Opinion Magazine
Number of visits: 10,221,465
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બોલ કાન્હા ….

મુર્તઝા પટેલ ‘અલ્ફન’|Opinion - Opinion|5 September 2026

તારા નિયમો, ને તારી બાજી …
શો તારી સામે જ રમવો છે!
મારાં અધૂરાં અરમાનોને રાખજે
વાંસળીની સરગમ ઉપર,

હું લગાવીશ ‘સ્ટેક’, અને ‘ફ્લિપ પત્તા’
ઉપર આંકડા બદલીને!
ઈર્ષ્યા, અહંકાર, લાલચ અને
ક્રોધની ઊંચી બોલીઓ લગાવીશ,

આજે તો સ્લોટ મશીનની લકી-સેવન
પણ લાઈનમાં નાખવી છે!
જોઈ લઈશ કયો જેકપોટ ખૂલે છે
તારા દરબારમાં,

આજે મારી બધી અધીરાઈઓને એ
‘રોલેટ’ના વ્હીલ પર ફેરવવી છે!

નાની ચિંતાઓ, મોટો ડર,
ને પેલી મધ્યમ મુસીબતોને
લે! આ બધા ‘પોકર ચીપ્સ’ ટેબલ પર ફેંકું છું; …

જો હું જીતું તો તું મારો,
ને જો હું હારું તો …
તો મારી આ સુંદર બરબાદીનો
મોટો આબાદ સિકંદર પણ તું જ !

પણ સાંભળ, કેશવ!
મારે તારી ‘કૅશ’ નથી જોઈતી,
મારે તો તારો ‘કટાક્ષ’ અને
તારું ‘હાજરી-કાર્ડ’ જોઈએ છે.

તું બસ સામે બેસી હસતો રહે,
મારો એ જ ‘રોયલ-ફ્લશ’ છે!
મનોરથ મારા ઓલ-ઈન છે,
તારો રથ બસ! તૈયાર રાખ.

ભલે જન્મદિન તારો છે કાનુડા,
પણ બાજી આજે મારી શરતે રમાશે!

બોલ કાન્હા, આજે ફરી એકવાર ‘
ઓપન ટેબલે દાવ લગાવીએ??

અમદાવાદ
સૌજન્ય : મુર્તઝા પટેલની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

થેપલાં ગુજરાતીઓના જીવનમાં ક્યારથી વણાઈ ગયાં? શું છે ઇતિહાસ?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|4 September 2026

ઉર્વીશ કોઠારી

ગુજરાતીઓ સાથે થેપલાં જે રીતે સંકળાઈ ગયાં છે તે જોતાં, અત્યારે ગુજરાતનો રાજ્ય-ધ્વજ બનાવવાનો હોય તો થેપલાંને તેમાં બરાબર વચ્ચે સ્થાન આપવું પડે. ફક્ત ગુજરાતીઓ જ નહીં, બિનગુજરાતીઓ પણ થેપલાં વિશે જાણે છે, તેને માણે છે ને ક્યારેક ઘેલછાની હદે પહોંચતો ગુજરાતીઓનો થેપલાં-પ્રેમ ક્યારેક તેમના દિમાગની નસ પણ તાણે છે. દેશવિદેશમાં પ્રવાસ કરતા ગુજરાતીઓ પાસે થેપલાં ન હોય એવું ભાગ્યે જ બને. હવે તો કોઈની સાથે પરદેશ મોકલાવેલાં અને ત્રણ-ચાર દિવસમાં બગડી જાય એવાં ઢેબરાં ત્યાં રહેનારા લોકો ફ્રીઝરમાં મુકીને, રોજ એક-એક કાઢીને, માઇક્રોવેવમાં ગરમ કરીને મઝાથી ખાય છે ને મોકલનારની સાથે ઢેબરાંના પણ ગુણ ગાય છે.

સંસારને મિથ્યા માનનાર આપણી પરંપરામાં આખેઆખા મહાનુભાવો તવારીખમાંથી ભૂંસાઈ જતા હોય, તો થેપલાંની શી વિસાત? સાથોસાથ, આપણું બીજું સુખ તે દરેક બાબતને પ્રાચીન પરંપરામાં ગણાવી દેવાની. એટલે, ઘણાને એવું જ હશે કે ગુજરાત આદિકાળથી થેપલાં ખાતું આવ્યું હતું ને અનાદિકાળ સુધી ખાતું રહેશે. પણ શાંતિથી તપાસ કરતાં વાત એટલી સાદી નથી.

નામરૂપ જૂજવા

સૌથી પહેલો મુદ્દો આવે નામનો. અત્યારે સૌથી પ્રચલિત નામ ભલે ‘થેપલાં’ હોય, પણ તેનાં બીજાં ઘણાં નામ છે અને બનાવવાની રીત પ્રમાણે નામ બદલાય એવું કોઈ સર્વસ્વીકૃત ધોરણ નથી. તેમાં કૌટુંબિક કે પ્રાદેશિક પરંપરા ઉપરાંત સૌ સૌની અંગત માન્યતાઓ હોય છે.

એક વાત નક્કી છે કે ‘થેપલાં’ શબ્દ થેપીને બનાવેલી ચીજ માટે આવ્યો. તે ‘થપોલું’ પણ કહેવાતું હતું આ ઉપરાંત ‘ઢેબરાં’ તો ખરાં જ. જો કે, આ શબ્દ બોલચાલમાં ‘ડાઉનમાર્કેટ’ લાગતો હોવાથી, ઘણાં વર્ષો સુધી ઢેબરાંને અમુક વર્ગના લોકો સ્ટાઇલમાં ‘થેપલાં’ કહેતાં હશે એવી શંકા જતી હતી. એ સિવાય મેથીની ભાજીની મોસમ ન હોય અને દૂધીનાં ઢેબરાં બનાવવાં ન હોય ત્યારે, બાજરીના લોટમાં દહીં-ગોળ-મસાલો નાખીને જે બને, તેને મારા ઘરે ‘ઢેબરાં’ નહીં, પણ ‘ચાનકી’ કહેતા હતા.

વર્ષો પછી ખ્યાલ આવ્યો કે સૌરાષ્ટ્રમાં નાની ભાખરી કે નાનો રોટલો ‘ચાનકી’ તરીકે ઓળખાય છે. ભગવદ્ગોમંડળ કોશ પ્રમાણે, ચાનકી શબ્દ ‘ચાંદ’ પરથી બન્યો છે. મોટો એટલે ચાંદ ને નાની એટલે ચાંદકી-ચાનકી. (નાનું કદ બતાવવા માટે ‘કી’ પ્રત્યયનો વપરાશ સામાન્ય છે. જેમ કે, ઢોલકું-ઢોલકી, વાટકો-વાટકી) આ ઉપરાંત, ક્યારેક વધેલા ભાતનાં ઢેબરાં પણ બનતાં હતાં, જેની સાથે ખાવા માટે રાબ જેવું ગળ્યું ગરમાણું બનાવાતું હતું.

થેપલાં-ઢેબરાં ઉપરાંત તે પોતૈયાં, અડ્ડાળા જેવાં નામે પણ ઓળખાતાં રહ્યાં છે. દાયકાઓથી વાલોડ (દક્ષિણ ગુજરાત)માં રહેતાં ગાંધીવાદી કાર્યકર તરલાબહેન શાહને જુવારના લોટમાંથી બનતાં અડ્ડાળાં યાદ છે, જે આદુ, લીલાં મરચાં, લસણ અને દહીંથી બનતાં હતાં.

ઉત્તર ગુજરાતના શેરથામાં બાળપણ વીતાવનારા અને છેલ્લા ચારેક દાયકાથી બનાસકાંઠાના આદિવાસી વિસ્તારમાં કામ કરતા હસમુખભાઈ પટેલે સાતેક દાયકા પહેલાં થેપલાં કે ઢેબરાં વિશે સાંભળ્યું ન હતું. ત્યાંની કથિત ઉજળિયાત જ્ઞાતિઓમાં ‘પોતૈયાં’નું ચલણ હતું, જે રોજેરોજ નહીં, પણ યાત્રાપ્રવાસે કે કાણમોંકાણે જવાનું હોય ત્યારે જથ્થાબંધ બનતાં. તેની સાથે આથેલાં મરચાં કે છોંડિયાં (કેરીનું ગામઠી અથાણું) અને બરણી ભરીને વલોણાની છાશ રાખવામાં આવતી હતી. એ પોતૈયાં ઘણુંખરું તેલ ચડાવેલી સહેજ જાડી મસાલા રોટલી જેવાં રહેતાં.

જૈન પરંપરાનું અનુસંધાન

વીરમગામમાં ઉછરેલા પત્રકાર-સંપાદક કેતન રૂપેરાના મનમાં થેપલાંનું સીધું જોડાણ ધર્મ સાથે ઊભરે છે. તેમના વિસ્તારમાં થેપલાં ‘ચોવડાં’ તરીકે પણ ઓળખાતાં હતાં અને મહારાજસાહેબને વળાવવા માટે સંઘ સાથે જાય ત્યારે થેપલાં અને ખીર ખાઈને સૌ છૂટાં પડે, એવી પરંપરા હતી. એવી જ રીતે, બાળપણમાં એકાસણું (જૈન વિધિવિધાન સાથેનું એકટાણું) કરવાનું હોય ત્યારે કોઈ શ્રેષ્ઠી બધાને જમાડવાની જાહેરાત કરે, તેમાં બાળકોને થેપલાં-ખીરના એકાસણાનું વિશેષ આકર્ષણ રહેતું હતું.

સુરતમાં જન્મેલાં અને લગ્ન પછી મુંબઈમાં સ્થાયી પત્રકાર-લેખક પિંકી દલાલના મનમાં પણ થેપલાંનો જૂનો સંબંધ ધર્મ સાથેનો છે. જૈનોમાં આઠમ અને ચૌદશની તિથિએ શાક-લીલોતરી ન ખવાય. ત્યારે થેપલાં જ પહેલો વિકલ્પ હોય. તેમની સાંભરણ પ્રમાણે, સુરતમાં શિયાળામાં બાજરીના લોટનાં જે બને તે ‘ઢેબરાં’ કહેવાતાં અને ઉનાળા-ચોમાસામાં ‘થેપલાં’. એ સિવાય મુંબઈમાં તેમને ‘પોતૈયાં’ વિશે પણ જાણવા મળ્યું.

થેપલાંને ‘શાશ્વતાં થેપલાં’ ગણતાં પિંકીબહેન થેપલાં, પોતૈયાં અને ઢેબરાના પ્રકારભેદ આ પ્રમાણે પાડે છેઃ થેપલાં મુખ્યત્વે ઘઉંના ઝીણા લોટમાંથી બને. તેમાં સ્વાદ માટે મસાલા ઉપરાંત, લીલી મેથી દૂધી કે કોથમીર ઉમેરવામાં આવે છે. મોણ માટે દહીં અને તેલ ઉમેરાય છે. તેને પાતળાં વણીને, તવા પર થોડું તેલ મૂકીને શેકવામાં આવે છે. થેપલાંની એકદમ પ્રાથમિક આવૃત્તિ એટલે પોતૈયાં. તેમાં મેથી, દૂધી કે કોથમીર હોતાં નથી. તેનો લોટ પાતળી છાશ કે પાણીથી બાંધીને ખૂબ પાતળાં વણવામાં આવે છે.

ઢેબરાંનો મામલો અલગ છે. તે બાજરીના લોટમાંથી બને છે, પણ તેમાં થોડો ઘઉંનો લોટ હોય ખરો. ઉપરથી આદુમરચાં, કોથમીર, મેથીની ભાજી ને તલ આવે. લોટ બાંધવામાં ગોળનું પાણી વપરાય છે. થેપલાં કરતાં તે થોડાં જાડાં થાય છે અને ઘણા લોકો તેને વણવાને બદલે હાથેથી થાપીને પણ બનાવે છે. જૈનેતર લોકો સ્વાદની અનુકૂળતા પ્રમાણે તેમાં લસણ પણ નાખે છે.

ભૂજમાં રહેતાં નિવૃત્ત અધ્યાપક દર્શનાબહેન ધોળકિયાએ થેપલાંના ત્રણ પેટાપ્રકાર ગણાવ્યાઃ મીઠાં, મોળાં અને ખારાં. નાનપણમાં તેમને પણ થેપલાંનો બહુ ખ્યાલ નથી. ત્યાર પછી પણ મહેમાનો આવે ત્યારે જ થેપલાં બનતાં. કચ્છમાં માગશર મહિનાના ચારે શનિવાર ખારાં (ચણાનો લોટ ભેળવેલાં)-મીઠાં થેપલાં અને એ સિવાય શીતળાસાતમ વખતે પણ થેપલાં બનતાં હોવાનું તેમણે કહ્યું. તેમની જ્ઞાતિમાં તે નાસ્તા કરતાં જમવામાં વધુ વપરાતાં હોવાનો તેમનો ખ્યાલ છે.

સમાજ પ્રમાણે ચલણ

દાયકાઓ સુધી ગુજરાતના અમુક વર્ગોમાં ને પ્રદેશોમાં નાસ્તામાં કે જમવામાં થેપલાં બનાવવાનું ચલણ રહ્યું, તો ઘણા સમુદાયો માટે થેપલાં સાવ અજાણ્યાં પણ રહ્યાં. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકાર નરેશ મકવાણાએ 2009માં અમદાવાદ આવતાં પહેલાં થેપલાંનું નામ સાંભળ્યું ન હતું. અમદાવાદમાં પણ સૌરાષ્ટ્રના પટેલ સમાજનાં કેટલાંક મિત્રો થેપલાં સાથે સૂકી ભાજીનું શાક કે અથાણું ખાતાં હતાં. થેપલાં સાથે રાખવામાં ઘરના પેટભર ભોજન અને સ્વાદ ઉપરાંત ઘણી વાર એક ખ્યાલ એવો પણ રહેતો કે “બહારનું ખાવાનું કોણે (કઈ જ્ઞાતિના માણસે) બનાવ્યું હોય, કોને ખબર?” એટલે અમુક સંપ્રદાયોમાં કે જ્ઞાતિવાદી રૂઢિચુસ્તતામાં માનતા લોકોને તે ખાસ અનુકૂળ આવતાં હતાં.

દલિત સમાજની જેમ જ આદિવાસી સમુદાયમાં થેપલાંનું ચલણ ન હતું. દાયકાઓથી આદિવાસી વિસ્તારમાં કામ કરતા હસમુખભાઈએ આજ સુધી ત્યાં થેપલાં-ઢેબરાં-પોતૈયાં કશું જોયું નથી. તે વિસ્તારમાં રહેતા આદિવાસીઓ અને બીજા પછાત વર્ગોએ પહેલાં મકાઈ અને બાજરી પછી છેલ્લા થોડા સમયથી ઘઉંનું વાવેતર શરૂ કર્યું છે, પણ એ લોકો હજુ થેપલાં સુધી પહોંચ્યા નથી. આમ, ગુજરાતની ઓળખ ગણાતાં થેપલાં ગુજરાતીઓના એક નોંધપાત્ર હિસ્સામાં પ્રચલિત નથી એ પણ હકીકત છે.

થેપલાંનો ઉલ્લેખ અંગત સંગ્રહમાં રહેલી 70-80 વર્ષ જૂની બે રેસિપી બુકમાં મળે છે. ‘પકવાન તથા વ્યંજન સંગ્રહ’ નામના એક પુસ્તકમાં બીજી વિગત ધરાવતાં પાનાં નથી, પણ તેના કર્તા ગીરનારા મુખિયાજી કાલીદાસ કામેશ્વર અને સાંચોરા મુખિયાજી લીલાધાર નાથુભાઈ હતા. પ્રસ્તાવનામાં લખ્યા પ્રમાણે તેમણે ‘…આપણા ગુજરાતી તેમ જ વૈષ્ણવ ભાઈઓને બહુ ઉપયોગી થઈ પડે એવી આશાથી’ પુસ્તક તૈયાર કર્યું હતું. તેમાં બાજરાનાં ઢેબરાં અને બાજરાના લોટ તથા મુરા(મૂળા)ના ઢેબરાંની રેસિપી આપી હતી. તેનો એક નમૂનો “બાજરાનાં ઢેબરાં…(માપ લખ્યા પછી) લોટમાં હીંગ લુણ મરીનો ભુકો નાખી બાંધવો. મસલીને પાતળો કરવો અને લોઢી પર તેલ મુકી સડસડાવવાં. તાપ મજાનો રાખવો.” એવી રીતે, મુંબઈથી 1959માં પ્રકાશિત પુસ્તક ‘તૃપ્તિ’માં નાસ્તાના વિભાગમાં ભાજીનાં અને મસાલાનાં થેપલાંની રેસિપી આપવામાં આવી હતી. પરંતુ તે સમયે થેપલાં ઘરગથ્થુ વાનગી હતાં. તે બહાર વેચાતાં મળે કે વેચી શકાય એવો ખ્યાલ બહુ મોડેથી દાખલ થયો.

પત્રકાર-લેખક બકુલ ટેલર મુંબઈ છોડીને 1990માં સુરત આવ્યા ત્યારે ત્યાં થેપલાં વેચાતાં હોય એવું તેમના ધ્યાનમાં આવ્યું ન હતું. તેમના મતે, સુરતમાં વરાછા રોડ પર વસતા સૌરાષ્ટ્રના લોકો ધીમે ધીમે તળ સુરતીઓના વિસ્તારોમાં રહેતા થયા. ત્યારે કુટુંબની મહિલાઓએ ઘરે નાનો વ્યવસાય શરૂ કર્યો. સુરતી મહિલાઓ કાપડને લગતું કામ કરતી હતી, પણ સૌરાષ્ટ્રની મહિલાઓએ ખાખરા અને પછી થેપલાં બનાવવાનું શરૂ કર્યું. ઘરની ગૃહિણીઓ માટે સામાન્ય રીતે એ કામ શ્રમભર્યું અને કંટાળાજનક હતું. ઢેબરાં માટે ‘બનાવવાં’ને બદલે ‘ટીપવાં’ એવો શબ્દ પણ ક્યારેક એ જ ભાવથી વપરાતો હતો, પણ પછી થેપલાં સ્વરોજગારનું પ્રતીક બન્યાં.

કંઈક આ જ પ્રકારની વાત મુંબઈથી પૂર્વ આફ્રિકા અને ત્યાંથી 1973માં લંડન ગયેલાં કુંજબહેન કલ્યાણીએ પણ કરી. તેમના મતે, ત્રણ-સાડા ત્રણ દાયકા પહેલાંની બ્રિટિશ સરકારે ઓછી લાયકાત ધરાવતા કે બિનવ્યાવસાયિક લોકો માટે બ્રિટનના દરવાજા ખોલ્યા, તેના કારણે ઘણા લોકો એવા આવ્યા જેમની પાસે સરખું કામ ન હતું. તેમાં મહિલાઓએ બાળકોની સંભાળ રાખવા ઉપરાંત ઘરે ટિફિન કે નાસ્તો બનાવીને વેચવાનું શરૂ કર્યું. તેમાં બીજી ચીજો સાથે થેપલાં બનવા અને વેચાવા લાગ્યાં.

છેલ્લા બે-એક દાયકામાં થેપલાંની બોલબાલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરની થઈ છે. બિનગુજરાતીઓ પણ થેપલાં સાથે શાક, અથાણું, મરચાં, દહીં કે ચા નાસ્તામાં કે જમવામાં ખાઈ શકે છે. પ્રવાસો વધ્યા તેમ થેપલાંનું બજાર ફૂલ્યુંફાલ્યું છે. બિનગુજરાતીઓ ગુજરાતીઓને થેપલાંથી ઓળખે છે ને ગુજરાતીઓએ પણ એ ઓળખને કંઈક વધુ પડતી ગંભીરતાથી સ્વીકારી લીધી છે. એટલે તે પણ થેપલાંને ગુજરાતની અસ્મિતાનું પ્રતીક માનવા લાગ્યા છે.

તેમ છતાં, એવા ગુજરાતીઓ પણ હશે, જેમને બહાર છૂટથી મળતાં અને થોડી વધારે આવરદા ધરાવતાં અસ્મિતાસ્વરૂપ, પાતળાં ને ફેન્સી થેપલાં કરતાં મેથીની ભાજીનાં, સહેજ જાડાં, પણ સ્વાદસમૃદ્ધ ઢેબરાં જ ભાવતાં હોય. તેની પર ફક્ત ઘી કે બટર લગાડીને કે અથાણા સાથે કે ચા સાથે કે જીરાળુ ભભરાવેલા કાંદા સાથે કે સૂકી ભાજી સાથે કે…

આ યાદી અનંત અને સૌની પોતપોતાની હોઈ શકે છે. એ જ તો થેપલાં ઉર્ફે ઢેબરાં ઉર્ફે…ની લોકપ્રિયતાનું રહસ્ય છે.

[ઉર્વીશ કોઠારી વરિષ્ઠ પત્રકાર]
31 ઓગસ્ટ 2026
સૌજન્ય :બી.બી.સી. ગુજરાતી
https://www.bbc.com/gujarati/articles/c62jenvxdgxo

Loading

કૃષ્ણ એટલે કર્મ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 September 2026

રવીન્દ્ર પારેખ

આજે 5,25૩મો જન્મોત્સવ. કૃષ્ણનું વ્યક્તિત્વ રાજરાજેશ્વરનું લાગે, પણ તેને પણ અજવાળાં અંધારાં જોવાનાં આવ્યાં છે. જન્મથી લઈને મૃત્યુ સુધી જીવન સામાન્ય માણસનું જ રહ્યું. વિષ્ણુનો એ આઠમો અવતાર. વિષ્ણુએ મત્સ્યાવતાર, નૃસિંહ અવતાર, વરાહ અવતાર, રામ અને કૃષ્ણના અવતારો લીધા, પણ રામ અને કૃષ્ણના અવતારોમાં કૈંક એવું છે જે ભગવાનને ઓછા ને મનુષ્યને વધુ પ્રગટ કરે છે. જો કે, મનુષ્યને દેવ તો ઠીક, મનુષ્ય રહેવું પણ બહુ ગમતું નથી, નહિતર મનુષ્ય મટીને તે પશુ શું કામ બને? વિષ્ણુએ પશુથી મનુષ્ય સુધી વિક્સવાનું સ્વીકાર્યું, તો મનુષ્યે માનવીય ગુણોને બદલે પાશવી આચરણનો મહિમા કર્યો. બધા જ મનુષ્યો કંઇ પાશવતાના પૂજારી નથી, પણ માણસ ઊર્ધ્વગામી બનવાને બદલે અધોગામી બનવા તરફ વધુ ઉત્સુક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનખા દેહ બહુ નસીબદારને મળે છે, એટલે જ કદાચ ભગવાન પણ મનુષ્ય થવા મથે છે. તે એટલે કે દેવોને કદાચ દુ:ખ નથી ને મનુષ્યને છે.

રામ વનવાસ ભોગવે છે અને કૃષ્ણ મનવાસ ભોગવે છે. રામ પિતૃ સુખ ગુમાવે છે, જ્યારે કૃષ્ણ તો જન્મતાં જ માતૃ અને પિતૃ સુખ ગુમાવે છે. જન્મ જેલમાં થાય છે, પણ તે બંધનમાં રહેતો નથી. જશોદા પણ તેને બાંધે છે, પણ તે બંધાઈ રહેતો નથી. તે પાલક માતાપિતાને ત્યાં પહોંચે છે ને પાલક માતાપિતા પણ મૂળ માતાપિતા જેટલાં જ મૂલ્યવાન છે એ આદર્શ સ્થાપે છે. એનું નિમિત્ત મામા કંસ બને છે. કમાલ એ છે કે બે જ મામા કંસ અને શકુનિ વધુ ખ્યાત છે ને બંને નકારાત્મક ગુણો ધરાવે છે. પહેલાં શું હતું કે દેવ, અસુર ને મનુષ્યની સ્પષ્ટ ઓળખ હતી. રામ અને કૃષ્ણનું ધર્મકાર્ય જ અસુરોના નાશનું હતું, પણ હવે અસુરોનો નાશ થઈ શકે એમ નથી. કારણ તે કદાચ મનુષ્યમાં વસી ગયા છે.

રામ વનવાસી છે, તો કૃષ્ણ મનવાસી છે. કૃષ્ણ ગોકુળના હૈયામાં વસે છે. તે માખણ ચોરે છે, પણ ગોવાળોમાં વહેંચે પણ છે. ગોપીઓની મટુકી ફોડે છે, તે એટલે કે કંસને ભરાતાં દૂધદહીં ગોકુળમાં જ રહે. આજના ડેરી ઉદ્યોગના મૂળ ગોકુળમાં પડેલાં છે. ગોકુળમાં ગોવાળો સાથે રહે છે તો ઇન્દ્રના કોપથી ભયંકર વરસાદ વચ્ચે ગ્રામજનોનું રક્ષણ પણ કરે છે – ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકીને ! ગોવર્ધન જેવડી મુશ્કેલીમાં જે આફતથી બચાવે છે તે કૃષ્ણ છે. માટીમાં રમનારો માટી ખાય છે, તો જશોદાને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવીને પોતાની શક્તિનો પરચો પણ આપે છે. યમુનાનાં ઝેરીલા જળમાંથી કાલીય નાગને દૂર કરીને એ સંકેત કૃષ્ણ આપે છે કે કાલીય નાગ દરેકમાં છે ને તે જળ ઝેરી કરે તે પહેલાં તેનું દમન થવું જોઈએ.

બરસાનાની રાધા પણ ગોકુળમાં મળે છે. આમ તો રાધા હતી જ નહીં એવું પણ કહેવાય છે, પણ એના વગરનાં કૃષ્ણની કલ્પના પણ થઈ શકે એમ નથી. જરા વિચારો કે રાધા હોય જ નહીં તો વર્ષો પછી પણ રાધાકૃષ્ણનાં આટલાં મંદિરો કેમ છે? વાંસળીને લીધે જ રાધાને કૃષ્ણનો પરિચય થયો એ વાત તે ભૂલતી નથી. કૃષ્ણ રાધા સાથે રાસ રમે છે ત્યારે રસ છલકે છે ને રસ જ રાસ બની રહે છે. કૃષ્ણને કંઇ પણ છોડવું કે સ્વીકારવું સહજ છે. તે પ્રાણ પ્રિય રાધાને છોડે છે. વાંસળી છોડીને સુદર્શન ધારણ કરવાનું આવે છે તો તે પણ તે કરે છે. આપણને ગોપીઓનાં ચીર હરતો કૃષ્ણ નટખટ લાગે, પણ એ જ દ્રૌપદીનાં ચીર પૂરે પણ છે. કૃષ્ણ સહેલાઈથી હૈયે વસી જાય એમ છે, પણ તે પકડમાં ન આવે એટલો દૂર પણ છે. તે રાધાને પ્રેમ કરે છે, પણ કર્તવ્ય પ્રેમથી ઉપર છે, એટલે જ રાધાને અનંત વિરહિણી બનાવી મૂકે છે. રાધાને ચડેલી રીસ, પછી તો ચિરકાલીન ટીસમાં પરિવર્તિત થઈ જાય છે. મથુરામાં કંસ વધ પછી તેનો રાજા કૃષ્ણ પોતે થતો નથી ને રાજપાટ ઉગ્રસેનને સોંપી દે છે.

એ પછી કૃષ્ણ પાંડવોના હિત સાથે જોડાય છે. આદિપર્વમાં કૃષ્ણ પહેલી વાર દ્રૌપદી સ્વયંવર વખતે પાંડવોને જુએ છે. કૃષ્ણ પોતે સત્યભામા, રુક્મિણી જેવી પટરાણીઓ સહિત 16,108 રાણીઓ કરે છે ને કહેવાય છે બ્રહ્મચારી ! કૃષ્ણ વિષે જેટલું પણ વિચારો તેનો ધરવ થતો નથી. રામ મર્યાદાઓથી બંધાયેલા છે. કૃષ્ણને, ધર્મને પક્ષે રહેવા સિવાય કોઈ મર્યાદા નથી. કૃષ્ણ માટે કર્મ જ સર્વોપરિ છે ને તેને માટે જે કરવું પડે તે, તે કરે છે. એટલે જ તો એ પૂર્ણ પુરુષોત્તમ છે.

કૃષ્ણમાં U-TURN નથી. ગોકુળ છોડ્યું પછી તે ફરી ત્યાં આવતો નથી. એમ જ્યાં જ્યાંથી તે આગળ વધે છે, ત્યાં તે ફરી દેખાતો નથી. તે એ બધી જ ભૂલો કરે છે જે એક માનવી કરી શકે. તે છળકપટ પણ કરે છે, પણ આમાંનું કંઇ પણ તે પોતાને માટે કરતો નથી. તેનામાં વિરોધાભાસ પણ છે. ગીતામાં તે અર્જુનને શસ્ત્ર ઉઠાવવા માટે તૈયાર કરે છે ને પોતે મહાભારત યુદ્ધ વખતે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લે છે. દ્રોણને પરાજિત કરવા યુધિષ્ઠિર પાસે ‘અશ્વત્થામા’ મરાયો એવું ખોટું પણ બોલાવે છે. કર્ણને તે કુંતીનો મોટો પુત્ર છે એમ કહીને પાંડવો તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે ને એ જ કૃષ્ણ, રથ જમીનમાં ધસી જાય છે તો નિશસ્ત્ર કર્ણને મારવાનો આદેશ પણ અર્જુનને આપે છે. કર્ણ ત્યારે કહે પણ છે કે આમ કરવું નિયમ વિરુદ્ધ છે, તો કૃષ્ણ કહે છે કે અભિમન્યુને માર્યો તે નીતિયુક્ત હતું? અર્જુન માટે કર્ણએ સાચવી રાખેલું અમોઘ શસ્ત્ર ઘટોત્કચ પર છોડાવીને અર્જુનને બચાવી લેવાનો પેંતરો પણ કૃષ્ણ જ કરે છે. શિશુપાલનો વધ કરતા પહેલાં તેની સો ગાળો સાંભળી લે છે, એ જ ગાંધારીનો શાપ માથે ચડાવે છે. યુદ્ધમાં જયદ્રથ વધમાં પણ સૂર્યાસ્ત અકાળે કરાવ્યો. આ બધું જ ધર્મને પક્ષે રહીને કૃષ્ણે કર્યું. કૃષ્ણ જાણે છે કે યુદ્ધમાં પાંચ પાંડવો સિવાય કોઈ બચવાનું નથી ને એ વાત તે દ્રૌપદીને, વારંવાર પુછાતાં કૃષ્ણ કહે છે, છતાં દુ:શાસનના લોહીથી વાળ ધોવાની પ્રતિજ્ઞા માટે યુદ્ધ ન ટળે એમ દ્રૌપદી ઇચ્છે છે.

કૃષ્ણે જન્મ જેલમાં લીધો તો મૃત્યુ પણ સામાન્ય માણસનું જ સ્વીકાર્યું. યુદ્ધના થાક અને યાદવકુળના સર્વનાશથી પીડિત કૃષ્ણ અશ્વત્થ નીચે વિશ્રામ કરે છે, ત્યારે પગની પાનીને હરણ માનીને પારધી તીર છોડે છે ને તે દેહોત્સર્ગનું કારણ બને છે. અહીં સવાલોનો સવાલ એ થાય કે પગમાં તીર વાગવાથી કોઈ સામાન્ય માણસ પણ ન મરે, તો કૃષ્ણ કઈ રીતે મૃત્યુ પામે? આ એક જ ભગવાન એવો છે જે માણસ વધારે છે. એટલે જ એણે સામાન્યથી પણ સામાન્ય માણસનું મૃત્યુ સ્વીકાર્યું ને એમ એક જીવ જ્યોતિ થયો.

કૃષ્ણે ગીતા કહી એ વાતને હજારો વર્ષ થયાં. તે પછી તો અનેક દિશાઓમાં શિક્ષણનો વ્યાપ વધ્યો. કેટલી ય શોધો થઈ. આજે તો AI સુધી આપણે આવ્યા છીએ, પણ ગીતાને ભૂલતા નથી. આજે પણ દાર્શનિકો અને ચિંતકોનું દર્શન અને ચિંતન ગીતાની ફરતે જ ફરતું લાગે છે. સવાલ એ છે કે આટલાં વર્ષમાં ગીતાને વળોટી જાય એવું કોઈ પુસ્તક હાથે કેમ ચડતું નથી? મતલબ કે અગાઉ જે થયું તે એટલું ઉત્તમ હતું કે તેની બરાબરીનું આજે ખાસ હાથે ચડતું નથી. ગીતાનું આજે પણ મહત્ત્વ ઘટ્યું નથી, મતલબ કે શિક્ષણના આટલાં વ્યાપ પછી પણ એ સ્થિતિ છે કે રામાયણ, મહાભારત કે ગીતાનું તેજ ઝાંખું પડતું નથી. કૃષ્ણ ભલે કહે, ‘યદા યદા હી ધર્મસ્ય …’ પણ આજ સુધી કૃષ્ણ ફરી આવ્યો નથી. આવ્યો હોત તો ગીતાથી ચડિયાતું કમ સે કમ એક પુસ્તક તો બીજું આવ્યું હોત ને !

બીજો એક સવાલ આ સૃષ્ટિમાં એ ફરતો રહ્યો છે કે રામ ને કૃષ્ણ હકીકતમાં થઈ ગયેલા કે તે કાલ્પનિક છે? ધારો કે એ કાલ્પનિક છે, તો પણ, વાલ્મીકિ અને વ્યાસને આટલાં અદ્દભુત ચરિત્રો સર્જવા માટે પ્રણામ કરવા ઘટે. રામ, કૃષ્ણ પછી પણ ઘણા મહાનુભાવો આ ધરતી પર આવ્યા છે, પણ એ યાદ નથી ને 5,25૩ વર્ષનાં કૃષ્ણની ભક્તિ આપણે આજેય કરીએ છીએ. સવાલ તો એ પણ છે કે કૃષ્ણ કાલ્પનિક છે, તો 525૩નો દાખલો ગણ્યો કોણે? બીજું, વાલ્મીકિ પોતે લવ કુશના ઉછેરમાં હાજર છે. હવે જો સર્જક તરીકે વાલ્મીકિ હાજર હોય ને લવ અને કુશ પણ ઉપસ્થિત હોય તો રામ કાલ્પનિક કઈ રીતે હોય? એવી જ રીતે વ્યાસ પોતે મહાભારતમાં પાત્ર તરીકે હાજર હોય, એટલું જ નહીં, કૌરવકુળનો વંશ પણ એમના દ્વારા આગળ વધ્યો હોય, તો ગાંધારી, શકુનિ, દુર્યોધન … કાલ્પનિક કેવી રીતે હોય? દુર્યોધન હોય તો પાંડવો પણ હોય. પાંડવો હોય તો અર્જુન પણ હોય. અર્જુન હોય તો કૃષ્ણ પણ હોય જ કારણ એણે જ તો અર્જુનને ગીતા કહી છે ને એ પુસ્તકરૂપે હજી આપણી પાસે હોય તો એ પુરાવો જ આપણને કૃષ્ણ સુધી લઈ જઈ શકે એમ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2026

Loading

...10...16171819...304050...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved