Opinion Magazine
Number of visits: 10,223,506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મા’ની શિક્ષિકા

સુરેશ જાની|Opinion - Opinion|4 November 2023

બાર વર્ષની બેબી એની પથારીમાં સૂતી સૂતી આંસું સારી રહી. આજે એની શાળામાં વિતેલી ઘટના માટે એને મરવા જેવું લાગ્યું હતું. એની ક્લાસની કેટલી બધી છોકરીઓની માતાઓ આજે શાળામાં આવી હતી? વર્ગ શિક્ષિકાએ એ બધી સાથે એમની દીકરીઓના અભ્યાસ અંગે કેટલી બધી વાતો કરી હતી? એમના અંગે કેટલી બધી માહિતી અને સૂચનો આપ્યાં હતાં? અને ક્લાસમાં પહેલા પાંચમાં નંબર રાખતી હોવા છતાં એની વાતો સાંભળવા કોઈ કહેતાં કોઈ જ નહીં.

બેબીને પોતાનું જીવતર ઝેર જેવું લાગવા માંડ્યું. આમે ય ચંદીગઢની એ બદનામ બસ્તીમાં કશું ય સારું ક્યાં જોવા મળે એમ હતું? નામ તો રૂડું રૂપાળું ‘બાપુ ધામ’ હતું.  પણ ‘ભાઈ’ લોકનો એ બદનામ અડ્ડો હતો. ભાંગ્યાં તુટ્યાં, દેશી લઠ્ઠાની બદબૂથી ગંધાતાં ખોરડાં –  પાકી દીવાલનાં એટલે એમને ઝૂંપડીઓ તો ન જ કહેવાય. પણ ઠેર ઠેર તિરાડો અને ગળતાં ધાબાં વચ્ચે સીસકતો એક નાનો ઓરડો અને એનાથી ય નાનું રસોડું. કચરા અને કાદવથી ખરડાયેલી સાવ સાંકડી શેરીઓ. રોજ રાતે કેટકેટલાં ખોરડાંઓમાં દારૂ પીને આવેલા પતિનો માર ખાતી પડોશણોની ચીસો અને હૈયું વલોવી નાંખે તેવાં આક્રંદ.

છેવાડાની ગલીની તો વાત જ ન પૂછો. બેબીને એ ગલી તરફ નજર નાંખવાની પણ સખ્ત  મનાઈ હતી. ત્યાંનાં ખોરડાં બીજાં બધાં કરતાં વધારે ચમકદાર હતાં. એમાંથી બસ્તીની દુકાનોમાં ખરીદી કરવા આવતી બૈરીઓનાં કપડાં અને નખરાં કશાંક અજનવી કારણોએ ઝમકદાર હતાં. એમના ગળામાં ચમકતાં અછોડા, હાથ પર રણકતી બંગડીઓ અને  મોંમાંથી રસ ઝરતી પાનની પિચકારીઓ એમની સમૃદ્ધિની ચાડી ખાતી હતી. એ તો બીજી બહેનપણીઓ સાથે થતી વાતોમાંથી જ એને ગનાન મળ્યું હતું ને કે, ઈવડી ઈઓના વર જ નહોતા. રોજ કેટલા ય વરોની એ વહુઓ !

‘છી … છી … છી … કેવી બેશરમી?  મારી મા જયકુમારી તો રોજ મને રાતે ભજન કરાવે છે, અને બિચારા બાપુ થાક્યા પાક્યા આવ્યા હોય તો પણ ભજનની સાથે તાળીઓ તો અચૂક પાડે જ. બિચારી મા શી રીતે નિશાળની મિટિંગમાં આવી શકે? એને તો પોતાની સહી કરતાં પણ ક્યાં આવડે છે?’ આંસુઓની ધાર વચ્ચે બેબીના મનમાં આવા વિચારોની હારમાળા સતત ચાલુ રહી. આ જ જળોજથામાં ક્યારે એની આંખ મિંચાઈ ગઈ, તેની બેબીને ખબર જ ન પડી.

સવારના આછા પાતળા ઉજાસમાં બેબીની આંખ ખૂલી. કોઈક નવો જ ઉત્સાહ એના કોશે કોશમાં ઝણઝણાટી ફેલાવી રહ્યો. હમણાં જ તો એ સપનું પૂરું થયું હતું ને? શું હતું એ સપનામાં ?

‘બેબી એની મા જયકુમારીને ‘ક’ અને ‘ખ’ વાંચતાં અને લખતાં શીખવાડતી હતી! મા હસવું આવે તેવા લીટાડાથી સ્લેટમાં એકડો અને બગડો ઘૂંટતી હતી. લે. કર વાત! માની શિક્ષિકા દીકરી! હા …. હા ….  હા …

એ અટ્ટહાસ્યે બેબીને જગાડી દીધી. તેઓ બધો જ શોક દૂર થઈ ગયો. આ નવી શક્યતાએ તેના માનસપટલનો કબજો લઈ લીધો. બેબીએ નિશાળમાં એની ખાસ બહેનપણી રેણુને આ સપનાંની વાત કરી. બન્ને જણીઓએ નક્કી કર્યું કે, તે દિવસે સાંજે ઘેર જઈને એમની ‘મા’ઓને પહેલો પાઠ ભણાવશે!

બેબીની ઘરનિશાળનો એ સપ્પરમા દિવસે જન્મ થયો.

જયકુમારીએ પહેલાં તો આનાકાની કરી. ‘મારે વળી ભણીને શું કામ છે? છોકરાંને નિશાળ વિદાય કરી કારખાનામાં મારું વૈતરું ભલું. સાંજે ઘેર આવીને રોટલા ટીપવાના અને બેબીના બાપુના પગ દબાવવાના. બસ આ જ તો મારી જિંદગી છે ને? અને શું ખોટી છે? ભલે અમે બે ન ભણ્યા પણ અમારી બન્ને જણની આકરી મહેનતના પ્રતાપે છોકરાંવ તો ભણી શકે છે ને? એમને અમારી જેમ મજૂરી નહીં કૂટવી પડે ને?’

પણ બેબી કોનું નામ? શિક્ષિકા બનવાનો આવો લ્હાવો શેં જતો કરાય? અને તે દિવસે રાતે જયકુમારીને સપનામાં મેર મુઆ … ‘ક’ ‘ખ’ અને ‘ગ’ નાચતા દેખાયા!

ત્રણ જ મહિના અને વાલી / શિક્ષક મિટિંગમાં જયકુમારી પણ હાજર હતી. બેબીના બધા વિષયમાં સૌથી વધારે માર્ક આવ્યા છે, તે બતાવતા રિપોર્ટ કાર્ડ પર સહી કરતાં એની છાતી ગર્વથી ધડકતી હતી.

‘મારી બેબીએ મને ભણાવી!’ – જયકુમારીએ ગર્વથી વર્ગ શિક્ષિકાને બાતમી આપી!

એક જ વર્ષ અને બેબીની ‘ગેન્ગ’માં બીજી બાર છોકરીઓ જોડાઈ ગઈ હતી. જયકુમારી હવે હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષા વાંચી શકતી થઈ ગઈ. તેણે હિંદીમાં લખવા પણ માંડ્યું.

‘યુવા સત્તા’ નામની સેવા સસ્થાને બેબી-રેણુ-રમાવતી વગેરેના આ ઉમદા કામની ખબર પડી અને તેમણે જરૂરી ચોપડીઓ, નોટો, પેન્સિલો, બ્લેકબોર્ડ, ચાક, ડસ્ટર વગેરે સામગ્રી પૂરી પાડવાનું માથે લઈ લીધું. ભડભાદર વિદ્યાર્થીનીઓની સંખ્યા પણ ૧૦૦ ઉપર પહોંચી ગઈ. રમાવતીએ તો એના બાપને પણ રપેટીમાં લઈ લીધો અને એની માસ્તર બની ગઈ!

ત્રણ જ વર્ષ અને આ ઘર શાળામાંથી ૧,૨૦૦ વયસ્ક પુરુષો અને સ્ત્રીઓ લખતાં વાંચતાં થઈ ગયાં છે! રમાવતીએ પોતાના રીક્ષા ડ્રાઈવર બાપુને ભણાવ્યા અને બાપુએ એને બોનસ આપ્યું – ‘તારું લગ્ન કરી, વિદાય કરી દેવાનો પ્લાન અભરાઈએ.’ હવે રમાવતી કોલેજમાં ભણવાનાં સપનાં  જોવા માંડી છે ! બાપુ હવે એક ઓફિસમાં પટાવાળા બની ગયા છે અને કોઈ ઝંઝટ વિના બમણો પગાર લાવે છે. અને જુઓ તો ખરા, એમની હિમ્મત કેટલી બધી ગઈ? લોન પર રકમ લાવી એમણે ભાડાની રીક્ષાની જગ્યાએ પોતાની માલિકીની રીક્ષા વસાવી લીધી અને એને ભાડે ફેરવવા આપીને રોજનો ૧૦૦ રૂપિયાનો વકરો કોઈ મહેનત કર્યા વિના ઊભો કરી દીધો.

જુઓ.. આ નિશાળમાં હવે ૧,૬૦૦ મહિલાઓ અને પુરુષો ભણે છે! વા વાત લઈ જાય તેમ ચંદીગઢની બીજી ઝૂંપડપટ્ટીઓમાં પણ ઘર નિશાળો ધમધમતી થઈ ગઈ છે.

સંદર્ભ – ધીમંત પારેખ,  The Better India,  Times of India
e.mail : surpad2017@gmail.com

Loading

બાપુને પત્ર

લિખિતંગઃ  સેજલ શાહ|Gandhiana|4 November 2023

પૂજ્ય બાપુ,

તમને પત્ર લખવાની કલ્પના જેટલો રોમાંચ આપે છે, તેટલો જ સંકોચ મનને રોકી રહ્યો છે અને છતાં આજે તમારી સાથે વાત કરવી જ છે એ નિશ્ચય સાથે આ પત્ર.

સેજલ શાહ

બાપુ, તમને પ્રત્યક્ષ નથી મળી અને છતાં મારાં જીવનમાં નાનપણથી જ વણાઈ ગયા છો. તેનું કારણ કે નાનપણમાં સહુએ ખાદી જ પહેરવી એવો નિયમ બાપુજી(દાદા)એ રાખેલો. ઉપરાંત મારે દર ત્રણ મહિને પુસ્તકથી ભરેલો લાકડાંનો કબાટ એકલા હાથે જ સાફ કરવાનો, ઉંમરના 10માં વર્ષથી લીધેલ આ જવાબદારી 24 વર્ષની થઈ ત્યાં સુધી દાદાના ઘરે નિભાવી. પણ એને કારણે ચોપડીઓને પૂઠાં ચઢાવતાં – ચઢાવતાં, એ વંચાતી ગઈ અને તમારે પરિચય કેળવાતો ગયો. બાપુજી તમારા રંગે રંગાયેલા એટલે મોટાં ભાગનાં પુસ્તકો તમારા. આ ઉપરાંત પંડિત નેહરુ વિષે, કાકાસાહેબનાં, ફાધર વાલેસનાં, એવાં બીજાં પુસ્તકોથી કબાટ ખીચોખીચ ભરેલો હતો. ‘ચક્રમ’ અને ‘રમકડું’ અને બીજી ઘણી બધી વાર્તાઓ પણ મળતી. આ બધાનો ફાયદો એ થયો કે પુસ્તક જીવનમાં જોડીદાર બન્યાં.

મને તમારી સૌથી વધુ ગમી ગયેલી વાત કે ‘આત્માના અવાજને અનુસરવું’. અને ત્યારે નાનપણમાં એ વાક્યનો અર્થ બહુ નહોતી સમજી એટલે મારી મમ્મીને એ વાક્ય કહીને બહુ પજવતી. પણ બાપુ તમે જીવન ઘડતરનો ભાગ આયાસ વિના જ બની ગયા. સાચું કહું તો તમે મને સાહસિક બનાવી. કોઈ સાથે ઊભું ન પણ હોય, કોઈ સાથે પણ ન હોય ત્યારે પણ સત્ય સાથે ઊભા રહેતા તમે શીખવ્યું, બાપુ. અન્યાય માટે જાત ભોગે પણ લડતા શીખી છું. મૂલ્ય માટે ઊભી રહેતા શીખી છું. હા, એક પ્રશ્ન મૂંઝવે છે કે જ્યારે મારી લડત અન્યાય સામે હોય ત્યારે મોટાભાગના લોકો મારી સામે આશ્ચર્ય અને કુતૂહલતાથી જુએ છે, ત્યારે ક્ષણ માટે મને સમજાતું નથી, કે કેમ આટલી સહજ વાત અસહજ લાગે છે. પણ પછી પાછી પેલી આત્માને અનુસરવાની વાત મને બચાવી લે છે. બસ, આ આત્મા તમે કહ્યો છે એવો, છેલ્લે સુધી શુદ્ધ રહે તેમ ઈચ્છું છું અને તેવા આશીર્વાદ સદાકાળ આપજો.

આજે પણ ઘણીવાર ‘સત્યની શોધ’ કરતી વખતે મૂંઝવણ અનુભવાય છે અને ઘોંઘાટ વચ્ચે ખોટો રસ્તો પકડાઈ જશે એવો ડર પણ લાગે છે. આવા ‘ડર’નો સામનો કઈ રીતે કરવો તે હજી નથી સમજાતું, ત્યારે ફરી પાછી આત્માને અનુસરવાની વાત યાદ કરી લઉં છું. હા, જેમ તમને ‘રામ મંત્ર’ મળ્યો હતો તેવો મને ‘બાપુ મંત્ર’ મળ્યો, પણ આ પત્રનો ઉત્તર આપતી વખતે તમે જ જો આનો ઉકેલ આપો તો કેવું સારું !

બાપુ, તમે કેવા નસીબદાર છો કે તમારા મોટાભાગના અનુયાયીઓ તમારી હાકલ મુજબ દેશની સ્વતંત્રતા બાદ ભારતના ગામડે જઈ વસ્યા અને શિક્ષણના, સુધારાના, વિકાસ માટે અનેક પ્રયોગો કરતા રહ્યા. બાપુ, આજે એ લોકોની ઉંમર પણ 80ને વટાવી ગઈ છે. આ બધામાં બાપુ તમે મને મળ્યા છો. એ લોકોની આસપાસ મને તમારી ચેતનાનો અનુભવ થાય છે. તેમની આંખમાં, વાતમાં ભળી જાઉં એટલે બાપુ, તમારી સાથે જ હોઉં એવું લાગે છે. આ તરલાબહેન વેડછીમાં, ‘નાનીમા’ બારડોલીમાં, રમેશભાઈ કચ્છમાં કેટલું ય કામ કરે છે, જી.જી.એ મુંબઈમાં રહીને કેટલું કર્યું. મુંબઈના માલતી ઝવેરીએ પણ દામુભાઈ સાથે કેટલું કામ કર્યું. પણ બાપુ, પ્રશ્ન વર્તમાનનો છે. અત્યારે આ સમય કેમ આટલો વિખાઈ ગયો છે ?

‘સ્વ-અર્થે’ માત્ર અર્થને પ્રાધાન્ય આપવાનુ શિક્ષણ આજે પ્રસરી રહ્યું છે. શિક્ષણને કેળવણી નહીં, પણ ‘નોકરીનું સાધન’ માત્ર બનાવ્યું છે અને તેમાં કૌશલ, સદાચાર, નૈતિકતા અને એવું બધું જ હાંસિયામાં ચાલ્યું ગયું છે. કેટલાક પ્રયોગો ચાલે છે, એની ના નહીં, પણ તેનાં વહેણ સુકાઈ રહ્યાં છે. શિક્ષણમાં પ્રવેશેલી આ અરાજક્તા તમને ન જ ગમે. ગ્રેજ્યુએટ થયેલ 20 વર્ષનો યુવાન કે યુવતી જ્યારે આત્મવિશ્વાસ સાથે બોલતા અચકાય ત્યારે મન ક્ષુબ્ધ થઈ જાય છે, અર્થ માટે નૈતિકતાને કોરણે મૂકાઈ છે અને બાપુ, તમે આના માટે શું સૂચન કરત એ સતત વિચારું છું. સર્જનાત્મક વિચાર, સાહસ, નૈતિકતા, પ્રેમ આ શબ્દોએ વિદાય લીધી છે અને લઈ રહ્યા છે. યુવાનના મનમાં ભૌતિકતાસભર જીવનનાં સ્વપ્ન છે, દરેક વ્યક્તિ બધી સુવિધા પોતાના ઘરમાં ઈચ્છે છે, મારું જીમ, સ્વીમીંગ પુલ, ઘરમાં થિયેટર, ઘરમાં જ પોતાના પ્લાન્ટ સાથે ગાર્ડન વગેરે. સામૂહિક સગવડનું નિર્માણ અને એની જાળવણીની સામૂહિક જવાબદારી જેવા વિચારો નાગરિકશાસ્ત્રમાં શીખવવાનું વિસરાઈ ગયું છે. તમને ખબર છે તમારા મુંબઈના ‘મણિભવન’નાં ઘરે તમને શોધવા હું આવી હતી, પણ ત્યારે તમે મુંબઈ શહેરે આડાઅવળી ઊભી કરેલી ઈમારતો, સ્કાયબ્રીજ અને રેલવે બ્રીજ અને ખરાબ કરી નાખેલ સમુદ્ર અંગે પ્રજાને સમજાવવા અને વિકાસનો અર્થ સમજાવતા હતા. તેના અવળા પરિણામની ચેતવણી આપતા હતા. તમારું મન વ્યથિત હતું, મનુષ્ય જીવનને સ્વાવલંબી કરવાની વાત તમે ફરી ફરી સમજાવીને થાક્યા હતા, પણ તમે હાર્યા નહોતા જ. તમે આવી શક્તિનો વારસો અમને આપ્યો છે. પણ અમે તેને અત્યારે તો લાયબ્રેરીમા પૂરી દીધો છે. તમે જ કહો કે હવે શું કરવું. અમે ક્યાં ય ચૂક્યા છીએ અને કદાચ સદા ઉદાર રહ્યા જ છો અને અમારે મન પિતા, એટલે અત્યારે તો તમારા વિચાર વારસાને અનુસરવાની માત્ર શક્તિ નહીં પણ સાથે માર્ગ દેખાડો તેમ ઈચ્છું છું.

તમારી વાણીને ફરી સમજવાનો, જીવંત કરવાનો આ સમય છે. સહુ ફરી – ફરી ત્યાં જાય. તમારા જે અનેક અંશો આ પૃથ્વી પર વિસ્તર્યા છે, તેમની પાસે હું જાઉં અને તમને મળું ત્યારે તમારું સાહસ, શક્તિ અને સત્ય મને મળે, એવા આશીર્વાદ આપજો, બાપુ.

તમને સમજવામાં પ્રયત્નશીલ 

સેજલ

10 ઑક્ટોબર, 2023
સૌજન્ય : “પ્રબુદ્ધ જીવન”; ઑક્ટોબર 2023; પૃ. 15-16

Loading

શાન્તિના સિપાહી

વિપુલ કલ્યાણી|Mukaam London|3 November 2023

‘મુકામ લંડન’ −

હવે આ સાપ્તાહિક કર્મને ય પાંચ દાયકા થવામાં. રૉબિન ડેના વારાથી, નિયમિતપણે દર રવિવારે, સવારે નવને ટકોરે, સાંપ્રત પ્રવાહોને આવરી લેતો રાજકીય વિશ્લેષક કાર્યક્રમ બી.બી.સી. ટેલિવિઝન પરે દાયકાથી માણતો રહેતો હોઉં છું. રૉબિન ડે નિવૃત્ત થયા પછી, સંચાલનપદે ડેવિડ ફ્રૉસ્ટ આવ્યા. એમના પછી, નીક રૉબિન્સન આવ્યા, અને એમના પછી આવ્યા એન્ડ્રુ માર. હવે સંચાલકપદે છે, લૉરા કુન્સબર્ગ. સામાન્યપણે બી.બી.સી.ના રાજકીય બાબતો માટેનાં તંત્રી આ કાર્યક્રમના સંચાલકપદે રહેતાં આવ્યાં છે.

લયલા મોરૅન, ‘હાઉસ ઑવ્‌ કૉમન્સ’માં, યુનાઈટેડ કિંગ્ડમના લિબરલ ડેમોક્રેટિક પક્ષનાં સાંસદ છે. ગયા રવિવારે, બી.બી.સી.ના ‘સન્નડે વીથ લૉરા કુન્સબર્ગ’ નામક આ કાર્યક્રમમાં, ઉદ્દઘોષક વિક્ટોરિયા ડાર્બીશરને કહેતાં હતાં : હવે લોકો એમ કહેતાં નથી, અમે ક્યાં સલામત હોઈશું ? એ લોકો હવે સવાલ કરે છે, આપણે જ્યાં મરવાનું છે, તે જગ્યા આપણને મળશે જ કે ?” (“No longer are people saying, where do we go to be safe? The question they are now asking is, where do we want to be when we die?”)

આ સાંસદની માતા ફિલિસ્તાની ઈસાઈ છે અને પિતા બ્રિટિશ. લયલા મોરૅનનાં માવતર ગાઝા નગરના એકાદ ફિલિસ્તાની દેવળમાં અત્યારે શરણાર્થી છે.

આ આઘાતજનક ખુલાસો સાંભળી, ઊંડી હમદર્દી વ્યકત કરતાં કરતાં વિક્ટોરિયા ડાર્બીશર શ્રોતાઓને બસ્સામ આરામીન અને રામી એલહનાનની વાતમાં લઈ ગયાં.

રામી એલહનાન  – વિક્ટોરિયા ડાર્બીશર – બસ્સામ આરામીન 

પૂર્વ જેરુસલામના કોઈક ઉપનગરમાં આ બન્નેનો વસવાટ. બસ્સામ ફિલિસ્તાની આરબ અને રામી ફિલિસ્તાની યહૂદી. બન્નેની અકેકી દીકરી આરબ-યહૂદી હિંસક ઘમસાણમાં જ હણાયેલી. અબીર આરામીનનું દશની વયે 1997માં ખૂન થયું. સ્મેદર એલહનાનનું પણ એ જ સાલે ચૌદની વયે ખૂન થયેલું.

ફિલિસ્તાની લડતમાં કિશોરાવસ્થાથી બસ્સામ સામેલ હતા. એ દિવસોમાં પ્રાચીન નગર હેબ્રૉનમાં એ રહેતા હતા. એમનું વય હશે માંડ સત્તરનું ને ઇઝરાયલી સેના ઉપર પથ્થરમારો કરવાના કોઈક આરોપસર તે ઝડપાયેલા અને તે પછી ઈઝરાયેલી કેદમાં સાત વરસ ગાળવાના તેને આવે છે. બસ્સામ કહેતા હતા, એ દિવસો દરમિયાન, ફિલિસ્તાની પરચમ હાથમાં ફરકાવતા રહી તે ઇઝરાયલી કબજા સામે હુંકાર કરતા રહેતા. બાકી બીજા કેદીઓ અમને વીરલા લેખતા. પરંતુ જેલરો અમને એકાબીજાને ધીક્કારવાનું તેમ જ પ્રતિકાર જ કરવાનું કહેતા હતા. એવામાં એક દહાડે સૈનિકોનું ધાડું આવી પૂગ્યું. અમને દરેકને નિ:વસ્ત્ર થઈ જવાનું કહેવામાં આવ્યું અને પછી અકેકને પકડીને કોરડે કોરડે વીંઝવા લાગ્યા.

મેં જોયું, બસ્સમ કહેતા હતા, સૈનિકોના મોં પર સ્મિત હતું અને કોઈ પણ જાતના ધીક્કાર વિના અમને ફટકારતા હતા. એમને માટે તો એ કદાચ તાલીમ હતી; અને અમે એ તાલીમ સારુ જીવતાં જાગતાં ઓજાર ! અને લાગલા મને વરસો પહેલાં હોલોકોસ્ટ બાબતની જે ફિલ્મ જોયેલી તેનું સ્મરણ થઈ આવ્યું. એ ફિલ્મ જોતાં જોતાં હું ડૂસકે ચડેલો. યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલવામાં આવી રહ્યાં હતાં તે મારાથી દેખી શકાતું જ નહોતું. અને હું તાદાત્મ્ય અનુભવતો રહ્યો.

આમાંથી જ તો સંવાદ પેદા થયો. એકદા હું કેદખાનાના એક રખેવાળ જોડે વાતે વળગ્યો. મારે તો યહૂદીઓને સમજવા હતા, પામવા હતા. એ રખેવાળ મને પૂછી બેઠો, ‘તારા જેવો માણસ આમ આતંકવાદી કેમ બની શકે ?’ મેં લાગલા કહ્યું, ‘ના, હું નથી; આતંકવાદી તો તું છો. હું તો આઝાદી માટે લડતો સૈનિક છું.’ અમે ફિલિસ્તાનીઓ અહીં વસવાટી જ માત્ર છે તેમ એ માનતો હતો. મેં તેને પડકાર્યો અને અમે વસવાટી જ છીએ તે પુરવાર કરવા કહ્યું. અને આમ અમારો સંવાદ વિકસતો રહ્યો. એ રખેવાળને ય પરિણામે સમજાયું કે ખરા વસવાટી તો એ લોકો છે ! અને પછી અમે એકબીજાને સમજતા ગયા. સંવાદ જોડાજોડ અમે ભાઈબંધી બાંધી. ફિલિસ્તાની આંદોલનનો તે ટેકેદાર પણ બની બેઠો. આ સંવાદ, આ સજદારીમાંથી અમને દેખાતું ગયું કે અહિંસક માર્ગે અને શાંતિના પથ પર રહીને જ આ જટિલ કોયડો ઉકલવો જોઈએ. બીજો કોઈ જ ચારો નથી. જોયું ને, એક વારનો સંવાદ અને સામા પક્ષે હૃદયની ખરાઈ તેમ જ પાક્કી લગની મજબૂત બનતી રહી.

અને પછી ‘ઓસલો સમજૂતિ’ થઈ અને દ્વિ-રાષ્ટૃની વાત કેન્દ્રસ્થ બની. સન 2005 પછી તો અમે આવી માન્યતા ધરાવતા લોકો ખાનગીમાં ભૂતપૂર્વ યહૂદી સૈનિકો જોડે સંવાદ પણ કરતા ગયા. અમે ઉભય પક્ષની જવાબદારીઓ જેમ જેમ સમજતા ગયા, તેમ તેમ અમારો સલુકાઈવાળો વહેવાર પણ કરતા રહ્યા. અને પછી 2007ની ઘટના ઘટી. વેળાએ મારી દીકરી અબીરને બંદૂકની ગોળીએ વીંધી નંખાઈ. એ બીચારી દુકાને કેન્ડી લેવા નીકળેલી અને તેમાં તે હણાઈ. હું હતપ્રભ થઈ ગયો; સાડાચાર વરસ સુધી એક પછી એક અદાલતે લડતો રહ્યો. અબીર હમાસમાં સામેલ નહોતી; વળી તે અલ ફતહમાં ય નહોતી. ફિલિસ્તાની આરબ અને ફિલિસ્તાની યહૂદીઓ વચ્ચે જો ભાઈચારો કેળવવો હોય તો સુલેહ આધારિત સમજૂતિ બનવી જ રહી. ઈઝરાયલ આવા ગુનાઓનો સ્વીકાર કરે તેમાંથી ક્ષમાપનાનો ભાવ જાગશે ને. છેવટ, વેરથી વેર સમતું નથી.

વેર વસૂલવાને પંથે હું જઈ શક્યો હોત; એ સરળ માર્ગ હતો. પણ સંવાદિતામાંથી પાછા ફરવાને કોઈ જ કારણ નહોતું. એક સૈનિકે મારી દીકરીને હણી નાંખી, ત્યારે આશરે સોએક પૂર્વ ઇઝરાયલી સૈનિકોએ જ અબીર જે જગ્યાએ હણાઈ તે નિશાળના પટાંગણમાં અબીરની સ્મૃતિમાં એક બાગની રચના કરી.

સન 2005માં બસ્સામે ‘Combatants of Peace’ (શાંતિના સિપાહી) નામક રચનામાં એક સ્થાપક સભ્ય નાતે જોડાવાનું રાખ્યું. ભૂતપૂર્વ ફિલિસ્તાની યહૂદી સૈનિકો તેમ જ ભૂતપૂર્વ ફિલિસ્તાની આરબ સ્વાતંત્ર્ય સૈનિકો આ સંસ્થામાં અહિંસાનો માર્ગ તેમ જ સંવાદ એક માત્ર નીતિ રહેવા પામી છે.

બીજી પાસ, રામી એલહનાન ઇઝરાયલી ગ્રાફિક ડિઝાઇનર છે અને જોડાજોડ શાન્તિ માટે કામ કરનાર એક કર્મઠ કર્મશીલ પણ. એમના પિતા હોલોકોસ્ટમાંથી બચનાર યહૂદી હતા અને 1946 વેળા ઇઝરાયલ આવી વસવાટી બન્યા હતા. જુવાનીમાં રામી ઇઝરાયલી સેનામાં દાખલ થયા હતા અને 1973ના યોમ કિપુર યુદ્ધમાં સૈનિક પણ રહ્યા હતા.

જેરુસલામની એક શેરીમાં ચોપડીઓની એક દુકાનમાં તેમની દીકરી સ્મેદર પુસ્તક ખરીદીએ ગયેલી તે સમયે, સન 1997 દરમિયાન, ત્યાં કોઈક આત્મવિલોપન કરતા બોંબ ધડાકામાં મારી ગઈ. ઉભય પક્ષે ઇઝરાયલી – ફિલિસ્તાની સંઘર્ષમાં માર્યાં ગયેલાં બાળકોનાં સમવિચારી માતાપિતા જોડે ‘Parents’ Circle – Families Forum’ રચના કરાઈ. રામી તેમાં સક્રિય રહ્યા. વળી, ‘Combatants of Peace’માં ય જોડાયા અને સક્રિયપણે ભાગ લેતા રહ્યા. અહીં આ જૂથોમાં રામી અને બસ્સામ નજીક આવ્યા અને ભાઈબંધ બની ગયા. આ બન્નેની ભાઈબંધી તેમ જ સક્રિયતાને કારણે 2012માં ‘વિધિન ધ આઇ ઑવ્ ધ સ્ટોર્મ’ નામક એક દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરાઈ છે. શેલી હેરમોને તેનું નિયમન (ડિરેકશન) કર્યું છે.  વળી, અલહનાન અને આરામીનની ભાઈબંધીને પરિણામે એક આયરીશ લેખક, કોલમ મેકકાને 2020માં, ‘અપિરોગાન’ (Apeirogon) નામે એક મજેદાર નવલકથા ય આપી છે. આ નવલકથાને પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે.

વારુ, વિક્ટોરિયા ડાર્બીશર સાથેની વાતચીતમાં, ગયા રવિવારે, આ બન્ને ભાઈબંધો કહેતા હતા, અમે ફિલિસ્તાનીઓ બન્ને ભાઈઓ છીએ અને અમારા આંદોલનમાં સાતસો ઉપરાંત માતાપિતાનું સક્રિય યોગદાન રહ્યું છે. જગતના વિવિધ ભાગોમાં અમને બોલાવવામાં આવે છે ત્યાં પરિસંવાદોમાં, સભાઓમાં જોડિયા ભાગીદાર પણ બનીએ છીએ. ફિલિસ્તાનીઓમાં સુમેળનું વાતાવરણ ગોઠવી શકાય અને આ બે કોમોનો આ મુલક બને તેવી અમારી ખ્વાયેશ છે.

રામી કહેતા હતા, એક બાજુ આરબોના મૃતદેહો અને બીજી પાસ યહૂદીઓના મૃતદેહોના ઢેર જોઈએ છીએ અને અરેરાટી થાય છે કે શું આ મુલક માત્ર મોટું કબ્રસ્તાન તો નહીં થઈ બેસે ને ? અમને શાન્તિ અને અહિંસાને મારગે એખલાસ ભર્યા બે કોમોના મુલકો થાય તેવી શ્રદ્ધા છે. આ સિવાય અમને બીજો કોઈ રસ્તો સૂજતો જ નથી. કોઈ જ ચારો નથી.

આ સંદેશ લઈને અમે સાથે ઘૂમીએ છીએ. બાળકોને, કિશોરોને, યુવકોને ય વાત કરીએ છીએ. અમારી વાત બહૂધા કાને પડે છે. એકાદને પણ તેની અસર પહોંચે તો અમને સંતોષ વળે છે.

બસ્સામ તો માનતા હતા કે એમના જીવનકાળમાં આ શક્ય થાય તેમ છે, કેમ કે તેમનાં સંતાનો અને સંતાનોનાં સંતાનો પહેલાં એ અને એમની ખુદ પેઢી જ આવા આશાવાદના જોરમાં સલુકાઈએ જીવન ગુજારે તેવા એ સૌને ઓરતા છે.

પાનબીડું :

કચ્છના આદિપુરના વસવાટી સિંધી સાહિત્યકાર હૂંદરાજ દુખયાલ [16 જાન્યુઆરી 1910 – 21 નવેમ્બર 2003] આચાર્ય વિનોબાજીની પદયાત્રામાં લાંબા અરસા સુધી સામલે હતા.. પદયાત્રા સારુ એ  કૂચગીતો લખતાં અને પછી પદયાત્રીઓને ય ગવડાવતાં. એમની આ રચના ખૂબ પ્રસિદ્ધિ પામી છે. અને અહીં લેખને અનુરૂપ પણ છે.

शांति के सिपाही चले ….

शांति के सिपाही चले, क्रांति के सिपाही चले

लेके खैरख्वाही चले, रोकने तबाही चले

बैर भाव तोड़ने, दिल को दिल से जोड़ने

कौम को संवारने जान अपनी वारने। रोकने तबाही….

विश्व के ये पासवां, लेके सेवा का निसां

भिरुता से सावधान, चल पड़े हैं बेगुमां। रोकने तबाही…

सत्य की संभाल ढाल, अहिंसा की ले मशाल

धरती मां के नौनिहाल, निकल पड़े सुचाल। रोकने तबाही…

जय जगत पुकार के, बढ़ रहे बिना रुके

लेके दिल के वलवले, अपने ध्येय को चले। रोकने तबाही…

                                                                                  − हूंदराज दुखायाल जी

[1,260 શબ્દો]
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ, 01 નવેમ્બર 2023
E.mail : vipoolkalyani.opinion@btinternet.com
બે વીડિયો લિંક :
https://www.bbc.co.uk/news/av/uk-politics-67254147
 https://www.youtube.com/watch?v=ppGSDVKO2iM

[પ્રગટ : “અખંડ આનંદ”; મે 2024; પૃ. 67-70]

Loading

...102030...1,0521,0531,0541,055...1,0601,0701,080...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved