એક નાટક કંપની જે જન્મી અમદાવાદમાં પણ જીવી મુંબઈમાં
થિયેટર એક, અવતાર ત્રણ : ટ્રીવોલી, ગેઈટી, કેપિટોલ
અંક ત્રીજો
માનશો? છેક ૧૮૯૩-૯૪ સુધી અમદાવાદમાં એક પણ થિયેટર નહોતું! અને છતાં નાટક પાછળ ઘેલા થયેલા એક જણ, કેશવલાલ શિવરામે જૈન ધર્મકથા પરથી લખેલું પોતાનું નાટક ‘સંગીત લીલાવતી’ ભજવ્યું. કઈ રીતે? તાડપત્રીનો માંડવો બાંધ્યો. સાદા, સફેદ કપડાના બે પડદા, તાડપત્રીની વિંગ, થોડા મોટા દીવા અને કપાસિયાના દીવાની ‘ફૂટ લાઈટ્સ’. અને પાત્રોના ડ્રેસ? કેટલાક ‘આશ્રયદાતા’ઓ પાસેથી વાપરવા માટે ઉધાર આણેલ સાડી, સેલાં, અંગરખાં, ખેસ, વગેરે. માત્ર બે સાજિન્દા : સારંગીવાળો અને તબલાવાળો. નાટક જોવા માટે ટિકિટ વેચવાનો તો સવાલ જ નહોતો. અને છતાં ત્રણ મહિનામાં નાટકના ડબ્બા ડૂલ. એ નાટક ભજવતી વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગી. પણ વીસેક વરસનો એક યુવાન, નામે ડાહ્યાભાઈ ધોળશાજી એ નાટક જોવા આવતો. એને આ નાટકનાં ગીતો એટલાં તો ગમી ગયેલાં કે નાટક વીસેક વાર જોયેલું. એક વાર તેમણે એક ગીત માટે ત્રણ-ચાર વન્સ મોર માગ્યા. આથી કંટાળીને ગાનાર કલાકારે કહ્યું કે ‘એક વાર નાટક કંપની કાઢી જુઓ તો ખબર પડે કે વન્સ મોર કેમ અપાય છે. આ વાત તેમના મનમાં ઘર કરી ગયેલી.
કેશવલાલ શિવરામ અને તેમનું નાટક
વારંવાર આ નાટક જોવા જતા એટલે કેશવલાલ સાથે ઓળખાણ. વીરચંદ ગોકળદાસ ભગતની કંપની ભાંગ્યા પછી કેશવલાલ અને ડાહ્યાભાઈએ ભેગા મળીને નવી નાટક મંડળી શરૂ કરી, જેને નામ આપ્યું શ્રી દેશી નાટક સમાજ. ૧૮૯૧-૧૮૯૨ના અરસામાં કેશવલાલ તેમાંથી છૂટા થયા અને ડાહ્યાભાઈ એક માત્ર માલિક બન્યા. પણ કેશવલાલનું નાટક એ પછી વરસો સુધી સતત ભજવાતું રહ્યું. ૧૯૨૬ સુધીમાં તેની કુલ ૨૬ આવૃત્તિ છપાયેલી. દરેક આવૃત્તિની પાંચ હજાર નકલ! નાટક સતત ભજવાતું રહ્યું ન હોય તો આમ બનવું શક્ય જ નથી.
પ્રિય વાચક! તમને થતું હશે કે આજે આ મુંબઈ નગરીની ગાડી અવળે પાટે ચડીને કાળુપુર સ્ટેશન તરફ કેમ ધસી રહી છે! ના, જી. આપણી ગાડી બોમ્બે સેન્ટ્રલ જ આવી રહી છે. વરસ હતું ૧૮૯૬નું અને મહિનો હતો મે. મુંબઈમાં કાળઝાળ ગરમી. ટ્રેનમાં છે ડાહ્યાભાઈની શ્રી દેશી નાટક સમાજના કલાકારો. મુંબઈની રંગભૂમિની જાહોજલાલીની, તેના દરિયાદિલ પ્રેક્ષકોની, વ્યવસ્થિત રીતે બાંધેલા થિયેટરોની વાતો અમદાવાદ બેઠાં સાંભળવા મળેલી. એટલે વિચાર્યું કે ચાલો, મુંબઈ જઈને નાટક ભજવીએ. નસીબ પાધરાં તે ગેઈટી થિયેટરમાં પેટા ભાડૂત તરીકે રહેવાની અને નાટકો ભજવવાની સગવડ થઈ ગઈ.
આ ગેઈટી થિયેટરનો પણ નાનકડો ઇતિહાસ છે. ૧૮૭૯માં કુંવરજી પગથીવાલા નામના વેપારીએ બોરી બંદર સામે નાટકો ભજવવા માટે ટ્રીવોલી નામનું થિયેટર બંધાવેલું. એ વખતે વિક્ટોરિયા ટર્મિનસ હજી બંધાઈને પૂરું થયું નહોતું. ૧૮૭૮માં તેનું બાંધકામ શરૂ થયેલું, પણ તેને પૂરું થતાં દસ વરસ લાગેલાં! અહીં પારસી-ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાની, ગુજરાતી નાટકો ભજવાતાં. પછીથી તેનું નવીનીકરણ થયું અને નામ બદલાઈને થયું ગેઇટી. કુંવરજી નાઝર તેના માલિક બન્યા. કુંવરજી એટલે નાટકનો જીવ. શરૂઆતમાં ત્યાં અંગ્રેજી નાટકો ભજવ્યાં, પણ તેમાં સારી સફળતા ન મળતાં ‘દેશી’ ભાષાનાં નાટકો માટે થિયેટર ભાડે આપવાનું શરૂ કર્યું. જયપુરમાં નાટકો ભજવવા ગયા હતા ત્યારે ૧૮૯૯ના મે મહિનાની ૧૫મી તારીખે ૫૫ વરસની ઉંમરે નાઝરનું અચાનક અવસાન થયું હતું.
પણ પહેલાં મૂંગી ફિલ્મ અને પછી બોલતી ફિલ્મ આવતાં નાટકની માગ ઘટી. એટલે ૧૯૨૮માં તે નાટક માટેના થિયેટરમાંથી સિનેમા માટેનું થિયેટર થયું. સાથોસાથ તેનું નામ પણ બદલાયું. નવું નામ કેપિટોલ. આ નામ સાથે એ જૂની, જર્જરિત ઈમારત આજે પણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સામે ઊભી છે.
પ્રિન્સેસ થિયેટર ગયું, હાથી રહી ગયો
ગેઈટીમાં ભજવાતાં નાટકોમાંથી થયેલી આવકમાંથી કંપનીએ મુંબઈમાં એમ્પાયર થિયેટરની બાજુની જગ્યા ઉપર ‘દેશી નાટકશાળા’ નામનું કાચું નાટ્યઘર ૧૯૦૦માં બાંધ્યું. એ પછી શેઠ ત્રિભુવનદાસ મંગળદાસે ૧૯૦૫માં પાકું નાટ્યઘર કાલબાદેવી વિસ્તારમાં બાંધ્યું. એ વરસે પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ૨૯ ઓક્ટોબરે મુંબઈ આવ્યાં હતાં. તેમની મુલાકાતના માનમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ બાંધવાનું નક્કી થયું હતું. તેનો પાયો પ્રિન્સ અને પ્રિન્સેસે ૧૧મી નવેમ્બરે નાખ્યો હતો. તો મરીન લાઈન્સ રેલવે સ્ટેશનથી શરૂ થતા રસ્તાને પ્રિન્સેસ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું. આજે તેનું સત્તાવાર નામ શામળદાસ ગાંધી માર્ગ છે. પણ એ નામે ભાગ્યે જ કોઈ એ રસ્તાને ઓળખે છે. એ જમાનામાં આપણા ઘણા લોકોમાં બ્રિટિશ રાજ પ્રત્યેની વફાદારી જાહેર કરવાની ફેશન હતી. એ રીતે પ્રિન્સેસ સ્ટ્રીટથી બહુ દૂર નહિ આવેલા આ થિયેટરને પ્રિન્સેસ થિયેટર નામ અપાયું હશે. પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ ૧૯૦૫ના ઓક્ટોબરના અંતે મુંબઈ આવેલાં, એટલે એ અરસામાં આ નામકરણ થયું હોય.
પ્રિન્સેસ સ્ટ્રીટ નામ જેમ લોકજીભે ન ચડ્યું તેમ આ પ્રિન્સેસ થિયેટર પણ ન ચડ્યું. લોકો તો તેને ભાંગવાડી થિયેટર તરીકે જ ઓળખતા, કારણ તે એ નામની ગલ્લીમાં આવ્યું હતું. એક જમાનામાં અહીં ભાંગ વેચતી ઘણી દુકાનો આવેલી હતી. ગુજરાતી બ્રાહ્મણો આ દુકાનો ચલાવતા. અહીં બે પૈસાથી માંડીને બે આના સુધીમાં જુદી જુદી જાતની ભાંગનો એક કટોરો મળતો. દૂધ અને ખાંડવાળી સાદી ભાંગ બે પૈસામાં. તો વાટેલાં બદામ-પિસ્તાં, એલચી, કેસર મિશ્રિત ભાંગના બે આના. મહાશિવરાત્રીના દિવસે તો આ દુકાનો પર લાંબી લાઈન લાગતી. આસપાસનાં શિવ મંદિરોમાં પણ શિવ લિંગ પર ભાંગનો અભિષેક થતો.
ડાહ્યાભાઈ ધોળશાજી
ડાહ્યાભાઈ ધોળશાજીનું કુટુંબ ઝવેરીનું. આવો મોભાદાર ધંધો છોડીને દીકરો ‘નાટકિયો-ચેટકિયો’ બને એ પિતા ધોળશાજી કઈ રીતે સહન કરી શકે? તેમણે દીકરાને કહી દીધું : એક બાજુ છે કુટુંબનો પ્રતિષ્ઠિત ધંધો, મોભો, સુખ-સમૃદ્ધિ, બીજી બાજુ છે તારાં નાટકચેટક. બેમાંથી એકની પસંદગી કરી લે. ડાહ્યા ડાહ્યાભાઈએ નાટકનો રસ્તો લીધો એટલું જ નહિ કુટુંબની બધી મિલકત ઉપર પોતાનો કોઈ હક્ક નથી એવી ફારગતી લખી આપી. મુંબઈમાં નાટકના ધંધામાં પૈસા અને પ્રતિષ્ઠા મળ્યાં. પણ માત્ર ૩૫ વરસની ઉંમરે ૧૯૦૨ના એપ્રિલની ૩૦મી તારીખે ડાહ્યાભાઈનું મુંબઈમાં અવસાન થયું. એક અઠવાડિયા સુધી દેશી નાટક સમાજનાં નાટકો બંધ રહ્યાં. મે મહિનાની સાતમી તારીખે ડાહ્યાભાઈનું જ લખેલું ‘વીણાવેલી’ નાટક ભજવાયું ત્યારે મેન ડ્રોપ કાળા રંગનો હતો અને તેની બંને બાજુ ડાહ્યાભાઈના ફોટા મૂકવામાં આવ્યા હતા.
જે દીકરા સાથેનો બધો જ સંબંધ તોડી નાખ્યો હતો એ દીકરાની કમાઉ દીકરા જેવી નાટક કંપની અને તેના ઘરનો ધોળશાજીએ બળજબરીથી કબજો લઈ લીધો. એટલે ડાહ્યાભાઈનાં પત્ની મણિબહેને બોમ્બે હાઈ કોર્ટમાં કેસ માંડ્યો. ધોળશાજી કેસ હારી ગયા. પછી ધોળશાજીએ મણિબહેન સાથે સમજૂતી સાધી. રોકડ રકમ આપીને કંપનીનો કારભાર જાણીતા લેખક જયંતી દલાલના પિતા ઘેલાભાઈ દલાલને સોંપ્યો. પણ થોડો વખત ચલાવીને ઘેલાભાઈએ કંપનીનો કારભાર ડાહ્યાભાઈના કાકાના દીકરા ચંદુલાલ દલસુખ ઝવેરીને સોંપ્યો. મણિબહેને પોતાનો તમામ હક્ક ઉઠાવી લીધો અને ચંદુલાલ દેશી નાટક સમાજના એકમાત્ર માલિક બન્યા.
ચંદુલાલ ઝવેરી અને હરગોવિંદ શાહ
કંપનીને વધુ ને વધુ આગળ વધારવાની લાહ્યમાં ચંદુલાલ દેવું કરતાં ગયા. તેમાં કેટલાંક નાટક નિષ્ફળ ગયાં. વીસ વરસ કંપની ચલાવ્યા પછી ટૂંકી માંદગીમાં ચંદુલાલનું અવસાન થયું. તેમની નાટક કંપની મુંબઈ હાઈ કોર્ટનાં રિસીવર નાનાભાઈ મૂસને સોંપાઈ. પણ થોડા અનુભવ પછી મૂસને સમજાયું કે કોઈ નાટક કંપની ચલાવવી એ હાઈ કોર્ટના રિસીવરનું કામ નથી. એટલે કોર્ટે નાટક કંપનીનું લિલામ જાહેર કર્યું. કાઠિયાવાડના સાહસિક વેપારી હરગોવિંદદાસ શાહે ૩૫ હજાર રૂપિયામાં દેશી નાટક સમાજ કંપની ખરીદી લીધી. તેમણે ઘણા ફેરફાર સાથે જૂનાં નાટક ફરી ભજવ્યાં. નવાં પણ લખાવ્યાં. ‘વીર પૂજન’ નાટક સતત નવ મહિના સુધી ભજવાયું. પ્રિન્સેસ થિયેટરના ચોગાનમાં આરામ ખુરસી પર શેઠ આખો દિવસ બેઠા હોય. સફેદ લાંબો કોટ અને ધોતિયું. બેંગલોરી ગોળ ટોપી બાજુની ટીપોય પર પડી હોય. બાજુમાં હોય હુક્કો. નોકર ગંગારામ વખતોવખત હુક્કો ભરતો જાય. શેઠ કંપનીમાં નવા નવા ચહેરા લાવતા ગયા : માસ્ટર કાસમભાઈ, આણંદજી કબૂતર, કેશવલાલ કપાતર, નાટ્યલેખક રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, પ્રભુલાલ દ્વિવેદી, મૂળચંદ મામા, સંગીતકાર માસ્ટર ભગવાનદાસ, પ્રાણસુખ એડીપોલો, વગેરે. કારવાં બનતા ગયા. ‘સોરઠી સિંહ’ નાટક વખતે દેશી નાટક સમાજે એક હિંમતભર્યું પગલું ભર્યું. નાટકમાં પહેલી વાર સ્ત્રીની ભૂમિકા સ્ત્રી પાસે કરાવી. એ નટી તે મરાઠી અભિનેત્રી શ્યામાબાઈ.
બધું સમુંસૂતરું ચાલતું હતું ત્યાં ફરી અણધારી આફત. હરગોવિંદદાસ રંગભૂમિની સાથોસાથ શેર (બજાર) ભૂમિની ઉપાસના પણ કરતા. યાત્રામાં ગયા હતા ત્યારે એકાએક શેરના ભાવ ગગડ્યા. ૪૦ હજાર રૂપિયાનું નુકસાન. પૈસા કાઢવા ક્યાંથી? કરો નવું નાટક. પ્રભુલાલ દ્વિવેદીએ તાબડતોબ નવું નાટક લખ્યું. રાત-દિવસ રિહર્લસર ચાલે. ૧૯૩૮, માર્ચ ૩૧. એ નાટકનું ગ્રાંડ રિહર્લસર. પણ જોતાંવેંત બધાને લાગ્યું કે આ નાટક તો ડબ્બો છે. હરગોવિંદદાસ શેઠ બબડ્યા : ‘મારું મોત બગાડ્યું.’ રાતોરાત નબળી કડીઓને સુધારી, મઠારી. પછી બીજી એપ્રિલે તેની પહેલી નાઈટ. શેઠ તો માંદગીને લીધે જોવા આવ્યા નહોતા. પણ નાટક ખૂબ ઊંચકાયું. પડોશી પૂનમભાઈએ આ ખબર શેઠને આપ્યા અને કહ્યું : ‘નાટક સોળ નહિ, વીસ આની સફળ.’ નાટક પૂરું થયા પછી બધા મુખ્ય કલાકારો પણ શેઠને ઘરે ગયા અને સારા ખબર આપ્યા. શેઠ કહે : હવે મારું શેર બજારનું વલણ ચૂકવાઈ જાય એટલે મારા જીવને શાંતિ. નાટકની પાંચ નાઈટની આવકમાંથી જ વલણ ચૂકવાઈ ગયું. પણ તે જ રાત્રે, ૧૯૩૮ના એપ્રિલની અગિયારમી તારીખે રાત્રે બાર વાગ્યે હરગોવિંદદાસ શેઠનું અવસાન થયું.
એ નાટક તે કયું? એની વાત હવે પછીના ચોથા અંકમાં. અને હા, દેશી નાટક સમાજ અંગેની એક વણઊકલી ગૂંચની વાત પણ હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 ઍપ્રિલ 2022