Opinion Magazine
Number of visits: 10,226,039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીના આશ્રમ અને ઇતિહાસ સાથે ચેડાંની પૂંઠે મંશા શું છે

રાજમોહન ગાંધી|Opinion - Opinion|28 August 2021

અમદાવાદના સાબરમતી આશ્રમને ‘વિશ્વકક્ષાના સ્મારક”(વર્લ્ડ ક્લાસ મેમોરિયલ)માં તબદીલ કરવાની સરકારી પરિયોજનાના રાષ્ટ્રવ્યાપી વિરોધનો આરંભ કરનારા પ્રકાશ ન.શાહ, ગણેશ દેવી અને આનંદ પટવર્ધનના જાહેર નિવેદન પર મેં પણ સહર્ષ હસ્તાક્ષર કર્યા છે. હું ગાંધીનો વંશજ છું કે ગાંધીનું મેં વિશદ અધ્યયન કર્યું છે એટલા માટે મેં તેના પર હસ્તાક્ષર કર્યા નથી, પરંતુ સાબરમતીના તટે સહેલાણીઓને આકર્ષવા સતત ઊભાં કરાતાં માળખાં ગાંધીના આશ્રમને ગળી તો નથી જતાં, પણ તેને નગણ્ય બનાવી દે છે તે વિચાર મારા વિરોધપત્ર પર હસ્તાક્ષરનું મુખ્ય કારણ છે.

બીજા લાખો લોકોની જેમ મને પણ આશ્રમની આશ્ચર્યજનક સાદગી ખૂબ ગમે છે. નદી, વૃક્ષો અને એક સદી જૂના નાની કુટિરો જેવા આવાસોની નળિયાંવાળી છતો, જ્યાં ગાંધીજી અને કસ્તૂરબા રહેતાં હતાં તે હૃદયકુંજ – અમદાવાદ આવનારાઓ માટે જોવાલાયક છે. ૧૯૬૦ના દાયકામાં ચાર્લ્સ કોરિયાએ જેની પરિકલ્પના કરી હતી, તે આશ્રમ સાથેની ઇમારતો પણ એટલી જ ગરિમાપૂર્ણ છે, જેમાં મુલાકાતીઓ આશ્રમ અને તેની સાથે જોડાયેલાં આંદોલનોનાં ઇતિહાસના ચિત્રો જોઈ શકે છે.

આ એ જ સાબરમતી આશ્રમ છે જ્યાં નિર્ભીકતા, અસ્પૃશ્યતાનાબૂદી, સર્વધર્મ સદ્‌ભાવ અને શ્રમ કરીને આજીવિકા રળવાની સુંદરતા જેવી નવી મુખ્ય પ્રતિજ્ઞાઓ જોડીને – પ્રાચીન, નૈતિક, આધ્યાત્મિક સંકલ્પોને નવા અર્થ આપવામાં આવ્યા. ફલતઃ આ સીધો-સાદો, સાફ-સ્વચ્છ આશ્રમ સામાજિક ક્રાંતિની ક્યારી બની ગયો. ઇતિહાસને બદલી નાંખનારાં ત્રણ આંદોલનોને જન્મ આપનારા આ જ આશ્રમમાં એક રાજકીય ક્રાંતિ પણ થઈ હતી. આ દરેક આંદોલન આઝાદી માટે મહત્ત્વનાં હતા. ૧૯૧૯માં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પર લગામ મૂકનારા રૉલેટ ઍક્ટ વિરુદ્ધનો રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ, એવો વિદ્રોહ હતો જેનો જવાબ બ્રિટિશ રાજે જલિયાંવાલા કાંડ રૂપે આપ્યો. ૧૯૨૦થી ૧૯૨૨ સુધીનું બ્રિટિશ સામ્રાજ્ય સામેનું અસહકાર આંદોલન અને ૧૯૩૦થી ૩૩ની દાંડીયાત્રા અને સવિનય કાનૂનભંગ.

શું આપણે આ પવિત્ર ઇતિહાસ સાથે વગર વિચાર્યે ચેડાં થાય તેમ ઈચ્છીએ છીએ?

મારો સૌથી મોટો વાંધો કે નારાજગી આ જ વાતે છે.

હું એ માની નથી શકતો કે નરેન્દ્ર મોદીની સરકાર ગાંધીના વિચારોને અમલી બનાવવા ઇચ્છે છે. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના સર્વોચ્ચ નેતા શી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ જવા અને તેમની સાથે હૃદયકુંજમાં તસવીરો પડાવવી તે મહાત્માની નહીં, મોદીની વાહવાહી માટેની કવાયત હતી.

ગાંધીનાં કોઈ ધ્યેય છદ્મ કે ગુપ્ત નહોતાંઃ ન તો સાબરમતીમાં, ન તો દાંડીકૂચ દરમિયાન, ન તો અંગ્રેજોએ તેમને કેદ કરીને રાખ્યા હતા એ જેલોમાં, ન તો ૧૯૪૨ના ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન. ન નોઆખલી અને બિહારમાં. હિંદુ નોઆખલી રહેતા હતા અને મુસલમાન બિહારમાં- સંકટગ્રસ્ત જિંદગીઓને બચાવવા માટે ૧૯૪૬-૪૭ની તેમની તીર્થયાત્રાઓમાં – ન તો એમના જીવનના અંતિમ નિર્ણાયક વર્ષ ૧૯૪૭-૪૮માં, જ્યાં જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના સમર્થનથી ગાંધીએ નિશ્ચિત કરી દીધું હતું કે સ્વતંત્ર ભારત બધા ધર્મોનું રાષ્ટ્ર હશે, માત્ર હિંદુ બહુમતીનું નહીં. સમાનતા અને વિવિધતાની આ વચનબદ્ધતા ડૉ. આંબેડકર રચિત બંધારણમાં પ્રતિષ્ઠા પામી છે.

આ વચન (સમાનતા અને વિવિધતા) પ્રત્યેની નરેન્દ્ર મોદી સરકારની નિષ્ઠા પર મને સંદેહ છે. વડા પ્રધાન તરીકેનાં સાત કરતાં વધુ વરસો અને તે પૂર્વેના ગુજરાતના મુખ્ય મંત્રી તરીકેના દીર્ઘ કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદી સમક્ષ અસંખ્ય વાર આ વચન દોહરાવવાનું આવ્યું હતું. ભીડ દ્વારા હુમલા અને હત્યાના અવસરે, પોલીસે ધર્મના કોઈ ભેદ વિના તમામના જીવનની રક્ષા કરવી, તમામ અપરાધીઓ પર પોલીસ અને અદાલતી કાર્યવાહીના હુકમ કરવા, લોકોને ભરોસો અપાવવાની અને અપરાધીઓની નિંદા કરવાની જરૂર હતી ત્યારે મોદીનું વર્તન તેથી વિરુદ્ધનું હતું.

શું આવો કોઈ હુકમ, દિલાસો કે ટીકા (મોદીના મોંએ) એક પણ વાર આપણે સાંભળી છે કદી ?તમે એક બાજુ બહુમતીને પાંખમાં લો અને બીજી બાજુ ગાંધીની પ્રતિમાએ માથું ટેકવો શું એ શક્ય છે ? તમે લોકોને (સી.એ.એ. એન.આર.સી. વિરોધી આંદોલનકારો કોણ છે તે) “તેમના પહેરવેશ પરથી ઓળખો” એમ કહીને ‘ઈશ્વર અલ્લા તેરો નામ’ ગાતા ગાંધીનાં ગુણગાન ગાઈ શકો ખરા ? આ પાખંડ ઘૃણાસ્પદ છે.

ગાંધી માટે વાણીની સ્વતંત્રતા જેટલી જ પાયાની બાબત બધા ભારતીયોની સમાન સુરક્ષા હતી. અસંખ્ય નિઃસ્વાર્થ કાર્યકરોને જેલમાં ગોંધી રખાયા હોય અને હત્યા તથા બળાત્કારના સમાચારો મેળવવા જતા પત્રકારની ધરપકડ થાય. ત્યારે તમે શું ચૂપ રહી શકો ? તો પણ તમે દાવો કરો છો કે તમે ગાંધીને દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છો ? એ ગાંધીને જે જિંદગીનો મોટો ભાગ એક પત્રકાર હતા ?

સાબરમતી આશ્રમને જાહેર સરકારી નાણાંની જરૂર છે અને રહેશે. આશ્રમમાં કોઈ સુધારા કરવાની જરૂર હોય, તો આશ્રમના ટ્રસ્ટીઓ, ગાંધીવિચારકો, તમામ સ્થાપત્યવિદો અને પર્યાવરણવિદોને સાથે લો. કોઈ સરકાર કે કોઈ (રાજકીય) પક્ષ (સાબરમતી) આશ્રમનું ‘નિર્માણ’ (કે કાયાપલટ) કરી શકે નહીં. ગાંધીનાં મૂળ ધ્યેયોના વિરોધીઓ તો તેનું નિર્માણ કે કાયાપલટ ન જ કરે.

અનુવાદ : ચંદુ મહેરિયા

કાર્ટૂન અને લેખ સૌજન્ય : ‘ઇન્ડિયા ટુ ડે' – હિંદી

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2021; પૃ. 01-02

Loading

ગેલ ઓમવેટ : ભારતીય જાતિવ્યવસ્થાની વાસ્તવિકતા દાખવનારાં મૂળ અમેરિકન!

કિરણ કાપુરે|Opinion - Opinion|28 August 2021

હાલમાં ગેલ ઓમવેટ[Gail Omvedt]નું નિધન થયું. ગુજરાતમાં અજાણ્યું લાગતું આ નામ દેશભરના અભ્યાસી લોકો – સ્કોલર્સ વચ્ચે જાણીતું છે. તેમનાં નિધનની નોંધ રાજ્યસભા વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, ડાબેરી નેતા સીતારામ યેચુરી, શરદ પવાર અને મહારાષ્ટ્ર મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધી. રામચંદ્ર ગુહાએ પણ ગેલ ઓમવેટના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમના કાર્યને બિરદાવ્યું. ગેલ ઓમવેટ 80 વર્ષના હતાં અને હાલ તેઓ મહારાષ્ટ્રના સાંગલીમાં આવેલા કાંસેગાવમાં રહેતાં હતાં. મૂળ અમેરિકાનાં ગેલનું યુવાની પછીનું જીવન ભારતમાં જ પસાર થયું. તેમણે પચ્ચીસથી વધુ સંશોધિત પુસ્તક આપ્યાં છે. તેમનાં સંશોધનનો કેન્દ્રિય વિષય દેશની જાતિવ્યવસ્થા, પર્યાવરણ અને મહિલા આંદોલન રહ્યાં છે. આ તો તેમની એકેડેમિક ઓળખ થઈ, પરંતુ આજીવન તેઓ એક્ટિવિસ્ટ તરીકેની ભૂમિકામાં રહ્યાં હતાં. મહિલાઓના અધિકાર, જાતિ-આધારિત અન્યાય અને પર્યાવરણનું નિકંદન નીકળતું હોય ત્યાં તેમણે વિરોધ દર્શાવ્યો.

અમેરિકન હોવું અને ભારતમાં આવીને ગ્રામિણ ક્ષેત્રોમાં વસવું તે પડકારભર્યું છે. મૂળ ભારતીયો અહીંના ગ્રામિણ ક્ષેત્રોમાં વસવાટ અર્થે હજુ હિંમત નથી દાખવી શકતા ત્યાં ગેલ ઓમવેટ 1970માં ભારત આવ્યાં અને ગામડાંઓમાં રહ્યાં. તેઓનાં ઉદ્દેશે તેમને ગ્રામિણ વિસ્તારમાં રહેવાં પ્રેર્યા. જો કે આ પ્રેરણા ઘણી વાર લાંબા સમય સુધી ટકાવી શકતી નથી. ઓમવેટ અહીં રહ્યાં, ઉમદા કાર્ય કર્યું, વિશ્વને ભારતનું વાસ્તવિક ચિત્ર દાખવ્યું, હજારો વિદ્યાર્થીઓને સાચી સમજ આપી અને સ્થાનિક લોકો માટે લડ્યા પણ ખરાં.

1941માં મિનિપોલિસમાં તેમનો જન્મ થયો. 1960માં ઉચ્ચ અભ્યાસ પછી લાંબા રોકાણ માટે ભારત આવ્યાં. પોતાના રોકાણ દરમિયાન તેમણે જોયું કે ભારતમાં જાતિવ્યવસ્થા કેવાં પ્રકારની છે. ઉપરાંત, જાતિવ્યવસ્થાનાં અન્યાયને પણ નિહાળ્યો, વિશેષ કરીને દલિત વર્ગનો. આની અસર તેમનાં પર ઊંડી થઈ. ફરી તેઓ ભારતમાં વધુ અભ્યાસ અર્થે આવ્યાં. જે વિષય પર કાર્ય કર્યું તેનો મુદ્દો હતો : ‘કલ્ચરલ રિવોલ્ટ ઇન અ કોલોનિયલ સોસાયટી : ધ નોન-બ્રાહ્મણ મૂવમેન્ટ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા- 1837-1930’. આ વિષયનો અભ્યાસ કરતાં જાણે તેઓ ભારતને સમજવામાં ઓતપ્રોત થઈ ગયાં. અહીં નિવાસ કરવાનું ઠરાવ્યું. ફુલે-આંબેડકરનાં સાહિત્યના પ્રશંસક થયા અને માર્ક્સસીસ્ટ પૂર્વભૂમિકાથી તેઓનાં વિચારો વધુ ઘડાયાં. આ દરમિયાન તેઓ માર્ક્સીસ્ટ, બુદ્ધિસ્ટ અને ફુલેના ચાહક ભારત પાટણકરને મળ્યાં. તેમની સાથે મિત્રતા કેળવાઈ અને તે પછીથી લગ્નમાં પરિણમી. એક દાયકા પછી તો તેમણે જાતે અમેરિકાનું નાગરિકત્વ પણ છોડી દીધું!

ગેલ ઓલવેટની સફરની શરૂઆત આ રીતે થઈ. સામાન્ય રીતે એકેડેમિક રિસર્ચ વ્યક્તિ જે લોકોનો અભ્યાસ કરે છે તેમનાથી જ અંતર રાખે છે. પણ ગેલ ઓમવેટે લોકોના જ બની રહ્યાં. આ યુતિ એટલી મજબૂત થઈ કે છેલ્લા પાંચ દાયકામાં જાતિવિરોધી કે મજૂરોના આંદોલનમાં તેઓ અગ્રગણ્ય રહ્યાં. તેમણે ભરત પાટણકર સાથે રાજકીય-સામાજિક એક પ્લેટફોર્મ નિર્માણ કર્યું, જેનું નામ ‘શ્રમિક મુક્તિ દલ’ છે. આ દલ ખેડૂતોની એકતા, દુષ્કાળ, બંધ-નિર્માણ વેળાએ થતાં સ્થળાંતર અને જાતિ આધારિત અન્યાય સંબંધિત મહારાષ્ટ્રના દસ જિલ્લામાં કાર્યરત છે. આ દલનું ઓર્ગેનાઇઝેશન અને વિચારસેતુ ફુલે-માર્ક્સ-આંબેડકરના વિચારો પર ઘડાયેલાં છે.

મૂવમેન્ટની સાથે સાથે તેમનું સંશોધનનું કાર્ય પણ અવિરત ચાલતું રહ્યું અને તેના પરિણામે તેમનાં પચ્ચીસ જેટલાં સંશોધિત પુસ્તકો આજે ઉપલબ્ધ છે. તે સંશોધનનાં કેટલાંક અતિ ઉપયોગી પુસ્તકોમાં ‘દલિત વિઝન’, ‘વિ શેલ સ્મેશ ધિસ પ્રિઝન – ઇન્ડિયન વુમન ઇન સ્ટ્રગલ’, ‘લેન્ડ, કાસ્ટ એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયન સ્ટેટ્સ’, ‘રિઇન્વેન્ટિગ રિવોલ્યુશન – ધ સોશિયલ મૂવમેન્ટ એન્ડ ધ સોશિયાલિસ્ટ ટ્રેડિશન ઇન ઇન્ડિયા’, ‘અ દલિત ઓટોબાયોગ્રાફી’ (વસંત મૂન્સ પુસ્તકનો અનુવાદ), ‘બુદ્ધિઝમ ઇન ઇન્ડિયા – ચેલેન્જિંગ બ્રામ્હણીઝમ એન્ડ કાસ્ટ’, ‘સિકીંગ બેગમપુરા – ધ સોશિયલ વિઝન એન્ટીકાસ્ટ ઇન્ટેલેક્ચુઅલ’ અને ‘દલિત્સ એન્ડ ધ ડેમોક્રેટીક રિવોલ્યૂશન’ છે.

ગેલ ઓમવેટનું નામ લેવાય ત્યારે અમેરિકાથી આવીને જાતિવ્યવસ્થા પર કાર્ય કરનારાં એલિનોર ઝેલિઓટનું નામ પણ લેવું અનિવાર્ય છે. એલિનોર પ્રથમ અમેરિકન મહિલા હતાં, જેમણે ભારતમાં આવીને જાતિવ્યવસ્થા પર ઊંડું સંશોધન કર્યું હતું. તેમનાં પછી ગેલ ઓમવેટ બીજાં એવાં સ્કોલર છે. ઓમવેટનું આ કાર્ય ભારતની અનેક યુનિવર્સિટીઝ ભણાવામાં આવી રહ્યું છે. પુણેની ‘યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી’માં ફુલે-આમ્બેડકર ચેઇરના તેઓ વડાં હતાં. કોપનહેગનમાં એશિયન સ્ટડીઝમાં પણ તેઓ વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવતાં હતાં.

મહિલા આંદોલનનો પણ તેમનો અભ્યાસ જગવિખ્યાત છે. તેઓ આંબેડકરની જાતિવિરોધી ચળવળને સ્વીકારતાં હતાં; અને તેનો હવાલો આપીને મનુસ્મૃતિને પણ નકારતાં. 2008માં કવયિત્રી-લેખિકા મીના કન્ડાસ્વામીએ તેમની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે આપણા ત્યાં જાતિવ્યવસ્થા શા માટે મજબૂતાઈથી ટકી રહી છે તેના આંબેડકરે આપેલા કારણો ટાંકતા કહ્યું હતું : મહિલાઓની સેક્સુઆલિટી કન્ટ્રોલ કરવાથી જ જાતિ ટકી શકે છે. જાતિની ઓળખ ટકાવી રાખવા જાતિમાં જ લગ્ન કરવાની પ્રથા જન્મી. જેને રોટી-બેટી વ્યવહાર કહેવાય છે. આ રીતે બાળકીઓને ‘સુરક્ષિત’ રાખવાનું અને તે યુવાન થાય તે પહેલાં લગ્નની પ્રથા આવી, જેથી જાતિ સામે કોઈ ખતરો ઊભો ન થાય. આ પૂરી વ્યવસ્થામાં એક માન્યતા એવી પણ છે કે પુરુષ કોઈની પણ સાથે સેક્સ સંબંધ બાંધે તો તે અપવિત્ર નથી થતો જ્યારે સ્ત્રી થાય છે. અને એ જ રીતે મનુ પણ કહે છે કે, મહિલા કુમારીકા હોય ત્યાં સુધી તેના પર પિતાનું નિયંત્રણ હોય, યુવાન થાય તો પતિનું નિયંત્રણ હોય, જ્યારે તેની ઉંમર થાય ત્યારે બાળકોનું નિયંત્રણ હોય, આમ સ્ત્રી ક્યારે ય સ્વતંત્ર ન હોઈ શકે. આ રીતે સ્ત્રી પર નિયંત્રણ રાખવાની અને તેના આધારે જાતિવ્યવસ્થા ટકાવવાની જે વાત મનુસ્મૃતિ કરે છે, તેની સામે સુધારાવાદી ચળવળ ચલાવનારા આંબેડકરના વિચાર ગેલ અનેકવાર પોતાના વક્તવ્યમાં કહેતાં રહ્યાં હતાં.

સિત્તેરના દાયકામાં જ્યારે નર્મદા ડેમ વિરોધી આંદોલન આરંભાયું ત્યારે તેના વિરોધમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના સ્થાનિક ગ્રામવાસીઓ જ એકત્રિત થયા હતા. પછીથી તે આંદોલનની ધુરા મેઘા પાટકરે સંભાળી હતી. આંદોલનની આગેવાની જે લોકો લઈ રહ્યા હતા તે અંગે ગેલ ઓમવેટે નારાજગી વ્યક્ત કરતો પત્ર લેખિકા અરૂંધતી રૉયને લખ્યો હતો. અરૂંધતી મેઘા પાટેકરની આગેવાની હેઠળ ચાલી રહેલાં નર્મદા ડેમ વિરોધી આંદોલનનાં સમર્થક હતાં. આ પત્રમાં તેઓ અરૂંધતીને લખે છે : “મને માફ કરશો આ ટીકાત્મક પત્ર બદલ. મને તમારું પુસ્તક ‘ધ ગૉડ ઑફ સ્મૉલ થિંગ્ઝ’ ખૂબ પસંદ છે. પરમાણુ સંબંધિત મુદ્દામાં તમારી દખલની હું પ્રશંસક છું. તમારાં પુસ્તક રૉયલ્ટીઝનો થોડોક હિસ્સો તમે દલિત સાહિત્ય અકાદમીને આપવાના છો તેને હું બિરદાવું છું.” આ મુદ્દા પછી તેઓ તરત નર્મદા બાંધની વાત પર આવે છે ને તેમાં મહારાષ્ટ્રના સ્થાનિકો તરફથી થઈ રહેલાં વિરોધ કાર્યક્રમોની વિગત આપે છે. આ પત્ર ખૂબ લાંબો છે, પણ તેમાં સૌથી અગત્યની બાબત એ છે કે ગેલ અરૂંધતીને લખે છે કે, “તમે સમજી શકશો કે જ્યારે તમને સો ટકા ગ્રામિણ આદિવાસી સાથે કામ કરતાં હોવ ત્યારે તમામ આગેવાન શહેરી ભદ્ર કેવી રીતે હોઈ શકે. અને ગ્રામિણ ગરીબ લોકોને એકજૂથ કરવા માટે તેઓ કંઈ લોકશાહી રીત અપનાવી રહ્યા છે.”

તેમણે પત્રમાં જે રીતે નર્મદા બચાવ આંદોલનના આગેવાનો ‘ટ્રાઇબલ’ શબ્દનો ઉપયોગ કરે છે તેને લઈને સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમના મુજબ ‘ટ્રાઇબલ’ શબ્દ અપમાનજનક છે. અને તેમણે આ શબ્દને સામાજિક-વિજ્ઞાનના દૃષ્ટિકોણથી પણ ગેરલાયક ઠેરવ્યો હતો. આ પત્રમાં અરૂંધતી સામે તેમણે નર્મદા વિરોધી આંદોલનમાં ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’નો ઉકેલ મૂક્યો છે. આ ઉકેલ પર તે વખતે મહારાષ્ટ્રમાં ઘણું કામ થયું હતું. ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’માં ડેમની ઊંચાઇ ઘટાડવી, જેઓની જમીન જઈ રહી છે તેમને પૂરતું વળતર અપાવવું અને સાથે સાથે જ્યાં પાણીની અછત છે ત્યાં બંધનું પાણી પહોંચાડવું. તેમણે એમ પણ લખ્યું છે કે ‘અલ્ટરનેટિવ ડેવલપમેન્ટ’ લડત આપનારાઓએ ક્યારે ય ગંભીરતાથી વિચારણા હેઠળ લીધું નહીં. તેના પરિણામ ગુજરાતમાં નર્મદા બંધ નિર્માણ પ્રત્યે લોકોની લાગણી વધુને વધુ દૃઢ બની. બંધની ઊંચાઈ સાથે પણ સમાધાન ન થઈ શક્યું. દમનકારી રાજ્ય તરફથી આ જ અપેક્ષા હોય, પણ જે વિકલ્પ આપવામાં આવ્યા હતા તે નર્મદા બચાવ આંદોલન દ્વારા ક્યારે વિચારણા હેઠળ લેવામાં આવ્યા નહીં.

ગેલ ઓમવેટનું આ પાસું ગુજરાત સાથે સંબંધિત હોવાથી, તે વિસ્તૃત રીતે રજૂ કર્યું છે. આ સિવાય પણ ગેલ ઓમવેટ દ્વારા થયેલાં સંશોધનનો ભારતનું સાચું ચિત્ર જાણવા માટે અભ્યાસ કરવો જોઈએ. તેઓ અમેરિકન હતાં, પણ તેઓ કર્મે તો તેઓ ભારતીય બન્યાં અને રહ્યાં.

e.mail : kirankapure@gmail.com

Loading

ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાય તો સારું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 August 2021

ગઈ કાલે એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા કે હવે નહીં થાય ગ્રાન્ટેડ કોલેજોનો ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ. એક ચેનલે તો એમ પણ કહી દીધું કે ખાનગી યુનિવર્સિટીમાં હવે પછી કોઈ પણ ગ્રાન્ટેડ કોલેજોનાં જોડાણ થશે નહીં. ચેનલોની વાત સાચી જ હશે, પણ એ જાહેરાત સરકારની નથી તે સમજી લેવાનું રહે. થોડી આડ વાત લાગે તો પણ એ કહેવું છે કે ગુજરાતી ચેનલો સાચું, ખોટું કરીને કહેતી હોય છે ને ખોટું, સાચું હોય તેમ બોલતી રહે છે. કોઇની પણ સામે માઇક ધરીને થતા ઈન્ટરવ્યૂ એટલા અણઘડ હોય છે કે વર્ષો પછી પણ એમાં પરિપક્વતા જણાતી નથી. ઘણી વાર તો સત્ય જાણવું હોય તો કોઈ પણ ગુજરાતી ચેનલ જોવી ને એનાથી ઊલટું શું હોય તે વિચારીએ તો સત્ય લાધે એમ બને. પરીક્ષા બંધ રહેવાની હોય ને જૂનાં  ક્લિપિંગ્સ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય તેનાં બતાવાય. એવું કેટલી ય વાર બન્યું છે કે રેલનાં દૃશ્યો જૂનાં ઠઠાડી દેવાતાં હોય. એક તાજો દાખલો જોઈએ. અફઘાનિસ્તાનમાં તાલિબાનોના હાથમાં અણુશસ્ત્રો આવ્યાની વિગતો એક ચેનલે આપી. તાલિબાનોના હાથમાં શસ્ત્રો આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી. ચેનલો બહુ થાય તો એ શસ્ત્રોનો જથ્થો બતાવી શકે, પણ એ ચેનલે તો એટલા વિસ્ફોટો બતાવ્યા કે વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હોય એવું લાગે. ચેનલોનું ચાલે તો તે આખી દુનિયામાં ભડકા કરી દે. અફઘાનિસ્તાન સાથે હજી તો વેપાર બંધ થયાની વાત જ આવે છે એટલામાં તો ભારતમાં ડ્રાયફ્રૂટ મોંઘાં થવાં લાગે છે. આમ પ્રજાને ભયભીત કરવાનો ગુનો નોંધાતો નથી, બાકી, કાનૂની રાહે જે તે ચેનલ પર કાર્યવાહી થઈ શકે.

ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ ખાનગી યુનિવર્સિટી સાથે નહીં થાય એ ન્યૂઝ, ચેનલોમાં ફ્લેશ જરૂર થયા છે, પણ એ સંપૂર્ણ સત્ય નથી. તે એટલા માટે કે આ લખાય છે ત્યાં સુધીમાં સરકારે એવી જાહેરાત કરી નથી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે નહીં જ જોડાય. એ જે જાહેરાત થઈ છે તે ગુજરાત અધ્યાપક મંડળ દ્વારા થઈ છે. મંડળની જાહેરાતને શંકાથી જોવાનું કોઈ કારણ નથી, પણ આ જાહેરાત સરકાર દ્વારા થઈ નથી તે નોંધવું ઘટે. જે થયું છે તેનો આનંદ જ છે, પણ હજી રાહ જોવાની રહે જ છે.

2009માં પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યો તેમાં 2011 અને 2021માં સુધારાઓ થયા ને ગ્રાન્ટેડને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાની વાત આવી. એ રીતે ગ્રાન્ટેડ કોલેજો જોડાય તો તેનું ફીનું ને પગારનું ધોરણ શું હશે તેની કોઈ સ્પષ્ટતાઓ સરકાર દ્વારા કરવામાં ન આવી ને એવી મૌખિક વાતો આવતી રહી કે ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાય તો વિદ્યાર્થીઓની ફીનું ધોરણ ને અધ્યાપકોનું પગારનું ધોરણ સરકારી જ રહેશે, પણ આજ સુધી સરકારે કાનૂની સુધારો એ બાબતે કર્યો નથી. જે ખાતરી  અપાઈ તે મૌખિક હતી ને મૌખિક પર ભરોસો એટલે થાય એમ નથી કે કશું પુરાવા રૂપે હાથમાં આવ્યું નથી. ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડનું ભારણ ન ઉઠાવવા બાબતે સ્પષ્ટ હતી જ, બીજી તરફ ખાનગી યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ કરવાને મામલે સરકાર પણ મક્કમ હતી. એટલે જ તો સરકારી યુનિવર્સિટી એ ગ્રાન્ટેડ કોલેજોને ખંખેરી મૂકી. એમાં થયું એવું કે ગ્રાન્ટેડ કોલેજો ન ઘરની રહી, ન ઘાટની ને એનો અધ્યાપકોએ, વિદ્યાર્થીઓએ, ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળોએ વિરોધ કર્યો ને હવે અધ્યાપક મંડળોએ એવી જાહેરાત કરી છે કે ગ્રાન્ટેડનું જોડાણ જે તે યુનિવર્સિટી સાથે પૂર્વવત રહેશે. એ જાહેરાત થઈ ન થઈ ત્યાં તો વીર નર્મદ યુનિવર્સિટીની સિંડિકેટની બેઠક પણ મળી ગઈ ને એમાં એવું પણ ઠરાવી દેવાયું કે ગ્રાન્ટેડ કોલેજોને મામલે સરકાર જે નિર્ણય કરે તેનો અમલ કરાવવાની બધી સત્તા કુલપતિની રહેશે. જો સરકાર ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ વીર નર્મદ સાથે રાખે છે તો સુરત, બારડોલીની ગ્રાન્ટેડ કોલેજોનું કોકડું ઉકેલાઈ જશે, પણ તે પહેલાં અધ્યાપકો ને વિદ્યાર્થીઓ પ્રશ્ન ઊકલી ગયો છે એમ માનીને ઉત્સાહ દાખવી રહ્યા છે એમાં ઉતાવળ થતી હોવાનું લાગે છે.

કુલપતિ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તો આ અંગેનો વટહુકમ બહાર પડશે અને કાયદામાં સુધારો થયા પછી અમલ થશે. એ વટહુકમ ક્યારે બહાર પડશે એ અંગે કોઈ વાત સરકાર તરફથી આવી નથી. એ આવતાં સમય લાગશે, ત્યાં સુધી યુનિવર્સિટી ઈચ્છે તો પણ કોઈ કાર્યવાહી કરી શકે એમ નથી. ધારો કે કોલેજોનું જોડાણ પૂર્વવત થયું છે એમ માનીએ તો પણ, વિદ્યાર્થીઓનો જે તે શાખામાં પ્રવેશ તો લંબાયો જ છે. એની ફી, એની ટર્મ, એની પરીક્ષાઓ વગેરે બાબતો તો ઘોંચમાં પડી જ છે. અધ્યાપકોનો પગાર તો મોડો વહેલોય થશે, પણ જે ટર્મ જૂનમાં ચાલુ થઈ જતી હતી તે સપ્ટેમ્બરમાં પણ શરૂ થશે કે કેમ તે પ્રશ્ન જ છે.

સરકારે ખાનગી યુનિવર્સિટીને લાગતો કાયદો 2009માં કર્યો. તેની કલમ 3 (1) (5)માં – એકસેપ્ટ ધ ગ્રાન્ટ ઇન એડ કોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યૂશન્સ – શબ્દો હતા તે 22/05/21 થી પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેઝેટથી દૂર કરવામાં આવ્યા. 21/05/2021 સુધી જે કોલેજો વીર નર્મદ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હતી તે ખાનગી યુનિવર્સિટી સાથે જોડી દેવાતાં 22/05/2021થી જોડાણ મુક્ત થઈ અને ખાનગી યુનિવર્સિટી તો ગ્રાન્ટેડને લેવા જ માંગતી ન હતી, કારણ સરકારે કોઈ ગ્રાન્ટ ન આપવાની શરતે જ ખાનગી યુનિવર્સિટીઓને અસ્તિત્વ બક્ષ્યું હતું, એટલે ગ્રાન્ટેડ કોલેજો નધણિયાતી થઈ ગઈ. પછી એવી વાત પણ આવી કે ખાનગી સાથે ગ્રાન્ટેડ કોલેજો જોડાશે તો વિદ્યાર્થીઓએ વધારે ફી નહીં ભરવાની આવે કે અધ્યાપકોનું હિત પણ નહીં જોખમાય, એનો ખર્ચ સરકાર ઉઠાવશે.

અહીં સવાલ એ થાય કે જો ગ્રાન્ટેડનો બધો જ બોજ સરકાર ઉઠાવવાની હતી તો તેને સરકારી યુનિવર્સિટીથી જુદી કરવાની જરૂર શી હતી? હતી ત્યાં શું ખોટી હતી? અધ્યાપક મંડળ કહે છે તે સ્વીકારીએ તો ગ્રાન્ટેડ કોલેજો જૈસે થે-ની સ્થિતિમાં આવશે. આ જૈસે થે – સુધી આવતાંમાં ઘણું બગડયું છે. સરકાર હજી પણ જૈસે થે-ની સ્થિતિમાં આવે તે અપેક્ષિત છે, ખબર નહીં, એને માટે એ કેટલો સમય લેશે, પણ તેણે જે સમય લીધો છે તે ગુનાહિત બગાડથી વિશેષ કૈં નથી. સરકારે હજી જેટલા ઠેકડા મારવા હોય એટલા મારી લે, પણ એક વાત સ્પષ્ટ છે કે જો ગ્રાન્ટેડને બંધ કરવાનો ઇરાદો ન હોય તો, તેનો બોજ સરકારે જ ઉપાડવાનો છે, ભલે પછી તે કોલેજોને સરકારી કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડે. 21/05/2021 સુધી ગ્રાન્ટેડ કોલેજોનો કોઈ પ્રશ્ન ન હતો. તે સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. એ જોડાણ ચાલુ રહ્યું હોત તો વિદ્યાર્થી-અધ્યાપકોનો વિરોધ ઊઠ્યો ન હોત. જૂન સુધીમાં કોલેજોમાં પ્રવેશ થઈ શક્યા હોત, નવી ટર્મનું શિક્ષણ કાર્ય શરૂ થઈ શક્યું હોત કે અત્યાર સુધીમાં સામયિક પરીક્ષાઓ શરૂ થઈ શકી હોત, પણ એવું ન થયું. હજારો વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અટવાતા રહ્યા. ન તો તેમને સરકારી યુનિવર્સિટી સંઘરતી હતી કે ન તો ખાનગી યુનિવર્સિટી. આ આખું શૂળ પેટ ચોળીને સરકારે ઊભું કર્યું છે.

આ આખા ય વેપલામાં શિક્ષણ વિભાગની એ વિશેષતા બહાર આવી છે કે તેને દૂરનું જોવા-સમજવાની ટેવ નથી. આખો ય કારભાર તુક્કાઓથી ચાલે છે ને એનો ભોગ યુનિવર્સિટીઓ, કોલેજો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ બને છે. શેખચલ્લીને પાછળ મૂકી દે એવી મેધાવી ક્ષમતા શિક્ષણ વિભાગ ધરાવે છે. ખાનગી યુનિવર્સિટી એક્ટ 2009માં આવ્યો પછી એમાં જ 2011માં અને 2021માં સુધારાઓ થયા ને હજી એ અખતરાની સ્થિતિમાં જ છે એના પરથી લાગે છે કે આ વિભાગમાં દૂરંદેશીપણાનો ને સ્વસ્થતાનો અભાવ છે. કોઈ અખતરાખોર પેધો પડી ગયો તો હજી ઘણું ધનોતપનોત નીકળી શકે એમ છે. થોડું પણ દૂરનું વિચારવાનું બને તો પ્રજા અટવાતી બચે. ખાનગી યુનિવર્સિટીનો કોઈને વાંધો નથી ને જે જરૂરતમંદો સ્થિતિ સંપન્ન છે તે પૈસા ખર્ચીને જોઈતું શિક્ષણ મેળવે તેનો ય વાંધો નથી, કારણ સરવાળે તો એનાથી દેશને જ લાભ છે. પણ, બધાં જ એટલું મોંઘું શિક્ષણ ન મેળવી શકે. એવાં મોંઘાં શિક્ષણ માટે લોન મળતી હોય છે. એ લોન લઈને પણ ભણી શકાય, પણ ઘણાં એટલાં સંવેદનશીલ હોય છે કે લોન ન ભરાઈ તો મુશ્કેલીમાં મુકાઇ જાય. એવાઓ સરકારની મદદથી જ ભણવાનું પસંદ કરતા હોય છે. સરકાર લોકોના પૈસામાંથી જ એ મદદ કરે છે ને એનો જરૂરતમંદ લાભ લઈને શિક્ષિત થાય છે. એનાથી પણ દેશને લાભ જ છે. એટલે બે માર્ગો છે. ધનિકો પોતાને ખર્ચે સંતાનો માટે શિક્ષણની સગવડ ઊભી કરે અને સાધારણ સ્થિતિના સરકારી મદદથી ભણે ને ઉત્તમ પરિણામો મેળવે. જો સરકાર ગરીબ કે મધ્યમ વર્ગના પણ શિક્ષણ લે એમ ઇચ્છતી હોય તો તેને ગ્રાન્ટેડથી હાથ ધોઈ નાખવાથી ચાલવાનું નથી.

એટલે બીજા કોઈ પણ ખેલ કરવા કરતાં સરકારે કાયમી ધોરણે ગ્રાન્ટેડને ખાનગી કે સરકારી રાહે મદદ કરવા સક્રિય રહેવાનું જ છે. જો આટલું ગળે ઊતરતું હોય તો સરકારે પૂરી પ્રમાણિક્તા ને નિષ્ઠાથી ગુણવત્તા સભર શિક્ષણની વ્યવસ્થા વિચારવાની રહે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ઑગસ્ટ 2021

Loading

...102030...1,9481,9491,9501,951...1,9601,9701,980...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved