Opinion Magazine
Number of visits: 9961909
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—138

દીપક મહેતા|Opinion - Opinion|26 March 2022

નાટક દુનિયાનું દર્પણ રૂડું ગુણદોષ જોવાનું

જ્યાં સુંદર મનહર ગાણું રસભરેલ રૂડું ભાણું

 
નાટક દુનિયાનું દર્પણ રૂડું,
ગુણદોષ જોવાનું.
આંતેથી જોઈ જોઈ બોધ લેઈ
દિલડાનું દુઃખ ખોવાનું.
જ્યાં સુંદર મનહર ગાણું,
રસભરેલ રૂડું ભાણું.

સતી પાર્વતી નાટકનું ડાહ્યાભાઈ ધોળશાજીનું આ બહુ જાણીતું થયેલું ગીત આજે યાદ આવવાનું કારણ? કારણ, આવતી કાલે છે ‘વિશ્વ રંગભૂમિ દિવસ.’ અને આપણું આ મુંબઈ એટલે ગુજરાતી નાટક અને રંગભૂમિની જન્મભૂમિ. માત્ર જન્મભૂમિ જ નહિ, આજ સુધી ગુજરાતી નાટકની મુખ્ય કર્મભૂમિ પણ મુંબઈ. શરૂઆતનાં નાટકો તો પાંચ-સાત અંકનાં, રાતે શરૂ થાય તે વહેલી સવારે પૂરાં થાય. પણ પછી ત્રિઅંકી નાટકોનો જમાનો આવ્યો. આજે વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મુંબઈની રંગભૂમિ વિષે થોડી વાત કરવી છે, ત્રણ અંકમાં.

અંક પહેલો

મુંબઈમાં ૧૮૫૩થી પારસીઓએ ગુજરાતી નાટકો ભજવવાનું શરૂ કર્યું ત્યારે ગીતો નાટકના ભાગ રૂપે નહોતાં ગવાતાં. પણ નાટક પૂરું થયા પછી બધા એકટરો (એ વખતે એક્ટ્રેસનો તો સવાલ જ નહોતો) સ્ટેજ પર આવીને સમૂહમાં પાંચ-છ ગીતો ગાતા. એમાં ઘણી વાર એ વખતના પારસી સમાજમાંની બદીઓ પર કટાક્ષ કરવામાં આવતા. પારસીઓમાં એ વખતે દહેજની પ્રથા હતી જે ‘રીત’ કે ‘પલ્લું’ તરીકે ઓળખાતી. આ અંગે એક ગીતમાં કહ્યું છે :

ચાહ્ય કુંવારા ભોલી ફક્કડ ગોરી પતલી નાર,
વળી શીખેલી ભણેલ નાર, ભરવામાં હોશિયાર.
રીતમાં માગે વીંટી સાથે રુપ્યા પાંચ હજાર!
મારો પાયો, હાંકી કાઢો, ક્યાંથી આવી ધાર?

એક જમાનામાં મુંબઈના પારસીઓને રેસ કોર્સ પર જવાનો ચટકો લાગેલો. એ અંગે એક ગીતમાં કહ્યું છે :

રેસ કોર્સ પર ખાયે છે ઠોકર, ગરીબ કે શાહુકાર,
સૌ થાય છે ખુવાર, રેસમાં નથી કંઈ સાર.
ભિખારીનો અવતાર.
રેસ કોર્સ પર આવતાં સૌ હસતા જણાય છે યાર
ને સાંજે પાછા ફરતાં બસ ઘુવડનો અવતાર.

પણ પછી ગીતો પારસી ગુજરાતી નાટકોનો ભાગ બન્યાં. શરૂઆતનાં ગીતો પર શાસ્ત્રીય સંગીતની પ્રબળ અસર હતી. ૧૮૭૧માં એદલજી ખોરીનું નાટક ‘સોનાના મૂલની ખોરશેદ’ ભજવાયેલું. તેનું એક ગીત :

બિન પિયા ઘટા નહિ ભાવે,
રેહ રેહ દેખકુ ગભરાવે.
બિજલી કી ચમક તરપાવે ડરાવે,
બિન પિયા ઘટા ઘટા નહિ ભાવે.

તો નાટકની જરૂર પ્રમાણે પારસી નાટકકારો ‘શુદ્ધ’ ગુજરાતી ગીત પણ લખતા. કુંવરજી નાઝરની એલ્ફિન્સ્ટન ડ્રામેટિક ક્લબે ૧૮૭૪-૧૮૭૫માં ‘કરણઘેલો’ નાટક ભજવેલું. તેનું એક ગીત :

આવો સખી આવો, માને મોતીડે વધાવો,
મોતીડે વધાવો માને, ફૂલડે વધાવો.
અલ્પ ગતિ, પહાડ ઈચ્છું ઉલઘવા,
જય જય, વિજય, વિજય જય થાઓ.

કેખુશરો કાબરાજી અને કુંવરજી નાઝર

૧૯મી સદીમાં માત્ર હિંદુ સમાજમાં જ સમાજ સુધારાનો વા વાયો હતો એવું નથી. પારસી સમાજમાં પણ સુધારાની ચળવળ ચાલી હતી. અરદેશર બે. પટેલ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં બે વરસ ભણ્યા, પણ જીવ લેખકનો એટલે અભ્યાસ અધૂરો છોડી પત્રકારત્વમાં પડ્યા. તેમનાં નાટકો તખ્તા ઉપર સફળતાથી ભજવાયાં હતાં. તેમાનું એક નાટક તે ઈ.સ. ૧૯૦૦માં ભજવાયેલું ‘તકદીરની તાસીર.’ તેમાંના એક ગીતની કેટલીક પંક્તિ :

પડો બુઢ્ઢાઓ જવાનિયા સંગ જંગ કરવા બહાર,
થઈ કુધારાની અજબ પૂરી ખરેખરી બસ હાર.
ફતેહ સુધારાની થઈ યારો, ધજા ઊડી હર દ્વાર,
કહું પૂછો તો ગયા છ વાગી ખરા જ સાડા બાર.

પારસી હોય અને હસે, હસાવે નહિ એવું તે બને? જહાંગીર પટેલ, ‘ગુલફામ’ એટલે પારસી રંગભૂમિ પરનું એક મસ મોટું નામ. તેમનું નાટક ‘ખૂબીનું ખોરીયું’ ૧૯૨૯માં ભજવાયેલું. તેમાંનું એક ગમતીલું, મોજીલું ગીત :

મગન ને છગન થઈને કરશ હું લગન,
બેન્ડ હું બોલાવશ, મિલિટરી નંબર વન.
પોટ્ટી હું શોધશ બા, પૈસાવાળી તદ્દન,
નાચશ-કૂદશ, મઝા કરશ, ‘આ માઈ! વોટ અ ફન!’
શાબાશ, શાબાશ! વેલ ડન, વેલ ડન,
બોલાશ એમ લોકો જોઈ લગનની ધામધૂમ.

પારસી રંગભૂમિ પર હિંદુ પૌરાણિક નાટક

૧૮૭૪માં પારસીઓની નાટક ઉત્તેજક મંડળીએ ભજવેલું ‘હરિશ્ચંદ્ર’ એ હિંદુ પુરાણકથા પરથી લખાયેલું અને ભજવાયેલું પહેલવહેલું નાટક. રણછોડભાઈ ઉદયરામના અનુવાદિત નાટકને કાપીકૂપી, મઠારીને કેખુશરો કાબરાજીએ એ તૈયાર કરીને ભજવ્યું. નાટક એવું તો ઊપડ્યું કે એ જમાનામાં ૧૧૦૦ શો! એમાંથી થયેલી આવકમાંથી કંપનીએ ખાસ પોતાનાં નાટક ભજવવા માટે ક્રાફર્ડ માર્કેટ પાસે નવું થિયેટર બંધાવ્યું. આ નાટક માટેનાં ત્રણ ગીત કાબરાજીએ કોની પાસે લખાવેલાં, ખબર છે? કવીશ્વર દલપતરામ અને અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદ પાસે. એ બંને વચ્ચે સતત હરીફાઈ ચાલતી. મોટે ભાગે એક હોય તો બીજો હાજર ન હોય. બંનેનાં ગીત એક જ નાટકમાં ગવાતાં હોય એવું આ એકમાત્ર નાટક.

જિંજોટી અથવા આશાવરી રાગમાં ગવાતું દલપતરામનું પદ :

સમજ મન, સમજીને લાગ સુધરવા
કૂડાં કપટ કરે શું કરવા?
મારૂં મારૂં કહે તે નથી તારું,
મમત કરે શીદ મરવા?
હજી પણ લાગ અસત્ય વિસરીને
સત્ય શબ્દ ઉચ્ચરવા

કવિ નર્મદનું પદ પણ આ જ પ્રકારનું છે :

સાચું એક બ્રહ્મ નામ, અવર સહુ કાચું,
ગુણ ગાવા ભક્તિ સજી, નિરભે થઈને નાચું.
કોઈ કોઈનું નથી જ, શાનું સગું સાચું?
અટપટી ખટપટ દેખી કેમે કરી રાચું.
ઠામ ઠામ છે બિગાડ વિષયી રસ કાલૂ,
જુઠ્ઠાણું કપટ્ટ ભાળી, કેમ મનડું વાળું?

રણછોડભાઈ ઉદયરામનાં બે નાટક

બિન-પારસી ગુજરાતી રંગભૂમિની મુંબઈમાં શરૂઆત થઈ રણછોડભાઈના બીજા એક નાટક ‘લલિતા દુઃખદર્શક’થી. ૧૮૭૮ના જૂનની પાંચમી તારીખે સ્થપાયેલી ‘ગુજરાતી નાટક મંડળી’એ રણછોડભાઈના જ દિગ્દર્શનમાં એ ભજવ્યું. એ નાટકને એટલી તો સફળતા મળી કે તેના અનુકરણમાં ‘દુઃખદર્શક’ નાટકનો રાફડો ફાટી નીકળ્યો. તેમાંનાં કેટલાકનાં ફક્ત નામ : કજોડાં દુઃખદર્શક, વિધવા દુઃખદર્શક, મદ્યપાન દુઃખદર્શક ચંદ્રમુખ નાટક, દ્વિત્રીયા દુઃખદર્શક, બાળવિધવા રૂપવંતિ દુઃખદર્શક, કજોડા દુઃખદર્શક, વિજયાવૈધવ્ય દુઃખદર્શક, બાળવિધવા દુઃખદર્શક, દારિદ્રય દુઃખદર્શક, ત્રાસદાયક તેરમા દુઃખદર્શક. રણછોડભાઈના લલિતા દુઃખદર્શક નાટકની ૧૮૯૫માં છઠ્ઠી આવૃત્તિની બાર હજાર નકલ છપાઈ હતી! લલિતાદુઃખદર્શક નાટકમાં પૂરી ૬૪ પંક્તિનું નગરનું વર્ણન છે. તેમાંની થોડી પંક્તિ જોઈએ :

વાહ વાહ રે શહેર સ્નેહપુર સારું શોભે,
ભવ્ય ભલો દેખાવ દેખીને ચિતડું લોભે
શો કિલ્લો મજબૂત ટોપ શી આવી રહી છે,
દેખી કંપે કાય, ઘટા વળી સારી થઈ છે.
ઘરની કેવી હાર, શોભતી સારી કીધી,
ઊંચી-નીચી નહિ, નહિ વાંકી, પણ સીધી.
પણે ઊભી કોઈ નાર, ઝારી બે કરમાં લઈને,
પાણી પંથીને પાય, ધાર તો ઝીણી દઈને.

વીસમી સદીની શરૂઆતનાં વરસોમાં આપણા કેટલાક અગ્રણી કવિ-લેખકોનાં નાટક પણ વધતી ઓછી સફળતાથી ભજવાયાં. પૂર્વાલાપ’ કાવ્ય સંગ્રહથી ગુજરાતી કવિતામાં માનભર્યું સ્થાન મેળવનાર કવિ કાન્તનું જાલિમ ટુલિયા નાટક દેશી નાટક સમાજે ૧૯૦૯માં ભજવેલું. તેની નાયિકાને મુખે ગવાતું એક ગીત :

વાંકડિયા વાળ પર મોહી
છબીલા, હું તો વાંકડિયા વાળ પર મોહી.
વાંકડિયા વાળ, તારો વાંકડિયો ફેંટો,
ભ્રમર કમાન વાંકી જોઈ … છબીલા 
વાંકી વાંકી ચાલ તારી, ગરદનની ઢાલ વાંકી.
રાખી છેલ બાંકા વાંકુ જોઈ … છબીલા
વાંકલડી નજરે શું ચોર ચોરી લીધું તેં
હું તો બેઠી મારું સર્વ ખોઈ.

રમણલાલ દેસાઈ ઓળખાયા અને પોંખાયા યુગમૂર્તિ વાર્તાકાર તરીકે, પણ ગુજરાતી સાહિત્યમાં તેમણે પ્રવેશ કર્યો તે નાટ્યલેખક તરીકે. ૧૯૧૫માં છપાયેલું તેમનું પહેલું પુસ્તક તે સંયુક્તા નાટક. છપાયું એ જ વરસે ભજવાયું. તેમનું શંકિત હૃદય નામનું ૧૯૨૫માં ભજવાયેલું. તેમાંનું એક મીઠું મદભર ગીત :

મારી મદભર આંખ ઘેરાણી, ઝુલાવો ધીમે હજી ધીમે પ્રાણ,
નીંદભર્યા અમ પાસે પ્રિયતમ, રાખીએ ચિત્ત ચકોર.
જો જો સલૂણા ફાટે નહિ, મારા નવરંગ સાળુની કોર … ઝુલાવો
કુળી કુળી ચૂંટી મેંદી મૂક્યો મેં, પાનીએ કુમકુમ રંગ,
આછો ઉઘાડ ઝુલાવતાં બળથી, ઊડશે લહરી સંગ … ઝુલાવો
વેગળા લ્યો જરી નયનો બીતાં, નાસતા ખંજન લોલ,
કીકી તણો પડછાય પડી, મારા કાળા થાય કપોલ … ઝુલાવો

ઉપર : રણછોડભાઈ ઉદયરામ, કવિ કાન્ત; નીચે : રમણલાલ વ. દેસાઈ, કૃષ્ણલાલ શ્રીધરાણી

… અઢાર-ઓગણીસ વરસનો એક છોકરો. નાશિકની જેલમાં પુરાયો છે. દાંડી કૂચમાં ભાગ લીધેલો એટલે ત્રણ મહિનાની જેલની સજા થયેલી. જેલની દિવાલ ખાસ્સી ઊંચી. બહાર વડનું ઝાડ. એ પણ કાંઈ આખું દેખાય નહિ. તેની ડાળીઓનો જાણે કે એક ટુકડો પેલા યુવાન કેદીને જોવા મળતો. એ જોતાં એનું મન થોડાં વર્ષો પાછળ ચાલ્યું જાય. જૂનાગઢના મજેવડી દરવાજે એક ખાસ્સો મોટો વડ. એની ડાળીઓ પર દોસ્તારો સાથે ઝૂલેલો, ધીંગામસ્તી કરેલાં. એ બધું યાદ આવે. જેલર પાસે કલમ ને કાગળ માગ્યાં, અને માંડ્યો લખવા. જેલમાંથી બહાર આવ્યો તે પછી ૧૯૩૧માં છપાવ્યું એ નાટક, ‘વડલો.’ તે યુવાન લેખક તે કવિ-નાટકકાર, પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી. વડ, કૂકડો, પશુ-પંખી, ફૂલો, નદી-ઝરણાં, ઝંઝાવાત, એ આ વિલક્ષણ નાટકનાં પાત્રો. મુંબઈની ન્યૂ ઈરા સ્કૂલના વિદ્યાર્થીઓએ ભજવ્યું ત્યારે આ લખનારને ભાગે ‘વડલો’નું પાત્ર ભજવવાનું આવેલું. લેખકે ‘વડલો’ને શોકપર્યવસાયી નાટક તરીકે ઓળખાવ્યું છે. પણ અમે ભજવ્યું ત્યારે તો એ કોમેડી બનતાં માંડ બચ્યું હતું. “વાયુરાજ આ માથું પ્રભુ સિવાય કોઈને નમ્યું નથી, અને નમશે નહીં” એ વડલાની ઉક્તિ પછી પવનના સૂસવાટામાં વૃક્ષોની ડાળીઓને એકબીજા સાથે અફળાવવા માટે બે બાજુની વિંગમાંથી બે મોટા પેડસ્ટલ ફેન ચલાવવાની યોજના હતી. પણ કોણ જાણે કેમ ખરે વખતે એ પંખા ચાલ્યા જ નહીં. સારે નસીબે જાતે હાથ હલાવીને ડાળીઓ અફળાવવાનું સૂઝી ગયું અને નાટક કોમેડી બનતાં બચી ગયું. એ નાટકનું આ ગીત મુંબઈની ગુજરાતી રંગભૂમિનું પણ સંઘગીત બની રહે તેવું છે :

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર.
સૂરજ આવે સાત ઘોડલે,
અરુણ રથ વહાનાર.
આગે ચાલું છડી પોકારું
પ્રકાશ ગીત ગાનાર … અમે તો

ઇન્ટરવલ (સિર્ફ સાત દિન કા)

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 માર્ચ 2022

Loading

જે મહિલાને ‘ભારત રત્ન’ આપવો જોઈતો હતો; તેને સરકારે જેલ આપી !

રમેશ સવાણી|Opinion - Opinion|26 March 2022

સુધા ભારદ્વાજ, પ્રસિદ્ધ આદિવાસી એક્ટિવિસ્ટ / વકીલ / પ્રાધ્યાપક છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝની રાષ્ટ્રીય સચિવ છે. તેનો જન્મ અમેરિકાના બોસ્ટન શહેરમાં 1 નવેમ્બર 1961ના રોજ થયો હતો. તેમનાં માતા કૃષ્ણા પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતાં. તેઓ ભારત પરત આવ્યાં અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઈકોનોમિક સ્ટડીઝની સ્થાપના કરી. તે વખતે સુધાની ઉંમર 11 વરસની હતી. આજે પણ તેમની યાદમાં દર વર્ષે ‘કૃષ્ણા મેમોરિયલ લેક્ચર’ યોજાય છે, જેમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ ભાગ લે છે. સુધા 1979માં IIT કાનપુરમાં દાખલ થયાં અને 1984માં ગણિતમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ભોપાલ ગેસ પીડિતો માટે કામ કર્યું. એ સમય દરમિયાન છત્તીસગઢના પ્રખર મજદૂર નેતા શંકર ગુહા નિયોગીના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે છતીસગઢ મુક્તિ મોર્ચા શ્રમિક યુનિયનમાં જોડાયાં. છત્તીસગઢના ખાણ શ્રમિકોનાં બાળકોને ભણાવવાનું કામ પણ કર્યું. એમના યુનિયનને વકીલોની ફી પોસાય તેમ ન હતી, અને સામે કોર્પોરેટ વકીલો હોય, એટલા માટે 2000માં 40 વર્ષની ઉંમરે તેઓ વકીલ બન્યાં ! 2007થી બિલાસપુર હાઈકોર્ટમાં શ્રમિકોના / વંચિતોના કેસો લડે છે.

તેમની લડાઈના કારણે મજદૂરોને કાનૂની મળવાપાત્ર વેતન મળ્યું / નહીં ચૂકવેલ મજૂરી મળી / બોનસ મળ્યું / નોકરીની સ્થિતિમાં સુધાર્યો થયો / હેલમેટ અને બૂટ મળ્યાં ! બનાવટી એન્કાઉન્ટરમાં નિર્દોષ આદિવાસીઓની હત્યાઓ / સુરક્ષા દળોના જવાનો દ્વારા આદિવાસી મહિલાઓ ઉપર બળાત્કારો /માનવ અધિકાર ભંગ /શ્રમ / ભૂમિ અધિગ્રહણ / વનાધિકાર / પર્યાવરણ સાથે જોડાયેલાં કેસો તેઓ લડ્યાં. શ્રમિકો / કિસાનો / આદિવાસીઓ અને ગરીબ લોકોની તરફે તેઓ અડગ ઊભા રહ્યાં ! તેથી તેઓ કોર્પોરેટ-પૂંજીપતિઓની આંખમાં ખટકતાં હતાં ! છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં કોલસાની ખાણો છે. આદિવાસીઓની જમીનો કોર્પોરેટ કંપનીઓએ વચેટિયા મારફતે પડાવી લીધી હતી. 2011માં સુધાએ હાઈકોર્ટમાં ‘છતીસગઢ લેન્ડ રેવન્યૂ એક્ટ, 1959’ની કલમ – 170B હેઠળ પીટિશન કરી અને 2014માં આદિવાસીઓને તેમની જમીન પરત અપાવી ! કલમ-170B આદિવાસીઓની જમીનનું હસ્તાંતરણ બિન આદિવાસીઓને થઈ શકતું નથી. 2013-14માં સુધાને છતીસગઢ હાઈકોર્ટના જજ માટે પ્રસ્તાવ મળ્યો. પરંતુ એ પ્રસ્તાવ તેમણે સ્વીકાર્યો નહીં કેમ કે તેઓ ગરીબો અને જરૂરિયાતવાળાની પડખે ઊભાં રહેવાં ઈચ્છતાં હતાં ! તેમણે પોતાનો અમેરિકન પાસપોર્ટ ત્યજી દીધો છે ! તેઓ સાદાઈથી જીવે છે. ST બસ / ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરે. આદિવાસીઓની વચ્ચે ચટ્ટાઈ પાથરી સૂઈ જાય. કોટનની સાડી અને હવાઈ સ્લીપર એનો પહેરવેશ !

ભીમા કોરેગાંવ મહારાષ્ટ્રમાં એક જગ્યા છે; જ્યાં દલિત મહારોની સેનાએ બ્રાહ્મણ પેશ્વાની સેનાને હરાવી હતી. તે જગ્યાએ દર વર્ષે દલિતો શૌર્ય દિવસ મનાવે છે. 2018માં આ ઘટનાને 200 વરસ પૂરાં થતાં હતાં એટલે ‘એલ્ગાર પરિષદે’ એક સભાનું આયોજન કર્યું. તેમાં દેશના બુદ્ધિજીવીઓએ પ્રવચનો કર્યા. એ સમયે એક યાત્રાનું આયોજન કર્યું. તે યાત્રા ઉપર સાંપ્રદાયિક તત્ત્વોએ હુમલો કર્યો. હુમલાના સૂત્રધાર હતા સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે. સંભાજી ભીડેને વડા પ્રધાન પોતાના ગુરુ માને છે ! એટલે રાજ્યમાં સત્તાપક્ષની સત્તા હોવાથી પોલીસે પીડિત પક્ષને જ આરોપીઓ બનાવી દીધાં ! આરોપ મૂક્યો કે સભા કરનારા માઓવાદીઓ હતા ! જૂન 2018માં, પોલીસે ભીમા-કોરેગાંવની હિંસાના કેસમાં 16 લોકોને જેલમાં મોકલ્યા. તેમાં પ્રતિષ્ઠિત વિદ્વાનો, વકીલો, શિક્ષણશાસ્ત્રીઓ, સામાજિક કાર્યકરો અને કવિઓનો સમાવેશ થતો હતો. આ કેસમાં સુધા ભારદ્વાજની 28 ઓક્ટોબર, 2018ના રોજ ધરપકડ કરવામાં આવી.

સત્તા કેટલું ખોટું કરી શકે તેનું આ ઉદાહરણ છે; સુધા ભારદ્વાજ આ સભામાં ગયાં ન હતાં કે સભા આયોજનના સભ્ય પણ ન હતાં ! NIAએ એક પુરાવો ઊભો કર્યો કે દિલ્હીના એક કાર્યકર્તા રૌના વિલ્સનના લેપટોપમાંથી એક પત્ર મળ્યો છે; જેમાં આ બુદ્ધિજીવી લોકો વડા પ્રધાનની હત્યાનું કાવતરું કરી રહ્યા છે, તેવું ફલિત થતું હતું ! આ પત્રના સમાચાર પરમ ગોદી પત્રકાર અર્ણબ ગોસ્વામીએ રીપબ્લિક ટીવી ઉપર 4 જુલાઈ 2018ના રોજ વહેતા કર્યા હતા ! અમેરિકાની એક ડિઝિટલ ફોરેન્સિક લેબે તપાસ કરીને કહ્યું છે કે આ પત્ર, તપાસ એજન્સીએ લેપટોપમાં ‘પ્લાન્ટ’ કરેલો છે ! મતલબ કે આ પત્ર સુધા ભારદ્વાજ પાસેથી કે તેમના લેપટોપમાંથી મળ્યો ન હતો ! UAPAના કારણે તેમને જામીન મળતા નહતા. ત્રણ વરસ જેલમાં રહેવું પડ્યું. જેલમાં 35 મહિલા કેદીઓની બેરેકમાં 75 કેદીઓ સાથે તેઓ રહ્યાં. દરેકને ‘શબપેટીની સાઇઝ’ જેટલી જગ્યા ફાળવવામાં આવી હતી. ખોરાકથી લઈને શૌચાલય, દરેક વસ્તુ માટે કતાર લાગતી હતી ! તેમણે પોતાનો સમય; મહિલા કેદીઓનાં બાળકોને ગીતો સંભળાવવામાં, જેલમાં કામ કરવામાં અને ઍડવર્ડ સ્નોડેન / વિલિયમ ડૅલરીમ્પલ / નાઓમી ક્લેઈન / આલ્બર્ટ કામૂની 'ધ પ્લેગ ઇન ધ પ્રિઝન' વગેરે પુસ્તકોનાં વાંચન કરવામાં પસાર કર્યો હતો. સુધા ભારદ્વાજ સામે આરોપ છે કે તેઓ પ્રતિબંધિત માઓવાદી પાર્ટીનાં નેતા છે, જે હથિયારોની હેરફેર / અર્ધ સૈનિક દળો સામે કાવતરું કરવું / હથિયાર સાથેના ઓપરેશનની યોજના બનાવવી / સુરંગ બિછાવવી / સમાજમાં અરાજકતા ફેલાવવી વગેરે પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ! સવાલ એ છે કે આવા ગંભીર આરોપ સબબ તાત્કાલિક સુનાવણી હાથ ધરીને સજા કરવી જોઈએ, પરંતુ ત્રણ વરસથી વધુ સમય થયો છતાં સુનાવણી થતી નથી; એ શું દર્શાવે છે? ત્રણ વરસ થયા છતાં પોલીસે ચાર્જશીટ કેમ રજૂ કર્યું નહીં?

સુધા ભારદ્વાજને 8 ડિસેમ્બર 2021ના રોજ, વિશેષ NIA કોર્ટે ‘ડિફોલ્ટ બેઈલ’ ઉપર મહારાષ્ટ્ર નહીં છોડવાની શરત સાથે છોડ્યાં છે ! સુધા ભારદ્વાજ દિલ્હીની યુનિવર્સિટીમાં કાયદાનાં પ્રોફેસર તરીકેની પોતાની નોકરી પર પરત ફરી શકે એમ નથી અને ફરિદાબાદ સ્થિત પોતાના ઘરે પણ જઈ શકે એમ નથી. 1,000 કિલોમીટરથી વધુ દૂરના અંતરે ભિલાઈમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતી તેમની પુત્રીને પણ તેઓ મળી શકે એમ નથી. એટલે તેમને મુંબઈમાં આજીવિકા શોધવાની છે અને પરવડે એવું ઘર પણ શોધવાનું છે ! સુધા ભારદ્વાજ જેવાં લોકો આ દેશના યુવાનો માટે હંમેશાં પ્રેરણાસ્રોત રહેશે. જે મહિલાને ‘ભારત રત્ન’ આપવો જોઈતો હતો, તેને કોર્પોટેટ-ચોકીદાર સરકારે જેલ આપી !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

આ બધી આંખોની શ્રદ્ધાની લાજ તું રાખજે ! મારા વ્હાલા ….

રમજાન હસણિયા|Opinion - Opinion|26 March 2022

છેલ્લાં આઠ વર્ષથી મારી કર્મભૂમિ બની ગયેલા વાગડ પંથકને વધુને વધુ જોવાની, સમજવાની ને એના માટે કંઈક કરી છૂટવાની મથામણ સતત ચાલ્યા કરે છે. ક્યારેક દેખાય એવી તો મોટા ભાગની અંદર અંદર ચૂપચાપ સળવળતી ! રાપરની આપણી કૉલેજમાં ક્યાં ક્યાંથી વિદ્યાર્થીઓ આવે. એમના ચહેરા વાંચતો જાઉં ને મારું ચિત્ત એ ચહેરા પાછળની પરિસ્થિતનો તાગ મેળવવા મથ્યા કરે. કોઈની આંખોના ઉજાગરા મને એમણે ભાગે કરેલા જીરાના ખેતરમાં લઈ જાય ને મને દેખાય રાત જાગીને પાણી વાળતો ને સવારે આંખો ચોળતો બસમાં બેસતો થાકથી લથબથ થતો વિદ્યાર્થી. કોઈ બે ચાર દિવસ ન આવે ને પૂછું તો જવાબ મળે કે, ‘સાહેબ, એ તો મૂલે ગયેલો, મને જીરું વાઢવું બહુ ગમે !' જવાબ આપતા વિદ્યાર્થીની આંખ કહેતી હોય કે ઘરનો ખાડો પૂરવા જવું પડે સાહેબ, તમને નોં સમજાય ! આવા તો કાંઈ કેટલા ય વિદ્યાર્થીઓ મારી આસપાસ હોય ત્યારે એમ થાય કે ગામડે એમના ઘરે જઈ એમના ઘરને જોઉં ને પરિવારને મળું તો જ એમની સાચી સ્થિતિનો અંદાજ આવે. આ વિચાર મને થોડા થોડા દિવસે વિદ્યાર્થીઓના ઘર ભણી લઈ જાય. બે-ચાર ‘દી પહેલાં સપરિવાર આ રીતે જ ઉપડી પડ્યા, વિદ્યાર્થી મિત્રોના ઘરે. સાથે ભળ્યા શૈલેશભાઈ ને શ્રીલેખાબહેન.

આપણી સાથે સોનટેકરી પર રહીને બે વિદ્યાર્થીઓ કાગ રામ અને કુંભાર અબ્દુલ ભણે છે. મુકતાબહેન ભાવસારના અનન્ય સહયોગ થકી આ શક્ય બન્યું છે. અબ્દુલના ગામ ગેડી તો અમે પહેલાં ગયેલા પણ રામના ગામ દેશલપર નહોતું જવાયું. રામ અને અબ્દુલ ઘરના સદસ્યની જેમ રહેતા હોઈ બાળકો ને નિયામત સહિત સૌને એમનું ઘર જોવું હતું. એક દિવસ કૉલેજ પૂરી કરી અમે સૌ ગેડી ભણી રવાના થયાં. અબ્દુલ અમારા સારથી ને ગાડીમાં પણ મુક્તાબહેનની મહેરબાની.

વાગડના સુક્કા પ્રદેશને પસાર કરતા અમે ભોજન સમયે ગેડી પહોંચ્યાં. અમારી સાથે જ વિદ્યાર્થીઓની બસ પણ પહોંચી. ગેડીથી આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓને ત્યાં જવાનું ધારેલું. પોતાની કૉલેજના સાહેબને પોતાના ગામડે જોઈ વિદ્યાર્થીઓ કેવા રાજી થાય એ તો મારો અનુભવનો વિષય જ. મેં પણ એ અનુભવ્યું છે થોડાં વર્ષો પહેલાં ને આજે પણ અનુભવું છું. અબ્દુલના ઘરે અમારા માટે બનાવેલું ભોજન ઓચિંતા આવી ચડેલા દસ બાર મહેમાનોને ખવડાવીને બેઠેલાં અબ્દુલના માતા અને ભાભી આદિ ફરી ચૂલે ગોઠવાઈ ગયેલાં જોયાં. નિયામત ને શ્રીલેખાબહેન પણ કામમાં જોડાઈ ગયાં ને તાબડતોબ અમારું ભાવથી ભર્યું ભર્યું ભોજન તૈયાર થઈ ગયું. બધાંએ ધરાઈને ખાધું. રામ મુસ્કાન અને રુહાનીને ગામડાના ભૂતની વાતો કરે એટલે એમને તો ભૂત જોવામાં જ રસ હતો. અબ્દુલના મોટા બાપાએ એવી અજબ ગજબની વાતોથી અમારો વિસ્મયલોક ખોલી આપ્યો. બાળકો સહિત અમે સૌ એ વાતોનું આકંઠ પાન કરતા રહ્યા. એમાં એમનાં સુખ-દુઃખની વાતો સહજ વણાતી આવી. બાજુમાં જ ઘર હોવા છતાં મોટા બાપાના ઘરે પણ ઠંડુ પીવા સૌ ગયાં.

ત્યાં અમને ખેંચી રહ્યું હતું જેમલનું ઘર. જેમલ આપણા જૂના વિદ્યાર્થી. અત્યારે કચ્છ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય સાથે એમ.એ. કરે છે ને એકના એક દીકરા તરીકે ઘરની જવાબદારી પણ સંભાળે છે. એમનાં બા, બાપુજી, બહેનો સૌ અમને જોઈ રાજી રાજી ને જેમલની તો ભૂરી ભૂરી આંખોમાં હરખ સમાય નહિ એવડું ! ખેતીવાડીની વાતો ચાલી ને જેમલને આગળ ભણાવવાની અરજ કરી અમે ઉપડ્યા જીગરના ઘરે.

જીગર મુખ્ય ગુજરાતીના વિદ્યાર્થી. એમનાં ઘરમાં પ્રવેશતાં જ અનુભવ્યું કે દરિદ્રતાએ કેવો ભરડો લીધો છે. એક જ આંગણામાં ત્રણ ભાઈઓનો પરિવાર રહે. ત્રણ નાના નાના ખોરડા ને એમાં  વ્યાપેલું સુદામાના ઘરનું દારિદ્રય. વૃદ્ધ દાદીના ચહેરા પર વર્તાતો જીવનભરની મથામણનો થાક ને તેમ છતાં સૌના ચહેરે મલકતો મીઠો આવકાર. જીગરના બાપુજી થોડુંક ભણેલા પણ પરિસ્થિતિવશ ભણતર છોડવું પડેલું. ખેતીકામમાં મજૂરી કરીને બહોળા પરિવારનું ગુજરાન ચલાવવાનું. એક જ આશા કે જીગર ભણી ગણીને આગળ વધશે ને સૌ સારા વાના થશે !

હજુ તો મૂળજી રાહ જોઈ રહ્યા હતા. આ પૂર્વે અમે એમણે ભાગે વાવેલ ખેતરે ગયેલા પણ ઘરે જવાનું બાકી હતું. આંખો પાથરીને બેઠેલા મૂળજીના ઘરે પહોંચ્યા, ત્યાં આખો પરિવાર રાહ જોતું બેઠેલું. દોડતાં સૌ સામે આવ્યા ને અમે ભરત ભરેલી ગોદડીઓથી શોભતાં ખાટલા પર ગોઠવાયા. મૂળજીની મૌન સરભરા ચાલુ હતી ને અમારી વાતો. કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને ભણાવતાં આ વાલીઓને હું તો દંડવત્‌ પ્રણામ કરવા ને એમનો આભાર માનવા જ ગામડે ગયેલો. વૃદ્ધત્વ તરફ ગતિ કરતા મૂળજીના બાપુજી ને અન્ય પરિવારજનો મારી વાતોને ભક્તિભાવપૂર્વક સાંભળી રહ્યા હતા. એમણે મૂળજીની વાર્ષિક પરીક્ષા પહેલાં એમના લગ્ન ગોઠવી દીધેલા ને સંકોચશીલ મૂળજી  કશું બોલી નહોતા શક્યા. વાતો વાતોમાં લગ્નને દસ બાર દિવસ પાછળ લઈ જવા વિનંતી કરી ને મારા પરમ આશ્ચર્ય વચ્ચે સાંજ સુધી તો વેવાઈ સાથે વાત પણ થઈ ગઈ ને લગ્નની તારીખ પણ બદલી ગઈ. મૂળજીના ઘરની ચા પીને અમે પાછા જરા અબ્દુલના ઘરે આવ્યાં, સામાન લઈ, ચા પીને નીકળ્યાં દેશલપર ભણી.

મુસ્કાન, રૂહાની ને અક્ષા ત્રણેય કહી રહી હતી કે, ' પપ્પા, રામાભાઈના ઘરે ક્યારે ચાલીશું ? અમે વચ્ચે આવતા હિંગળાજ માતાજીના દર્શન કર્યા ને ત્યાં દિવાનસિંહ આદિ યુવાન મિત્રો દ્વારા થઈ રહેલ વૃક્ષ ઉછેરની કામગીરીને નજીકથી જોઈ રાજી થયાં.

સૂર્ય અસ્ત થવા ભણી જઈ રહ્યો હતો ને અમે દેશલપુર ભણી, ને અમે પહેલાં પહોંચી ગયાં. અમે પહોંચીએ એ પહેલાં રામને ફોન પર ફોન આવતા હતા કે ક્યાં પહોંચ્યા ? ક્યારે આવશો ? અમે પહોંચ્યા કે ત્યાં સામે લોકોનું ટોળું ને એથી મોટું બાળકોનું ટોળું અમારી કુતૂહલવશ રાહ જોઈ રહ્યું હતું. રામના મોટાભાઈ ચોરાના ઓટલે બેસી અમારી કથાઓ કરી રહ્યા હતા. ગાડીમાંથી ઊતરતાં વેંત બાળકોનું ટોળું અમને ઘેરી વળ્યું. એમના રામભાઈ આજે ગાડી લઈને ગામડે આવ્યા હતા ને મેં એમને કહ્યું કે રામ મોટા સાહેબ થવાના છે ત્યારે એમનો આનંદ છુટ્ટા હાસ્ય રૂપે બહાર આવ્યો. રામનાં બા, બાપુજી ને આખો પરિવાર અમને તેડવા ધસી આવ્યો. વળી, આરંભાઈ અમારી ખાટલા બેઠક જેમાં નિતનવા જીવતરના વિષયો ચર્ચાતા રહ્યા. ત્યાં આવ્યા રામના ફોઈ. ભરયુવાનીમાં આવેલું વૈધવ્ય ને પછીનાં કપરા ચઢાણ ને એમાં સાથે એક હરિ નામનો આશરો ! એક તરફ મને ફોઈ ખેંચી રહ્યાં હતા ને બીજી તરફ મારું મન પારાવાર મુશ્કેલીઓની વચ્ચે  પ્રસન્ન ચહેરે જીવતરના ઝેર કંઠે રાખી હસતા રામના મોટાભાઈ દલાભાઈ ભણી આદરભેર ઝૂકી રહ્યું હતું ! રામને ભણાવવામાં એમનો પ્રમુખ ફાળો છે. વાગડમાં જે ઉંમરે છોકરા કમાઈ દે એ ઉંમરે રામને ભણતો રાખવામાં એમને કેટલી મુશ્કેલી પડતી હશે, એનો અંદાજ તો આવી સ્થિતિમાંથી પસાર થનારને જ આવે. ઘાયલ કી ગત ઘાયલ જાને જેવું ! મારા રામને હારુ ભણાવજો કહી એમના ફોઈ તો દીવાબત્તીનો સમય થતાં ગયાં પણ બાજુમાં બેઠેલાં રામનાં બાએ ધીરેકથી પૂછ્યું કે, 'હેં સાહેબ, આ રામને હજુ કેટલુંક ભણવાનું બાકી છે ? ઈ કમાશે કે'દી ? બાના પ્રશ્નમાં હતી સુદામાપત્નીના વચનની વસમી વેધકતા ! મેં આશાવાદી જવાબ આપી એમને સધિયારો આપ્યો. કાશ હું ભવિષ્ય જોઈ શકતો હોત, તો આ માને નિશ્ચિન્ત કરી શકત !

અંધારું ઊતરતું ગયું, ને રસોડે ચૂલાની મહેકથી રસોઈ રંધાતી રહી. અમે આછે અજવાળે વાતો કરતાં રહ્યાં. રામના વૃદ્ધ પિતાના ચહેરાની કરચલીઓમાં વચ્ચે વચ્ચે સ્મિત પથરાતું રહ્યું ને વિયારુ કરવાનું ટાણું થઈ ગયું. ભાવથી બનાવેલી ખીર, ઘઉંના પાઠેરા, સેવ ટમેટાનું શાક, રોટલા ને દૂધ, દહીં, છાશ વગેરેની સાથે સૌનો પ્રેમ અમે પેટભરીને આરોગ્યો. વળી, ઘરની પછવાડે આવેલા વરંડામાં અમારી બેઠક જામી ને ત્યાં રામના મોટાબાપાના દીકરા બાઉભાઈએ ભજનની રમઝટ બોલાવી. અડોશ-પડોશના કેટલાંક લોકો મળવા આવ્યાં. ઠંડો પવન, સ્વજનોનો સંગ ને ઉપર તારામઢ્યું આકાશ, આ સઘળું અમારી મહેફિલને સભર કરી રહ્યું હતું. વાતો તો ખૂટે તેમ નહોતી પણ અમને ઘર સાદ કરી રહ્યું હતું. એટલે અમે સૌની રજા લીધી. ઝાંપા સુધી વળાવવા આવતા સૌની આંખોમાં વરસી રહ્યો હતો, અપાર સ્નેહ ! રામના બાપુજીએ ધીમેથી કહ્યું, ' સાહેબ, મારો રામ તમને સોંપું છું, એનાં રખોપા તમે કરજો ! એ ધ્રુજતા અવાજની સાથે ભળી ગયો જીગરના બાપુજીનો અવાજ, ‘સાહેબ, મારા જીગરને હરખો ભણાવીને તમારા જેવો સાહેબ બનાવજો ! અબ્દુલના પિતાજીએ વાતવાતમાં કહેલું કે, 'મેં તો રમજાનસાહેબને અબ્દુલ દઈ દીધો, હવે ઈ એને જે બનાવે તે સાચું !' તો મૂળજીના બાપુની આંખોમાં વણકહે વંચાતા ભરોસાને મારે નિભવવાનો છે એવું મારો અંતરરામ બોલી રહ્યો હતો.

આ બધી વાતોથી મન એવું ભરાઈ ગયું કે હું ને રામ ગાડીની છેલ્લી સીટમાં બેઠે બેઠે એકબીજાને તાક્યા સિવાય કંઈ ન કરી શક્યા. હું મનોમન મોટા રામને એટલી જ અરદાસ કરી રહ્યો હતો કે, બાપલા ! આ બધી આંખોની શ્રદ્ધાની લાજ તું રાખજે ! મારા વ્હાલા ….

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6691,6701,6711,672...1,6801,6901,700...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved