Opinion Magazine
Number of visits: 9962434
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘વર્લ્ડ હેપીનેસ ડે’એ જાગતો સવાલ : સુખ નામનો પ્રદેશ ક્યાં છે?

સોનલ પરીખ|Opinion - Opinion|31 March 2022

હેપીનેસ એટલે તમે તમારા જીવનથી કેટલા સંતુષ્ટ છો અને તમારી રોજબરોજની જિંદગીથી કેટલા કમ્ફર્ટેબલ છો, આ બે બાબતોનું સંયોજન. એને માટે વિચારો ઓછું, કામ વધારે કરો. બોલો ઓછું, સાંભળો વધારે. માપો ઓછું, સ્વીકારો વધારે. ફરિયાદ ઓછી કરો, કદર વધારે કરો. ભય ઓછો રાખો, પ્રેમ વધારે કરો – ફિનલૅન્ડ સૌથી સુખી દેશ છે. એ આવું કરે છે?

‘હેપીનેસ’ શી ચીજ છે? એની શોધમાં લોકો યુગોથી હેરાન થાય છે. હું તો હેપીનેસનો પર્યાય શોધવામાં પણ હેરાન થઈ, કેમ કે સુખ, આનંદ, પ્રસન્નતા વગેરે આપણા પરિચિત શબ્દો સાથે ઘણી મળતી આવવા છતાં હેપીનેસ જરા જુદી પડતી ઘટના છે.  

હેપીનેસ એટલે આખો દિવસ આનંદમાં રહેવું એ નહીં. સંશોધનો કહે છે કે સારી-ખરાબ મન:સ્થિતિ આવતી રહેવી એ સતત આનંદની સ્થિતિ કરતાં વધારે સહજ છે. તંદુરસ્ત પણ છે. ઊંચે જાય તે નીચે આવે એ કુદરતનો નિયમ છે. લોકોને પૂછીએ કે શું હોય તો તમને જીવવું ગમે? તો તેઓ હેપી મૂડ એટલે કે સતત આનંદમગ્ન મનની વાત ભાગ્યે જ કરે છે. તેઓ એ ચીજોની વાત કરે છે, જે તેમને માટે વધારે અગત્યની હોય; જેમ કે વ્યવસાય, સંબંધો, ધન. સંશોધનો એ પણ કહે છે કે જો તમે આખો વખત આનંદમાં હોવાનો પ્રયત્ન કર્યા કરશો તો એક દિવસ આનંદ અનુભવવાની ક્ષમતા જ ગુમાવી બેસશો.

હેપીનેસ એટલે શ્રીમંત હોવું અને જે ઈચ્છો તે ખરીદવા સમર્થ હોવું એ નહીં. ગરીબીરેખાની નીચે જીવવું એ અલબત્ત કરુણ સ્થિતિ છે. બાકી ધન સુખ ખરીદી શકે એ એક ભ્રમ છે. ધારો કે તમારો પગાર બમણો થઈ જાય તો તમારો ખર્ચ અને અપેક્ષાઓ પણ એટલાં જ વધે. પગાર બમણો થાય એટલે સુખ બમણું ન થાય. નવું ઘર, નવી કાર, નવા ગેજેટ્સ – આ બધાનું પણ તેવું જ. હા, વધુ પૈસા ખર્ચીને પરિવાર કે મિત્રો સાથે નવા સ્થળે જાઓ તો તમારો આનંદ વધે ખરો. જો કે લોકો પૈસાનો આવો ઉપયોગ ભાગ્યે જ કરે છે.

હેપીનેસ અંતિમ લક્ષ્ય નથી. હેપીનેસની ચર્ચાઓમાં ‘તમે ક્યાં પહોંચ્યાં’ એવું પૂછાતું હોય છે – જાણે કોઈ રસ્તો હોય, માણસ એના પર ચાલતો હોય ને એને ક્યાંક પહોંચવાનું હોય – જાણે હેપીનેસ એક સ્ટેશન હોય અને અમુક અંતરે પહોંચ્યા પછી એ ‘આવે’. પણ ગાંધીજી શાંતિ માટે કહેતા તેમ હેપીનેસ માટે પણ કહી શકાય કે હેપીનેસ તરફ લઈ જતો કોઈ માર્ગ હોતો નથી, હેપીનેસ પોતે જ માર્ગ છે. હેપીનેસ શીખવતા લોકો તમને ગ્રેટિટ્યુડ જર્નલ બનાવવા કહેતા હોય છે – જે બાબત તમને આનંદ આપે એ એમાં નોંધવાના. પણ સત્ય એ છે કે પ્રેમ, લગ્ન, પ્રમોશન, મિલકત બધું ગમે તેટલું ઝળહળતું લાગતું હોય, સમય સાથે એ ઝાંખું પડે છે.

તો હેપીનેસ શું છે? સંશોધનો કહે છે કે હેપીનેસ એટલે તમે તમારા જીવનથી કેટલા સંતુષ્ટ છો અને તમારી રોજ બ રોજની જિંદગીથી કેટલા કમ્ફર્ટેબલ છો આ બે બાબતોનું સંયોજન. આ સંયોજન આપણને સ્થિર બનાવે છે. પછી જિંદગીમાં પરિવર્તન આવે, મૂડ બદલાય, પણ હેપીનેસ પર બહુ અસર ન થાય કેમ કે એ સ્વભાવમાં વણાઈ ગઈ હોય. સતત પ્રયત્નશીલ રહેવાથી આ સંતુલન આવડી જાય છે. આનો અર્થ એ કે શું કેવી રીતે અનુભવવું એ આપણે નક્કી કરી શકીએ છીએ. સતત મહાવરાથી સંતુષ્ટ અને સભર જિંદગીની અનુભૂતિ મનમાં સ્થિર થાય છે.

ચારે બાજુથી આવા વિચારોનો મારો થવા લાગે ત્યારે વર્લ્ડ હેપીનેસ ડે આવી ગયો છે એ સમજી લેવું. યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક 2012ની સાલથી વર્લ્ડ હેપીનેસ રિપૉર્ટ બહાર પાડે છે. આ રિપૉર્ટ અનુસાર હેપીનેસ ઈન્ડેડેક્સમાં ભારત 149 દેશોમાં 139મું સ્થાન ભોગવે છે, એટલે કે દુ:ખી દેશ ગણી શકાય અને ફિનલૅન્ડ વિશ્વનો સૌથી સુખી દેશ છે.

ફિનલૅન્ડ એટલે અત્યંત વિષમ ભૌગોલિક સ્થિતિ, ધ્રૂવ પ્રદેશની ધ્રૂજાવી દે તેવી ઠંડી હવા, બર્ફિલી ચાદર નીચે ઢંકાયેલી રહેતી મોટા ભાગની ભૂમિ, અતિશય લાંબા દિવસ અને રાત, અનેક ટાપુઓમાં વિખેરાયેલો પ્રદેશ ને માનવશક્તિની ઊણપ. આ દેશ વિશ્વમાં સૌથી સુખી? સમજવો પડે આ દેશને.

ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો છે. પશ્ચિમે સ્વીડન, પૂર્વમાં રશિયા, ઉત્તરે નોર્વે અને ખાડીને પેલે પાર એસ્ટોનિયા. વિસ્તારમાં આ દેશ ગુજરાતથી ઘણો મોટો, પણ કુલ વસ્તી અમદાવાદ કરતાં પણ ઓછી. માત્ર પંચાવન લાખ એકવીસ હજાર. 1809 પહેલા ફિનલૅન્ડ સ્વીડનનો જ એક ભાગ હતો. એ પછી એક સદી કરતાં ય વધારે વર્ષોની રશિયન ગુલામી, એમાંથી આઝાદ થવા ભયાનક ગૃહયુદ્ધ, અને 1917માં સ્વતંત્રતા. 1955માં ફિનલૅન્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘનો સભ્ય બન્યો અને યુરોપિયન યુનિયન સાથે જોડાયો.

કેવી છે અહીંની આબોહવા? બરફની ચાદરથી ઢંકાયેલા આ દેશના કેટલાક વિસ્તારોમાં 23 કલાક સુધી સૂર્ય ઊગેલો જ રહે છે અને કેટલાક વિસ્તારોમાં 51 દિવસની રાત હોય છે. દિવસ હોય ત્યાં વાદળછાયા આકાશમાંથી ખૂબ આછો સૂર્યપ્રકાશ આવે છે અને છ કલાકમાં સૂર્ય ડૂબી જાય છે. વાહનોની લાઈટ ચોવીસ કલાક ચાલુ જ રાખવી પડે છે. તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહે છે.

ફિનલૅન્ડમાં 1,79,584 નાનામોટા ટાપુઓ અને 1,87,888 સરોવરો છે. આ એક વિશ્વરેકૉર્ડ છે. સરોવરો, ટાપુઓ, દલદલી ક્ષેત્રો, નદીઓ અને જંગલોથી છવાયેલા આ દેશનું આકાશ ધ્રૂવીય પ્રકાશ એટલે કે ‘નોર્ધન લાઈટસ’ માટે પ્રખ્યાત છે. પ્રજા એવી ખમીરવંતી કે પ્રતિકૂળતાઓને પડકાર આપે, કુદરતી આફતોને ધોઈ પીએ અને સતત સંઘર્ષ અને અથાક પરિશ્રમ વડે પોતાનો ને દેશનો વિકાસ કરે. શિક્ષણક્ષેત્રે તો એવી સિદ્ધિઓ મેળવી જેને સમજવા દુનિયાભરના શિક્ષણશાસ્ત્રીઓ ફિનલૅન્ડ આવે છે. 

ફિનલૅન્ડની જેલો આપણા દેશની સારી હોટેલો કરતાં ય ઘણી સારી હોય છે. અહીંની જેલો ખુલ્લી છે. કેદીઓ છૂટથી હરીફરી શકે છે, કામ કરી શકે છે અને જોઈતી વસ્તુઓની ખરીદી પણ કરી શકે છે. લોકો ઈમાનદાર છે. અહીં જુગાર કાયદેસર પણ સરકાર-નિયંત્રિત છે. યુરોપના કોઈ પણ દેશમાં મેળવેલું ડ્રાઈવિંગ લાયસન્સ અહીં માન્ય છે. સુંદર પાકા રસ્તાઓ પર કદી ટ્રાફિક જામ થતો નથી. ટોલ ટેક્સ નથી. ફિનલૅન્ડ 1908થી પ્રત્યેક ઑલિમ્પિકમાં ભાગ લેતો આવ્યો છે અને ગોલ્ડ મેડલો પણ મેળવ્યા છે. વરસાદ, બરફ કે થીજાવી દેતા પવનો જોગિંગ કે સાયકલિંગને નડતા નથી. સામાજિક, રાજનૈતિક, આર્થિક તથા સૈન્યશક્તિમાં આ દેશ ઘણો સ્થિર રહ્યો છે. ઉચ્ચ આવક, ઉચ્ચ શિક્ષણપદ્ધતિ, સુંદર આરોગ્ય સંભાળ, પ્રકૃતિસૌંદર્ય અને શુદ્ધ વાતાવરણ તેના સુખનાં કારણો છે.

ફિનલૅન્ડમાં માણસોની ખલેલ ન પામ્યા હોય એવાં વિશાળ, વિવિધ જીવસૃષ્ટિથી ભરેલાં ગાઢ જંગલો છે. તેમાંથી આવતી અપ્રદૂષિત હવામાં ફિનલૅન્ડવાસીઓ શ્વાસ લે છે. પ્રકૃતિથી ઘેરાયેલા હોવું અને વારંવાર એની નજીક જવું એ પોતાનામાં એક મોટું સુખ છે. એનાથી ખૂબ પૉઝિટિવિટી આવે છે.

પશ્ચિમના અન્ય દેશોની સરખામણીમાં ફિનલૅન્ડનું જીવન સરળ અને શાંતિભર્યું છે. ફિનિશ સંસ્કૃતિ ઉષ્માભરી અને સ્પર્ધા કરતાં સહકારને વધુ મહત્ત્વ આપનારી છે. ફિનલૅન્ડમાં અપરાધો ખૂબ ઓછા છે. ભ્રષ્ટાચાર બિલકુલ નથી. શિક્ષણ અને કમાણીની તક સૌને સરખી જ મળે છે. ફિનલૅન્ડમાં મધ્યમ વર્ગ ખૂબ મોટો છે, ગરીબી ખૂબ ઓછી છે અને શ્રીમંતો ધનપ્રદર્શનને છીછરું ગણનારા છે. ત્યાંના સૌથી શ્રીમંત ગણાતા લોકો જૂની કાર વાપરતા હોય અને સૌથી ગરીબ ગણાતા લોકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય મળતાં હોય. કોઈ ઘર વગરનું તો હોય જ નહીં.

સૌને સૌની વાસ્તવિકતાઓ વચ્ચે જીવવાનું હોય છે પણ પ્રકૃતિની નિકટતા અને નીતિમય, સાદગીભર્યું જીવન એ સુખ નામના પ્રદેશનાં દ્વાર હોઈ શકે. 

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 માર્ચ 2022 

Loading

એક અરજ રામ નામની

રમજાન હસણિયા|Opinion - Opinion|31 March 2022

આપણે આખી દુનિયાના દુઃખો દૂર કદાચ ન કરી શકીએ, પણ બધા મળી કોઈ એક પરિવારને તો દુઃખમુક્ત કરી શકીએ, એવા વિચારથી પ્રેરાઈને એક વિદ્યાર્થી મિત્ર રામની વ્યથા કથા આપની સમક્ષ મુકું છું.

રામ રાપરની સરકારી કોલેજમાં છેલ્લા વર્ષમાં ભણે છે. કૉલેજમાં અભ્યાસ ઉપરાંત અન્ય બાબતોમાં પણ હંમેશાં આગળ રહે. એમને ભણવામાં વધુ અનુકૂળતા રહે એ માટે છેલ્લા વર્ષનો અભ્યાસ તેઓ નીલપર ગ્રામ સ્વરાજ સંઘના પરિસરમાં રહીને ભણે એવું ગોઠવ્યું છે. મુકતાબહેન અને નકુલભાઈનાં અનન્ય સહયોગ થકી આ થઈ શક્યું છે. ખૂબ સરસ વાંચતા ને વિચારતા, લખતા રામને ઘણી વાર ઉદાસ જોઉં ત્યારે સહજ પૂછી લઉં કે, ‘દોસ્ત, બધું બરાબર તો છે ને ?' ‘એ…હા, સાહેબ, કહીને એ મારાથી તો કેટલુંક છુપાવી લે પણ એમની આંખો ને ચહેરાના ભાવ કઈ રીતે છુપાવવા એ હજુ એમને નથી આવડતું. ગઈકાલે હું અમદાવાદથી નીકળું એ પહેલાં અબ્દુલનો ફોન આવે છે ને કહે છે કે, ‘સાહેબ, રામને સાંજે એક ફોન આવ્યો છે ને ત્યારથી બહુ ટેન્શનમાં છે. મેં જરા સાંભળી લીધું કે એમના બાપા તાત્કાલિક સાઈઠ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવાની વાત કરતા હતા. કોઈ લેણદાર ઘરે આવીને કડક ઉઘરાણી કરે છે. મેં ત્યારે તો એને ધરપત આપી. પૈસાની વ્યવસ્થા માટે ચક્રો ગતિમાન કર્યા, પણ મને ખબર હતી કે આ એક જ દબાણ નહોતું. આવું તો ઘણું ઘણું હતું. સવારથી સાંજ રામના ઉદાસ ચહેરાને જોયા કર્યું. છેક સાંજે ચાલવા જવાના બહાને એમની સાથે બહાર નીકળ્યો ને ત્યારે અંદરથી ભરાઈ ગયેલા રામે જે આપકથા કરી તે સાંભળીને પગ તળે જમીન જ ખસી ગઈ.

રામે વાત માંડતા કહ્યું કે, 'આમ તો અમારો પરિવાર નાનકડી બાપીકી જમીનમાં થતી નાનકડી પેદાશથી પોતાનું ગુજરાન ચલાવતું. બહુ ઝાઝી જરૂરિયાતો પણ નહિ, એટલે સુખરૂપ બધું ચાલ્યા કરે. પણ વર્ષ ૨૦૧૫-૧૬નાં વર્ષોથી એક પછી એક એવી વિટંબણાઓ આવતી ગઈ કે રામનો પરિવાર વધુને વધુ આ ગર્તામાં ડૂબતો ગયો. એક બે વર્ષ ચોમાસું બહુ નબળું આવ્યું. જીરું કે અન્ય કોઈ પાક કરી મહામહેનતે એને ઉછેરે ને પાણીના અભાવે પાક નિષ્ફળ જાય. એ જ અરસામાં રામની મોટી ત્રણ બહેનોના ક્રમમાં લગ્ન લેવાયા. ઘરમાં દોકડાં ન હોય ને પ્રસંગ આવીને ઊભો રહે ત્યારે ગામડાંના લોકોને એક જ રસ્તો દેખાય, ઉછીના પૈસા લઈ લઈએ. જમીન પર લોન આસાનીથી મળે. એમ કરતાં કરતાં ત્રણેય દીકરીઓના લગ્ન અને લગ્ન પછીનાં આણાના પ્રસંગો ટૂંકે લાંબે નિપટાવ્યા. પછીના વર્ષે ખર્ચાને ને દેવાને પહોંચી વળવા પોતાના ઉપરાંત બીજાના ખેતરોમાં પણ ભાગે જીરું કર્યું. પણ કુદરતને હજુ વધુ કસોટી લેવી હતી. એ વર્ષે જાણે બધું બરાબર થઈ જશે એવી આશા બંધાયેલી. વર્ષ નબળું જ રહ્યું. દૂરથી નર્મદાનાં પાણી મેળવવા મથામણ કરી. બે વખત પાણી મળ્યું ને આશા વધુ દૃઢ થઈ, પણ અચાનક જ ત્રીજું ને ચોથું પાણી મળતું બંધ થયું ને બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. બધું સરખું કરવા ખેડેલું જોખમ વળી માથે પડ્યું ને બોજ વધતો ગયો.

એમાં અધૂરામાં પૂરું રામના માતાજીને પેરેલિસીસનો જબરદસ્ત એટેક આવ્યો. રાપર આસપાસ પ્રાથમિક સારવારથી આગળની સારવાર ન મળે, એટલે એમને દવા માટે પાટણ લઈ જવાયાં ને કર્ણના રથના પૈડાની જેમ આ પરિવારના રથનું પૈડું પણ વધુ ઊંડું ઊતરતું ગયું. બાની દવા ચાલુ જ રાખવાની છે. દર મહિને બે હજારની દવા થાય. આવકનું સાધન તો એક વરસાદ આધારિત ખેતી જ. દસેક જણના પરિવારને ખાવા પીવા પણ કંઈક તો જોઈએ ને ! બીજા ખર્ચની તો વાત જ ક્યાં કરવી ! ખાવા-પીવાની વાત નીકળતાં રામ કહે કે, ‘સાહેબ, અમારા ઘરમાં ઘઉં તો બહુ ખવાય જ નહિ કેમ કે એમાં મોણ માટે પણ તેલ જોઈએ ને ! બાજરીના રોટલા બારે માસ ખાઈએ, ચપટી મીઠું ને પાણીથી રોટલા ઘડાઈ જાય ને કારમી મજૂરી પછી પેટ પણ રોટલાથી જ ભરાય. કોઈ માંદુ પડે તો ઘઉંની રોટલી બને એ તો ઉજાણી. શાકમાં પણ મોટે ભાગે છાશમાંથી બનાવેલી કઢી કે લસણની ચટણી જ હોય. ચોમાસે ખેતરમાં થોડું બકાલું કરીએ એટલે લીલું શાક ખાવા મળે. બાકી છાશ રોટલો ખાઈને સંતોષ માની લઈએ. ખોટા એકપણ રૂપિયાનો ખરચ પોષાય નહિ.

લકવા પછી બા ખેતરે જઈ ન શકે. બાપુજીની ઉંમર ઘણી મોટી (૭૫ વર્ષ) ને ટ્રેકટર પરથી પડી જતાં કમરમાં થયેલી ઈજાના કારણે કામ ઓછું થઈ શકે. તોયે બે માણસ હાથ પગ હલાવ્યા કરે ને ખાડાને પુરવાની મથામણ કરતાં રહે. એ દરમિયાન મોટા ભાભીને ડિલિવરી આવી ને એમાં પણ થોડી મુશ્કેલી આવતાં પાટણ લઈ જવા પડ્યાં ને વળી પચાસેક હજારનો ખર્ચો. કોરોનાકાળમાં બાની દવા લેવા પાટણ જવું હોય તો ગાડીથી જ જવું પડે એવું હતું. બા તો પોતાનાં દર્દને પ્રાધાન્ય શેના આપે, એટલે એમણે દવા થઈ રહી છે એવું કહ્યું જ નહિ ને જેમ તેમ ચલાવ્યા કર્યું, એમાં તકલીફ વધી એટલે વળી બીજો ખર્ચો.

આવા બધા ખર્ચમાં કોઈ બચત તો હોય નહીં એટલે દર વખતે પૈસા વ્યાજે લેવા પડે. કોઈ પરિચિત ઓછા ટકાએ પૈસા આપે તો કોઈ વધુ એમ કરતાં કરતાં ચારેક લાખ ઉપરનું દેવું થઈ ગયું છે ને બેંકનું તો વળી અલગ જ, જેનું વ્યાજ પણ આ પરિવાર વરસની કમાણીમાંથી માંડ ભરી શકે છે. વરસ નબળું જાય તો વળી બે વરસનું ભેગું વ્યાજ ભરે ને ન ભરાય તો મુદ્દલ વધતી જાય.

આવી સ્થિતિમાં રામને ને એના નાનાભાઈને આ પરિવાર ભણાવે છે, એ બહુ મોટી વાત કહેવાય. એક ભાઈ તો કાચી ઉંમરે મુંબઈ જઈને કામ કરે છે ને એક પણ રૂપિયો વધારાનો ખર્ચ્યા વિના આ વ્યાજના લેણા ભરે છે. મોટાભાઈ, ભાભી ને તેમની ત્રણ રૂપકડી દીકરીઓ જીવનના કોઈપણ પ્રકારના આનંદ લીધા વિના આ દેવામાંથી મુક્ત થવા મથી રહ્યાં છે. ૭૫મેં વર્ષે બાપાને એક જ ચિંતા છે કે મારો પરિવાર આ વ્યાજ ને દેવાની ચૂંગાલમાંથી ક્યારે બહાર નીકળશે ?

હમણાં અમે રામના ઘરે ગયેલા ત્યારે અમારા માટે એમણે ખીર બનાવેલી. ગાય વિયાંએલી એટલે ખીરમાં દૂધ તો હતું પણ ખાંડ ન્હોતી  ! અથવા માત્ર ચા જેટલી જ હશે કદાચ ! રામના બા મને પૂછતાં હતાં, ‘સાહેબ, આ રામનું ભણવાનું કે'દી પૂરું થાશે ને એ કે'દી કમાતો થશે ?' આમ તો રામ ભણવાના જ નહોતા. પણ એ જે વર્ષે ભણવા આવ્યા, તે વરસ નબળું ગયું એટલે ખેતરે કામ ન હોવાને લીધે ભણવા આવતા થયા ને પછી તો ભણવાનું ગમવા લાગ્યું ને અમારો અનુબંધ વધતો ચાલ્યો ને તેમને આગળ ભણવાની ઈચ્છા જન્મી. ભવિષ્યમાં એક હોનહાર અધ્યાપક ને એક સારા લેખક ને વક્તા બની શકવાની ત્રેવડ જેમાં છે, એવા રામને અધવચ્ચે મુંબઈ સાત આઠ હજારમાં નોકરીએ ચડતો કેમ જોઈ શકાય ? એક વાર તો એ મુબઈ જતા પણ રહેલા. કુદરત તેમને પાછા લઈ આવી. આ રામના પરિવારને જે બોજ સતાવી રહ્યો છે એમાંથી થોડું વજન પણ જો આપણે ઓછું કરી શકીએ, તો આ આખા પરિવારને મોટી રાહત થઈ પડશે !

મારાથી બન્યું તે મેં કર્યું, હજુ કરીશ પણ બોજનો ગોવર્ધન બહુ મોટો છે એટલે ટેકણ લાકડી બનવા માટે આપ સૌને આ ટહેલ નાખી છે. સો, બસો, પાંચસોથી માંડીને જે આપ મદદ કરી શકો તો આ એક ખેડૂત પરિવાર અંધકારની ગર્તામાંથી બહાર આવી શકે. આપ સહેજ પણ ભાર રાખ્યા વિના શક્ય હોય તો મદદરૂપ થશો. કશું જ ન થઈ શકે તો પ્રાર્થના જરૂર કરજો કે કોઈનાં હૃદયે રામ વસે ને આ રામના દુઃખ દૂર થાય ! આપ કહેશો તો રામની બેન્ક ડિટેલ મોકલી આપીશ. આપ સીધા એમના ખાતામાં રકમ જમા કરાવી શકશો. આપના મિત્રો સ્વજનોને પણ આ યજ્ઞમાં જોડશો તો રામને ટેકો થશે.

આપણે જે અન્ન આરોગીએ છીએ, એ આવા જ કોઈ ખેડૂતની મહેનતનું પરિણામ હશે. એ ઋણ ચૂકવવા એક ખેડૂત પરિવારની વહારે આપ સૌ આવશો એવી શ્રદ્ધા છે.

સાંભળ્યું છે કે રામના નામે પથ્થર તરે છે, રામનું નામ જો પથ્થરને તારી શકે તો જીવતરના ભારને પણ દૂર કરી જ શકશે એવા અતૂટ વિશ્વાસ સાથે ….

સૌનું મંગળ હો … સૌનું કલ્યાણ હો …

લિ.

એક વિદ્યાર્થીના દુઃખ દૂર કરવા મથતો એક નાનકડો  શિક્ષક રમજાન હસણિયા

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

સૌથી મોટો પ્રશ્ન …!

કેતન રુપેરા|Opinion - Opinion|31 March 2022

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતના ચૂંટણીકીય રાજકારણમાં એક મોટો બદલાવ આવ્યો છે.

પીકે કહેતાં, પ્રશાંત કિશોર નમ્ર છે, સૌમ્ય છે. સટીક છે, સંમોહક છે. દરેક પ્રશ્નના એમની પાસે ગળે ઉતરે એવા જવાબ છે અને દરેક જવાબના ટેકામાં એમની પાસે ઓછામાં ઓછા છેલ્લાં ૧૫ વર્ષના ડેટાની બૌછાર છે. જનતા જનાર્દનને આનંદમય કરી દે એવાં સૂત્રો એમની પાસેથી મળી રહે છે અને વર્ષોથી જમીની-કાર્ય કરતાં (અથવા કરવાનો દેખાવ કરતાં) કાર્યકરો એમના તરફથી મળતાં સૂચનો મુજબ વર્તવામાં નાનમ અનુભવવાનું છોડી શકે છે.

ચૂંટણી આવે છે, પરિણામ જાહેર થાય છે. પીકે કહેતાં, પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટનાં સૂત્રો અને ગીતો રંગ લાવે છે. જે પક્ષને પોતે અને પોતાની ટીમે પરામર્શન કર્યું છે એ પક્ષની જીત થાય છે. વળી, આવું એક વાર નહીં એકથી વધુ વાર થાય છે. ’૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની જેમ, ૧૦માંથી એકાદ બે મેચ હારે તો ય “ઠીક છે હવે”, એમ એમણે કન્સલ્ટન્સી પૂરી પાડેલો પક્ષ એકાદ વખત હારી પણ જાય, તો ય પ્રશાંત કિશોરનો દબદબો જારી રહે છે. (વારુ, પીકેને ઇન્ટરવ્યૂમાં ક્રિકેટના દાખલા આપવા અને ક્રિકેટની પરિભાષામાં વાત કરવી ગમે છે.)

પ્રાદેશિક પક્ષો એમનો વિશેષ સંપર્ક સાધે છે ને રાષ્ટ્રીય પક્ષો સાથે એમને બહુ લેણાદેણી રહેતી નથી. એના કારણમાં મોટે ભાગે, એમણે સૂચવ્યા મુજબ પૂર્ણ રીતે નહીં વર્ત્યા હોવાનું કે થોડાક અહમ્‌ના ટકરાવનું કારણ ખૂબ સલૂકાઈથી મૂકી જાણે છે. દરેક મોટી જીત પછી પોતે હવે એ કામ કરવાના નથી એવા સંકેતો મોટેભાગે ને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે આપતા રહે છે. એના ભાગરૂપે ક્યારેક કોઈક રાજકીય પક્ષમાં સીધા સક્રિય થાય છે તો ક્યારેક ટૂંક સમયમાં જણાવશે, એમ જણાવતા રહે છે.

ફરી ચૂંટણી આવે છે; ફરી, પોતે જે પક્ષ કે જે વ્યક્તિ સાથે રહીને જ પોતાના આ પ્રકારના પરામર્શ-કાર્યનો સત્તાવાર પ્રારંભ કર્યો હતો, તેને પણ હરાવી શકાય છે; એવું કેટલીક થિયરીઝ અને કેટલાંક ઉદાહરણો દ્વારા પ્રભાવકપણે કહી જાણે છે. આ વાતો પાંચ રાજ્યોમાં એ પક્ષની ૪-૧થી જીત પછી થાય છે. જો પ્રધાનસેવકને પત્રકારોને મુલાકાત આપવામાં પરહેજ ન હોત તો એમને ચોક્કસ ઇર્ષા થાત … એમ, એક ન્યૂઝ ચૅનલના એક વખતના વડા અને એક ચૅનલના ચાલુ વખતના વડા, એક ડાબે ને એક જમણે, એમ બંને બાજુ બેસીને એમને પ્રશ્નો પૂછે છે. પ્રશ્નો સંવાદમાં પરિવર્તિત થાય છે. સંવાદ સારો થાય છે. એક પક્ષને હરાવવાની વાતો થાય છે, અનેક પક્ષોને સાથે મેળવીને જીતાડવાની વાતો થાય છે. મુખ્ય રૂપે વાત જ આ થાય છે. જે વાત ગૌણ બની જાય છે તે આ છે – મોંઘા શિક્ષણની, દોહ્યલા સ્વાસ્થ્યની. કારમી મોંઘવારીની, ખદબદતા ભ્રષ્ટાચારની. ખેડૂતોની આવકની, અગાઉ ક્યારે ય નહોતી એટલી બેરોજગારીની. ઊંચે ચઢતી આર્થિક અસમાનતાની અને કેટલીક સંવેદનશીલ બાબતોમાં આમ ને આમ ચાલતું રહ્યું તો પાતાળે ય પહોંચી શકે એટલી વર્ગ-વર્ગ ને કોમ-કોમ વચ્ચેના અવિશ્વાસની.

બાકી, વર્ષ ૨૦૨૨માં થનારી પાંચ રાજ્યોની ચૂંટણી થઈ ગઈ છે. ૨૦૨૩માં આવનારી નવ રાજ્યોની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. ૨૦૨૪માં યોજાનારી દેશ આખાની ચૂંટણી યોજાવાની જ છે. લાગે છે, ચૂંટણીનાં આ સદાબહાર વર્ષોમાં થઈ રહેલી નરી હાર-જીતની ચર્ચા વચ્ચે, ચૂંટણીઓ લોકશાહીનું શિક્ષણ કે લોકમતનું ઘડતર બની રહે કે નહીં, વ્યૂહરચનાઓની વણઝાર ચોક્કસ બની રહેશે. જેમ 'ભારતમાતા કી જય’ આ દેશના ઘણા બધા સવાલોમાંથી મુક્તિ અપાવનારો જવાબ બની રહ્યો છે; એમ જ, આ દેશના ઘણાખરા રાજકીય પક્ષોને – દાયકાઓથી સક્રિય રાજકીય પક્ષોને – 'હર દર્દ કી દવા’ રૂપી ઉત્તર પીકેમાં જ જણાઈ રહ્યો છે.

શું આ જ વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા દેશનો સૌથી મોટો પ્રશ્ન નથી?!

લખ્યા તા. ૨૮-૨૯ માર્ચ ’૨૨

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 01 

Loading

...102030...1,6641,6651,6661,667...1,6701,6801,690...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved