Opinion Magazine
Number of visits: 10,221,646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા એટલે …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|19 March 2026

ચંદુ મહેરિયા

અંગ્રેજોની ગુલામીની ધૂંસરી ફગાવી લોકતાંત્રિક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યે આપણને પોણી સદી કરતાં વધુ સમય વીતી ગયો છે. રાજાશાહીના રહ્યાસહ્યા અંશો પણ હવે તો નામશેષ થઈ ગયાં છે. તો પણ સુશાસન અને પ્રજાવત્સલ શાસકની વાત આવે છે ત્યારે આપણે કેટલાંક રાજવીઓને યાદ કરીએ છીએ. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ(જન્મ : ૧૧ માર્ચ ૧૮૬૩, અવસાન : ૬ ફેબ્રુઆરી ૧૯૩૯)નું નામ તેમાં મોખરે છે. ઉદાર, પ્રગતિશીલ અને  સુધારક રાજા તરીકે સયાજીરાવનું પ્રદાન ભલભલા લોકશાહી શાસકોની તુલનામાં પણ અનેકગણું ચડિયાતું છે. 

ગાયકવાડ વંશના પણ રાજાના સીધા વારસદાર નહીં પણ દત્તક પુત્ર તરીકે રાજવી બનેલા સયાજીરાવ ત્રીજા રૂપે ઓળખાતા સયાજીનું બાળપણનું નામ ગોપાળ હતું. તેમનું જન્મ સ્થળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાનું કવળાણા ગામ. બાર વરસના સગીર ગોપાળનો ૨૭મી મે ૧૮૭૫ના દિવસે વડોદરાના મહારાજા તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે તે નિશાળનું પગથિયું ચડ્યો નહોતો. સાવ જ નિરક્ષર સયાજીનું અંગ્રેજો અને બીજાઓ દ્વારા એવું તો શિક્ષણ થયું કે ૭૬ વરસની આયુ અને ૫૮ વરસના રાજવટને અકલ્પ્ય સામાજિક નિસબત અને ન્યાય સાથે તેમણે દીપાવ્યા હતા અને એક ઓજસ્વી અને તેજસ્વી રાજા તરીકે દેશભરમાં નામના પામ્યા હતા. 

૮,૬૦૦ ચોરસ માઈલનું વડોદરા રાજ્ય વડોદરા, કડી, નવસારી અને અમરેલી પ્રાંતોનું બનેલું હતું. ૧૮૯૦માં ૨૨ લાખની વસ્તીના વડોદરા રાજ્યમાં ૨,૯૩૧ ગામડાં આવેલાં હતાં. લગભગ ૧૯મા સૈકાની છેલ્લી પચીસી અને ૨૦મા સૈકાની પહેલી પચીસી(ઈ.સ.૧૮૮૧થી ૧૯૩૯)ના શાસનકાળ દરમિયાન સયાજીરાવે પ્રજાહિતનાં અનેક કામો થકી વડોદરાને એક વિકસિત  અને આધુનિક રાજ્ય તરીકે વિશ્વનકશે મૂક્યું હતું. આરંભે નિરક્ષર એવા આ મહારાજાએ પોતાના રાજ્યમાં શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. તેમાં પણ મહિલાઓ, પછાતવર્ગો  અને ખાસ તો કથિત અસ્પૃશ્યોના બાળકોના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. કન્યાઓ અને દલિત બાળકો માટે શાળાઓ શરૂ કરી હતી. ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો તથા તેનો દૃઢતાથી અમલ કર્યો હતો. ૧૮૯૨માં મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરતી વેળાના જાહેર વ્યાખ્યાનમાં તેમણે કહ્યું હતું કે, “પ્રાથમિક શિક્ષણનો પ્રચાર કરવાના ઉદ્દેશ જેટલી બીજી કોઈ વસ્તુ મને પ્રિય નથી.” આજથી લગભગ એકસો પંદર વરસો પૂર્વે ૧૯૦૯માં વડોદરા રાજ્યમાં ૩૩૬ અંત્યજ શાળાઓ ચાલતી હતી અને તેમાં ૧૦,૦૦૦ છોકરા-છોકરીઓ ભણતાં હતાં. ડો.આંબેડકર સહિત ઘણાં લોકોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા તેમણે આર્થિક મદદ કરી હતી. 

જેમ શિક્ષણ તેમ આભડછેટ નિવારણ પણ તેમની પ્રાથમિકતા હતી. ” કમકમાટી ઉપજાવે તેવા ઉચ્ચ વર્ણના લોકોનાં જુલ્મ જહાંગીરી સામે હું બળવાનો પોકાર કરવાની તક લઈશ,” એવી ૧૯૦૯માં એમણે ઘોષણા કરી હતી અને તેને ચરિતાર્થ પણ કરી હતી. પોતાના રાજ્યમાં જ્યારે બ્રાહ્મણ શિક્ષકોએ દલિત બાળકોને ભણાવવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે તેમણે આરંભે તેના વિકલ્પે મુસ્લિમ અને ખ્રિસ્તી શિક્ષકોને નિમ્યા હતા. પરંતુ તક મળી ત્યારે આભડછેટમાં માનનારાને પાઠ પણ ભણાવ્યો હતો. ૧૯૧૩માં મૂળદાસ વૈશ્ય(જે પછીથી આઝાદ ભારતની પાર્લામેન્ટના સભ્ય બન્યા હતા) નામના એક દલિત કિશોરને વડોદરાની સરકારી હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો તો તેના વિરોધમાં વિદ્યાર્થીઓએ હડતાળ પાડી હતી. મહારાજા સયાજીરાવને તેની જાણ થતાં તેમણે હડતાળમાં સામેલ રાજ્યના સરકારી અમલદારોના બાળકોનાં નામ-ઠામ મંગાવવાનો અને બધા શિક્ષકો ભેગા થઈ દલિત કિશોર મૂળદાસને ભણાવે તેઓ હુકમ કર્યો હતો. તેથી બેત્રણ દિવસમાં જ હડતાળ સમેટાઈ ગઈ હતી. બનારસ હિંદુ યુનિવર્સિટીને તેઓએ પ્રવેશમાં  દલિત વિદ્યાર્થીઓ માટે બે સીટ્સ રિઝર્વ રાખવાની શરતે દાન આપ્યું હતું. ૧૯૩૩માં જ્ઞાતિ ત્રાસ નિવારણ ધારો ઘડ્યો હતો. ૧૯૩૬માં સયાજી હીરક મહોત્સવ ટાણે ગ્રામ-પછાતવર્ગો માટે રૂ. એક કરોડના અલગ નિધિની જોગવાઈ કરી હતી. જો કે આજ વડોદરા રાજ્યમાં દલિત હોવાને કારણે રહેવા ઘર ન મળતાં ડો.આંબેડકરને નોકરી છોડવી પડી હતી. તે પણ કડવી વાસ્તવિકતા છે. 

વડોદરા રાજ્યમાં બરોડા કોટન એન્ડ સ્પિનિંગ મિલ્સ તથા બરોડા બેન્કની સ્થાપના સયાજીરાવની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. શાળા- મહાશાળા, હોસ્પિટલ અને ન્યાય મંદિર તેમના રાજમાં બન્યા હતા. દુકાળ રાહત, નળથી જળ અને સિંચાઈ યોજના જેવી નવતર યોજનાઓ પણ ઘડી હતી. વડોદરા રાજ્ય તેના ગ્રંથાલયો માટે આજે પણ જાણીતું છે. ન માત્ર નગરોમાં નાના ગામોમાં અને ફરતાં પુસ્તકાલયો તેમણે સ્થાપ્યા હતાં. સંસ્કૃત પાઠશાળા ઉપરાંત સઘળી કલાઓ માટેની આર્ટસ ફેકલ્ટી સાથેની યુનિવર્સિટી અને કલાભવન પણ તેમની ભેટ છે. રાજવહીવટ ગુજરાતીમાં જ ચલાવવાનો આદેશ તેમણે કર્યો હતો. 

લોકશાહી છેક નીચેના ભાગ સુધી પહોંચે તે માટે તેમણે ૧૮૯૧માં ગ્રામ પંચાયતોની રચના કરી હતી. જેમ રાજવહીવટમાં તેમ રાજ્યની ધારાસભામાં દલિતો માટે અનામત બેઠકોનો કાયદો ઘડ્યો હતો. મહિલાઓ માટેના અનેક ક્રાંતિકારી પગલાં તેમણે ભર્યાં હતાં. હિદુ વિધવા પુનર્લગ્ન કાયદો( (૧૯૦૧), ખાસ લગ્ન ધારો, (૧૯૦૮), બાળ લગ્ન નિષેધ ધારો (૧૯૧૫), સગોત્ર વિવાહછૂટ અને છૂટાછેડા ધારો (૧૯૩૧), સ્ત્રીવારસાહક વિસ્તુતિ (૧૯૩૩), વિધવા મિલકતહકનો કાયદો( ૧૯૩૮) વગેરે કાયદા ઘડ્યા હતા. જે એ જમાનાથી ઘણાં આગળના હતા. સરકારી નોકરીઓમાં મહિલાઓના પ્રવેશના પણ તે પક્ષધર હતા. સાથે જ મહિલાઓ આર્થિક રીતે પગભર થાય તે માટે સ્ત્રી ઉદ્યોગાલયની સ્થાપના કરી હતી. 

વડોદરા રાજ્ય અને તેના રાજવી અંગ્રેજોના મિત્ર ગણાતા હતા, પરંતુ સયાજીરાવ આઝાદીના આંદોલનોથી સાવ અળગા રહેતા નહોતા. ગાંધીજીને તેઓએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે આર્થિક મદદ કરી હતી. ૧૯૩૦ની દાંડીયાત્રાને તેમના રાજ્યમાં રાજ્યાશ્રય આપતાં તેઓ અચકાયા નહોતા. અવસાનના વરસોમાં તેઓ ‘જવાબદાર રાજતંત્ર’ની કાઁગ્રેસની માંગણી અને પ્રજામંડળો સાથે પણ પરોક્ષપણે જોડાયેલા રહ્યા હતા.૧૯૩૯ની ૨૦ થી ૨૨ જાન્યુઆરી (અવસાનના પખવાડિયા પહેલાં) ‘પ્રજામંડળ’ના નિમંત્રણે સરદાર પટેલ વડોદરા આવ્યા હતા અને ત્રણ દિવસ મોટું તોફાન પણ થયું હતું. 

સયાજીરાવ ગાયકવાડને પણ એ સમયના અન્ય રાજાઓની જેમ કંઈક અંશે વિલાસી લાગે તેવા શિકાર, મોંઘા કપડાં, સારી ખાણીપીણી, ઘોડેસવારી, કિંમતી આભૂષણો અને મહિલા મિત્રાચારીના શોખ હતા. પરંતુ તેમના હૈયે વડોદરા રાજ્યનું અને તેની પ્રજાનું હિત સદાય વસેલું હતું. ખુદના અધિકારો પર કાપની પરવા વિના છેક ૧૯૦૭માં તેમણે રાજ્યમાં કાયદા ઘડવા ધારાસભાની રચના કરી હતી. તેમને એક એકથી ચડિયાતા દીવાનો મળ્યા અને દેશ-વિદેશના જાણીતા વિદ્વાનો(અરવિંદ ઘોષ, ડો. આંબેડકર, ધર્માનંદ કોસાંબી, વિઠ્ઠલ રામજી શિંદે)નો સાથ મળ્યો હતો. જેમ પુસ્તકાલયો તેમ વ્યાખ્યાનો માટે પણ તેમણે ખાસ પ્રયત્નો કર્યા હતા. 

આજે તો વડોદરાનો સયાજીબાગ કે લક્ષ્મીવિલાસ પેલેસ સયાજીરાવની ઓળખ બની જાય તેવી સ્થિતિ છે ત્યારે તેમના અનેક ક્રાંતિકારી, અનોખા અને દીર્ઘદૃષ્ટા કાર્યોની સ્મૃતિ સાથે લોકશાહી ભારતમાં  તેના ઘડતર અને અમલની હાલત વિચારણીય નથી શું?

e.maill : maheriyachandu@gmail.com 
(dt.11.03.226) 

Loading

તેઓ ભલે ‘નિર્દોષ’ છૂટ્યા હશે, પણ વગર વાંકે સજાનું શું?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 March 2026

તમે ભલે નિર્દોષ હોવ તો પણ પ્રોસેસ ઇઝ પનિશમેન્ટ

સોનમ વાંગચુક પરથી એન.એસ.એ. ઉઠાવી લેવાય અને અલી ખાન મહેમુદાબાદી પરની એફ.આઈ.આર. માટે છેવટે રાજ્ય સરકાર પરવાનગી ન આપે, પણ વિના વાંકે જેલમાં ગોંધાઈ રહ્યા કે એફ.આઈ.આર. – ગત સજાના ભયમાં ફફડતા જીવ્યા, ક્યાં છે એનું વળતર?

પ્રકાશ ન. શાહ

હમણાં જે બે લ-ગ-ભ-ગ નકો નકો કેસ પ્રકાશમાં આવ્યા એની અહીં જિકર કરવાનો ખ્યાલ છે. એક કેસ સોનમ વાંગચુકનો છે, તો બીજો પ્રો. અલી ખાન મહેમુદાબાદીનો છે. લદ્દાખી કર્મશીલ પર્યાવરણી વાંગચુક પૂરા એકસો સિત્તેર દિવસ (બલકે પૂરા છ મહિના જ કહો) જોધપુર જેલમાં ગાળી બહાર આવ્યા છે. 

સોનમ વાંગચુક

વાંગચુકને ભારત સરકારે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ લદ્દાખથી ઊંચકી સીધા જ બિલકુલ વિપરીત વાયુમંડળવાળી જોધપુર જેલ ભેગા કર્યા હતા. વાંગચુક છેલ્લા કેટલાંક સમયથી, બંધારણીય મર્યાદામાં પોતાના પ્રદેશના વિકાસ અને લોક-સહભાગિતાની દૃષ્ટિએ સ્વાયત્ત કાઉન્સિલ માટે હિલચાલ ચલાવી રહ્યા હતા અગાઉ ભા.જ.પે. એ માટેનું વિધિવત્ વચન પણ આપ્યું હતું. સરકારે વાતચીતનાં દ્વાર ખોલવાને બદલે શાંત આંદોલનને ઉત્તરોત્તર અંજપ થવા દેવામાં સાર જોયો. સોનમ વાંગચુકનો ટ્રેક રેકોર્ડ અનિવાર્યપણે શાંતિમય હિલચાલનો રહ્યો છે. પ્રસંગે અનિચ્છનીય તત્ત્વો કંઈક રમત રમી ગયાં હોય કે કેમ, અને આંદોલન પરત્વે પ્રતિસાદશૂન્ય સરકારી રીતરસમે અકળામણ પેદા કરી હોય કે કેમ, અપવાદરૂપ ઘટના, અશાંતિની બની ના બની અને સરકારે વાંગચુકને ઊંચકી જેલભેગા કરી દીધા. એમાં પણ પહેલા દસ દિવસ ન તો પત્ની ગીતાંજલિનો સંપર્ક, ન વકીલોનો સંપર્ક. આમ છ મહિના પૂરા થવામાં હશે, સુપ્રીમ કોર્ટે ભારત સરકારને સુનાવણીની તારીખ આપી. જેવી સૂચિત તારીખ નજીક ઢૂંકવામાં હતી કે સરકારે પરબારા એન.એસ.એ. ઉઠાવી લીધો. પરિણામે, કેસ ચલાવવાનો રહ્યો નહીં અને વાંગચુકને છોડી  મૂકાયા. … બાઇજ્જત, ને નિર્દોષ, પણ કહો ને ______ સજા વગર!

પણ શું આ મુક્તિ, ખરેખર સજા વગરની કહી શકાય ખરી? છ મહિના ગોંધાઈ રહ્યા તે સજા નથી તો બીજું શું. ગીતાંજલિ પતિને મળવા વખતોવખત છેક લદ્દાખથી જોધપુરના મોઘાંદાટ વિમાની દોંડાં ક્યાંથી કરી શકે, એ કોઈ પરોપજીવી રાજકારણી તો નથી. ટૂંકમાં ભલે વાંગચુક છૂટ્યા પણ ‘પ્રોસેસ ઇઝ પનિશમેન્ટ.’

અલી ખાન મેહમૂદાબાદ

અને હવે પ્રોફેસર અલી ખાન મહેમુદાબાદીના કેસ વિશે બે શબ્દ અશોકા યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના આ વિદ્વાન વડાએ ઓપરેશન સિંદૂર વિશે સોશ્યલ પોસ્ટ વાટે કોમેન્ટ કરી હતી. હરિયાણાના મહિલા કલ્યાણ બોર્ડે એથી ‘લાગણી ઘવાય છે’થી માંડી ‘દેશની સુરક્ષાને ખતરો છે’ તરજ પર ફરિયાદ ફટકારી. જો કે આ પોસ્ટમાં એવું શું છે તેના જવાબમાં બોર્ડે લાળા ચાવ્યા હતા. પણ કિન્નાખોરીથી, અહીંથી, તહીંથી એફ.આઈ.આર.નો સત્તાપક્ષ દ્વારા પરોક્ષ પ્રેરિત દોર ચાલ્યો મહેમુદાબાદીએ એ મતલબનું કહ્યું હશે કે ઓપરેશન સિંદૂર સબબ આપણે કર્નલ સોફિયા કુરેશીની તારીફ કરીએ છીએ તે ઠીક જ છે, પણ દેશમાં સામાન્ય મુસ્લિમ સાથે એવી જ અદબથી કેમ પેશ આવી શકતા નથી. પોતે સાહિત્યિક પ્રતિભા ધરાવતી શખ્સિયત છે એટલે અભિવ્યક્તિમાં વ્યંગોક્તિ પણ હશે.અદાલતે પોલીસ અધિકારીઓની ટીમને પોસ્ટની ‘સઘન’ તપાસ સોંપી. સાહિત્યિક અભિવ્યક્તિ પોલીસ તપાસનો વિષય બની! વેલ, હવે જો કેસ આગળ ચલાવવો હોય તો રાજ્ય સરકારે રજા આપવી પડે. છેલ્લી ઘડીએ, મહેમુદબાદીની આટલી સતામણી ને તાવણી પછી, વાસ્તવિકતા સમજાયેથી હરિયાણા સરકારે કેસ ચલાવવાની રજા ન આપી …. એટલે સજા થવાનો સવાલ રહ્યો નહીં પણ ‘પ્રોસેસ ઇઝ પનિશમેન્ટ.’

એન.એસ.એ. અને એફ.આઈ.આર.ના બેજવાબદાર દોરનું આ જે ત્રાસકારણ ચાલે છે એનો ઉગાર શો ? જેમને છોડી મુકાયા તે વગર ગુને ‘સજા’ પામીને મુક્ત થયા એની જવાબદારી કોની? મતલબ, બીજા શબ્દોમાં અદાલતે કથિત આરોપી સામે નકો નકો ખેલ પાડતાં પરિબળોને કંઈક પણ કહેવાનું જ નથી? ન્યાયની આંખે પાટા બંધાયેલ હોય એવો જે પરંપરાગત ચાલ હતો એનો આ જ માયનો હશે? રાક્ષસી નાગચુડ તરેહના કાયદા કોઈ વાસ્તવિક રક્ષાના હેતુસર છે કે પછી રાજકીય પ્રતિપક્ષીને અગર ‘સોશિયલ પોસ્ટ’ પ્રવૃત્તિસર વીંઝવા માટે? વાંગચુક ને મહેમુદાબાદીની સાખે આ સીધાસાદા પણ બુનિયાદી પ્રશ્નો …

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 માર્ચ 2026

Loading

પુલમાં સિક્કો – એક અવલોકન 

સુરેશ જાની|Opinion - Opinion|18 March 2026

સ્વિમીંગ પુલમાં તરવા જેટલી તાકાત તો આ બુઢ્ઢા, દમિયલ ખોળિયામાં નથી. પણ ચાર લેપ ચાલવાનો મહાવરો જરૂર રાખ્યો છે. ચોખ્ખાઈની ચિવટ માટે પડી ગયેલી ટેવના સબબે, પુલની ફર્શ પર કશુંક પડ્યું હોય તો તેને પગથી ધક્કો મારી, ઉપર લાવી, ઊઠાવી લેવાની આદત પણ પડી ગઈ છે. 

એક નાનકડા સંતોષનું ક્ષણિક સુખ

પણ આજે એક ચળકતો, સોનેરી રંગનો સિક્કો દેખાયો.  એ  ભારેખમ માલ- થોડો જ અન્ય કચરાની જેમ ઉપર તરી આવે? ડુબકી મારીને તેને ઝડપી લેવા પણ કોશિશ કરી. પણ શ્વાસ રોકી રાખવાની ક્ષમતા હવે થોડી જ રહી છે?  બેચાર વાર આમ થયું અને આ પ્રયત્ન છોડી દેવો જ પડશે – એમ લાગ્યું. પણ આ ગુજરાતી જીવ સોનેરી સિક્કાને એમને એમ થોડો જ જતો કરે?! હવે પગથી ધક્કો મારી પુલની ફર્શની છીછરી સપાટી સુધી ધકેલી જવાનો પ્રયત્ન શરૂ થયો. એ અમીરી જણ થોડો જ નાનકડા ધક્કાથી જોજન દૂર ખસે?! માંડ એકાદ ફૂટ દૂર જઈ એ તો પાછો તળિયે બેસી જાય. 

દસેક ધક્કા પછી, આ પ્રયત્ન પણ છોડી દેવો પડશે – એમ હાયકારો થઈ ગયો! પણ સ્વભાવગત લાલચ અને ખાંખત ફરી ફરીને ઉજાગર થવા લાગ્યાં. ખાસી દસેક મિનિટના ઉધામા પછી, પુલના છેક છેવટના ભાગ સુધી તો એ અમીરને ધકેલી દીધા! હવે તો કામ પતી જશે, એમ લાગ્યું. પણ ફરી પાછી ડૂબકી મારવાની અશક્તિ. હવે પગના પંજાથી એને ઊભી દીવાલ પર સરકાવી, પકડી શકાય એટલી ઊંચાઈ સુધી લાવવાનું અભિયાન ચાલુ કર્યું! એમાં ય વળી એની એ જ મોંકાણ. એ તો ચંચળ જીવ. ફરી ફરીને પાછા તળિયે સરકી જાય. આવી મહામૂલી મિલકત સરી જાય – એ તો કેમ પોસાય?! જાતજાતના પેંતરા કર્યે જ રાખ્યા.

છેવટે અથાક પરિશ્રમના પ્રતાપે એ જણને એક પગથિયું ઉપર બઢતી આપવામાં સફળતા મળી. પણ એટલે સુધી પણ ડૂબકી શી રીતે મારવી? ફરી પાછી એ જ પગના પંજાની મથામણ – અને એ અમીરને એક વધારે ઊંચા સ્તર સુધી લાવી શકાયો! આ મહાન સાહસના અંતે એ ચમકદાર, દમકદાર સોનેરી સિક્કો ચડ્ડીના ખિસામાં પહોંચી ગયો.

લે! કર વાત. આ સોના મહોર થોડી જ હતી? મોલમાં, બાળકોને વીડિયો ગેમ કે કોઈન મશીનમાં રમાડવા માટેનો આ તો મામૂલી સિક્કો. એક ડોલરમાં તો આવા ઘણા બધા સિક્કા મળી જાય.

આવી મજા પહેલાં પણ માણી હતી. ૧૦ સેન્ટના સિક્કાની અમૂલ્ય સંપદા પ્રાપ્ત થઈ હતી!  

પણ, બહુ સંપત્તિવાન બની જવાનો ઈરાદો થોડો જ હતો? 

મસ મજાની, મનભાવન રમત માત્ર જ

આ નવરા જણની એ રમતની વાત તો પતી ગઈ.  હવે અવલોકન કાળ.  આમ તો આ ટાઈમ-પાસ રમત અને લખાણ લાગે. પણ, જરાક ઊંડાણથી વિચાર દોહન કરીએ તો થોડાક સત્યો ઊભરી આવે છે.

આપણી જીવન-રીત survival માટેની કુદરતી વ્યવસ્થા કરતાં બહુ આગળ નીકળી ગઈ નથી? સંપત્તિ એકઠી કરવાનો ધખારો જ્યારથી શરૂ થયો, ત્યારથી આપણી જઠર ખોરાક માટે જરૂરી કદ કરતાં ઘણી મોટી બની ગઈ છે. અલબત્ત એ કારણે કોઈ પ્રાણીને ન હોય એટલું મોટું પેટ અને એના કારણે આકાર લેતાં દર્દો આપણે જાતે વહોરી લીધાં છે! માત્ર જઠર જ કેમ? તિજોરીઓ, બેન્ક એકાઉન્ટો અને બીજાં ઘણાં પણ ખરાં જ ને? 

આ રમત રમનારનો આશય એ ન હતો. 

કેવળ મોજ જ મોજ

આખું  આયખું આવી સામાન્ય રસમમાં જીવ્યા બાદ, એ સત્ય સમજાયું છે કે, જીવનનું પાયાનું ધ્યેય – ‘સુખની શોધ’ – ચીલાચાલુ રસમથી બહુ વેગળું જતું રહ્યું છે. એ ભ્રમ ‘જીવન એક રમત છે.’  એવો ભાવ સેવતા રહેવાથી દૂર થઈ શકે છે. કદાચ સો ડોલર મળ્યા હોત, તો પણ આ આનંદ ઉપલબ્ધ ન થયો હોત. આ ભાવ સદા જાગૃત રહે તે માટે, એ રમત રમવાનો સિક્કો અને એ દસ સેન્ટ ‘સદ્દવિચાર’ની જેમ આ અવલોકનકારે એના ટેબલની બાજુમાં સાચવી રાખ્યાં છે. આ રહ્યાં ….

બીજી એક અગત્યની વાત એ પણ ઊભરી આવે છે કે, નિષ્ફળતાથી ડગ્યા વિના પ્રયત્ન સતત જારી રહે, તો મોટા ભાગે ધ્યેયસિદ્ધિ શક્ય બનતી હોય છે. એ આનંદનો અનુભવ કોને નહીં થયો હોય?

અસ્તુ. ईदं अनेन।

e.mail : surpad2017@gmail.com

Loading

...102030...114115116117...120130140...

Search by

Opinion

  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  
  • તે ઈલેકશન કમિશન છે કે ઈલેકશન ‘કમિશન’?
  • મતદાર નિર્મૂલનની ઘોર યંત્રણા : ચૂંટણી, તું કઈ બલાનું નામ છો?

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved