Opinion Magazine
Number of visits: 10,223,491
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્પેશ્યલ મેરેજ એક્ટ મુજબના અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને આપવા જોઈતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2023

રમેશ ઓઝા

વેપાર જેટલી સેક્યુલર પ્રવૃત્તિ બીજી એકે ય નથી. તમારે કોઈ ચીજ વેચવી હોય અને સામેવાળો ખરીદવા માગતો હોય અને જો તેની પાસે પૈસા હોય તો તમે એ કોણ છે એની ચિંતા કરતા નથી. અને જો એ ખરીદનાર કોઈ ખાસ પ્રકારની કોમનો સભ્ય હોય અને એ કોમની ખાસ પ્રકારની જરૂરિયાત હોય તો એને માટે જરૂરિયાતની ચીજનું ખાસ ઉત્પાદન કરીને માર્કેટ વિકસાવામાં આવે છે. આને માટે કેટલીક એજન્સીઓ અસ્તિત્વમાં આવી છે જે સમાજનું બારીકાઇથી નિરીક્ષણ કરે છે અને માર્કેટની સંભાવના શોધી આપે છે. આવી એજન્સીઓને છેલ્લા બે ત્રણ દાયકાથી ધ્યાનમાં આવવા માંડ્યું કે વધુને વધુ સંખ્યામાં લોકો પોતાની જાતીય સંવેદના અને જાતીય પસંદગી (sexual orientation) શરમાયા વિના અને સમાજની ઐસીતૈસી કરીને ગભરાયા વિના વ્યક્ત કરી રહ્યા છે. ઊઘાડી રીતે આની કબૂલાત કરનારાઓની સંખ્યા વધી રહી છે. ભારત જેવા પ્રમાણમાં રૂઢિચુસ્ત દેશમાં પણ તેમનું પ્રમાણ વધી રહ્યું છે.

જે લોકો સ્ત્રી-પુરુષ વચ્ચેના જાતીય સંબંધો(heterosexual)ની વ્યાખ્યામાં બેસતા નથી અને તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની છે એવા કેટલા લોકો હશે અને તેમની જો કોઈ ખાસ જરૂરિયાત હશે તો એ કઈ રીતની હશે, એનું માર્કેટ નક્કી કરવા એજન્સીઓ સર્વે કરવા માંડી. તમે શું માનો છો? આવા કેટલા લોકો હશે? વિવિધ એજન્સીઓએ કરેલા સર્વેનું સર્વસાધારણી કરો તો લગભગ દસ ટકા લોકો ખુલ્લેઆમ કબૂલ કરે છે કે તેઓ સમલિંગી છે અથવા બન્ને પ્રકાના સંબંધો (bisexual) ધરાવે છે અથવા ટ્રાન્સ જેન્ડર છે. બીજા દસ ટકા લોકો સ્પષ્ટ જવાબ આપતા નથી એનો અર્થ એ થયો કે તેઓ ભલે બહાર ન આવ્યા હોય, પણ તેમની જાતીય પસંદગી અલગ પ્રકારની હોઈ શકે છે. પણ દસ ટકાનો આંકડો નિશ્ચિત છે, કદાચ વધુ પણ હોય.

માર્કેટ જેનો સ્વીકાર કરે છે એનો સમાજને સ્વીકાર કરવામાં મુશ્કેલી પડે છે. દસ ટકા લોકોની જાતીય પસંદગી માન્યતાપ્રાપ્ત જાતીય પસંદગી કરતાં જૂદી હોય તો પણ તેનો સ્વીકાર કરવામાં બળ પડે છે. દસ ટકા એ કોઈ નાની સંખ્યા નથી. વાસ્તવિકતા કાને અથડાઈ રહી હોવા છતાં તેનો સ્વીકાર નથી કરવો.

સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓએ ચાર અલગ અલગ ચુકાદાઓમાં હાથ ઊંચા કરવાનું કામ કર્યું છે. કાયદો ઘડવાનું કામ અમારું નથી, અમારું કામ તો કાયદાનું અર્થઘટન કરવાનું છે. માટે ન્યાય જોઈતો હોય તો લોકો પાસે જાવ જેઓ કાયદાઓ ઘડે છે. કાયદો ઘડાયા પછી અમે તેનું અર્થઘટન કરીને કહેશું કે કાયદો ભેદભાવ વિનાનો ન્યાયી છે કે અન્યાયી. કાયદો બંધારણ સુસંગત છે કે વિસંગત. આનો અર્થ એ થયો કે પહેલાં કાયદો ઘડનારાઓને અન્યાય કરવા દો પછી અમે ન્યાય આપીશું. પણ કાયદો ઘડનારાઓ કાયદો ઘડે જ નહીં તો? તો શું ન્યાય માગનારાઓએ ન્યાયના શૂન્યાવકાશમાં જીવન વ્યતીત કરવાનું? આ ચુકાદો બેહુદો છે અને એ કઈ રીતે બેહુદો છે એ જોઈએ.

દેશમાં આધુનિક શિક્ષણના પરિણામે આધુનિક જીવનમૂલ્યો વિકસ્યાં એ પછી પારંપારિક લગ્નસંસ્થા સામે પ્રશ્નો થવા લાગ્યા. જો હિંદુ યુવક કે યુવતી મુસ્લિમ કે બીજા વિધર્મી યુવક કે યુવતી સાથે લગ્ન કરવા માગતો હોય તો તેણે કયા ધર્મની લગ્નવિધિ કરવી? એમાં તો કોઈ એકે ધર્માન્તરણ કરવું પડે અને લગ્ન માટે પોતાનો ધર્મ છોડવો પડે એ તો અન્યાય કહેવાય. ટૂંકમાં આંતરધર્મીય લગ્નોત્સુકોની સંખ્યા વધવા લાગી. કેટલાક નાસ્તિક હતા અને તેઓ લગ્નમાં ધર્મને વચ્ચે લાવવા માગતા નહોતા. આ સિવાય આનાથી પણ મહત્ત્વનો સવાલ હતો. દરેક ધર્મના પારિવારિક કાયદાઓ (Personal Laws) સ્ત્રીઓને અન્યાય કરનારા છે અને કોઈ સ્ત્રીએ તેનો શિકાર ન બનવું હોય તો? પછી ભલે યુવક અને યુવતી એક જ ધર્મના હોય અને કદાચ ધાર્મિક પણ હોય. અન્યાય કરનારા ધાર્મિક-સામાજિક રિવાજોને નકારવાનો અને તેનાથી બચવાનો અધિકાર મળવો જોઈએ કે નહીં?

આઝાદી પછી આ સવાલ ઉપસ્થિત થવા લાગ્યો. ત્યારના શાસકો બહેરા અને અસંવેદનશીલ નહોતા. સ્ત્રીઓને અને બીજાઓને ભલે અન્યાય થાય પણ આપણો ધર્મ મહાન એવો નશો કરાવતા નહોતા. પરિણામે ૧૯૫૪માં સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડવામાં આવ્યો જેમાં ધર્મ અને ધર્મ આધારિત સામાજિક રીવાજો ક્યાં ય આડા આવતા નથી. સ્પેશિયલ મેરેજ એક્ટ ધર્મ આધારિત રિવાજોને નકારવા માટે નથી, પણ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્નના અધિકાર માટે છે. એવી જ રીતે સ્પેશિયલ મેરેજ એક્ટ લગ્નોત્સુકોની લૈંગિકતાને સ્વીકારવા કે નકારવા માટે નથી, પણ હમણાં કહ્યું એમ નાગરિકના પોતાની મરજી મુજબ અને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના અધિકાર માટે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ નાગરિકને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો જે અધિકાર આપે છે એ અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને પણ આપવો જોઈતો હતો. આમાં નવો કાયદો ઘડવાનો સવાલ ક્યાં આવ્યો?

ટૂંકમાં મને એમ લાગે છે કે સર્વોચ્ચ અદાલત સમલિંગીઓને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ન્યાય આપી શકતી હતી. સમાજના દસ ટકા લોકોને (અને કદાચ તેનાથી પણ વધુ) ક્યાં સુધી અન્યાય કરવાનો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ઑક્ટોબર 2023

Loading

ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખનાર : અવંતિકાબાઈ ગોખલે

ટીના દોશી|Gandhiana, Opinion - Opinion|21 October 2023

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે, એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું …. ઓળખ્યાં એમને?

અવન્તિકાબાઈ ગોખલે

એમનું નામ અવંતિકાબાઈ ગોખલે. મરાઠીભાષી સ્વતંત્રતા સેનાની. નિઃસ્પૃહી, સ્પષ્ટવકતા અને અનુશાસનપ્રિય સેનાની તરીકે આઝાદી આંદોલનમાં જાણીતાં થયાં. એમનાં પ્રયત્નોને પરિણામે મુંબઈમાં સેંકડો સ્ત્રીઓ મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયેલી. સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે ‘હિંદ મહિલા સમાજ’ની સ્થાપના એમણે કરેલી. મિલમાં કામ કરતી મજૂર સ્ત્રીઓનાં બાળકો માટે એમણે દેશમાં પ્રથમ ઘોડિયાઘર શરૂ કરેલું.

અવંતિકાબાઈ ગોખલેનો જન્મ ૧૮૮૨માં ઈન્દોરમાં થયો. પિતા વિષ્ણુપંત જોશી ઈન્દોરમાં રેલવેના પ્રામાણિક કર્મચારી હતા. એ સમયમાં કન્યાશિક્ષણનું પ્રચલન ન હોવાને કારણે પિતાએ અવંતિકાને ભણાવ્યાં નહોતાં. વળી પુરાણી પરંપરાઓને વળગી રહીને એમણે અવંતિકાને નવ વર્ષની વયે બબનરાવ ગોખલે સાથે પરણાવી દીધાં. બબનરાવના ઘરમાં સુધારક વિચારોનું ચલણ હતું. એથી નિરક્ષર અવંતિકાને એમનાં સાસુએ કામચલાઉ મરાઠી ભણાવી દીધી. પરંતુ કેટલાંક વર્ષો બાદ બબનરાવ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા વિલાયત ગયા, ત્યારે તેમણે ચીમકી આપી કે, મારા વિદેશ પ્રવાસ દરમિયાન અવંતિકા અંગ્રેજી નહીં શીખી લે તો હું કોઈ પરદેશી મેમ સાથે વિવાહ કરીને એને ઘેર લઈ આવીશ. … અવંતિકા ગભરાઈ ગયાં. ડરના માર્યા એકાદબે વર્ષમાં જ અંગ્રેજી ભાષા શીખી ગયાં.

દરમિયાન બબનરાવ વિલાયતમાં સાત વર્ષ રહીને, ભણીને અને કામનો અનુભવ મેળવીને ભારત પાછા ફર્યા. એક યાંત્રિક દુર્ઘટનામાં આંગળીઓ સહિત હાથનાં પંજા કપાઈ ગયા. ભવિષ્યનો વિચાર કરીને બબનરાવે અવંતિકાને નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપી. એક વર્ષ સુધી તાલીમ લીધા બાદ અવંતિકાબાઈએ પરીક્ષા આપી. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયાં. ઘરની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હોવાથી પરિચારિકા તરીકે નોકરી એમણે ન કરી, પરંતુ રોગીઓની સુશ્રુષા કરવામાં પાછું વળીને ન જોયું. આ અરસામાં બબનરાવે દીવાસળીનું કારખાનું નાખ્યું. ભારતમાં હજુ સ્વદેશી આંદોલન શરૂ થયું નહોતું. નાનીમોટી સાધનસામગ્રી વિદેશથી તૈયાર થઈને આવતી. બબનરાવ દેશમાં જ ઉત્પાદન કરીને સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના પક્ષે હતા. એક વાર ડાયનામાઈટનો વિસ્ફોટ કરીને પ્રયોગ કરી રહ્યા હતા, ત્યારે એમનો હાથ બૂરી રીતે ઘવાયો. અવંતિકાબાઈએ તરત જ પોતાની સાડી ચીરીને પતિના જખમ પર પાટો વીંટી દીધો. લોહી નીકળવાનું બંધ થયું. પછી ડૉક્ટર પાસે લઈ ગઈ. પતિની શસ્ત્રક્રિયામાં ડૉક્ટરની મદદ કરી. બબનરાવના પંજા તો કપાયેલા હતા જ, જમણો હાથ પણ કલાઈથી છૂટો થઈ ગયેલો. બબનરાવને ઓશિયાળા હોવાનું અનુભવાયું. અવંતિકાબાઈએ સ્નેહ નીતરતા સાદે કહ્યુંઃ “તમારી આંગળીઓ કપાઈ ગઈ છે તો શું થયું? મારી તો દસેય આંગળીઓ સલામત છે. હું છું ત્યાં સુધી તમારા સુધી કોઈ તકલીફ પહોંચી નહીં શકે.”

અવંતિકાબાઈએ બબનરાવને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ ચીવટ રાખી. દરમિયાન ૧૯૧૩માં ઈચલકરંજીનાં રાણી સાથે ઇંગ્લેન્ડ જવાનો અવસર મળ્યો. ત્યાં પ્રતિષ્ઠિત ઘરની મહિલાઓને સામાજિક કાર્યો કરતી જોઈને અવંતિકાબાઈને પ્રેરણા મળી. ભારત પાછા ફરીને એ સમાજસેવામાં પરોવાયાં. ભારત સેવક સમિતિના કાર્યકર્તા દેવધરના માર્ગદર્શનમાં મુંબઈની પ્રખ્યાત સંસ્થા સેવાસદનમાં કાર્યરત થયાં.

આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. એ હજુ મહાત્મા તો નહોતા બન્યા, પણ એમનાં કાર્યોને પગલે ગાંધીના નામનો ડંકો વાગેલો. અવંતિકાબાઈએ ગાંધીજીનું નામ સાંભળેલું. પણ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીનો પરિચય ગોખલે દંપતી સાથે કરાવ્યો. ગાંધીજી હીરાની પરખ કરી જાણનારા કુશળ ઝવેરી હતા. અવંતિકાબાઈની શક્તિ પિછાણી. અવંતિકા પણ પહેલી નજરે જ ગાંધીજીથી પ્રભાવિત થયાં.

માળામાં એક પછી એક મણકા પરોવતા જાય એમ પ્રસંગોના અંકોડા સાંકળ બનીને ગોઠવાતા ગયા. પરિણામે ગાંધીજીના નેતૃત્વમાં બિહારમાં આઝાદી આંદોલનનો સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ થયો. અવંતિકાબાઈ સત્યાગ્રહી બન્યાં. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ત્રણ વિશાંશ ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ તીનકઠિયા કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ. ગળીની ખેતીને કારણે જમીન ખરાબ થતી. ખેડૂતોની દુર્દશા થતી.

ચંપારણના એક ખેડૂત રાજકુમાર શુક્લના પ્રેમભર્યા આગ્રહથી ગાંધીજી ત્યાંના ખેડૂતોની દયનીય પરિસ્થિતિની જાતતપાસ માટે ગયેલા. એમને લાગ્યું કે ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂરી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂરી દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની છ પૈસા અને બાળકોની ત્રણ, ચાર આનાની મજૂરી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય.

ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યનાં પ્રયોગો’માં ચંપારણ સત્યાગ્રહની ભૂમિકા બાંધતાં નોંધ્યું છે કે, “સાથીઓ સાથે ઠરાવ કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાંનાં આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંનાં ગામડામાં પૈસાની છોળ નહોતી, પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા. શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછું હોય, પણ તેનામાં ચારિત્રબળ જોઈએ.’’

આ કામને સારુ ગાંધીજીએ સ્વયંસેવકોની જાહેર માગણી કરી. અવંતિકાબાઈ ગોખલેને તેડું મોકલ્યું. મુંબઈનાં સુશિક્ષિત, સભ્ય સમાજનાં હતાં. આલીશાન ઘરમાં રહેતાં. વીજળી અને ગેસની સુવિધા એમને ઉપલબ્ધ હતી. પરંતુ બિહારમાં જે ગામમાં રહેવાનું હતું ત્યાં ફાનસની સગવડ મેળવવી પણ અઘરું હતું. છતાં ગાંધીજીનો આદેશ થતાં જ બબનરાવ અને અવંતિકાબાઈ મુંબઈથી ચંપારણ જવા નીકળી પડ્યા. પતિપત્ની હંમેશાં રેલમાં બીજા વર્ગમાં પ્રવાસ કરતાં, પણ ગાંધીજીના આદેશથી બિહાર જઈ રહ્યાં હોવાથી ત્રીજા વર્ગમાં મુસાફરી કરીને ચંપારણ પહોંચ્યાં. ગાંધીજીએ પુત્ર દેવદાસને ગોખલે બેલડીને સ્ટેશને તેડવા માટે મોકલ્યો ત્યારે કહ્યું : “અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે તો જ એમને અહીં રાખીશ, નહીંતર મુંબઈ ભેગાં કરી દઈશ.” પણ દેવદાસ રેલવેના બીજા વર્ગમાં તપાસ કરીને ખાલી હાથે પાછો આવ્યો. ગાંધીજીને કહ્યું, “અવંતિકાબાઈ તો આ ગાડીમાં આવ્યાં નથી.” ત્યાં સુધીમાં અવંતિકાબાઈ તો ગાંધીજી પાસે પહોંચી ગયેલાં. ગાંધીજી કહે, “મેં તો પહેલાં જ કહેલું કે અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે.”

અવંતિકાબાઈ ઉપરાંત દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈ આવી ગયાં. આટલો શિક્ષકો અને શિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. ગાંધીજીએ નોંધ્યું છે કે, ‘બહેનોને સમજાવી કે તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલાં વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શશાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રેડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી.

સ્વયં ગાંધીજીએ અવંતિકાબાઈની પ્રશંસા કરવી પડે એવું અદ્દભુત કામ એમણે કરી બતાડેલું. પણ એનાથીયે મોટું કામ એમણે એ કર્યું કે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખ્યું. ચંપારણમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વયંસેવિકાઓને કામ કરતી જોઈને અવંતિકાબાઈને ગાંધીજીનું ચરિત્ર લખવાનો વિચાર આવ્યો. મનમાં થયું કે આટલા મહાન મહાત્માના ચરિત્રને અક્ષરદેહે કંડારવાનું કામ મારા જેવી અલ્પમતિ સ્ત્રી કરે એ તો નાના મોંએ મોટી વાત કરવા જેવું થાય. પણ પછી વિચાર્યું કે જે રીતે પ્રભુનાં ગુણગાન કરવાનો અધિકાર સહુને છે, એ રીતે મહાત્માના ગુણોની ભક્તિ કરવાનો અધિકાર સૌને એક સમાન છે. આ ભાવનાથી પ્રેરાઈને અવંતિકાબાઈએ ભગીરથ કામ હાથ ધર્યું. ૧૯૧૮માં અવંતિકાબાઈ ગોખલે લિખિત ‘મહાત્મા ગાંધી યાંચે ચરિત્ર-વિશેષ પરિચય, લેખ વ વ્યાખ્યાન’ શીર્ષક સાથે ગાંધીજીનું સર્વપ્રથમ ચરિત્ર મરાઠી ભાષામાં પ્રકાશિત થયું. પ્રસ્તાવનામાં લોકમાન્ય ટિળકે સાચું જ કહ્યું છે કે, ભવિષ્યના ચરિત્રલેખકો માટે આ પુસ્તક દિશાદર્શકનું કામ કરશે!

મહાત્મા ગાંધીજીના મૃત્યુ પછી બે જ મહિનામાં ૨૫ માર્ચ ૧૯૪૮ના ગાંધીજીનાં પટ્ટશિષ્યા એવાં અવંતિકાબાઈનું નિધન થયું. પરંતુ આજે પણ ગાંધીજી વિશેનું એમનું પુસ્તક જીવનચરિત્રના લેખકો માટે સાચા અર્થમાં દિશાદર્શક બની રહ્યું છે!

સૌજન્ય : “કોડિયું”; ઑક્ટોબર 2023; પૃ. 99-101
મુદ્રાંકન સૌજન્ય : વલ્લભભાઈ નાંઢા તેમ જ કેતનભાઈ રુપેરા

Loading

ચલ મન મુંબઈ નગરી—219

દીપક મહેતા|Opinion - Opinion|21 October 2023

એશિયાની સૌથી મોટી કાપડ બજાર બંધાવનાર મૂળજી જેઠા હતા કોણ?    

પાત્રો : સ્વામી આનંદ (૧૮૮૭-૧૯૭૬), રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ.

વાછા શેઠ : મિસ્ટર મહેતા, આજે વાતની શુરુઆત હું કરસ અને તે બી તમુને એક સવાલ પૂછીને. બોલો, આપના આખા એશિયા ખંડની સૌથી મોટ્ટી ક્લોથ માર્કેટ કાં આવેલી છે, અને તેનું નામ સુ?

દી.મ. : આપ કહો છો તે ક્લોથ માર્કેટ આપણા મુંબઈ શહેરમાં આવેલી છે. અને તેનું નામ છે મૂળજી જેઠા માર્કેટ. 

વાછા શેઠ : સહી જવાબ. હવે બીજો સવાલ, આ મૂળજી જેઠા હતા કોણ?

દી.મ. : લાઈફ લાઈન.

વાછા શેઠ : કોને ફોન લગાડવાનો છે?

દી.મ. : કોઈને નહિ. સ્વામી દાદા આપણી સાથે હોય પછી કોઈ બીજાને પૂછવાની શી જરૂર? 

સ્વામી આનંદ : મૂળજી જેઠાનો જન્મ ૧૮૦૪, જામનગર. કુટુંબની સ્થિતિ પાતળી. જેઠોભા નાનકડી હાટડી ચલાવે. મહામહેનતે કુટુંબનું ભરણપોષણ કરે. મૂળજી ધૂડી નિશાળમાં થોડું ભણ્યા. પણ પછી નિશાળ છોડી કામે વળગ્યા. નાની નાની દુકાનોમાં ફેરી કરી નાનો-મોટો માલ વેચે. થોડો વખત તેલની દુકાને વાણોતર તરીકે કામ કર્યું. અને પછી બીજા અનેક ભાટિયા જાતભાઈઓની જેમ પકડી મુંબઈની વાટ. ત્યારે ઉંમર વરસ સોળ.

દી.મ. : તેમની વાત પણ જીવરાજ બાલુ અને નાનજીભાઈની વાત જેવી જ લાગે છે.

જામનગરના દેશી રાજ્યનું જોડિયા બંદર 

સ્વામી આનંદ : અરે, આ વાત તો સેંકડો નહિ, હજારો ગુજરાતીઓની છે. એ વખતે ગુજરાતના કંઠાળ પ્રદેશના લોકો માટે મુંબઈ એ તો સોનાની લંકા. આગગાડી તો બહુ મોડી આવી. એટલે એ વખતે મુંબઈ આવવાના રસ્તા બે. કાં વહાણમાં બેસીને, કાં જમીન રસ્તે ગાડામાં કે ચાલતાં. એ વખતે જામનગર એક દેશી રજવાડું. તેનું એક બંદર, નામે જોડિયા. આજે તો હવે એ મરવાને વાંકે જીવે છે, પણ એ જમાનામાં ધીકતું બંદર. મુંબઈ સુધી વહાણોની આવનજાવન. ત્યાંના એક વહાણમાં ચડીને ૧૬ વરસનો મૂળજી આવ્યો મુંબઈ. 

દી.મ. : મુંબઈમાં કોઈ ઓળખીતું-પાળખીતું? ગાંઠે ગરથ?

સ્વામી આનંદ : ગરથમાં કપડાંની થેલીમાં ત્રણ જોડ કપડાં. ઓળખીતો એક ઉપરવાળો. અચકાતા ગભરાતા મુંબઈના બારાની બહાર નીકળ્યા. કોઈ કાઠિયાવાડી વાણિયાની દુકાન દીઠી. ત્યાં જઈને બેઠો. ભૂખ્યો-તરસ્યો. નીમાણે મોઢે. તે કાળે ભાટિયા ગણ્યાગાંઠ્યા મુંબઈ આવેલા. છૂટાછવાયા મજૂરી કરે. સ્ત્રીઓ તો નામે ન આવે. સુરતનું બારું કાદવથી ભરાયું. કંપની સરકારનાં વહાણ હવે મુંબઈ બંદરે નાંગરે. પછી તો ગવંડરે પણ સુરત છોડ્યું અને મુંબઈ આવી વસ્યો.  

દી.મ. : હા, સ્વામી દાદા. પણ મુંબઈના પહેલા ગવર્નર જ્યોર્જ ઓક્સેનડન તો ફક્ત એક જ વાર સુરતથી મુંબઈ આવેલા – ઈ.સ. ૧૬૬૭ના સપ્ટેમ્બરની ૨૧મી તારીખે  પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લેવા તે સુરતથી મુંબઈ આવેલા. અને બીજે જ દિવસે સુરત ભેગા થઈ ગયેલા. તેના પછી આવેલ જેરાલ્ડ ઓન્ગીયાર અવારનવાર સુરતથી મુંબઈ આવતા અને પોર્ટુગીઝોએ બાંધેલા બોમ્બે કાસલમાં રહેતા. સરકારનું વડું મથક સુરતથી મુંબઈ ખસેડવાની ભલામણ તેણે બ્રિટનમાં બેઠેલા કંપનીના ડિરેક્ટરોને મોકલેલી, પણ તેની હયાતીમાં અમલ થયો નહિ. 

સ્વામી આનંદ : મૂળજી મુંબઈ આવ્યો ત્યારે કોટનો કિલ્લો હજી ઊભો હતો. તે વારે મુંબઈની વસતી અડધો લાખ કરતાં વધારે નહિ. સાંજ પછી કોટની બહાર નીકળો તો ચોર-લૂંટારાનો ભો. આવા મુંબઈમાં અજાણ્યો મૂળજી જાય પણ ક્યાં? પણ નસીબ પાધરાં તે દુકાનદારને દયા આવી. પાસે બોલાવી થોડી વાત કરી. સારા ઘરનો છોકરો છે જાણી બે પૈસાના દાળિયા કુરમુરા મગાવી ખાવા આપ્યા. મૂળજી ખાતો જાય ને પોતાની કરમ કથની કહેતો જાય. દુકાનદારને ભરોસો પડ્યો. કહ્યું કે દિવસે દુકાનનાં નાનાંમોટાં કામ કરજે ને રાતે દુકાનમાં જ સૂઈ રહેજે. મૂળજીએ મન લગાડી કામ કર્યું. સવારે દુકાન વાળીચોળીને સાફ કરવી. પછે ઉઘરાણીએ જવું, શેઠની ગેરહાજરીમાં માલ વેચવો. બધાં કામ મૂળજી હોંશે હોંશે કરે. પૈસાની બાબતમાં વાણિયાએ ચકાસી જોયો. ખાતરી થઈ કે છોકરો હાથનો ચોક્ખો છે. રોકડમાં પૈનો ય ફેર ન પડે. થોડા વખત પછી મહીને પાંચ રૂપિયા પગાર કરી આપ્યો. 

વાછા શેઠ : મૂળજી દુકાનમાં કામ કરતો થયો પછી વાણિયો કમાવા લાગ્યો. છ મહિનામાં કમાણી વધીને રૂપિયા સો! નાના દુકાનદારોને બદલે મોટી ઓફિસો સાથે કામ કરવા લાગ્યો. મોટી દુકાન લીધી. નામું લખવા મહેતાજી રાખ્યા. પણ મૂળજી રોજે રોજ નામાની ચકાસણી કરે. અડધા કલાકમાં વીશીએ જઈ જમી આવે. કામ સવારે શરૂ કરવાનું એ નક્કી. ક્યારે પૂરું કરવાનું એ નક્કી નહિ. આજનું કામ આજે જ. પછી ભલે રાત પડે!

સ્વામી આનંદ : વાણિયાની ગાંઠે ૧૫ હજારની મૂડી થઈ. મૂળજીનો પગાર પાંચ રૂપિયાથી વધીને ત્રીસ થયો. બાવીસ વરસનો થયો મૂળજી. વાણિયાએ એને ગામ મોકલીને પરણાવ્યો. ૫૦૦ રૂપિયા પાઘડીના આપ્યા અને ૧,૫૦૦ અંગ ઉધાર. મૂળજી વેપાર વધારતો ગયો. કન્ત્રાક્ટ લે, ગોરાઓની વેપારી ઓફિસોમાં જાય. રેલવેની ઓફિસે જાય. અંગ્રેજી જાણે નહિ તો ય કુશળતાથી ગાડું ગબડાવે. હવે વાણિયાની પેઢીમાં આઠ-દસનો સ્ટાફ.

વાછા શેઠ : વાણિયો ધનદોલત કમાયો, ચારમાં પૂછાતો થયો. પણ મોટી ખોટ એ કે ઘેરે દીકરો નહિ. એક દિવસ કામધંધો મૂળજીને સોંપી પોતે ગયો ‘દેશ.’ હવે મૂળજીએ પેઢીનું નામ બદલીને કર્યું ‘મૂળજી જેઠા.’ મૂળજી વેપારમાં હતો પાવરધો, પણ આજ સુધી શેઠને પૂછીને પાણી પીવું પડતું. હવે મૂળજી આઝાદ હતો. મલબારથી દેશી વહાણોમાં કોપરેલ મગાવવા માંડ્યું. નફો સારો. નામ થયું. જામનગરથી કુટુંબને તેડાવી લીધું. દીકરો જનમ્યો. નામ પાડ્યું સુંદરદાસ. 

વાછા શેઠ : વેપાર વધતો ગયો. કોચિનમાં ઓફિસ શુરુ કીધી. જોડિયા બંદરેથી નાનું વહાણ ખરીદ કીધું. જાણીતા ખારવા રોક્યા. પછી નવાં વહાણો બંધાવિયાં. કુલ છ બારકસના માલિક થયા. કોટન ગ્રીન પરની ગોરાઓની ઓફિસો, પોર્ટ ટ્રસ્ટની કચેરી, જી.આઈ.પી. રેલવેને માલ પૂરો પાડે. ઘેરે ગારી-ઘોરા. 

સ્વામી આનંદ : એ વખતે મુંબઈમાં કાપડ મિલો નંખાવા લાગેલી. એટલે રૂની માગ વધતી ચાલેલી. કોલાબામાં મોટું રૂ-બજાર. કાનમ, બિરાર, ખાનદેશથી કપાસ આવે અને વેલાત જાય. મૂળજી શેઠે કપાસની વખાર કરી. જોસભેર ખરીદીઓ કરવા માંડી. કપાસ વિલાયત ચડાવે. જોતજોતામાં રૂના મોટા વેપારી થઈ ગયા. પણ સટ્ટાનું નામ નહિ. ખરીદી બધી રોકડ. પિતરાઈ વાલજી દામોદર અને નારણજી મૂળજીને ધંધામાં જોડીને ભાગીદાર બનાવ્યા. દીકરો સુંદરદાસ. એકનો એક, પણ લાડમાં ન ઉછેર્યો. સાતની વયે નિશાળે મૂક્યો. ૧૬મે વરસે પાંચ અંગ્રેજી ભણ્યા પછી સ્કૂલમાંથી ઉઠાડીને ધંધામાં સાથે લીધો. થોડાં વરસ પછી ભાગીદાર બનાવ્યો. દીકરાએ પણ વેપાર વધાર્યો, વિકસાવ્યો. 

વાછા શેઠ : હા, સ્વામીજી. મૂળજી શેઠના ધીકતા ધંધાને સુંદરદાસે મધ્યાહ્ને પહોંચાડ્યો. સુંદરદાસની વેપારી કૂનેહનો એક જ દાખલો : અમેરિકન સિવિલ વોર શુરુ થઈ તેની આગમચ   છ વહાણ ભરીને રૂનો ગંજાવર જથ્થો લિવરપુલ માટે રવાના કીધેલો. એ જમાનામાં સુએઝની કેનાલ તો બની નહોતી. એટલે વહાણો કેપ ઓફ ગુડ હોપને રસ્તે જાય. જે માલ રવાના કીધેલો તેનું વેચાણ કરવા ગોરા વેપારીઓ દબાણ કરે. પણ અગમચેતી અને કોઠા સૂઝને કારણે માલ લિવરપુલ પહોંચે તે પહેલાં વેચવાની સુંદરદાસે ચોખ્ખી ચણાક ‘ના’ પાડી દીધી. વહાણો લિવરપુલ પહોંચ્યા તેની આગમચ અમેરિકન સિવિલ વોર ફાટી નીકળી. સુંદરદાસને રૂના છ ગણા ભાવ મળ્યા. 

સ્વામી આનંદ : આકોલા, મૂર્તજાપુર, કારંજા, ધુલિયા, જલગાંવ ખાતે સુંદરદાસે ‘જિન પ્રેસ’ કાઢ્યા. મુંબઈ અને જલગાવમાં મિલો શરૂ કરી. ઠાકરસી મૂળજી સાથે ભાગમાં મૂળજી જેઠા માર્કેટ શરૂ કરી. એ વખતે એ બાંધવાનો ખરચ થયો હતો રૂપિયા છ લાખ.

એશિયાની સૌથી મોટી કાપડ બજાર – મૂળજી જેઠા માર્કેટ 

દી.મ. : ઓહોહો! રિલાયન્સ ઉદ્યોગ સામ્રાજ્યના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક અદના ‘યાર્ન ટ્રેડર તરીકે આ માર્કેટથી જ કરી હતી.

કાલબાદેવી પરની વિઠ્ઠલવાડીને નાકે આવેલું દ્વારકાધીશજીનું મંદિર તેમણે જ બંધાવેલું. પણ ત્યાં તો ન બનવાનું બન્યું. માંડ ૩૯ના થયા સુંદરદાસ, અને એકાએક તેડાં આવ્યાં તે વૈકુંઠવાસી બની ગયા. સુંદરદાસને બે દીકરા. પણ સુંદરદાસ પાછા થયા ત્યારે બંને બાળક. મૂળજી શેઠ હવે મૂળજી ડોસા બનેલા. એટલે નવો ભાગીદાર લીધા વગર છૂટકો નહોતો. વાલજી દામોદરના દીકરા વલ્લભદાસ શેઠે બધો ભાર ઉપાડી લીધો.  

વાછા શેઠ : આજના પી.ડી. મેલો રોડ અને મિન્ટ રોડના નાકે જે સુંદર ફુવારો છે તે ‘મૂળજી જેઠા ફૌંતન’ તરીકે ઓળખાય છે તો …

મૂળજી જેઠા ફાઉન્ટન – ત્યારે અને અત્યારે 

સ્વામી દાદા : ના જી. એ ફવ્વારો મૂળજીશેઠે બંધાવ્યો નહોતો. એ બંધાવેલો શેઠ રતનસી મૂળજીએ, પોતાના એકના એક દીકરા ધરમસીની યાદમાં. ફુવારા નીચે જે આરસની તકતી ચોડેલી છે તેમાં આ હકીકત બહુ સ્પષ્ટ રીતે જણાવી છે.  ધરમસી હતો તો વેપારીનો દીકરો, પણ ચોપડીઓ વાંચવાનો જબરો શોખીન. એટલે ફુવારાના મથાળે હાથમાં ચોપડી લઈને વાંચતા ધરમસીનું બાવલું મૂક્યું છે.

દી.મ. : મુંબઈના રસ્તાઓ પર આવેલાં બીજાં ઘણાં સ્મારકોની જેમ આ ફુવારાએ દાયકાઓ સુધી માઠી દશા વેઠી. ભંગેરી-ગંજેરીઓનો અડ્ડો બનેલો. પણ પછી ૨૦૧૭માં આપણી આંખ ઊઘડી. બીજાં કેટલાંક સ્મારકોની જેમ આ ફુવારાનું પણ ‘રેનોવેશન’ થયું.

સ્વામી આનંદ : આ ફવારાની ડિઝાઈન કોણે બનાવી હતી, જાણો છો?

દી.મ. : ના, સ્વામીજી. 

ફ્રેડરિક સ્ટિવન્સ

સ્વામી આનંદ : જેમણે વિક્ટોરિયા ટર્મિનસની ભવ્ય ઈમારતની ડિઝાઈન બનાવેલી તે ફ્રેડરિક વિલિયમ્સ સ્ટીવન્સે. અને તેમના મદદનીશ હતા જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સના એ વખતના  પ્રિન્સિપલ જોન ગ્રીફિથ્સ. ૧૮૯૪ના જાનેવારીની આઠમી તારીખે આ ફવ્વારો મુંબઈની જનતાને ભેટ આપવામાં આવ્યો.

દી.મ. : સ્વામી દાદા! વાછા શેઠ! મુંબઈને મુંબઈ બનાવનારા બીજા કેટલાક ઘરાણાં વિષે પણ વાત કરવી છે. પણ આજે તો હવે ટાઈમ પૂરો થયો છે. ફરી મળશું આવતા શનિવારે.

સ્વામી આનંદ : ત્યાં સુધી સૌને દશેરો મુબારક.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 21 ઓક્ટોબર 2023

Loading

...102030...1,0711,0721,0731,074...1,0801,0901,100...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved