મારી આપને ભલામણ છે કે તમે જગતની દરેક પ્રજાસમૂહના ઇતિહાસને જોઈ જાઓ અને શોધી કાઢો કે જગતની કઈ પ્રજા સંગઠિત છે. ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય તો મારું ધ્યાન દોરજો.

અને હા, હજુ એક વાત. ધર્મ, ભાષા અને વંશ એ ત્રણ પરિબળો એવાં પ્રબળ છે જે ઓળખ આધારિત પ્રજાસમૂહો રચે છે. આ ત્રણમાં ધર્મ સૌથી વધુ તકલાદી પરિબળ છે, કારણ કે એમાં કોઈ ધારે ત્યારે ફણગા ફોડી શકે છે. ધર્મગ્રંથોનું અલગ અર્થઘટન, અલગ પૂજા-અર્ચના શૈલી, અલગ મઠ, અલગ વેશપરિધાન એટલું વિકસાવો એટલે જે તે ધર્મના છોડમાં નવો ફણગો ફૂટી શકે. આવું વંશ અને ભાષાની બાબતમાં બનતું નથી. વંશ સ્થાપી શકાતો નથી જે રીતે ધર્મ કે સંપ્રદાય સ્થાપી શકાય છે. એવું જ ભાષાની બાબતમાં. કોઈ મસીહા નવી ભાષા રચી શકતો નથી, ભાષાનો નોખો ચોકો સ્થાપી શકાતો નથી અને કોઈને પોતાની ભાષા બોલતો કે ભાષામાં પ્રવેશતો રોકી શકાતો નથી. બીજી બાજુ ધર્મ એક એવી સંસ્થા છે જેમાં નોખા ચોકા કરી શકાય છે અને કરવામાં આવી રહ્યા છે. જે સંસ્થા પોતે જ તકલાદી હોય અને જેમાં લોકો ધારે ત્યારે છીંડાં પડતા હોય એને આધારે કોઈ પ્રજા સંગઠિત થઈ અને રહી શકે ખરી? અને છીંડાં કોણ પાડે છે? અંદરના જ લોકો.

છેલ્લે, હમણાં કહ્યું એમ ઇતિહાસમાં કાયમ માટે કોઈ ધર્માનુયાયી પ્રજા સંગઠિત રહી હોય એવું જો તમારા ધ્યાનમાં આવે તો મારું ધ્યાન દોરવાનું નહીં ભૂલતા.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2021

Loading

વૈશ્વિક સત્તાનો સ્વાર્થ સાધવા કરાવાતા આંતરવિગ્રહો લાખો જિંદગીઓની અસ્થિરતાનું કારણ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 August 2021

શક્તિ પ્રદર્શન માટે કરાવાતી રાજકીય હિંસા, પ્રજાતિઓ વચ્ચેના વિગ્રહો નિર્દોષ જિંદગીઓને ભૂખમરો, બિમારી અને રઝળપાટ આપનાર સાબિત થાય છે

અફઘાનિસ્તાનમાં સતત તાણ અને ભયના ઓથારમાં જીવાતી જિંદગીઓનું બેબાકળાપણું વિચલિત કરી દે તેવું છે. રાજકીય સંઘર્ષોને કારણે જિંદગીઓ પહેલીવાર ખોરવાઇ છે તેમ નથી બન્યું. સિરિયાથી લઇને યેમેન સુધી અને દક્ષિણ સુદાનથી માંડીને વેનેઝુએલાએ યુદ્ધ અને રાજકીય સંઘર્ષોને કારણે માણસોની જિંદગી વિખેરાતાં જોઇ છે. સમય બદલાતાં આ પીડાની ટીસ આકરી બનતી ચાલી છે. વિશ્વમાં અનેક સિવિલ વૉર્સ ચાલે છે અને પરિણામે વિસ્થાપિતોનો આંકડો વધતો રહ્યો છે.

છેલ્લાં છ વર્ષથી યેમેન પર સાઉદી અરેબિયા હેઠળના દેશો બોમ્બ ફેંકી રહ્યા છે. તેમનો ધ્યેય હતો કે હૂથી બળવાખોરોને દેશમાંથી તગેડી મૂકવા, તેમની સત્તા છીનવી લેવી અને સરકારને પુનઃસ્થાપિત કરવી. યેમેનમાં ૨૦૧૪ના અંત ભાગથી એક સિવિલ વૉરની સ્થિતિ સર્જાઇ છે જ્યાં એક જ દેશના લોકો એકબીજા સાથે લડી રહ્યા છે. સરકાર દેશવટા જેવી લાંબી ગેરહાજરીમાં છે અને મોટા ભાગના વિસ્તારો પર હૂથીનો કાબૂ છે. દક્ષિણ અને ઉત્તર યેમેન એક સમયે અલગ હતા, નેવુંના દાયકામાં એક થયા પણ દેશ ચલાવવા અંગેની તેમની વિચારધારાઓ હજી પણ એકબીજાથી સાવ વિપરીત છે. સાઉદી અરેબિયા જે નવ દેશોના સમૂહનું નેતૃત્વ કરે છે તેઓ યેમેનની સરકારની ટેકો આપે છે પણ ૨૦૧૫માં તેમણે યેમેન પર બોમ્બાર્ડિંગ શરૂ કર્યું જેથી હૂથીઝથી છૂટાકારો મળે, તેમને યુ.એસ., યુ.કે. તથા ફ્રાન્સનો ટેકો પણ મળ્યો. યુદ્ધ શરૂ કરનારા સાઉદી અધિકારીઓને હતું કે આ થોડા અઠવાડિયાઓનો ખેલ છે પણ જેમ અફઘાનિસ્તાનમાં તાલીબાનનો ત્રાસ છે એવું જ અહીં હૂથીઓ કરી રહ્યા છે.

૨૦૧૧માં સિરીયાના ૧.૫ મિલિયન લોકો આસપાસના દેશોમાં જીવ બચાવી ભાગ્યા. આજે દસ વર્ષ પછી પણ આ વિસ્થાપિતોનો સૌથી મોટો સંઘર્ષ ગણાય છે. ૬.૬ મિલિયન સિરયન્સે દેશ છોડ્યો છે અને ૬.૭ મિલિયન સિરયન્સ પોતાની જમીન પર જ વિસ્થાપિત છે. ઝનૂની સરકારે દારા શહેરમાં વિરોધ કરનારા કિશોરોનાં ટોળાંને અટકમા લીધું અને પછી તો ટોળાંઓ આક્રમક બન્યા અને સૈન્ય પણ તેની સામે ન ટકી શક્યું. આંતરિક સંઘર્ષ સિવિલ વૉર બની ગયો અને આજે પણ આ અસ્થિરતાનો ભોગ બનેલાંઓ વિષમ પરિસ્થિતિઓ સામે ટકવાના રસ્તા શોધી રહ્યાં છે.

ઑગસ્ટ ૨૦૧૭ના ઑગસ્ટ મહિનામાં મ્યાનમારમાંથી રોહિંગ્યા રેફ્યુજીઓ બાંગ્લાદેશ તરફ ભાગી છૂટ્યા. આધુનિક ઇતિહાસમાં રોંહિંગ્યા રેફ્યુજીઝનો મુદ્દો સૌથી ઝડપથી લોકોનું સ્થળાંતર થયું હોવાનો પુરાવો છે. મ્યાનમારમાં બૌદ્ધ ધર્મમાં માનનારાઓની મોટી સંખ્યા છે, અહીં રોહિંગ્યાઓને નાગરિકતા નથી. રોહિંગ્યા મુસલમાનો અને કટ્ટરપંથી બૌદ્ધો વચ્ચે હિંસાને પગલે રોહિંગ્યા વિસ્થાપિતો બાંગ્લાદેશ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાં શરણાર્થી તરીકે રહેવા માંડ્યા. તે દેશના સૌથી વધુ પીડિત અલ્પસંખ્યક સમુદાયમાં ગણાય છે અને તેમની પ્રત્યે કોઇ પણ દેશને ઉમળકો નથી બલકે તેમને સુરક્ષા પરનું જોખમ ગણવામાં આવે છે.

ઇઝરાયલીઓ અને પેલેસ્તિનિયન્સ વચ્ચે ૧૯૪૮ની સાલથી સંઘર્ષ ચાલે છે જેમાં ૫.૧ મિલિયન લોકોની જિંદગીઓ વિખેરાઇ છે. આમ તો આ મુદ્દો સો વર્ષ જૂનો છે એમ કહી શકાય તથા યહૂદીઓની લધુમતી તથા આરબોની બહુમતી વચ્ચે સતત તાણ ખડી થયા કરે છે જેની પર આગવી રીતે કાબૂ લાવવાનો પ્રયાસ કરવાનું બીડું બ્રિટને ઉપાડ્યું હતું પણ બ્રિટિશ શાસકો ૧૯૪૮માં ત્યાંથી નિકળી ગયા. આજે પણ ગાઝા, જેરુસલેમ અને વેસ્ટ બેંક વચ્ચે સતત તણાવ રહે છે.

વિયેતનામ વૉર દાયકાઓ સુધી ઉત્તર અને દક્ષિણ વિયેતનામ વચ્ચે ચાલેલો સંઘર્ષ છે. ૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલેલા આ યુદ્ધમાં પરાકાષ્ઠા સાંઇઠના દાયકામાં આવી. ઉત્તર વિયેતનામને સામ્યવાદી રાષ્ટ્રોને ટેકો હતો જેમાં ચીન અને રશિયા પણ સામેલ હતા અને દક્ષિણ વિએતનામને યુ.એસ. સહિતના પશ્ચિમ દેશોનો ટેકો હતો. વિયેતનામ યુદ્ધમાં અમેરિકાના લશ્કરનો ફાળો મોટો હતો, ઇતિહાસકારોએ આ યુદ્ધને યુ.એસ.એ. અને સોવિયેટ યુનિયન વચ્ચેનું શીત યુદ્ધ યુગનું પ્રૉક્સી વૉર ગણાવે છે. આ યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલાઓનો આંકડો ૩ મિલિયન હતો અને તેમાનાં ઘણાં યુ.એસ.એ. અને ચીનમાં સ્થાયી થયા હતા.

કૉરિયાના યુદ્ધ પાછળ શીત યુદ્ધ દરમિયાન ફેલાયેલો સામ્યવાદ કામ કરી ગયો અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર જે કબ્જો કર્યો તે પછી ૧૯૫૦થી ૫૩ દરમિયાન કોરિયા છોડીને ભાગી છૂટેલાઓની સંખ્યા એક મિલિયનથી પાંચ મિલિયનની વચ્ચે માનવામાં આવે છે.

૨૦૦૩માં ઇરાકમાં જે તાણ ચાલુ થઇ તેને પગલે અત્યાર સુધીમાં ચાર મિલિયન જેટલા લોકો વિસ્થાપિત થઇ ચૂક્યાં છે અને ૨,૬૦,૦૦૦ જેટલાં લોકોને દેશ છોડીને આસપાસના દેશોમાં ચાલ્યા જવાની ફરજ પડી છે. આઇસિસે ઉત્તર ઇરાકમાં હુમલા શરૂ કર્યા અને જિંદગીઓ તહેસનહેસ કરી નાખી. ૧૯૯૧થી ૧૯૯૫ દરમિયાન થયેલ યુગોસ્લાવિયા સંઘર્ષ, યુરોપ માટે બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી વધુ કારમો સંઘર્ષ ગણાવાય છે જેમાં ૨.૭ મિલિયનથી વધુ લોકોની જિંદગી વેરણછેરણ થઇ ગઇ. એથનિક ક્લિન્ઝિંગને નામે સર્બિયન નાગરિકોએ ક્રોએટ્સ અને મુસલમાનોને બોસ્નિયા તથા હર્ઝેગોવિનાના તેમના ઘરોમાંથી તગેડ્યા છે. રવાન્ડામાં તુત્સીઓ પર હુતુ કટ્ટરપંથીઓએ હુમલા કર્યા અને ૧૯૯૧ની સાલમાં થયેલા આ તણખાનો ભડકો આજે પણ જિંદગીઓ ભરખી રહ્યો છે. ૩.૫ મિલિયન જિંદગીઓ કોઇ પણ ચોકસાઇ વગર રેઢિયાળ હાલતમાં જીવાઇ રહી છે. આ તરફ સોમાલિયામાં સિઆદ બરેની સત્તા ૧૯૯૧માં પડી ભાંગી અને ત્યાં વિસ્થાપનની લહેર શરૂ થઇ ગઇ. અહીં ૧.૧ મિલિયનથી વધુ જિંદગીઓ વિખેરાઇ ચૂકી છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં આજે પણ સિવિલ વૉરની સ્થિતિ છે અને ૧.૧ મિલિયન લોકોના માથે અરાજકતા લખાઇ ગઇ છે. સુદાનમાં પણ સિવિલ વૉરે સાતથી આઠ લાખ લોકોને વિસ્થાપિતોની યાદીમાં ધકેલ્યા છે. ૧૯૯૬-૧૯૯૮ દરમિયાન થયેલા યુદ્ધને કારણે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોમાંથી સાડા પાંચ લાખ લોકોની જિંદગીઓ રેફ્યુજી કેમ્પ્સમાં જીવાઇ રહી છે.

મોટાભાગના આ સંઘર્ષોમાં સિવિલ વૉર અહીં સ્થાનિક વૉર બની ગયું છે. ભૂખ, બિમારી, લાચારી, અચોક્કસતામાં લાખો જિંદગી જીવાઇ રહી છે કારણ કે અમૂક મજબૂત રાષ્ટ્રો પોતાની સત્તા સાબિત કરવા માગે છે.

બાય ધી વેઃ

૨૦૧૬ના અંતે વિશ્વ આખામાં સંઘર્ષોને કારણે વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા ૬૫.૬ મિલિયન હતી. આ આંકડો બીજા વિશ્વ યુદ્ધ પછી વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા કરતાં પણ મોટો છે.  ૨૦૧૭માં આંકડો બમણો એટલે કે ૧૧.૮ બિલિયન થઇ ગયો હતો. ૨૦૧૭ સુધીમાં અઢાર જેટલા દેશોમાં ચાલતા કટોકટી ભર્યા સંઘર્ષને પગલે ભૂખમરો વેઠનારાની સંખ્યા ૭૪ મિલિયન હતી. છેલ્લા દોઢ દાયકામાં રાજકીય હિંસા અને સંઘર્ષનું પ્રમાણ વધ્યું છે અને આ તમામનો એજન્ડા કાં તો લશ્કરી તાકાત જમાવવાનો હોય છે કાં તો રાજકીય સ્વાર્થ સાધવાનો હોય છે. શક્તિ પ્રદર્શન માટે કરાવાતી રાજકીય હિંસા, પ્રજાતિઓ વચ્ચેના વિગ્રહો નિર્દોષ જિંદગીઓને ભૂખમરો, બિમારી અને રઝળપાટ આપનાર સાબિત થાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  22 ઑગસ્ટ 2021

Loading

ચલ મન મુંબઈ —109

દીપક મહેતા|Opinion - Opinion|22 August 2021

મુંબઈ શહેર છે એક ધારાવાહિક નવલકથા જેવું

ધનિકોનું ધામ વાલકેશ્વર

જ્યારે પત્ની સાથે ફોટો પડાવવો એ હિંમત માગી લેતું કામ ગણાતું

મુંબઈ શહેર છે એક ધારાવાહિક નવલકથા જેવું. દરેક હપ્તે કૈંક નવું, કૈંક જૂદું. આ એક એવી નવલકથા છે જે ક્યારે ય પૂરી થતી નથી. એનો આરંભ છે, અંત નથી. પણ આપણી ભાષાની નવલકથાઓમાં મુંબઈની છબી કેવીક અને કેટલી ઝીલાઈ છે? આપણી પહેલી મહત્ત્વની નવલકથા સરસ્વતીચંદ્રમાં કથાનાયકનો બાપ લક્ષ્મીનંદન મુંબઈનો ધનાઢ્ય વેપારી હતો અને દશબાર લાખ રૂપિયાનો ધણી કહેવાતો હતો. આજે આપણને કદાચ હસવું આવે. આજે તો લોકલ ટ્રેનમાં ફેરી કરનારા પાસેથી પણ દસ કરોડ રૂપિયા મળી આવે છે! પણ ગોવર્ધનરામ વાત કરે છે ૧૯મી સદીનાં પાછલાં પચાસેક વરસની. લક્ષ્મીનંદન એક બાજુથી ધનવાન હતો તો બીજી બાજુથી ‘બગડેલો’ પણ હતો. પત્ની ચંદ્રલક્ષ્મીની સાથે ફોટો પડાવવાનો અને એ ફોટો પોતાની મેડીની ભીંત પર ટાંગવાનો, એમ બબ્બે ગુના તેણે કર્યા હતા. આટલું જણાવ્યા પછી લેખક ઉમેરે છે : ‘મુંબઈવાસી હોવાને લીધે તેણે આ હિંમત ચલાવી હતી.’

૧૯મી સદીનું વાલ્કેશ્વર

માત્ર સરસ્વતીચંદ્રમાં જ નહિ, આપણી એ જમાનાની ઘણી ખરી નવલકથાઓમાં, મોટા ભાગનાં નાટકોમાં, મુંબઈ એટલે ‘સુધારા’નું જીવતું જાગતું પ્રતીક કે ઉદાહરણ. કોઈ પણ નવલકથામાં પાત્રો અને પ્રસંગો પછી સૌથી વધુ મહત્ત્વનું કાંઈ હોય તો તે છે સ્થળ અને કાળ. બલકે સ્થળ અને કાળ ઘણે અંશે પાત્રો અને પ્રસંગોને ઘડે છે. કથાનાયક નવીનચંદ્ર ઉર્ફે સરસ્વતીચંદ્રનું જે વ્યક્તિત્વ નજરે પડે છે તે ઘણે અંશે તેનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો એ વાતને આભારી છે. અને કાળ અથવા સમય? આજે જો કોઈ આવી નવલકથા લખે તો કથાનાયકને મુંબઈથી સુવર્ણપુરની મુસાફરી વહાણમાં કરતો બતાવી શકે? અને ના, તો એ ‘જાના થા જાપાન પહોંચ ગયે ચીન’ની જેમ સુવર્ણપુર પહોંચી શકે ખરો? અંગ્રેજી અને પશ્ચિમની બીજી ઘણી ભાષાઓમાં ‘ભ્રમણકથા’નો પ્રકાર ઘણો વિકસ્યો છે. આ પ્રકારની નવલકથામાં નાયક કોઈ હેતુ કે કારણથી લાંબી મુસાફરી કરે છે, રઝળપાટ કરે છે, અને છેવટે તે સ્વસ્થાને આવે છે. પણ ગયો હતો ત્યારે હતો તેવો તે પાછો આવે ત્યારે નથી હોતો. ઘણો બદલાયો હોય છે. સરસ્વતીચંદ્ર નવલકથામાં પણ આમ જ બને છે. બુદ્ધિધન સાથેની પહેલી મુલાકાતમાં નવીનચંદ્ર ભલે કહે કે ‘મુંબઈમાં હું વિદ્યાર્થી હતો, હવે અનુભવાર્થી છું … હું બોલ્યા વગર જોઈ શકું છું, કાને સાંભળેલું મનમાં રાખી શકું છુ. જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકું છું.’  પણ કથાને અંતે તો જણાય જ છે કે તે જાતે પણ રંગાયો જ છે. મુંબઈના વાલકેશ્વરના બંગલાથી શરૂ થતી કથા ઘણું હરીફરી છેવટે પાછી એ જ બંગલામાં આવીને ઠરે છે, પૂરી થાય છે. પણ ત્યારે નવીનચંદ્ર ઘણો બદલાયેલો છે.

૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયો તે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં મુંબઈ અને તેનું જીવન વણાયેલાં છે, પણ તે કેન્દ્રસ્થાને નથી. જ્યારે ૧૮૯૪માં પ્રગટ થયેલી ‘વિક્રમની વીસમી સદી’ નામની નવલકથામાં તો મુંબઈ શહેર જ કેન્દ્ર સ્થાને છે. અલબત્ત, અ નવલકથા આજે તો સાવ ભૂલાઈ ગઈ છે. આ નવલકથાનો પહેલો ભાગ ૧૮૯૪માં અને બીજો ભાગ ૧૯૦૧માં પ્રગટ થયેલો. તેના લેખક મોતીલાલ ત્રિભોવનદાસ સટ્ટાવાળા બી.એ. એલ.એલબી. થયા હતા અને બોમ્બે હાઈકોર્ટના વકીલ હતા. આ ઉપરાંત તેઓ ભાવનગર રાજ્યના પહેલા વર્ગના દીવાની ન્યાયાધીશ હતા. બંને ભાગની ૭૯૮ પાનાની સંયુક્ત આવૃત્તિ ૧૯૨૩માં પ્રગટ થઈ ત્યારે લેખકના નામ આગળ ‘સ્વ.’ લગાડ્યું છે એટલે તે પહેલાં ક્યારેક તેમનું અવસાન થયું હોય. આ નવલકથામાં ઓગણીસમી સદીના અંત ભાગના મુંબઈના વ્યાપારી જગતનું ધ્યાનપાત્ર નિરૂપણ જોવા મળે છે. લેખક અહીં મુંબઈના જુદા જુદા પ્રકારના શેઠિયાઓનો વિગતે પરિચય આપે છે અને પછી તેમની વચ્ચેના વ્યવહારમાંથી કથા નીપજાવે છે. એ સમયના મુંબઈના ધનવાનોનાં ઘર કેવાં હતાં? લેખક કહે છે : ‘મુંબઈ શહેરના સરિયામ રસ્તા ઉપર આવેલા કોઈ ઘરના બીજા મજલાના એક ઓરડામાં નકસીદાર ફર્નિચર ગોઠવેલું હતું. ટેબલ, કોચ, ખુરસી, અને કબાટો જ્યાં ત્યાં મૂકેલાં હતાં. એક બાજુએ પિત્તળનો પલંગ હતો. ટેબલ ઉપર થોડી સારી બાંધણીની અંગ્રેજી ચોપડીઓ આકારબંધ – કાપ્યા વગરની અને ધૂળ ચડેલી, પણ શોભાને સારૂ ગોઠવી દીધી હતી. તેની પાસે થોડી એક હાલહવાલ બાંધણીની ગુજરાતી ચોપડીઓ તથા થોડાં અંગ્રેજી અને ગુજરાતી છાપાં હતાં. એ સિવાય નાટક, ફારસ, અને ગાયનની નાની નાની ચોપડીઓ, ચોપાનિયાં, અને હેન્ડ બિલોનો ત્યાં વરસાદ વરસી રહ્યો હતો.’ આ ઓરડો હતો શેઠ વનમાળીદાસના વીસ વરસના દીકરા નવલશાનો. તેનાં લગ્ન નજીક આવી રહ્યાં હતાં એટલે તે બેફામ રીતે ખરીદી કરી રહ્યો હતો. આખી નવલકથામાં એ જમાનાના મુંબઈનું અને તેના અમીરોના જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે.

તો ધનવાન કુટુંબના અવિચારી યુવાનો વારસામાં મેળવેલી સંપત્તિ કઈ રીતે વેડફીને ગુમાવે છે તેની વાત ૧૮૯૬માં પ્રગટ થયેલી નવલકથા ‘પંદર લાખ પર પાણી’માં ચુનીભાઈ લલ્લુભાઈ પારેખ કહે છે. આ નવલકથામાં તેનાં પાત્રો અને મુંબઈનાં સ્થળોનાં વિગતવાર વર્ણનો ધ્યાન ખેંચે તેવાં છે. એ જમાનામાં આ નવલકથા સારી એવી લોકપ્રિય થઈ હશે તેમ લાગે છે. કારણ, ૧૯૦૮ સુધીમાં તેની ચાર આવૃત્તિ પ્રગટ થઈ હતી. સરસ્વતીચંદ્રની જેમ આ કથાનો યુવાન નાયક પણ વાલ્કેશ્વરના એક બંગલામાં રહે છે. ૧૯મી સદીના અંત સુધીમાં તવંગર ગુજરાતીઓ માટે વાલકેશ્વર એ રહેવા માટેનું મનપસંદ સ્થળ બની ગયું હતું. લેખક વાલ્કેશ્વરનું વર્ણન કરતાં કહે છે : ‘વાલકેશ્વરની રમણીય ટેકરીનો દેખાવ આજે દર્શનીય થઈ પડ્યો છે. જ્યાં ત્યાં સુંદર અને ભવ્ય મહેલો, અને પાન ફળ ફૂલથી ફાલી તથા ફૂલી રહેલા મોટા બાગ બગીચાઓ અને વાડીઓ, વિશાળ રસ્તાઓ, રત્નાગર સાગરને તટે ફરવા હરવા કે હવા ખાવાને સ્થાપિત કરેલી રળીયામણી જગ્યાઓ વગેરે નજરે જોતાં આજે ત્યાં બિરાજતા ભક્તકલ્યાણકારી મહાદેવની કૈલાસ પુરી હોય નહિ, એવો ભાસ થાય છે.’ મુંબઈનાં વિગતવાર વર્ણનો એ આ નવલકથાની પણ વિશેષતા છે.

જ્ઞાનસુધા નામના માસિકના માર્ચ ૧૮૯૨ના અંકમાં લેખકના નામ વગર એક નવલકથાનું પહેલું પ્રકરણ છપાયું. અને તરત લોકો પૂછવા લાગ્યા : ‘આ નવલકથાનો લેખક છે કોણ?’ અલબત્ત, ચકોર નજરવાળા વિવેચકો સમજી ગયા હતા કે આવી નવલકથા લખવાનું સાહસ ‘જ્ઞાનસુધા’ના તંત્રી રમણભાઈ નીલકંઠ સિવાય બીજું કોઈ કરે નહિ. નવલકથાનું છેલ્લું પ્રકરણ છેક ઈ.સ. ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં છપાયું હતું. કેમ? નવલકથા એટલી લાંબી છે? ના. છે તો માત્ર ૩૨૭ પાનાંની. એનું એક કારણ એ કે ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન સારું એવું અનિયમિત હતું. ઘણી વાર ત્રણ કે છ મહિનાનો એક સંયુક્ત અંક બહાર પડતો. તો કેટલાક અંકોમાં નવલકથાનો હપ્તો છાપી ન શકાયો હોય એવું પણ બનતું. પોતાના મૂળ નામ ‘દોલતશંકર’માં આવતા દોલત જેવા યાવની શબ્દને કારણે એ નામ ત્યજીને ભદ્રંભદ્ર એવું નામ ધારણ કરનાર તેનો કથાનાયક છે. એ નવલકથા પુસ્તકાકારે છાપી હતી દોલતરામ મગનલાલ શાહે પોતાના ‘દેશભક્ત’ નામના છાપખાનામાં. અને આ ‘દેશભક્ત’ના બીજા ભાગીદાર હતા યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈના પિતા વસંતલાલ દેસાઈ!

આ નવલકથા લખાઈ ત્યારે આપણે ત્યાં સુધારાવાદીઓ અને સનાતનીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. મુંબઈમાં સુધારાવિરોધીઓની મોટી સભા માધવ બાગમાં મળવાની છે એવા ખબર મળતાં ભદ્રંભદ્ર તેમના ચેલા-સાથી અંબાશંકર સાથે મુંબઈ જવા પ્રસ્થાન કરે છે. સુધારાની ચળવળના કેન્દ્ર જેવા મુંબઈ સાથેનો સંઘર્ષ અમદાવાદ રેલવે સ્ટેશનેથી જ શરૂ થાય છે. ટિકિટ બારીએ જઈને ભદ્રંભદ્ર ઉવાચ : ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ પારસી ટિકિટ ક્લાર્ક : ‘સું બકેચ? આય તો ટિકિટ ઓફીસ છે.’ ‘યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’ બીજો એક હિંદુ ક્લાર્ક વચમાં પડે છે એટલે ટિકિટ તો મળે છે. પણ આપતાં આપતાં સોરાબજી ક્લાર્ક કહે છે : ‘સાલો કંઈ મેદ થયેલો ચ. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’ ક્રોધાયમાન થયેલા ભદ્રંભદ્ર: ‘દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ …’ અને છંછેડાયેલો સોરાબજી ભદ્રંભદ્રના નાક પર જોરથી મુક્કો મારે છે. રમણભાઈએ આ નવલકથા લખીને સનાતનીઓનાં નાક પર જોરથી મુક્કો મારેલો, જેની કળ એમને લાંબા વખત સુધી વળી નહોતી.

મુંબઈ પહોંચીને જેમ તેમ એક રેંકડો ભાડે કરીને ભદ્રંભદ્ર અને સાથી માધવ બાગ જવા નીકળે છે. ત્યારે મુંબઈના રસ્તા પર શું જુએ છે? ‘રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હતી. પગે જનારા લોકો ધસમસ્યા ચાલ્યા જતા હતા. કોઈ કોઈ માટે વાટ જોતું જણાતું નહોતું.’ તે જોઈ ભદ્રંભદ્ર કહે છે : ‘આ સર્વ માધવ બાગમાં જતા હશે.’ ભદ્રંભદ્ર’ પુસ્તક રૂપે પહેલી વાર પ્રગટ થઈ આજથી ૧૨૧ વરસ પહેલાં. છતાં મુંબઈ ક્યાં બદલાયું છે? આજે પણ રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હોય છે. હા, ઘોડા ગાડીને બદલે મોટર ગાડી. આજે પણ પગે જનારા લોકો ધસમસતા ચાલ્યા જતા હોય છે. આજે પણ કોઈને માટે કોઈ વાટ જોતું નથી. અને દરેક જણ જતો હોય છે પોતપોતાના મનના માધવ બાગ તરફ. પહોંચે છે કેટલા એ જૂદી વાત છે. તો ચાલો, આપણે પણ હવે જઈએ મનના માધવ બાગ તરફ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 21 ઑગસ્ટ 2021

Loading

...102030...1,9531,9541,9551,956...1,9601,9701,980...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved