Opinion Magazine
Number of visits: 10,221,694
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લગ્ન નોંધણીના નવા નિયમો તુક્કાથી વિશેષ કૈં નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 February 2026

રવીન્દ્ર પારેખ

સગીરનાં લગ્નને બાદ કરતાં, લગ્ન નોંધણીમાં માતાપિતાની સંમતિ અનિવાર્ય નથી. આમ પણ સગીરાનાં લગ્ન, માબાપની સંમતિ હોય એટલા માત્રથી કાયદેસર થઈ જતાં નથી. માબાપની સંમતિ હોય તો પણ બાળવિવાહ પ્રતિબંધક કાયદા હેઠળ, લગ્ન ગેરકાયદેસર અને દંડનીય અપરાધ જ છે, એટલે માતાપિતાની સંમતિ સગીરનાં લગ્નને કાનૂની બનાવી શકતી નથી તે હકીકત છે. કાયદાકીય રીતે લગ્ન માટે યુવાનની ઉંમર 21 અને યુવતીની 18 વર્ષ હોવી અનિવાર્ય છે. વચમાં તો યુવતીઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રી મંડળે, ડિસેમ્બર, 2021માં રજૂ કર્યો હતો. મતલબ કે 18ની યુવતી સરકાર ચૂંટી શકે, પણ પરણી ન શકે એવી સ્થિતિ હતી. જો કે, હવે યુવતીની લગ્ન માટેની કાનૂની ઉંમર 18 હોય તેમ લગ્નો થાય છે.   

ગુજરાતના ગૃહમંત્રીએ થોડા દિવસ પર મોર માર્યો હોય તેમ, એવી જાહેરાત કરી કે લગ્નમાં નોંધણી વખતે એટલે કે મેરેજ સર્ટિફિકેટ માટે વર-વહુએ માતાપિતાનું ડેકલેરેશન આપવાનું રહેશે. ટૂંકમાં, માબાપની સંમતિ અનિવાર્ય ગણાશે. પ્રેમલગ્નની સમસ્યાઓ સંદર્ભે આવો નિયમ એક તબક્કે વાજબી લાગે, પણ તે ઘણા પ્રશ્નો ઊભા કરે છે. લગ્ન નોંધણીના નવા નિયમો પ્રમાણે અરજી માટે બંને પક્ષકાર – વર-વધૂ અને બે સાક્ષીઓની સહીઓ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવી પડશે અને તેની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા અપાયેલા ઓળખના પુરાવા, જેવાં કે, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, ઓળખપત્ર … વગેરે આપવાના રહેશે. હવે નવાં નિયમ પ્રમાણે મેરેજ સર્ટિફિકેટ માટે અરજી કરનાર યુગલના માતાપિતાને કામકાજના દસ દિવસમાં આસિસ્ટંટ રજિસ્ટ્રાર દ્વારા જાણ કરવામાં આવશે. આ જાણકારી સરકારે નક્કી કરેલાં માધ્યમો દ્વારા ઈલેક્ટ્રોનિક રીતે કે રૂબરૂ આપવામાં આવશે. આસિસ્ટંટ રજિસ્ટ્રાર અરજી મળ્યાં બાદ સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલશે ને નિયમોનું યોગ્ય રીતે પાલન થયું હશે, તો 30 દિવસમાં મેરેજ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવશે. 

આટલું ઓછું હોય તેમ ગુજરાતના ગૃહમંત્રીએ બીજી પણ કેટલીક જાહેરાતો કરી છે, જેમ કે, લવ મેરેજમાં માતાપિતાની સંમતિ ફરજિયાત રહેશે. લગ્ન કરનાર યુગલે માતાપિતાની સહમતિના પુરાવા આપવાના રહેશે. ગૃહમંત્રીના કહેવા મુજબ, ભાગીને પરણતી દીકરીની સલામતી માટે લગ્ન વખતે માબાપની સંમતિની ઊઠેલી માંગને લીધે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમો પાછળનો છૂપો હેતુ એ છે કે લગ્ન સમાજમાં જ થાય ને સામાજિક માળખું સચવાઈ રહે. એમ પણ લાગે છે કે કેટલીક સામાજિક સંસ્થાઓની માંગને પોષવા, લગ્ન નોંધણી પ્રમાણપત્રમાં માતાપિતાની સંમતિ સરકારે અનિવાર્ય ગણી છે. લવ જેહાદના નામે જે ખેલ ચાલી રહ્યો છે ને ઓળખ છુપાવીને છોકરીઓને ફસાવવામાં આવી રહી છે તે અટકાવવા, માતાપિતાની સંમતિનો નિયમ લાવવામાં આવ્યો છે. એટલું સારું છે કે નવા નિયમો અંગે 30 દિવસમાં આવનારા વાંધા-સૂચનો બાદ, સરકાર માતાપિતાની સંમતિ અંગે ઘટતો નિર્ણય લેશે. જો કોઈ વાંધા મંજૂર ન થાય તો લગ્નમાં માબાપની સંમતિ અનિવાર્ય બનશે ને તે કાનૂની રૂપ પામશે. 

લગ્નમાં માબાપની સંમતિનો કાયદો લાવવાની વાત જૂની નથી ને શક્ય છે કે તેનો કાયદો પણ થઈ જાય. રાજ્ય સરકારે લગ્ન નોંધણીમાં કેટલાક સુધારા સૂચવ્યાં છે ને લગ્ન માટે માબાપની સંમતિની જોગવાઈ ઉમેરી છે. એ કાનૂની રૂપ પામે તો લગ્ન કરવાના અધિકાર પર બ્રેક લાગે એમ બને. એમ કરવાથી મુક્ત રીતે લગ્ન કરવાના બંધારણીય હક પર તરાપ પડે એવું, નહીં? ધારો કે માતાપિતા લગ્ન માટેની સંમતિ નથી આપતાં તો લગ્નની નોંધણી નહીં થાય એમ ખરું? 

એમ લાગે છે કે સરકારે કોઈ વાતે દોરવાઈને આ સુધારો કરવા ધાર્યું છે. અમુક જ્ઞાતિ-કોમની લાગણી છે એટલે, કે અમુક કોમ તેનો લાભ ન ઉઠાવે એટલે, માતાપિતાની સંમતિનો મુદ્દો ઉપસાવાયો છે, પણ આવા નિર્ણયો બાયસ્ડ માઈન્ડથી લેવાતા હોવાનો વહેમ પડે છે. ખાસ કરીને આવી કાનૂની બાબતો પૂરાં ગાંભીર્યથી ને પૂરતાં તાટસ્થ્યથી સરકારે જોવાની રહે, પણ એવું ઓછું જ બને છે. સરકાર પક્ષપાતી હોય એ અપેક્ષિત નથી. મોટે ભાગના વકીલો સરકારના સંમતિના મુદ્દે સહમત નથી ને તેમની પાસે તેનાં કારણો પણ છે. સરકાર વ્યક્તિના બંધારણીય અધિકારની ઉપરવટ જતી હોય એવું પણ લાગે છે. ઘણાનો મત છે કે માબાપની સંમતિના ઉમેરણથી લગ્નની નોધણીમાં કોઈ ફરક પડે એમ નથી. બંધારણમાં ઉંમર લાયક વિજાતીય વ્યક્તિઓને લગ્નનો અધિકાર આપ્યો હોય તો માબાપની સંમતિનો સુધારો નિરર્થક છે. એ સુધારો કરવો હોય તો બંધારણ બદલવું પડે, કારણ બંધારણની કલમ 21 તો કોઈ પણ ઉંમર લાયક વિજાતીય વ્યક્તિઓ ગમે ત્યારે ને ગમે ત્યાં લગ્ન કરવા મુક્ત છે તેવું કહે છે. તેને માબાપની સંમતિને મુદ્દે સંકુચિત કરી શકાય નહીં. એ સાથે જ માબાપને મુદ્દે પણ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. 

માબાપે છૂટાછેડા લીધા હોય ને કોઈ સંમતિ આપવા તૈયાર ન હોય, એ સ્થિતિમાં શું કરવું કે સંતાન અનાથ તરીકે બીજા ઘરોમાં ઊછર્યું હોય ત્યારે માબાપ નક્કી કરવાની પણ મુશ્કેલી રહે. કમ સે કમ કોઈ પણ કાનૂની મુદ્દો બંધારણીય અધિકારની ઉપરવટ જતો હોય તો તેને કાનૂની સ્વરૂપ ન અપાય એ જ ઇચ્છનીય છે. 

કોણ જાણે કેમ પણ જ્ઞાતિ કોમ વચ્ચેનું રાજકારણ કોઈ પરિણામ પર આવતું નથી એ દુ:ખદ છે. એક તબક્કે જાતિ, કોમ વિશેની માન્યતાઓ જુદી જ હતી. કોઈ પણ જાતિ, કોમ સાથે ભેદભાવ વગર રહેવાનું શીખવાતું, પણ હવે એ ભેદ સપાટી પરથી જ વકરતો આવે છે ને એને સરકાર નવા નિયમો વડે વધુ ગાઢ કરે તે કોઈ પણ રીતે ક્ષમ્ય નથી. લવ જેહાદનું દૂષણ દૂર કરવા કાયદાથી સખત હાથે કામ લેવાને બદલે, કોઈની તરફેણ કરવા સંમતિનો નિયમ લાવવો, કાયદા પર સરકારનો જ ભરોસો નથી એ વાતનો પડઘો પાડે છે. 

આમ તો સંમતિનો મુદ્દો કાનૂની રૂપ ધારણ ન કરે તે ઇચ્છનીય છે, પણ ધારો કે તેવું સ્વરૂપ પકડે છે, તો તેનો ગેરલાભ લેનારાઓ પણ નીકળશે. ગુજરાતમાં સંમતિનો કાયદો થાય તો લગ્નોત્સુકો અન્ય રાજ્યમાં લગ્ન નોંધણી માટે જશે તો તેનો હાથ પકડવા ક્યાં જઈશું? એ સ્થિતિમાં અન્ય રાજ્ય તો કોઈ પગલાં નહીં ભરે, કારણ ત્યાં સંમતિનો કોઈ કાયદો નથી. તો, ગુજરાત પણ ક્યાં પગલાં ભરશે, જ્યાં લગ્ન ગુજરાત બહાર જ થયાં છે? એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે મૂળભૂત અધિકારોની ઉપરવટ જઈને કોઈ કાયદો થઈ ન શકે. આપણે ત્યાં દરેક ધર્મ અનુસાર લગ્ન નોંધણીના નિયમો છે. અલગ અલગ ધર્મની વ્યક્તિઓ લગ્ન કરવા માંગતી હોય, તો તેણે સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓને અનુસરવાનું રહે. એમાં ઓલરેડી 30 દિવસનો નોટિસ પિરિયડ છે જ. એ દરમિયાન વાંધા નોંધાવી જ શકાય. ધારો કે માતાપિતાને લગ્નનો વાંધો છે તો તેઓ પણ 30 દિવસમાં વાંધો ઉઠાવી જ શકે. આ પ્રોવિઝન હોય જ તો માબાપની સંમતિનો મુદ્દો અલગથી ઉપસાવવો જરૂરી નથી. 

એક તરફ હિંદુ આંતરજ્ઞાતીય લગ્નો માબાપની સંમતિથી થાય છે, સરકાર પણ તેને રોકડ પુરસ્કારથી નવાજે છે, ત્યાં માબાપની સંમતિનો કાયદો કરવાની વાત બંધારણની વિરુદ્ધ તો છે જ, વધારે સંકુચિત માનસિકતાનો પડઘો પાડે છે. વારુ, આ સુધારા ગુજરાત પૂરતા જ મર્યાદિત હોય, તો તેથી અન્ય રાજ્યો વચ્ચેની સંવાદિતા પણ ખોરવાશે. એ પછી પણ કોઈક રીતે લગ્નમાં માબાપની સંમતિનો કાયદો થાય જ છે, તો તેને ઉપલી અદાલતોમાં ન જ પડકારાય એવું નથી. 

ટૂંકમાં, વાત તુક્કાથી આગળ જતી નથી-

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ફેબ્રુઆરી 2026

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|26 February 2026

પોપડા જેવું ઉખાડીને કહ્યું,
મેં કહ્યું તે ઘર ઉતારીને કહ્યું.

એ નદી કેવળ તરસરૂપા હતી,
મેંય એમાં પગ પખાળીને કહ્યું.

હું તરી કાંઠે પહોંચ્યો શી રીતે,
એ કથાંતર જળ વળાવીને કહ્યું.

બારણે સોનાહરણ આવ્યાં જુઓ,
મેં પડો બદ્ધે વગાડીને કહ્યું.

શું ગઝલ કેવળ રદીફ ને કાફિયા?
આટલું ‘નિર્મન’ વિચારીને કહ્યું.

25.2.26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ તાલુકા અને જિલ્લો આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

તોડફોડના રાજકારણનો શોભીતો ઉત્તર ખંગાળવો જ રહ્યો!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 February 2026

સંઘ શતાબ્દીએ સરકારી ‘કુલપતિ‘ નિમંત્રક, શિક્ષણની ઠેકડી કે બીજું કંઈ?

પ્રકાશ ન. શાહ

મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં સંઘ શતાબ્દી નિમિત્તે યોજાયેલ પ્રદર્શિનીના વિરોધમાં એન.એસ.યુ.આઈ.એ શાંત નહીં એવા, કંઈક તોડફોડ સ્કૂલના ‘દેખાવો’ કર્યા તે અંગે સત્તાવાર એફ.આઈ.આર. નોંધાયાના હેવાલો અલબત્ત પોતાને ઠેકાણે ઠીક જ છે. ઊલટ પક્ષે, એન.એસ.યુ.આઈ.એ સ્વતંત્ર તપાસની માગણી કરી છે તે પણ (ભાંગફોડના કોઈ પણ બચાવ વગર) ઠીક જ છે. 

ખેર, આમાં જે થવાનું હશે તે થશે અને ઘીના ઠામમાં ઘી પડી રહેવાનું હશે તો પડી રહેશે. પ્રદર્શિનીના આયોજકો ભારત શોધ સંસ્થાન અને ભારતીય વિચાર મંચ (બેઉ સંઘ પરિવારની જ અધિકૃત સંસ્થાઓ) હોવાનું જણાય છે. વ્યાખ્યાનમાળા, મલ્ટીમીડિયા શો વગેરે જે કાર્યક્રમોની શૃંખલા સંઘ શતાબ્દી નિમિત્તે યોજાઈ રહી છે એમાં ગુજરાત યુનિવર્સિટી પોતે વિધિસર કે અવિધિસર અથવા સૈંયા કોતવાલ તરજ પર અર્ધવિધિસર પણ સંકળાયેલી હોવાનું સમજાય છે. શતાબ્દી કાર્યક્રમ શૃંખલાની ઉદ્દઘોષણા વાસ્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાન અને મંચના હોદ્દેદારો જ માત્ર નહીં પણ વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા સુધ્ધાં સામેલ થયાં હતાં એ જોયાજાણ્યા પછી જુદેસર કદાચ કંઈ કહેવાનું રહેતું નથી. 

એટલે જો સર્વગ્રાહી ને નિષ્પક્ષ તપાસ કરવી હોય તો તે કથિત તોડફોડથી શરૂ થઈ તોડફોડમાં જ વિરમે એ તો એક નકો નકો તપાસ જ કહેવાશે, કેમ કે પાયાનો પ્રશ્ન – જો શરૂઆતથી જ શરૂ કરીએ તો – આર.એસ.એસ. શતાબ્દીની ઉજવણીમાં યુનિવર્સિટીની સીધી સંડોવણીના ઔચિત્યનો અથવા સાફ શબ્દોમાં કહીએ તો ઘોર અનૌચિત્યનો બની રહે છે. યુનિવર્સિટીનાં ભવનોમાં સંઘ શતાબ્દી મનાવાય અને એની સત્તાવાર જાહેરાતમાં – મતલબ, નિમંત્રિત તરીકે નહીં પણ નિમંત્રક તરીકે – નીરજાજીનું હોવું સ્વયંભૂ હતું કે અન્યથા એ પણ શૈક્ષણિક મૂલ્યોની દૃષ્ટિએ તપાસલાયક નિઃશંક છે. 

તપાસનું ક્ષેત્ર, એમ તો, પ્રદર્શિનીમાં મુકાયેલી સામગ્રીનુંયે હોઈ શકે. ભારતીય વિચાર મંચ વતી સંશોધનમંડિત ને દસ્તાવેજખચિત સામગ્રીને જફા પહોંચાડાયાની ફરિયાદલાગણી લગીર દર્દેદિલ તરાહ પર રજૂ થઈ છે. ‘હરિજન’ અને ‘કેસરી’ જેવા પત્રો, જે ‘રાષ્ટ્રપુરુષો’ દ્વારા પ્રગટ થયા હતા તેમાં સંઘ વિશે ગાંધીજી અને આંબેડકરના પોતાના અભિપ્રાયો (પ્રશંસાપત્રો) હતા તેની અભ્યાસતકથી મુલાકાતીઓ વંચિત રહ્યા, એવુંયે મંચની રજૂઆત પરથી સોડાતું હતું. આવે વખતે જે તે દસ્તાવેજી સામગ્રી સંદર્ભપૂર્વક આવીછે કે નિઃસંદર્ભ, એ મહત્ત્વની વિદ્યાકીય નિસબત બની રહે છે. યથાપ્રસંગ ગાંધીએ ને આંબેડકરે જે કહ્યું તે જરૂર કહ્યું. માત્ર એ એમનો સર્વાંગ ને સમગ્ર ને સર્વાગ્ર અભિપ્રાય હોવો જરૂરી નથી. સંઘ વિશે, દાખલા તરીકે કિશોર મકવાણાના આંબેડકર, મૂળે સંઘપૃષ્ઠભૂના જ ભંવર મેઘવંશીના આંબેડકરથી તત્ત્વતઃ જુદા હોઈ શકે છે. જો શૈક્ષણિક અભિગમની પ્રાથમિકતા અપેક્ષિત હોય તો સંઘ વિશે ગાંધી અને આંબેડકરની સમજ એમના ચોક્કસ તરેહનાં ચૂંટેલાં અવતરણોની બાંદી ન જ હોઈ શકે. 

પ્રદર્શિનીના આયોજકોએ સમગ્ર સાવરકર, સમગ્ર આંબેડકર, સમગ્ર ગાંધી સુલભ છે એ ધોરણે સઘળે છેડેથી એમના સંઘ વિષયક વિચારો મૂલ્યો છે કે ચોક્કસ એંગલથી, એ પણ વ્યાપક તપાસનો અંતે જેટલો ચિંતનનો એટલો જ ચિંતાનો મુદ્દો હોઈ શકે છે. સાવરકરે પ્રાયોપવેશનથી દેહત્યાગ કર્યાની તારીખ, જોગાનુજોગ, આજે જ છે. ત્યારે જો એમણે હિંદુત્વના વૈશ્વિક પરિમાણની રીતે વ્યાપક વાત કરી હતી તે ટાંકવું ખોટું ન હોય તોપણ અધૂરું અવશ્ય છે, કેમ કે હિંદુની એમની વ્યાખ્યા પિતૃભૂ-પુણ્યભૂને ધોરણે હતી અને એ કસોટીએ મુસ્લિમ ને ખ્રિસ્તી બારોબાર બાદ થઈ જાય છે. એટલે આખું રાષ્ટ્રચિંતન વાસ્તવમાં વંશભેદને ધોરણે ‘રેઇસિસ્ટ’ બની જાય છે. 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હજુ થોડાં વરસ પર જ અમદાવાદ યુનિવર્સિટીમાં રામચંદ્ર ગુહાનો શૈક્ષણિક ઉપક્રમ બંધ રખાવ્યો હતો એ યાદ કરીને ગુજરાત યુનિવર્સિટી, ભારતીય વિચારમંચ ને ભારત શોધ સંસ્થાન ખરી ને પૂરી તપાસમાં હાથ બટાવશે તો તે શૈક્ષણિક મૂલ્યોની દૃષ્ટિએ જરૂર સ્વાગતાર્હ બની રહેશે – અને તોડફોડના રાજકારણનો એ શોભીતો ઉત્તર પણ હશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ફેબ્રુઆરી 2026

Loading

...102030...126127128129...140150160...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved