કોરોનાની અસર સમાજનાં લગભગ બધાં ક્ષેત્રો પર પડી છે. એમાં શિક્ષણના ક્ષેત્ર પર પડેલી લગભગ ૪૦ કરોડ વિદ્યાર્થીઓ અને લાખ્ખો શિક્ષકોને સ્પર્શતી હોઈ, તેની થોડી ચર્ચા કરવા જેવી છે.
પ્રથમ શિક્ષકો પર પડેલી અસર તપાસીએ. શાળાઓ બંધ હોવાથી ખાનગી પ્રાથમિક અને ગ્રાન્ટ નહિ લેતી માધ્યમિક શાળાઓ પૈકી મોટા ભાગની શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી મેળવી શકી નથી. ગુજરાત સહિત અનેક રાજ્યોએ કોરોનાકાળની ફી ઉઘરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, તેથી એ શાળાઓ ત્રણેક મહિનાથી શિક્ષકોને પગાર ચૂકવી શકી નથી. આ શિક્ષકોને હવે ક્યારે અને કેટલો પગાર મળશે, તેની અનિશ્ચિતતા ઊભી થઈ છે. વળી, ઘણા શિક્ષકો માટે રોજગારી ગુમાવવાનો ભય ઊભો થયો છે. આ શિક્ષકોે કુટુંબનો જીવનનિર્વાહ કેવી રીતે ચલાવવો, તે વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટો પગાર નહિ મેળવતા પગારદારો ઝાઝી બચત કરી શકતા નથી તે આપણા સહુનો અનુભવ છે. તેથી આવાં અસંખ્ય કુટુંબો દેવામાં ઊતરી જશે. જે રાજ્ય સરકારોએ વાલીઓના હિતમાં શાળાઓ પર ફી વસૂલવા પર પ્રતિબંધ મૂકીને શિક્ષકોને પગારથી વંચિત રાખ્યા છે, તે સરકારોએ ખાનગી શાળાઓના શિક્ષકોને કોરોનાકાળના મહિનાઓથી પગાર ચૂકવવાની જવાબદારી ઉપાડી લેવી જોઈએ. એ તેમની નૈતિક જવાબદારી બને છે.
ઘણી બધી પરીક્ષાઓ, ખાસ કરીને યુનિવર્સિટીઓની પરીક્ષાઓ યોજી શકાઈ નથી. એ જ રીતે ‘ગુજકેટ’ અને ‘નીટ’ જેવી પ્રવેશપરીક્ષાઓ પણ યોજી શકાઈ નથી. આ પૈકી યુનિવર્સિટીઓને યુ.જી.સી.એ સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા વર્ષની પરીક્ષા લઈ લેવાનો આદેશ આપ્યો છે. અન્ય પરીક્ષાઓ રદ કરવાની છે. યુ.જી.સી.નો આ આદેશ વિવાદાસ્પદ બન્યો છે. જ્યાં હજી સિમેસ્ટર પ્રથા ચાલુ છે, ત્યાં છેલ્લા સિમેસ્ટરમાં ઓછું અધ્યાપન થઈ શક્યું છે. આમાંથી પ્રશ્ન ઊભો થયો છે : વિદ્યાર્થીઓ પૂરું ભણ્યા જ નથી પછી પરીક્ષા શાના આધાર પર લેવાની ? છેલ્લા સિમેસ્ટર સિવાયનાં સિમેસ્ટરોની પરીક્ષા રદ કરવાના નિર્ણયના સંદર્ભમાં એક શૈક્ષણિક પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે : એ પ્રથામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ડિગ્રીમાં પ્રત્યેક સિમેસ્ટર સરખું જ મહત્ત્વ (વેઇટેજ) ધરાવે છે. તેમાં આપણી પરંપરાગત પ્રથામાં વાર્ષિક પરીક્ષાને જે રીતે નિર્ણાયક ગણવામાં આવે છે, તે રીતે સિમેસ્ટર પ્રથામાં છેલ્લા સિમેસ્ટરની પરીક્ષાનું કોઈ અદકેરું મહત્ત્વ નથી. આનો અર્થ એવો થાય કે યુ.જી.સી.ના સત્તાધીશોએ સિમેસ્ટર પ્રથાના હાર્દને સમજ્યા વિના જ પરીક્ષા અંગેનો નિર્ણય કરી નાખ્યો. દેશમાં ઊભી થયેલી અસામાન્ય પરિસ્થિતિમાં નિર્ણયો પુખ્ત વિચારણા અને સંબંધકર્તાઓની સાથે વિચારવિમર્શ કરીને કરવા જોઈએ, પણ મોટા નિર્ણયો ઝાઝી વિચારણા અને આયોજન વગર કરવાની મોદી સરકારની કાર્યશૈલી સાથે યુ.જી.સી.નો નિર્ણય સુસંગત છે.
ગુજકેટ અને નીટ જેવી પ્રવેશ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે, તેથી દેખીતી રીતે વિદ્યાર્થીઓ માટે નિશ્ચિતતા થઈ લાગે, પણ વિદ્યાર્થીઓ નિશ્ચિતતા અનુભવતા નથી. ગુજરાતમાં ઇજનેરી માટે લેવામાં આવતી ગુજકેટનો દાખલો આના સંદર્ભમાં નોંધવા જેવો છે. ગુજરાતમાં સરકારે પહેલાં તે ૩૦ જુલાઈએ લેવામાં આવશે, એવી જાહેરાત કરી હતી, પણ નીટની તારીખ ૧૩ સપ્ટેમ્બર જાહેર થતાં ગુજકેટની તારીખ બદલીને ૨૨ ઑગસ્ટ કરવામાં આવી. ઘણા દિવસો પછી સરકારના ધ્યાનમાં આવ્યું કે કોઈએ ધ્યાન દોર્યું કે તે પર્યુષણ અને ગણેશ ચતુર્થીનો જાહેર રજાનો દિવસ છે, તેથી એ તારીખ બદલીને ૨૪ ઑગસ્ટ કરવામાં આવી, પણ પરીક્ષાર્થીઓને એવી આશંકા છે કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં ગુજકેટ માટેની તારીખ બદલાશે, તેથી તેઓ નિશ્ચિતતા અનુભવતા નથી. આમાં સરકારની અનિર્ણાયકતા સમજી શકાય તેવી છે. તે પણ કોરોનાની અકળગતિનો પાર પામી શકે તેમ નથી, પણ કોરોનાનો સામનો કરવા માટેના માર્ગો વિચારીને પરીક્ષાની તારીખ નિશ્ચિત કરવાનો વિકલ્પ વિચારવો જોઈએ. મુદ્દો એ છે કે ગુજકેટના પરીક્ષાર્થીઓને અનિશ્ચિત સમય સુધી પરીક્ષાના ભાર નીચે ન રાખવા જોઈએ.
આમ તો આપણી પરંપરા પ્રમાણે ઉનાળુ વૅકેશન પૂરું થયેલું ગણાય અને નવા વિદ્યાકીય સત્રનો આરંભ થઈ ગયેલો ગણાય; પણ કોરોનાની મહામારીને કારણે શિક્ષણસંસ્થાઓ ચાલુ કરી શકાય તેમ નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસના દિવસો વેડફાઈ રહ્યા છે. હજી લાંબો સમય આ સ્થિતિ ચાલુ રહે, તો વિદ્યાર્થીઓની ભણવાની આદત છૂટી જવાનું જોખમ રહેલું છે. તેમના અભ્યાસની આદત જળવાઈ રહે તે માટે ઑનલાઇન વિદ્યાભ્યાસની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે, પણ તેની મર્યાદા તરત જ ઊપસી આવી. બધા વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોન ધરાવતા નથી. વળી ઈન્ટરનેટની ઝડપનો પ્રશ્ન પણ ઊભો થયો. ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રશ્નો વધારે વિકટ છે. વર્ગશિક્ષણથી ટેવાયેલા વિદ્યાર્થીઓને ઘરમાં પડદા પર દેખાતા એકલા શિક્ષકને ધ્યાનથી સાંભળવા માટે નવી આદત કેળવવી પડે. એમાં એકાગ્રતા કેળવવાનું ખાસ કરીને નાના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બની જાય. વળી, શિક્ષણ આપવા-લેવાની આ કાંઈ કાયમી પદ્ધતિ નથી. આ એક કામચલાઉ વ્યવસ્થા હોવાથી તેને બહુ ગંભીરતાથી લેવામાં ન આવે તે સહજ છે.
અહીં કોરોનાની મહામારીની દેશના શિક્ષણક્ષેત્ર પર પડી રહેલી અસરોની ચર્ચા કરી છે. તેના સંદર્ભમાં એક આનુષંગિક શૈક્ષણિક સ્વરૂપના મુદ્દાની ચર્ચા કરવા જેવી છે. કોરોનાની મહામારીનો સામનો કરવાના પ્રયાસોને યુદ્ધ રૂપે જોવાના ઔચિત્ય વિશે વિચારવા જેવું છે. પ્રશ્ન એ છે કે કોણે એ યુદ્ધ લડવાનું છે – નાગરિકોએ કે સરકારે ? દેખીતી રીતે જ નાગરિકોએ યુદ્ધ લડવાનું છે. કેમ કે, તેઓ જ મહામારીનો ભોગ બને છે અને તેની કિંમત ચૂકવે છે. મહામારીનો અસરકારક રીતે સામનો નાગરિકોએ પોતાના હિતમાં કરવાનો છે. તે માટે તેમણે શું કરવાનું છે અને શું નહિ કરવાનું તેની સમજ નાગરિક સંસ્થાઓએ નાગરિકોમાં કેળવવાની છે. કેમ કે, દેશના કરોડો નાગરિકોના સાથ સહકાર વિના આ મહામારીનો સામનો થઈ શકે નહિ. આ એક શૈક્ષણિક કાર્ય છે, પણ તેને યુદ્ધનું નામ આપીને તેને બાહુબળનું લશ્કરી સ્વરૂપ આપવામાં આવ્યું, તેના પરિણામે રાજ્યની દંડશક્તિમાં પ્રચંડ વધારો થયો. સમગ્ર યુદ્ધ દંડશક્તિના આધાર પર જીતવાનું હોય તેમ સેંકડો આદેશો કેન્દ્ર અને રાજ્યના સ્તરેથી બહાર પાડવામાં આવ્યા. તેમાંથી પોલીસરાજ્ય સ્થપાયું, એવો માહોલ સર્જાયો, પણ તેનાથી યુદ્ધ હજી જિતાયું નથી. લોકોના સમજપૂર્વકના સાથસહકારથી મહામારી સાથે કામ પાડવામાં, તો પરિણામમાં કેટલો તફાવત પડે તે જાપાનના દાખલા પરથી જોઈ શકાય છે. બાકી કોરોના જેવી કોઈ પણ મહામારીને અંકુશમાં લેવાની કામગીરી નિષ્ણાતોએ કરવાની હોય છે. એ એક સંશોધન પર આધારિત જ્ઞાનવૃદ્ધિની શૈક્ષણિક પ્રક્રિયા છે. આ કોઈ બાહુબળ પર આધારિત સમસ્યા નથી, જેને યુદ્ધ રૂપે જોઈ શકાય.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 10