Opinion Magazine
Number of visits: 10,225,865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ફોટોજર્નાલિસ્ટનું ચંબલના ડાકુઓ સાથેનું એસાઇમેન્ટ …

કિરણ કાપુરે|Opinion - Opinion|24 December 2021

ફોટોજર્નાલિસ્ટ તરીકે પ્રશાંત પંજિયારનું નામ જાણીતું છે. ફોટોજર્નાલિસ્ટનું કાર્ય છબિ દ્વારા ન્યૂઝ સ્ટોરી દર્શાવવાનું છે અને પ્રશાંત પંજિયારની તે બાબતે ખ્યાતિ આંતરરાષ્ટ્રિય સ્તર સુધી પહોંચી છે. તેઓએ ‘ઇન્ડિયા ટુડે’ અને ‘આઉટલુક’ જેવાં મીડિયા સંસ્થાનોમાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમના વિશે વાત કરવાનો ઉપક્રમ એટલો જ કે હાલમાં તેમનું એક પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’ પ્રકાશિત થયું છે. પુસ્તકના પ્રકાશક નવજીવન ટ્રસ્ટ છે અને તેમાં પ્રશાંત પંજિયારે તેમની તસવીર સાથે પૃષ્ઠભૂમિમાં રહેલી અજાણી સ્ટોરીઝને મૂકી છે. તેમનું સૌથી પ્રસિદ્ધિ અને પ્રશંસા પામેલું કાર્ય ચંબલ ઘાટીનું છે, જ્યાં તેમણે વર્ષો સુધી રહીને ત્યાંના ડાકુઓનું તસ્વીરી દસ્તાવેજિકરણનું કામ કર્યું. તે સિવાય પણ એંસી-નેવુંના દાયકાની મહત્ત્વની ઘટનાઓના પ્રશાંત સાક્ષી રહ્યા છે. પ્રશાંતનાં કાર્યનું ફલક વ્યાપક છે પણ તેની ઝલક તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’માં જોઈ શકાય છે.

ફોટોજર્નાલિસ્ટ તરીકે ભારતનો ઇતિહાસ ઉજ્જવળ નથી અને સ્થાનિક ભાષાઓના અખબારોમાં તો આજે પણ તેઓની સ્થાયી જગ્યા નથી. અંગ્રેજી અખબારો અને મેગેઝિનોમાં ફોટોજર્નાલિસ્ટોને અવસર આપ્યા છે અને આ અવસર હજુ તો આપવાની શરૂઆત થઈ હતી તે વખતે પ્રશાંતે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તે વખતે કંઈ કારકિર્દી ઘડવાનો ઇરાદો નહોતો, બસ શોખથી ફોટોગ્રાફીની શરૂઆત થઈ. ફોટોગ્રાફી કરવી તે નિજાનંદ તો હતો જ, પણ ખૂબ જલદી તેઓ ચંબલના એક એસાઇમેન્ટ સાથે સંકળાયા. કામ હતું ચંબલની ઘાટીમાં ડાકુઓ વિશે જાણવા-સમજવાનું. ચંબલ ઘાટી ડાકુઓ માટે કેન્દ્રસમી રહી છે. દેશના મધ્ય વિસ્તારમાં આવેલાં આ ક્ષેત્રમાં સામંતી અને જાતિ વ્યવસ્થાની સામે બળવો કરીને ડાકુની ટોળકીમાં સામેલ થવું સામાન્ય હતું.

પ્રશાંતે ડાકુઓની આ દુનિયા જોઈ ત્યારે જે કલ્પના કરી હતી તેનાથી તદ્દન જુદું હતું. પ્રશાંત એક મુલાકાતમાં નોંધે છે કે, તેઓ ફિલ્મોમાં દર્શાવવામાં આવતાં ડાકુઓથી તદ્દન જુદા હતા. સામાન્ય રીતે ફિલ્મોમાં ડાકુઓ કુર્તા પહેરતા અને તેઓના ખભે અથવા કમરમાં કારતૂસો રહેતી અને સાથે તેઓ ઘોડા પર જ આવતા. પરંતુ પ્રશાંત જ્યારે ચંબલ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની પાસે ઘોડા કે વાહનો નહોતાં. ચાલીને જ તેઓ સફર કાપતા અને સામાન્ય રીતે પોલીસનો યુનિફોર્મ પહેરતા હતા. સૌથી અગત્યનું કે ડાકુગીરીથી થતી તેમની કમાણી ખૂબ નહોતી, બલકે એવું કહી શકાય કે શહેરમાં એક સામાન્ય ચોર કરતાં પણ તેઓની પાસે ઓછા પૈસા રહેતાં.

પ્રશાંતને જ્યારે ચંબલમાં જવાનું થયું તે કાળે ફૂલનદેવીની ગેંગે 22 રાજપૂત લોકોને મારી નાંખ્યા હતા તે ઘટના તાજી હતી. આ ઘટનાની પ્રતિક્રિયા એટલી તીવ્ર આવી કે તત્કાલિન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વી.પી. સિંઘે રાજીનામું આપ્યું હતું. બસ, આ પછી કલ્યાણ મુખરજી નામના એક રિસર્ચ સ્કોલર પ્રશાંત પાસે આવ્યા. કલ્યાણને ડાકુઓના સમાજ પર એકેડેમિક રિસર્ચ કરવું હતું. થોડો વિચાર કર્યા બાદ એક અન્ય સાથી બ્રિજરાજ સિંઘ સાથે તેઓ ચંબલ જવા ઉપડ્યા.

પોતાના ખર્ચે પ્રોજેક્ટ પાર પાડવાનો હતો એટલે તેમાં ઝડપથી કામ કરવાનો પણ ઉદ્દેશ હતો. પરંતુ જ્યારે પ્રશાંત, કલ્યાણ અને બ્રિજે આ કામ ઉપાડ્યું અને તેઓ ચંબલના કેટલાક ક્ષેત્રમાં જઈ આવ્યા ત્યારે તેમને લાગ્યું કે આપણે એક ડાકુની ગેંગ ઉપર જ પુસ્તક કેમ ન લખીએ? તે વખતે મલ્ખનસિંઘ નામના ડાકુની ગેંગ કુખ્યાત હતી. મલ્ખનસિંઘ ‘બાઘી’ બન્યો હતો તેના માલિકના અત્યાચાર સામે. તેની બગાવત તેને દાસ્યૂ સમ્રાટ ગેંગનો મુખિયા બનાવ્યો હતો.

મલ્ખનસિંઘને મળવાનો રોમાંચ પ્રશાંતને હતો, પણ આ સાહસમાં જોખમેય હતું. જે વ્યક્તિને પોલીસ શોધતી હોય તેની પાસે પહોંચવું પ્રશાંત અને તેમના સાથીઓ માટે સરળ નહોતું. પહેલાં તો પ્રશાંત અને તેના સાથીઓ એવાં સ્થાને પહોંચ્યા જ્યાં તેમને મલ્ખનસિંઘના ગેંગના ઇન્ફોર્મર હોવાની બાતમી મળી. આ ઇન્ફોર્મરો પાસે તેઓએ મળવાનો મેસેજ મોકલ્યો. મલ્ખનસિંઘે તેમાં કોઈ રસ ન દાખવ્યો. પરંતુ જ્યારે તે આત્મસમર્પણનો વિચાર કરવા લાગ્યો ત્યારે તેણે પ્રશાંત અને તેના સાથીઓને મળવાનો સમય આપ્યો. એકાદ વર્ષ બાદ આ સંયોગ ઊભો થયો હતો અને રાતની મુસાફરી કરીને તેઓ મલ્ખનસિંઘના ગેંગના ઠેકાણે પહોંચ્યા. તે જાણતો હતો કે ત્રણ પત્રકારો તેની શોધખોળ કરી રહ્યા છે. પ્રશાંત કહે છે કે જ્યારે તેને પહેલીવાર મળ્યા ત્યારે તેને લાગ્યું કે અમે તટસ્થ પત્રકારો છીએ અને તેના આત્મસમર્પણ વિશે મધ્ય પ્રદેશ સરકાર સાથે વાતચીત કરીશું. જો કે અમે તો વળતી વેળા સુધી અમારું કામ કરી ચૂક્યા હતા. અમારી પાસે મલ્ખનસિંઘની માહિતી અને છબિઓ આવી ચૂકી હતી.

આ મુલાકાત પછી મહિનામાં જ મલ્ખનસિંઘે આત્મસમર્પણ કર્યું અને પછીથી પ્રશાંત ને તેના સાથીઓએ જેલમાં તેની મુલાકાત કરીને એક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું નામ છે : ‘મલ્ખન : ધ સ્ટોરી ઑફ બેન્ડિટ કિંગ’. મલ્ખન સિંઘ સ્થાનિકો વચ્ચે લોકપ્રિય હતો. ચંબલનો તે છેલ્લો ડાકુ હતો. તે સામાન્ય ગુનેગારોની જેમ ડાકુ નહોતો બન્યો, બલકે તેનું સ્વમાન ઘવાયું અને તે આ માર્ગે વળ્યો. સિંઘને ચંબલ બેહદ પસંદ હતું. તે પોતે દારૂ નહોતો પીતો અને ન તો તેમના સાથીઓને પીવા દેતો. તે ગરીબોનો મસીહા હતો અને મંદિરો નિર્માણ કરાવતો. તેની ગેંગના સભ્યને સ્ત્રીઓ સાથે અણછાજતું વ્યવહાર કરવાની છૂટ નહોતી. જો ક્યારેક તેમનો સામનો મહિલા સાથે થાય તો તેના ગેંગના સભ્યો તરત તે મહિલાના ચરણસ્પર્શ કરતા.

જ્યારે મલ્ખાન અને તેની ગેંગે આત્મસમર્પણ કરવાનો દિવસ આવ્યો, ત્યારે તેને જોવા માટે આસપાસના ગ્રામજનો એકઠા થયા હતા. આત્મસમર્પણ નિશ્ચિત જગ્યા પર થયું અને પોલીસ અને ગેંગ સમાધાની કરવા પર સંમત થયા. આત્મસમર્પણ પૂર્વે મલ્ખાને તેના મૂળ ગામ બિલાઓમાં રાતવાસો કર્યો હતો. તે અને તેના ગેંગે ત્યાં પૂજા કરી, ફાયરીંગ કર્યું. પછી તેઓએ તસ્વીર ખેંચાવડાવી. આ બધું જ થયું ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ ત્યાં હાજર રહ્યા હતા. અહીંયા જ તેમની સાથે પ્રશાંત સહિત તેમના સાથીઓએ મલ્ખન સિંઘ સાથે વાતચીત કરી. સરકારના પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. મલ્ખનના પિતા તે દિવસે એ જોઈને દુઃખી હતા કે તેમનો દીકરો કાયદા સામે સમર્પણ કરી રહ્યો છે. બસ, ત્યાંથી મલ્ખનને જેલમાં લઈ જવામાં આવ્યો. 1983માં જ્યારે મલ્ખાનને પેરોલ મળ્યા ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ મલ્ખાન સાથે ચંબલ ગયા હતા. ચંબલ તેઓ મલ્ખાનના દીકરા અને દીકરીને મળ્યા હતા.

મલ્ખાન સિંઘની સ્ટોરી કાગળ પર ઉતરે તે દરમિયાન પ્રશાંતનું ચંબલ વિસ્તારમાં રહેવાનું સારું એવું બન્યું હતું. તેમ છતાં મલ્ખન ગેંગ દ્વારા થયેલી ખૂનાખરાબી વિશે સાંભળ્યું ન હતું. પ્રશાંત એવું યાદ કરે છે કે, પુસ્તક અંગે કામ કરતા હતા તે વખતે ગનફાયર અને ડાકુઓના મૃતદેહોના તેઓ સાક્ષી રહ્યા હતા. આવા જ એક કહેવાતા ડાકુઓને મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંત ત્યાં હાજર હતો. પાનસિંઘ તોમરને પણ મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંતની ત્યાં હાજરી હતી અને પોલીસે પાનસિંઘને મારીને તેનો મૃતદેહ લોકોને જોવા માટે મૂકી રાખ્યો હતો. પોલીસ સાથે ડાકુ ગેંગ સાથે થતી ખૂનાખરાબી ત્યારે સામાન્ય હતી.

ચંબલમાં જવાનું બન્યું ત્યારે પ્રશાંતની ઉંમર ચોવીસ વર્ષની હતી અને પછીથી પ્રશાંતને જમીન સંબંધિત મુદ્દાઓમાં વધુ રસ જાગ્યો. ચંબલ અગાઉ પણ તેઓ બિહારમાં નક્સલ મૂવમેન્ટને જોઈ ચૂક્યા હતા. પણ તે કહે છે કે આ બધો રોમાંચ તો હતો જ, પણ તેમાં ક્યાં ય હળવાશ નહોતી. ડાકુઓને સમજવાનો આ ગંભીર પ્રયાસ હતો. પ્રશાંતનું કહેવું છે કે નક્સલીઓ અને ડાકુઓ સ્થાપિત હિતો સામે અન્યાય વિરુદ્ધ જંગ છેડવાને લઈને ઊભા થાય છે. પરંતુ તેઓ અલગ છે. નક્સલીઓનો પ્રયાસ સામંતી વ્યવસ્થાને તોડી પાડવાનો હોય છે જ્યારે ડાકુઓ એવી કોઈ ક્રાંતિ કરવાનો વિચાર ધરાવતા નથી, તેઓ માત્ર આ સામંતી વ્યવસ્થામાં ન્યાય ઝંખે છે. 1940થી 60 સુધીમાં ચંબલમાં ડાકુઓ કહેરના સમાચાર પૂરા દેશમાં ચમકતા હતા. પરંતુ પછીથી તેમનો અસ્તકાળ શરૂ થયો અને તેઓ લૂંટ બંધ કરી અને તેઓ અપહરણ-ખંડણીમાં પડ્યા. અને નેવુંનો દાયકો આવતાં આવતાં ચંબલ ડાકુઓથી મુક્ત થઈ ચૂક્યું હતું.

પ્રશાંત પંજિયારના અનુભવની આ ઝલક છે તેનું વિસ્તૃત વર્ણન અને અન્ય તસ્વીરો માટે ‘ધેટ વિચ ઇઝ અનસિન’ પુસ્તક ખરીદવું રહ્યું.

e.mail : kirankapure@gmail.com

Loading

એ દસ વરરસમાં સાવરકરે લાકડી પણ હાથમાં લીધી નહોતી

રમેશ ઓઝા|Opinion - Opinion|23 December 2021

ઈ.સ. ૧૯૦૦ની સાલમાં વિનાયક દામોદર સાવરકરે તેમનાં વતન નાસિકમાં ‘મિત્ર મેળા’ની સ્થાપના કરી. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૦૨માં પૂના ભણવા ગયા. ૧૯૦૪માં ‘અભિનવ ભારત’ નામનાં સંગઠનની સ્થાપના કરી. ૧૯૦૫માં બી.એ.ની પરીક્ષામાં પાસ થઈને ૧૯૦૬માં લંડન ભણવા ગયા. ૧૯૦૯ના જુલાઈ મહિનામાં મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કર્યું. વરસ પછી ૧૯૧૦માં તેમને લંડનથી ભારત લાવવામાં આવ્યા. આરોપ એવો હતો કે લંડનમાં અને ભારતમાં થતાં ખૂનોમાં સાવરકરનો હાથ છે. ૨૪મી ડિસેમ્બર ૧૯૧૦ના રોજ તેમને ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. ૩૧મી જાન્યુઆરી ૧૯૧૧ના રોજ તેમને બીજીવાર બીજા એક આરોપમાં ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. સાધારણપણે બન્ને સજા સાથે ભોગવવાનું જજ કહેતા હોય છે, પરંતુ સાવરકરને ૨૫ વરસનાં કારાવાસની સજા એક પછી એક ભોગવવાનો ચુકાદો આપવામાં આવ્યો.

કુલ ૫૦ વરસની સજા. કદાચ બ્રિટિશ સામ્રાજ્યના ઇતિહાસમાં રાજકીય આરોપીને આવી સજા પહેલી અને છેલ્લી વાર કરવામાં આવી હતી. આ સજા અમાનવીય હતી. ઈરાદો સાવરકરના મનોબળને તોડી નાખવાનો, ચીડ કાઢવાનો અને હિંસાનો માર્ગ અપનાવતા કે હિંસા માટે ઉશ્કેરનારા અન્ય લોકોને ચેતવવાનો હતો. ઓછામાં પૂરું સાવરકરને આંદામાન મોકલવામાં આવ્યા. તેમના મોટાભાઈને પણ આવી જ આકરી સજા કરવામાં આવી હતી. અંગ્રેજોએ આવી સજા કરી એની પાછળનું કારણ સાવરકરની ચાલાકીઓ હતી. અંગ્રેજોએ કચકચાવીને ગુસ્સો કાઢ્યો હતો.

આવી આકરી સજા અમાનવીય હતી એમાં કોઈ શંકા નથી. સાવરકર સાથે અન્યાય કરવામાં આવ્યો હતો એમાં પણ કોઈ શંકા નથી. સાવરકર આખા દેશની સહાનુભૂતિનો વિષય હતા અને તેમને તે મળી પણ હતી. પણ ત્યારે કોઈએ કહ્યું નહોતું કે સાવરકરને આવી સજા તેમની જાનફેસાની માટે કરવામાં આવી છે, બહાદુરી માટે કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અને દેશના એ સમયના લબ્ધપ્રતિષ્ઠ નેતાઓએ પણ નહોતું કહ્યું કે સાવરકરને કોઈ શૌર્ય બતાવવા માટે આવી સજા કરવામાં આવી હતી. ભારતમાં સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે સાવરકર વધારે પડતી ચાલાકીઓનો શિકાર બન્યા છે. માટે તેમના માટે સહાનુભૂતિનો ભાવ સર્વત્ર હતો. શૌર્ય સાથે તેને કોઈ સંબંધ નહોતો. આ સિવાય વાય.ડી. ફડકેએ તેમના ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ નામના ગ્રંથમાં કહ્યું છે એમ મુંબઈ, પૂના અને નાસિક જિલ્લાના લોકો સાવરકરથી નારાજ હતા. તેમને એમ લાગતું હતું કે સાવરકર સુરક્ષિત જગ્યાએ બેસીને અને પોતાનું ભણતર ચાલુ રાખીને અમારા છોકરાવને હિંસા કરવા ઉશ્કેરે છે. આમ કેટલાક લોકોની તો સહાનુભૂતિ પણ નહોતી.

આ છતાં ય એમાં કોઈ શંકા નથી કે સાવરકર દેશની સહાનુભૂતિનો વિષય હતા. પ્રત્યક્ષ શૌર્ય સાથે તેમનો દૂરદૂરનો પણ સબંધ નહોતો. આ અખો વૃત્તાંત તપાસીને તમે પોતે વિચારો અને કહો કે ૧૯૦૦ની સાલમાં સાવરકરે મિત્ર મેળાની સ્થાપના કરી ત્યારથી લઈને ૧૯૧૦-૧૧માં તેમને કાળાપાણીની સજા કરવામાં આવી ત્યાં સુધીનાં દસ વરસમાં સાવરકરે એવું કયું મહાન કૃત્ય કર્યું જેને હિંસક ક્રાંતિ કે વિદ્રોહ તરીકે ઓળખાવી શકાય? એ દસ વરસમાં તેમણે પોતે શૌર્યનું કોઈ કૃત્ય કર્યું નહોતું. તેમણે પોતે ક્યારે ય બંદૂક અને રિવોલ્વર તો દૂરની વાત છે, લાકડી પણ હાથમાં લીધી નહોતી. તેમણે પોતે અંગ્રેજોનો કોઈ કાયદો તોડ્યો નહોતો. ઊલટું લંડન સ્ટેશને તેમની ધરપકડ કરવામાં આવી એ પછી લંડનમાં તેમને ભારત મોકલવા માટેનો ખટલો ચાલ્યો ત્યારે તેમણે અંગ્રજ-રાજ માટેની વફાદારી જાહેર કરી હતી. ક્રાંતિકારીઓ સાથે તેમનો સ્નાનસૂતકનો સંબંધ નથી એવો બચાવ કર્યો હતો. કોઈને ખાતરી કરવી હોય તો એ ખટલામાં સાવરકરનું બચાવનામું ઉપલબ્ધ છે. રહી વાત ફ્રાન્સના સમુદ્રમાં ઊડી મારવાની અને નાસી જવાના પ્રયત્નની તો એ પણ બચી નીકળવાનું એક છેલ્લું આવલું હતું. તેમની ગણતરી ફ્રાન્સમાં રાજ્યાશ્રય મેળવવાનો હતો.

લંડનની માફક મુંબઈની અદાલતમાં પણ સાવરકરે બીજાની (દેશદાઝ ધરાવતા ક્રાંતિકારીઓ જેમનું પ્રેરણાસ્થાન સાવરકર પોતે હતા) સામે દાવ ઉલટાવીને બીજાના ભોગે હાથ ઊંચા કરીને બચી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ગયા લેખમાં મેં જાણીતા હિંદુવાદી નેતા અને હિંદુ મહાસભાના સભ્ય બેરિસ્ટર મુકુંદરાવ જયકરની આત્મકથાનો હવાલો આપ્યો હતો. જયકર સાવરકર જેમાં આરોપી હતા એ જેક્સન ખટલા વિષે લખે છે: … ‘the feeling at the Bar, which I shared fully, was in strong disapproval of the attitude adopted by the accused in both these cases and it was felt that the level of dignity, courage and integrity which the cause of Indian freedom had reached during the two previous trials of Tilak and Paranjape had been immeasurably lowered by the attitude of the accused in these two later cases.’ (The Story of My Life, page 103.) જયકર લખે છે કે લોકમાન્ય તિલક અને મહાદેવ શિવરામ પરાંજપે સામેના રાજદ્રોહના ખટલામાં એ બન્ને (તિલક અને પરાંજપે) આરોપીઓએ જે શાલીનતા, હિંમત અને પ્રામાણિકતા દાખવ્યાં હતાં તેનો અહીં સદંતર અભાવ હતો. અદાલતમાં આરોપીનું વલણ આઝાદી માટેની લડાઈનું સ્તર નીચે લઈ જનારું હતું.

કોણ આમ કહે છે? બેરિસ્ટર જયકર જે સાવરકરના સમકાલીન હતા અને હિંદુવાદી નેતા હતા. તેમણે તેમની આત્મકથાના બીજા ખંડમાં હજુ એક પ્રસંગ નોંધ્યો છે. જયકર રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા. તેમણે મિશનના ખારના આશ્રમમાં વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું જેમાં સાવરકરની મુક્તિ પછી તેમને વક્તા તરીકે બોલાવ્યા હતા. એ સભામાં સાવરકરે કહ્યું હતું કે નૈતિકતા અને મૂલ્યનિષ્ઠા એક દુર્ગુણ છે. (પૃષ્ઠ ૫૪૧) જી હા, ચોંકવાની જરૂર નથી, આમ જ કહ્યું હતું. જયકરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સાવરકરના આવા અભિપ્રાયના પરિણામે સભામાં હોહા મચી ગઈ હતી.

એ ગાંધીનો યુગ હતો. જો આજનો યુગ હોત તો હિન્દુત્વવાદી દેશપ્રેમીઓએ તાળીઓ પાડી હોત અને સીટીઓ વગાડી હોત!

હજુ એક પ્રમાણ આપું? અપ્પાસાહેબ પટવર્ધન મહારાષ્ટ્રમાં સાને ગુરુજીની કક્ષાના લોકસેવક તરીકે ઓળખાય છે. તેમણે ‘માઝી જીવન-યાત્રા’ના નામે આત્મકથા લખી છે. એ આત્મકથામાં એક પ્રકરણ (પ્રકરણ ૧૦) સાવરકર વિષે છે. ગાંધીજી રત્નાગિરિના પ્રવાસે ગયા ત્યારે અપ્પા પટવર્ધને ગાંધીજીને પૂછ્યું હતું કે સાવરકર અહીં રત્નાગિરિમાં છે અને અમે તેમના સંપર્કમાં છીએ તો અમે તેમની સાથે કામ કરીએ? ગાંધીજીએ તેમને કહ્યું હતું; ‘આમ તો કશો વાંધો નથી, પણ જરા સંભાળીને. બહુ ઊંડો માણસ છે.’ આનો પરિચય અપ્પાસાહેબને બીજા જ દિવસે થઈ ગયો હતો. અપ્પાસાહેબ લખે છે કે ગાંધીજી બીજે દિવસે સાવરકરને મળવા ગયા. તેઓ ગાંધીજીની સાથે હતા. એ મુલાકાતનો વૃત્તાંત મુંબઈના ‘શ્રદ્ધાનંદ સાપ્તાહિક’માં પ્રકાશિત થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાવરકરને મળીને ગાંધીજી ગદ્દગદ્દ થઈ ગયા હતા અને  ધન્યતાનો અનુભવ કર્યો હતો. એ અહેવાલ ‘રત્નાગિરીચે વાર્તાહર જોશી કડુંન’ના નામે સાવરકરે પોતે લખ્યો હતો અને મુંબઈ મોકલ્યો હતો. (પૃષ્ઠ, ૨૫૪-૨૫૫)

સાવરકર નૈતિકતા, મૂલ્યનિષ્ઠા અને સાધનશુદ્ધિને દુર્ગુણ સમજતા હતા એવું કહેનારા હજુ વધુ દસ-બાર પ્રમાણ હજુ આપી શકું એમ છું પણ એની હવે જરૂર નથી, જ્યારે સાવરકરનું પોતાનું લખાણ ઉપલબ્ધ છે. શિવાજી મહારાજે મુસ્લિમ સિપાઈઓની હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેના હિંદુ સિપાઈઓને ભોગવવા માટે વહેંચી દેવી જોઈતી હતી એમ સાવરકરે તેમના મરાઠી ગ્રંથ ‘સહા સોનેરી પાન’માં લખ્યું છે અને કહ્યું છે કે સદ્દગુણ હિંદુઓની કમજોરી છે. સાવરકર તેને ‘સદગુણ-વિકૃતિ’ તરીકે ઓળખાવે છે. આ શબ્દપ્રયોગ મારો નથી, સાવરકરનો પોતાનો છે. − સદગુણવિકૃતિ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 ડિસેમ્બર 2021

Loading

ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 December 2021

ઘણાંને ઘરનો જબરો મોહ હોય છે. બધું ઘરનું જ જોઈએ. ખાવાનું ઘરનું, સૂવાનું ઘરનું, ઘરવાળી ઘરની … જો કે, ઘરવાળી તો ઘરની જ હોય ! બહારની હોય તો ય ઘરમાં ન ચાલે.

એ ખરું કે પરણે નહીં ત્યાં સુધી, છોકરો બહારનું ખાઈને જ મોટો થતો હોય છે. ભણવાનું ગામની બહાર હોય તો છોકરો મેસમાં ખાઈને બધું 'મેસ' કરતો હોય છે ને સિલકમાં મેશ જેવો જ રહી જતો હોય છે. એ બિચારો તો છેક પરણે ત્યારે ઘરનું ખાતો થાય છે.

મારું પણ એવું જ હતું. નાનો હતો ત્યારે બાએ કોળિયા ભરાવેલા, તે પછી તો રજાઓમાં ઘરે જવાનું થતું તો ઘરનું ખાવાનું મળતું. એ પછી નોકરી શહેરમાં લાગી. શહેરમાં જ પ્રેમ થયો ને ઘર પણ શહેરમાં જ માંડવાનું થયું. શરૂઆતના દિવસોમાં તો મારી એકની એક પત્ની ને હું ગામમાં રહ્યાં ને બાના હાથનું સરસ મજાનું ખાવાનું થયું. મારી પત્ની પણ બાના હાથનું ખાઈને તંદુરસ્તીની રક્ષા કરતી રહી, પણ એ કાયમનું ન હતું. ગમે ત્યારે શહેર તો આવવાનું જ હતું ને કાયમનું તો પત્નીના હાથનું જ ખાવાનું હતું. મને પણ થયું કે પત્નીના હાથની રસોઈનો લહાવો મળશે, પણ એણે જાહેર કરી દીધું કે તેને રાંધવાનો કંટાળો છે. એટલે રાંધતી નથી, એવું નહીં, પણ એનું રાંધેલું કોઈ બહુ ખાવા કરતું નથી એવું એણે જ્યારે કહ્યું તો મને દાળની જેમ કોઈએ તપેલામાં ઓરી દીધો હોય એવી લાગણી થઈ. તેણે જ કહ્યું કે તેના પિયરમાં એનો રાંધવાનો વારો રહેતો તો ઘરનાં સભ્યો ઘરનું ખાવાથી દૂર રહેતા ને નકોરડો ખેંચી કાઢતા. પત્નીએ જ કહ્યું કે તે રાંધતી તો બરકત ઘણી રહેતી. કોઈ ખાય તો ખૂટેને ! ખાવાનું વધતું તો ગાયકૂતરાંને નાખવું પડતું ને એ પણ ઉપવાસી રહેવામાં જ સલામતી જોતાં.

મને થોડું, પણ સ્વાદિષ્ટ ખાવાનું જોઈએ ને પત્નીને વધારે જોઈએ ને સ્વાદનો એને પહેલેથી જ આગ્રહ ન હતો. સ્વાદિષ્ટ એને પણ ભાવતું ખરું, પણ એ બીજાના હાથનું હોય તો ! પોતાને હાથે સ્વાદ એને બહુ માફક આવતો ન હતો.

એની વિશેષતા એ હતી કે તેને એકાદ આઈટમથી જ ચાલી જતું, કારણ આઈટમ બીજી હોય તો તે બનાવવી પડતી ને એ તેના ગજા બહારનું હતું. એને બનાવતાં સારી એવી વાર લાગતી ને જે એનું ખાવા ઈચ્છે તેને વાર ન લાગે એવું ભાગ્યે જ બનતું, સિવાય કે ખાવાનું માંડી વાળ્યું હોય !

ખીચડી તેની રાષ્ટ્રીય વાનગી હતી. કૈં પણ બનાવવાની વાત આવતી તો તેનો પહેલો પ્રસ્તાવ ખીચડીનો રહેતો. એટલી વખત ખીચડી મુકાતી કે હું મને માંદો લાગતો. મારી માંદગી બહુ ટકતી નહીં, કારણ બીજી આઈટમ ચણાની રહેતી. ચણા મને ભાવતા હતા, પણ ઘરમાં એટલી વખત બનવા લાગ્યા કે હું મને તબેલામાં હોઉં એવું લાગવા માંડ્યું. ચણાએ મને આસ્વાદને બદલીને અસ્વાદ વ્રત તરફ ધકેલ્યો હતો.

મારી પત્નીને હું ભૂખમરો વેઠતો તે ગમતું તો નહીં, પણ તેની પાસે તેનો ઉપાય ન હતો.

એવું ન હતું કે તે મને રાજી રાખવા કૈં કરતી ન હતી. બજારમાંથી તે રેસિપી બુક પણ લઈ આવી હતી. ધીમે ધીમે તેણે વાનગી બનાવવાનું પણ શરૂ કર્યું હતું, પણ તેની મુશ્કેલી એ હતી કે ગળ્યું તેને બિલકુલ માફક આવતું ન હતું ને મને દાળ, શાકમાં ગળપણ જોઈએ જ ! ગળપણ ઘડપણને રોકે છે એવું હું માનતો ને માનવતો. પત્નીને જરા પણ ગળ્યું ફાવતું નહીં. એનું ચાલે તો ગોળમાંથી પણ ગળપણ કાઢી લે. સારું છે કે સફરજન ને બીજાં ફળો કુદરતે મીઠાં બનાવ્યાં છે. મારી પત્નીનું ચાલે તો સફરજન તીખાં જ ઉગાડે.

એક દિવસ મારી નાજુક તબિયતને જોતાં પત્નીએ પુરણપોળી બનાવવાનું નક્કી કર્યું. મેં જાણ્યું તો મારા આનંદનો પાર ન રહ્યો. એણે ખૂબ મહેનતને અંતે પૂરણ તૈયાર કર્યું. પૂરણ મને ચખાડયું. ખાંડ નાખી ન હતી. મેં ખાંડ ઉમેરવાનું કહ્યું. તેણે ઉમેરી ને સાંજે નોકરીએથી આવ્યો ત્યારે પુરણપોળી ખાવા મળશે એવી આશા હતી. ન ફળી. પુરણપોળી બની તો હતી, પણ માઇક્રોસ્કોપમાં જોવા છતાં ક્યાં ય પૂરણ જોવા ન મળ્યું. મેં કહ્યું કે પોળી, પોલી છે, અંદર કૈં નથી. એણે પૂરણનો વાટકો સામે મૂકતાં કહ્યું કે પોળીને પૂરણ સાથે ખાવ. મેં કહ્યું કે એમ ખવાય? એ બોલી કે રોટલી સાથે શાક ખાવ છો તો રોટલીમાં શાક ભરો છો? એમ જ પૂરણને રોટલી સાથે લગાવીને ખાવ.

મેં ખાવાનું કેન્સલ કરીને હોટેલમાં જમવા જવાનું ઠરાવ્યું. પત્ની પણ રાજી થઈ. અમે હોટેલ પહોંચ્યાં. મેનેજરને પૂછ્યું કે કેવુંક છે ખાવાનું? એ બોલ્યો કે સાહેબ, તમે નિરાંતે બેસો. અમારે ત્યાં એકદમ ઘર જેવું ખાવાનું મળે છે. 

મેં કહ્યું કે હોટેલમાં ઘર જેવું ખાવાનું?

મેનેજર બોલ્યો કે સાહેબ, હું સમજ્યો નહીં.

મેં કહ્યું કે ઘરથી કંટાળીને તો અહીં …

પત્નીએ મને એવી રીતે જોયો કે હું નીચું જોઈ ગયો.

('કુમાર'માં હાસ્યલેખ)

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,8341,8351,8361,837...1,8401,8501,860...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved