Opinion Magazine
Number of visits: 10,226,094
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી અને પુરુષ એકબીજાને માટે છે કે માથે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 October 2021

એક સમય હતો જ્યારે સ્ત્રી ઘર, વર કે બાળકો ને ઘરડાંમાં ખર્ચાઈ જતી ને મોટે ભાગે ઘરનો ઉંબરો ઓળંગતી નહીં. અભણ અને અજાણ હોવાને કારણે ઘરની બહાર પણ દુનિયા છે એ તરફ બહુ નજર જ ન જતી. સમય તો એવો પણ હતો કે વિદુષી પણ આપણે ત્યાં જ હતી, પણ અનેક સંસ્કૃતિઓનાં આક્રમણે એ સ્થિતિ સર્જી કે પછી ચૂલો ફૂંકવામાં જ સ્ત્રી ફૂંકાતી રહી. ઘરમાં દરજ્જો તો પત્નીનો અપાયો, પણ કામવાળી ને ઘરવાળી વચ્ચે બહુ ફરક ન રહ્યો. નોકરાણી રાખવા કરતાં ઘરવાળી રાખવાનું સસ્તું પડ્યું, પણ, પછી એ સ્થિતિમાં ફરક પડ્યો.

સ્ત્રી ઘરની બહાર નીકળીને ભણતી, કામધંધો કરતી, કમાતી થઈ. રમત, ખેલકૂદ, કલા ને અન્ય તમામ ક્ષેત્રોમાં તે નોંધપાત્ર પ્રદાન કરતી થઈ. ઘણાં એવાં સ્થાનો પર પણ તે સાધિકાર બિરાજતી થઈ જેના પર પુરુષોનું આધિપત્ય હતું. એ સાથે જ તે શોષિત, પીડિત પણ થઈ. શોષણની સીમાઓ વિસ્તરી. એક તબક્કે તેનું ઘરમાં જ શોષણ થતું હતું, તે સ્થિતિ બદલાઈ ને બહાર પણ તેનું અનેક સ્તરે ને અનેક તબક્કે શોષણ થતું રહ્યું. બધે ને બધી સ્ત્રીઓની આ સ્થિતિ હતી એવું ન હતું, પણ જ્યાં પણ, પુરુષના હાથમાં સત્તા હતી ને સ્ત્રી આશ્રિત હતી ત્યાં કેટલીક સ્ત્રીઓ શોષણનો ભોગ બની ને અનેક કાયદાઓ સ્ત્રી સંદર્ભે થયા હોવા છતાં સૂક્ષ્મ અને સ્થૂળ રીતે તેનું શોષણ થતું જ રહે છે. એ પણ છે કે જ્યાં સ્ત્રી સત્તા ભોગવે છે ત્યાં પુરુષને પણ ઘણી રીતે વેઠવાનું આવે છે. સાદી વાત એટલી છે કે જેના હાથમાં સત્તા છે તે બે રીતે વર્તી શકે છે. તે સત્તાની મર્યાદામાં રહીને તેનો સદુપયોગ કરશે અથવા તો દુરુપયોગ કરી કોઈનું પણ શોષણ કરશે. આમ થવામાં બાળપણમાં થયેલો ઉછેર પણ ક્યારેક ભાગ ભજવે છે.

બાળપણ છોકરાનું કે છોકરીનું લગભગ સરખી રીતે વીતતું હતું. એમાં સમય જતાં પરિવર્તન આવ્યું. એક સમય હતો જ્યારે છોકરા, છોકરી એકબીજા સાથે વાત કરતાં પણ સંકોચ અનુભવતા, ત્યાં મૈત્રી હોવાની તો બહુ દૂરની વાત હતી, પણ હવે મૈત્રી થવી રમત વાત થઈ ગઈ છે. કોઈ છોકરાને, કોઈ છોકરી સાથે દોસ્તી છે એવી વાત ખબર પડતી તો માબાપ છોકરાને ઠપકારતાં ને એવી છોકરી પર બદનામીનો ઠપ્પો લાગતો. આજે વાત એવી રહી નથી. છોકરા-છોકરી એક બીજાના મિત્ર હોય તે સહજ થઈ ગયું છે. એમાં નવી વાત એ ઉમેરાઈ છે કે છોકરાને ગર્લફ્રેંડ હોય કે છોકરીને બોયફ્રેંડ હોય તો તેનો અર્થ એવો થાય છે કે એ બે વચ્ચે માત્ર દોસ્તી નથી, પણ એથી વધુ પણ કૈંક છે. એવાં ઘણાં છોકરાઓ છે જેની ગર્લફ્રેંડ ગમે ત્યારે તેના ઘરે આવ-જા કરી શકે છે, એવું જ છોકરીઓને ત્યાં પણ તેનો બોયફ્રેન્ડ આવે જાય છે. એવું પણ માની લેવાય છે કે જે બોયફ્રેંડ-ગર્લફ્રેંડ છે તેમની વચ્ચે શરીર સંબંધ પણ હોય છે. આ માન્યતા સાવ ખોટી છે એવું પણ નથી. આ મિત્રો એકાંત મેળવી લે છે ને એકબીજાને માની-માણી પણ લે છે. શરીર સંબંધ પતિ-પત્ની વચ્ચે જ હોય એવું હવે રહ્યું નથી, ક્યાંક તો એવું પણ બન્યું છે કે ત્યાં જ એ સંબંધ ન હોય ને બે મિત્રો વચ્ચે હોય પણ ! ઘણીવાર તો એ સંબંધ ન હોવામાં બીજા સાથે સંબંધ હોવાનું મૂળમાં પડેલું હોય એમ બને.

હવે બધાં મોડર્ન થઈ ગયા હોવાના વહેમમાં ફરે છે, પણ એ વહેમ વધારે ને હકીકત ઓછી છે. દેખાવ એવો હોય છે કે પોતે બહુ મુક્ત સમાજમાં માને છે ને કોઈને, કોઇની સાથે સંબંધ હોય તો તેમાં કૈં ખોટું નથી એવું પણ મને છે, પણ આ વાત પોતાના પર આવે છે તો બધું ગિલિટ ઊતરી જાય છે ને વાત ગિલ્ટ પર આવીને અટકે છે. આપણે મોડર્ન હોવાનું કબૂલીએ છીએ, પણ આપણે પારદર્શી નથી. પોતાને ને અન્યને માટેનાં ધોરણો આપણે જુદાં રાખીએ છીએ. જેમ કે, પોતાને અન્ય સ્ત્રી કે સ્ત્રીઓ સાથે સંબંધ હોય એ મોડર્નિટીમાં ખપે છે, પણ પત્ની તો તેને સીતા જેવી જ જોઈએ છે, અક્ષત્‌ યૌવના જ જોઈએ છે. મોડર્ન હોવાના ખરેખર આગ્રહી હોય એમણે કાંટલાં જુદાં ના રાખવા જોઈએ, જેથી સામેવાળી વ્યક્તિને અન્યાય ન થાય.

એક બાબત આખા સમાજે સમજી લેવાની રહે કે બોયફ્રેંડ, ગર્લફ્રેંડના જમાનામાં લગ્ન પહેલાં કૌમાર્ય જાળવવાનું સરળ રહ્યું નથી. ઘણા સંબંધો તો લગ્ન પહેલાં બંધાઈ ચૂક્યા હોય છે, એટલું જ નહીં, સગીર વયે શક્ય બન્યા હોય છે ને એની છોછ પણ ખાસ રહી હોતી નથી. સાચી વાત તો એ છે કે સગીરની 17 પૂરા-ની વય ઘટવી જોઈએ. 16-17ની વયે પણ પુખ્તતા ધારણ કરવાનું સહજ થઈ પડ્યું છે એ વખતે 18ની પુખ્તતા મજાક જેવી લાગે છે. 18 સુધી છોકરીનાં લગ્ન કાયદેસર ગણાતા નથી, પણ લગ્નનો લહાવો નથી જ લેવાતો એવું કહી શકાય નહીં. છોકરી લગ્ન પહેલાં લગ્નનું સુખ માણી ચૂકી હોય એ અશક્ય નથી. એની ટીકા કરવાનો આશય નથી, પણ કહેવાનું એ છે કે જો આધુનિક થવાનો વાંધો સમાજને નથી તો પુખ્તતા પહેલાં કે લગ્ન પહેલાં બંધાતા સંબંધોને નિભાવવાની ઉદારતા પણ સમાજે દાખવવાની રહે. આવા સંબંધોને ઉત્તેજન ન અપાય તો પણ, જ્યાં સંબંધ બંધાયો જ હોય ને સ્વેચ્છાએ બંધાયો હોય ત્યાં અનુદાર થવાનું યોગ્ય નથી.

વારુ, લગ્ન પછી શી દશા થાય છે એ પણ જાણવા જેવું છે. લગ્ન થાય ત્યારે શરૂઆતમાં તો બધું ઠીક ચાલતું હોય છે, પણ પ્રથમ સંતાન થાય કે થોડા સમય પછી ગિલિટ ઉતરવા માંડે છે. પત્ની પિયર હોય તો એ ગાળામાં વાત બદલાય છે. પતિ ન જીરવાતી એકલતામાં ક્યાંક ખેંચાય છે કે પત્ની પણ પિયરનો કોઈ સંબંધ તાજો કરી આવે છે. આમાં બંને સમજદાર હોય તો બહુ વાંધો આવતો નથી ને એવું ન હોય તો તેનાં પરિણામો વેઠવાનાં થાય છે. સંતાન થયા પછી પત્નીને, પતિના પૂર્વ સંબંધોની કે પતિને, પત્નીના પૂર્વ સંબંધોની ખબર પડે છે કે શાંતિ હણાઈ જાય છે. સંબંધો લગ્ન પહેલાંના કે લગ્ન પછીના પણ હોય છે. એ જ્યારે પણ, જેને પણ ખબર પડે છે કે જીવન ડામાડોળ થવા લાગે છે. વાત મરવા, મારવા પર પણ આવી જાય છે ને હાથમાં છેડા, છૂટા આવી જાય છે. લગ્ન પછી પતિ કે પત્ની જાણતાં હોય છે કે જે તે સંબંધ, પરિણીત હોવાની સભાનતા પછી વિકસે છે. મતલબ કે બધું અજાણતા થતું નથી. પોતે પરિણીત હોય છે એ વાત જાણતા હોવાથી પતિ કે પત્ની એકાએક ક્યાંક સંડોવાવાની ઈચ્છા રાખતા નથી. જ્યાં માત્ર ટાઈમ પાસ છે ત્યાં તો બંને પાત્રો જાણતા હોય છે કે આ સંબંધ લાંબો ચાલવાનો નથી. ગરજ પતે એટલે કોઈ પણ કેવી રીતે છટકાય એની પેરવીમાં જ હોય છે. ત્યાં હરખ શોકની વાત બહુ નહીં હોય, પણ જ્યાં લાગણીનો તંતુ ફૂટે છે ત્યાં હાથ ખંખેરીને ચાલ્યા કરવાનું અઘરું છે. એવું બને છે કે પતિ કે પત્ની ખરેખર સંવેદનાથી સબળ રીતે જોડાયેલાં હોય, કોઈ કમી કે ખામી ન હોય, બધી વાતે સુખ હોય ને છતાં પતિ કે પત્ની લગ્નેતર સંબંધ સુધી પહોંચે છે. બધું જાણવા છતાં કે આ ઠીક નથી ને છતાં સંડોવાવાનું બનતું જ હોય છે. આનું કોઈ ગણિત નથી, કોઈ માપ નથી, કોઈ ગણતરી નથી ને છતાં સ્ત્રી-પુરુષો એકબીજા તરફ ખેંચાતાં હોય છે. આમાં જ્યાં પણ લાગણી પ્રાધાન્ય ભોગવે છે ત્યાં તડફડ થઈ શકતું નથી ને એમ થવું પણ ન જોઈએ. શકય તેટલી કાળજી ને લાગણીથી ન ગમતો નિર્ણય લેવાનો રહે. ન ગમતો એટલા માટે કે બધાંને ગમતો નિર્ણય એ કદી હોતો નથી.

સાચું તો એ છે કે આ આગમાં હાથ નાખવા જેવું છે ને ક્યાંક, કોઇકે તો દાઝવાનું હોય જ છે. સૌ કોઈ આ વાત જાણે છે એટલે બને ત્યાં સુધી સુખનો જીવ દુ:ખમાં ન નાખવો, એમ બધાં ઇચ્છતાં હોય છે, પણ એવું થતું નથી ને એમ કોઈના કહેવાથી કોઈ અટકી જાય એટલું સહેલું એ હોતું પણ નથી. બધું જાણવા છતાં ને અનિચ્છાએ, આગમાં કૂદવાનું નથી જ થતું એવું ક્યાં છે? આ વાત જ એવી છે કે એમાં કોઈ ડહાપણ કે સલાહ કામ નથી આવતાં. એવું પણ ક્યાં નથી બનતું કે માર્ગદર્શન આપનાર જ માર્ગ ભૂલે? એટલે બચાય ત્યાં સુધી બચવું, પછી તો ઉપરવાળો જ માલિક છે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

અફીણ, અદાણી અને અફઘાનિસ્તાન ….

ભરત મહેતા|Opinion - Opinion|5 October 2021

ક્યાંક નવટાંક, નવટાંક હેરોઇન મળી આવે ત્યારે હાકલા, પડકાર કરતું મીડિયા, ડ્રગ દો મુઝે ડ્રગ એમ તાબોટા પાડતા અર્ણવભાઈ ગોસ્વામી સહુ કોઈ અદાણીના મુંદ્રા પોર્ટમાં ત્રણ ટન હેરોઇન મળી આવ્યું છે, ત્યારે મોં પર માસ્ક લગાવીને બેસી ગયાં છે. ભારત સરકાર, ગુજરાત સરકાર કે કોઈ છપ્પનની છાતીએ પણ એક નાનકડો ઉદ્દગાર સુધ્ધાં કાઢ્યો નથી કેમ કોઈ બોલતું નથી કે એક એક જવાબદારને છોડીશું નહીં. શું આ નાનીસૂની ઘટના છે? ૨૧,૦૦૦ હજ્જાર કરોડનું આ હેરોઇન ભારતમાં ફરી વળશે તો? પણ ભાઈબંધની સંડોવણી હોય ત્યાં મૌન રહેવાની ભા.જ.પ.ની સંસ્કૃતિ છે. આતંકવાદીઓનો મિત્ર અને છવ્વીસમી જાન્યુઆરી ટાણે જ ધડાકા કરવા કાશમીરથી રવાના થયેલો, પુલવામાનો ડી.એસ.પી. શેરે કાશ્મીરનો જેને ભા.જ.પે. પુરસ્કાર આપેલો એ દેવેન્દ્રસિંહ પકડાયો ત્યારે પણ આ રાષ્ટ્રવાદી પક્ષ મૌન થઈ ગયેલો. બાકી તો ભાઈબંધ ન હોત તો શહેરે શહેરે ઠાઠડી બાળી હોતા! ન ગદ્દાર કહેવાયો કે ન મુર્દાબાદ.

અફઘાનિસ્તાનમાં અફરાતફરી થઈ ત્યારે જ મને શંકા પડેલી કે એમનાં આ અફીણઉદ્યોગનો વારસદાર કોણ બનશે? પણ એ ભારતનો જ સપૂત હશે એવી કલ્પના ન હતી. એમ કહેવાય છે કે આ એક ખેપ પકડાઈ છે, બાકીની પાંચ તો પકકડાઈ પણ નથી. કુલ પંચોતેર હજાર કરોડનું અફીણ આવ્યું છે! અદાણીપોર્ટ પરથી પકડાયેલાં આ હેરોઇનનો બચાવ કરતાં ભક્તો મોદીભકતમાંથી અદાણીભક્ત પણ બની ગયાં. ઇન્દિરા ગાંધી એરપોર્ટ પરથી ચોરીનો માલ પકડાય તો ગાંધી પરિવાર જવાબદાર ગણાય? અરે! ભાઈ ભારત સરકાર તો ગણાય ને? અદાણી પોર્ટ સંપૂર્ણપણે એની માલિકીનું છે. આ ખાલી અદાણીપોર્ટ એવું નામ માત્ર નથી. પર્યાવરણના નિયમો સરેઆમ ભંગ કરી દરિયાના ભાગ ઉપરાંત ૩,૫૦૦ એકર જમીન ૨૮/૯/૨૦૦૦ના રોજ કેવળ ૪ કરોડ, ૭૬ લાખમાં આપી છે. શું આ પાણીના ભાવે આપેલી જમીન ન ગણાય? આ ભ્રષ્ટાચાર વિશે ત્યારે રંજય ગુહાએ વિસ્તૃત લેખ કર્યો હતો. ઈ. ૨૦૧૨-૧૩ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ગુજરાતના મુંદ્રા પોર્ટને ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ બનાવવા માટે ગુજરાત મત્સ્યઉદ્યોગ તરફથી અધધધ કહી શકાય એવી છૂટછાટો આપવામાં આવી હતી. એ જ વર્ષે પાંચ સંસદસભ્યોની બનેલી સમિતિ જેના અધ્યક્ષપદે જાણીતા પર્યાવરણવિદ્દ સુનીતા નારાયણ હતા એમણે પર્યાવરણને થયેલી ગંભીર ક્ષતિઓનો અહેવાલ સુપ્રીમ કોર્ટને આપ્યો હતો. એ અહેવાલના આધારે ભારતની સુપ્રીમ કોર્ટ ઈ. ૨૦૧૩માં, તાત્કાલિક અદાણી પોર્ટ બંધ કરી દેવા ભારત સરકારને આદેશ આપ્યો હતો. ૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તેથી સુપ્રીમનો આદેશ અભરાઈ પર ચડી ગયો. સૈયા ભયે કોટવાળ પછી ડર શાનો? એટલું જ નહીં ઈ. ૨૦૧૮માં અદાણીનો પોર્ટવાળો ધંધો ફૂલેફાલે એ માટે ભારતના શિપિંગ કાયદાઓ પણ મોદી સરકારે બદલી નાંખ્યા!

અદાણીની મૂળ કુંડળી તપાસો તો માલૂમ પડશે કે દાણચોરીથી જ શ્રીગણેશ કરેલાં છે. તેથી અજબો રૂપિયાની કમાણીવાળી હેરોઇનમાં એ ન લલચાય એ જ જલદીથી ગળે ન ઉતરે. હેરોઇનકાંડની દાળમાં અદાણી જેવું કંઈક કાળું છે. બીજી તરફ અફઘાનિસ્તાનનું અર્થતંત્ર અલ્લાહ નહીં અફીણ ચલાવે છે. આખા યુરોપ-અમેરિકાને ડ્રગ્સ અફઘાનિસ્તાન પૂરાં પાડે છે. મોટા મોટા ડ્રગ્સલોર્ડ અફઘાનિસ્તાનમાં છે. એમ.એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હમીદ કરજાઈના ભાઈ અફઘાનિસ્તાનનાં મોટાં ડ્રગલોર્ડ છે. જેની ઓબામાને ય ખબર હતી છતાં આંખ આડા કાન થયા છે. ગયા મહિને કાબુલ પર કબજો મેળવ્યા પછી તાલિબાનના પહેલા સંવાદદાતા સંમેલનમાં પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે અફીણની ખેતી નિયંત્રિત કરવામાં આવશે અને વિકલ્પો માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે મદદ માંગવામાં આવશે એ વાત જણાવી છે. તાલિબાન શાસનમાં અફીણની ખેતી સામે ફતવો જાહેર કરાયેલો તેથી આ વાત સાચી છે. તેમ છતાં ઇ. ૨૦૦૦માં ત્યાં અફીણનું ઉત્પાદન ૧૮૦ મેટ્રિક ટન હતું. જે અમેરિકન શાસન દરમ્યાન ઇ. ૨૦૧૭માં ૯,૯૦૦ મેટ્રિક ટન બન્યું. અફઘાનિસ્તાન અફીણનો અડ્ડો બની જાય એ માટે કોને વધુ રસ છે તે આ આંકડાઓ જ સ્વયં બોલે છે! દુનિયાને પૂરાં પડાતા અફીણમાં ૭૦થી ૯૦ ટકા અફઘાનિસ્તાનના અફીણનો હિસ્સો છે અફીણના અભ્યાસી ગ્રેટ એનપીટર્સે લખેલું કે અફીણ અફઘાનિસ્તાનની જીવાદોરી છે. અમેરિકન શાસન દરમ્યાન અફઘાનિસ્તાનમાં ૩૪ પ્રાંતમાંથી ૨૨ પ્રાંતમાં અફીણનું ઉત્પાદન થાય છે. આશરે ૨૫ લાખ અફઘાનોને નિયમિત અફીણની ટેવ છે.

તાલિબાનોની સામે આ વખતે આ મોટો પડકાર છે. અફઘાનિસ્તાનમાંથી અફીણ ખતમ કરવું પડશે. નહીંતર, અફીણ અફઘાનિસ્તાનને ખતમ કરી દેશે. મૂળ વાત એ છે કે અમેરિકાએ પોતાના શાસન દરમ્યાન અફીણ ઉત્પાદનની સમસ્યા તરફ ધ્યાન આપ્યું નથી. અમેરિકા સેનાના અધ્યક્ષ ટોમી ફેકસે કહેલું કે એ અમારું કામ નથી. અમે અહીં એમના માટે નથી આવ્યાં! બુશ શાસનમાં ઇરાકના નિષ્ણાત અમેરિકી ડોનાલ્ડ રમઝલ્ટે આ અંગે નીતિ બનાવવા માટે અમેરિકી સરકારને પત્ર લખેલો. ઇ. ૨૦૦૦માં મુલ્લા ઉમ્મરે જ્યારે અફીણ સામે ફતવો જાહેર કરેલો ત્યારે ૨૦૦૦-૨૦૦૧માં ૯૦% ઉત્પાદન ઘટી ગયું હતું. તાલિબાની ફતવા સામે અફીણ ઊગાડવાની હિમ્મત કોણ કરે? આ ફતવાના કારણે જ અમેરિકાના હુમલા વખતે પ્રજાએ તાલિબાનોને સાથ પણ નહતો આપ્યો. પણ પછી અમેરિકાએ બે દાયકા લગી ડ્રગ્સલોર્ડ્‌ને સાચવી લીધાં! પુનઃતાલિબાન આવવાથી શું થશે એ કહેવું અઘરું છે, પરંતુ અબજો-કરોડોના વ્યવસાયના વેપારીઓ ચિંતિત છે. નશીલાં દ્રવ્યોના ભાવ બે-ત્રણ ગણા વધી ગયાં છે. આખા યુરોપમાં, અમેરિકામાં હજ્જારો લોકો નશીલાં દ્રવ્યોની લતના કારણે પ્રતિવર્ષ મારે છે. પણ એની દાણચોરી, એમાંથી નફો રળવાનો મોકો ખોળતાં ઉદ્યોગપતિઓ અફઘાનિસ્તાનમાંથી અફીણ ઉઠાવી ઉઠાવીને ભાગ્યાં છે. જેમાંની એક ખેપ મુંદ્રા પકડાઈ છે. વહાણમાં રહેતાં સાત જણને પકડી ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તપાસ ઊંડી થવી જોઈએ. ભારતમાં વિવિધ સ્થળે હેરોઇનનો ઉપયોગ થઈ રહ્યો છે. ધર્મઝનૂનમાં જો અફીણનો નશો ભળે તો ભારતને બીજું અફઘાનિસ્તાન થતાં વાર નહીં લાગે : સરકારનું વલણ જાણે નવટાંક અફીણ પકડાયા જેવું છે તે અત્યારે તો આઘાતજનક ઘટના છે. ગંદા હૈ પર ધંધા હૈ કહીને જો અદાણી એમાં-સંડોવાયા હોય તો મોદી સરકારે ભાઈબંધી બાજુ પર મૂકી આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 07

Loading

અદાલતી ન્યાયમાં વિલંબ માટે જવાબદાર કોણ ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 October 2021

સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જાહેર પ્રવચનમાં ભારતની ન્યાય વ્યવસ્થાને જર્જર ગણાવી છે. ન્યાયની આશાએ અદાલતનો ઉંબરો ચઢનારો પસ્તાય છે, તેમ પણ તેમણે જણાવ્યું છે. કેસોના ભરાવા અને વિલંબિત ન્યાયથી પીડાતી ભારતીય અદાલતોમાં ન્યાયની પ્રતીક્ષા એટલી તો દીર્ઘ હોય છે કે તે અન્યાય બની રહે છે.

રંજન ગોગોઈના અવલોકનને સાચું ઠેરવતી ઘટના દિલ્હીની કડકડડૂમા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હમણાં બની છે. પાંચેક વરસથી કેસની સુનાવણીની આશાએ અદાલતના ચક્કર કાપતા અરજદારને વધુ એક લાંબી મુદ્દત મળતાં તેણે હંગામો મચાવ્યો. ‘તારીખ પે તારીખ’ નાખ્યાંના ફિલ્મી ડાયલૉગની બુમરાણ મચાવીને તેણે કોર્ટનાં કમ્પ્યૂટર, ફર્નિચર અને ન્યાયાસનને તોડી-ફોડી નાંખ્યાં. બીજા એક કિસ્સામાં ત્રેપન વરસથી જુદી-જુદી અદાલતો પાસે જમીનવિવાદના કેસમાં ન્યાય માંગતા ૧૦૮ વરસના વૃદ્ધનો કેસ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે તાજેતરમાં દાખલ કર્યો, ત્યારે તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.

સુપ્રીમ કોર્ટ, ૨૫ હાઈકોર્ટ અને આશરે ૧૯,૦૦૦ નીચલી અદાલતોમાં લગભગ ૪ કરોડ કેસો પડતર છે. ૨૫ હાઈકોર્ટમાં પડતર ૫૭.૫૧ લાખ કેસોમાંથી ૫૪ ટકા કેસો અલ્હાબાદ, બૉમ્બે, મદ્રાસ, ચંદીગઢ અને રાજસ્થાનની પાંચ હાઈકોર્ટ્‌સમાં છે. પાંચ ટ્રિબ્યૂનલ્સમાં ૩,૫૦,૦૦૦ કેસો ન્યાયની રાહ જોતા પડ્યા છે. પડતર કેસોમાં રોજ બ રોજ વધારો થતો જોવા મળે છે. કાયદા ક્ષેત્રે કામ કરતી ‘ન્યાયાશ્રય’ નામક સંસ્થાના ‘ધ કોવિડ ઇફેક્ટ ઇન ઇન્ડિયન જ્યુડિશિયરી’ અભ્યાસ મુજબ આઝાદી પછી પ્રથમ વખત કોરોના કાળમાં કોર્ટ કેસોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ પાંચેક ટકાનો વધારો કોરોનાના સમયગાળા દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં ૧૦.૩૫ ટકા, વડી અદાલતોમાં ૨૦.૪ ટકા અને જિલ્લા અદાલતોમાં ૧૮.૪ ટકા થયો છે.

વરસોથી અદાલતમાં લટકતા કેસોનો સમયગાળો આંચકો આપે તેવો છે. દર ચારમાંથી એક કેસ પાંચ વરસ પહેલાંનો હોય છે. એક હજાર કેસો પચાસ વરસ જૂના છે, બે કેસો તો ૧૯૫૧થી ન્યાય માંગતા ઊભા છે. બે લાખ કેસો ૨૫ વરસ જૂના છે. બે કરોડ ફોજદારી કેસોમાંથી એક કરોડ અને નેવું લાખ દીવાની કેસોમાંથી વીસ લાખમાં હજુ સમન્સ જ બજાવાયાં નથી. ગુજરાતની વડી અદાલત પાસેથી દલિત આગેવાન વાલજીભાઈ પટેલે માહિતી – અધિકાર કાયદા હેઠળ અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળની કેટલી અપીલો પેન્ડિંગ છે, તેની માહિતી માંગી હતી. વર્ષ ૨૦૦૦થી મે – ૨૦૨૦ સુધી નીચલી અદાલતોના સજાના ચુકાદા સામેની ૮૩૩ અપીલો હાઈકોર્ટમાં પડતર છે. પડતર કેસોમાં પાંચમા ક્રમના રાજ્ય ગુજરાતમાં ૨૧,૧૯,૭૨૮ કેસો પેન્ડિંગ છે.

વિલંબિત ન્યાયનું પ્રમુખ કારણ ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ છે. સંસદના હાલના વર્ષાસત્રમાં લોકસભા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે હાઈકોર્ટ જજીસની મંજૂર ૧૦૯૮ જગ્યાઓમાંથી ૪૫૬ ખાલી છે. કેટલીક વડી અદાલતોમાં તો ન્યાયાધીશોની પચાસ ટકા જગ્યાઓ ખાલી છે. હાઈકોર્ટોમાં સરેરાશ ૩૭ ટકા અને નીચલી અદાલતોમાં ૨૩ ટકા પદો ખાલી છે, પરંતુ શું આ જ એક માત્ર કારણ છે ? દેશની  હાઈકોટ્‌ર્સમાં પેન્ડિંગ કેસોને ખાલી જગ્યાઓ સાથે મૂલવીએ તો જણાય છે કે કોલકાતા હાઈકોર્ટમાં ૪૪ ટકા જગ્યાઓ ખાલી છે, પરંતુ પડતર કેસો ૨.૭ લાખ છે, જ્યારે મદ્રાસ હાઈકોર્ટમાં ૭ ટકા જ જગ્યાઓ ખાલી છે, પણ પેન્ડિંગ કેસો ૫.૮ લાખ છે. એટલે ન્યાયાધીશોની ગુણવત્તા અને ક્ષમતા પણ પેન્ડિંગ કેસોમાં ભાગ ભજવે છે. કદાચ આવાં જ કારણોસર મિઝોરમ-ત્રિપુરાની નીચલી અદાલતોમાં મહિને ૧૩, ગુજરાતમાં ૧૯ અને કર્ણાટકમાં ૧૧૩ કેસોનો નિકાલ થાય છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીની કોર્ટોમાં જજોની સંખ્યા વધુ હોવા છતાં પડતર કેસો વધુ છે. જ્યારે ઓછા ન્યાયાધીશો ધરાવતી આંધ્ર, તેલંગાણા, ઝારખંડ, મેઘાલય અને છત્તીસગઢની કોર્ટોમાં પડતર કેસો ઓછા છે.

અદાલતોના કામના વાર્ષિક દિવસો પણ ન્યાયમાં દેરીનું કારણ છે. કેન્દ્ર સરકારના કર્મીઓના કામના દિવસો ૨૪૪ છે. અદાલતોની રજિસ્ટ્રી પણ તે પ્રમાણે કામ કરે છે. પરંતુ માનનીય ન્યાયાધીશોના કામના દિવસો એટલા નથી. સુપ્રીમ કોર્ટના કામના દિવસો વરસે ૧૯૦ અને હાઈકોર્ટના ૨૩૨ છે. હજુ પણ આપણી અદાલતો અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતાં ઉનાળુ અને શિયાળુ વૅકેશનો ભોગવે છે. દુનિયામાં કાચા કામના કેદીઓ સરેરાશ ૨૭ ટકાની તુલનામાં ભારતમાં ૬૯ ટકા છે. જો દેશમાં નેધરલૅન્ડની વસ્તી જેટલા વિચારાધીન કેદીઓ હોય અને તેમના ન્યાયમાં વિલંબ થતો હોય, તો અદાલતોના કામના દિવસો અને કલાકો વધારવાની જરૂર છે.

જટિલ અને લાંબી ન્યાય અને પોલીસતપાસની પ્રક્રિયા પણ ઝડપી અને સમયસરના ન્યાયમાં બાધક છે. ૧૯૭૩ના કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર મુજબ પોલીસે ગુનાની તપાસ કરી નિર્ધારિત સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે, પરંતુ અદાલતોમાં સમયસર આરોપનામાં દાખલ થતાં નથી. કેમ કે આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની ફરજ નિભાવતા પોલીસના માથે જ ગુનાની તપાસની જવાબદારી છે. તેણે કામના બોજ હેઠળ આ બંને કામો કરવાનાં હોય છે. લૉ ઍન્ડ ઑર્ડરનું કામ તાકીદનું હોય છે એટલે તે ગુનાની તપાસ સમયસર કરી શકતા નથી.

એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડે અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટમાં કેસોના ભરાવા માટે તારીખો માંગવાનું વકીલોનું વલણ ન્યાયમાં વિલંબ માટે કેટલા અંશે જવાબદાર છે, તે લોકો જાતે જ નક્કી કરી શકે, તે માટે તેમણે આ સૂચન કર્યું હતું. સુનાવણી-મોકૂફી રાખવા વકીલો ખુદની વ્યસ્તતાને અન્યો પર ઢોળી દઈ તારીખો માંગતા હોય છે. તેને કારણે પણ ન્યાયમાં વિલંબ થાય છે. એટલે વિલંબિત ન્યાયની જવાબદારી ન્યાયાધીશો, પોલીસ અને વકીલોની પણ છે.

મુક્ત અને સ્વતંત્ર ગણાતું ન્યાયતંત્ર નાણાકીય બાબતોમાં સરકારો પર આધારિત હોય છે. ભારતના જી.ડી.પી.ના ૦.૦૮થી ૦.૦૯ ટકા જ બજેટ ન્યાયતંત્ર માટે ખર્ચાય છે. માળખાકીય સુવિધાઓનો અભાવ, અપૂરતા અદાલતી ખંડો અને ખાલી જગ્યાઓ સરકારોના કારણે જ છે. અદાલતો સમક્ષ સૌથી મોટા ફરિયાદી તરીકે સરકારો જ જાય છે. પડતર કેસોમાં સિંહ ફાળો સરકારી કેસોનો છે. એકલા અમદાવાદ મહાનગરપાલિકા વિરુદ્ધના સ્થાનિકથી સર્વોચ્ચ અદાલત સુધીના ૧૦,૩૭૭ કેસો પડતર છે. કાયદા, નિયમો અને સરકારી ઠરાવોના ઘડતર સમયે તેની ન્યાયિક અસરો તપાસવામાં આવતી જ નથી, તેને કારણે પણ કેસોમાં વધારો થાય છે. 

બંધારણના અનુચ્છેદ ૨૨૪-એની જોગવાઈ મુજબ આઠ વરસથી પડતર કેસોના નિકાલ માટે નિવૃત્ત ન્યાયાધીશોની એડહોક જજ તરીકે નિમણૂકની ન્યાયમિત્ર યોજના ઝાઝી સફળ થઈ નથી. અદાલતના કામનો બોજ ઘટાડવા અને ન્યાયાલયની બહારના ન્યાય તથા સમાધાન માટે લોક અદાલતો અને ગ્રામ ન્યાયાલયોના પ્રયોગો કરવામાં આવે છે. ૨૦૨૦ની અંતિમ માહિતી મુજબ ગ્રામ ન્યાયાલય અધિનિયમ, ૨૦૦૮ હેઠળ દેશનાં ૧૨ રાજ્યોમાં ૩૯૫ ગ્રામ ન્યાયાલયોની જ રચના થઈ શકી છે અને તેમાંથી ૨૨૫ જ કાર્યરત છે. સંભવિત ખાલી જગ્યાઓની માહિતી પરથી તે ભરવા અંગે આગોતરું આયોજન કરવાથી પણ ન્યાયમાં વિલંબ અટકાવી શકાશે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા જજોની નિમણૂકો કરવા ભલામણ કર્યા બાદ સરકાર નિમણૂકમાં સરેરાશ સાતથી બાર મહિનાનો સમય લે છે અને ભલામણ કરેલ તમામની નિમણૂક કરતી નથી. આ સમયગાળો ઘટાડવાથી અને નિમણૂક-પદ્ધતિ બદલવાથી પણ ખાલી જગ્યાઓ ભરવામાં ઝડપ આવી શકે તેમ છે.

સામાન્ય અપરાધના ૪૫ લાખ પેન્ડિંગ ફોજદારી કેસો અને મહત્ત્વહીન દસ વરસ પૂર્વેની જાહેરહિતની અરજીઓનો નિકાલ ઝડપથી લાવી શકાય તેમ છે. દર દસ લાખની વસ્તીએ અમેરિકામાં ૧૦૭ અને કૅનેડામાં ૭૫ જજો છે, જ્યારે ભારતમાં ૨૦ છે. ઉત્તર પ્રદેશમાં પ્રતિ ન્યાયાધીશે ૩,૫૦૦ કેસોની સરેરાશ છે. એટલે જજોની સંખ્યા વધારવાની અને જજીસ દીઠ કેસોની સરેરાશ ઘટાડવાની આવશ્યકતા છે. નીચલી અદાલતોની માળખાકીય સગવડોમાં ખાસ તો ડિજિટલ નિરક્ષરતા દૂર કરી ડિજિટલ સેવાઓમાં વૃદ્ધિ કરવી પડશે. સમગ્ર દેશની ૧૫ ટકા, આન્ધ્રની ૬૯,  ઓડિશાની ૬૦ અને અસમની ૫૯ ટકા ડિસ્ટ્રિક્ટ  કોર્ટોમાં મહિલા ટૉઇલેટ ન હોય તેવી બદતર સ્થિતિમાં કોર્ટો કામ કરતી હોય તે સ્થિતિ તાકીદનો સુધારો માંગે છે.

રાજનીતિના અપરાધીકરણને કારણે રાજનેતાઓ સામેના કેસો વધી રહ્યા છે. માત્ર સાંસદો સામેના અપરાધિક કેસો ૨૦૦૦માં ૨૪ ટકા હતા, જે ૨૦૧૯માં ૪૩ ટકા થયા છે. રાજનેતાઓ સામેના પડતર અપરાધિક ૪,૪૪૨ કેસોમાંથી ૨૫,૫૬ સાંસદો અને ધારાસભ્યો સામેના છે. જો તેનો નિકાલ થઈ શકે, તો રાજકારણના અપરાધીકરણનું ચિત્ર સ્પષ્ટ થાય. અદાલતો બે પાળીમાં ચલાવવા વ્યવસ્થા વિચારવા સાથે, ખાસ અદાલતો નામ માત્રની હોય છે, તે સ્થિતિ બદલવાની જરૂર છે. કોઈ પણ અદાલતી કેસના અંતિમ નિર્ણયની સમયમર્યાદા નક્કી કરવાની અને સુનાવણીની વધુમાં વધુ કેટલી તારીખો હોઈ શકે, તે નક્કી કરવાની જરૂર છે. ટેક્‌નોલૉજીનો વ્યાપક ઉપયોગ કરવાથી અને આર્થિક તથા વ્યાપારી મામલાના કેસોમાં મધ્યસ્થી અને સમાધાનના પ્રયાસોનું સોગંદનામું અનિવાર્ય કરવાથી કેસોના નિકાલમાં ઝડપ આવી શકશે. ન્યાય મેળવતાં લોકોની પેઢીઓ નીકળી જાય છે. તેમને ન્યાયની દેવડીએ આવતા બંધ ન કરવા હોય, તો ન્યાયમાં વિલંબને અટકાવવો પડશે.

ન્યાયમાં વિલંબથી લોકોમાં હતાશા અને ક્રોધ જન્મી શકે છે. તેઓ ન્યાયની આશા ગુમાવીને કાયદો હાથમાં લે તેમ પણ બની શકે છે.ન્યાયના વિલંબની આર્થિક અસર બહુ મોટી હોય છે. ૨૦૧૬નું અનુમાન વાર્ષિક જી.ડી.પી.ના ૦.૫ ટકા જેટલી અસરનું છે. સરકારના ૫૦,૦૦૦ કરોડના પ્રોજેકટ વિલંબિત ન્યાયના કારણે ખોરંભે પડ્યા છે.

પૂર્વ વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાના ચુકાદા અનુક્રમે પાંચ અને નવ વરસે આવ્યા હતા. ૧૯૭૫માં થયેલી તત્કાલીન રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રની હત્યાનો ચુકાદો ચાળીસ વરસે આવ્યો હતો. જો હાઈ પ્રોફાઇલ કેસોની આ હાલત હોય, તો સામાન્ય માનવી તો સમયસર ન્યાયની આશા જ ક્યાંથી રાખે. નીતિ આયોગના મંતવ્ય અનુસાર ભારતનાં ન્યાયાલયોમાં આજે પડતર કેસોની સ્થિતિ અને તેના નિકાલની ગતિ જોતાં બધા અદાલતી કેસોનો નિકાલ આવતાં સાડા ત્રણસો વરસ લાગશે. આઝાદીના અમૃત પર્વના વરસે દેશજનતા બંધારણે બક્ષેલા સઘળા ન્યાયની નહીં તો કમ સે કમ સમયસરના અદાલતી ન્યાયની તો અપેક્ષા રાખે જ ને ?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 11-12

Loading

...102030...1,9051,9061,9071,908...1,9201,9301,940...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved