Opinion Magazine
Number of visits: 10,225,546
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માબાપ જોઈતા નથી, પણ તેમની મિલકત તો જોઈએ જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 March 2022

એક કેસમાં મુંબઈ હાઇકોર્ટે 16 માર્ચે એવો ચુકાદો આપ્યો છે કે માબાપ હયાત હોય એ કિસ્સામાં તેમની મિલકત પર દીકરો કોઈ હક કરી શકે નહીં. વાત એવી છે કે 2011થી, સ્મૃતિભ્રંશથી પીડાતા પિતાની તબિયત એટલી ખરાબ છે કે તે ઓક્સિજન સપ્લાય પર ટકેલો છે ને ખોરાક નળી વાટે ગ્રહણ કરે છે. કોઇની સાથે સંપર્કમાં રહી શકે એવી તેની સ્થિતિ નથી. તેને નામે મુંબઇમાં બે ફ્લેટ છે. આ સંજોગોમાં પત્નીએ અને તેની બે દીકરીઓએ પોતાને લીગલ ગાર્ડિયન નીમવા કોર્ટમાં અરજી કરી તો દીકરાએ એમ કહીને વાંધો ઉઠાવ્યો કે પિતાની મિલકત પર તેનો દીકરા તરીકે સંયુક્ત હક બને છે. કોર્ટે તેને પૂછ્યું કે દીકરા તરીકે તેણે પિતાની સારવારની કોઈ કાળજી લીધી છે કે પિતાને તે ડૉક્ટર પાસે લઈ ગયો છે કે તેની સારવારનો કોઈ ખર્ચ ઉઠાવ્યો છે? દીકરાએ હકની માંગણી કરતી વખતે તો એમ કહ્યું હતું કે તેણે છેલ્લાં થોડાં વર્ષોમાં પિતાની કાળજી લીધી છે, પણ કોર્ટના સોંસરા પ્રશ્નોનો દીકરો સામનો ન કરી શક્યો. દીકરાએ પિતાની સારવારના બિલો રજૂ તો કર્યાં, પણ તેની ચૂકવણી દીકરાએ નહીં, પણ તેની માતાએ કરી છે તેવું પુરવાર થયું. દીકરાએ એક પણ બિલ ચૂકવ્યું ન હતું. દીકરાના વકીલે એવો દાવો કર્યો હતો કે માબાપ ભલે જીવતાં હોય, પણ તેની મિલકતમાં દીકરાનો પણ સંયુક્ત હક લાગુ પડે છે. ન્યાયાધીશોને એ દલીલ એટલી અતાર્કિક લાગી કે તેનો કોઈ રીતે સ્વીકાર થઈ શકે નહીં એવું કોર્ટે કહ્યું. કોર્ટે ઠરાવ્યું કે માબાપની હયાતીમાં તેમની મિલકત પર દીકરાનો કોઈ હક બનતો નથી, એટલું જ નહીં, એ મિલકત પર દીકરાનો સંયુક્ત હક પણ લાગુ થઈ શકે નહીં. કોર્ટે બીમાર વ્યક્તિની પત્નીને તેમના સંયુક્ત બેન્ક ખાતાંને ઓપરેટ કરવાની અનુમતિ આપી ને બંને ફ્લેટ કોર્ટની સંમતિથી વેચવાની મંજૂરી પણ આપી.

આ ચુકાદાએ માબાપ અને તેમનાં સંતાનો વિષે ઘણા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. વકીલનો એ ધર્મ છે કે તેણે અસીલનો કેસ લડવો ને તેનો બચાવ કરવો. વકીલે દીકરાનો કેસ હાથ પર લીધો ત્યારે તેને હરાવવાની ગણતરી તો ન જ રાખી હોય. કારણકે એમ કરવામાં તો વકીલની પોતાની પણ હાર થાય. વકીલે દીકરાને પૂછ્યું તો હશે જ કે દીકરાએ બાપની સારવારમાં કોઈ ધ્યાન આપ્યું છે કે કેમ? દીકરાએ વાત ન છુપાવી હોય તો વકીલને ખાતરી થઈ જ હશે કે દીકરો બાપની કોઈ મદદ કર્યા વગર માત્ર હક માંગવા નીકળ્યો છે, એ સ્થિતિમાં વકીલને કયા જોર પર આ કેસ જીતવાની ખાતરી હશે તે નથી ખબર, પણ સાધારણ માણસને પણ સમજાય એવું છે કે દીકરાને જમા પક્ષે કૈં નથી ને તે બાપ હયાત છે ત્યારે બાપની મિલ્કત પર હક કરવા નીકળ્યો છે. તેનો દાવો સદંતર ખોટો છે. એ વાત વકીલના ધ્યાન પર આવી જ હશે, છતાં તેણે કેસ હાથ પર લીધો. એમાં ફી સિવાય બીજી કોઈ માણસાઈ જણાતી નથી.

એ દીકરાને જરા જેટલો પણ સંકોચ નહીં થયો હોય કે કયે મોઢે તે બાપના જીવતાં, તેની મિલકત પર હક કરવા નીકળ્યો છે? એ બાપ જેના તરફ તેનું ધ્યાન જ નથી. 2011થી બાપ બીમાર છે, પોતે જુદો રહે છે ને ઘરનાં કોઈ કામમાં તેનો હાથ નથી, એટલું જ નહીં, તેની સારવાર પાછળ રૂપિયો ય કાઢ્યો નથી કે બાપને માટે કોઈ ડોક્ટરના સંપર્કમાં રહેવાનું પણ તેનાથી બન્યું નથી, તો તેની મિલકત પર હક કેવી રીતે થાય? તે પણ બાપ હયાત છે ત્યારે? બાપની સાથે દીકરાને જોડી રાખતી કડી જ કદાચ મિલકત માત્ર છે. તે સિવાય દીકરાએ તો બાપનું નાહી જ નાખેલું છે. એવું પણ લાગતું નથી કે તે મા કે બહેનોના સંપર્કમાં છે નહીં તો લીગલ ગાર્ડિયનની અરજી દીકરા તરફથી આવી હોત, પણ અરજી મા અને બહેનોએ કરી છે. એ શક્ય છે કે માબાપ સાથે દીકરાને નહીં ફાવ્યું હોય ને તે કુટુંબથી અલગ થયો હોય. હવે જો માબાપ સાથે ન ફાવ્યું હોય તો સ્વમાની પુત્રને તેની મિલકત સાથે પણ ન ફાવવું જોઈએ, તેને બદલે માબાપની કાળજીની જરા જેટલી પણ ખાતરી આપ્યા વગર જ દીકરો મિલકતમાં હકનો દાવો કરે છે. આ શરમજનકથી ય વધુ શરમજનક છે.

આવો આ એક જ દીકરો નથી, આવા દીકરાઓ ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં એટલા છે. અહીં એ સંતાનોની જરા ય ઉપેક્ષા કરવાનો હેતુ નથી, જે સંતાનોએ માબાપની ચિંતા કરી છે ને લેવાય એટલી કાળજી લીધી છે. એને તો સલામ જ ભરવાની રહે. કેટલા ય કિસ્સાઓમાં દીકરો પરદેશમાં જ વસી ગયો હોય ને માબાપ એકલાં જ કુટાયાં કરતાં હોય ત્યારે પરિણીત કે અપરિણીત દીકરીઓ જે કાળજી માબાપની લે છે એની કરીએ એટલી પ્રશંસા ઓછી છે. પણ, માબાપ બધી જ વખતે એટલાં નસીબદાર હોતાં નથી કે દીકરાની ચિંતાનો વિષય બને. માબાપ પણ ક્યારેક દબાણ કરીને દીકરાને ભણવા કે નોકરી અર્થે વિદેશ મોકલતાં હોય છે, તેમાં ગણતરી એવી હોય છે કે દીકરો વહાણ ભરીને કમાઈને આવશે, પણ દીકરો બારે વહાણ ડૂબાડીને પરદેશમાં જ વસી જાય છે ને માબાપ ઘરડાંઘરને માથે પડતાં હોય છે. બીજી તરફ વેચાવાનું હોય તો હોજરીમાં એટલી જગ્યા તો રાખતો જ હોય છે જેથી મિલકત તેમાં ઓરી દઈ શકાય. તે અગ્નિસંસ્કારનું બીજાને સોંપે છે, પણ રૂપિયા ગણવાના હોય તો જાતે આવે છે. સાચું તો એ છે કે આ જનરેશન જતું કરવામાં ખાસ માનતું નથી.

આ તો વિદેશમાં વસતાં સંતાનોની વાત થઈ, પણ સંતાનો અહીં હોય ત્યારે માબાપ કૈં ખાટી જાય છે એવું નથી. મોટે ભાગે દીકરો નોકરી અર્થે બીજા શહેરમાં ને માબાપ ગામડામાં કે બીજાં શહેરમાં રહેતાં હોય છે. ઘણીવાર તો દીકરો, વચ્ચે દીવાલ હોય એટલે અંતરે જ હોય છે ને છતાં તે કામ આવતો નથી, તો એવા દીકરાઓ પણ છે જે દૂર દેશાવરમાં માબાપના વિરહમાં ઓગળતા રહેતા હોય. દીકરો બીજે વસી જાય છે ને માબાપ ન રહે ત્યારે ઘરમાંથી શું ઉપજે એમ છે એનો દાખલો પણ ગણાતો રહે છે. એણે માબાપની કાળજી લીધી હોય કે તેની પાછળ ખર્ચ કર્યો હોય એવું ઓછું જ બનતું હોય છે. સાચું તો દરેક વ્યક્તિની બાબતે જુદું પડવાનું, પણ દીકરીનો માબાપની મિલકતમાં હક માન્ય થયો છે ત્યારથી દીકરીઓ માબાપની વધુ કાળજી લેતી થઈ છે. એવું ન હોય ને માત્ર લાગણીને લીધે પણ દીકરીઓ માબાપની દેખરેખ રાખતી હોય એ પણ શક્ય છે. મૂળ વાત તો એ છે કે માબાપ સામું કોઈ પણ કારણે જોવાય ને તેમનાં અંતિમ વર્ષોમાં તે ઉપેક્ષિત ન રહે. એ પણ છે કે માબાપ ન હોય તો તેની સંપત્તિ સંતાનોની થાય જ છે. એમાં વધઘટ હોઈ શકે, પણ કૈં જ ન મળે એવું ઓછું જ બનતું હોય છે. સંતાનોને એટલી ધીરજ હોય પણ છે, છતાં મુંબઈ હાઇકોર્ટે કહેવું પડ્યું કે માબાપ જીવતાં હોય ત્યારે દીકરો બાપની મિલકત પર નજર બગાડે તે યોગ્ય નથી.

જે કિસ્સામાં માબાપે દીકરા-દીકરીને પૈસા ખર્ચીને ભણાવ્યાં-પરણાવ્યાં હોય, નોકરીધંધે વળગાડયાં હોય એમાં હેતુ તો સંતાનોને એવી જગ્યાએ મૂકવાનો હોય જ્યાં તેઓ માનભેર ઊભાં રહી શકે. આટલું કર્યું હોય, પછી સંતાનોએ માબાપની મિલકત મળે કે ન મળે, એનું મહત્ત્વ આંકયા વગર પોતાની ક્ષમતા જ એટલી વધારવાની રહે કે પોતાની મિલકત પર જ ટકી જવાય. કમનસીબે એવું બહુ ઓછું બને છે. ઘણીવાર તો માબાપ પોતાની હયાતીમાં જ સંતાનોને તેમના ભાગ આપી દે છે ને પોતાને માટે કૈં રાખતા નથી ને સંતાનો માબાપને તગેડી મૂકતાં હોય છે. આ કોઈ રીતે સારું નથી. આજની પેઢીમાં બાપને પૈસે તાગડધિન્ના કરવાની વૃત્તિ સહજ થઈ પડી છે એને લીધે સંતાનો પોતાનો વિકાસ કરવાનું ચૂકે છે. સંતાનોએ એ સમજી લેવાનું રહે કે એ કૈં તેમણે કમાવેલી મિલકત નથી કે હક આગળ કરીને માબાપની કનડગત કરે. ખરેખર તો એવી હિંમત જ સંતાનો કેવી રીતે કરી શકે કે માબાપની હયાતીમાં જ મિલકતમાં પોતાનો ભાગ માંગે? માબાપ ધારે તો સંતાનોને ફૂટી કોડી ન આપે ને કાયદો પણ તેમાં દખલ ન કરી શકે એમ બને. માબાપને મિલકતની વ્યવસ્થા કરવાનો પૂરો હક છે. એના પર કોઈ સંતાન તરાપ ન મારી શકે.

માબાપને કોઈ મદદ ન કરી હોય ને તેમની મિલકત પર સંતાનો નજર રાખીને બેસે ત્યારે પ્રશ્ન થાય કે  સંતાનોને સ્વમાન પણ નહીં નડતું હોય? આટલી પાંગળી પેઢીને જોઈને કેવળ પીડા જ થાય છે. મિલકત માટે સંતાનોએ માબાપની હત્યા કરી હોય એવા દાખલાઓ શોધવા પણ દૂર જવું પડે એમ નથી. આ પેઢી આટલી સ્વાર્થી તો ન જ હોય, પણ છે. આટલી પ્રગતિ માણસ જાતે કરી હોય તે પછી આવાં સંતાનો સામે આવે છે ત્યારે જગત પરથી ભરોસો ઊઠી જાય છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 માર્ચ 2022

Loading

ખીચડી

મનીષી જાની|Poetry|21 March 2022

ચકી ગઈ છે
ચોખાનો દાણો લેવા
ચકો ગયો છે
દાળનો દાણો લેવા
હજી પાછાં ફર્યાં નથી
ચકો ચકી …
કપાઈ ગયેલાં ઝાડનાં
પાંદ, ડાળી, ડાળખાંઓમાં
ચકાચકીનું
બી.પી.એલ. કાર્ડ ખોવાઈ
ગયું છે …
સસ્તાં અનાજ ની દુકાને
ચોખાની લાઈનમાં ઊભી છે
ચકી
સસ્તાં અનાજની દુકાને
દાળની લાઈનમાં ઊભો છે
ચકો
હજી પાછાં ફર્યાં નથી
ચકો ચકી
વિશ્વ ચકલી દિનની ઉજવણી
જારી છે …

20 માર્ચ 2017

('મને અંધારાં બોલાવે'-કવિતાસંગ્રહમાંથી)

Loading

આમ આદમી પાર્ટી કાઁગ્રસનો રાષ્ટ્રીય વિકલ્પ બનશે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 March 2022

પાંચ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં અપસેટ સર્જીને કાઁગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી (અને બીજા રાજ્યોમાં અદ્ધર ચાલી રહેલા ભા.જ.પ.ના રથને બે વેંત નીચો આણી દીધો), તે પછી અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાઓને બળ મળ્યું છે. એ સ્વાભાવિક પણ છે, કારણ કે દિલ્હી જેવા અડધા રાજ્યમાં અડધી સત્તા ભોગવતી આપની સુશાસનની ક્ષમતામાં વિશ્વાસ મૂકીને પંજાબની જનતાએ આખું રાજ્ય આપી દીધું એ જેવી તેવી સફળતા નથી.

એક રાજ્યમાંથી બીજા રાજ્યનું સુકાન સાંભળનારી આપ પહેલી પ્રાદેશિક પાર્ટી છે. દેશમાં બે જ પક્ષો એવા છે જેની એકથી વધુ રાજ્યોમાં સરકાર છે; ભા.જ.પ. અને કાઁગ્રેસ. આપનો એમાં ઉમેરો થયો છે. આપ અને કાઁગ્રેસ વચ્ચે બીજી એક બાબતમાં પણ સામ્ય ઊભું થયું છે; બંને પાસે બબ્બે મુખ્ય મંત્રી છે.

ભારતમાં પ્રાદેશિક પક્ષો રાજ્યની સીમાઓ ઓળંગવામાં સફળ રહ્યા નથી. આપની હાજરી સ્થાનિક સ્તરે પણ દેખાય છે. ગોવામાં તેને બે બેઠકો મળી છે. આસામમાં સ્થાનિક પંચાયતની ચૂંટણીઓમાં તેની બે બેઠકો છે. ગુજરાતમાં ગયા વર્ષે પંચાયતની ચૂંટણીમાં સુરત, ગોધરા અને ગાંધીનગરમાં પણ તેનો દેખાવ સારો રહ્યો હતો.

આવું તો મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસ પણ કરી શકી નથી. આપ તો તેની સરખામણીમાં હજુ બચ્ચું છે, અને છતાં એક મહત્ત્વનું રાજ્ય પંજાબ કાઁગ્રેસ પાસેથી ખૂંચવી લઈને તેણે રાષ્ટ્રીય પક્ષોની પંગતમાં સ્થાન મેળવ્યું છે. જોવા જેવી વાત એ છે કે ચૂંટણીઓ પહેલાં મમતા બેનરજીએ જ ભા.જ.પ. સામે સંયુક્ત મોરચો માંડવા માટે કાઁગ્રેસને કહેણ મોકલ્યું હતું.

કાઁગ્રેસે ત્યારે ગઠબંધન સ્વીકાર્યું નહોતું. તેને વિશ્વાસ હતો કે ચન્નીના નેતૃત્વમાં તે પંજાબને જાળવી રાખશે, ગોવામાં પોતાના દમ પર સરકાર બનાવશે અને ઉત્તર પ્રદેશમાં પ્રિયંકાની 'લડકી હૂં લડ સકતી હૂં' ચળવળ રંગ લાવશે. કાઁગ્રેસનાં તમામ સ્વપ્ન ચૂર થઇ ગયાં છે અને પહેલાં કરતાં તે વધુ કમજોર બની ગઈ છે. સંગઠનની દૃષ્ટિએ તે હજુ પણ અખિલ ભારતમાં ફેલાયેલી પાર્ટી છે, પરતું ચૂંટણી જીતી શકવાની તેની ક્ષમતા સામે હવે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.

ભા.જ.પ. દેશમાં ૪૦ ટકા મત ધરાવે છે. બાકીના ૬૦ ટકા વોટ હજુ પણ વિપક્ષોમાં વહેંચાયેલા છે. શુદ્ધ ગણિતની ભાષામાં કહીએ તો ભા.જ.પ.ને હરાવવા માટે વોટ કાફી છે. સવાલ સક્ષમ પાર્ટી અને નેતાનો છે. હવે અચનાક કાઁગ્રેસના વિકલ્પ તરીકે આપનું નામ લેવાઈ રહ્યું છે. પંજાબમાં આપે કાઁગ્રેસ અને ભા.જ.પ. બંનેને સફળ ટક્કર આપી છે. ઉત્તર પ્રદેશમાં પણ જનતાએ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને ગઈ વિધાનસભા કરતાં વધુ બેઠકો આપી છે. એનો અર્થ એ થયો કે જનતા વિકલ્પ પણ શોધી રહી છે, નહીં તો પંજાબમાં પણ ભા.જ.પ.ને મત મળ્યા હોત અને યુ.પી.માં સ.પા.ના હાલ પણ કાઁગ્રેસ જેવા થયા હોત.

લોકશાહીમાં ખાલી જગ્યાઓ લાંબી ટકતી નથી. ચૂંટણીઓનો પવન કોઈને કોઈને તેમાં ખેંચી લાવે છે. ૨૦૨૨ની વિધાનાસભાની ચૂંટણીઓ એ 'કોઈ' એટલે આપ છે. કાઁગ્રેસ સમ ખાવા પૂરતો પણ દેખાવ ન કરી શકી અને તૃણમૂલ કાઁગ્રેસ ગોવામાં એક પણ બેઠક જીતી ન શકી એટલે આપનો આત્મવિશ્વાસ બેવડાઈ ગયો છે.

પ્રાદેશિક પક્ષોની મર્યાદાઓ તોડવામાં આપ સફળ રહી છે તેનું એક કારણ એ છે કે તૃણમૂલ કાઁગ્રેસ, સમાજવાદી પાર્ટી, અકાલી દલ, શિવસેના, રાષ્ટ્રીવાદી કાઁગ્રેસ કે દક્ષિણની પાર્ટીઓની જેમ આપની ઓળખ 'પ્રાદેશિક' નથી. દિલ્હીમાં હોવાના કારણે તેને 'ડિફોલ્ટ' રાષ્ટ્રીય ચહેરો મળેલો છે. બીજું, તે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનની ચળવળમાંથી પેદા થયેલી પાર્ટી છે એટલે તેના વિચારોમાં રાષ્ટ્રીય મુદ્દાઓ છે.

દિલ્હીમાં તેણે શિક્ષણ, સ્વાસ્થ્ય, અને બીજલી-પાની જેવી જનકલ્યાણની બાબતો પર ધ્યાન આપીને પ્રમાણમાં સારા શાસનનો પરિચય આપ્યો છે. પંજાબના ચૂંટણી પ્રચારમાં 'દિલ્હી મોડેલ'ની જ વાતો થતી હતી. પરિણામો પછી કેજરીવાલ અને મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ભગવતસિંહ માને તેમનાં ભાષણોમાં પંજાબમાં દિલ્હી મોડેલ પ્રમાણે શાસન કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ આત્મવિશ્વાસ સાથે, આપે પાડોશી હરિયાણા, હિમાચલ પ્રદેશ અને વડા પ્રધાનના વતન ગુજરાતમાં 'દિલ્હી મોડેલ'નો પ્રયોગ દોહારવવાનું નક્કી કર્યું છે. હરિયાણામાં વિધાનસભાની મુદ્દત ૨૦૨૪માં સમાપ્ત થાય છે, પરંતુ એવો ગણગણાટ છે કે ત્યાં વહેલી ચૂંટણી કરવામાં આવે. ગુજરાતમાં તો પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોના બીજા જ દિવસથી ભા.જ.પ.નો પ્રચાર શરૂ થઇ ગયો હતો. ૧૧મી માર્ચે પંચાયત સંમેલનમાં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રોડ શો કરીને વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું હતું.

આપ જાણે રાહ જ જોતી હોય તેમ ગુજરાતનાં મુખ્ય શહેરોમાં તેણે મોટાં બોર્ડ ચઢાવ્યાં છે, જેમાં લખ્યું છે "દિલ્હી અને પંજાબ પછી હવે ગુજરાત." પરિણામો પછી તરત પાર્ટીએ મિસ કોલ મારફતે સભ્યપદ અભિયાન શરૂ કરવા ટેલીફોન નંબર જારી કર્યો છે. લોકોના જાગૃતિ માટે પાર્ટીએ રાજ્યમાં ત્રિરંગા યાત્રા પણ કાઢી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ તમામ ૧૮૨ બેઠકો પર ભા.જ.પ.ના મુખ્ય વિરોધી તરીકે દાવો નોંધાવે તે નિશ્ચિત છે. તેનું મુખ્ય કારણ એ છે કે ૧૯૯૦ પછી રાજ્યમાં કાઁગ્રેસનું ક્રમશ: ધોવાણ થતું રહ્યું છે અને ભા.જ.પ. મજબૂત થતી રહી છે. ત્યાં સુધી કે કાઁગ્રેસ એક અસરકારક વિરોધ પક્ષ તરીકે પણ ગણનામાં નથી.

સમગ્ર દેશમાં જો એક એવું રાજ્ય હોય, જ્યાં ચૂંટણીના કરોડો રૂપિયા અને માણસોની મહેનત લેખે લાગે તે માટે કમ-સે-કમ સરખી ટક્કર આપવા માટે વિરોધ પક્ષની હાજરી હોય, તો તે ગુજરાત છે. ગુજરાતમાં વિરોધ પક્ષના નામે કાઁગ્રેસની હાલત એટલી બધી ખરાબ છે કે ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ જાણે ભા.જ.પ. જીતી ગયું હોય તેવો માહોલ હોય છે.

આમ આદમી આ ખાલી જગ્યા પુરવા માટે ચોક્કસ હિમ્મત કરશે. તેની પાસે આત્મવિશ્વાસ છે, બે રાજ્યોના રિસોર્સિસ છે અને શાસનનું વિઝન છે. ગયા વર્ષે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૭ બેઠકો જીતીને આપે સૌને ચોંકાવ્યા હતા. બીજો આઘાત એ હતો કે કાઁગ્રેસને એકપણ બેઠક મળી નહતી. ત્યારથી કેજરીવાલ નિયમિત ગુજરાત આવતા રહ્યા છે.

આ ચૂંટણીમાં આપને પાટીદારોના મત મળ્યા હતા. પાટીદારો પરંપરાગત રીતે ભા.જ.પ.ના સમર્થકો છે, પરંતુ પાટીદાર અંદોલન પછી તેઓ કાઁગ્રેસ તરફ વળ્યા હતા. તે વખતે, ૨૦૧૬માં, કાઁગ્રેસને સુરતમાં ૩૬ બેઠકો મળી હતી. ધીમે ધીમે પાટીદારો કાઁગ્રેસ તરફથી પણ ખસી ગયા અને આપ તરફ વળ્યા હતા. આપે એટલા માટે જ પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયાને ગુજરાત આપના નેતા તરીકે નીમ્યા હતા. તેનો ફાયદો સુરતની ચૂંટણીમાં થયો હતો.

ઇટાલિયા કહે છે, “પંજાબનો વિજય અકસ્માત નથી. ૨૦૧૨માં જ્યારે આપની રચના થઇ ત્યારે અમે જે સ્વપ્ન જોયું હતું તે દિશામાં આ એક કદમ છે. એક દિવસ સમગ્ર દેશ આમ આદમીઓની સરકાર જોશે. આપે ગુજરાતમાં નવી આશા જન્માવી છે. અહીંની જનતા એવા ભ્રષ્ટ અને સરમુખત્યાર નેતાઓને પાઠ ભણાવવા તૈયાર છે, જે રાજકારણને તેમની અંગત જાગીર સમજે છે.”

વિચાર તો હિમ્મતવાળા છે, પણ આપ માટે રસ્તો એમ આસાન નથી. સુરતના તેના છ કોર્પોરેટરો ભા.જ.પ.માં જતા રહ્યા છે. પાટીદાર દાનવીર મહેશભાઈ સવાણી પણ આપ છોડી ગયા છે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અત્યારે ગુજરાત કાઁગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. કાઁગ્રેસ ભલે સત્તા માટે સક્ષમ દાવેદાર ન હોય, રાજ્યમાં કાઁગ્રેસનો વોટ શેર ૪૧ ટકા છે અને તેના ૧૬ વિધાનસભ્યો છે. ઉપરાંત, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત સુધી તેનું સંગઠન ફેલાયેલું છે. ખુદ વડા પ્રધાન મોદી ગુજરાતની ચૂંટણીઓને હલકામાં લેતા નથી. તેમને કાઁગ્રેસના વારસાની સારી પેઠે ખબર છે.

ત્રીજું, સુરતના વગદાર નેતા સી.આર. પાટિલ ગુજરાત ભા.જ.પ.ના પ્રમુખપદે છે. પંજાબમાં આપના વિજયનું કારણ કાઁગ્રેસની આંતરિક લડાઈ હતી એવું કહીને પાટિલ ઉમેરે છે કે, “દરેક રાજકીય પક્ષને ચૂંટણી લડવાનો અધિકાર છે. ગુજરાતની પ્રજા ભા.જ.પ. સાથે છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે. વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં અમને વિરોધી પક્ષોથી કોઈ મુશ્કેલી થવાની નથી.

પ્રગટ : ‘સન્‌ડે-સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 20 માર્ચ 2022

Loading

...102030...1,7331,7341,7351,736...1,7401,7501,760...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved