Opinion Magazine
Number of visits: 10,226,002
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી હિન્દુત્વવાદીઓનો અસામાન્ય શત્રુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 October 2021

માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ મારી નાખવા છતાં અને પાછળ સંતાઈને રોજેરોજ ચારિત્ર્યહનન કરીને ખૂન કરવામાં આવતું હોવા છતાં, આ મોહનદાસ કરમચંદ ગાંધી મરતો કેમ નથી! જે લોકો એને કાયર અને બુઝદિલ તરીકે ઓળખાવતા હતા એ લોકોને તેમની પોતાની કાયરતા અને બુઝદિલી છૂપાવવા આ ગાંધીનો આશરો લેવો પડે છે. આનાથી મોટું માનવીની મહાનતાનું પ્રમાણ બીજું શું હોઈ શકે? શત્રુના નામનો ઉપયોગ જ્યારે પોતાના બચાવમાં કરવો પડે અને કરવામાં આવે ત્યારે સમજી લેવું જોઈએ કે શત્રુ સામાન્ય માનવી નથી. ગાંધી હિન્દુત્વવાદીઓનો આવો અસામાન્ય શત્રુ છે.

હમણાં કેન્દ્રના સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે વિનાયક દામોદર સાવરકરના જીવનચરિત્રનું વિમોચન કરતાં કહ્યું હતું કે સાવરકરે બ્રિટિશ સરકારની માફી ગાંધીજીના કહેવાથી માગી હતી.

ચાલો, એટલું તો આ જમાતે હવે કબૂલ કરી લીધું કે સાવરકરે માફી માગી હતી. અત્યાર સુધી તો સાવરકરભક્તો, હિન્દુત્વવાદીઓ અને સાવરકરના હિન્દુત્વવાદી ચરિત્રલેખકો આ હકીકત છૂપાવતા હતા. જો કોઈ ધ્યાન દોરે તો આંખ આડા કાન કરતા હતા અને મૂંગા રહેતા હતા. જો તમે સાવરકરની વાત કાઢો તો મોતીલાલ નેહરુ મુસલમાન હતા એનું શું એવી વાતો કરવા માંડશે. તેમની ટિપીકલ શૈલી મુજબ. પોતાને વિદ્વાન હિંદુ વિચારક કે રાષ્ટ્રવાદી ઇતિહાસકાર તરીકે ઓળખાવનારાઓ માફીનો ઇન્‌કાર નહોતા કરતા (કરે તો ભૂંડા લાગે), પરંતુ સાવરકરની માફીને રાષ્ટ્રહિત સાથે જોડતા હતા અને તેને સાવરકરની રણનીતિ તરીકે ખપાવતા હતા. નવાં તથ્યો સામે આવ્યાં પછી હવે તેમને માટે એ પણ શક્ય રહ્યું નથી.

એક સમય હતો જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સાવરકર એક હદથી વધારે પરવડતા નહોતા. સાવરકરની જલદ ભાષા, તેમનો હિંદુ ધર્મને જોવાનો બુદ્ધિપ્રામાણ્યવાદી અભિગમ, તેમનો આકરો ગાંધીવિરોધ, સ્ત્રીઓ વિશેના વિચારો, બૌદ્ધ અને જૈન ધર્મ વિશેના અભિપ્રાયો, શીખો વિશેના અભિપ્રાયો, ધીરજ અને વિવેકનો અભાવ વગેરે જોઇને સંઘના નેતાઓને ત્યારે એમ લાગતું હતું કે સાવરકરને બાથમાં લેવામાં ફાયદો કરતાં નુકસાન વધુ છે. સંઘે સાવરકરની હિંદુ અને હિન્દુત્વની વ્યાખ્યા કરતી થિસીસ અપનાવી હતી, સાવરકરનું રાજકારણ અને રાજકીય શૈલી નહોતા અપનાવ્યા. ટૂંકમાં સાવરકરનો આત્મા તેમણે સ્વીકાર્યો હતો, સદેહે જીવતાજાગતા અને જરૂર કરતાં વધારે બોલતા સાવરકરને નહોતા સ્વીકાર્યા. સાવરકરને પણ આ વાતનો ગુસ્સો હતો. તેઓ સંઘના સ્વયંસેવક વિષે વ્યગમાં કહેતા કે ‘સ્વયંસેવક જન્મે છે, સંઘની શાખામાં જાય અને અને એક દિવસ મૃત્યુ પામે છે.’

આમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સાવરકરથી એક ગજનું અંતર રાખ્યું હતું. હવે સમય બદલાયો છે. ભારતનો સરેરાશ હિંદુ વિવેકી મટીને તામસી બન્યો છે અને સોશ્યલ મીડિયા તેને તામસી બનાવવામાં અને બનાવી રાખવામાં ફાળો આપી રહ્યા છે ત્યારે હવે તેમને સાવરકર પરવડવા લાગ્યા છે. ‘તારક મહેતાનાં ઊલટાં ચશ્માં’ના નિર્મતાઓએ આત્મારામ ભીડેના ઘરની દીવાલ પર નજરે પડતી સાને ગુરુજીની તસ્વીરને હટાવીને સાવરકરની તસ્વીર ટીંગાડી દીધી એ બદલાયેલા હિંદુ માનસનું પ્રતિક છે. સરેરાશ હિંદુ ઘરમાં સાવરકર પ્રવેશી રહ્યા છે તો હવે તેમને શરમાયા વિના ખુલ્લે આમ અપનાવવામાં જોખમ નથી એમ સંઘના નેતાઓને લાગવા માંડ્યું છે. જોખમ લેવાની ભૂલ એ લોકોએ જિંદગીમાં ક્યારે ય કરી નથી. તેમની પાસે પ્રોપેગેન્ડાનાં પુષ્કળ સંસાધનો છે એટલે આઠ-નવ દાયકા સુધી સાવરકર-છોછ રાખ્યા પછી હવે તેમને ગાંધીજીની કક્ષાના આઇકન તરીકે સ્થાપવામાં આવી રહ્યા છે. જુઓ, આ ગાંધીનો ગજ અહીં પણ આવ્યો. જેને ઉથાપવાના છે એનો જ ગજ કોઈને થાપવા માટે વાપરવો પડે છે. આ ગાંધીનું કરવું શું? વો મરતા કયું નહીં હૈ, યાર!

પણ સમસ્યા એ છે કે જેને થાપવામાં આવી રહ્યા છે એની બિચારાની બેસણી પિત્તળની છે. જ્યાં સુધી વિરાટ પુરુષ તરીકે આયોજનપૂર્વક સાવરકરને સ્થાપવાના પ્રયાસ નહોતા કરવામાં આવતા ત્યાં સુધી સાવરકરની બીજી બાજુ વિષે જાણકારો ખાસ બોલતા નહોતા. ત્રણ કારણો હતાં. એક બૌદ્ધિક પ્રમાદ. બીજું ઉપેક્ષાવૃત્તિ. આ લોકો શેકેલો પાપડ પણ ભાંગી શકતા નથી ત્યાં ચિંતા શું કામ કરવી. સૌથી વધુ તો આ લખનાર જેવા લોકોની શ્રદ્ધા સરેરાશ હિંદુની વિવેકબુદ્ધિ ઉપર હતી. હિંદુ પ્રજા સ્વભાવત: સહઅસ્તિત્વમાં માનનારી ઉદારમતવાદી પ્રજા છે એટલે હિંદુ માનસમાં રોપવામાં આવતા ઝેરની ખાસ અસર થવાની નથી એમ તેઓ માનીને ચાલતા હતા.  તેમની એ ધારણા ખોટી પડી એ જુદી વાત છે.

અને ત્રીજું કારણ હતું એક પ્રકારની ન્યાયબુદ્ધિ. ગમે તેમ તો ય એ માણસે સહન તો કર્યું છે ને! સાવ અનુદાર ન થવું જોઈએ. દરેક માણસને ગાંધીની કે ભગતસિંહની એરણે ન મપાય. એટલે તમે જોયું હશે કે દેશનાં કેટલાંક શહેરોમાં સાવરકરના નામે રોડ છે, સાવરકનાં સ્મારક છે, સાવરકરનાં યોગદાનને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમાં કોઈ જગ્યાએ તેમણે માફી માગી હતી અને જેલમાંથી છુટ્યા પછી આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો, ઊલટું  અંગ્રેજોને મદદ કરી હતી એવો ઉલ્લેખ સુદ્ધાં નથી. સાવરકર ગાંધીજીનાં ખૂનમાં એક આરોપી હતા અને જરાકમાં બચી ગયા હતા એ પણ પાઠ્યપુસ્તકમાં વાંચવા નહીં મળ્યું હોય. સાવરકરને ‘સ્વાતંત્ર્યવીર’ એવા વિશેષણથી ઓળખવામાં આવે છે એ પણ તમે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હશો. એ વિશેષણ સામે પણ કોઈએ વિરોધ નહોતો કર્યો.

અને યાદ રહે, આ બધું કાઁગ્રેસના દિવસોમાં થયું હતું અને કાઁગ્રેસી શાસકોએ કર્યું હતું. કારણ હતું, ન્યાયબુદ્ધિ. જો આજના જેવી કોઈને ઊગવા જ નહીં દેવાના અને જે ઊગ્યા છે એને બદનામ કરીને વાઢી નાખવાના એવી નીચતા ત્યારે હોત તો સાવરકર જેવાઓનાં ત્યારે બાળમરણ થયાં હોત. જો હિન્દુત્વવાદીઓ સાવરકરની નજીક જતા ડરતા હોય તો કલ્પના કરો કે એ યુગમાં સર્વસમાવેશક વિવેકી હિંદુની તાકાત કેટલી હશે! પણ સાવરકરોને ક્યારે ય તેમની સાચી જગ્યા બતાવવામાં નહોતી આવી, બદનામ કરવાની વાત તો બાજુએ રહી. સાવરકરના જીવન અને કાર્યથી સુપેરે પરિચિત લોકો પણ કહેતા હતા કે ગમે તેમ તો ય એણે સહન તો કર્યું હતું ને! સાવ નગુણા ન થવાય. બીજા શબ્દોમાં કહીએ તો હિન્દુત્વવાદીઓ ઉદારમતવાદી હિંદુઓની માણસાઈના લાભાર્થી છે.

આ લેખ અહીં પૂરો કરતાં પહેલાં અને અહીંથી આગળ વધતાં પહેલાં મારે બે વાત કરવી છે. પહેલી વાત એ કે હિંમત, ત્યાગ અને અત્યાચારો સહન કરવાની બાબતે વિનાયક દામોદર સાવરકર ચડે કે તેમના મોટાભાઈ ગણેશ દામોદર સાવરકર ચડે? કોઈ હિન્દુત્વવાદી માઈનો લાલ કહી બતાવે કે હિંમત, ત્યાગ અને સહન કરવામાં વિનાયક દામોદર સાવરકર તેમના મોટાભાઈ કરતાં ચાર ચાસણી ચડે. દસ્તુરખુદ મોહન ભાગવતને આ સવાલ પૂછી જુઓ. જો વિનાયક સાવરકરને સો માર્ક્સ આપો તો ગણેશ સાવરકરને ૧૧૦ માર્ક્સ આપવા પડે. આ સિવાય પરિવાર માટેનું અને નાનાભાઈ વિનાયક સાવરકર માટેનું તેમનું અને તેમનાં પત્નીનું સમર્પણ નતમસ્તક થઈ જવાય એવું અપ્રતિમ હતું. કોઈ હિન્દુત્વવાદી મારાં આ કથનનો અસ્વીકાર કરી બતાવે. પણ તેમને તો કોઈ ઓળખતું નથી! કારણ કે હિન્દુત્વવાદીઓને તેમનો ખપ નથી. ગણેશ સાવરકરમાં ચાલાકીનો અભાવ હતો.

હવે બીજી વાત. પ્રહ્લાદ કેશવ અત્રે નામના મરાઠી લેખકનું નામ તમે સાંભળ્યું હશે. વિલક્ષણ પ્રતિભા તેઓ ધરાવતા હતા. જકડી રાખે અને પ્રેમમાં પાડી દે એવી લેખનશૈલી અને એવા જ વક્તા. યશ તેમને એવો વર્યો હતો કે જેમાં હાથ નાખે એમાં સફળ થાય અને ટોચે પહોંચે. આ સિવાય મહત્ત્વકાંક્ષા પણ એટલી હતી કે ટોચે પહોંચવામાં જે જરૂરી હોય એ કરે. સાધનશુદ્ધિની ઝાઝી ચિંતા તેઓ નહોતા કરતા. આપણા ઇન્દુલાલ યાજ્ઞિકની જેમ તેમણે દળદાર છ ભાગમાં આત્મકથા લખી છે જેનું શીર્ષક છે; ‘કર્હે ચે પાણી’. કર્હે એ તેમનો જ્યાં જન્મ થયો હતો એ ગામમાંથી પસાર થતી સાવ નાની અને બિનમહત્ત્વની નદીનું નામ છે, પણ અત્રેની આત્મકથાને કારણે એ નદીનું નામ મહારાષ્ટ્રભરમાં જાણીતું થયું છે. અત્રેની આવી તાકાત હતી. તો હું વાત એ કહેવા માગું છું કે અત્રેએ તેમની આત્મકથામાં લખ્યું છે કે વિનાયક દામોદર સાવરકર અને મારી (અત્રે) વચ્ચે એક સમજૂતી થઈ હતી જેમાં મારે વિનાયક સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ખ્યાતનામ કરીને પ્રતિષ્ઠા આપવાની અને સામે તેઓ મને ‘આચાર્ય અત્રે’ તરીકે પ્રખ્યાત કરીને મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત કરે.

રહી વાત સાવરકરની માફી અને ગાંધીની સલાહની તો એ આવતા અઠવાડિયે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ઑક્ટોબર 2021

Loading

બે બિલાડી

રૂપાલી બર્ક|Opinion - Opinion|28 October 2021

બે બિલાડી કંઈ બોલી નહોતી,
ઊંચે બેઠેલો જોયો નહોતો.
વાંદરો જાતે જ વચ્ચે પડ્યો.
ના, એમનેમ નહીં, મનસૂબો હતો,
બે બિલાડીને મૂર્ખ બનાવી,
મસમોટો નફો કમાવવાનો.
રોટલામાં મસમોટો નફો?
ઉદ્યોગો, બાંધકામ, શેરસટ્ટો,
કારખાના, હવાઈઅડ્ડા, બંદર …
એકાએક રોટલો કેમ દેખાયો?
મજૂર ને માલિક પેટ ખાતર
જ વેઠ કરે છે ને, ભાઈ મારા?
અસબાબ માગો એટલા,
કોઈ વાતની ખોટ નહીં તો ય,
દાનત બગડી, મારી તરાપ,
બિલાડીના રોટલા ઉપર,
લાવો, સરખા ભાગ કરી દઉં.
ના રે, કરી લઈશું બે ભાગ,
કરતાં જ આવ્યા છે ને હંમેશ,
છે શું એમાં કરામત એવી?
છે. જબરી કરામત. છે!
કરો રોટલાના બે ભાગ.
થયો ને એક નાનો ને
એક મોટો? મોટાનું એક
બટકું તોડું ને બની જાય
બન્ને હિસ્સા સરખા જુઓ.
ઓહ, વધુ કરડાઈ ગયું!
નાની ફાડ થઈ ગઈ મોટી.
કરડીને સરખા કરું.
જોતજોતામાં રોટલો ઓહ્યા.
બાપડી બેઉ આંટા મારે છે,
વાંદરાની વખારના હવે!

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

જે શૈયે સુખી તે હૈયે પણ સુખી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 October 2021

સ્ત્રી-પુરુષના સંબંધો તો વિશિષ્ટ છે જ, તેમાં પણ પતિ-પત્ની બનેલાં પુરુષ અને સ્ત્રીના સંબંધો તો અતિ વિશિષ્ટ ગણાયા છે. સ્ત્રી-પુરુષ તો, બહેન-ભાઈ, વહુ-સસરા, ભોજાઈ – દિયર વગેરે પણ છે, પણ તેમની વચ્ચેના સંબંધો પતિ-પત્નીના હોય એવા નથી હોતા. આમ તો કહેવાતા પવિત્ર સંબંધો પણ દૂષિત થઈ રહ્યા છે, પણ મોટે ભાગે પતિ-પત્ની વચ્ચે હોય તેવા સંબંધો, અન્ય સ્ત્રી-પુરુષ સંબંધોમાં મોટે ભાગે નથી હોતા ને એટલું જુદાપણું સચવાઈ રહ્યું છે, તે આશ્વસ્ત કરનારી ઘટના છે. તો, પ્રશ્ન એ થાય કે સમાજ માન્ય પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં એવું શું વિશિષ્ટ છે જે અન્ય સ્ત્રી-પુરુષોના સંબંધમાં નથી? એનો સીધો જવાબ છે, પતિ-પત્ની વચ્ચેનો શરીર સંબંધ. શરીરસંબંધની હવે બહુ છોછ રહી નથી એટલે, પતિ-પત્ની ન હોય એવા સ્ત્રી-પુરુષોમાં પણ શરીર સંબંધ હોઈ શકે છે. ખાસ કરીને બોયફ્રેંડ-ગર્લફ્રેંડ વચ્ચેના સંબંધોને સમાજ માન્યતા નથી આપતો, એટલા પૂરતો એ સંબંધ અંગત કે ખાનગી ગણવો પડે. એની મોટી મર્યાદા એ છે કે તે સંબંધોથી શક્ય બનતા બાળજન્મને સ્વીકૃતિ મળતી નથી. કોઈ સંજોગોમાં બાળજન્મની નોબત આવે તો બાળકથી છૂટકારો એ જ એક વિકલ્પ બચે છે અથવા એવા સંબધને લગ્નમાંમાં ફેરવવા પડે છે ને તો બાળજન્મનો વાંધો કોઈને ન રહે એમ બને. 

ટૂંકમાં, બાળજન્મ અપેક્ષિત ન હોય તો શરીર સંબંધની બહુ છોછ હવે સમાજમાં રહી નથી. કોઈના પણ ગમે તેવા સંબંધો બાબતે સમાજ આંખ આડા કાન કરતો પણ થયો છે. છાને ખૂણે હવે ઘણું નભી જાય છે. એવી ક્લબો ચાલે છે જેમાં પતિ-પત્ની થોડો સમય માટે, બીજાનાં પતિ-પત્ની બને છે ને જુદા શરીરનો આનંદ માણે છે. આ જાહેર નથી હોતું ને નથી ત્યાં, બહુ ખાનગી પણ નથી હોતું ! આવા સંબંધો આયાતી સંબંધો છે. આપણે પરદેશની નકલ કરનારી પ્રજા છીએ. આ અદલાબદલી પણ એ નકલખોરીનું જ પરિણામ છે. એક સમય હતો જ્યારે શરીર સંબંધમાં બાળક રહી જવાનો ભય રહેતો ને કદાચ કોઈ સ્ત્રી એમાં સંડોવાઈ હોય તો તેણે બાળકથી છૂટકારો મેળવવો પડતો અથવા તો તેવી સ્ત્રીએ મોતને વહાલું કરવું પડતું અથવા તો સમાજ જ તેને તેવી દિશા ચીંધી બતાવતો. જો જીવતી, તો સ્ત્રીનું જીવન દોઝખથી બદતર થઈ જતું, પણ જ્યારથી ગર્ભ નિરોધકોનો ઉપયોગ વધવા માંડ્યો છે, સ્ત્રી-પુરુષ બાળક ન થાય એની કાળજી રાખે છે. બાળક રહી જવાનો ડર ન હોવાને લઈને કેટલીક સ્ત્રીઓ પણ હવે મુકતાચારમાં માનતી થઈ છે. એનું પરિણામ એ આવ્યું છે કે સ્ત્રી લગ્ન સમયે અક્ષત યૌવના હોય એ આગ્રહ હવે લગભગ પડતો મુકાયો છે. બાળક રહી જવાની ચિંતા રહેતી ન હોવાથી, સ્ત્રી-પુરુષો પ્રેમ કરવા બાબતે વધુ મુક્ત રહેવાં-થવાં લાગ્યાં છે. શરીરનો આનંદ માણવાની રીતો ને યુક્તિ-પ્રવૃત્તિઓનો વ્યાપ અને સમય પણ વધ્યો છે. એને લીધે પતિ પાસેથી પત્નીની ને પત્ની પાસેથી પતિની, શારીરિક અપેક્ષાઓ પણ વધી છે. એ હવે કેવળ એક વિધિ નથી, એ અવસર પણ છે ને એને અવસરની જેમ જ અલબત્ત ! અંગત રીતે ઉજવાય પણ છે. 

એક સમય હતો જ્યારે શરીર સંબંધ માટે પતિનો જ આગ્રહ ચાલતો ને અપેક્ષાઓ એક તરફી રીતે જ પૂરી થતી. સ્ત્રીને ઇચ્છા કે જરૂર હોય એવું ખાસ મનાતું નહીં. પછી તો પતિ જ સ્ત્રીને રસ લેતી કરતો, માંગતી કરતો ને એમ એનો પુરુષના શરીરમાં રસ વધતો આવે એમ પણ બનતું. શરૂઆતમાં તો સ્ત્રી તરફથી પહેલ ભાગ્યે જ થતી. આમ છતાં સ્ત્રીને, પુરુષની, સાથી તરીકેની ખોટ અનુભવાતી રહેતી. સામાજિક ઢાંચો જ એવો હતો ને છે કે વર્ચસ્વ આજે પણ મોટે ભાગે પુરુષનું જ રહેતું આવ્યું છે. જો કે, સ્થિતિ હવે થોડી બદલાઈ પણ છે. સ્ત્રી શરણાગતની ભૂમિકામાંથી બહાર આવી રહી છે ને પોતાનો હક માંગતી થઈ છે. પુરુષ પોતાની ઇચ્છાને સંતોષીને અટકી જાય એવું બહુ રહ્યું નથી. સ્ત્રી પોતાની વાતને આગ્રહપૂર્વક કહેતી થઈ છે ને અપેક્ષા રાખતી થઈ છે કે જેમ પત્ની, પતિની ઇચ્છા પૂરી કરે છે, એમ જ પુરુષ પણ પોતાની ઇચ્છાનો પડઘો પાડે. ઘણીવાર ઘરમાં સંતોષ ન મળે તો પુરુષ બીજેથી પણ સંતોષ મેળવવા પ્રયત્ન કરતો રહે છે. એ જ રીતે સ્ત્રી પણ બહારથી સંતોષ મેળવવાનું સાહસ કરતી થઈ છે. એ સહેલું નથી ને તેના પરિણામો જોખમી પણ બનતાં આવે છે, પણ પરિણામોની ચિંતા છતાં, સાહસો નથી જ થતાં એવું નથી.

એ સારું છે કે ખરાબ, એની ચર્ચામાં ન પડીએ તો પણ, પુરુષો કરતાં, સ્ત્રીઓનો શરીર સુખનો આગ્રહ વધતો આવે છે. તે અધૂરી કે અસંતોષી રહેવા નથી માંગતી. પતિ શરીર સુખ ન આપી શકતો હોય તો તે બીજેથી મેળવી લેવાનો ઘણી સ્ત્રીઓને વાંધો નથી પણ પડતો. પુરુષ વિધુર થાય તો તે ફરી પરણવાનું સહજ ગણે છે. એવું સ્ત્રીઓમાં પણ હવે જણાય છે. કોઈ પણ કારણે તે એકલી રહેવા બહુ ઇચ્છુક નથી. સ્ત્રીઓમાં ઘણુંખરું બે સ્થિતિ જોવા મળે છે. ઉચ્ચ ભણતર અને નોકરીને કારણે સ્ત્રી બહુ લગ્નોત્સુક જણાતી નથી. એનો અર્થ એવો નથી કે તેને સજાતીય કે વિજાતીય સંબંધોમાં રસ નથી. બીજી તરફ, વૈધવ્યની સ્થિતિમાં તે બહુ એકલી પણ રહેવા માંગતી નથી. તે પણ ફરી પરણે છે કે જરૂર પ્રમાણે લગ્નેતર સંબંધોમાં પણ મૂકાય છે. 

આધુનિક રહેણીકરણી, ખાનપાન, સામાજિક ભૂમિકા ને આનંદ માણવાની આવી મળેલી આધુનિક રીતિઓની, જેમ પુરુષો પર અસરો પડી છે એમ જ સ્ત્રીઓ પર પણ તેનો પ્રભાવ પડ્યો છે. શરીરી પ્રેમ હવે એકતરફી નથી તે દ્વિપક્ષી છે. કોઈ એક જ આનંદ માણે ને બીજું શરણાગતિ સ્વીકારી રાખે એવું ઓછું છે. એ સારું પણ છે. એક વેઠે ને એક માણે એ તો શોષણ ગણાય ને કમ સે કમ પ્રેમમાં એ અપેક્ષિત નથી, પણ એ તો આદર્શ થયો. વ્યવહારમાં જરા જુદું પણ જોવા મળે છે. અત્યારની સ્થિતિ સ્ત્રી-પુરુષમાં એકબીજાનો ઉપયોગ કરી લેવાની વિશેષ જોવા મળે છે. સ્ત્રીનો ઉપયોગ કરી લેવાનું નવું નથી, પણ ત્યારે તે પુરુષો પૂરતું મર્યાદિત હતું. હવે સ્ત્રી પણ એમાં પાછળ નથી. તે પણ પુરુષોને ફગાવતાં શીખી ગઈ છે. આ બધું ગળાકાપ સ્પર્ધામાં ઘણાંને જરૂરી પણ લાગે છે. હશે. જરૂરી પણ હશે, પણ એમાં બંને પક્ષે લાગણીનો છેદ ઊડે છે તે ભૂલવા જેવું નથી. મશીન પણ લાગણી અનુભવતાં થયાં હોય, તો માણસ, મશીન થઈને રહી જાય તે કોઈ રીતે યોગ્ય નથી. સામે મશીન નથી ને પોતે જીવંત વ્યક્તિ છે, તો મશીન બની રહેવાનો કે બીજાને મશીન સમજવાનો ઉપક્રમ માનવ જાતિને ઉપકારક નથી એ સમજી લેવાનું રહે.

હર્ષ, આંસુ, લાગણી, પ્રેમ … મનુષ્યની બહાર નથી. તે મનુષ્યની અંદર છે. તેનું મૂલ્ય મનુષ્યે જ સમજવાનું છે, કારણ તે, તેને માટે જ છે. કોઈને માટે લાગણી થવી, પ્રેમ થવો મનુષ્યને મળેલું અદ્ભુત વરદાન છે. લાગણી મનની હોય ને તે શરીરની ઝંખના કરે ને બંને શરીર, તેવું ઈચ્છે તો એ મિલનથી વધુ સુંદર જગતમાં બીજું કૈં નથી. શૈયામાં મળતું સુખ ને શૈયામાં અપાતું સુખ સ્ત્રી-પુરુષની મનની શાંતિને અકબંધ રાખે છે. ઘણાં યુગલો હૈયે એકબીજાને ખૂબ ચાહતાં હોય, પણ શૈયે સંતોષ ન પામતાં હોય તો તેમના વ્યવહારમાં એ અસંતોષ વખતો વખત છલકાતો રહે છે. ઘણીવાર રિસાયેલાં યુગલો, શૈયે સંતોષ મેળવે છે તો ઘણા ઝઘડાઓનો અંત પણ પથારીમાં જ આવી જતો હોય છે ને નવાં જોમ સાથે નવી સવાર પડતી રહે છે. 

એટલું સમજી લેવાનું રહે કે લાગણીમાં વધઘટ થતી રહે, રોજ જ શરીર સંતોષ ન પામે એમ બને, પણ જ્યાં માત્ર ઉપયોગની વાત કેન્દ્રમાં હશે, સંબંધો ઝાઝું ટકતા નથી. એ પણ છે કે મન વગર માળવે ન જવાય, પણ એકલું મન જે શરીરમાં છે તેનું પણ અદકેરું મહત્ત્વ છે. એટલે મન જે શરીરમાં છે, એ શરીર પણ સુખથી વંચિત ન રહે એ પણ જોવાનું રહે જ છે. નથી એકલું મન અલગ રહી શકતું, નથી એકલું તન અલગ રહી શકતું. એ બંને છે તો માણસ છે ને તેની લાગણી છે. મનને કારણે મેળ પડે ને એ જ મન, તનની ઇચ્છા કરે ને એમ મનમેળ અને તનમેળ પડે તો રોજમેળ બેસી જાય છે. જરૂરી છે એકબીજા માટેની ઝંખના ! ઝંખના જ જીવન છે એવું નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,8861,8871,8881,889...1,9001,9101,920...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved