Opinion Magazine
Number of visits: 10,221,649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—330

દીપક મહેતા|Opinion - Opinion|28 February 2026

મુંબઈના અસલ વતની ‘દર્યાચા રાજા’ કોળી માછીમારો       

वल्हव रे नाखवा हो वल्हव रे रामा (४)

मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा

मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा

घर पान्यावरी बंदराला करतो ये जा

मी डोलकर डोलकर, डोलकर दर्याचा राजा

મરાઠીના મોટા ગજાના કવિ શાંતા શેળકેનું આ પ્રખ્યાત ગીત આજ સુધી મરાઠી માણુસનાં હોઠે અને હૈયે રમતું રહ્યું છે. હૃદયનાથ મંગેશકરનું સંગીત અને લતા મંગેશકર અને હેમંતકુમારનો કંઠ. સાંભળીએ ત્યારે આખેઆખા ડોલવા લાગીએ, દરિયાનાં પાણીમાં ડોલતા મછવાની જેમ. અને આ કાંઈ મરાઠીનું એકલ-દોકલ કોળી ગીત નથી. ઢગલાબંધ કોળી ગીતો લખાયાં અને ગવાયાં છે મરાઠીમાં. અને એ દરેકમાં ભાષા, ભાવ, લય, તાલ-ઠેકો, કોળી જીવનની ભાત ઉપસાવે તેવાં.

૧૯મી સદીમાં મુંબઈના કોળી માછીમાર 

હા, સુજ્ઞ વાચકના મનમાં કૌતુક થતું હશે કે આજે આ મરાઠી કોળી ગીત કેમ યાદ આવ્યાં? કારણ આજે વાત કરવી છે મુંબઈના મૂળ, અસલ, વતનીઓ એવા કોળીઓ વિષે. ૨૦૨૪-૨૦૨૫ની છેલ્લામાં છેલ્લી ગણતરી પ્રમાણે આપણા દેશનો દરિયા કિનારો કુલ ૧૧,૦૯૮.૮૧ કિલોમીટર લાંબો છે. અને જ્યાં દરિયો છે ત્યાં માછીમારીનો વ્યવસાય ચાલે છે. પણ કોળીઓની વસતી દેશના આખા દરિયા કિનારા પર નથી. કોળી જમાતની વસતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, ગુજરાત, અને ગોવાના દરિયા કાંઠાના પ્રદેશોમાં જોવા મળે છે. અને લગભગ આ બધા પ્રદેશોમાં ભીલ જાતિની વસતી પણ જોવા મળે છે, મુખ્યત્વે ડુંગરાળ પ્રદેશોમાં. રેવરન્ડ જોન વિલ્સન જેવા હિન્દુસ્તાનના, અને ખાસ કરીને પશ્ચિમ હિન્દુસ્તાનના, કેટલાક અભ્યાસીઓ માને છે કે અસલમાં ભીલ અને કોળી એ એક જ જાત હતી. પણ પછી સમય વિતતો ગયો તેમ તેમાંની કેટલીક ટોળીઓ ડુંગર છોડી દરિયાકિનારે આવીને વસી, અને તે ‘કોળી’ તરીકે ઓળખાઈ. જે ટોળીઓ ડુંગરાળ પ્રદેશોમાં કે જંગલોમાં રહી તે ‘ભીલ’ તરીકે ઓળખાઈ. 

૧૯મી સદીના પ્રખ્યાત ચિત્રકાર ધુરંધરની પીછી વડે કોળી દંપતી

જો કે આજના કેટલાક અભ્યાસીઓ જરા જુદી વાત કરે છે. ૧૧મી સદીમાં કોળીઓ બુદ્ધ ધર્મ પાળતા હતા અને મુંબઈથી થોડે દૂર વૈતરણા નદીને કાંઠે વસતા હતા. એ વખતે તેમનો મુખ્ય વ્યવસાય ગુફાઓ કોતરવાનો અને હોડી બનાવવાનો હતો. પણ બારમી સદીમાં તેમના પર થયેલા આક્રમણથી બચવા તેઓ મુંબઈ આવીને મુખ્યત્વે કોલાબા અને માહિમના ટાપુઓ પર વસ્યા. તેની પાછળનું મુખ્ય કારણ એ કે એ વખતે મુંબઈના સાતે ટાપુ એક બીજાથી અલગ હતા, વચમાં દરિયાનાં પાણી હતાં, એટલે મુંબઈ આવી તેમના પર આક્રમણ કરવાનું સહેલું નહોતું. પણ ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ મુંબઈ પર આક્રમણ કર્યું, ધર્મસ્થાનો તોડ્યાં, લૂંટ-ફાટ કરી, પણ આ બધા સામે કોળીઓ ટકી ગયા. હા, એ વખતે તેમાંના કેટલાકે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ખરો. સત્તરમી સદીના અંત પહેલાં તો મુંબઈમાં જુદી જુદી જગ્યાએ ‘કોળીવાડા’ ઊભા કરી કોળીઓ પાક્કા મુંબઈવાસી બની ગયા હતા. 

૧૮મી સદીમાં અંગ્રેજોએ મુંબઈનો કોટ બાંધ્યો તો સાથોસાથ નાનાં-મોટાં બંદરો પણ ઊભાં કર્યાં. પરિણામે કોળીઓનો વ્યવસાય વધુ ફૂલ્યોફાલ્યો. પણ જેમ જેમ આજનાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો મુંબઈ આવી વસવા લાગ્યા તેમ તેમ કોળીવાડાઓ પરની ભીંસ વધવા લાગી. નવા નવા રસ્તાઓ, ઇમારતો, પૂલો વગેરે બનતા ગયા તેમ તેમ કોળીઓને માટે માછલી પકડવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. એક જ દાખલો લઈએ : બાંદ્રા-વરલી સિ-લિંક બનતાં મારા-તમારા જેવાને આવન-જાવનની ઘણી સગવડ થઈ. પણ બાંદ્રા-માહિમ અને વરળી એ બંને છેડા પાસે માછીમારી કરતા કોળીઓના ધંધા પર કેટલી માઠી અસર પડી એનો આપણે વિચાર કર્યો? 

તો બીજી બાજુ જૂનાં મકાનો તોડી, તેની જગ્યાએ ગગનચુમ્બી ઇમારતો બાંધનારા ‘ડેવલપરો’ કોળીવાડાની જમીન હડપ કરવા જાતજાતના નુસખા અપનાવે છે. પરંપરાગત રીતે કોળીવાડાઓ ‘પ્રોટેક્ટેડ એરિયા’ ગણાય છે. પણ એક યા બીજી રીતે પહેલાં કોઈ કોળીવાડાને ‘સ્લમ’ (ઝૂંપડપટ્ટી) જાહેર કરાય છે. થોડા વખત પછી એના ‘રિડેવલપમેન્ટ’ની યોજના ઘડાય છે. અને પછી કોઈક વગવાળો રિડેવલપર કોળીઓનાં ઘરની જગ્યાએ ઊંચાં ઊંચાં મકાનો બાંધી દઈને કોળીઓને બીજે ક્યાંક દૂર દૂર ધકેલી દે છે. આમ થવાનું એક કારણ એ પણ ખરું, કે મહારાષ્ટ્ર અને મુંબઈના રાજકારણમાં કોળી જમાતનો અવાજ ન-જેવો છે. હા, ગણેશ નાખવા, દેવેન્દ્ર ટંડેલ, વંદના કોળી, ગાયત્રી પાટિલ, જેવા કેટલાંક નેતાઓ કે વકીલો કોળીઓના હક્ક માટે લડવાનો પ્રયત્ન કરે છે ખરા.

આ બધું હોવા છતાં કેટલાક કોળીવાડા હજી તેમની અસલિયત જાળવીને ઊભા છે. જેમ કે, ખાર-દાંડા, સાયન, જુહુ, ચારકોપ, કોલાબા, વરળી, વરસોવા, ધારાવી, માહિમ વગેરે સ્થળોએ આવેલા કોળીવાડા. મુંબઈના સાત ટાપુઓમાંના એકનું નામ કોલાબા. (ગુજરાતીમાં નર્મદ, અને એના જમાનાના ઘણા લેખકો ‘કોલાબા’ને બદલે ‘કુલાબો’ લખતા.) હજી સુધી ‘કોલાબા’ નામ જળવાઈ રહ્યું છે એટલું જ નહિ, એ વિસ્તારમાં આવેલ કોળીવાડો પણ હજી ઊભો છે. મુંબઈની ગ્રામદેવી ‘મુંબાદેવી’ પણ અસલમાં તો કોળીઓની કુલ દેવી. આ દેવીનું અસલ મંદિર હતું બોરી બંદરને કાંઠે. પછીથી અંગ્રેજોએ કોટ બાંધ્યો ત્યારે તેને આજની જગ્યાએ ખસેડ્યું.

કોળીઓનો મુખ્ય વ્યવસાય માછલી પકડવાનો અને વેચવાનો. વરસના આઠ મહિના પુરુષો દરિયો ખેડે. વહેલી સવારથી નીકળી પડે. મોડી સાંજે પાછા આવે ત્યારે થાકીને લોથ થઈ ગયા હોય. એક-બે બાટલી ખાલી કરીને ખાટલામાં ઢળી પડે. દરિયો ખેડીને માછલી પકડવા સિવાયની બીજી બધી જવાબદારી કોળણની. નાની-મોટી કે અલગ અલગ જાતની માછલીઓ જુદી તારવવી, ખુલ્લી જગ્યામાં સૂકવવી, તાજી માછલી સુંડલામાં ભરીને વેચવા લઇ જવી. કરકસરથી ઘર ચલાવવું અને થોડા પૈસા ભેગા થાય કે તરત સોનું ખરીદી લેવું. (એટલે જ કોઈ પણ કોળીવાડાની નજીક સોનીની બે-ચાર દુકાન ન હોય એવું બને જ નહિ.) છોકરાંને ભણાવવાં-પરણાવવાં, અને બધા સામાજિક વ્યવહારો સાચવવાનું પણ કોળી સ્ત્રીને માથે. 

માછલીની સુકવણી

આપણે અગાઉ જેમને વિષે ઘણી વાર વાત કરી છે તે કર્નલ મેકિનટોશે નોંધ્યું છે કે કોળી સ્ત્રીઓ મોટે ભાગે પાતળી, સુડોળ, ઘણુંખરું દેખાવડી હોય છે. જ્યારે કોળી પુરુષો દેખાવમાં કેટલેક અંશે રાજપુત પુરુષોને મળતા લાગે છે. સતત દરિયો ખેડતા હોવાથી, અને કુદરત સાથે સંઘર્ષ કરતા હોવાથી, કોળી પુરુષો સુદ્રઢ અને મજબૂત બાંધાના હોય છે. પુરુષો હોડી કે વહાણ હંકારવામાં, જાળ બીછાવવામાં, માછલી પકડવામાં પાવરધા હોય છે. અને સાધારણ રીતે કુદરતી આફતોથી ડરતા નથી. કોળીઓનો વ્યવસાય માછલી મારવાનો, એટલે કે જીવહત્યાનો હોવાથી, કેટલાક પ્રદેશોમાં બ્રાહ્મણો તેમને ‘અસ્પર્શ્ય’ ગણે છે. પણ જન્મ, લગ્ન, મરણ, વગેરે પ્રસંગો માટે કોળીઓના પોતાના ‘ગોર’ હોય છે જે આવે વખતે બધી વિધિઓ કરાવે છે. આ બધી જ વિધિઓમાં હિંદુ ધર્મની વિધિઓ અને આદિવાસીઓની ધર્મવિધિઓનું મિશ્રણ જોવા મળે છે.

સાસૂન ડોક પર નાંગરેલી માછીમારોની હોડીઓ

પહેલી નજરે ભૂતકાળમાં જીવતો લાગે એવો કોળી નવી સગવડો, રીતિઓ, વગેરે સહેલાઈથી અને ઝડપથી અપનાવી શકે છે. આજે મુંબઈનો કોઈ કોળી એવો નહિ હોય જે હલેસાંવાળી હોડી લઈને એકલો નીકળી પડે. બધા જ મોટર બોટ વાપરે છે. દરિયામાં દૂર અને ઊંડે સુધી જાળ ફેલાવવા માટે આધુનિક સાધનો વાપરે છે. કોળીવાડામાં માછલી સૂકવવા માટે અને વહાણ નાંગરવા માટે ખુલ્લી જગ્યા તો રાખવી જ પડે. એટલે કોળીનાં ઘર મુંબઈની બીજી વસ્તીઓના ઘર જેવાં સાંકડાં, અંધારિયાં, નથી હોતાં. હવે કોળી સમાજમાં માત્ર છોકરાઓ જ નહિ, છોકરીઓ પણ ભણતી થઈ છે. તેથી એ સમાજ જૂની રીતરસમમાં જકડાઈ રહ્યો નથી. તો બીજી બાજુ ભણ્યા પછી ઘણા છોકરા કોળીનું જીવન જીવવાને બદલે બીજા વ્યવસાયો કે નોકરીઓ તરફ વળે છે. પછી બે પાંદડે થતાં કોળીવાડો છોડી બીજે રહેતા પણ થાય છે. 

કોળી સમાજમાં ભલે ધીમું, પણ મક્કમપણે કેવું પરિવર્તન આવ્યું છે એનો દાખલો લગભગ રોજ જોવા મળે છે. આ લખનાર રહે છે તે સોસાયટીમાં રોજ સવારે બે માછણો માથે ટોપલા મૂકી માછલી વેચવા આવે છે. એક મોટી, આધેડ ઉંમરની, બીજી તેના કરતાં ઉંમરમાં નાની. બનતાં સુધી સાસુ-વહુ. આજથી દસેક વરસ પહેલાં રોજ બંને સ્ત્રીઓ માછણોની પરંપરાગત રીતે કછોટો મારીને સાડી પહેરીને આવતી. થોડા વખત પછી બેમાંથી નાનીએ પંજાબી પહેરવાનું શરૂ કર્યું. મોટી સ્ત્રી હજી પંજાબી પહેરતી નથી. સાડી જ પહેરે છે, પણ માછણોની પરંપરાગત રીતે નહિ. ‘બંગાળી’ ઢબે પહેરે છે. અને પરિવર્તન માત્ર પોશાકમાં જ આવ્યું હોય તેવું ન બને. તેમના જીવનમાં બીજી બાબતોમાં પણ આવ્યું જ હોય. 

ગુજરાત અને મહારાષ્ટ્ર, બંનેને લાંબો દરિયા કાંઠો. પણ કોળી, માછીમાર, ખલાસી વગેરે વિષે મરાઠીમાં જેટલાં ગીતો લખાયાં છે તેના દસમા ભાગનાં પણ ગુજરાતીમાં લખાયાં નહિ હોય. તેમાં એક અપવાદ તે રાજેન્દ્ર શાહનાં કેટલાંક કાવ્યો. તેમણે વનવાસીનાં ગીત લખ્યાં છે તેમ સાગરખેડુનાં ગીત પણ લખ્યાં છે. અને તેમાનું એક ગીત તો આપણા એક મોટા ગજાના સ્વરકાર-ગાયક અજીત શેઠ અને નિરુપમા શેઠે ગાયું છે. અજીતભાઈએ બાંધેલી ગીતની બંદિશ અને બંને કલાકારોની ગાયકી ગીતના શબ્દોને જ નહિ, ગીતના મિજાજને પણ આબેહુબ ખડો કરી દે છે. જો સાંભળવું હોય તો યુટ્યૂબ પર શોધતાં મળી જશે. એ ગીતના થોડા શબ્દો સાથે મુંબઈના માછીમારોને કહીએ ‘રામ, રામ, મંડળી.’

હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની!

… ભરતી આવી ભૂર, હો ભૂરાં અલબેલાનાં ઉછળે પાણી,

હેઈ રે હેલા આ…ય ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.

ખારનો સાગર ખેડીએ, માછી! રોજ ઋતુ, રોજ મોલ;

આજની મ્હેનત આજ ફળે, નહિ કાલનો લેવો કોલ.

રે હેલા હે ઈ રે હેલા આ…ય,

ભરકાંઠાનાં જળ તે આપણ જાળમાં બાંધ્યાં જાય.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે’; 28 ફેબ્રુઆરી 2026 

Loading

ગઝલ

સિદ્દીક ભરૂચી|Poetry|28 February 2026

અબોલાને    વધુ   સંમત કરે છે,
મહોબ્બત  કેટલી  હિંમત કરે છે!

નજીવી વાતમાં વાસણ ખખડ્યાં,
ને  ભીંતો   રાઈનો   પર્વત કરે છે.

પથારીમાંથી બેઠા થાવ, સજ્જન,
અઝાનો  આપનું  સ્વાગત કરે છે.

અમારા   કાળના  ગંભીર  શાયર,
હવે તો    ‘શેરમાં’   ગમ્મત કરે છે.

જીવે  તો  છાંયડા  આપે છે વૃક્ષો
સુકાતા   રાંધવા    રાહત  કરે છે.

‘અસત્યથી’   વધારે  ‘સત્ય’ સાથે,
ન જાણે   કેમ  સૌ  નફરત  કરે છે?

જૂના ફળિયા મને જંગલમાં મળ્યા,
નવી આશાના ગમ હિજરત કરે છે.

સમજદારો ઘણા ઓછાં છે ‘સિદ્દીક’,
હ્રદયના  ‘શબ્દો’ની    કિંમત કરે છે.

અમદાવાદ
e.mail : siddiq948212@gmail.com

Loading

સમરસ ગ્રામ પંચાયત, સમરસતા અને સમાનતા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 February 2026

ચંદુ મહેરિયા

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું સેલરા ગામ. ૫૦૦ આહિરોની વસ્તીના આ ગામમાં ક્યારે ય સરપંચની ચૂંટણી થઈ નથી. ગામના ચોરે લોકો ભેગા થાય છે અને સર્વસંમતિથી સરપંચની પસંદગી કરે છે. હિન્દુ-મુસ્લિમની સમાન વસ્તી ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ આઝાદી પછી ક્યારે ય ગામના સરપંચની ચૂંટણી થઈ નથી. એક ટર્મ હિન્દુ અને બીજી ટર્મ માટે મુસ્લિમ સરપંચની પસંદગી ગામના ૪,૮૦૦ મતદારોના પ્રતિનિધિઓ મળીને કરે છે. બનાસકાંઠા જિલ્લાના સૂઈ ગામ તાલુકાના સોનેથ ગામે આ વખતે ગઈ ચૂંટણીના હારેલા ઉમેદવારોના નામની ચિઠ્ઠી ઉપાડીને વગર ચૂંટણીએ સરપંચની પસંદગી કરી છે. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ચમનપર ગામમાં પણ આઝાદીથી આજ સુધી ક્યારે ય ગ્રામપંચાયતની ચૂંટણી થઈ નથી. સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલમાં આવી ત્યારથી ચમનપર સમરસ ગ્રામ પંચાયત છે. લોકતંત્રના પાયાના એકમ એવા ગામોની પંચાયતની ચૂંટણીના આ કેટલાક વિશિષ્ઠ ઉદાહરણો છે. 

૧લી મે ૧૯૬૦ના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ હતી. ૧લી એપ્રિલ ૧૯૬૩થી રાજ્યમાં ત્રિસ્તરીય (જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત) પંચાયતી રાજ અમલમાં આવ્યું છે. બંધારણના નિર્માતાઓએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષો અને તેના પ્રતીકો વિના લડાય અને ચૂંટણીનાં દૂષણોથી તે મુક્ત રહે તેની જોગવાઈ કરી છે. તેમ છતાં રાજકારણનાં દૂષણોથી ગામડાં પર રહી શક્યાં નથી. એટલે ક્યાંક ગ્રામજનોની આપસી સમજથી તો ક્યાંક સરકારની સમરસ ગ્રામ પંચાયત યોજનાથી ચૂંટણીઓ થતી નથી.

બહુ વાજંબી રીતે સમરસ ગ્રામ પંચાયત યોજનાને નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી કાળની દેણ મનાય છે. પરંતુ ખરેખર તો આ યોજના પ્રથમ વાર ૧૯૯૨માં ચીમનભાઈ પટેલના મુખ્ય મંત્રી કાળમાં એક વરસ માટે જાહેર થઈ હતી. જો કે તેનો પદ્ધતિસર અને વ્યવસ્થિત અમલ ૨૦૦૧થી થયો છે. સેવાને બદલે મેવા મેળવવા કે પછી લોકજાગ્રતિમાં વૃદ્ધિને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ તીવ્ર હરીફાઈ થાય છે. પાંચથી પચીસ હજારની વસ્તીના ગામોમાં લોકો એકબીજાને અવારનવાર મળતા હોય છે. એટલે કોણે ચૂંટણીમાં શું ભાગ ભજવ્યો હતો તે બધા જાણે છે. પરિણામે વેરઝેર, અશાંતિ, કુસંપ, મતભેદ, મનભેદ, વૈમનસ્ય, કાવાદાવા, કલેશ, મારામારી, ધાકધમકી, અણદીઠ હિંસા અને દાદાગીરીની સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ચૂંટણી ટાળીને,  વિના વિરોધ,  બિનહરીફ સરપંચ સહિત પંચાયતના તમામ સભ્યોની પસંદગીથી ગ્રામ પંચાયતની રચના થાય તે માટે ૨૦૦૧થી સમરસ ગ્રામ પંચાયતની યોજના અમલી છે. જો સરપંચ અને બધા સભ્યો મહિલા પસંદ થાય તો તે મહિલા સમરસ ગ્રામ પંચાયત બને છે. 

છેલ્લે જૂન ૨૦૨૫માં ૮,૩૨૬ ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ હતી. તેમાં ૫૬ મહિલા અને ૭૬૧ સામાન્ય સમરસ ગ્રામ પંચાયતો બની હતી. તે પૂર્વે ૨૦૨૧-૨૨માં ૧,૧૮૯ સામાન્ય અને ૧૧૬ મહિલા સમરસ પંચાયતો હતી. ૨૦૨૫માં ૭૬૧માંથી સૌથી વધુ ૧૦૩ સામાન્ય સમરસ પંચાયતો ભાવનગર જિલ્લામાં જ્યારે ૫૬ મહિલા સમરસ પંચાયતોમાંથી સૌથી વધુ ૯ મહેસાણા જિલ્લામાં રચાઈ હતી. ૨૦૦૧ થી ૨૦૨૩ સુધીમાં સમગ્ર રાજ્યની સામાન્ય સમરસ પંચાયતોની કુલ સંખ્યા ૧૪,૭૨૧ થઈ હતી. અમલના અઢી દાયકે કુલ મહિલા સમરસ પંચાયતોનો આંકડો ૭૬૮એ પહોંચ્યો છે.

રાજ્ય સરકાર સમરસ પંચાયતોને ખાસ પુરસ્કાર રાશિ આપે છે. ૧૯૯૨માં માત્ર રૂ.૧,૦૦૦ રોકડ પુરસ્કાર હતો. ૨૦૦૧માં રૂ.૬૦,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ હતો. જે હવે મહત્તમ રૂ. ૧૨ થી ૧૫ લાખ જેટલો છે. સમરસ પંચાયતની રચના એક કરતાં વધુ વખત થાય તો તે પ્રમાણે પુરસ્કાર રાશિમાં વધારો થાય છે. સરકારની પુરસ્કારની રકમ ગામના વિકાસ કામો માટે ખર્ચ કરવાની હોય છે. સરકારે નક્કી કરેલા વિકાસ કામોમાં જાહેર શૌચાલય, ચોખ્ખું પાણી, દૂષિત અને ગંદા પાણીનો નિકાલ, આરોગ્ય સેવા, આંતરિક એપ્રોચ રોડ, સ્ટ્રીટ લાઈટ, પ્રાથમિક શાળાના ઓરડા, જળ સંચય યોજના અને પંચાયત ઘરનો સમાવેશ થાય છે. આ વિકાસ કામોમાંથી યોગ્ય કામ ગ્રામસભા નક્કી કરે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે પહેલી વાર સમરસ ગ્રામ પંચાયત બને તે ગામમાં એકથી આઠ ધોરણની શાળાની વ્યવસ્થા સરકાર કરે છે. કમ સે કમ આટલી સગવડ માટે પણ સરકારી પ્રાથમિક શાળાવિહોણા ગામોએ સમરસ પંચાયત રચવી જોઈએ. 

સમરસ પંચાયત યોજનાના સારા અને નરસા બંને પાસાં છે. જો તે ચૂંટણીના દૂષણો અટકાવે છે તો લોકશાહીમાં નાગરિકનો મહત્ત્વનો મતદાનનો અધિકાર છીનવે છે. જે સર્વસંમતિની વાત છે તે વાસ્તવિક છે કે દેખાડો તે વિચારણીય પ્રશ્ન છે. ગામના હિત ધરાવતા તત્ત્વો, સ્થાપિત હિતો કે પ્રભુત્વ ધરાવતા લોકો પંચાયત પર પોતાનું વર્ચસ કાયમ રહે તે માટે સમરસનો ખેલ કરતા હોવાની ટીકા થાય છે. વળી ગામમાં જ્ઞાતિ અને પૈસાનો ભેદ તો તરત દેખાય છે. એટલે રાજકીય નેતૃત્વમાં દેખાતી સમરસતા સામાજિક સમરસતા તો બનતી જ નથી. સરકારી ઠરાવ “વિકાસ કામો માટેનું હકારાત્મક વાતાવરણ ઊભું કરવા સમરસ પંચાયતની રચનાનો હેતુ” હોવાનું જણાવે છે. એટલે વિકાસ કામો માટે ચૂંટણી ટાળવામાં આવે તેવો અર્થ થાય? શું ચૂંટણીઓ વિકાસ માટે અવરોધક છે? જે પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે તે પ્રોત્સાહન છે કે પ્રલોભન ? તેવો પણ સવાલ ઊઠે છે. વળી ત્રણ કે પાંચ લાખ રૂપિયાની રકમ વિકાસ કામો માટે બહુ જ ઓછી ગણી શકાય તેમ પણ અનુભવે જણાય છે. માત્ર રાજકીય નેતાઓ જ નહીં સરકારી અધિકારીઓ પણ સમરસ ગ્રામ પંચાયતો રચાય તે માટે એડીચોટીનું જોર લગાવે છે. પરંતુ સમરસ ગામોની સંખ્યા વધવાથી સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રક્રિયા અને ફલસ્વરૂપ લોકતંત્ર ખતમ થઈ જશે તેની કોઈને ચિંતા નથી. 

સમરસતા મૂળભૂત રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર છે. સમરસતા સમાનતાનો ભાસ  ઊભો કરે છે. વાસ્તવમાં સમરસતા એટલે કથિત ઉચ્ચ કે પ્રભુત્વ ધરાવતા વર્ણોમાં અન્યનું સમાઈ જવું તે છે. જ્યારે સમાનતાનો ખ્યાલ જુદો છે. સમાનતામાં દરેક એક સરખા હોય છે અને કોઈએ બીજામાં સમાઈ જવાનું નથી.

૧૪ એપ્રિલ ૧૯૮૩ના રોજ ફૂલે-આંબેડકર ભૂમિ  મહારાષ્ટ્રમાં ‘સામાજિક સમરસતા મંચ’ની સ્થાપન થઈ હતી. એ પ્રસંગે સંઘ વિચારક દત્તોપંત ઠેંગડીએ બે પ્રવચનો આપ્યા હતા. આ પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પુસ્તકાકારે પ્રગટ થયો છે. જાણો છો અનુવાદક કોણ હતા? તત્કાલીન સંઘ પ્રચારક અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી.  આ પ્રવચનોનો પ્રધાનસૂર એ હતો કે કેવળ સમરસતાના માર્ગે જ સમતા આવી શકે છે. પરંતુ તે સત્ય નથી. સમરસતાથી સમાનતા શક્ય બનતી નથી તે પચીસ વરસોથી ગુજરાતમાં અમલી સમરસ ગ્રામ પંચાયતોના અનુભવો પરથી કહી શકાય છે. એક રીતે તો સમરસ ગ્રામ પંચાયત યોજના સમરસતાના સંઘ વિચારનું ભારતીય જનતા પક્ષે અમલી કરેલું રાજકીય રૂપ છે.  

વાદ નહીં, વિવાદ નહીં કેવળ સંવાદ એ સમરસ પંચાયતનો મંત્ર છે, પરંતુ વર્ણ અને વર્ગમાં આડો અને ઊભો વહેંચાયેલો અને વહેરાયેલો ગુજરાતી અને ભારતીય ગ્રામ સમાજ આભડછેટથી માંડીને અનેક પ્રકારના ભેદભાવો, વાદ-વિવાદથી ખદબદે છે. તે અંગેનો કોઈ સંવાદ શક્ય  જ નથી. અભ્યાસો જણાવે છે કે જ્યારે ગામમાં મહિલા કે દલિત સરપંચનું પદ અનામત આવે છે ત્યારે જ લોકોને સમરસ પંચાયત કરવાનું સૂઝે છે. એ રીતે સક્ષમ મહિલાઓ અને દલિતોને  સરપંચ બનતા અટકાવી પોતાના કહ્યાગરા વ્યક્તિઓને આગળ કરાય છે. આખરે આપણું ધ્યેય સમરસ જ નહીં એકરસ એવા સમાન સમાજનું છે. પરંતુ સામાજિક સમાનતા વિનાની રાજકીય સમરસતા અર્થહીન છે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...125126127128...140150160...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved