રે કોરોના જીવનપથનો પ્રશ્ન સંકીર્ણ કીધો
ગોઝારા તેં જગસકલને છેહ કેવો છ દીધો.
આવું તો ના કદી પણ બન્યું વિશ્વના યુદ્ધમાંયે
વૈજ્ઞાનિકો મૂંઝવણમહીં ઝૂઝતા છે સદાયે.
છે ચાઈના, ઈટલી, અમરિકા જુઓ પૂર્ણ ત્રસ્ત
સર્વે સ્થિત સ્વગૃહનગરે અદ્યપિ અસ્તવ્યસ્ત.
આ કોરોના સ્થલજલ વિશે દૃશ્ય ના, તોય વ્યાપ્ત
ને પૃથ્વીના સકલજનને માત્ર પીડા જ પ્રાપ્ત.
કોઈ બેસી નિજઘરમહી દૈવને દોષ દેતું
શું સત્તાનો કસૂર પણ હોઈ શકે, કોઈ કહેતું.
આ તે કેવી વિકટ ઘડી કે વ્યગ્ર વ્યાકુળ વિશ્વ
ના કોઈનો અમલ જરીયે, દીર્ઘ કે હોય હ્રસ્વ.
ભીતિ લૈને લય પ્રલયની સંભ્રમે સૃષ્ટિ સ્તબ્ધ,
અંતે ઉર્વી પ્રકૃતિ પરિતોષે પરિપુષ્ટિ લબ્ધ.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 ઍપ્રિલ 2020